Quantcast
Channel: Ashok Dave's Blog
Viewing all articles
Browse latest Browse all 894

પ્રેમ પૂરો થઈ ગયા પછી શું કરવું ?

$
0
0
સન્ટુ સગપણમાં રામ જાણે... એના કોઈ વાંક વગર મારો કોઈ દૂરનો ભાણો થતો હતો, પણ એની મોટી હૉબી મન ફાવે ત્યારે ટેન્શનમાં આવવાની. ટેન્શનમાં આવ્યા પછી જ એની લોહીની ધમનીઓ ફાસ્ટ ફરવા માંડતી. ટેન્શનમાં આવવું એના માટે સર્કસના તંબુમાં આવવા જેટલું ઇઝી હતું, નસીબદાર ખરો કે, એના હન્ડ્રેડ પર સેન્ટ ટેન્શનો ફક્ત સ્ત્રીઓએ આપ્યા હોય. દુનિયાભરની સ્ત્રીઓ એક બાબતે પરફેક્ટ પ્રામાણિક હોય છે... ગિફ્ટો લેવાની ને ટેન્શનો આપવાની બાબતે ! ના- ના કરતી મોંઘી તો ઠીક ફાલતુ ગિફ્ટો ય ઓહીયાં કરી જાય ને બદલામાં જીવનભર પેલો હેડકીઓ ખાતો રહે, એવા ટેન્શનો આપતી રહે... મફતમાં કાંઈ ન લે... 'એક હાથ લે, દૂજે હાથ દે'. પ્રેમમાં પડેલી ૯૮ સ્ત્રીઓ નાલાયક હોય છે, તકવાદી હોય છે ને બીજો કોઈ સારો જોયો એટલે પહેલાને ઉડાડી મારે, એવી નફ્ફટ પણ હોય છે, એવું સન્ટુના મનમાં ફિક્સ તો થઈ ગયું હતું, પણ ગળે ઉતરતું નહોતું. ગાલ ઉપર ગુંદર લગાડીને ચાની કાળી ભૂકી ચોંટાડી દીધી હોય, એવી હવે તો દાઢીઓ રાખવા માંડયો હતો. નોર્મલી, પ્રેમની નિષ્ફળતાઓનો સીધો સંબંધ હેર-કટિંગ સલૂનો સાથે હોય છે. જેટલો લૉસ નિષ્ફળ પ્રેમીઓને જાય છે, એટલો જ સલૂનવાળાઓને થાય છે... આનો જ્યાં સુધી મેળ નહિ પડે ત્યાં સુધી આ લોકો દાઢીઓ વધારતા જાય, એમાં ઘરાકી તો વાળંદોની તૂટે ને ? ક્યારેય નહિ ને, હવે સન્ટુ ભિખારીઓને ભીખ પણ આપવા માંડયો હતો. મનમાં દુઃખ અને કટાક્ષભર્યા સ્માઇલ સાથે કે, 'મારા કરતા તો તમે વધુ નસીબદારો છો... માંગ્યા પછી કંઈક તો મળે છે...! મેં તો ચક્ષુ પાસે ભીખમાં ફક્ત પ્રેમ માંગ્યો હતો ઔર મુઝે ક્યા મિલા...? ભીખમાં મને ચક્ષુ તો ઠીક, વાંચવાના ચશ્મા ય ન મળ્યા !'

સન્ટુ ચોક્કસપણે માનતો કે, જુઠ્ઠુ બોલવામાં સ્ત્રીઓને તો કોર્ટના ભાડૂતી જામીનો ય ના પહોંચે! પૈસા આપો તો અદાલતોમાં ભાડુતી ચશ્મદીદ ગવાહો મળી રહે... ભલે ને ગુનાહના સ્થળે એ લોકો હોય પણ નહિ. પુરૂષ જગતની એટલી રાહત કે, સ્ત્રીની દુશ્મન સ્ત્રી જ હોય, પણ પુરૂષના દુશ્મન તો બાકાયદા સ્ત્રી હોય જ... જો પ્રેમિકા હોય તો !

હિંદી ફિલ્મોના ગીતોએ ભારતભરના પુરુષોને નમાલા બનાવી દીધા છે. મોટા ભાગના ગીતોમાં પેલીએ આને તરછોડી દીધો હોય, એમાં તો આ દાઢીઓ વધારીને બાકીની ફિલ્મ પૂરી કરે, વચમાં એકાદ- બે કરૂણ ગીતો ગાય ને ગ્રાઇપ-વોટરોની માફક દારૂઓ પીવા માંડે...

