Quantcast
Channel: Ashok Dave's Blog
Viewing all articles
Browse latest Browse all 894

ટુવાલ સંસ્કૃતિ (પુરૂષ)

$
0
0
(લેખના શીર્ષકમાં 'ટુવાલ સંસ્કૃતિ'ને કેવળ પુરૂષો પૂરતી મર્યાદિત રાખી છે, એટલે મોટા ભાગના પુરૂષ વાચકો વાંચવાના નથી... અને અમે ઈચ્છીએ છીએ કે, આ લેખ એ લોકો તો ન જ વાંચે! - ધમકી પૂરી)
* * *
આજે આપણે ટુવાલને થતા અન્યાયો વિશે વિચારીશું.

ટુવાલ મનુષ્યનું એક નીગ્લેક્ટ થયેલું છતાં જેના વગર ચાલે નહિ એવું વસ્ત્ર છે, છતાં એને કદી વસ્ત્રનો દરજ્જો અપાયો નથી. કોઈએ આજ સુધી ટુવાલ સિવડાવ્યો હોવાનું સાંભળ્યું નથી. ટુવાલ પહેરીને આખું ફેમિલી સાઈડ-બાય-સાઈડ ઊભા રહીને ફોટા પડાવતું નથી.

ટુવાલની વિશાળતા સામે રૂમાલ તો બચ્ચું કહેવાય, છતાં લોકો રૂમાલને ૨૪-કલાક સાથે રાખે છે, પણ ટુવાલ લઈને કોઈ ઑફિસે કે હિલ-સ્ટેશનો ઉપર જતું નથી. ત્યાંની હોટેલોવાળા ટુવાલ આપે છે, હાથરૂમાલ નહિ. ઑફિસ જતા વાઈફો પોતાના ગોરધનને, ''રૂમાલ લીધો?''યાદ કરાવે છે, પણ 'ટુવાલ-બુવાલ લીધો કે એમને એમ જ હાલી નીકળ્યા...?'પૂછતી નથી. આપણામાં જે વર્ણજાતિભેદ જોવા મળે છે, તેમ વસ્ત્ર જગતમાં જાતિભેદ છે.

ઉપરથી નીચેના ક્રમે જતા, ટુવાલ, રૂમાલ, નેપકીન, ગાભો અને કિચનની ચોકડી સાફ કરવાનું પોતું નિમ્ન ગણવામાં આવે છે. જ્ઞાતિ એક જ હોવા છતાં આપણા કામમાં ટુવાલની જેમ આ બધા ય આવે છે. એ બધામાં ટુવાલનો દરજ્જો ઊંચો હોવા છતાં એની ઉપયોગીતા એક જ કાર્ય માટે સીમિત રહી ગઈ છે. નેપકીનના બદલે ટુવાલ ચાલી જાય, પણ ટુવાલને બદલે નેપકીનથી બોડી ન લૂછાય.

ગાડીનો કાચ લૂછવા માટે ગાભો ગાડીમાં ન પડયો હોય તો ટુવાલ ચાલી જાય. (આજનો ટુવાલ આવતી કાલનો ગાભો છે) પરંતુ કિચનની લાદી પર ઘસવાનું ભીનું પોતું શું કદી ટુવાલનું સ્થાન લઈ શકશે ખરું? એક વખત તો બાથરૂમમાં ભીનેવાન થઈને ટુવાલને બદલે હાથરૂમાલ મંગાવી જુઓ!

બૉડી લૂછવા તો ઠીક, આબરૂ ઢાંકવાના કામમાં ય રૂમાલ નહિ આવે... આ તો એક વાત થાય છે. ટુવાલોને બહુ ગીન્નાવવા જેવા નહિ. કોઈ ટુવાલ રિશી કપૂરના દીકરા રણવીર કપૂરની કરિયર બનાવી શકે છે (ફિલ્મ : સાંવરીયા) તો કેટલાકની કરિયર ખત્મ કરી શકે છે (ટેસ્ટ ક્રિકેટર શ્રીસંત) તો કેટલીક સ્ત્રીઓ વગર ટુવાલે આખી કરિયર બનાવી શકે છે (સની લિયોની).

પર્સનાલિટી કહો કે 'ટુવાલિટી'કહો, ટુવાલના ચરીત્રના બે પાસાં છે. પેટ પાસે ચુસ્ત ગાંઠ મારીને બાંધેલો ટુવાલ ઉપરથી હલ્યાચલ્યા વિનાનો સ્થિતપ્રજ્ઞ એટલે કે, ફિટમફિટ, પણ નીચેથી ચંચળ સ્વભાવનો. એ ચૂપચાપ  લટક્યો ન રહે. ગાર્ડનમાં રમતા બાળકની જેમ હરફર થયે રાખે... એના માલિકે ધ્યાન બહુ રાખવું પડે. ટુવાલ ખેંચાખેંચી-કલ્ચરમાં માનતો નથી. એ ઋષિમુનિની માફક પોતાના સ્થાને અડગ અને નિશ્ચલ રહે છે. એનું કેન્દ્રબિંદુ પુરૂષના પેટ ઉપર મારેલી એની ગાંઠમાં છે અને એટલે જ, ટુવાલો કદી પોતાની ધરી ઉપરથી ડગતા નથી. એ નિશ્ચલ છે.

