Quantcast
Channel: Ashok Dave's Blog
Viewing all articles
Browse latest Browse all 894

'મૉર્ડન ગર્લ' (૬૧)

$
0
0
ફિલ્મ : 'મૉર્ડન ગર્લ' (૬૧)
નિર્માતા : બી. ડી. નારંગ
દિગ્દર્શક : આર. ભટ્ટાચાર્ય
સંગીતકાર : રવિ
ગીતકારો : લિસ્ટ મુજબ
રનિંગ ટાઈમ :૧૬ રીલ્સ
કલાકારો : પ્રદીપ કુમાર, સઇદા ખાન, સ્મૃતિ બિશ્વાસ, જ્હૉની વૉકર, નલિની ચોનકર, એસ. કે. પ્રેમ, લીલા મિશ્રા, પ્રોતિમાદેવી, હૅલન, અમર, લિલીયન, મદન પુરી, ઈફ્તેખાર, શીલા વાઝ, મીના પરેલ, ટુનટુન, ઉમા દત્ત, સ્વ. ભગવાન સિન્હા, રામલાલ, બચનસિંઘ, સરિતા દેવી, દયા દેવી, નિમ્મો, બેલા પ્રામાણિક, રાજકુમાર, શ્યામ, અમૃત રાણા, આશા, બેગમબાઈ, અરૂણા, બૅબી ફરિદા, સોહનલાલ, નિરૂલા, ભલ્લા, જગદિશ જોશી, રીટા.

ગીતો
૧. જો પહેલી મુલાકાત મેં શર્માતા હૈ.... આશા ભોંસલે-સાથી
૨. કભી ઇન્કાર કરતે હો, કભી ઇકરાર કરતે હો.... મૂકેશ
૩. નઝર ઉઠને સે પહલે હી ઝૂકા લેતી તો.... મહમ્મદ રફી
૪. તોડ દિયા ચશ્મા મેરા, તૂને અરી ઓ બેવફા.... આશા-રફી
૫. ઓ દીવાને મેરે, જબ તેરા દિલ જલે, આજા.... આશા-ભોંસલે
૬. સાઝ બજતા રહે, રક્સ હોતા રહે, જીંદગી.... આશા ભોંસલે
૭. યે મૌસમ રંગિન સમા, ઠહેર જરા ઓ.... સુમન-મૂકેશ
ગીત ૧ થી ૩ : રાજીન્દર ક્રિશ્ન, નં. ૫, એસ. એચ. બિહારી નં. ૪ કમર જલાલાબાદી. ગીત નં. ૭ ગુલશન બાવરા : ગીત નં. ૬ની માહિતી મળી નથી.

રવિ સાથે લતા મંગેશકરને ક્યારનું શું વાંકુ પડયું હતુ, એની ઝાઝી છાનબીન થઈ શકે એમ નથી, કારણ કે, વચ્ચે વચ્ચે રવિના સંગીતમાં પાછી લતા આવી જતી. 'બદલે બદલે મેરે સરકાર નઝર આતે હૈં...' (ચૌદહવીં કા ચાંદ) 'તુમ્હી મેરે મંદિર, તુમ્હી મેરી પૂજા...' (ખાનદાન) કે સપને હૈં સપને, કબ હુએ અપને, આંખ ખુલી ઔર તૂટ ગયે' (નઇ રોશની) અને એવી થોડી ઘણી ફિલ્મોમાં લતા આવતી ય ખરી, પણ રવિના ખજાનાનો મોટો હિસ્સો આશાબાઈના તાબામાં રહ્યો છે. આશા ભોંસલે અને મુહમ્મદ રફી મળીને રવિના મોટા ભાગના ગીતો ગાયા છે. બી.આર. ચોપરાને નહિ લતા સાથે કે નહિ રફી સાથે...ખાસ સારા સંબંધો હતા નહિ, એટલે એ તો સમજાય કે, ચોપરાની ફિલ્મોમાં આ બન્ને જણા જવલ્લે જ હોય !

