Quantcast
Channel: Ashok Dave's Blog
Viewing all articles
Browse latest Browse all 894

ફિલ્મ : 'આનંદ આશ્રમ' ('૭૭)

$
0
0
ફિલ્મ : 'આનંદ આશ્રમ' ('૭૭)
નિર્માતા-નિર્દેશક : શક્તિ સામંત
સંગીત : શ્યામલ મિત્રા
ગીતકાર : ઈન્દિવર
રનિંગ ટાઈમ : ૧૫-રીલ્સ- ૧૪૬-મિનિટ્સ
થીયેટર : શ્રી (અમદાવાદ)
કલાકારો : અશોક કુમાર, ઉત્તમ કુમાર, શર્મીલા ટાગોર, રાકેશ રોશન, મૌસમી ચેટર્જી, ઉત્પલ દત્ત, અસિત સેન, ચંદ્રિમા ભાદુરી, માણિક દત્ત, અનિતા ગુહા, સી. એસ. દુબે, રતન ગૌરાંગ, માસ્ટર અલંકાર અને મહેમાન કલાકાર : પ્રેમા નારાયણ





ગીતો
૧. ખુશી બાંટતે હૈ અપની જો લેકે ઔરોં કે ગમ... શ્યામલ મિત્રા
૨. રાહી નયે નયે, રસ્તા નયા નયા, તુમ ન બદલી... કિશોર કુમાર
૩. જબ ચાહો ચલી જાઉંગી, પ્યાર સે બુલા કે દેખો... લતા મંગેશકર
૪. સારા પ્યાર તુમ્હારા, મૈંને બાંધ લિયા હૈ આંચલ મેં... આશા-કિશોર
૫. તેરે લીયે મૈંને સબ કો છોડા, તુ મુઝકો છોડ ચલી... કિશોર કુમાર
૬. તુમ ઈતની સુંદર હો, સારી દુનિયા દીવાની... યેસુદાસ-પ્રીતિસાગર

'આનંદ આશ્રમ'ફિલ્મના નામ પરથી કેવા અંજાઈ જવાય એવું છે? આપણે ત્યાં સ્વચ્છ પ્લસ સામાજીક ફિલ્મો જ પસંદ કરનારો વર્ગ અલાયદો છે. જ્યારે ફિલ્મો જોવાનો જમાનો આપણો હતો. (૫૦ અને ૬૦ના દાયકાઓ) ત્યારે મદ્રાસના જેમિની, એવીએમ કે વાસુ મેનનની ફિલ્મો સામાજીક જ બનતી અને આપણો આ (અમદાવાદની લિંગોમાં, 'નદીની પેલી પારનો વર્ગ'એટલે કે કિલ્લાઓની અંદર પૂરાયેલા શહેરવાળો વર્ગ નહિ, પણ એલિસ પુલ કે નેહરૂ બ્રીજ પત્યા પછીનો મોટા ભાગનો શિક્ષિત વર્ગ. એટલે આ શિક્ષિત વર્ગને આનંદ આશ્રમ ગમી જ જશે, એવું કમ-સે કમ એના નામ પરથી તો લાગે. શમ્મી કપૂર શહેરવાળાઓને ગમતો ને રાજેન્દ્ર કુમાર નદીપારવાળાઓને! ઉત્તમ કુમારની 'અમાનુષ'તો બન્ને પારવાળાઓને ગમી હતી ને તો ય કાંઈ ટિકીટબારી ઉપર તડાકો પાડયો નહતો.

પણ 'અમાનુષ'સારી ગઈ, એટલે આ ય સારી હશે, એવું માની લેવામાં નદીપારવાળા બધા ભરાઈ ગયા...!

થોડું ય માનવામાં આવે ખરું કે, આ જ નિર્માતા-દિગ્દર્શક અને આ જ કલાકારોની આખી ટીમ આની આગલી અદ્ભૂત ફિલ્મ 'અમાનુષ'જોઈ હોય ને ધડ કરતી બીજી ફિલ્મ માની ન શકો એટલી કચરાછાપ બને?

