Quantcast
Channel: Ashok Dave's Blog
Viewing all articles
Browse latest Browse all 894

પિકનિક વૃદ્ધાશ્રમની....

$
0
0
કિટ્ટી પાર્ટીમાં બધા રાજી હતા કે, આ વખતની પિકનિક તો કોઇ વૃદ્ધાશ્રમમાં જ કરીએ. ખાસ કારણ એ કે, વૃદ્ધાશ્રમમાં સૅલ્ફી બહુ ફાઇન આવે. એ કારણનું ય ખાસ કારણ એ કે, ત્યાં ગયા પછી જેની સાથે સૅલ્ફી લઇએ, એ બધા આપણા કરતા બુઢ્ઢા, થોડા કદરૂપા અને ખખડી ગયેલા હોય ને એમાં આપણા ફોટા બહુ ફાઇન આવે. ગઇ વખતે બ્યૂટી-પાર્લરમાં બહેનોએ વિઝિટ કરી હતી, એમાં ત્યાંની બધી છોકરીઓ મૅક્સિમમ ૨૫-ની અને આ બાજુ અમારામાંથી એકે ય ૫૦-૫૫ થી નીચી નહિ.... (આમ તો હું એકલી ૬૨-ની છું, પણ અમારી બાકીની કિટ્ટીઓ જેવી અને જેટલી દેખાઉં છું ક્યાં ? આઇ મીન, પેલા અશોક દવેની ભાષામાં.... આ તો એક વાત થાય છે...!) હજી નાની હોય એટલે દેખાવમાં થોડી સારી ય લાગે, એમાં ધાડ શું મારી ? એ તો ઉંમરનો પ્રતાપ છે. પછી એ લોકોની સાથે સૅલ્ફી કેવી આવે...? અગાઉથી ફોન કરીને કહેવડાવી દીધું હતું કે, વૃદ્ધાશ્રમના બધા વડિલો તૈયાર રહે, મોંઢા હસતા રાખે અને અમે ગવડાવીએ, ત્યારે તાળીઓ પાડીને સાથ આપે ! 

મુંબઇ-દિલ્હીની માફક ત્યાં અમારા જેવી સેવાભાવી સ્ત્રીઓને 'સોશિયલાઇટ્સ'કહેવાય. (પૅઇજ-થ્રી પીપલ, યૂ નો...!) ખાસ કાંઇ કરવાનું હોતું નથી એમાં ! વર્ષમાં એકાદ વાર કોઇ બગીચામાં વૃક્ષારોપણ યોજવાનું, વૃદ્ધાશ્રમ કે અનાથાશ્રમની મુલાકાત લેવાની અને એ બન્નેની રાજ્યમાં સંખ્યા વધે, એ માટે ડૉનેશનો ઉઘરાવવાના ! પ્રેસ-ફોટૉગ્રાફર્સને બોલાવીને બ્લડ-ડૉનેશન કૅમ્પ્સ રાખવાના (ઓહ...રક્તદાન પ્રેસ-ફોટોગ્રાફર્સ ના કરે.... આપણે કરવાનું ને એ લોકો ફોટા પાડે એ બીજે દિવસે છાપામાં છપાય, તો સોસાયટીમાં જરા સારૂં લાગે !) ઉફ્ફ નો... અમારી કિટ્ટી પાર્ટીનો વાર્ષિક અહેવાલ ફૂલ-કલર પ્રિન્ટિંગમાં બહાર પડે, એમાં સૌથી વધારે મારા જ ફોટો હાય, યૂ નો ! મને આવી બધી પબ્લિસિટી ગમે તો નહિ, પણ બીજી બહેનો આગ્રહ કરે કે, ''બેન, બધા ફોટામાં તમે હો તો આપણી પાર્ટીને ડોનેશનો તો સારા મળે !...''.... 