લતાને આવા પ્રોબ્લેમ ઘણા સંગીતકારો સાથે હતા, એમાં એને માટે વિચારાયેલા ગીતો આશા ભોંસલે, ગીતા દત્ત અને સુમન કલ્યાણપુરને મળવા માંડયા. ધંધાની વાત આવે ત્યારે તો લતા સગી બેન આશાની ય નહિ, ત્યાં અહીં તો જાની હરિફ સુમન કલ્યાણપુરની ઝોળી ભરાવવા માંડી, એ તો કેમ સહન થાય ? રવિને ય સુમન માટેએવી કોઈ હમદર્દી કે લગાવ-ફગાવ નહીં, પણ કુદરતનું કરવું કે, આવી ભંગાર ફિલ્મના તમામ અતિ ભંગાર ગીતોમાં ફક્ત એક જ ઉપડયું, 'યે મૌસમ રંગીન સમા, ઠહેર જરા ઓ જાને જાં,'એમાં ચોંકી બધા ગયા. એક તો સુમન-મૂકેશના યુગલ ગીતો ય 'રૅરિટી'ગણાતી, એમાં આ ગીતે એ જમાનામાં રૅડિયે-રૅડિયો ચમકાવી દીધો જ્યાં સીટીઓ ભગવાનો હતો ત્યાં ભરાઈ ચડયો હતો. સંગીતકાર રવિશંકર શર્માએ આ ફિલ્મ પછી બહુ ડરી ડરીને મૂકેશને લીધો અને સુમન તો સમજો ને... ગઈ જ !

અહીં તમને શંકર-જયકિશન, નૌશાદ, ઓપી નૈયર અને સચિનદેવ બર્મનની સામે બાકીના બધા સંગીતકારો વચ્ચેનો ડિફરન્સ ખ્યાલમાં આવશે. રવિ કે મદન મોહન જેવા અનેક સંગીતકારો હતા, જેમને નાના કે મોટા બૅનરની ફિલ્મો ભલે મળી હોય, આખી ફિલ્મમાંથી એકાદું ગીત જ ઉપડે અને બાકીના બધામાં રીતસરની વેઠ ઉતારી હોય, જે આજની ફિલ્મ 'મોડર્ન ગર્લ'માં ઉતારી છે. બીજું કોઈ ગીત ઉપડયું કેમ નહિ, એ તો માઇલો દૂર જઈને પૂછવાનો સવાલ છે, પણ સંગીતની દ્રષ્ટિએ પણ બાકીના ગીતોમાં કોઈ ભલીવાર નહિ... મુહમ્મદ રફી, આશા ભોંસલે અને મૂકેશ જેવા ગાયકો હોવા છતાં ! એમાં ય અક્કલનું પ્રદર્શન થતું તો ત્યારે લાગે કે, આશા ભોંસલેના 'સાઝ બજતા રહે, રક્સ હોતા રહે'ગીત ફિલ્મની વાર્તા મુજબ તોફાની માહૌલનું પિકનીક કે પાર્ટીનું ગીત છે. ધમાચકડી મચવી જોઈતી હતી એમાં... એને બદલે રવિએ આ ગીત હીરોઈનની માં મરવા પડી હોય, એટલી હદે કરૂણ બનાવી મૂક્યું છે. ભલે તમે ફિલ્મ જોઈ ન હોય, પણ જરા સોચો... આવા ડૂસકાં ભરતા ગવાયેલા ગીતમાં કૅબરે-ડાન્સ થતો હોય !

યસ. મુહમ્મદ રફીના ચાહકો માટે એક મજ્જાની વાત અહીં બની છે. લતા મંગેશકર-નૌશાદની ફિલ્મ 'અંદાઝ'ના જાણિતા ગીત, 'તોડ દિયા દિલ તેરા, તૂને અરે બેવફા...'ની રફીએ અહીં એક સ્થાયી પૂરતી મધુરી પૅરોડી કરી છે, 'તોડ દિયા ચશ્મા મેરા, તૂને અરે ઓ બેવફા... 'લતાનું આ ઑલટાઈમ મીઠડું ગીત રફીએ ગાયું હોત તો કેવું લાગત, એની ઝલક અહીં સાંભળવા મળે છે.

રાજીન્દર કિશનના શબ્દોમાં તો અમથો ય ભલીવાર હોતો નથી ('અદાલત'કે 'જહાનઆરા'જેવી ૫-૭ ફિલ્મોને બાદ કરતા) ત્યાં અહીં ય ભાઈએ ઉતારાય એટલી વેઠો ઉતારી છે. દિગ્દર્શકને ખાસ ભરોસો નહિ હોય એટલે ફિલ્મના મુખ્ય ગીતકાર કિશનજી હોવા છતાં એકએક ગીત એમણે શમ્સ-ઊલ-હુદા બિહારી, કમર જલાલાબાદી અને ગુલશન બાવરાને આપ્યું છે. જરા મજાકમાં વાત કરવા જઈએ તો, ફિલ્મ જોનારાઓથી કાંઈ ભૂલ થઈ ન જાય એટલે ફિલ્મના ટાઇટલ્સમાં આ ત્રણે ગીતકારોએ કયા કયા ગીતો લખ્યા છે, એ પણ લખી દીધું છે.