હા. માનવમાં તો આવશે, કારણ કે, હમણાંની જ વિનય પાઠકની ફિલ્મ 'ભેજા ફ્રાય'મેં જોયેલી સર્વોત્તમ હિંદી કૉમેડી ફિલ્મોમાં એકથી પાંચમાં આવે... (એ જ વિનય પાઠક-લારા દત્તા સાથેની બીજી ફિલ્મ 'ચલો દિલ્લી'ની જેમ) પણ તરત જ એ લોકોએ 'ભેજા ફ્રાય'નો બીજો ભાગ બનાવ્યો, એ જ ટીમ સાથે ને કેવી ફાલતુ ફિલ્મ બની હતી, ... કોઈ પંખો ચાલુ કરો! 'કાબે અર્જુન લૂટીયો, વો હી ધનૂષ વો હી બાણ...'આપણને તો પહેલી પસંદ આવી, એટલે બીજી એટલી જ સુંદર હશે, એમ જ માની લઈએ ને? (કુંવારા હોઈએ ને કન્યા જોવા ગયા હોઈએ, એ સબ્જૅક્ટની વાત નથી થતી... પંખો બંધ કરો!)

બાય ગૉડ... 'અમાનુષ'જેવી કલાકૃતિ બનાવ્યા પછી આ બીજી 'આનંદ આશ્રમ'એવી રદ્દી બની કે, શેરવાનીના કારીગરે ચડ્ડી પણ ઊંચી-નીચી બાંયોવાળી બનાવી હોય! આમાં થયું હશે કેવું કે, 'અમાનુષ'બનતા બની ગઈ હોય. એ લોકોનો સુંદર ફિલ્મ બનાવવાનો પ્લાન નહિ હોય... પછી દેશભરના થીયેટરોમાં રીલિઝ થઈ એટલે ઊંઘમાંથી જાગ્યા શક્તિ સામંત કે, 'અલ્યા, આ તો લોકોને ગમી લાગે છે...! ચલો, ત્યારે બીજો ઘાણ ઉતારીએ...'

પરિણામે, પોતે સ્વચ્છ અને સુંદર સામાજીક ફિલ્મો બનાવી શકે છે, એ પુરવાર કરવા શક્તિ દા નિષ્ફળ સામંત બની ગયા અને કચ્ચરઘાણ વાળી નાંખ્યો પોતાની ઈમેજનો! પહેલીમાં અડધા જ બંગાળીઓ ભર્યા હતા ને ટ્રાવેલ્સવાળા બે-ચાર સીટો બાકી રહેતી હોય ત્યારે'વકરો એટલો નફો'ના ધોરણે સાવ મફતના ભાવમાં બે-ચાર સીટો કોઈને પધરાવી દે, એમ શક્તિ સામંતે 'અમાનુષ'માં બાકી રહી ગયેલા બંગાળીઓ દાદામોની ઉર્ફે અશોકકુમાર, મૌસમી ચૅટર્જી, ધાર્મિક ફિલ્મોની બારમાસી માતા સીતા કે માતા અનસુયા બનતી અનિતા ગુહા અને ચંદ્રિમા ભાદુરી (રીતા ભાદુરીના મધર)ને ય બોલાવી લીધા.

અનિતા ગુહા આમ તો, 'અમાનુષ'અને 'આનંદ આશ્રમ'બન્નેમાં કામ કરતા ઍક્ટર માણિક દત્તને પરણી હતી. (માણિક આ ફિલ્મમાં શર્મીલા ટાગોરના પિતાનો રોલ કરે છે.) પણ મુંબઈના ફિલ્મનગરીયાઓ કહે છે કે, છેલ્લા અનેક વર્ષોથી અનિતા કૉમેડિયન ઓમપ્રકાશની વહાલસોયી 'દોસ્ત'તરીકે રહેતી હતી અને ઓમે અનિતાને ચર્ચગેટ પર એક ફલેટ પણ લઈ આપ્યો હતો. 'જય સંતોષી માં'ફિલ્મથી અનિતા દેશભરમાં સંતોષી માતા તરીકે રીતસર પૂજાવા માંડી હતી. એનું બદનસીબ કહો કે એને જ નસીબવાન કહો પણ એ ફિલ્મોમાં આવી ત્યારથી એને 'માન ન માન, તુ મેરી ભગવાન'ના ધોરણે માતાજી જ બનાવી દેવાઈ. ધાર્મિક ફિલ્મોમાં સીતા, કૌશલ્યા કે સાક્ષાત માં અંબાજી જોઈતા હોય તો અનિતા પાસે હાજર સ્ટોકમાં આ બધા માતાજીઓ પડયા હોય. પછી તો એ ય, એકની એક ઢબની ધાર્મિક ફિલ્મોમાં કામ કરી કરીને કંટાળી ગઈ હતી. પણ એ સિવાય તો કાંઈ નૂતન-નંદા કે નરગીસના રોલ કોઈ થોડા આલે...? પતિ માણિક દા ના અવસાન પછી એ મુંબઈ જ આવતી રહી. પાછલા વર્ષોમાં એના પૂરા શરીરે કોઢ (લ્યૂકોડર્મા) નીકળ્યો હતો, છતાં એના પ્રેમી ઓમપ્રકાશે એના મૃત્યુપર્યંત એનો સાથ છોડયો નહતો.