ત્યાં પહોંચ્યા પછીનું વાતાવરણ જોવા જેવું હતું. ૭૦-થી માંડીને ૮૦-૯૦ વર્ષના ડૉહા-ડોહીઓ સામસામી લાઇનો બનાવીને અમારૂં સ્વાગત કરવા ફૂલો લઇને ઊભા રહી ગયા હતા. બધાએ હળવે-હળવે અમારા ઉપર ફૂલો નાંખવાના. બધાને ન આવડતું હોય એટલે કેટલાક તો રોડ ઉપર રીક્ષા ઊભી રાખતા હોય, એવા હાથે અમને છેલ્લા ફૂલો ચઢાવતા હતા. હું પ્રૅસિડૅન્ટ, એટલે વૃદ્ધાશ્રમના સંચાલકશ્રીને બોલાવીને સૂચના આપી, એ મુજબ અમે બધા ઝાંપેથી ફરી દાખલ થયા ને ડોહા-ડોહીઓએ ફરીથી અમારા ઉપર ફૂલ વર્ષ કરી. સવાલ થોડો તમીઝનો જ હતો કે, સ્મશાનયાત્રા ઉપર પુષ્પવૃષ્ટી કરતા હોય, એમ તો અમારા બધાની ઉપર ફૂલો ન ફેંકાય ને ? આ જ કારણે ઘર અને કુટુંબકબીલો હોવા છતાં એ લોકોને વૃદ્ધાશ્રમમાં રહેવા આવવું પડે છે કે, સાલાઓમાં કોઇ તમીઝ જ નહિ ? 

પ્રૅસિડૅન્ટ તરીકે મારે ભાષણ તો કરવું પડે.... કર્યું મારા ભ'ઇ, પણ સમજાય કોને ? એકે ય તાળીઓ ન પડી ને આમે ય મારા પ્રવચનો સમજવામાં જરા અઘરા પડે એવા તો હોય છે જ ! (સંસ્થાના વાર્ષિક અહેવાલમાંથી આ ઘટના મારે કઢાવી નાંખવી પડી હતી કે, અહીં વૃદ્ધાશ્રમમાં હું ભૂલથી 'રક્તદાન કરો'ની અપીલવાળું ભાષણ વાંચી ગઇ હતી....!) મારા ચાલુ પ્રવચને અમારી સેક્રેટરી છાનીમાની કાનમાં કહેવા પણ આવી કે, '૯૨-વર્ષની ઉંમરના કાકા ક્યાંથી રક્તદાન કરવાના છે ?'ત્યારે આવેશમાં મારાથી માઇકમાં જ જવાબ અપાઇ ગયો કે, '૯૨-ની ઉંમરે જો એમને પરિવાર-નિયોજનની અપીલ કરી શકાતી હોય તો રક્તદાનની કેમ નહિ ?' 

હશે એ તો ! હું ક્યાં નથી જાણતી કે, પાર્ટીની ઘણી બહેનોને આવતા વર્ષે પ્રૅસિડૅન્ટ થવું છે, એટલે એ લોકો તો શેની તાળીઓ પાડે ? આમાં જ આપણો દેશ ઊંચો નથી આવતો. 

મારૂં લૅક્ચર ટુંકાવીને બધી સભ્યબહેનોને સૅલ્ફી પડાવવાની ઉતાવળ હતી.... કેમ જાણે એમાંની કેટલીક ડોસીઓના તો છેલ્લા શ્વાસો સાથે સૅલ્ફા લેવાના હોય ! 

અમારે ત્યાં વળી એટલું સારૂં છે કે, નિયમ મુજબ, પ્રૅસિડૅન્ટશ્રી જ પહેલી સૅલ્ફી લે... આઇ મીન, લેવડાવે ! મોટા ભાગની યુવાન છોકરીઓ પોતાની સૅલ્ફી પોતે જ લેતી હતી, પણ મને એવા વેવલાંવેડાં ન ગમે. મેં તો ત્યાં ઝાડ નીચે બેઠેલા એક વડીલને ખભેથી ઉચકીને રીક્વૅસ્ટ કરી કે, મારો સૅલ્ફી આ નાની-બા સાથે લઇ આપો. 

લઇ આપ્યો. તરત લઇ આપ્યો, પણ મોબાઇલમાં એ ફોટો જોયો તો સૅલ્ફી પાડતી વખતે હાથ ટેબલ-ફૅનમાં ભરાઈ ગયો હોય, એવો ધ્રૂજતો ફોટો આવ્યો. ચાંપલી સૅક્રેટરીએ કટાક્ષમાં હસતા મને સજૅસ્ટ કર્યું કે, સૅલ્ફી બીજા કોઇની પાસે લેવડાવવાના ન હોય, જાતે લેવાના હોય તો સારા આવે!.... કેમ જાણે, આપણને ખબર નહિ હોય ! અરે, એ તો હજી આજકાલની ઊભી થઇ છે... મને ૧૯૭૦-માં હું કૉલેજમાં હતી,ત્યારથી સૅલ્ફા લેવાનો ઍક્સપિરીયન્સ છે, એની એને ખબર નહિ હોય ! સુઉં હમજતા હસે લોકો....? 

