Quantcast
Channel: Ashok Dave's Blog
Viewing all articles
Browse latest Browse all 894

'અનુરાધા' ('૬૦)

$
0
0
ફિલ્મ - 'અનુરાધા' ('૬૦)
નિર્માતા - એલ. બી. લછમન
દિગ્દર્શક - ઋષિકેશ મુકર્જી
સંગીત - પંડિત રવિશંકર
ગીતો - શૈલેન્દ્ર
રનિંગ ટાઈમ - ૧૪૧ મિનીટ્સ-૧૪ રીલ્સ
કલાકારો - બલરાજ સાહની, લીલા નાયડૂ, અભિ ભટ્ટાચાર્ય, બેબી રાનુ, નઝીર હુસેન, હરિ શિવદાસાણી, મુકરી, રાશિદ ખાન, અસિત સેન, અશિમ કુમાર, માધવ ચીટણીસ, ભૂડો અડવાણી.



ગીતો
૧. જાને કૈસે સપનોં મેં સો ગઈ અખીયાં, મૈં તો હું જાગુ - લતા મંગેશકર
૨. સાંવરે સાંવરે, કાહે મોસે કરો જોરાજોરી, બૈંયા ના - લતા મંગેશકર
૩. હાય રે વો દિન ક્યું ના આયે રે, જા જા કે રિતુ - લતા મંગેશકર
૪. કૈસે દિન બીતે, કૈસે બીતિ રતીયાં, પિયા જાને ના - લતા મંગેશકર
૫. બહુત દિન હુએ તારોં કે દેશ મેં, ચંદા કી નગરીયા મેં - મન્ના ડે-મહેન્દ્ર કપૂર
૬. સુન મેરે લાલ, યું ના હો બેહાલ, યું ના હો બેહાલ - મન્ના ડે
૭. બહુત દિન હુએ તારોં કે દેશ મેં, ચંદા કી નગરીયા મેં - લતા-મન્ના ડે

ફિલ્મ ઋષિકેશ મુકર્જીની હોય એટલે આપણે ત્યાં એક વર્ગ છે, જે શિક્ષિત, સંસ્કારી, ડીસન્ટ અને કેવળ ઉત્તમ ચીજો જ પસંદ કરનારો છે. આ વર્ગ ઘેર બેઠો સ્વામી વિવેકાનંદ અને શેક્સપિયરે ય વાંચતો હોય, આધ્યાત્મિક-પ્રવચનોમાં નિયમિત જતો હોય, સંગીતમાં ચોક્કસ કક્ષાનો રસ ધરાવતો હોય ને કોઈ પણ વિષયનું છીછરાપણું એમનાથી કોસો દૂર હોય.

આવા વર્ગ માટે ઋષિ દા ફિલ્મો બનાવતા અને એમાંની એક એટલે આ, 'અનુરાધા'. ઋષિ દા એ બનાવેલી ફિલ્મોનું લિસ્ટ આપું છું, એ વાંચીને તમને કઈ કઈ ફિલ્મો કેટલી ગમી હતી, તે નક્કી કરી લો, એટલે તમારો ક્લાસે ય નક્કી થાય, તમારી પોતાની નોંધપોથી પૂરતો, એમની આ ફિલ્મો હતીઃ

મુસાફિર, અનાડી, અનુરાધા, અસલી-નકલી, આશિક, સાંઝ ઔર સવેરા, અનુપમા, આશિક, ગબન, આશિર્વાદ, સત્યકામ, પ્યાર કા સપના, આનંદ, ગુડ્ડી, બાવર્ચી, અભિમાન, ચૈતાલી, અર્જુન પંડિત, આલાપ, મિલી, કોતવાલ સા'બ, નૌકરી, ગોલમાલ, જુર્માના, નરમ ગરમ, નમક હરામ, ચુપકે ચુપકે, મિલી, ગોલમાલ, ખૂબસુરત, નરમ ગરમ, બુઢ્ઢા મિલ ગયા, કિસી સે ના કહેના, જુઠી, લાઠી, નામુમકીન, સબ સે બડા સુખ, અભિમાન, નમક હરામ, ફિર કબ મિલોગી, જુઠ બોલે કૌવા કાટે અને આપણા બધાનું ઓલ ટાઈમ ફેવરિટ... રંગબિરંગી.