આ ફિલ્મ 'આનંદ આશ્રમ'માં બહુ વખતે દેખાયેલો ચરીત્ર અભિનેતા સી. એસ. દુબે એકે ય પ્રેક્ષકોનું ધ્યાન ખેંચ્યા વિના જ પતી જાય છે, નહિ તો હિંદી ફિલ્મોમાં કોઈ 'આદર્શ'બળાત્કારી કે ભડવો બતાવવો હોય તો જાણકારો એમ કહે છે કે, સી. એસ. દુબે જેવો બીજો કોઈ ઍક્ટર નહિ. બદમાશીભરી ચમચાગીરી કરતા મુનિમ કે શાહુકારના રોલમાં એ ફિટ બેસતો. મૂળ નામ 'ચંદ્રશેખર દૂબે' ('દુબે'અને 'દવે'અટકો મૂળ 'દ્વિવેદી'અટકના અપભ્રંશ છે... અમે બધા બા'મણભ'ઈઓ... જેને સરકારે લઘુમતિનો દરજ્જો આપ્યો નથી... કોઈ પંખો ચાલુ કરો!)

બીજી માથે પડેલી આઈટમ છે, અસિત સેન. વર્ષોથી એકની એક ઢબની ઍક્ટિંગ અને બોલવાની સ્ટાઈલ ને એમાં ય ચેહરો ધાર્યા કરતા વધારે કદરૂપો. શક્તિ સામંતમાં આ ફિલ્મ બનાવતી વખતે ઝાઝી અક્કલ સ્ટૉકમાં નહિ પડી હોય, તે 'આનંદ આશ્રમ'નો અશોક કુમારના નોકરનો આટલો મજબૂત રોલ આવા એક નૉન-ઍક્ટરને આપ્યો. મૂળ વાર્તા મુજબ, ફિલ્મમાં નોકરનો આ કિરદાર અત્યંત મહત્વનું વજન ધરાવે છે, ત્યારે આ ભ'ઈ, એમની બોલવાની કાયમી ચાંપલાશ મુજબ 'દેએએએ...ખોઓઓઓ, કઉન આયા હેએએએએએ...!'થી આગળ વધ્યા નહિ.

એને ચાન્સ પણ સારા મળ્યા હતા. ફિલ્મ હીરોઈન સાધનાએ બનાવેલી ફિલ્મ 'ઇન્તેકામ'માં લોકોને પેટ પકડીને હસાવી શકે એવો એક સંવાદ મારવાડી સેઠીયાના કિરદારમાં મળ્યો હતો. હેલનને જોઈને લટુડો થઈ ગયેલો આ સેઠ કહે છે, 'ના સેઠ ના... મન્ને તો ગરમીમાં કોટ, ધંધામાં ખોટ અને લિપસ્ટીક વગરના હોઠ થોડા ભી પસંદ નહિ હૈ...'જોય મુકર્જીની ફિલ્મ 'લવ ઈન ટોકિયો'માં પણ શોભા ખોટેને પરણવા આવેલા વૃદ્ધ બંગાળી વૃદ્ધની મેહમુદ પટ્ટી પાડે છે, એય સીચ્યુએસન પણ મસ્તાની બની હતી.

