Quantcast
Channel: Ashok Dave's Blog
Viewing all articles
Browse latest Browse all 894

વાત એક ડૉગીના અવસાનની !

$
0
0
સમાચાર તો માઠા આવ્યા હતા. જાનકીબેનનો કૂતરો... સોરી, 'ડોગી'ગૂજરી ગયો હતો. એનું નામ હતું, 'ગંગાપ્રસાદ'. લાડમાં કોક વળી 'ગંગુ'બોલે તો જાનકીબેન ખીજાઈ જતા. રીતસરની રાશી જોવડાવીને આટલું પવિત્ર નામ 'ગંગાપ્રસાદ'રાખ્યું હતું. લોકો પોતાના ડૉગીઓના નામ ઇંગ્લિશ રાખે છે, 'ટાયગર', 'બ્રૂનો', 'સ્ટેલોન'કે ઇવન 'ઓબામા'... એની સામે જાનકીબેનને સખ્ખત ચીઢ. ઇન્ડિયન નામો નથી મળતા તે હાલી નીકળ્યા છો ઇંગ્લિશ નામો પાડવા... ?

અમારે ગંગાપ્રસાદના ઉઠમણામાં જવું જ પડે. એ તો ન જઈ શક્યા, પણ અમારે ય વ્યવહારમાં રહેવાનું છે, એટલે એમના ઘેર 'બેસવા'ગયા. એમના કૂતરામાં ન જઈએ તો આપણા કૂતરામાં એ ય ન આવે. ભલે અમારે કૂતરો નથી, હવે તો કૂતરા વિનાના કપલ્સને પણ લોકો વાંઝીયામેણાં મારતા હોય છે. 'બિચારાઓએ નવો બંગલો બનાવે આઠ- આઠ વર્ષો થઈ ગયા, પણ હજી એક ઘરમાં કૂતરો આવ્યો નથી. કેવા નસીબો ચાલતા હોય છે માણસોના...? આમાં તોમાં રન્ના દે ય કાંઈ આશીર્વાદ ન દઈ શકે.'ખુદ અમે ય સમાજમાં આજે મોઢું બતાવી શકતા નથી.

જાનકીબેન મોહક અને કડક- કડક સફેદ સાડલામાં ઢીંચણ ઊંચા કરીને સ્વ. ગંગાપ્રસાદના, ચાંદલો- અગરબત્તી કરેલા ફોટા નીચે બેઠા હતા. બિલકુલ ફ્રેશ વિધવા થયા હોય, એવી ગમગીની તેમના સૌમ્ય ચહેરા ઉપર વર્તાતી હતી. બૅકગ્રાઉન્ડમાં ધીમા પણ મધૂરા અવાજે જગજીતસિંહની ધૂન, 'હે જગદાતા, બુદ્ધિ વિધાતા...'નિરંતર વાગતી હતી. પરિવારજનો પણ માયુસ ચેહરે શુભ્ર વસ્ત્રો ધારણ કરીને, પલાંઠી વાળીને બેઠા હતા. સામાન્ય રીતે, પટેલો કે રબારીઓના બેસણામાં આવી રીતે ખરખરો કરવા જાઓ, તો પોક મૂકીને પહેલા રડી લેવાનું હોય છે, પણ અમને બન્નેને એ ખબર નહિ કે, સ્વર્ગસ્થ કૂતરો બ્રાહ્મણ હતો, જૈન હતો કે મહાપ્રભુજીવાળો હતો ! એટલે દાખલ થતી વખતે હાથ જોડેલા રાખીને અમારે 'ઓમ નમઃ શિવાય'બોલવાનું છે, 'જય જીનેન્દ્ર'બોલવાનું છે કે, 'જય શ્રી કૃષ્ણ'કહેવાનું છે... એ ખબર નહિ! આમાં લોચા ન મરાય. મરનાર જુદો ધર્મ પાળતો હોય તો લાગણી દુભાય. આપણા ગુજરાતમાં લાગણીઓ તો ગૂજરી ગયા પછી ય દુભાતી હોય છે. બહુ ધ્યાન રાખવું પડે... જાનકીબેન વારંવાર રોતા ચેહરે એમના કૂતરા એટલે કે શ્રી ગંગાપ્રસાદના ફોટા સામે જોઈ લેતા હતા.. કેમ જાણે એમની પાવન આંખો કહેતી ન હોય, ''તસ્વીર તેરી દિલ મેરા બહેલા ન સકેગી... હોઓઓઓ !''

