Quantcast
Channel: Ashok Dave's Blog
Viewing all articles
Browse latest Browse all 894

ડાયાબીટીસ... આટલો ઝડપથી ''મટી'' જાય ?

$
0
0
સ્ટોરી કંઈક આમ શરૂ થયેલી.

ઉંમર બાસઠે પહોંચેલી છતાં કૃપા પરમાત્માની કે શરીરમાં કોઈ નાનકડો ય રોગ નહિ. એકાદ વર્ષ પહેલા આખું બોડી ચેક-અપ કરાવેલું, એમાં ય કાંઈ નહિ... ડાયાબીટીસ પણ નહિ !

...ને આ કોલમના વાચકો જાણે છે તેમ, હમણાં કોઈ દોઢ-બે મહિના પહેલા મને સીવિયર ડાયાબીટીસ નીકળ્યો... ''૫૪૮.''

ધોતીયાં ઢીલા થઈ જાય ને ? પણ ફૂલટાઈમ હસતો માણસ છું એટલે ડાયાબીટીસ આવ્યા છતાં કોઈ મોટી ઘટના મારી સાથે બની રહી છે, એવું મેં મને ય લાગવા ન દીધું.

દરમ્યાનમાં સલાહોનો મારો ચાલુ રહ્યો. બધી સલાહોમાં શિરમોર હતી, ગળ્યું બંધ કરવાની. એની સાથે કસરત અને ચાલવા જવાની સલાહો એકની સામે એક ફ્રી મળતી.

ત્યાં અચાનક એક કવિશ્રીના ઘેર જવાનું થયું. એમણે કવિતા સંભળાવવાને બદલે ડાયાબીટીસનો નુસખો બતાવ્યો. નુસખો તો મેં ય સાંભળેલો હતો, પણ કવિની દરખાસ્તમાં પડકાર હતો કે, ''આનાથી ડાયાબીટીસ કાબુમાં નહિ રહે... સદંતર મટી જશે... જડમૂળમાંથી !'' એ વખતે એમના પડકાર કરતા એમનામાં મને મારા સ્વ. પિતાશ્રીની છબિ વધુ દેખાઈ હતી, એટલે જસ્ટ... માન રાખવા મેં એ નુસખો સ્વીકારી લીધો.

એમના પડકારમાં મને શ્રધ્ધા નહિવત હતી કારણ કે, સમજણો થયો ત્યારથી એટલી ખબર કે, કેન્સરની માફક ડાયાબીટીસ પણ કદી ય મટતો નથી.

કંઈક આવો નુસખો હતો.

ઘઉં, જવ, ખાવાનો ગુંદર અને કરૌંજી (ઘણા એને કલૌંજી પણ કહે છે અને 'ચિરૌંજી' પણ કહે છે. ફિલ્મ 'શોલે'માં ઠાકુર સા'બનો નોકર સત્યેન કપ્પૂ હિંચકે બેઠેલી ભાભીને માલસામાન આપતા કહે છે, ''બહુ, યે હૈં ચાવલ, યે ચિરૌંજી...'' વગેરે વગેરે.) આ બધો સામાન ગાંધી (કરિયાણાવાળા)ને ત્યાં મળશે. કેટલાક ગાંધીઓ આના તૈયાર પડીકાં ય રાખે છે.

આ ચારે ય ચીજો ૧૦૦-૧૦૦ ગ્રામ લેવાની. ભેગી કરીને આખી રાત સાદા પાણીમાં સવાર સુધી પલાળી રાખવાની. સાત ગ્લાસ પાણી લેવાનું. સવારે થોડી ફૂલી જશે. એ પછી ગરમ પાણીમાં ઉકાળીને ઠરવા દેવાની, ફક્ત ૭-જ દિવસ સુધી ચાના કપ જેટલું એ પાણી રોજ સવારે પી જવાનું. સ્વાદ સહેજ તૂરો લાગશે.

સાલો ચમત્કાર થયો. કોઈ શ્રધ્ધા-ફધ્ધા વગર મેં સાત દિવસ આ પ્રયોગ કર્યો ને બાય ગોડ... સાતમા દિવસ સુધીમાં મારો ડાયાબીટીસ જડમૂળથી નીકળી પણ ગયો. ૫૪૮-ના આંકડે પહોંચેલો આવો મહારોગ ૭-જ દિવસમાં જડમૂળથી નીકળી જાય ખરો... ?

