Quantcast
Channel: Ashok Dave's Blog
Viewing all articles
Browse latest Browse all 894

દેશમાં કોઈ ઘટના સારી બનતી જ નથી?

$
0
0

પાકિસ્તાનવાળા ક્રિકેટમાં ઈન્ડિયા સામે હારે, ત્યારે પોતપોતાના ટીવીઓ હથોડા મારી મારીને તોડી નાંખે છે. કહે છે કે, હવે તો 'ભારત'સામે હાર્યા પછી તોડવા માટેના ખાસ ટીવીઓનું નવું માર્કેટ પાકિસ્તાનમાં ઊભું થયું છે અને ભારત-પાકિસ્તાન સીરિઝ પહેલા એવા ટીવીઓના બ્લૅકના ભાવો બોલાય છે. ભારત સામેની હારથી મોંઘુ તો કોઇ ટીવી હોઈ ન શકે ને? એટલે ભૂક્કા બોલાવી દેવાના. બદલામાં આપણે જીત્યા, એટલે પાકિસ્તાન જઈને એમના ટીવીઓ તોડવાની જરૂર પડતી નથી.

ટીવી પરના સમાચારો જોઈને આપણે એવું કરવા જઈએ તો વાંચી લીધેલા છાપાંઓ ઉપરે ય હથોડા મારવા પડે. ક્રોધ વ્યક્ત કરવા કશાનું તૂટવું-ફૂટવું જરૂરી છે. બેસ્ટ રસ્તો 'ભારત બંધ'નું એલાન આપી દેવાનું! સૃષ્ટિની ઉત્પત્તિ થઈ ત્યારથી આજ સુધી 'અમેરિકા બંધ, 'ઈંગ્લૅન્ડ બંધ'કે 'ચીન-રશિયા બંધ'ના એલાનો સાંભળ્યા નથી. દેશને નુકસાન થાય એવું કરવું એ લોકોને ફાવતું જ નથી, પછી એવા દેશો ક્યાંથી આગળ આવે?

આપણે ત્યાં, સવારે છાપું લઈને ટૉયલેટ જવાની પરંપરા છે.... તો જ સરખું ઉતરે! કવિ-લેખકો ટૉયલેટમાં જઈને લખતા હોય, તો જ એમને 'સૂઝે', એવું સાંભળ્યું નથી પણ સામાન્ય માણસ પણ વાચન-વૈભવ તો આ જ ઘટનાસ્થળે સમૃધ્ધ કરે છે.

ઘણા પોતાની વૈભવી લાઇફ-સ્ટાઈલ બતાવવા આપણને ખાસ એમના ટૉયલેટમાં લઈ જાય છે, જ્યાં ગૌરવપૂર્વક એમની સમૃધ્ધ લાયબ્રેરી બતાવે છે... કેવો મનોહર વિચાર છે કે એક જ ટૉયલેટમાં એક બાજુ શૅક્સપિયર પડયો હોય, બીજા ખૂણે બર્નાર્ડ શૉ હોય, વૉશ-બેઝિન નીચેના રૅકમાં સીડની શૅલ્ડન પલળતો હોય... પણ એક જ ટૉયલેટમાં આ બધા સાહિત્યકારો એકબીજાના ટાંટીયા ખેંચ્યા વિના શાંતિથી પડયા હોય..! જો કે,આવા શોખિન બંગલા-માલિક માટે માન ઉપજે કે, આવા મહાન સાહિત્યકારોની ખાંભી કે પૂતળાં બનાવવાને બદલે, ટૉયલેટમાં ગોઠવી દેવાથી ઍટ લીસ્ટ, લોકો (લાગી હોય ત્યારે) એમને વાંચી શકે. મારિયો પૂઝો જેવા લેખક તો વાંચનારને આંચકા આપી શકે અને પેટ સાફ આવવાને આંચકાની પણ જરૂર પડે છે. આંચકો જેટલો તોતિંગ, એટલું પેટ સાફ જલ્દી આવે. આ જ કારણે, છાપું અંદર લઇ ગયા પછી લોકો બેસણાંની જાહેરખબરો પહેલા વાંચી લે છે. ''હેં..? આ ગયા...??''બસ, આટલો ઝટકો કાફી છે, પાંજરામાંથી સિંહોને બહાર લાવવા માટે..!