''જય જીનેન્દ્ર... જાનકીબેન... ઇશ્વરને ગમ્યું તે ખરું.''પત્નીએ (સ્માઇલ સાથે) રોતા જાનકીબેનને કીધું, 'જય જીનેન્દ્ર'બોલવાનો નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો કે, આ લોકો કૂતરાને ય કાંદા- લસણ ખાવા દેતા નહોતા... ઉપરાંત, કૂતરો પૂરી અહિંસામાં માનતો હતો. એ તો કદી ચોરને ય કરડતો નહતો... આ તો એક વાત થાય છે !

જાનુ... આઇ એમ સોરી... જાનકીબેન રડતા રડતા મારી પત્નીને વળગી પડયા. કોને વળગાય, એનું કંઈ બધી સ્ત્રીઓને નોલેજ હોતું નથી. હૈયું તો મારું ય ભરાઈ આવ્યું હતું, પણ આમાં તો જેટલું ભરાતું હોય એટલું જ ભરાય !

''શું વાત કરું ભાભી... મારા ગંગાપ્રસાદને ખવડાવ્યા વગર હું ખાતી પણ નહોતી...''જાનકીબેને હપ્તે- હપ્તે ડૂસકું ભરીને બોલ્યા. ચોંકી અમે બન્ને ગયા કે, કૂતરાને ખવડાવવાના બિસ્કીટો જાનકીબેનને ભાવતા કેવી રીતે હશે ? એ તો વાઇફે મને કોણી મારી ત્યારે ખબર પડી કે, જાનકીબેન પોતાનું અલગ ખાતા હતા.

''અરે... હું તો અસોકને રોજ કઉં કે, કૂતરાં તો આટલા બધા જોયા... પણ જાનકીબેન જેવો કૂતરો ક્યાંય નો ભાયળો... આઆઆ... ઇ મીન, તમારા કૂતરા જેવો બીજો કૂતરો કિયાંય નો ભાયળો...''

''ભાભી... એમનું નામ 'શ્રી ગંગાપ્રસાદ'છે... કૃપા કરીને એને માટે 'કૂતરો'શબ્દ ન વાપરશો.''પહાડની બે ટેકરીઓ વચ્ચેથી સૂર્યોદય થતો હોય, એમ બન્ને ઢીંચણો વચ્ચેથી જાનકીબેન ડોકું ઊંચુ કરીને બોલ્યા.

આપણને સાલો સ્વ. માણસોના ખરખરાનો અનુભવ હોય, પણ કૂતરા ગૂજરી જાય ત્યારે કયા શબ્દોથી આશ્વાસન આપવું, એની માહિતી ન હોય. મને ય બહુ બોલતા ન આવડયું. મેં કહ્યું, ''ગંગાપ્રસાદજી કેવા ધાર્મિક વિચારોવાળા હતા.. કોઈ દિવસ કોઈને કરડે જ નહિ... આપણે આવીને બેઠા હોઈએ એટલે તરત જ આપણા ખોળામાં બેસી જાય... ઉઠયા પછી આખું પાટલૂન વાળ- વાળથી ભરાઈ જાય... પણ એમાં શું ? પાટલૂનો તો આપણે રોજેરોજ ધોતા જ હોઈએ ને ? બાકી આવો મોકો ક્યાં (અહીં મેસેજ પહોંચ્યો નહિ કે ક્યો સ્ટુપિડ ખોળામાં બેસી જાય ને કઇ સ્ટુપિડ.....'' (બસ દવે સાહેબ બસ.. મર્યાદાઓ ન તોડો.. બા ખીજાય...!)
''ગંગાપ્રસાદજી બીમાર હતા ? કહે છે કે, એમની પૂંછડીનું હાડકું ખસી ગયું'તું...?''

