અમારા ખાડીયાની મોટા સુથારવાડાની પોળમાં રણજી ટ્રૉફી લેવલના પોળીયા ક્રિકેટરો થઈ ગયા... થઈને જતા ય એટલા માટે રહ્યા કે, આજુબાજુની કોઈ પોળ સાથે મેચ રાખવી હોય તો અમારી અગીયારની ટીમ જ ન થાય. બધાને પકડી પકડીને પોળને નાકે વચનો લેવા પડે કે, 'બે, તું ચોક્કસ આઇ જજે... તને બે ઑવર નાંખવા આલીશું... પણ છેલ્લી ઘડીએ લટકાવતો નહિ... ખા, તારી માના સમ..!'
અને પેલો મા ના સમ ખાઇને ચોક્કસ ન આવતો!
એ અગીયાર ભેગા કરતા દમ નીકળી જતો. માંડ થયા હોય ત્યારે બરોબર મેચના રવિવારે કોઈના ડોહા ઉકલી જાય ને કોઈની પોતાની સગાઈ હોય... ને કન્યાવાળા સવારે દસના મુહુર્ત માટે બપોરે ચાર વાગે આવે!
અમારી તો મેચની... હમણાં કહું એ...! પૂરા ૧૧-ની ટીમ થાય નહિ, એટલે મોટા ભાગે તો દુશ્મન ટીમમાંથી એકાદ-બે પ્લેયરો ઉધાર લેવા પડતા.
આવો જ અને આનાથી ય મોટો પ્રોબ્લેમ તીનપત્તી માટે થતો. જન્માષ્ટમી આવે એટલે અચાનક બધા પ્યૉર હિંદુ બની જાય અને એકબીજાને અકળાઈને પૂછતા હોય, 'બે સુરીયા... આ જન્માષ્ટમી ક્યારે આવે છે, યાર?'
અને સુરીયો જન્માષ્ટમીને ખિસ્સામાં રાખીને બેઠો હોય, એવો અકળાઈને જવાબ આપે, 'બે, હું તે કાંઈ ગોકૂળ-મથુરાની આંગડીયા-સર્વિસ ચલાવું છું, તે મને પૂછે છે? પૂછ આ ધનીયા ને... એના બાપા ય ખિસ્સામાં બારેમાસ કૅટો લઈને ફરે છે..!'
'એ બધું તો બરોબર.પણ આપણે થઈએ છીએ કેટલા હું, તું ને આ ધનિયો! હાળા ચારે ય પૂરા થતા નથી. ટેબલ તો થવું જોઈએ ને?'ટેબલ થવા માટે ૭-૮ ખેલાડીઓ તો જોઈએ. પાંચથી ય આમ કાંઈ વાંધો ન આવે અને એટલા ય ન થતા હોય તો માણેકચૉક લઈ જઈને ફ્રી ફાફડાની લુખ્ખી આપીએ, ત્યારે માંડ એકાદો આવે. એમાં ય, એની શરત હોય, ''બે, પચ્ચાની નૉટ પૂરી થઈ જશે તો હું ઊભો થઈ જઈશ''છેવટે સામસામે બે જણા રમી નાંખીએ. એકલા એકલા તીનપત્તી ના રમાય... બા ખીજાય!
જન્માષ્ટમી તો હમણાં જ ગઈ. અઠવાડીયાથી બેઠક ચાલુ હોય, એ બધા માંડ થાકીને નવરા પડયા હોય. બબ્બે દહાડાથી તો પથારીમાંથી ઊભો થયો ન હોય...
જન્માષ્ટમીમાં આઠસો-હજારની ઉઠી ગઈ હોય, એટલે એને ઉઠાડવાની તો એના ફાધરે હિમ્મત ન કરે. (એ ય હારીને આવ્યા હોય!)
હજી એ વાતની કોઈને ખબર પડી નથી કે, ફાફડા દશેરાએ જ કેમ? ઊંધીયું ઉત્તરાયણમાં જ, તીનપત્તી જન્માષ્ટમીએ જ ને વઘારેલી ધાણી હોળીના દિવસે જ કેમ? ડ્રિન્કસ ૩૧ ડીસેમ્બરની રાત્રે જ કેમ...?
સૉરી, સૉરી સૉરી... એમાં જ્ઞાતિ-જાતિ કે વાર-તહેવારના ભેદભાવ આપણે રાખતા નથી... બારે માસ, 'જય કન્હૈયાલાલ કી...'
એમના જમાનામાં ભગવાન શ્રીકૃષ્ણ જુગટું રમ્યા હતા, એવું કહેવાય છે, પણ એ જુગટામાં 'તીનપત્તી'આવતી હતી કે નહિ, તેની ખબર નથી.
