* તમારી કોલમમાં બ્રાહ્મણોના સવાલો તો લેવાતા જ નથી !
- આ પણ ટ્રિક જૂની થઈ ગઈ. દર ત્રીજે સપ્તાહે કોઈ મુસલમાન કે દલિત બિલકુલ આ જ દલીલ કરીને કરે છે. કારણ સીધું છે. કોઈને પોતાના સિવાયનું નામ વાંચવું ગમતું નથી.
(દિવ્યા જે. મહેતા, રાજકોટ)
* તમને ખૂબ ચાહતી સ્ત્રી ક્યારેક દગો કરી જાય તો કેવો બદલો લઈ શકો ?
- આ ત્રણેમાંથી એકે ય ઘટના બની નથી. (૧) મને કોઈએ ચાહ્યો નથી. (૨) કોઈએ કદી દગો કર્યો નથી અને (૩) બદલો લેવો પડે, એટલું મહત્વ મેં કોઈને આપ્યું નથી !
(શ્રીમતી છાયા રાવતે, વડોદરા)
* તમને ક્રિકેટનો શોખ ખરો ?
- લાવો, કોઈ મારૂં બેટ લાવો તો... !
(સંદીપ વાય. શેઠ, સુરત)
* તમને આટઆટલા વોટ્સએપ મોકલીએ છીએ... એકનો ય જવાબ નહિ ?
- એ નવરા માણસોનું કામ છે.
(પ્રભાતકુમાર મકવાણા, કલોલ)
* રાહુલ ગાંધી આપણા દેશમાં ચાલી કેવી રીતે ગયા ?
- આપણા દેશમાં નિહત્થા કે અબુધ ઉપર કોઈ વાર નથી કરતું.
(માણેક પટેલ, જામનગર)
* ઈજિપ્તના એક ગોરધને રૂઠેલી પત્નીને પાછી લાવવા આખું પ્લેન હાઈજેક કર્યું.
- ગોરધન અમદાવાદનો હોત તો સાલો રીક્ષા ય ન કરત ! શેમાં કેટલું રોકાણ કરાય, એની અમદાવાદીઓથી વધારે ખબર બીજા કોને પડવાની છે ?
(સુભાષ જે. પટેલ, ઊંઝા)
* અનાર પટેલનું દાળમાં કાંઈક કાળું તો લાગે છે...
- દાળ એકવાર ઉકળી જવા દો !
(શિવાની સી. પટેલ, ભૂજ)
* શું યાદદાસ્ત વધારવાની દવા વાપરવાથી ફાયદો થાય છે ખરો ?
- કઈ યાદદાસ્ત ?
(પીટર જેકબ, મુંબઈ)
* માથે વાળ ઊગાડવાની દવા ચોપડયા પછી મારા તો હતા એ ય વાળ જતા રહ્યા !
- તમે જે શીશી લઈ ગયા હતા, એ બીજાના માથે લગાડવાની હતી... પોતાના માથે નહિ !
(કેસરસિંહ પૃથ્વીસિંહ, પૂણે)
* પઠાણકોટના હૂમલા માટે પાકિસ્તાનની તપાસ- ટુકડીને ભારત સરકારે રંગેચંગે આવકાર આપ્યો... !
- મેહમાં જો હમારા હોતા હૈ, વો શહીદોં સે પ્યારા હોતા હૈ...
(વસિમખાન જારચવી, સુરત)
* આ તો તમારૂં લેક્ચર નારણપુરાના બગીચામાં સાંભળ્યું, ત્યારે ખબર પડી કે, તમે નારણપુરામાં રહો છો !
- મને તો હજી ખબર પડી નથી કે, તમે ક્યાં રહો છો !
(કે.બી. શાહ, અમદાવાદ)
* અસહિષ્ણુતા એટલે શું ?
- એક વાર સોનિયાજી ફક્ત આ શબ્દનો ઉચ્ચાર પણ કરી આપે, તો જવાબ આપું.
(નિકુંજ ગજેરા, સાવરકુંડલા)
* હું ક્યો પ્રશ્ન પૂછું, એની ખબર પડતી નથી... પ્લીઝ, હેલ્પ મી !
- બહુ ટુંક સમયમાં તમારે વિધાનસભામાં બેસવાના યોગ છે.
(નરેશ એમ. પટેલ, નડિયાદ)
* 'બુધવારની બપોરે'ના એક હપ્તામાં તમે લખ્યું હતું, 'વધુ ફાલતું હપ્તો આવતા અંકે'! તમને તમારા લેખ પર ભરોસો નથી ?
- લેખ સારો લાગે, ત્યારે એક પણ વાચક કહેતો નથી, ''આ અમને ખૂબ ગમ્યો !''
(જીજ્ઞા ઘેવરીયા, મુંબઈ)
* પ્રેમને તમે કોની સાથે સરખાવો છો ?
- સવારે બ્રશ કર્યા વિના ચાલે ?
(મયૂરધ્વજસિંહ ઝાલા, ધ્રાંગધ્રા)
* અમારા પડોસી અમારી સાથે બોલતા નથી. એ તમારા મોટા ફેન છે. એમને કહેશો, અમારી સાથે બોલે ?
- હજી સુધી તો મારી સાથે પણ એ બોલ્યા નથી... !
(અંજની પરસાણા, રાજકોટ)
* લોકોને સરકારી નોકરી કેમ વધારે ગમતી હોય છે ?
- એ લોકો બહુ 'કામાતુર'હોય છે.
(વિશાલ રાઠવા, ધોળીવાવ- બોડેલી)
* વિશ્વાસુ માણસો સફળ હોય છે કે સફળ માણસો વિશ્વાસુ હોય ?
- કોઈ સફળ માણસને પૂછો.
(ઉદય ડવ, ગઢડા)
* મોંઘવારી ઘટાડવાના પ્રયત્નો ક્યારે શરૂ થશે ?
- સોમ- મંગળવારે તપાસ કરો ને !
(ડૉ. ઓન અલી સુરતી, ઝગડીયા)
* શો- રૂમમાં ગોઠવેલા પૂતળાં ટકલાં કેમ હોય છે ?
- શો- રૂમના માલના ભાવ સાંભળીને એમના ય વાળ ઉતરી ગયા હોય છે.
(ધિમંત ભાવસાર, બડોલી)
* ઘણા વખત પછી તમારા 'પિનચોંટી જવાના'લેખમાં ખૂબ હસવું આવ્યું. ફરી ક્યારે પિન ચોંટશે ?
- મને ફરી હસવું આવશે ત્યારે !
(પરેશ આચાર્ય, નડિયાદ)
* સ્ત્રીઓના ડ્રાયવિંગ વિશે શું કહો છો ?
- એ તો એકાદવાર એમની સાથે બેસાડે, પછી ખબર પડે.
(મિહિર ગજેરા, સુરત)
* વિદ્યા સિન્હાએ ગુજરાતી ફિલ્મ 'શેઠ જગડુશા'અને 'રેતીના રતન'માં ય કામ કર્યું હતું.
- એમાં પાંચ કરોડ ગુજરાતીઓ 'હલવઇ'ગયા!
(ભાઈલાલ ઠક્કર, ગાંધીનગર)
* કોલમનું નામ 'એનકાઉન્ટર'કેમ રાખ્યું છે ? પહેલા પોલીસ ખાતામાં હતા ?
- નામ પ્રમાણે તો તો તમે અબજોપતિ હશો... !
(રિદ્ધિ નિશિલ પટેલ, આણંદ)