ફિલ્મ : 'જીંદગી'('૬૪)
નિર્માતા : જેમિની સ્ટુડિયો- મદ્રાસ
દિગ્દર્શક : રામાનંદ સાગર
સંગીત : શંકર- જયકિશન
ગીતકારો : શૈલેન્દ્ર- હસરત
રનિંગ ટાઈમ : ૧૭- રીલ્સ :
થીયેટર : કૃષ્ણ (અમદાવાદ)
કલાકારો : પૃથ્વીરાજ કપૂર, વૈજયંતિમાલા, રાજેન્દ્ર કુમાર, રાજકુમાર, મેહમુદ, હેલન, જયંત, જીવન, કન્હૈયાલાલ, લીલા ચીટણીસ, મુમતાઝ બેગમ, પુષ્પાવલી, બેબી ફરિદા, ધૂમલ, નિરંજન શર્મા, હીરા લાલ, માસ્ટર શાહિદ, રણધીર અને હની (ડોગી)
ગીતો
૧... પહેલે મીલે થે સપનોં મેં ઔર આજ સામને પાયા... મુહમ્મદ રફી
૨... ઘુંઘરવા મોરા છમ્મછમ્મ બાજે, છમછમતી... આશા ભોંસલે- રફી
૩... હમ દિલ કા કંવલ દેંગે ઉસકો, હોગા કોઈ... મન્ના ડે- લતા - કોરસ
૪... દિલ તો બાંધા ઝૂલ્ફ કી ઝંજીર સે... મન્ના ડે
૫... આજ ભગવાન કે ચરણોં મેં ઝૂકાકર સર કો... આશા ભોંસલે- રફી
૬...હમ પ્યાર કા સૌદા કરતે હૈં એક બાર (બે પાર્ટમાં) લતા મંગેશકર
૭... છુને ન દૂંગી મૈં હાથ રે, નઝરીયોં સે- આશા ભોંસલે - લતા મંગેશકર
૮... એક નયે મેહમાન કે આને કી ખબર હૈ, દિલ મેં... લતા- કોરસ
૯... હમને જફા ન સીખીં, ઉનકો વફા ન આઈ... મુહમ્મદ રફી
૧૦... મુસ્કુરા લાડલે મુસ્કુરા, કોઈ ભી ફૂલ ઇતના નહિ.. મન્ના ડે
૧૧... પ્યાર કી દુલ્હન સદા સુહાગન, કભી ન વિધવા... લતા મંગેશકર
ફિલ્મના આઠ ગીતોની ધૂન જયકિશને બનાવી હતી, એટલે કે ગીત નં. ૧,૨,૪,૫,૬,૭ અને ૧૧ હસરત જયપુરીએ લખ્યા હતા, બાકીની તરજો શંકરની શૈલેન્દ્રએ લખી હતી. ગીત નં.૪ અને ૫ મન્ના ડે, મુહમ્મદ રફી અને આશા ભોંસલેએ મીટરલેસ ગાયા છે.
સંગીતની ભારતમાં બધાને સમજ ખપ પૂરતી છે. આખી ઝીંદગીમાં શંકર-જયકિશને બીજી એક પણ ફિલ્મમાં સંગીત આપ્યું ન હોત કે મન્ના ડેએ 'મુસ્કુરા લાડલે મુસ્કુરા, કોઈ ભી ફૂલ ઇતના નહિ ખૂબસુરત'સિવાય બીજું કોઈ ગીત આખી કરિયરમાં ગાયું નહોત, તો પણ એ શંકર- જયકિશન કે મન્ના દાના પગ ધોયેલું પાણી પીવા મળે, તો ય મારી જાતને નસીબવંતો માનું ! કવિ શૈલેન્દ્ર પોતે આવું હૃદયંગમ ગીત લખતા લખતા રોયા તો હશે ને ? ને તો ય, આપણી 'કમ્પિટિશન'હજી ચાલુ જ છે કે, દાદાની આંખોમાંથી અશ્રુ છુટા મૂકાવી દેનારૂં આ ભાવગીત ભલે જયકિશને બનાવ્યું નહોતું... 'શંકર'કૃપા હતી તો પણ એ બન્નેના પગ નીચે ફૂલ તો નેત્રોની જેમ પાથરવાના. ફૂલ બજારમાં દસ-વીસ રૂપિયે કિલો મળતા હશે.. શંકર-જયકિશન દાબડી ખોલતા જ બસ્સો વર્ષ નીકળી જાય એવી સોનાની દાબડીમાંથી જો એક એક ગીત નીકળવાનું હોય, તો બદલામાં એ લોકો કાશ્મિર પાછુ આપવા તૈયાર છે...