ભૂલ તો હીરો-હીરોઈનને ઓળખવામાં થઈ ન જાય, એનું ધ્યાન ફિલ્મ જોતી વખતે આપણે રાખવું પડે છે. કન્વેન્શનલી તો બધા ય સમજતા હોઈએ કે, ફિલ્મની સ્ટારકાસ્ટ મુજબ હીરો પ્રદીપ કુમાર અને હીરોઈન સઇદા ખાન હશે. ના. સાવ એવું નથી. ફિલ્મના અપાયેલા ટાઇટલ મુજબ, 'મોડર્ન ગર્લ'હીરોઈન સઇદા ખાન નથી, નલિની ચોનકર છે. કન્ફ્યૂઝન એ વાતે ઊભું થાય કે, સૅકન્ડ લીડની હીરોઈન તરીકે ફૅમસ અને વધુ ટૅલેન્ટેડ બંગાળની સ્મૃતિ બિશ્વાસ હતી, જેણે રાજ કપૂરની 'જાગતે રહો'અને એવી બીજી ૩-૪ ફિલ્મોમાં કામ કર્યું હતું, છતાં અહીં ટાઈટલ-રોલ નલિનીને અપાયો છે અને 'લમ્બી ઘૂંઘટવાલી દેહાતી'છોકરીમાંથી એ મૉડર્ન-ગર્લ કેવળ જહૉની વૉકરનું દિલ જીતવા બને છે અને એમના લગ્ન ય થાય છે. સઇદા ખાન હીરોઈન ફક્ત રોના-ધોના માટે છે. હીરો પ્રદીપ કુમાર કરતા કૉમેડિયન જહૉની વૉકરને ફૂટેજ વધારે મળ્યું છે અને વાર્તાની સમજ મુજબ જઈએ તો પ્રદીપ કુમાર કરતા વિલન મદન પુરીનું મહત્વ વધુ છે. એસ. કે. પ્રેમ નામના ચરીત્ર અભિનેતાને આમ તમે ઝાઝો ન ઓળખો, પણ પેલી નઝીર હુસેન-લીલા ચીટણીસવાળી 'બારમાસી રોતડ ક્લબ'નો આ ઍક્ટર મહત્વનો સભ્ય હતો. દુ:ખીયારા બાપ તરીકે એને પુષ્કળ રોના-ધોના આવડતું. સાથે બંગાળી પ્રોતિમા દેવી હોય પછી નવી કોઈ પૂછપરછ રહેતી જ નથી.

