Quantcast
Channel: Ashok Dave's Blog
Viewing all articles
Browse latest Browse all 894

ટાલ, માથાના વાળનું અનાથાશ્રમ છે

$
0
0
કોઇ નવા બંધાયેલા વૃદ્ધાશ્રમનો ફોટો જોતો હોઉં, એમ હું અરીસામાં મારી નવી નવી પડેલી ટચુકડી ટાલને કરૂણાપૂર્વક જોઇ રહ્યો છું. આમ ધાબું હજી પૂરૂં ભરાયું નથી અને ફલૅટના ૧૦-૧૨ અશક્ત વડીલો ટૅરેસ પર ખાટલો પાથરીને શાંતીથી બેઠા હોય, એમ મારી નાનકડી ટાલ ઉપર ૧૦-૧૨ વાળ એકબીજાને અડી ન જવાય એટલું ધ્યાન રાખીને બેસી રહ્યા છે. એમને બધી ખબર છે કે, હવે આપણાં આંટા આવી ગયા છે. ઉપરવાળો ક્યારે અને કોને બોલાવી લેશે અને કોણ પહેલું જશે, એની કોઇને ખબર નથી. (''હમ કો કુચ્છ પતા નહિ....'') પહાડ ઉપર પવનને કારણે, ઊડી ન જવાય માટે બાળકો એકબીજાનો હાથ પકડીને આંબલી-પિપળી રમતા હોય એવું લાગે અને સહેજ ખસ્યા તો ગબડી પડીશું-ના ભયથી એ લોકો એમની બરોબર નીચે આવેલા મારા મોટા મગજનો સંપર્ક કરીને પ્રાર્થના કરે છે, 'અમારી રક્ષા કરજો, ભૂદેવ...!'પણ સદરહૂ મગજ અશોક દવેનું હોવાથી એમાં બચાવવા જેવું કાંઇ નથી, એમ સમજીને એ ૧૦-૧૨ વાળ સૅનેટોરિયમમાં વૃદ્ધો ભેગા મળીને પોતાના અંતિમ દિવસો ગણી રહ્યા હોય, એવા લાચાર થઇને મારા માથે ચીપકી રહ્યા છે. (સંખ્યા માત્ર ૧૦-૧૨ની હોવાથી 'વાળ'નું બહુવચન 'વાળો'કર્યું નથી... એક તો બોલવામાં ખાસ કોઈ પ્રભાવ ન પડે ને બીજું, આવું પૂઅર ગુજરાતી લખવા બદલ બા ખીજાય, એ જુદું!)

કહે છે કે, સંઘર્ષ કરીને બચી ગયેલા આવા ૧૦-૧૨ વાળોને સૌથી મોટો ખૌફ કાંસકાનો હોય છે. માથે ભરપુર જથ્થાવાળા વાળ વાળા કરતા ટાલીયાઓ કાંસકા વધુ ફેરવતા હોય છે. એ લોકોમાં પાંથી-બાંથી પાડવાની જાહોજલાલી હોતી નથી (દસ-પંદર વાળમાં શેના પાંથા પાડે...? આ તો એક વાત થાય છે !) છતાં હલદીઘાટીના યુદ્ધમાં છેલ્લે છેલ્લે માંડ બચી ગયેલા આઠ-દસ સૈનિકો સાથે ય દુશ્મનો સામે લડી લેવાનું ઝનૂન રાણા પ્રતાપને ઊપડયું હતું, એવા ઝનૂનો આવી ટાલવાળા જાતકોને કલાકે-કલાકે ઊપડતા હોય છે અને પાટલૂનના ગમે તે ખિસ્સામાંથી કાંસકો કાઢીને માથે ફેરવવા માંડે છે. દૂરથી જોનારાઓ હૈરત પામે છે કે, આવા ટાલીયાઓની યાદશક્તિ એવી સતેજ હશે કે, એમને યાદ જ હોય કે ક્યા ખિસ્સામાં કાંસકો પડયો છે ! વાસ્તવમાં આવા કોઇ યાદશક્તા-ફક્તા હોતા નથી... હકીકતમાં તો, માથે મોટી ટાલવાળા જાતકોના હરએક ખિસ્સામાં મિનિમમ એક કાંસકો તો પડયો જ હોય ! ખિસ્સે ખિસ્સે કાંસકા. કારણ કે, કોઇ ટાલીયો સમાજના દેખતા માથું હોળતો નથી. એને બધું ખાનગીમાં પતાવવાનું હોય છે. કોઇ જુએ તો મશ્કરીઓ થાય અને ખરાબ લાગે, એનું એમને ભાન હોય છે !