''અરે આજ સવાર સુધી તો કાંઈ નહોતું. અમે બન્ને ઘરના ગાર્ડનમાં બેઠા બેઠા ગીતો સાંભળતા હતા. ગંગાજીનું મનગમતું ગીત, 'ચલો એક બાર ફિર સે અજનબી બન જાયે હમદોનોં...'વાગતું હતું. એમનું ગમતું ગીત આવે ત્યારે એ મોઢું હલાવતા હલાવતા એવી સરસ જીભ બહાર કાઢે... એવી સરસ જીભ બહાર કાઢે...!''આગળ એમનો ડૂમો ભરાઈ ગયો, છતાં પણ અમારા માટે તો પ્રશ્નપત્ર અઘરું હતું કે, ખુશ થઈને એમનો ગંગો જીભડો બહાર કાઢે પછી એ શું કરતા હશે ? એમણે ડૂસકાં સાથે વાત આગળ ચલાવી, ''અશોક ભાઈ.. તમને શું કહું ? મારું ફેવરિટ ગીત, 'બદતમીઝ દિલ બદતમીઝ દિલ માને ના, માને ના'આવે ત્યારે તેઓ નિરાશ થઈને અંદર જતા રહે.''

જાનકીજી કરતા ગંગાજીનો સંગીતનો ટેસ્ટ ઊંચો હતો, એટલી ખબર પડી.

''પણ... ઓ ભગવાન... હવે નહિ બોલાય...!''અચાનક એમણે છ- સાત ઉધરસો ખાઈ નાખી... ''આપણને એમ કે, આ તો રેગ્યૂલર ઉધરસ હશે.. પણ મને શી ખબર કે આ એની છેલ્લી ઉધરસ ને છેલ્લા ખોંખારા હતા...'' (અમેરિકા બાજુ કોઈ સ્ત્રી આટલી ગમગીન થાય તો સામે જે ઉભું હોય, એના ખભે માથુ મૂકીને ખૂબ રડે... ખૂબ રડે. આપણે તો એ પછી એના માથે પ્રેમાળ અને વાત્સલ્યભર્યો હાથ જ ફેરવવાનો હોય.. સુંઉ કિયો છો ? પણ એ ન ભૂલો મિત્રો... કે આપણે ભારતીય છીએ.)

ઉપરની ઘટના પહેલા... જેમ ફિલ્મોમાં ફ્લેશબૅક આવે છે, એવા ફ્લેશબૅકની વિગતો વાંચવા જેવી છે :

જાનકીબેનના ઘરની બહાર અમે બધા ડાઘુઓ ઊભા હતા. એમાંના કેટલાક તો આજીવન ડાઘુઓ લાગતા હતા. સ્મશાનો ઉપર એટલો સરસ હાથ બેસી ગયો હોય કે, એકવાર ચિતા ઉપર હુવડાવેલો ઊભો ય થઈ જાય, તો આ લોકો પેલાના ખભે હાથ પંપાળીને પાછો હુવડાઈ દે. સ્વર્ગસ્થને સ્મશાને લઈ જવાની તૈયારીઓ ચાલતી હતી.

અમે શોકમગ્ન ચેહરે જાનકીબેનના કૂતરાની વાતો કરતા હતા.

''સાલો.. કેવો પ્રેમાળ કૂત---''

''સ્ટુપિડ... કૂતરો નહિ, શ્રી ગંગાપ્રસાદ બોલ... તારી બા પેલી અંદર બેઠી છે, એ ચીસો પાડતી બહાર આવશે...''

''ઓહ શ્યોરી, હોં શ્યોરી... ! અરે, હજી ગઈ કાલે તો મેં એને જોયો છે.. જરા બી લાગે નહિ, કે આજે તો એ ઉપડી જવાનો છે... સાલો જીંદગીનો કોઈ ભરોસા નથી.''

''હા... કેવો સુંદર ચેહરો હતો શ્રી. ગંગાપ્રસાદજીનો ! મને તો આજે ય એના શરીર પરના વાળ યાદ આવે છે ને હૈયું ભરાઈ જાય છે...!''

''મને જાનકીભાભીનું દુઃખ થાય છે. આ ઉંમરે ય કેવા સુંદર છે... રોજ કેવા પ્રેમથી ગંગાના માથે હાથ ફેરવતા'તા...''

''તું રોકાઈ જા... તારા માથે ય હાથ ફેરવશે...''

આ બધામાં એક બહેરીયો હોય. દરેક વાતચીતમાં એ, ''હેં... હેં.. સુઉં કીધું ?''પૂછે, એટલે મોટા અવાજે આપણે કીધેલી વાત ફરી કહેવી પડે. ઉપરોક્ત વાતચીત એને ફરીથી સાંભળવી હોય, પણ ધ્યાન અમારે એ રાખવું પડતું કે, બધા સાંભળે એમ આવી વાતો- ખાસ કરીને જાનકીબેનની સુંદરતાની- અમારાથી મોટેથી ના કરાય... બા ખીજાય !