વ્યવસ્થા એવી બનાવી રાખેલી જે શૈલેન્દ્રએ લખેલા ગીતોની ધૂન શંકર બનાવે અને હસરત જયપુરી જયના ગીતો બનાવે. પણ એન્ડ-પ્રોડક્ટ તો જુઓ. એવું નથી કે માત્ર 'જીંદગીના ગીતો વધુ સારા છે. આ લખનારને મતે શંકર-જયકિશનનું સર્વોત્તમ સંગીત 'કન્હૈયા'માં હતું. (વિવાદનો કોઈ અર્થ નથી, એટલે શરત હું જીતી ગયો કહેવાઉં ! બાજી ફીટાઉન્સ !!
તો.. રાગ શુધ્ધ સારંગમાં બનેલા આ ગીતનું ભાગ્યતો જુઓ કે, ફિલ્મમાં રાજેન્દ્ર કુમારના મુખે ગવાયું હોવા છતાં આપણને કોઈ ફરિયાદ રહેતી નથી કે આવા શબ્દો, આવો કંઠ કે આવા સંગીતને રાજેન્દ્ર ન્યાય આપી શકશે ? ચોક્કસપણે એ માણસે આગળપાછળની અનેક ફિલ્મો છતાં અહીં સાબિત કરી આપ્યું કે, એક એકટર તરીકે ચેહરા ઉપર પૂરા લાગણીશીલ ભાવો લાવી શકે છે.
રાગ શુધ્ધ સારંગ નૌશાદઅલીનો વધુ માનીતો રાગ હતો. 'દિલરૂબા મૈંને તેરે પ્યાર મેં ક્યા કયા ન કિયા..''સાવન આયે યા ન આયે, જીયા જબ ઝૂમે સાવન હૈ, કે 'દુ:ખભરે દિન બીતે રે ભૈયા, અબ સુખ આયો રે..''રાગ સારંગના દ્રષ્ટાંતો છે. ઇવન હેમંત દા એ પણ લતા પાસે જાદુગર સૈંયા છોડો મારી બૈંયા, હો ગઈ આધી રાત.. પૂરી શાસ્ત્રોક્તતાથી બનાવ્યું હતું. એ ૧૯૪૬ થી ૧૯૬૬ ના બે દસકા હિંદી ફિલ્મ સંગીતના યાદ કરવા પડતા નથી... કયું ગીત આપણને મોંઢે નથી ? આ બન્ને સંગીતકારો ઉપર માતા સરસ્વતી-શારદાની કેવી કૃપા રહી હશે કે, ફિલ્મ ગમે તે હો, સંગીત શંકર-જયકિશનનું હોય એટલે પ્રેક્ષકો સિનેમા હાઊસોમાં નહિ, મંદિર-દેરાસરોમાં હરિકીર્તન કરવા આવ્યા હોય, એવા ભાવઅભિભૂત થઈ જાય અને આજ સુધી રહ્યા છે.
આ કોલમના લખનારે મન્ના દાદાની બાજુમાં પલાંઠી વાળીને એમના સંગીતકક્ષમાં બેસીને એમના મુખે હાર્મોનિયમ સાથે 'મુસ્કુરા લાડલે..'સાંભળ્યું ન હોત તો વાચકસ્વરૂપે તમે ય કદાચ ન માનત કે, આ કરૂણામય ગીત ગાતી વખતે દાદાની આંખોમાંથી મુશ્કેલીથી ટપકતા આંસુ સગી નહિ, ભીની આંખે અમે પણ જોયા છે.
દાદાના ઝભ્ભા પર પડે એ પહેલા ઝીલી લઈને ચોરેલૂં મન્ના દાનું એ આંસુ આજે સાચવી રાખ્યૂ હોત, તો આખું પાકિસ્તાન એ આંસુના બદલામાં પૂરૂ પાકિસ્તાન આપી દેત. અમારી પાસે મૂળકિંમતે માંગત અને ઘડીના છઠ્ઠા ભાગમાં હું વોરેન બફેટ કે બિલ ગેટ્સ બની ગયો હોય !
