Quantcast
Channel: Ashok Dave's Blog
Viewing all articles
Browse latest Browse all 894

લવ @ ૭૦

$
0
0
વાત તો ૧૯૪૪ કે '૪૫ ની આસપાસ શરૂ થઈ હતી. સ્કૂલમાં ખાદીની સફેદ ટોપીવાળા માસ્તરો તો પ્રેમોમાં પડતા શીખવાડે નહિ ને ઘરમાં કોઇને એવો અનુભવ નહિ, એટલે અમારે બધો આધાર ફિલ્મના હીરાઓ ઉપર રાખવો પડતો. પ્રેમમાં એ અમારા ગુરૂઓ. છતાં પ્રેમોમાં સ્વાવલંબન ઠેઠ એ ઉંમરથી ઠીક ઠીક આવી ગયેલું, બોલો !

આપણે તો અશોક કુમાર અને નલિની જયવંતને ધ્યાનમાં રાખીને પ્રેમો કર્યા હતા. કપાળના ભાગથી હું થોડો થોડો અશોક કુમાર જેવો લાગુ ય ખરો ને મારી નલ્લી... ઓહ, નામ તો એનું ગોદાવરી હતું ને ઘરમાં બધા એને 'ગોદુ'કહીને બોલાવતા, પણ મારા માટે તો એ સદાયની નલ્લી જ હતી.

ઓકે, થોડી ડીટેઇલમાં વાત કરૂં. ભ', અમારા વખતમાં તો આ તમારા વૉટ્સએપ-ફોટ્સઍપો હતા નહિ.. જે કાંઇ કરવું હોય તે બધું હાથે લખીને આલવાનું ! આમાં તો કેટલા દહાહે (કેટલીને) પહોંચી વળાય ? પણ તમારી હાલવાળી બા ના સમ... નલ્લી જીવનમાંથી ગઇ નથી ને પરભા ઘરમાં આવી નથી !

પરભા એટલે તમારી હાલની કાકી ! હાળી પરભાડી ! છીંકણાં બહુ સુંઘે, એમાં મારી ૯૦ લાખ બચ્ચીઓ વેડફાઇ ગઇ...! પછી તો એને મૂકી પડતી અને... આઇ મીન, તમારા કાકી તો એના એ જ રાખ્યા, પણ બચ્ચીઓવાળો સપ્લાય અમારા ગામની રૂકમણી પાસે રાખ્યો !

રૂખી આમ નડે એવી નહિ ને છીંકણાં-ફીંકણા તો જનમભર ન સુંઘે, પણ એને એક બુરી આદત... જેટલી વાર મંદિરે જાય એટલી વાર નવા નવા ભક્તોને પ્રસાદ આલતી આવે ! આપણે તો છેલ્લે વધેલો જ પરશાદ ખાવાનો આવે ! મારી બા તો ઠેઠ એ વખતની ખીજાયા કરે કે, મ્હેલને રૂકમણીને પડતી... ગામમાં ઘણી છે. આ ત્રીજી વાર પાછી આયેલી જેઠાકાકાની નબ્દાડી નથી ? એને ઘેર આવવા કરતા પાછા જવાનો મોટો અનુભવ છે, એટલે કાયમ માટે વળગશે ય નહિ... ને નાક-નકશે ય રૂપાળી તો છે, 'ઇ...પછી તારી મરજી !

હું ગામમાં ગમ્મે તેનું ન માનું, પણ મારી બાએ કીધેલું કોઇ દિવસ પાછું ના ઠેલું. આમ નબ્દાડી કાંઇ ખોટી ય નહિ ને આપણને બહુ ગમે છે, એવી ય નહિ... પણ બાએ કીધું એટલે ના ન પડાય ! અને બા બિચારી બહુ સારી... બધીઓમાં એ હા તો પાડે જ!