...ને તો ય, ભ'ઇ, શોખ બધાને હોય તે મેં 'કુ... ભલે સૅલ્ફીઓ પાડે. શિવાની કોક ડોસા પાસે ગઇ ને કહે, ''કાકા, તમારી સાથે સૅલ્ફી લેવો છે.. જરા સ્માઇલ આપશો ?''એમાં તો કાકાએ, ''ઊભી રહેજે...''કહીને કમ્પાઉન્ડમાંથી અંદર ગયા ને ત્રણ-ચાર મિનિટમાં પાછા આવ્યા ને શિવાનીને જ કહે, ''લે બેટા... આ ચોકઠું પકડ.... ધીયાન રાખજે હેઠે પડી નો જાય... ચોકઠા વન્યા મારા ફોટા હારા નથ્થી આવતા...!''  

શિવાનીને બે-ચાર ઊબકાં ત્યાં જ આવ્યા ને બે-ચાર ઘેર જઇને ખાધા, એમાં વાંક એનો હતો. કાકાએ પ્રેમભાવથી ઘડીકઅમથું જ ચોકઠું પકડવાનું કીધું હતું ને શિવાની એવું સમજી હતી કે, મોબાઇલ સામે એના હાથમાં ચોકઠું પકડીને સૅલ્ફી લેવાનો હશે !

રાધાને ય સૅલ્ફી લેવડાવવાના બહુ શોખ. એણે એક બાને પકડયા. બિચારાને સાદું ચોકઠું ય નહોતું, પણ એમાં ય એ રૂપાળા લાગતા હતા. રાધલીએ ભૂલ એટલી જ કરી કે, સૅલ્ફી લેતી વખતે મોબાઈલ પોતે પકડવાને બદલે બાને આપ્યો. બાને  ખંજવાળ આવે તો ય મોબાઇલથી ખણે. છીંક આવી, એમાં આંખો મોબાઈલ ભરી મેલ્યો. એ બધું તો રાધેરાનીએ સહન કર્યું પણ, બાએ રાધાને રીક્વૅસ્ટ કરી કે, ''બટા, મારા થોડા સૅલ્ફી અમારા બધાને હારે મને લેવા દે ને !''એમાં તો આશ્રમના બધાને વારાફરતી બોલાવીને ડોસીએ સૅલ્ફી લીધા... રાધાની સાથે એક પડાવ્યો, એમાં બા ની બાજુમાં મેંહદીની વાડ આવતી હતી, રાધા નહિ ! જતા જતા ય મારે વળી પ્રોબ્લેમ ઊભો જ હતો. બધા મારો હાથ પકડીને હૉલમાં લઇ ગયા ને આગ્રહો કરી કરીને મને વચમાં બેસાડી. એ તો જાણે કે સમજ્યા કે, બધાને એમ હોય કે ક્લબની આ પ્રૅસિડૅન્ટ રૂપાળી તો બહુ જ છે, એટલે એની સાથે બેસીને ફોટા પડાવીશું તો ફોટા સારા આવશે, પણ એવું મારી જેમ એ લોકોએ પણ વાંચ્યું હશે કે, આ ઉંમરે સોફા ઉપર બેસીને ફોટા પડાવો, તો ફોટા તો એક સરખા જ આવે છે..... 

ઘેલસફ્ફાઓએ મને પણ એમ જ બેસવાની જીદ કરીને ગૃપ ફોટા પડાવ્યા. 

સિક્સર 
એક જ દિવસમાં ''સર્જિકલ''શબ્દ રાષ્ટ્રવાદી થઇ ગયો. દેશના સર્જનો (ડૉક્ટરો) ભૂલી ગયા છે કે, આપણે કરીએ છીએ એ શું ? 

Viewing all articles
Browse latest Browse all 894

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>