ફિલ્મ : 'ગહેરી ચાલ '('૭૩)
નિર્માતા-દિગ્દર્શક : સી.વી. શ્રીધર
સંગીત : લક્ષ્મીકાંત-પ્યારેલાલ
ગીતકાર : રાજીન્દર કિશન
રનિંગ ટાઈમ : ૧૬-રીલ્સ : ૧૪૦ મિનિટ્સ
થીયેટર : શ્રી/શિવ/અજંતા/ઈલોરા (અમદાવાદ)
કલાકારો : જીતેન્દ્ર, હેમા માલિની, અમિતાભ બચ્ચન, બિંદુ, પ્રેમ ચોપરા, પી.જયરાજ, ચંદ્રશેખર.
ગીતો
૧.દે તાલી, બડી જોર સે, બડે શોર સે... લતા મંગેશકર
૧.દે તાલી, બડી જોર સે, બડે શોર સે... લતા મંગેશકર
૨.એ બાઈ, તું કહાં સે આઈ... કિશોર કુમાર
૩.કુકડુ કુડુ, બડા પ્યારા લાગે તુ... આશા ભોંસલે
૪.શામ ભીગી ભીગી બદન જલ રહા હૈ... આશા ભોંસલે
૫.જયપુર કી ચોલી મંગવા દે સૈંયા... આશા ભોંસલે
૬.મારા વાદે ને તેરે ઐસે, તુટે હૈ તારે જૈસે... આશા ભોંસલે
સાઉથના જે દિગ્દર્શક સી.વી. શ્રીધરે 'દિલ એક મંદિર'અને પછી તદ્દન ઊલટા જૉનર ફેફસાંફાડ કોમેડીની 'પ્યાર કિયે જા'બનાવી, એ પછી તો આપણે આખેઆખી જ્ઞાતિઓની ટિકીટો કઢાવી આપવાની હોય, એને બદલે આજની ફિલ્મ 'ગહેરી ચાલ'જોયા પછી એ જ શ્રીધરને ખાડિયાની ભાષામાં, ''તું નીચે આય, ભ'ઈ..''કહીને આપણો જુસ્સો ઠંડો પાડવો પડે.
એવી ફાલતુ ફિલ્મી 'ગહેરી ચાલ'બનાવી! અમે બીજું તો ખાસ કંઈ નહિ, ફિલ્મ માટે લાગેલો 'થ્રિલર'નો ટૅગ વાંચીને કૂદી પડયા હતા. હમણા અજય દેવગણની ફિલ્મ 'દ્રશ્યમ'જોયું કે રાજકુમાર રાવનું 'ન્યુટન'જોયું, એ બધાને થ્રિલર કહેવાય. અહીં તો સ્ટુડિયોમાં જસ્ટ અમથો આંટો મારવા આવી હોય તો ય હેમા માલિની એકાદું ડાન્સ-સૉન્ગ ગાતી જાય... વાર્તા ક્યારે શરૂ થશે, એ એક મોટું થ્રિલર હતું.
જીતેન્દ્રનો પૂરબહાર જમાનો ચાલતો હતો અને અમિતાભ હજી નવો નિશાળીઓ હતો, એટલે નવિન નિશ્ચલની સામે એને ફિલ્મ 'પરવાના'માં વિલન બનાવ્યો હતો, એમ અહીં વિલનમાંથી આઠમી મિનિટે પાછો અચ્છો દોસ્ત બની જાય છે. એ પાછો હેમા માલિનીનો સગો ભાઈ બનતો હોવાથી એને કોઇ હીરોઈને ય આપી નથી. ઍરપોર્ટ પર એ જીતુને લેવા હેમા સાથે જાય છે, ત્યારે જીતુ કેવળ એક બૅગ લઈને ઉતરે છે ને એ ય હેમા ખોલાવે છે, તો ચાર ફાઇલો (અને થોડા નકલી હીરા) લઈને અમિતાભ-હેમાના ઘેર ઉતરે છે.
કપડાંલતા વિનાની આ બેગ જીતુને મરણપર્યંત ચાલે છે. એમાંથી નવા શૂઝ, શૂટ, ઈસ્ત્રી કરેલા નવાનક્કોર કપડાં એ ઈચ્છે ત્યાં સુધી નીકળતા રહે છે. જોઇ જુઓ જરા... આવી બૅગો ઓએલએક્સમાં મળે છે? ભારતભરની સૌથી કન્ડમ ફિલમો '૭૦ અને '૮૦ના દશકોમાં બની હતી.