પણ વહાલું નર્મદુ... મારૂં વહાલું નર્મદુ ! બસ, એ ગયું... આઇ મીન, '૪૬ની સાલમાં ગઇ એ ગઇ જ ! પછી એકે ય વાર દેખાઇ જ નહિ. દેખાઇ નહિ, એટલે મારી આંખે મોતીયા નહોતા આયા, પણ સમાજમાં ક્યાંય દેખાઈ નહિ ! સાલું, જીવતે જીવત વિધૂરિયો ય શેં કહેવડાવવું ? મારી એ પત્ની તો હતી નહિ, છતાં વહાલ મને વાઇફ જેવું જ જીંદગીભર આવ્યું. નર્મદુ મારી લાઇફમાં આવેલી બધી વાઇફોઝમાં નંબર વન. વાઈફોનો અર્થ એવો નહિ કે, એમાંથી એકે ય સાથે હું પરણ્યો છું.

પરણ્યો તો એમાંની ફક્ત પરભાડીને. સરકારી ક્વૉટા મુજબ, એને બે બાળકો આપી દીધા એટલે આપણું કામ પૂરૂં, પણ એમાં કાંઇ વાઇફને પ્રેમો ય સરકારી ક્વૉટામાંથી થોડા અપાય છે ? પણ બીજી બધીઓને માનપાન વાઈફો જેવા જ આલવાના ! ઓ બધીઓ સાથે 'ચક્ષુ-વિવાહો'તો દહેજ લીધા વિના કરી લીધા હતા! આ તો એક વાત થાય છે !

આજે તો મંદિરનો માહૌલ પણ કોઇ નોખો હતો. પરભાડી તો ઘેર પગ ભાંગ્યો છે, એટલે એ તો આવી શકે એમ નથી, એટલે કમ્પાઉન્ડના બાંકડે બે ઘડી બેસીએ તો આંખો ઠરે, બીજું શુ ?

'
કાકા, જરા ખસશો ?'

...
કાકા ? મને કોઇએ કાકા કીધો અને એ ય કોઇ કાકીએ ? સાલું, ડીસન્સી જેવું જ કંઇ રહ્યું નથી. હતી કોઇ ૭૦ની આસપાસની... એટલે સમજોને, મારી જ આસપાસની ઉંમરની ! કાકા કહેવાનો ગુસ્સો ઓગળી જાય, એવી એ દેખાતી હતી. આ ઉંમરે ય વાંકી વળી ગઇ નહોતી. કોઇ જુએ નહિ, એમ છાનુંમાનું જોઇ લીધું. દેખાવમાં ગમે એવી હતી. પણ મને ય, 'બા'કહેવાની ઉંમરે 'બહેન'કહેવું પડે એ તો ન ગમે ને ? વારેઘડીયે એની તરફ જોવાનો જુસ્સો બહુ ચઢે રાખે, પણ એક તો ઉંમર અને એમાં ય મેદાન મંદિરનું. બધે બધું નડે જ છે, આ ઉંમરે !

'
ગીઇઇ....જુ છે...?'

ગામ આખું મને ગીજુ બાપા કહેતું હોય ને આ મને સીધું ગીજુ કહીને બોલાવે, એ ધડધડધડ ગમ્યું તો બહું, પણ આમ મને ઓળખીને પાછું તુંકારે બોલાવનારી છે કોણ ? આ બાજુ ફરવા અડધા શરીરની ઘુમરી લેવી પડે, એ હવે બહુ ફાવતું તો નથી... સાલું કમરનું દર્દ...! પણ એ બધાનો અત્યારે વિચાર કરવાને બદલે પેલીની સામે જોયું... તારી માને... ઓહ, પણ મારી કોઇ ના માને... આજે જ વાંચવાના ચશ્મા ઘરે ભૂલીને આયો !

'
હા, કોણ ? તમને ઓળખ્યા નહિ...!'

'
આ શું મને તમને તમને કરે છે, ગીજુડા...! ઓળખી મને ? હું નર્મદા... નર્મદા દેસાઇ !'

'
નર્મ...ઓહ, યૂ મીન, નબ્દા...? નબ્દા, તું હજી...?' 

'
હા, હું હજી જીવું છું, ગીજુડા... તું તો મને સાવ ભૂલી ગયો !