એક જમાનામાં નિર્માતા તરીકે એલ. બી. લછમન અને દિગ્દર્શક તરીકે ઋષિકેશની જોડી પર્મેનેન્ટ હતી. 'અનુરાધા', 'અનુપમા', 'અનાડી', 'આનંદ'... લછમનની ફિલ્મોમાં પહેલા બે અક્ષરો 'અન...'આવે જ. પણ યાદી તો જોઈ ને? કેવી હેતુલક્ષી ફિલ્મો હતી!

ઋષિ દા મૂળ તો ચેલા ય બિમલ રોય જેવી હસ્તિના ને! ક્યાંય કશું દસ ગ્રામ ઓછું તો હોય પણ નહિ! આ બધી ફિલ્મોનું પોત જોશો તો એક વાત કોમન નીકળશે કે, ઋષિ દાની મોટા ભાગની ફિલ્મો તદ્ન હળવી હતી, ભાર વગરની. મોટા મોટા ઉપદેશો નહિ કે સમાજને રાતોરાત સુધારી નાંખવાની કોઈ ફોર્મ્યુલા નહિ... ઓન ધ કોન્ટ્રારી, હળવાશના માધ્યમથી આપણી ફેમિલી-લાઈફમાં શાંતિ અને સુખ લાવવા મેક્સિમમ શું શું કરી શકાય તેમ છે, એના હળવા ઈશારા એમની ફિલ્મોમાં થયા હોય. અમથી ય, એમની ફિલ્મો કાંઈ રજત-જયંતિઓ નહોતી કરતી અને એ વાત એ પોતે અને એમની ફિલ્મોના નિર્માતા-ડિસ્ટ્રીબ્યુટરો અને પ્રેક્ષકો ય જાણતા હતા. પણ આ કોલમ વાંચનારો વાચક જે ક્લાસમાંથી આવે છે, એ લેવલની ફિલ્મો દાદા બનાવતા.

'અનુરાધા'એવી જ એક હેતુલક્ષી ફિલ્મ હતી. હેતુલક્ષી એટલા માટે કે, એકબીજાને ખૂબ પ્રેમ કરતા પતિ-પત્નીના જીવનમાં કોઈ દેખિતા કારણ અને કોઈના ય વાંક વગર પ્રોબ્લેમ મોટો થાય ત્યારે રસ્તો ક્યો શોધવો શાંતિનો, એની ઉપર આખી વાર્તા લખાઈ છે. ગામડા ગામમાં સાયકલ પર ફરીને ઝૂંપડે-ઝૂંપડે દર્દીઓની સેવા કરવાનો ભેખધારી બલરાજ સાહની કામ તો ઉત્તમ કરે છે, પણ ઘેર આખો દિવસ રાહ જોઈને બેઠેલી પત્નીને પણ પતિ પાસેથી કશું અપેક્ષિત હોય... બીજું કાંઈ નહિ તો છેવટે પતિ-પત્ની નિરાંતે ઘેર બેસી શકે કે ક્યારેક બહાર ફરવા નીકળી શકે...! સમાજસેવાને કારણે બલરાજ એ કરી શકતો નથી, ત્યારે પત્નીની શું હાલત થાય ને તનાવ કેવો ઊભો થાય ને એવો તનાવ થયા પછી એમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો ખરો, એ જોવા અને સમજવાની બહુ સુંદર ફિલ્મ આ 'અનુરાધા'હતી.

