* ડિમ્પલની મિલ્કતમાં તમારો હિસ્સો કેટલો ?
– ‘અદબ સે બાત કરો, સલિમ! હમારા દિલ તુમ્હારા દવાખાના નહિ હૈ... કે જો ભી આયે, નામ લિખવા લે...!’
(ડૉ. મહેન્દ્ર મૈસુરિયા, અમદાવાદ)
* ઇન્કમ વધારવાનો કોઇ ઉપાય બતાવશો?
– ટૅક્સ ભરવાના બંધ કરી દો.
(ધવલ જે. સોની, ગોધરા)
* આપણા ઘર અને સરકારના વહિવટી તંત્ર વચ્ચે શું ફરક છે ?
– ત્યાં પૈસા આપીને કામ થાય... ઘરમાં પૈસા આપવા છતાં કોઇ ગૅરન્ટી નહિ !
(જગદિશ સભાડ, શેઠાવદર)
* ચીંથરેહાલ જીન્સ પહેરતી છોકરીઓ વિશે આપનું શું કહેવું છે ?
– સ્માર્ટ ગર્લ્સ... ! જીન્સના કયા ભાગો આરપારના રાખવા, તેની તેમને ખબર છે.
(યોગુ ગામિત, નવસારી)
* શિક્ષક બનવાનું હોય તો તમને કયો વિષય ભણાવવો ગમે ?
– ઍટ લીસ્ટ, મારી જાતને ‘સર’ તો ન જ કહેવડાવું. ટ્યુશનીયા દેવો કઇ સમજ પર પોતાને ‘સર’ કહેવડાવે છે કે, ‘સર ડૉન બ્રૅડમૅન’ અને આપણા ‘ડાહ્યાભ’ઇ સર’ વચ્ચે સાચો સર કયો એની એમને પોતાને ય ખબર નથી.
(વિજય ચૌધરી, દેવકાપડી – ભાભર)
* ઓશો રજનીશ વિશે તમારો શું અભિપ્રાય છે?
– માનસ બદલી નાંછે એવો માણસ.
(જીજ્ઞેશ દવે, જામનગર)
* ‘ઍનકાઉન્ટર’નો વિચાર લગ્ન પહેલાં આવ્યો હતો કે પછી ?
– વિશ્વના તમામ પુરૂષોને વિચારો લગ્ન પહેલાં જ આવતા હોય છે... પછી વિચારવાની જરૂર પડતી નથી.
(સાહિલ પી. ગુજરાતી, સુરત)
* ક્રોએશિયાના પ્રેસિડૅન્ટનો ફોટો જોયો?
– ક્યાંય પૈણાવવાના છે ?
(મનિષ એ. અમિન, વડોદરા)
* મારા પિતાશ્રી કહેતા હતા કે, બ્રાહ્મણ એટલે માંગણ, શું આ સાચું છે ?
– તો એમ કહો ને તમારા ફૅમિલીમાંથી અક્ષરજ્ઞાન જેટલું ય કોઇ ભણ્યું નહિ ! કોઇ ભૂદેવનો સંપર્ક કરો... ગરીબ પીડિતોને તો બ્રાહ્મણો વિનામૂલ્યે શિક્ષણ આપે છે.
(વિપુલ શાહ, મુંબઇ)
* દરબારોના નામ પાછળ ‘સિંહ’ લગાવવાનું કારણ શું ?
– સિંહો હંમેશા દરબારો ભરીને બેસે... એકલા નહિ.
(રણજીતસિંહ દીપસિંહ મકવાણા, તલોદ)
* પત્ની અને પ્રેમિકા. એક દર્દ દીવાની, એક પ્રેમ દીવાની. સુંઉ કિયો છો?
– ટૂંકમાં, બંનેનું લોહી મગજ સુધી પહોંચતું નથી. આ ભોગવનાર ગોરધનોની ઇશ્વર રક્ષા કરે.
(મહેન્દ્ર સુરાણી, રતનપુર–ભાલ)
* વરસાદ અને હવામાન ખાતા વચ્ચે કેમ બાપના માર્યા વેર છે ?
– રાજ્ય સરકાર હવામાન ખાતાને હવે હિલ–સ્ટેશનમાં ફેરવી નાંખીને જે થાય એટલી રોકડી કરી લે, પછી વરસાદની આગાહી ચોળાફળીની લારીવાળો, કાર્ડીયાક–સર્જનો કે ટ્રાફિક–પૉલીસવાળા કરશે, ત્યારે ગૅરન્ટીથી વરસાદ પડશે.... કે ના કીધા પછી નહિ પડે !
(જગજીવન મેતલીયા, ભાવનગર)
* જીવનમાં ખુશ રહેવા માટે શું કરવું ?
– ઓહ સૉરી... તમારૂં તો નામે ય આખું નથી. રહેવા માટે ઘર કે મોબાઇલ ફોન પણ નથી. અરેરેરે... તમારા ખુશ રહેવાનો તો સવાલ જ ઊભો થતો નથી.
(મુત્સ્ફહિરબાવન)
* બાળકના નામ પાછળ પિતાનું નામ જ કેમ ? માતાનું કેમ નહિ ?
– કહે છે કે, સ્ત્રીઓના પેટમાં વાત ટકતી નથી... ને એમાં કોક ‘દિ સાચું બોલાઇ ગયું તો...!!!
(જીતેન્દ્ર કેલા, મોરબી)
* આપણે હવે નક્કી કરી લીધું કે, મારો સવાલ પૂછાય પછી જ સવાલ પૂછવાનો.
– આવું કેટલા સમયથી રહે છે... ?
(સરફરાઝ શેખ, અમદાવાદ)
* હું તમિલનાડુમાં રહું છું અને નિયમિત ‘ઍન્કાઉન્ટર’ વાંચું છું. મારો પ્રશ્ન એ છે કે, ભાજપની પૂર્ણ બહુમતી હોવા છતાં ૩૭૦–મી કલમ દૂર કેમ નથી થતી ?
– ઓહ... હજી અનામતોવાળાની ૪૭૦, ૫૭૦, ૯૭૦, ૧૫૭૦... આવી તો હજારો કલમો બાકી છે.
(દેવેન્દ્ર ભમ્બા, તિરૂપુર – તમિલનાડુ)
* ‘ઍન્કાઉન્ટર’ના જવાબો વાંચીને મને હસવું કેમ નથી આવતું ?
– જડબું ચોંટી ગયું હોય, ત્યારે આવું થાય.
(નીતિન ખાંટ, પડધરી)
* જો ભગવાન આપણી અંદર હોય, તો મંદિર–મસ્જીદમાં શું હોય ?
– સનસનાટીભર્યા શાયર રાહત ઇન્દૌરીનો એક શૅ’ર કાફી છે :
किसनेदस्तकदीयेदिलपरकौनहै,
आपतोअन्दर हैंबाहरकौनहै..?
(ભાવેશ ડાભી, જામનગર)
* વહુ અને વરસાદને જશ નહિ... ઐવું કેમ ?
– વરસાદ માટે હવામાન ખાતાને પૂછવા જવાય... વહુ માટેની એ લોકો પાસે ન હોય.
(ધવલ જે. સોની, ગોધરા)