હસરત જયપુરીના ભાથામાંથી હૂસ્ન, ઇશ્ક, મુહબ્બત, અલ્લાહ કે સપના-ફપના કાઢી નાંખો તો કવિતાની નીચે એણે કરેલી ફક્ત સહિ બચે. પ્રિયતમાના વખાણો જ વખાણો ઉપર આ માણસે આખી જિંદગી ખેંચી કાઢી. અહીં જુઓ : 'અય સાંવલી હસિના, દિલ મેરા તૂને છીઆ..'અર્થાત્ એ જેને માટે આ ગીત બનાવે છે, એ પ્રેમિકાતો કાળીધબ્બ છે... વિનયમાં ભલે 'સાવલી-બાંવલી'કહી દઈએ. પણ આગળ ત્રીજા અંતરામાં રામ જાણે કઈ પતંજલીમાંથી નહાવાના સાબુઓ ઉપાડી લાવ્યો હશે કે, અચાનક સાંવલી હસિના 'ગોરી થઈ જાય છે.''ગોરે બદન પર કાલા આંચલ ઓર રંગ લે આયા...'એ વાત જુદી છે કે, એ હસરત હતો, સાહિર નહિ !
મદ્રાસના જેમિની સ્ટુડિયોઝની લગભગ બધી ફિલ્મો સિનેમાઓ છલકાવતી. બે નાગડાંપૂગડાં બાળકો પિપુડી વગાડે, એ જેમિનીનો 'લોગો'આજસુધી બધા પ્રેક્ષકોને યાદ રહી ગયો છે. 'જેમિની'ના માલિક એસ.એસ.વાસન મૂળ તો રેસના શોખિન અને 'જેમિની'એમના ફેવરિટ ઘોડાનું નામ હતું. એની યાદમાં આ નામ 'જેમિની'પડયું. તમિળ ફિલ્મો ઉપરાંત 'જેમિની' (કેટલાક પ્રબુધ્ધ શિક્ષિતો સ્ટાઈયલિશ ઉચ્ચારમાં 'જેમિનાઈ'બોલે છે... ખાસ કરીને 'ઝોડિયાક'જ્યોતિષમાં)
રાજેન્દ્ર કુમાર સજ્જન અને સંસ્કારી ઘરનો હીરો બેશક લાગે, પણ મારામારી.. આઈ મીન, ફાઈટીંગના દ્રષ્યોમાં એનું કામ નહિ. એ ફાઈટિંગ કરતો હોય ત્યારે આરંગેત્રલ કરતો હોય એવો લાગે.
મેહમુદ તો એ પછી એની સાથે આ જ રામાનંદ સાગરની 'આરઝૂ'માં પણ હતો, પણ મેહમુદે ઉઘાડેછોગ કરેલ ઘટસ્ફોટ મુજબ,(આ શબ્દના ઉચ્ચારની ય મજા છે. અમારા સૌરાષ્ટ્રમાં હજી ઘણા 'ઘટ-સ્ફોટ'બોલે છે.. !)
રાજેન્દ્ર કે મનોજ કુમારની આંખોમાં મેહમુદ કાયમ ખૂંચતો હતો. બે સાથેના દ્રષ્યોમાં પ્રેક્ષકોની તાળીઓ મેહમુદ લઈ જતો જેમ કે, આ જ ફિલ્મમાં ઘરનો નોકર મેહમુદ માલિક રાજેન્દ્રને કહે છે, એની સાઈડ- કારવાળી મોટર-સાયકલમાંથી છોકરીઓના વાળમાં ભરાવવાની પિન મળી છે. ઝડપાઈ ગયેલો રાજેન્દ્ર કહે છે, 'ઇસ કા મતલબ, મેરી મોટર- સાયકલ મેં લડકીયાં બૈઠતી હોગી,કયા ?'જવાબમાં મેહમુદ કહે છે, 'નહિ નહિ.. તો શાયદ તુમ્હારા કૂત્તા ઇસે સર મેં લગાતા હોગા !'