ટાઈમનું કાંઈ નક્કી ન હોય, એવા આપણે ત્યાં ડોક્ટરો કે બિઝનેસમેનોના અંગત જીવનમાં આજે ય આવું બનતું હોય છે. ફરક નવા જમાના પ્રમાણે પડી જાય છે કે, આજની વાઈફો પતિથી કાયમની આવી દૂરી બર્દાશ્ત કરી શકતી નથી. કાં તો કાયમી ઝગડા ટાળવા ઘર છોડીને જતી રહે છે. અથવા રોજેરોજ એકના એક ઝગડા ચાલુ રાખે છે, પણ મોટા ભાગના કિસ્સાઓમાં એવું જોવામાં આવ્યું છે કે, આખો દિવસ ધંધામાં કે કલબોમાં રચ્યાપચ્યા રહેતા પતિદેવો સામે કોઈ ફરિયાદ કર્યા વગર હવેની વાઈફો બોલ્યા-ચાલ્યા વગર કોઈ બીજા પુરુષના પ્રેમમાં પડી જાય છે. એમના વરોને આની ખબર પડતી નથી ને પડે છે તો કશું કરી શકતા નથી અથવા તો મૂંગે મોંઢે બધું ચલાવે રાખે છે. વ્યસ્ત પતિ ગમે તેટલું કમાતો હોય, ઘર એની પ્રાયોરિટી ન હોય તો છોકરાઓ ય બીજા પુરુષને 'અન્કલ-અન્કલ'કહેવા માંડીને પિતા કરતા અન્કલનું વધારે થઈ જાય છે. સ્માર્ટ બિઝનેસમેનનું સૌથી પહેલા સ્માર્ટ પતિ હોવું વધારે જરૂરી છે કે જે પત્નીને પણ રાજી રાખે, એનું પૂરતું ધ્યાન રાખે, એના મોજશોખની પણ પરવાહ કરે અને ધંધા માટે ચોક્કસ સમય જ ફાળવે.

ખેર... ફિલ્મ તો સ્વચ્છ હતી. એટલે એવું કશું બનતું નથી.

બલરાજ સાહનીને આ ફિલ્મમાં જુઓ, એટલે પહેલો વિચાર એ આવે કે, આવા સોબર રોલમાં બલરાજ સિવાય એકે ય એક્ટર ન જામે. બલરાજની પર્સનાલિટી પવિત્ર હતી. અવાજ મીઠડો હતો એટલે તો લંડનના બીબીસી રેડિયો પર એ એનાઉન્સર હતો. આમ તો એની મોટા ભાગની ફિલ્મોના રોલ એક ઢાંચાના હતા કારણ કે, 'અમર, અકબર, એન્થની'ના એન્થનીભાઈના રોલમાં ન ચાલે. 'શોલે'ના ગબ્બરસિંઘમાં એ બહુ માઈલ્ડ પડે કે કિશોર કુમારનો તો એકે ય રોલ ફિટ ન થાય... એ ચાલે, નંદાના ભાઈ તરીકે 'છોટી બહેન'માં, અનાથાશ્રમના પ્રેમાળ સંચાલક તરીકે 'સીમા'માં કે 'દો બીઘા જમીન'ના રીક્ષાવાળા તરીકે ચાલે.