અસિત સેનનો દીકરો અભિજીત સેન માંડ કોઈ ૮-૧૦ ફિલ્મોમાં આવ્યો હતો અને તે પણ વિલન તરીકે. વિનોદ ખન્ના, તનૂજાની ફિલ્મ 'ઈમ્તેહાન'યાદ રહી હોય તો એમાં મુખ્ય વિલન આ છોકરો બને છે.

થોડી ઘણી ફિલ્મો આ અસિત સેને પણ દિગ્દર્શિત કરી હતી, પણ 'અનોખી રાત', 'મમતા', 'ખામોશી'અને 'સફર'જેવી ફિલ્મોના સારા દિગ્દર્શક તરીકે નામ કમાનાર અસિત સેન પાછા જુદા.

'આનંદ આશ્રમ'ની ભલે કોઈ ગ્રેટ વાર્તા તો નહોતી, પણ આવા દિગ્દર્શકને અપાઈ હોત તો, કુછ બાત બન જાતી. વાર્તા કંઈક આવી હતી.

ધનાઢ્ય બ્રાહ્મણ જમીનદાર અશોક કુમારનો એકનો એક પુત્ર ઉત્તમ કુમાર કલકત્તામાં ડૉક્ટરીનું ભણીગણીને ગામ પાછો આવે છે... (વાત અહીંથી જ કાંઈ જામતી નથી ને...? એક તો બ્રાહ્મણ... ને એ ય પાછો જમીનદાર... ને એ ય પાછો 'ધનાઢ્ય'? તારી ભલી થયા ચમના... વાર્તાનો પ્રારંભ હંમેશા 'એક ગરીબ બ્રાહ્મણ હતો...'ત્યાંથી કરો, તો વાત પ્રજાના ગળે ય ઉતરે!) ત્યાં એને નાનપણની દોસ્ત શર્મીલા ટાગોર મળી જાય છે. બન્ને ટાઈમની બહુ કિંમત સમજતા હોવાથી પ્રેમમાં પડવામાં કાચી સેંકડ પણ બગાડતા નથી, પણ શર્મીલા ક્રિશ્ચિયન અને ઉત્તમકુમાર બ્રાહ્મણનો દીકરો હોવાથી બ્રાહ્મણ અશોકકુમાર, 'યે શાદી નહિ હો સકતી...'નો દરેક ફિલ્મમાં વપરાતો ઘીસ્યોપીટયો ડાયલૉગ મારે છે. વિદ્રોહ કરીને ઉત્તમ વાઈફને લઈને બીજા ગામ જતો રહે છે. ટ્રેનમાં એમને ઉત્પલ દત્ત મળે છે ને એના ગામમાં એના પૈસે દવાખાનું ખોલી આપવાની ઓફર કરે છે, જ્યાં ગરીબ દર્દીઓનો ઈલાજ થાય. દરમ્યાનમાં શર્મીલા રાબેતા મુજબની માં બને છે ને વગર રાબેતા મુજબ ગુજરી જાય છે. ઉત્તમ કુમાર નવજાત શિશુને પરાણે અશોક કુમારના સહૃદયી નોકર અસિત સેનને સોંપે છે, જેથી એને પણ મોટો કરીને ડૉક્ટર બનાવી શકાય, પણ શરત મૂકે છે કે, આ દીકરો મારો છે, એની જાણ ફાધરને થવી ન જોઈએ, એટલે અસિત સેન બાળકને અનાથ બતાવીને અશોક કુમારના ઘેર મોટો કરે છે. અશોક કુમારને પણ છોકરો ગમે છે, જે મોટો થઈને રાકેશ રોશન બને છે. અને ઉત્પલ દત્તની છોકરી મૌસમી ચેટર્જીના પ્રેમમાં પડે છે. રાકેશ રોશન એના ફાધર સંગીતકાર રોશન અને બ્રધર રાજેશ રોશનની માફક બારમાસી ટાલીયો હોવાથી આપણને જોવી ય ન ગમે, એવી ફાલતુ વિગ પહેરીને દરેક ફિલ્મોમાં આવ્યો. ઉત્તમ કુમાર એને ડૉક્ટર બનતો જોઈને ખુશ તો થાય છે, પણ ખબર પડવા દેતો નથી કે, એ જ એનો બાપ છે ને ઉપરથી દીકરાને ટઈડકાવે છે કે, ડૉક્ટર બનીને ગામડામાં ગરીબ દર્દીઓની સેવા કરવાને બદલે વધુ પૈસા કમાવવા પરદેશ જવાની વાત કરે છે, તે તારા બાપાનું રાજ ચાલે છે? રાકેશ વધુ બોર થવાને બદલે વાત માની જાય છે, એમાં બાપાનું રાજ જળવાઈ રહે છે ને છેલ્લે બધા સારાવાના થાય છે. અશોક કુમાર, એનો દીકરો ઉત્તમ કુમાર અને પૌત્ર રાકેશ રોશન ભેગા થઈને જય આદ્યાશક્તિની આરતી ગાઈને છુટા પડે છે.