કોઈ મ્હોં-માથું જ નહિ. અફ કૉર્સ, એ સમયે આપણી ઉંમરે ય ફિલ્મોનું મૂલ્યાંકન કરવાની નહોતી. કોઈ ફિલ્મ ગમવાનું કારણ મોટા ભાગે તો હીરો-હીરોઈન હતું. સંગીત તો આ દાયકાઓમાં અત્યંત ફાલતુ નીકળતું, એટલે ગીતોને કારણે ફિલ્મ જોવા જવાનું તો ૨૫-માંથી માંડ એકાદી ફિલ્મમાં બનતું. વચમાં એકાદી 'શોલે'જેવી ઑલટાઈમ ગ્રેટફિલ્મો આવી જતી, પણ એ અપવાદરૂપે!
મોટો લૉસ સંગીતમાં ગયો. અત્યારે યાદ આવે, એવી સંગીતને કારણે ગમી હોય, એવી તો 'સરગમ'કે 'યાદોં કી બારાત'જેવી ગણીગાંઠી ફિલ્મો હતી. પણ એ બન્ને ફિલ્મોના સંગીતકારોએ જ મોટો દાટ વાળ્યો.
લક્ષ્મીકાંત-પ્યારેલાલ તો એક તબક્કે શંકર-જયકિશનની બરોબરીએ મૂકી શકાય એવા સંગીતકારો હતા અને પંચમ દા એટલે કે, રાહુલદેવ બર્મન તો ટ્રેન્ડ-સેટર હતા. એટલે કે, દાયકાઓથી ચાલી આવતી સંગીતની ઘરેડને ધરમૂળથી બદલીને પંચમ દા એ 'તીસરી મંઝિલ'થી ફિલ્મસંગીતની પૂરી શકલ બદલી નાંખી.
પણ પૈસાના લોભમાં આ બન્ને પાર્ટીઓએ હિંદી ફિલ્મોના જ નહિ, પોતાના સંગીતનું ય નખ્ખોદ વાળી નાંખ્યું. બન્નેએ શરૂઆતની ફિલ્મોમાં તો એવું સંગીત આપ્યું કે, આપણે નૌશાદ કે મદન મોહનને ય એમના પછીનો નંબર આપવા લાગીએ. વિચાર કરો, પંચમ દા એ પૂરી ૩૩૧-ફિલ્મોમાં અને લક્ષ્મી-પ્યારેએ... કેટલી, ખબર છે? ...૬૩૫-ફિલ્મોમાં સંગીત આપ્યું. સવારે ટોપલો લઈને કાગળના ડૂચા વીણવાવાળી આવે ને જે હાથમાં આવે તે ડૂચો ટોપલામાં નાંખવા માંડે, એવું આ બન્ને સંગીતકારો (એલ.પી. અને પંચમ)એ કર્યું... એ જાણવા છતાં કે, હવે આપણી આબરૂ જઈ રહી છે, છતાં રાજકારણ રમીને કે... કહેતા શરમ આવે છે પણ નિર્માતાઓ પાસે ભીખ માંગી માંગીને આ લોકો એક પછી એક ફિલ્મોમાં સંગીતનો ઘાણ ઉતારવા માંડયો. લક્ષ્મી-પ્યારેની સારી બહુ બહુ તો ૫૦-ફિલ્મો ગણીએ તો જસ્ટ થિન્ક ઑફ ઈટ... બાકીની છસ્સો ફિલ્મોમાં કેવી વેઠ ઉતરી હશે? છેલ્લા વર્ષોમાં આર.ડી. પાસે એક વર્ષમાં ૨૦-૨૦ ફિલ્મોમાં સંગીત આપવાનું આવતું.
એક ફિલ્મમાં સરેરાશ છ ગીતો ગણીએ તો એક વર્ષમાં એને ૧૨૦-ની આસપાસ ધૂનો તૈયાર કરવાની આવતી વર્ષના ૩૬૫-દિવસ (રજા-બજા ન ગણીએ તો પણ) દર દોઢ દિવસે એક ધૂન બનાવવાની, કઇ સિચ્યૂએશનમાં કેવું ગીત બનાવવાનું છે, એ સમજવા ફિલ્મના દિગ્દર્શક સાથે બેઠકો કરવાની, એના ગાયકો-વાદકોને રીહર્સલો કરાવવાના, મુંબઇના ટ્રાફિકમાં બિલકુલ ટાઈમસર રૅકૉર્ડિંગ સ્ટુડિયો રોજ પહોંચવાનું અને ફિલ્મનું બૅકગ્રાઉન્ડ-મ્યૂઝિક તો જુદું (જે સંગીતકારોના આસિસ્ટન્ટ્સ જ આપે). આમાં વિચાર કરો કેવો ઘાણ ઉતરે?