લીલા નાયડૂની ફિલ્મી શરૂઆત તો ઈંગ્લિશ ફિલ્મથી થઈ હતી, The Girl Who Wanted To ઈૂેચન The God. એ પછી તો એણે શશી કપૂર સાથે The House Holder અને બીજી એક ફિલ્મ The Guru પણ કરી. એ સમયના કે આજના ફિલ્મો કલાકારો ઈંગ્લિશ બોલવામાં પરફેક્ટ હતા. મુંબઈ અને ગુજરાત વચ્ચે આટલો ફરક તો આજ સુધી ચાલ્યો આવે છે. આપણે ધોરણ આઠથી (મગન માધ્યમ) ઈંગ્લિશની A, B, C, D શીખ્યા, જ્યારે મુંબઈ-દિલ્હીવાળાઓ યા તો પાંચમાં ધોરણથી ઈંગ્લિશ શીખ્યા ને યા પહેલેથી જ ઈંગ્લિશ મીડીયમમાં ઉછરેલા હતા, એટલે કૉલેજ પણ માંડ પહોંચેલા એ જમાનાના રાજ કપૂર, દિલીપ કુમાર કે દેવ આનંદો કડકડાટ ઈગ્લિશ બોલી શકતા. આપણા ગુજરાતમાં તો જે લોકો પાસેથી સ્પોકન ઈંગ્લિશ કડકડાટ બોલાવાની અપેક્ષા હોય, એ ખુદ ડોક્ટરો ય પોતાના વ્યવસાયની ટર્મિનોલોજીને બાદ કરતા ફ્લ્યુએન્ટ ઈંગ્લિશ બોલી શકતા નથી. યસ, આવા ડોક્ટરો માંડ ૩૦ ટકા હશે, પણ બાકીના સુંદર ઈંગ્લિશ બોલે છે.

લીલા નાયડૂને શોધી કાઢી ઋષિકેશ મુકર્જીએ અને આ ફિલ્મ 'અનુરાધા'ની હારોહાર દેવ આનંદ સાથે ફિલ્મ 'જીના ઈસી કા નામ હૈ'પણ બનાવવા માંડી. કમનસીબે, વાંધો ક્યાંક પડયો ને દેવ આનંદવાળી ફિલ્મ અભેરાઈ પર ચઢાવી દેવાઈ. લીલા નાયડૂના ચેહરા ઉપર ભારત ઉપરાંત કોઈ અન્ય રંગ જણાતો હોય તો તમારું નિરીક્ષણ સાચું છે. લીલાના ફાધર ઈન્ડિયન અને મધર ફ્રેન્ચ હતા. નૂતન અને તનૂજાની જેમ લીલા નાયડૂએ પણ સ્કૂલ સ્વિત્ઝરલેન્ડમાં કરી હતી.

લીલાનો પહેલો પતિ તિલકરાજ (ટીક્કી) ઓબેરોય હતો, જે દેશની ફાઈવ સ્ટાર હોટેલો 'ઓબેરોય'નો માલિક હતો. એની સાથે છુટાછેડા લીધા પછી લીલા નાયડૂ પત્રકાર ડોમ મોરાયસને પરણી. એમાં ય છુટા છેડા થયા. કહે છે કે, ડોમ મોરાયસ લીલાને ખુલ્લેઆમ ખૂબ મારઝૂડ કરતો...!

લીલા નાયડૂનું જન્મ વર્ષ ૧૯૪૦ હતી અને અવસાન થયું તા. ૨૮ જુલાઈ, ૨૦૦૯ના રોજ. એના પિતા ડો. પટ્ટીપતિ રામૈયા નાયડૂ બહુ એટલે બહુ મોટા સાયન્ટીસ્ટ હતા. દેશનું ય બહુમાન એ વાતમાં છે કે, આ ડો. નાયડૂ જગપ્રસિદ્ધ નોબેલ પારિતોષિક વિજેતા વૈજ્ઞાનિક મેડમ મેરી ક્યુરીના હાથ નીચે કામ કરતા હતા.

કેન્સરમાં જે રેડિયેશન થેરાપી અપાય છે, તેના શોધક એ હતા. કમનસીબે, રેડિયેશનના કિરણો વચ્ચે જ કામ કરવાનું હોવાથી ખુદ એમને કેન્સર થઈ ગયું અને અવસાન પામ્યા.