પૂછપરછ પ્રદીપ કુમાર માટે આજે ય થતી રહે છે કે, એનો દોહિત્ર (એટલે કે, ટીવી-ઍક્ટ્રેસ બિના બૅનર્જીનો પુત્ર સિદ્ધાર્થ બૅનર્જી) હમણાં ફિલ્મ 'હાઉસફૂલ ૨'માં આસિસ્ટન્ટ ડાયરૅક્ટર તરીકે ચમકી ગયા પછી હીરો તરીકે ય આવશે. બીજી પૂછપરછ પ્રદીપ કુમારના નામ માટે થાય છે. એનું સાચું નામ હતું, 'શીતલ બતાબ્યાલ'.... હોય હવે ! બંગાળીઓમાં આવા નામો હોય એ તો ! એની પુત્રી બિના અત્યંત સુંદર હતી. એ પોતે ય ખૂબસુરત પર્સનાલિટીનો માલિક હતો - ખાસ કરીને ઠસ્સાદાર અવાજ. મને એના લમણાં ઉપર પડતા બન્ને ખૂણીયાઓ ગમતા. અશોક કુમાર અને મીના કુમારી સાથે ઘણી નહિ તો થોડી ફિલ્મોનો એ ઈન્ટેગ્રલ-પાર્ટ હતો. પણ જૉય મુકર્જીના નાના ભાઈ દેબુ મુકર્જીની ફિલ્મ 'સંબંધ' ('ચલ અકેલા, ચલ અકેલા, ચલ અકેલા... તેરા મેલા પીછે છુટા રાહી') ના છોકરડા દિગ્દર્શક અજય બિશ્વાસ માટે રાખેલું દીકરા જેવું હેત એને ભારે પડી ગયું. અજય બિશ્વાસ ફિલ્મ અભિનેત્રી રાખી ગુલઝારનો પહેલો પતિ હતો, પણ એ પુરૂષમાં નહિ હોવાના આક્ષેપ હેઠળ રાખીએ છૂટાછેડા લીધા હતા અને એ વાત આખું ગામ જાણતું હતું, છતાં પ્રદીપ કુમારના ઘરમાં અવરજવરને કારણે બિના સાથે અજયનો સંબંધ ખૂબ અને એટલી ઝડપથી વધી ગયો કે, બન્ને લગ્નની મંજૂરી માટે પ્રદીપ કુમાર પાસે આવ્યા. ગુસ્સાથી લાલચોળ પ્રદીપે ઘાંટાઘાંટ કરીને છોકરીને ખવડાવી અને અજયની પુરૂષ તરીકેની છાપ ચોખ્ખા શબ્દોમાં કહી, પણ પેલીએ તો પ્રેમ રતન ધન પાયો હશે... માની નહિ અને અઠવાડીયામાં જ છુટી થઈને પાછી આવી ! એના તો ઘણા સમય પછી બિનાએ બીજા લગ્ન કર્યા... અજય બાબુનું શું થયું, એ મારી જ નહિ, કોઈની પાસે માહિતી નથી !

એવી જ વિવાદાસ્પદ લાઇફ, સૉરી લાઇફ નહિ, મૃત્યુ હીરોઈન સઇદા ખાનનું હતું. સાયરા બાનુ-નવીન નિશ્ચલવાળી ફિલ્મ 'વિકટોરીયા ૨૦૩'ના નિર્માતા-દિગ્દર્શક બ્રીજ સદાનાને એ પરણી હતી એક દીકરી અને દીકરો કમલ સદાના એકાદ-બે ફિલ્મોમાં હીરો તરીકે આવ્યો પણ હતો. પણ બ્રીજ અને પત્ની સઇદા વચ્ચે ઘરમાં જ હિંસક ઝઘડો થતા, બ્રીજે રીવૉલ્વરમાંથી આડેધડ ગોળીઓ છોડી, જેમાં સઇદા ત્યાં જ ગૂજરી ગઈ. બીજી એક ગોળી એમની દીકરીને વાગી અને ત્રીજી કમલના કાન પાસે ઘસરકો કરીને નીકળી ગઈ. સઇદા ફિરોઝ ખાન સાથે ફિલ્મ 'ચાર દરવેશ'માં આવી હતી. એની મા અનવરી બેગમ પણ ઍક્ટ્રેસ હતી. નલિન ચોનકર પહેલી વાર ફિલ્મ 'રાણી રૂપમતિ'અને પછી 'પારસમણી'જેવી નગણ્ય આઠ-દસ ફિલ્મોમાં આવી હતી.

એ જમાનાની ઑલમોસ્ટ તમામ ફિલ્મોમાં એક સીચ્યૂએશન લગભગ કૉમન રહેતી. હીરો હીરોઈનને છંછેડે, પેલી ગુસ્સે થાય, એને માટે હીરો ભરબગીચે ગીત ગાય વગેરે વગેરે...! આમ પાછું, આ ગીતને બાદ કરતા હીરો અત્યંત સંસ્કારી બતાવવામાં આવ્યો હોય. તારી ભલી થાય ચમના, વગર બદતમીઝીએ કોઈ હીરોઈન પ્રેમમાં પડે જ નહિ ?

...નહિ પડતી હોય ! નહિ તો, મુહમ્મદ રફીના 'તેરી પ્યારી પ્યારી સૂરત કો...'જેવા ઑલટાઈમ ગ્રેટ ગીતો બન્યા જ ન હોત ને જીંદગી આખી આપણે 'શામે ગમ કી કસમ, આજ ગમગીં હૈ હમ...'બ્રાન્ડના ગીતો સાંભળવા પડયા હોત ! સુઉં કિયો છો ?

Viewing all articles
Browse latest Browse all 894

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>