તારી ભલી થાય ચમના... જગતમાં તને પરણી શકે, એવી બીજી એકે ય સ્ત્રી રહી જ નથી ? તારામાં કોઈ પ્રોબ્લેમ હોય તો અત્યારે બોલી નાંખ ને એવું કાંઈ ન હોય તો પ્રેમિકાઓ તો રીક્ષા જેવી છે... એક જાય ને પાછળ બીજી આવતી જ હોય છે. (આપણા જેવાના કેસોમાં તો રીક્ષા નહિ, ભરી ભરી બસો આવતી હોય... સુઉં કિયો છો ?)

સન્ટુ મારી પાસે આવ્યો. આમ તો હેન્ડસમ હતો, પણ રાત્રે સૂઈ ગયા પછી આખી રાત એના મોંઢાથી શરુ કરીને ભીંત સુધી કરોળિયાએ જાળા બાંધ્યા હોય, એવા એના ફેસ ઉપર જાળા લટકતા દેખાતા હતા. 'બહુ તૂટી ગયો છું, કાકા બહુ તૂટી ગયો છું..!'આટલું બોલીને સોફા ઉપર એ બેસી ગયો. એની માફક એના સ્પોર્ટ્સ-શૂઝ પણ કોઈ લેડીઝ- ચપ્પલ સાથેના પ્રેમમાં નિષ્ફળ ગયા હોય, એમ એ પણ એની જેમ જ તૂટી ગયેલા હતા. શર્ટના ખિસ્સામાં કાણું હોય ને મહીં હાથ નાખો તો આંગળીનું ટેરવું હલતું દેખાય, એમ સન્ટુના ફાટેલા સ્પોર્ટસ-શૂઝમાંથી એનો અંગૂઠો બહાર આવું આવું કરતો હતો. એ એકલો જ બહાર આવ્યો હતો, એનો મતલબ એ થયો કે એના અંગૂઠાને પણ બાજુની લાબી આંગળીએ પ્રેમમાં દગો દીધો હશે... અર્થાત્, સન્ટુડાનું બધું જ બેવફા નિવડયું હતું.

''કાકા... કાકા... હવે હું જીવવા નથી માંગતો...''સન્ટુએ મારી સામે જોયા વિના આવું કંઈક કહ્યું.

''ધેટ્સ ફાઇન... પણ મર્યા પછી તું શું કરવા માંગે છે... ? આઇ મીન, કાંઈ વિચારી-બિચારી રાખ્યું છે ?''આવા બુદ્ધિ વગરના જવાબો આપવાની મને ય પહેલેથી હેબિટ અને હૉબી.

''કાકા... ચક્ષુએ મને દગો દીધો...ફોન જ ઉપાડતી નથી... આઇ થિન્ક, એ કોઈ બીજાના પ્રેમમાં છે... મારાથી સહન નથી થતું, કાકા... સહન નથી થતું ! બસ, હવે મને પંખે લટકવાના વિચારો આવે છે.''

''આઇ નો... આઇ નો... પણ તારી કારમાં પંખો તો છે નહિ... એ.સી. છે... તું લટકીશ કેવી રીતે ?''આવી મઝાક સૂઝી પણ મેં કરી નહિ. મારી પાસે એમ તો તાબડતોબ મરવાના ચાળીસેક નુસખા પડયા હતા, પણ એકે ય વાપરી જોયો ન હોવાથી ખાત્રીબદ્ધ માલ હું સન્ટુને આપી શકું એમ નહતો. ઘરખમ નિષ્ફળતાઓમાં છોકરાઓ આવું બોલે તો ખરા, પણ આપણે એમને સીરિયસલી નહિ લેવાના અને બીજું, આવાઓ પાસે આપણે પંખો પણ ચાલુ નહિ કરાવવાનો.

''ઓ. કે. ચલ... આપણે ક્લબમાં જઈએ. ત્યાં સ્વિમિંગ પુલ પાસે બેસીને શાંતિથી વાત કરીશું...''મેં સજેશન કર્યું. ક્લબની લોનમાં અમે બન્ને ખુરશીઓ નાખીને બેઠા.