ઓકે. સારી ફિલ્મ કોને કહેવાય, એ આપણા કરતા વધારે ખબર કોઈને પડતી નથી, એ વાતમાં તો તમ સહમત થશો જ, કારણ કે ફાલતુ ફિલ્મ કોને કહેવાય, એની આપણને ખબર પડે છે.

... એટલે જ, પ્રશ્ન થાય છે કે, અશોક કુમાર, ઉત્તમ કુમાર કે ઉત્પલ દત્ત જેવા દિગજોને આવી ફિલ્મ સ્વીકારતી વખતે ભાન પડતું નહિ હોય કે, આવામાં કામો કરવાથી આબરૂ જશે?

ભાન તો બધું પડતું હોય, પણ છતાં ય પૈસો બી કોઈ ચીજ છે ને? આ લોકો ના પાડે તો બીજો કોઈ એ રોલ લઈ જાય ને ભારતમાં દર વર્ષે ઍવરેજ ૧૦૦ હિંદી ફિલ્મો બને છે, એમાં કસમથી... માંડ કોઈ ૮-૧૦ જોવા જેવી હોય છે. Beggars have no choices મુજબ, ઈન્ડસ્ટ્રીમાં ટકી રહેવા માટે ય એમને રદ્દી માલ પણ અપનાવવો પડે છે.

સંગીતકાર શ્યામલ મિત્રોએ 'અમાનુષ'માં એવું ક્યું છલોછલ સંગીત આપ્યું હતું કે, શક્તિ સામંતે આ ફિલ્મમાં એને જ પાછો રીપિટ કર્યો... પહેલાથી ય વધુ કચરાછાપ સંગીત આપવા! આ બન્નેમાંથી એકેય ફિલ્મનું, મને યાદ નથી કે, એકે ય ગીત એક પણ સ્ટેજ શોમાં કોઈ ગાતું/વગાડતું હોય! વાત નીકળી એટલે યાદ આવ્યું કે, ચૅન્નઈમાં સ્ટેજ પરથી જૂની ફિલ્મોના મસ્તમધુરા શો આયોજીત કરતા ને 'કૅપ્ટન'ના હુલામણા નામે ઓળખાતા શ્રીમતી લક્ષ્મી વર્ષોથી ચૅન્નઈમાં સુરીલા પ્રોગ્રામોનું આયોજન કરે છે. હમણાં મને ખાસ બોલાવ્યો, ત્યારે હેમંત કુમારના કંઠે સૌથી શ્રેષ્ઠ ગાતા ચૅન્નઈના જ સુરોજીત ગુહા, અમદાવાદના મુકેશ મુખ્તાર શાહ સાથે અદ્ભૂત કાર્યક્રમ યોજ્યો હતો. શોની આવકની પાઈએ પાઈ જરૂરતમંદોના લાભાર્થે ખર્ચતી આ સંસ્થાના સલાહકાર શ્રી મથુરભાઈ સોનીના કહેવા મુજબ, છેલ્લા ઘણા વર્ષોથી ચાલતી આ સંસ્થાની તમામ આવક ધર્માદામાં જાય છે, તે એટલે સુધી કે, ખુદ અમે આયોજકો પણ આ શોમાં ટિકીટ લઈને બેસીએ છીએ.

ટૂંકમાં, એક સલાહ માનવી સારી, કે એક દિગ્દર્શકની એક ફિલ્મ ગમી, એટલે બીજી ય સારી જ હશે, એવું માની લેવાની જરૂર નથી.

Viewing all articles
Browse latest Browse all 894

Latest Images

Trending Articles



Latest Images

<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>