એની સામે એ જ પંચમના પિતાજી સચિનદેવ બર્મન, નૌશાદ કે મદન મોહન વર્ષમાં સરેરાશ માંડ ૨-૩ ફિલ્મો તો મેક્સિમમ આવે... અને એ ય નૌશાદ કે બર્મન દા પાસે સંગીત અપાવવું હોય તો નિર્માતાઓએ કાકલૂદી કરવી પડતી. ફિલ્મની વાર્તા કે નિર્માતા-દિગ્દર્શકનું સ્તર બરોબર હોય તો જ એ હા પાડે.
હવે તો આરડી બર્મનનું નામ સાંભળીને નિર્માતાઓ ઘસીને ના પાડી દેતા હતા... 'બીજો કોઈ બી શ્યામજી-ઘનશ્યામજી લાવો... પંચમ તો નહિ જ!'બહુ પત્તા ચીપીને પંચમે સુભાષ ઘાઈની 'રામલખન'મેળવી તો ખરી, પણ કોઈકે સુભાષનું ધ્યાન દોર્યું, ''પંચમને ક્યાં લો છો...? એની તો છેલ્લી બધી ફિલ્મો ફ્લૉપ ગઈ છે..!''અને છેવટે સુભાષે એમના રેગ્યુલર સંગીતકાર લક્ષ્મી-પ્યારેને લીધા... અને એ બન્નેને પણ કેવો પસ્તીનો માલ પિરસ્યો છે, એ તમે ય જાણો છો!
એમાં ય કાંઈ બાકી હતું તે સંગીતકાર રાજીન્દર કિશને ચમનપુરા, ઘોડાસર, અમદુપુરા કે બાપાલાલની ચાલીમાં રહેતા ગરીબ કવિ જેવા સ્તરના ગીતો લખ્યા છે. ભંગાર ગીતો લખવામાં (અદાલત કે જહાનઆરા જેવી બે-ચાર ફિલ્મોને બાદ કરતા) એમનો હાથ પરફૅક્ટ બેસી ગયો હતો. 'રફ્તા રફ્તા દેખો આંખ મેરી લડી હૈ...'સ્તરના ગીતો જે માણસે લખ્યા હોય, એણે 'ગહેરી ચાલ'માં તો 'રફ્તા રફ્તા'ને ય ગઝલ કહેવડાવે એવા સસ્તા ગીતો અહીં લખી માર્યા છે.
સંગીત જવા દઈએ તો હીરો લોગ પણ ફાલતુ હતા. હજી રાજેશ ખન્ના કે અમિતાભ બચ્ચનો સૅટ નહોતા થયા, એટલે અમથી ય ફાલતુ ફિલ્મોમાં ફાઇટ-માસ્ટર ધર્મેન્દ્ર કે કૂદકા-માસ્ટર જીતેન્દ્ર જેવાઓને લેવા પડતા. સાચું પૂછો તો, ભારતીય પ્રેક્ષકોને આજની જેમ ફિલ્મો જોતા ય આવડતી નહોતી. આવા સંગીત અને આવી ક્વૉલિટીવાળી રદ્દી ફિલ્મો ય સિલ્વર-જ્યુબિલીઓ મનાવતી, કારણ કે બીજી કોઈ ચૉઇસ નહોતી.
ખૈર... એ વખતે તો અમે ય જીતેન્દ્ર-અમિતાભ બચ્ચન અને હેમા માલિનીવાળી આ ફિલ્મ 'ગહેરી ચાલ'જોઈ નહોતી, પણ આ કૉલમ માટે, ''ચલો, લોકો થ્રિલર-થ્રિલર કહે છે, એટલે કમ-સે-કમ લખવાની સનસનાટી તો જળવાઈ રહેશે!''એ ધોરણે ફિલમ જોવા બેઠા... આ ફિલ્મ સાથે સંકળાયેલા બધાએ મને ભેગા થઈને કાળકોટડીમાં ખોસી દઈને ઢોર માર માર્યો હોય, એમ શરીર ઉપરના ચકામા હજી જતા નથી.