આ એક જ એવું સાધન છે, જેને ઉન્નતિમાં રસ નથી. જગતભરના ટુવાલોએ આજ દિન સુધી મનુષ્યના પેટ ઉપર (કે નીચે) જવાનો પ્રયાસ કર્યો નથી, જેને આપણે કહીએ છીએ ને કે, 'છાતી પર ચઢી બેસવાની ટેવ!'તમે એને છંછેડો તો એ ધરતીમાં સમાઇ જશે પણ છાતી સુધી ખેંચાઈ જશે નહિ. એણે માનવીના ઢીંચણ અને પેટથી ઉપર સુધી પોતાનો મતવિસ્તાર મર્યાદિત રાખ્યો છે, છતાં જે દિવસે તમે એને છંછેડયો અને એણે પોતાના નિયમોમાં બાંધછોડ કરી, એ દિવસે તમારી ડીપોઝિટ ડૂલ કરાવી દે.

ટુવાલોને તો નીચેથી લટકતા જ રાખવા પડે નહિ તો મિડી પહેરી હોય એવું લાગે. પેટ પાસે ગાંઠ મારેલો ટુવાલ કદી પોતાનું સ્થાન છોડતો નથી, જ્યારેઢીંચણ પાસે લટકતો એ જ ટુવાલ કદી હખણો ઊભો રહેતો નથી. એની આ ચંચળતા જોનારાઓ માટે લાલચ (સ્ત્રી દર્શક હોય તો), ભય, જુગુપ્સા, એરકન્ડિશનવાળી એસી-ઈફેક્ટ અને સંસ્કારી દર્શકો માટે ગુસ્સાનું કારણ બની રહે છે.

ગુજરાતીઓ એકબીજાનું એંઠુ કદી પીતા નથી, પણ 'પીવા'બેઠા પછી આ લોકો કોઇના નહિ. એકબીજાની એંઠી સિગારેટ કે ડ્રિન્ક્સ કોઈ અભિમાન વિના ગટગટાવી જાય. એણે જે કાંઈ બાકી રાખ્યું હોય, એમાંથી ત્રીજો ય હાથ... આઇ મીન, હોઠ મારે... હઓ! થૅન્ક ગૉડ... પીધા પછી નહાવાનું હોતું નથી, નહિ તો આ લોકો એકબીજાના એંઠા ટુવાલો ય શેર કરે! (આ બતાવે છે કે, દારૂ નહિ, ટુવાલ એકબીજાને એકબીજાની નજીક લાવે છે! ...લખ્યું-ચાલ્યું માફ કરજો!)

ટુવાલ પબ્લિસિટીમાં માનતો નથી. મેહમાનો આવે ત્યારે પહેર્યા પછી હું કેવો લાગું છું-મારો 'પહેરેદાર'કેવો લાગે છે, એ બતાવવા બાથરૂમની બહાર આવતો નથી. ટુવાલ પહેરેલો માણસ તમને કદી ડ્રૉઇંગ-રૂમમાં સોફા ઉપર બેઠેલો જોવા નહિ મળે, રસ્તા ઉપર દોડતો જોવા નહિ મળે કે ઘોડા ઉપર બેઠેલો જોવા નહિ  (ઊંટ ઉપર બેઠેલો તો વિચારતા જ નહિ!) મૌતના કૂવામાં લાકડાના ઊભા ખપાટીયાઓ ઉપર સ્પીડ પકડતી મોટર-સાયકલ અને ટુવાલ વચ્ચે આટલો જ ફર્ક છે કે,મોટર-સાયકલ પોતાની સ્પીડ છોડે તો મૌત... અને ટુવાલો સ્પીડ પકડે તો મૌત! ટુવાલે પોતાનું નિશ્ચિત સ્થાન પકડી રાખવું પડે છે. પુરૂષના શરીર ઉપર એને ફાળવવામાં આવેલી જગ્યા બદલી શકાતી નથી. પેટને બદલે ઢીંચણથી કે ઉપર ગળાથી એ પહેરાતો નથી... એવું થાય તો, બા તો બહુ ખીજાય!