''સન્ટુ, તારો મરવાનો વિચાર પાકો છે ને ?... આઇ મીન, તું ફરી તો નહિ જાય ને ?''મેં પૂછ્યું.

''કેમ કાકા આવું પૂછો છો ?''

''એ જાણીને તારે શું કામ છે ? તું તો મરી જવાનો છે...!''

મારો જવાબ સાંભળીને એ સાચ્ચું રડયો, ''કાકા... યુ ટુઉઉઉ... ?''મને તો એમ કે, જગતમાં મારા જવાથી જો કોઈ એક વ્યક્તિને દુઃખ થશે તો એ ફક્ત તમને ! બીજા બધા તો સાલા નાલાયકો છે... રાહ જોઈને બેઠા છે કે ક્યારે હું મરૂં...!''

''એ ભૂલે છે, ભાઈ... હું રાજી ભલે ન થાઉં, પણ તારા મર્યા પછી મને નામનું ય કોઈ દુઃખ થશે.. એવા ભ્રમમાં રહેતો નહિ...મારા હસવાની જેમ મારું રડવાનું ય નિહાયત કિંમતી અને 'રેર'હોય છે... મારે બીજા કોઈ કામધંધા હોય કે નહિ ?''

''કાકા, આવું બોલવાનું ?''

''કોઈ સ્ત્રી પાછળ એક સ્માર્ટ છોકરો મરવા સુધીની તૈયારી કરતો હોય, એવા બાયલાઓ મારી નજરમાં પહેલેથી મરી ચૂક્યા હોય છે. મરવાની તૈયારી તો બહુ દૂરની વાત છે... એ તારી માફક દુઃખી થઈને ફરતો હોય તો ય મારી નજરમાંથી ઉતરી જાય.''

''તો... તો... મારે કરવું શું ?''

''દાઢીઓ નહિ વધારવાની... તને દગો કરનારી દાઢીઓ વધારે છે, તે તારે વધારવી પડે ?''

''કાકા, કાંઈક સમજાય એવું બોલો ને !''

''સિમ્પલ... ! તું તારું મહત્ત્વ નહિ સમજે તો પેલી શું કામ સમજવાની છે ? છોકરી પાછળ બહુ લટુડાપટુડા થાઓ, એના કરતા પહેલેથી એનામાં ભય પેદા કરી રાખો ક, 'હું દોઢ ડાહી થઈશ તો આની પાસે બીજી દસ તૈયાર છે... (અને એમાંથી આઠ તૈયાર રાખવાની પણ ખરી....! આ તો એક વાત થાય છે !)''હું સન્ટીયાને દગો કરીશ તો બીજે જ દિવસે સીસીડીમાં કોઈ બીજીને લઈને બેઠો હશે.તમે તો સાલાઓ, 'ચક્ષુ ડાર્લિંગ... તારા સિવાય મારું કોઈ નથી...તું ના પાડીશ તો હું આ ફૂટપાથ પાછળની ભીંત સાથે ય લગન નહી કરું.'એવા ફડાકા મારીને પાળી યે બતાવો છો.''

''એ તો ના જ કરાય ને ? એની ઉપર તો ચોખ્ખું લખ્યું હોય છે કે, ''અહીં ગંદકી કરવી નહીં.''

''હવે સમજ્યો. આવી ભીંત પાસે આપણે ઉભા ય ન રહીએ, ત્યાં -- બસ, જે દિવસે એ જતી રહે, એ દિવસથી એને આવી ભીંત ગણી લેવાની... વાર્તા પૂરી.''

''હવે પરફેક્ટ સમજ્યો કાકા... પણ પ્રેમ તૂટી ગયા પછી ક્યારેક એ રસ્તામાં મળી જાય તો... ?''

''તો એના અસ્તિત્વનો જ સ્વીકાર થવો ન જોઈએ... તમે તાજમહેલના માણસ છો... ફૂટપાથ પાછળની ભીંતના નહીં...!''

સિક્સર

અજીતસિંહ પાસે એક શિક્ષિત મહિલાએ વાંચવાના ચશ્મા માગ્યા. 'બાપૂ'કહે, 'બેન... મારે ય તમારા જેવું જ છે... મને ય ઇંગ્લિશ વાંચતા નથી આવડતું...!'

પેલી હાથમાં લીધેલા ચશ્મા પછાડીને જતી રહી...!

Viewing all articles
Browse latest Browse all 894

Trending Articles