શેનું થ્રિલર? શેની સનસનાટી?? અમિતાભ હજી નવોનવો હતો, છતાં ય જોવો-માણવો ગમે એવો હતો (આવી ફિલ્મમાં પણ...!) પણ એ સાઇડમાં હોય ને હીરો તરીકે આપણે જીતુને જોવાનો? નેહરૂ બ્રીજના ઢાળ જેવા મોટા કપાળને કારણે હરએક ફિલ્મમાં માથે ટોપી પહેરી હોય એવી વિગ પહેરીને ખોટા વાળવાળી હેમા માલિનીને જોવી પણ ત્રાસ હતો. એ ઍક્ટ્રેસ તરીકે ('લાલ પથ્થર'ના અપવાદને બાદ કરતા) ક્યારે ય ચાલે એવી નહોતી, પણ સાઉથની હીરોઇનોમાં જે ફેક્ટર કોમન હોય છે, તે બક્સમ-બ્યૂટી (એટલે કે શરીરના અન્ય અવયવો કરતાં વક્ષસ્થળ ઊડીને વધુ આંખે વળગે એવા!) તેમ જ, સારી ઍક્ટિંગ કે સારી ફિલ્મ કોને કહેવાય, એ ભારતના સરેરાશ પ્રેક્ષકની સમજની બહારનો વિષય હતો, એમાં બહેન ચાલી ગયા. મુમતાઝ જેવો એકાદો અપવાદ હતો, જેનામાં ઍક્ટિંગ છલોછલ હતી-ધગધગતા રૂપ ઉપરાંત!
યસ. થોડો ડાઉટ... થોડો નહિ, ઘણો ડાઉટ બિંદુને કારણે જાય છે કે, ભાજીપાઉંના તવા ઉપર આંગળી મૂકીએ ને 'ઉઇઇઇ...'કરતી ઝાળ લાગી જાય, એવું સૅક્સીરૂપ એ જમાનામાં બિંદુનું હતું. જાંઘો પૂરેપૂરી બતાવવાનો એને કોઈ છોછ નહોતો.
શરીર એવું ભરાવદાર હતું કે, નાનો-પોચો કે ઠીંગણો માણસ તો મળ્યા પહેલા જ રાજીનામું આપતો આવે, ''આમાં આપણે નહિ પહોંચી વળીએ...!''બિંદુ ભાગ્યે જ એકાદી ફિલ્મમાં હીરોઇન બની પણ જે ફિલ્મોમાં એ વૅમ્પ બની, ત્યાં જે તે ફિલ્મની હીરોઇનોને જેલસ થયા વિના છુટકો જ નહતો.
અભિનયમાં બહેન એવા કોઈ સુરમા નહોતા, પણ અભિનય જોવા જતું'તું ય કોણ? ખુદ પોતાની સાળી બિંદુને જોવાનો ય સંગીતકાર લક્ષ્મીકાંતને એવો કોઇ હરખ નહોતો. એને તો બિંદુની બહેન ગમી ગઈ અને બિંદુનો બનેવી બન્યો! પછી સાસરામાં નવા કોઈ પ્રવાસો કરવાનું એને નહોતું ગમતું. પણ સાળી માટે એક ગીત ઝન્નાટ બનાવ્યું હતું, 'દર્દે દિલ બઢતા જાય, સારી સારી રાત નીંદ ન આયે' (ફિલ્મ 'બુનિયાદ') આપણા ગુજરાતી નિર્માતા-દિગ્દર્શક નાનુભાઈ દેસાઈની આ દીકરીએ કદી ગુજરાતી હોવાનું ગૌરવ તો જાવા દિયો, કોઈને જાણ પણ કરી નથી, કે હું ગુજરાતી છું. પ્રેમ ચોપરા સાથે એની જોડી મશહૂર થઈ હતી અને પરદા ઉપર પ્રેમ રાક્ષસી તાકાત સાથે એના ઉપર કૂદી પડતો, એ જોવાનું પ્રેક્ષકોને ખૂબ ગમતું હોવાથી પ્રત્યેક ફિલ્મમાં આ બન્નેના 'અડેલા'દ્રષ્યો ટિકીટબારીઓની ગૅરન્ટી આપતા.
અમિતાભ બચ્ચન એક મોટું આશ્વાસન હતો. એનો અવાજ, એની પર્સનાલિટી, એના સંવાદો કે એનો અભિનય તો 'સાત હિંદુસ્તાની'થી ઊડીને આંખે વળગે એવો હતો. '૩૦ થી '૫૦ના દશકમાં હીરો બનતો પી.જયરાજ અહીં મેહમાન કલાકાર છે. એ પછીના વર્ષોમાં લૂંટફાટ અને ફૂટપાથછાપની ફિલ્મોમાં એવો જ હીરો બનતો ચંદ્રશેખર અહીં પ્રેમ ચોપરાનો ચમચો બને છે.
હવે સવાલ મોટો થાય છે કે, આઉટરાઇટ કૉમેડી 'પ્યાર કિયે જા' (શશી કપૂર, મેહમુદ અને મુમતાઝ) અને 'દિક એક મંદિર' (રાજકુમાર, મીનાકુમારી અને રાજેન્દ્ર કુમાર) આ જ શ્રીધરે બનાવી હશે?