વધુ લ્હાય બળે એવો અન્યાય ઈતિહાસે ટુવાલને કર્યો છે. રામાયણ-મહાભારત કે ભારતના રાજા-બાદશાહોના સમયમાં કોઈ પાત્રે ટુવાલનો ઉપયોગ કર્યો હોય, એવું તમે વાંચ્યું? 'પાની મેં જલે મોરા ગોરા
બદન... હાય'ગાતી અને બદન પર જૅલના ફૂવારા મારતી અતિસુંદર મહારાણી જાકુઝી-બાથ લેતી દર્શાવાય છે અને બબ્બે ટુવાલો બગાડે છે... આઇ મીન, એક વધારાનો માથાના વાળ બાંધવા અને એક પહેરવા માટે! શાહી લિબાસ પહેરીને શહેનશાહ રાજદરબારમાં ઠાઠથી પ્રવેશતા દેખાશે,પણ એવી જ શાનોશૌકતથી એ ટુવાલ વીંટાળીને હાથમાં તલવાર અને ભાલા પકડીને શાહી-હમામ (હમામ એટલે બાથરૂમ)માં દાખલ થતા જોવા મળતા નથી. ટુવાલ વીંટાળેલા કોઇ શહેનશાહનું એકે ય પેઈન્ટિંગ તમે આજ સુધી જોયું? તો પ્રશ્ન એ થાય કે, નાહ્યા પછી એ લોકો બૉડી શેનાથી લૂછતા હશે?

ટુવાલ હકીકતમાં તો 'અંદર કા નહિ... બાહર કા મામલા હૈ', છતાં કહેતા શરમ આવે છે કે, ટીવી પરની જાહેરખબરોમાં કોઈ સેક્સી મૉડલ... જસ્ટ બીકૉઝ, એના બૉયફ્રેન્ડે 'લલિત-બ્રાન્ડનો ટુવાલ પહેર્યો છે, માટે એવો ટુવાલ પહેરીને છત સુધી ઊંચો કે દિવાલો પર આડા ઠેકડા મારતો ગુંડા સાથે ફાઈટિંગ કરતો દેખાતો નથી... શું ટુવાલ આરામ કા મામલા નહિ હૈ...? (તમે બધા મુઠ્ઠીઓ ઉછાળીને મોટા અવાજે, ''હૈ... ચોક્કસ હૈ''એવું બોલજો... અમારી વાત જરા ઢીલી પડી રહી છે.)

સ્નાન સિવાય પુરૂષો ટુવાલનું મૂલ્ય સમજી શક્યા નથી. એને બહુ નીગ્લૅક્ટ કર્યો છે. સારા પ્રસંગોએ ટુવાલને લઈ જવાતો નથી, પણ સ્મશાનમાં લઈ જવાય છે. ખભે ટુવાલ ઓઢીને રીસેપ્શનમાં કોઈ જતું નથી. રીસેપ્શનના સ્ટેજ ઉપર કવર આપવા લાઈન લાગી હોય છે.

એ બધાના હાથમાં ગિફ્ટ-પેકેટ હોય છે, પણ એકે ય પેકેટમાં વાપરેલો કે વાપર્યા વગરનો ટુવાલ હોતો નથી. રીસેપ્શનમાં આવેલા મેહમાનો સ્ટેજ પર-ઉપર ભલે બ્લૅઝર પહેર્યું હોય, પણ નીચે ટુવાલો પહેરી ને શું કામ ન જાય? (સાઉથમાં પચ્ચાસ હજારનું બ્લેઝર પહેર્યું હોય પણ નીચે તો લૂંગી જ હોય!

તો આપણે શૂટમાં પેન્ટને બદલે ટુવાલ કેમ પહેરી ન શકાય?... સંસ્થા જાણવા માંગે છે!) એક જમાનામાં, સ્મશાને ટુવાલ ફરજીયાત લઇ જવો પડતો. નાહ્યા વગર ડાઘુઓને ઘેર પાછા કોઈ આવવા દેતું નહિ ને રસ્તામાં કોઈ યારદોસ્તના ઘરે નહાવા જવાય નહિ. એ સંજોગોમાં સ્મશાનમાં જ ડાઘુઓ માટે નહાવાની 'તત્કાલ-સેવા'રૂપે એક નળ રાખવામાં આવતો-એક ટુવાલ નહિ. એ તો બધાએ ઘેરથી પોતપોતાનો લઈ જવો પડે.

રીસેપ્શન અને સ્મશાન વચ્ચે ચોક્કસ મોટો તફાવત છે, પણ નહાવાનુંઅથવા 'નાહી નાંખવાનું'તો બન્નેમાં કૉમન છે ને? બન્નેમાં ટુવાલની જરૂરત તો પડવાની! આ સાબિત કરે છે કે, બાળક જન્મે ત્યારથી સ્મશાન સુધી ટુવાલની જરૂરત પડે છે, છતાં માનવજીવનમાં એનું મૂલ્ય સ્વીકારાયું નથી.

સિક્સર
- શું આ દિવાળીમાં ક્યાં ગયા'તા?
- ભૂગર્ભમાં.

Viewing all articles
Browse latest Browse all 894

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>