અમે બધા જન્માષ્ટમી પહેલા જ કૃષ્ણાવતારો ધારણ કરી લેતા. કેવળ જુગટું માટે જ નહિ, ખાડીયાની ગોપીઓના ઉધ્ધાર માટે પણ! ગોપીઓ ખાડીયાની હતી, એટલે બુધ્ધિમાન નીકળી અને ખાડીયાના એકે ય કૃષ્ણ, નટવર કે દામોદરને પરણી નહિ, બધી બહાર જ પરણી... ક્યાં પરણાય ને કોની સાથે તો ન જ પરણાય, એની ખાડીયાની બધી છોકરીઓને ખબર!
પણ તીનપત્તીમાં ગોપીઓ-બોપીઓનું કામ નહિ. અમે બધા દુર્યોધનો અને દુ:શાસનો સાથે જ રમીએ... છેલ્લે જીતે એ જ ખરો નટવરગીરધર! આમાં સારો માણસ જ જીતે, એવું કાંઇ નહિ...
આ લો, અમે હારતા'જ'તા ને? પણ જેમ જેમ રમતા જઈએ, એમ પ્રભુપરમેશ્વર ઉપર અમારો વિશ્વાસ બુલંદ થતો જાય. ભગવાન શંકર કે શ્રી.મહાવીરસ્વામી કે શ્રી.અંબાજી માતાજીને અમે શર્ટના ઉપરના ખિસ્સામાં રાખીએ. હારતા હોઇએ, ત્યારે એ લોકો બહુ યાદ આવે.
'હે ભોળાનાથ... ફૂલ્લીના રાજા સાથે ફૂલ્લીની રાણી તો દેખાઈ છે... હવે ફૂલ્લીનો એક્કો નહિ તો ફૂલ્લીનો ગધેડો ય ચાલશે... ચરકટનો ય ચાલશે, પ્રભુ... પણ મોકલ ખરો!'અને ભોળાનાથ આમ પાછા ભોળા બહુ.
સાચ્ચે જ ફૂલ્લીનો એક્કો આપે એટલે અમારી પાસે 'તોડી નાંખે એવી'પાક્કી થઈ ગઈ.? પછી તો છોડીએ કોઈને..?'આયા..આયા..આયા..'કરતા છ-સાત રાઉન્ડમાં તો ખિસ્સું ખાલી કરી નાંખ્યું હોય... પણ શ્રધ્ધા હોય કે, બાજી આપણી જ છે...
અને સામે વાળો સાલો ત્રણ તીરી લઈને આવ્યો હોય! ભોળાનાથ ઉપરથી માન ઉતરી જાય, બૉસ આવું કરવાનું? સાવ આવું કરવાનું? ફુલ્લીનો એક્કો આલીને ખાંગો કરી નાંખ્યો મને?
પણ પછી પ્રાર્થનામાં થયેલી ભૂલ પકડાય કે, આપણે એક્કો-રાજા-રાણીની પાકી સીક્વન્સ કરવા માટે અરજ ચોક્કસ કરેલી, પણ પ્રભુનું ધ્યાન દોરવાનું ભૂલી ગયેલા કે, સામેવાળાને તઈણ-તીરીઓ ના આલતો!
સામાન્ય સંસ્કારી માણસો જુગારને પાપ ગણે છે, પણ જુગારીઓ જેટલા ઈશ્વરની નજીક બીજું કોઈ હોય છે? બે એક્કા જોયા પછી ત્રીજા માટે એક જ ભજન મનમાં ગવાતું જાય, 'એક તુ ના મિલા, સારી દુનિયા મીલે ભી તો ક્યાં હૈ...
હોઓઓઓ'! શૉપિંગ-મૉલમાં વાઈફને લઈને હરતા-ફરતા કોઈને પ્રભુ યાદ આવે છે? ...સિવાય કે, સામેથી એના ગોરધન સાથે ઘસડાતું-ઘસડાતું આપણું જુનું મૂડીરોકાણ આવતું હોય! બસ્સો રૂપીયાનું પૉપ-કોર્નનું પેકેટ લઈને મલ્ટિપ્લૅક્સમાં ફાકડા મારતા કોઈને શ્રી.નવકાર મંત્રના જાપ યાદ આવે છે?
ભલે ચુસ્ત હોય! પણ ચુસ્ત હોઈએ કે ના હોઈએ, તીનપત્તી રમતી વખતે દુનિયાભરના ભગવાનોને ભેગા કરીને બોલાવીએ છીએ, ''પ્રભુ, આ વખતે લાજ રાખજે... સામેવાળાને ભારે ટ્રાયો ના નીકળે..!''
અને પ્રભુ ખાસ્સી મોટી લાજ રાખે છે... આપણે બાદશાહનો ટ્રાયો નીકળ્યો હોય ને સાલાઓ હજી જોઈને એક પછી એક... રૂપીયો ય નાંખ્યા વિના પડી ગયા હોય... આપણા હાથમાં શકોરૂં ય ના આવે... સૉરી, શકોરૂં જ આવે!