લીલાએ ભારતનું નામ રોશન કર્યું હતું. વિશ્વવિખ્યાત ફેશન મેગેઝિન 'ધ વૉગ'દ્વારા થયેલા સર્વે મુજબ, વિશ્વની પ્રથમ ૧૦ સુંદર સ્ત્રીઓમાં એ સ્થાન પામી હતી. હજી વધારે અભિમાન એ વાતે લેવાય એવું છે કે, આ દસમાંથી બીજી ઈન્ડિયન સ્ત્રી જયપુરના સ્વ. મહારાણી ગાયત્રીદેવી પણ હતા. મુંબઈના વર્ષો સુધી દેશભરમાં ગાજતા રહેલા 'નાણાવટી ખૂન કેસ'પરથી અભિનેત્રી સાધનાના પતિ આર. કે. નૈયરે બનાવેલી ફિલ્મ 'યે રાસ્તે હૈ પ્યાર કે'માં લીલાએ આવો વિવાદાસ્પદ અને નારી જાતિને કલંકિત કરતો રોલ પણ હિમ્મત ભેર સ્વીકાર્યો હતો. પ્રદીપ કુમાર સાથે એની એક કોસ્ચ્યુમ ફિલ્મ 'બાગી'પણ આવી હતી, જે એ જમાનામાં રંગીન હતી અને અમદાવાદની અશોક ટોકીઝમાં આવી હતી. મુહમ્મદ રફીના બે શાનદાર ગીતો ચિત્રગુપ્તે બનાવ્યા હતા. યાદ છે, 'બહાર નઝર કરું, અપના પ્યાર નઝર કરું, જો તુમ કહો તો નઝર કા ખુમાર નઝર કરું'અને બીજું, 'આપ મૌજુદ યહાં, ફિર હમેં હોશ કહાં, હર અદા તૌબા શિકન...'

આપણા ફલેમબોયન્ટ હીરો શશી કપૂર સાથે લીલાની ઈંગ્લિશ ફિલ્મ 'ધી હાઉસ હોલ્ડર'પણ આવી હતી. '૬૨ની સાલમાં એવી જ ઈંગ્લિશ ફિલ્મ ધી ગુરુમાં ય એ ખરી. પેલા મામા-ભાણેજ અશોક કુમાર અને જોય મુકર્જી સાથે લીલાએ 'ઉમ્મીદ'ફિલ્મ કરી હતી, જેનું કોઈને નામે ય યાદ નથી. છેલ્લે એ શ્યામ બેનેગલની બેનેગલની ફિલ્મ 'ત્રિકાલ'માં નસીરૂદ્દીન શાહ સાથે ચમકી હતી.

કારણ તો કોઈને ખબર નથી પણ લીલા નાયડૂએ રાજ કપૂરને સતત ચાર ફિલ્મોની હીરોઈન બનવા માટે ધરાર ના પાડી દીધી હતી. એમ તો દેવ આનંદની ફિલ્મ 'ગાઈડ'ની હીરોઈન હોત આ લીલા નાયડૂ, પણ ફિલ્મમાં હીરોઈન કાબિલ ડાન્સર હોવી જરૂરી હોવાથી એ રોલ વહિદા રહેમાનને મળ્યો.

રાષ્ટ્રપતિનો સ્વર્ણપદક જીતનારી આ ફિલ્મની સામાજિક વાર્તા આકર્ષક હતી, સેન્સિબલ હતી. ફિલ્મી લેખક તરીકે તમે ઘણી ફિલ્મોમાં જેનું નામ સાંભળ્યું હશે, તે બંગાળી સચિન ભૌમિકે કોલકાતા 'દેશ મેગેઝિનમાં અનુરાધા'ને ટૂંકી વાર્તા તરીકે લખી હતી. પણ મૂળ તો એ વિશ્વવિખ્યાત નવલકથાકાર ગુસ્તાફ ફ્લ્યૂબર્ટની જાણીતી નોવેલ 'મેડમ બોવેરી'પર આધારિત હતી.