રાયબહાદુર પૃથ્વીરાજ કપૂરનો એકનો એક દીકરો રાજેન્દ્ર, ગરીબીને કારણે એક નાટકકંપનીમાં કામ શરૂ કરતી વૈજ્યંતિમાલાના પ્રેમમાં છે. જેની ઉપર એ થીયેટર કંપનીનો માલિક હીરાલાલ નજર બગાડે છે. પ્રેમ તો રાજ-વૈજુ વચ્ચે જ થાય છે, પણ એ નાટકકંપનીના સજ્જન મેનેજર પણ મનોમન વૈજુને ચાહે છે, પણ કહી શક્તો નથી, એમાં રાજેદ્ર-વૈજુ પરણી જાય છે. પણ એકલા રહેતા રાજકુમારની સાથે ચાલીના મવાલી ગુંડા જીવન સાથે રાજકુમારને બનતું નથી.
એટલે વૈજુનું અપહરણ કરાવવાનો પ્લોટ ઘડે છે એમાં સફળ થતો નથી, પણ જીવ બચાવવા વૈજુ અજાણતામાં રાજકુમારના ઘરમાં ઘુસી જાય છે, તોફાનોને કારણે પૂરા શહેરમાં કરફ્યૂ હોવાથી વૈજુને રાજકુમારના ઘેર પરાણે એક રાત ગાળવી પડે છે. દરમ્યાનમાં હીરાલાલનું ખૂન જીવણ કરે છે અને દોષનો ટોપલો રાજકુમારના માથે આવે છે. વૈજુ કત્લની રાતે રાજકુમારના ઘરમાં હતી, એવું અદાલતમાં કહી શકાય તો રાજકુમાર બચી શકે.
એને સજા સંભળાવવાની આવે છે, એ જ મૌકા ઉપર અદાલતમાં વૈજ્યંતિમાલા હાજર થઈને રાજકુમારને નિર્દોષ છોડાવે છે. પણ રાજેન્દ્રની પત્ની હોવા છતાં અકસ્માત આખી રાત રાજકુમારના ઘરે રહી આવી હતી, એ વાતથી વૈજુનો સંસાર બગડતો જાય છે. રાજેન્દ્ર એને ઘરમાંથી કાઢી મૂકે છે. એને પ્રસૂતિ થઈ જાય છે ને થોડા વખતમાં રાયબહાદુર પૃથ્વીરાજ્ની હાજરીમાં મરતો જીવન ખૂન રાજકુમારે નહિ, જીવને પોતે કર્યું છે, એવું કબુલી રાજકુમારને નિર્દોષ છોડાવે છે. છેલ્લે સારાવાનાં તો થવાના જ.
વૈજ્યંતિમાલા અને રાજેન્દ્ર કુમાર વચ્ચેની પ્રેમકહાણી પણ અજીબોગરીબ છે. ફિલ્મ 'સૂરજ''સાથી', 'સંગમ''જીંદગી'અને 'ગંવાર'એ બન્નેએ સાથે કરી, એમાં કહે છે કે, બન્ને વચ્ચે પ્રેમ 'સૂરજ'થી થઈ ગયો. હવે જરા ગમ્મત પડે એવી વાત છે. આ બાજુ વૈજુ-રાજેન્દ્ર કુમાર ચાલુ, તો બીજી બાજુ રાજ કપૂર સાથે 'સંગમ'ને કારણે બન્ને પ્રેમમાં. ત્રીજી બાજુ 'લીડર'બનાવી રહેલો દિલીપ કુમાર ધૂંધવાય તો ખરો કે, એક જ દિવસે 'સંગમ'અને 'લીડર'ના શૂટિંગો મુંબઈમાં ચાલે અને રાજ કપૂર બપોરની શિફ્ટ ( જે 'લીડર'માટે હતી, ત્યાં રોજ મોડું કરાવે.) પેલી જાણી જોઈને મોડી જાય પણ ખરી.
'સંગમ'પછી તો રાજ કપૂર બાજુ પર ખસી ગયો હતો ને વૈજુ એક માત્ર રાજેન્દ્ર કુમારની બની ગઈ હતી. હસી પડાય એવી એક વચલી વાતે ય ખરી કે, રાજ-દિલીપ બન્ને ઉલ્લુ બનતા રહ્યા કે, વૈજુ તો આપણી જ છે.. ત્યારે આ બાજુ રાજેન્દ્ર-વૈજુ પૂરબહારમાં ખીલ્યા હતા. એ વાત પાછી આગળ વધી ગઈ કે રાજેન્દ્ર કુમાર અને સાયરા બાનુ વચ્ચે 'આઈ મિલન કી બેલા'દરમ્યાન પ્રેમપુરબહારમાં ખીલ્યો હતો અને એ બન્નેને રોકવા સાયરાની મમ્મીએ રીતસરનું માંગુ દિલિપ માટે સાયરાનું નાખ્યું અને સાયરા-દિલીપ પરણી ગયા.