તેમ છતાં ય, આવા જાતકોની મોટી લડાઇ હૅરકટિંગ સલૂનોવાળા સાથે હોય છે કે, બધું મળીને ટૉટલ છવ્વીસ જ વાળો કાપવાના હોવા છતાં ભાવમાં કશું ડિસકાઉન્ટ અપાતું નથી. એ લોકો ધારે તો પૂરૂં ગોડાઉન ખાલી કરી આપવાને બદલે એક એક વાળદીઠ ભાવ નક્કી કરી શકાય કે, ', સાત વાળ કાપવાના ૭૦-રૂપિયા થશે...ને ત્રણ વધારે કપાવો તો ડિસકાઉન્ટમાં ૮૦-રૂપિયામાં બધું પતાવી આપીશું. ગ્રાહકોનો સંતોષ એ જ અમારો મુદ્રાલેખ છે. ખરેખર તો આવી પ્રથામાં ગ્રાહક જેટલું વાળંદે કાંઇ ગૂમાવવાનું નથી. કાતરના એક ઝાટકે માથા ઉપરના પચ્ચીસે-પચ્ચીસ વાળ સાફ થઇ જતા હોવાથી અસ્ત્રો ઘસવા કેશકલાકારને નથી લટપટીયું વાપરવું પડતું, નથી ગ્રાહકની બોચી નીચી કરાવવી પડતી કે નથી દુકાનમાં વાળના ઢગલા થતા, છતાં એ લોકો એક રૂપિયાનું ય ડિસકાઉન્ટ આપતા નથી. મારા હાળાઓ લૂંટવા જ બેઠા છે ને ? (અહીં 'લૂંટવા'નો અર્થ આપણી ધનસંપત્તિ લૂંટવા નહિ...વાળના ખાલી ખજાના લૂંટવા બેઠા છે, એવું સમજવું!.... (ખુલાસો પૂરો)

કેટલાક વાચકો જાણવા માંગે છે કે, કૃપા કરી અમને ટાલના વિવિધ પ્રકારો વિશે જણાવો. હું ચોક્કસ જણાવીશ, છતાં એમને સમજી લેવું જોઇએ કે, આ મારો રૅગ્યૂલર ધંધો ન હોવાથી હું ખોટો પડું, તો મને માફ કરવો અને વાત આગળ વધારવી નહિ. હવે વાંચો....

આપણે ત્યાં ટાલના બધું મળીને છવ્વીસ પ્રકારો શોધાયા છે, જેમાં સૌથી મોટો અને ઐતિહાસિક પ્રકાર, હૅરિટૅજ જેવી ઘુમ્મટ આકારની ટાલનો ગણાયો છે. વાળવિભાગના પુરાતત્વવિદોના મત મુજબ, આવા ઘુમ્મટોની આજુબાજુ ક્યાંય કશું બાંધકામ કે ઝાડીખંખરા હોતા નથી. બહુધા આવી પ્રોપર્ટી પિતાશ્રીના વારસમાં મળેલી હોય છે, તેમજ વસીયતનામામાં કોઇ ઉલ્લેખ ન હોવા છતાં ભાઇઓ વચ્ચે એને વહેંચી લેવાના કોઇ ઝગડા થતા નથી કે કોઇ કોર્ટે ચઢતું નથી. સગી બહેનો આમાં ભાગ ન મળવાનો જીવ બાળતી નથી. આ પ્રકારની ટાલોમાં જાતક (એટલે કે, ટાલનો એકહથ્થુ માલિક) આ ઘુમ્મટની શરૂઆતમાં એને છુપાવવાના ઘણા પ્રયત્નો કરી ચૂક્યો હોય છે, પણ 'ચાંદ છુપે નહિ બાદલ છાયો' (અથવા ગેરકાયદે માતા બનવા જઇ રહેલી પ્રસૂતા સ્ત્રીના ફૂલેલા પેટસમી) આવા જાતકોની ટાલ અગાઉ કરેલા પાપોની જેમ, આજે નહિ તો કાલે બહાર આવે જ છે અને છેવટે જાતક કંટાળીને, 'જાઓ, થાય એ કરી લો'ના ઝનૂન સાથે આખી ટાલ છોલાવી નાંખે છે અને અનુપમ ખેંરની માફક ચારે બાજુથી ગોળાકાર ટાલને પૂરતું રક્ષણ આપી નવો એકે ય વાળ માથે રહેવા દેતો નથી. પછી તો આવી ટાલ હોવી, એ કોઇ ગૌરવ હોય, એવા અભિમાન સાથે આવા જાતકો માર્કેટમાં ફરતા હોય છે, બોલો !