મારી શ્રધ્ધા હજી અધૂરી હતી. ફેમિલી સાથે ૪-દિવસ જામનગર જવાનું થયું. જો ડાયાબીટીસ નીકળી જ ગયો હોય તો હવે અજમાવી પણ જુઓ. અતિશયોક્તિ લાગી શકે પણ નોર્મલ માણસને પણ નવો ડાયાબીટીસ લાગી જાય, એટલી માત્રામાં મેં ત્યાં બધું ગળ્યું ખાધું. બાસુંદી, કેરીનો રસ, ક્રીમવાળા બરફના ગોળા, મેસૂબ, આઇસક્રીમ... હજી કોઈ ચીજ રહી જતી હશે, પણ ખાધું ઠાંસી ઠાંસીને ! જે થવું હોય એ થાય-ના ધોરણે !

ઓકે. મને ડાયાબીટીસ ડીક્લેર થયા પછી ડૉક્ટરે તો સ્વાભાવિક છે, મને ચાલવાનું અને હળવી કસરતો કરવાની સ્પષ્ટ સૂચનાઓ આપી હતી. હું એક પણ એક દિવસ માટે પાળી શક્યો નહતો. યસ. સવારે નાસ્તામાં 'મારી'ના બે બિસ્કીટ, ખાંડ વિનાની ચા, બપોરે જમવામાં એક વાડકી દાળ, બહુ ઓછા તેલની સબ્જી અને ફક્ત બે જ રોટલી. બપોરે ચા સાથે બે ખાખરાનો ડાયેટ ૭-દિવસ સુધી અફ કોર્સ પાળ્યો હતો, પણ શરીરને કષ્ટ પડે, એવું કોઈ કામ કર્યું નહોતું. ચાલવાનું મને ગમતું નથી ને કસરત બીજા કરે એમાં ય હું ગભરાઈ જઉં છું, એટલે મેં કરી નથી.

જામનગરથી આવીને પહેલું કામ મારો ડાયાબીટીસ ચેક કરવાની ઉત્કંઠા હતી. ત્યાં આટલું બધું ગળ્યું ખાઈને આવ્યો હતો, એટલે નુકસાન તો થવાનું જ હતું.

ન થયું. સહેજ પણ ન થયું. ડાયાબીટીસ મપાયો... એબ્સોલ્યૂટલી નોર્મલ આવ્યો. જર્મનીમાં બનેલી મારી બ્લડ-સુગર મોનિટરિંગ સીસ્ટમમાં કાંઈ ગરબડ હશે, એ શંકાથી માન્ય લેબોરેટરીમાં પણ ચેક કરાવ્યો. બિલકુલ નોર્મલ.

પણ એ તો એક દિવસ માટે... પછી શું ?

આજે મહિનો-દોઢ મહિનો થઈ ગયો છે મારો ડાયાબીટીસ ક્લિયર થયે... નોર્મલ માણસોની માફક હું બધું જ ગળ્યું ખાઉં છું, ચાલવા-ફાલવા તો હજી જતો નથી ને પરમેશ્વરની કૃપા અને માં-બાપના આશીર્વાદથી હું પહેલા જેવો તંદુરસ્ત થઈ ગયો છું. હા, ૭-દિવસ પછી જરૂર પડે તો, એકાંતરે દિવસે જ આ દવા લેવાની ને પછી બંધ કરવાની. કહે છે કે, ખાવાનો ગુંદર ઠંડો પડે.

'બુધવારની બપોરે'માં આજે વાચકોને કાંઈ હળવું આપવાને બદલે આ એટલા માટે લખ્યું છે કે, મને ફળેલા આ નુસખાથી કોઈ અન્યને પણ ફાયદો થાય તો કેવા હસતા થઈ જવાય છે, એ મેં પોતે અનુભવેલું છે. જગતભરની 'બુધવારની બપોરે-ઓ' ભેગી કરો તો ય આટલું હસવું ન આવે, જે ડાયાબીટીસ ક્લિયર થઈ ગયાની ઘટનાથી આવે.

અફ કોર્સ, શક્ય છે, દરેકને આ નુસખો ફાયદેમંદ ન નિવડે. હું ડૉક્ટર નથી કે આ નુસખો મેં શોધ્યો નથી. મને પોતાને ૧૦૦-ટકા ફાયદો થયો છે, માટે અહીં લખ્યો છે.

Viewing all articles
Browse latest Browse all 894

Trending Articles