આ ફિલ્મમાં સંગીત આપવા માટે ઋષિ દા પંડિત રવિશંકરને મનાવી શક્યા, નહિ તો પંડિતજીએ '૪૬માં બે ફિલ્મો 'ધરતી કે લાલ'અને ચેતન આનંદની ફિલ્મ 'નીચા નગર'માં સંગીત આપ્યું, પણ કાંઈ કશું જામ્યું નહિ, એટલે પંડિતજી સમજીને જ આ ફીલ્ડમાંથી ખસી ગયા ને તો ય રાજ કુમારની ફિલ્મ 'ગોદાન'માં આહલાદક સંગીત આપ્યું. (મુકેશનું 'હિયા જરત રહેત દિન રૈન...') આ ચાર ઉપરાંત છેલ્લે છેલ્લે બે જ ફિલ્મોમાં રવિશંકરે સંગીત આપ્યું, ગુલઝારની 'મીરાં'અને સર રિચર્ડ એટનબરોની ફિલ્મ 'ગાંધી'.

પંડિત રવિશંકર તો પરમ આદરણીય સંગીતજ્ઞા હતા. આ ફિલ્મમાં તો એમણે પોતે એક નવો રાગ શોધ્યો હતો, 'રાગ : જનસંમોહિની'. 'હાય રે વો દિન ક્યુ ના આયે રે... જા જા કે રિતુ, લૌટ આયે'. અને બીજું, 'કૈસે દિન બીતે, કૈસે બીતિ રતીયાં'રાગ તિલક શ્યામ, પણ સ્થાયી પછી અંતરામાં રાગ ઝીંઝોટીની અસર આવે છે, 'નેહા લગા કે મૈં પછતાઈ...'યાદ હોય તો એમાં લય પણ બદલાઈ જાય છે. રવિશંકરજીએ આ રાગ 'તિલક શ્યામ'રાગ તિલક કામોદ અને શ્યામ કલ્યાણનું મીશ્રણ કરીને બનાવ્યો હતો. આપણી ગુજરાતી ગાયિકા પ્રીતિ સાગરનું દેશભરમાં પ્રસિદ્ધ થયેલું 'તુમ્હારે બિન જી ન લાગે ઘર મેં...'તેમ જ, હમણાંની ફિલ્મ 'જબ વી મેટ...'નું 'આઓગે જબ તુમ સાજના... બરસેગા સાવન...'બાકીના બે ગીતો 'જાને કૈસે સપનોં મેં સો ગઈ અંખીયાં...'પણ રાગ તિલક શ્યામ પર આધારિત. આ રાગ પણ પંડીતજીએ પોતે શોધ્યો હતો. અન્ય ગીત, 'સાંવરે, સાંવરે, કાહે મોસે કરો જોરાજોરી...'રાગ ભૈરવી.

લતા મંગેશકર અને પંડિત રવિશંકરની જોડીએ 'અનુરાધા'માં સર્વાંગ સુંદર ગીતો આપ્યા અને લતા માટે તો કોને ખેંચાણ ન હોય? પંડિતજીએ પણ વર્ષો પછી ગુલઝારની ફિલ્મ 'મીરાં'માં લતાને ગાવાનું આમંત્રણ આપ્યું, ત્યારે પોતે સગા ભાઈ હૃદયનાથ મંગેશકરે બનાવેલા મીરાંના નોન ફિલ્મી ભજનો ગાઈ ચૂકી છે, માટે બીજી વાર એવો ન્યાય નહિ આપી શકે, એ દલિલ આગળ ધરીને ના પાડી દીધી.

બાકી તો આ લેખના પહેલા પેરેગ્રાફમાં વર્ણવ્યો છે, એવા સમાજના ઊંચા ક્લાસ માટેની જ આ ફિલ્મ છે... ભૂલાઈ ગઈ હોય તો બજારમાં ડીવીડી મળે છે.

Viewing all articles
Browse latest Browse all 894

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>