અલબત્ત, રોજ સવારે છાપું ટૉયલેટમાં લઈ જવાય, ટીવી ના લઈ જવાય! બા ખીજાય! જો કે, કેટલાક ટૉયલેટ-વિચારકો માને છે કે, ભલે ટીવી અંદર લઈ ન જવાય, પણ એમાં પર્મેનેન્ટ એક ટીવી મૂકાવવામાં વાંધો શું? છાપું તો બન્ને હાથમાં પકડવું પડે, જ્યારે યુધ્ધવિરામ દરમ્યાન સેનાપતિ પોતાના તંબૂની બહાર અદબ વાળીને નિરાંતે બેઠો હોય, એમ અહીં તંબૂની અંદર અદબ વાળીને કેવી શાન અને પ્રસન્નતાથી બેસીને ટીવી-ન્યુસ જોઇ શકાય?

સઘળું સરળતાથી પતતું રહે. જો કે, વિઘ્ન ત્યારે આવે કે, ટીવી પર કોઈ સમાચાર એવા જોવાઈ જાય કે, છુટકારો આવતા પહેલા જ બંધ થઈ જાય! છાપાંમાં એ પ્રોબ્લેમ થતો નથી. ઈચ્છા મુજબ, બેસણાંની જા.ખ.માં કોઈ 'સારા'સમાચાર હજી ન આવ્યા હોય અથવા તો કોઇના અણધાર્યા સમાચાર આવે, તો ખુલાસામાં મોટો ફેર પડી જાય છે. આ તો એક વાત થાય છે.

પણ બધી ટીવી-ન્યુસચેનલો હવે ફાટીને ધૂમાડે ગઈ છે. સનસનાટી વિનાના કોઈ સમાચાર જ નહિ. લોકોને ફફડતા રાખો, સન્નાટામાં રાખો અને બીવડાવતા રહો તો જ બીજી ચેનલો કરતાં આપણી ડીમાન્ડ વધશે. હાલની કોઇ પણ ચેનલ જુઓ, તો ચોંકી જવાશે કે, ૧૪૦-કરોડની વસ્તીમાં પૂરા દિવસમાં કોઈ સારી ઘટના બનતી જ નથી? બધે ખૂનખરાબા, આતંકવાદ, બળાત્કાર, અબજો રૂપિયાના કૌભાંડો, વિધાનસભામાં મારામારી, રોડ પરના સીસીટીવી-કૅમેરામાં ઝડપાયેલા કોઈ ખૌફજદા ઍક્સિડેન્ટના લાઇવ દ્રષ્યો... સાલું, આ લખતા જ નહિ, તમને વાંચતા ય ટેન્શનો ઊભા થઇ જાય કે, ૨૪-કલાક દેશમાં આવી જ ઘટનાઓ બને છે? કોઈ સારા સમાચાર બનતા જ નથી? ટીવી-સીરિયલો ય ઘરમાં ઝગડા કરાવે, એવી કૌટુંબિક રાજકારણથી ભરપુર હોય છે,માટે જ હું 'કપિલ શર્મા'ના શો કે 'તારક મેહતા કા ઊલટા ચશ્મા'જેવી હળવી સીરિયલો ક્યારેક જોઉં છું... આ લખનારના મતે તો સર્વોત્તમ ચૅનલો ટ્રાવેલ-એક્સપી, એનિમલ પ્લૅનેટ કે નેટ-જીઓ છે... આપણા દેશના જાનવરો જોવા કરતા જંગલના જોવાથી કંઈક શીખવા તો મળે! હવે હું ઘરમાં ઘુરકીયાં કરી શકું છું, પત્ની ખીજાય ત્યારે કોબ્રાની માફક જીભ બહાર કાઢીને અમને બધાને ચૂપ કરી શકે છે... ગેલેરીમાં વાંદરા ઉતારી આવે, તો સેલ્ફી લેવા પડાપડી થાય. કમ-સે-કમ, ટેન્શનો તો નહિ લેવાના !

કોઇને રાતોરાત ચમકાવી દેવા માટે ટીવી-ન્યુસ પર્યાત છે. આમ તમે દેશનું કે કોઇનું કાંઇ સારૂં બોલો,ન્યુસવાળા તમારી સામે પણ નહિ જુએ, પણ જાહેરમાં ઊભા રહી એક જ નિવેદન આપો, 'જવાહરલાલ નેહરૂએ દેશને બર્બાદ કરી નાંખ્યો હતો...!'ઇનફ...છાપાથી માંડીને ટીવીવાળાનો તમારા ઘેર ધામો. કેજરીવાલ, માયાવતિ, ઓવૈસી, લાલુપ્રસાદ કે મુલાયમ જેવાઓ ટીવીની પેદાશ છે. આ લોકો ઘૂ્રણાસ્પદ અને બેશરમ કોઈ પણ વાત કરે, એટલે ટીવી- ન્યૂસ ચેનલો એમને રાતોરાત હીરો બનાવી દે. બદનામ હોંગે , તો ક્યા નામ ન હોગા ?