પણ મેહમુદ ઘણો અન્ડરરેટેડ કોમેડિયન ગણાતો, એનો પૂરો બદલો, એ જામવા માંડયો ત્યારે લેવા માંડયો. દરેક ફિલ્મે એણે પોતાના ભાવ વધારવા માંડયા, ક્યારેક તો હીરો કરતા પોતાને પેમેન્ટ એક રૂપિયો વધુ મળવું જોઈએ અને દરેક ફિલ્મમાં (જરૂર હોય કે ન હોય ) નિર્માતાએ એક ગીત મેહમુદને આપવું જ પડતું. ફિલ્મોમાં મેહમુદનો ઓલમોસ્ટ પર્મેનેન્ટ સસરો ધૂમલ જ હોય અને એ બન્નેની કોમિક કેમેસ્ટ્રીને કારણે સ્થૂળ... હસવું ખૂબ આવતું. દ્હૂમલને આટલી ફિલ્મો મળતી, એમાં બેશક મેહમુદનો ફાળો છે.
'જાની'રાજકુમાર એના ટ્રેડમાર્ક શૂટ અને મફલર વચ્ચે ઇેયયીગ લ્લચહગર્જસી લાગતો. એની ચાલ સિનેમાંમા તાળીઓ ખેંચી લાવતી. કમનસીબે, પોતાનો માલ તો એને ય વેચતા નહિ આવડયો હોય, નહિ તો લગભગ દરેક ફિલ્મે એ નિષ્ફળ પ્રેમી અને હીરોઈનના હાથમાં કદી ન આવે, એવા રોલ કરવાના આવતા.
'પાપાજી'પૃથ્વીરાજ કપૂર કદાચ સહુને ગમતા-ખાસ કરીને 'મુગલ-એ- આઝમ'પછી. એ ઉંમરે પણ આખા કદના રાજેન્દ્ર કુમારને બે હાથમાં ઉચકીને દાદર ચઢતા બતાવાયા છે. કેવું તગડું પંજાબી લોહી હશે ? લીલા ચીટણીસ તો હસતી હોય પણ રોતા રોતા !
અમિતાભવાળી રેખાની મા પુષ્પાવલી આ ફિલ્મના પઠાણ જયંતની બેગમસાહિબા બને છે, જેને ઘેર વૈજ્યંતિમાલાની પ્રસૂતિ થાય છે અને બાબો આવે છે. એમના બે સંતાનોમાં એક માસ્ટર શાહિદ છે, જે ફિલ્મ 'લવ ઇન ટોક્યો'માં આશા પારેખનો જાપાનમાં નાનકડો દોસ્ત બને છે. મોટી દીકરી બેબી ફરિદા છે, જે 'થ્રી ઇડિયટ્સ'માં માધવનની મા બને છે. મોટા ભાગે તો આ ફરિદા ગુજરાતી મુસ્લિમ છે અને ગોધરામાં રહેતી હતી. અમજદ ખાનના પિતા જયંત (ઝકરીયા ખાન) પણ '૪૦- ના દાયકાથી ફિલ્મોમાં હતા. ૪-૫ ફિલ્મોમાં તો એ હીરો પણ હતા.
આ લખનારની દ્રષ્ટિએ હિંદી ફિલ્મોમાં જયંતથી વધુ હેન્ડસમ અને હાઈટ-બોર્ડી અને પઠાણી અવાજવાળો બીજો કોઈ વિલન થયો નથી. એનો પૂર્ણપ્રભાવશાળી કિરદાર મેહબૂબ ખાનની ફિલ્મ 'સન ઓફ ઇન્ડિયા'માં હતો. 'હની'નામનો પાળેલો ડોગી જેને ધૂ્રજાવતો રહે છે, એ ચાપલુસ કન્હૈયાલાલ જેને લઈને આવે છે, એ રાજજ્યોતિષી રણધિરની મેહમુદ બડી ખબર લે છે, એ આખી સીકવન્સ મસ્તમજાની બની છે.