''ફ્રેન્કલી કહું ? મને ગંગાપ્રસાદના દાંત સહેજ બી નહોતા ગમતા... એક વાર તો મને અહીં પાછળ... આ જુઓ... અહીં આ મોટું બચકું તોડી લીધું હતું... પણ સંબંધમાં આપણાથી કાંઇ બોલાય છે ?''

''કહે છે કે, જાનકીબેન રોજ ગંગાને નવડાવતા- ધોવડાવતા અને ટુથબ્રશથી ગંગાના દાંત સાફ કરી આપતા.''

''પોતાના ટુથબ્રશથી...?''

''ઇડિયટ... જાનકીબેન કૂતરાના કે આપણા દાંત સાફ કરી આપે, એવું નસીબ ક્યા... ? જ્યારથી ગોવિંદો ગૂજરી ગયો છે, ત્યારથી જાનકીબેન એક આદર્શ વિધવાનું જીવન... બસ, એક આ ગંગાપ્રસાદના સહારે સહારે જીવી રહ્યા છે... પણ ચેહરો આજે ય કેવો મોહક- મોહક છે... આ તો એક વાત થાય છે !''

''જાનકી હાળી છે તો ફેરવવા જેવી...''

ત્યાં પેલો બહેરીયો પૂછી બેઠો, ''સુંઉં કિધું ??''

સ્થળ કાળનું ભાન ન રહ્યુ ને પેલો ભૂલમાં ઘાંટો પાડીને બોલી ઊઠયો, ''જાનકી હાળી છે તો ફેરવવા જેવીઇઇઇઇ...!''

અને પ્રભુ... આ ઘાંટો સાંભળીને આખી સોસાયટીના પંખાઓ ચાલુ થઈ ગયા. અંદર ઢીંચણ ઊંચા કરીને મોટા ડૂસકાં ભરતી જાનકી ય બેઠી બેઠી ઊંચી થઈગઈ... અમારા બધાના મોઢા પડી ગયા કારણ કે, કોણ બોલ્યું હતું એની કોઈને ખબર નહોતી. એ ધાગધાગી થઈ ગઈ, પણ ડાઘુઓમાં એકાદો તો બુદ્ધિશાળી હોય ને બધા અમારા જેવા ન હોય ! ? જઈને સમજાવી આવ્યો કે, ''ગંગાપ્રસાદને લઈને તમે કેટલું બધું ફરી શકતા... હવે તમને ફેરવનારું તો કોણ રહ્યું.. ? (ધીમેથી) તમારી ભાભીનો સ્વભાવ તો તમે જાણો છો...!''

ઓ. કે. તમે બધા તો આખો લેખ હસવામાં કાઢી નાખવાના... હું નહિ ! જગતમાં માણસો ઉપરાંત હજારો પ્રાણીઓ છે, એમાં કૂતરા જેવી વફાદારી તો મંકોડો કે હાથી ય બતાવી શકતો નથી. જાનકીબેન હોય કે જગતભરના કરોડો શ્વાનપ્રેમીઓ, એમને એમ જાનવર ઉપર પ્રેમ ઉભરાઈ આવતો નથી. સામો પ્રેમ અને સામી વફાદારી અને વિશ્વાસ, કૂતરાથી વધારે તો આપણે ય આપી શકતા નથી. મારે ઘેર તો કૂતરો નથી પાળ્યો... ઘર નાનું પડે. પણ જે લોકોએ પાળ્યા છે, એમની વાતો સાંભળ્યા પછી આવા જાનકીબેનોની મીઠી ઇર્ષા કરું છું કે, કમસે કમ એમને એક તો એવું મળ્યું છે, જે વિશ્વાસઘાત નથી કરતું, મોંઢે મીઠું ભસીને પાછળથી ફૂલો ખેંચીને બચકું તો નથી ભરતું...! મારા માટે કૂતરાથી વધુ વફાદાર તો હું પણ નથી !

સિક્સર
- કેમ સંજયને તમે ફિલ્મ 'રામલીલા'ની ટિકીટો ફ્રીમાં મોકલાવી ?
- બદલો... ! એમણે 'જૅકપોટ'ની ટિકીટો ફ્રીમાં મોકલી હતી...!

Viewing all articles
Browse latest Browse all 894


<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>