ન્યુસ-ચેનલોવાળાની ભિખારાવૃત્તિ ક્યારેય સમજમાંઆવતી નથી. બે બદામના નેતાનો ઇન્ટરવ્યૂ લેવા એની કાર પાછળ આ લોકો કેમેરા લઈને દોડે, પેલો ભિખારીને આઘો હડસેલતો હોય એમ જવાબ પણ ન આપે. બરોબર આવા દ્રષ્યો રોજ આ આપણા ટ્રાફિક- સિગ્નલો ઉપર જોવા મળે છે.

ભિખારણ ડોસી દયામણાં મોંઢે કારની બારીના કાચ પાછળથી ગરીબડું મોઢું કરીને એક એક રૂપિયાની ભીખ માટે યાચનાઓ કરતી હોય છે, એમાં અને, 'સર..સર..પ્લીઝ..એક સવાલ... પ્લીઝ..ની ભીખ માંગતા ટીવી- પત્રકારો વચ્ચે ફર્ક શું ? યાર, તમે જર્નાલિસ્ટ છો. જરૂરત નેતાઓને તમારી પડે છે અને પડતી રહેવાની છે, ભીખ માંગવી પડે તો એ લોકોએ તમારી માંગવાની હોય ઇ.સ.૨૦૧૯ની ચૂંટણીઓ નજીકમાં છે.

એક નવાઈ તો લાગવાની. રસ્તા ઉપરથી કોઈ પોકેટમાર કે સ્ત્રીઓના ગળામાંથી ચેઈન ખેંચીને ભાગનાર ચોર ઉચક્કાને પોલીસ લઈ જતી હોય, ત્યારે એનું મોઢું ઝાંખું (Blurred) કરી દેવામાં આવે છે. એ તો મહિના- બે મહિનામાં છુટી જવાનો છે, તો પ્રજા ઓળખી કેવી રીતે શકે કે, આનાથી ચેતવાનું છે ? ચોખ્ખું થોબડું નહિ બતાવવાના કાયદાકીય કારણો હશે, પણ તો પછી આવા થોબડાં બતાવો કે ન બતાવો... દર્શકોને શું ફેર પડે છે ?

અધૂરામાં પૂરું. આપણી ન્યુસ- ચેનલો પર કોઈ સેન્સરશીપ હોવાનું જણાતું નથી. જેને જે સનસનાટી ઉભી મચાવવી હોય, પ્રજાને સળગતી રાખવી હોય કે પોતાની કમાણી વધારવા હોય, એના કરતા ય જંગી સાઈઝની સનસનાટીના સમાચારો ફેલાવે... કોઈ પૂછનાર નહિ. સીધી વાત છે. દેશના લોકો એકબીજા સાથે મારામારી કે તોફાનો કરે, તો લોકો સમાચારો જોવા ટીવી સામે બેસી જવાના છે અને જેટલા વધુ દર્શકો આવા સમાચારો જુએ,એ સમાચારોની આગળ-પાછળ એડવર્ટાઈઝ તોતિંગ સંખ્યામાં વધવાની છે. એમાં ય, ન્યુસ-ચેનલો છેલ્લા કેટલાક વર્ષોથી નવું તૂત લઈ આવ્યા છે. ક્યા.. આજ રાત કો અહેમદાબાદ મેં પાગલ હાથી દૌડેગા..? ક્યા લાખોં અહેમદાબાદીયોં કી જાન ખતરે મેં હૈ ? દેખીયે, આજ રાત ૯ બજે.. સિર્ફ હમારી ચેનલ પર. લોકો ભયના માર્યા વહેલા ઘરભેગા થઈ જાય ને ટીવી સામે આ સમાચાર જોવા બેસી જાય.

સરસ.સ્સ..સોરી, લેખ પડતો મૂકવો પડશે, ટીવી પર ન્યૂસ આવ્યા છે કે, 'નોર્થ કોરિઆનો પાગલ તાનાશાહ કિમ ઉન જોંગ અમદાવાદના નારણપુરા ઉપર પરમાણુ બોમ્બ ઝીંકવાનો છે...!'

સિક્સર
-
આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો મળે, એ માટે ત્યાં આંદોલન ચાલી રહ્યું છે.
- કાંઈ ખોટું નથી. એ પછી નારણપુરા... પછી શ્રેનિક સોસાયટી અને છેલ્લે ભૂમિદીપ ફલેટ્સને જ નહિ, એના ચોથા માળને પણ વિશેષાધિકાર મળવા માટે અમે આંદોલન ચલાવવાના છીએ.

Viewing all articles
Browse latest Browse all 894

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>