બીજા પ્રકારની ટાલ સંગીત સાથે જોડાયેલી છે. તાલવાદ્ય એટલે નગારૂં કે ઢોલકું નહિ, પણ તબલાંની માફક આવી ટાલો વિકસી હોય છે. ફર્ક એટલો કે, તબલાંમાં વચ્ચે કાળું અને આજુબાજુ ધોળું હોય છે, જ્યારે આવી ''વિભાગની ટાલોમાં આજુબાજુ કાળું અને વચ્ચે ધોળું હોય છે. બન્નેની ચમક એકસરખી હોય છે અને બન્ને તરફ શૅઇપ સરસ અને માફકસરનો પકડાયો હોય છે. ભૂમધ્ય સમુદ્ર બાજુ થયેલા એક સંશોધન મુજબ, ગુજરાતના ચરોતર બાજુના પટેલો અને રાજકોટ સાઇડના જૈનો આવી ટાલો બહુ રાખે છે. વચ્ચેના સપાટ ભાગને બાદ કરતા આજુબાજુ ઘુમરી લેતો ભાગ એમને અનામતમાં મળેલો હોય છે. આ પ્રકારના જાતકો તરફ સ્ત્રીઓ ખૂબ આકર્ષાય છે પણ કમનસીબે, આ જાતકો પોતાના જેવી જાતકણોને શોધે છે, પણ સ્ત્રીઓને માથે જવલ્લે ટાલ પડતી હોવાથી ચરોતર-રાજકોટ વિભાગના જાતકો શ્રૃંગારરસથી તદ્દન વંચિત રહી જાય છે. ત્રીજો પ્રકાર મારા જેવો હોય છે, જેમાં જાહેરસભા શરૂ થવાના બે-ચાર કલાક પહેલા મેદાન વાળીઝૂડીને સાફ કરાવવા છતાં બધો કચરો ગોળાકારે ફેલાઇને પડયો હોય, એમ વચ્ચે નાનકડું મેદાન સાફ પણ ચારે બાજુ પબ્લિક બહુ ભરાયું હોય છે. જાહેરસભા રાહુલજી હોય અને ભાગ્યે જ કોઇ ૩૦-૪૦ જણા આવ્યા હોય, એમ મારી ટાલ ઉપર ખાસ કોઇ ખેડાણ થયું હોય એવું લાગતું નથી, પરંતુ આજે ખાબોચીયામાં તરીએ છીએ તો કાલે દરિયો નહિ તો સ્વિમિંગ-પૂલમાં તરવા મળશે, એમ મારી ટાલનું ભાવિ ઊજળું જણાય છે. કોઇની શેહશરમ રાખ્યા વિના એ ગૌરવપૂર્વક વધતી રહી છે કે, હવે તો એવો ડાઉટ પડયો છે કે ભવિષ્યમાં એ મારી વહાલી મૂછો અને આંખ ઉપરની ભ્રમરોનો ય ભરડો લઇ લેશે. જરૂર પડે તો માથે વિગ અને મૂછો બનાવટી પહેરી શકાય છે, પરંતુ આંખો પરની ભ્રમરોની વિગ મળતી નથી. હા, કેટલાક લોકો એને કાળી કરવા ભ્રમરો ઉપર હૅરડાઇ લગાવીને હાસ્યાસ્પદ (સૉરી, હાસ્યાસ્પદ નહિ.... બિહામણા....!) દેખાય છે કારણ કે, આવડતને અભાવે વરસાદની વાછટથી બારીના કાચ ઉપર સરકતા લિસોટાની જેમ કાળી હૅરડાઇ આંખની આજુબાજુ ઉતરી આવે છે.


આમ, ટાલોના વિશ્વભરમાં મુખ્ય ત્રણ પ્રકારો શોધાયા છે. બાકીના ત્રેવીસ પ્રકારો વાચકોએ જાતે શોધી લેવા... મારે બીજા કોઇ કામધંધા હોય કે નહિ ?

Viewing all articles
Browse latest Browse all 894

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>