'
અરે, મારો પૂછવાનો મતલબ એવો નહતો, પણ... પણ તું...!'

મંદિરમાં આવવાનો આટલા વર્ષે ફાયદો દેખાણો... હું તો નબ્દા તરફ થોડું ખસ્યો ય ખરો. એનું કપાળ કોરૂં હતું એટલે રાહત થઇ કે, આધાર-કાર્ડમાંથી મોટું નામ જતું રહેલું. આટલા વર્ષે મળી છે ને વર્ષો પહેલા કહી નહોતો શક્યો એ હવે અત્યારે કહી દઉં, 'નબ્દા... મારે તો તને પત્ની બનાવવી હતી.'

'
ઉલ્લુ ના બનાય ગીજુડા... તું તો ક્યારનોય પેલી નલ્લી પાછળ પડયો'તો... એ ક્યાં ગઇ ?'

આને સાલીને નલ્લી ક્યાંથી યાદ આવી ગઇ ? એને વિધવા થવાનો અનુભવ બહોળો હતો, એટલે મારે પડતી મૂકવી પડી, એ આને કેવી રીતે કહું ? અને આ ય કાંઇ ઓછી નથી. ત્રણ વાર તો ઘર ભાંગીને આવી હતી ને અત્યારે વિધવા થઇને આઇ છે... થવા તો નહિ આઇ હોય ને ?

પણ આમે ય પરભાડીથી તો હું ય કંટાળ્યો હતો ને મંદિરના ઓટલે બેસવા આ નબ્દાડી મળી જાય તો પછી ધીરે-ધીરે એને પેલું ક્યું ડૉનાલ્ડ... જે હોય તે, નબ્દાડીને આ છોકરાઓ બેસે છે એ સબ-વે કે સીસાડા-ફિસાડામાં લઇ જવાય ! સુઉં કિયો છો ?

પણ પહેલે જ દિવસે કિશન અમને જોઇ ગયો... કિશન-મારો મોટો છોકરો. જે રીતે બાંકડા ઉપર હું નબ્દાડી તરફ સરકતો હતો, એનાથી એને અંદાજ આવી ગયેલો કે, ડોહા કોઇ મોટી ફિરાકમાં છે. મારા ઘરે પહોંચતા પહેલા એણે ઘર આખું ભેગું કર્યું હતું. પરભા પાછી કિશનીયાના ખોળામાં માથું મૂકીને ડુસકે-ડુસકે રડે.

બધાની નજરો મારી તરફ, કેમ જાણે હું કોઇ ચોરી કરીને આવ્યો હોઉં !

સહુનો સૂર એક જ હતો, 'દાદાજી... હવે આ ઉંમરે આ બધું સારૂં ન લાગે.'

તમારા બધાની ભલી થાય ચમનાઓ... મારે ક્યાં નબ્દાને ઘરે લાવવી છે. આ ઉંમરે ઘર અને સમાજ-બધાએ મને તગેડી મૂક્યો છે, ત્યારે કોક હાથ ઝાલવાવાળું મળે, એ ય તમને નડે ?

પણ સંસારની બધી કહાણીઓના અંત સુખદ નથી હોતા.... આનો ય નહતો. ઘરવાળા બધા માની ગયા ત્યારે ખબર આવ્યા કે, નર્મદા ગૂજરી ગઇ...એ જ મંદિરના એ જ બાંકડે !

એક ગરીબ અને બીજા વૃદ્ધ માણસને સુખનો વિચાર જ નહિ કરવાનો ?

સિક્સર
-
માત્ર એટલું જ બોલવાનું છે કે, ઉરીના હૂમલા અને આતંકવાદનો તમે વિરોધ કરો છો...ફિલ્મોવાળા કેવા ફફડુ પુરવાર થયા ??? એક માત્ર અજય દેવગણ અને નવાજુદ્દીન સિદ્દીકીએ ભારત માટેની દેશભાવના બતાવી.

Viewing all articles
Browse latest Browse all 894

Trending Articles