વાસ્તુશાસ્ત્ર તો હજી નવું નવું આવ્યું. કોઈ તીનપત્તી રમનારાઓને પૂછી આવજો, અસલી વાસ્તુશાસ્ત્ર શેમાં છે? બેઠા પછી આપણા એક ઢીંચણની દિશા પશ્ચિમ તરફ જ રાખવાની.
બાજુમાં કોઈ નમેલા ખભાવાળો આવી ગયો તો એને ઉઠાડીને સામો બેસાડી દેવાનો. પહેલું પત્તું ખોલ્યા પછી મનમાં 'રામ'બોલવાનું જ. જો સાથે ડ્રિન્ક્સ પણ હોય તો આંગળી બોળીને જમીન પર બે ટીપાં ભગવાનને ચઢાવી દેવાના, જેથી ગ્લાસમાં ભૂત-ફૂત ભરાઈ ન જાય.
બેસી બેસીને કૂકડા જેવો થાક્યો હોય છતાં ભૂલેચૂકે ય એક પગ લાંબો ન કરે... પલાંઠો છોડવાનો જ નહિ અને છોડીને બેઠા હો તો વાળવાનો નહિ! કહેવાય છે કે, વાસ્તુશાસ્ત્રની પ્રેરણા તીનપત્તી ઉપરથી મળી હતી.
એમ તો, પ્રામાણિકતાની શોધ પણ તીનપત્તીને કારણે થઈ હતી. જગતમાં આ ગેઇમ રમાનારો કદી બેઇમાન હોતો નથી.. હોય તો બધેથી ફેંકાઈ જાય અને કોઈ બોલાવે નહિ. જીતનારો કદી ગર્વ કરતો નથી. એ વધુ નમ્ર થઈ જાય છે, કારણ કે એ જાણતો હોય છે કે, બીજા દિવસે એની પણ ધોલાઈ થવાની છે..!
'તું નાનો, હું મોટો, એ ખ્યાલ જગતનો ખોટો'જેવી નમ્રતા એનામાં હોય છે. બીજા કોઈ પણ ધંધા કરતા વધુ પ્રમાણિકતા તીનપત્તીમાં હોય છે... છતાં, આ તો ધંધો ય ન કહેવાય! સુઉં કિયો છો? ...કહેવાય?
પણ રાજ્યના પોલીસખાતાને આ રમતવીરોની પ્રામાણિકતા પસંદ આવતી નથી. જે કોઈ શુભસ્થળે આ આત્માઓનો હવન ચાલતો હોય ત્યાં હાડકા નાંખવા પોલીસ આવી જાય છે. ભારત દેશ આટલો વિશાળ હોવા છતાં તીનપત્તીના ખેલાડીઓ માટે હજી સુધી કોઈ જગ્યા ફાળવવામાં આવી નથી.
ક્રિકેટ કે ટેનિસ જેવી રમતો માટે સ્ટેડિયમો ફાળવવામાં આવે છે, પણ તીનપત્તીના રમતવીરોને બે-રૂમ રસોડાં જેટલી જગ્યા પણ સરકાર ફાળવતી નથી. હકીકતમાં, તીનપત્તીના ખેલાડીઓ શોરશરાબા વિના રમે છે. લાખો પ્રેક્ષકો એમને જોવા ભેગા થતા નથી. ટીવી પર એના લાઇવ-કવરેજ દર્શાવાતા નથી.
આ માસુમ ખેલાડીઓ તો યુનિફૉર્મ કે સ્પોર્ટ્સ-શૂઝ પણ પહેરતા નથી. વિરાટ કોહલીની માફક જીમમાં જઈને ચચ્ચાર કલાકની કસરતો કરીને આ લોકો બૉડી બનાવતા નથી. સાદગી એમનો મંત્ર છે. સાચું પૂછો તો તીનપત્તી રમનારાઓ નમ્રતામાં માને છે. પબ્લિસિટીનો એમને કોઈ મોહ હોતો નથી, પણ પોલીસથી આ સાદગી સહન થતી નથી.
ક્લબોમાં ય પત્તાનો જુગાર 'રમી'ને નામે રમાય છે, પણ 'ઉનકો તો પુલીસ કુછ નહિ કહેતી.!'ક્લબમાં રમી રમાય પણ તીનપત્તી નહિ. ઓહ..બ્રીજ કે રમી જુગાર ન કહેવાય? પોલીસ કે સરકાર હોય કે ન હોય, પણ ભોળાનો ભગવાન હોય છે, જે દર જન્માષ્ટમીએ અવતરીને દેશભરમાં ખેલકૂદને પ્રોત્સાહન આપે છે.
આપ સહુને આવતી જન્માષ્ટમી માટે 'ત્રણ એક્કા'ની શુભેચ્છા.
સિક્સર
ઘોડાગાડીની જેમ એક જમાનાના અનેક ધંધા બંધ થઈ ગયા... આપણને કોઈ ખોટ પડી નહિ.. પણ એકની મોટી ખોટ પડે છે, ચપ્પુની ધાર કાઢી આપનારા શોધ્યા મળતા નથી..