Quantcast
Channel: Ashok Dave's Blog
Viewing all articles
Browse latest Browse all 894

નંદા સ્કૂલ-કોલેજનું પગથીયું પણ ચઢી નહોતી નંદાઓએ મરવું ન જોઇએ

$
0
0
- નંદા શમ્મી કપૂરથી ખૂબ ગભરાતી યે સમા, સમા હૈ યે પ્યાર કા, કિસી કે ઈન્તઝાર કા...
- જન્મ તા. ૮ જાન્યુઆરી, ૧૯૩૯ - નિધન : તા. ૨૫ માર્ચ, ૨૦૧૪

'નંદાએ મરવું જોઇતું નહોતું. ઍટ લીસ્ટ... આપણે બધા જીવીએ છીએ ત્યાં સુધી તો નહિ જ!'

આ ઉદગાર સાહજીક નીકળી પડે, એ લોકોના મોંઢામાંથી જેમણે '૬૦ના દાયકામાં પૂરબહાર ખીલેલી નંદાને ફિલ્મી પરદા પર એક વાર પણ જોઇ હોય! નંદાઓ વારંવાર જન્મ લેતી નથી એ જ્યારે જ્યારે જન્મે, ત્યારે એ સદીમાં આપણે પણ હોવા જોઇએ, એવી કશિશ હરકોઇ નંદાપ્રેમીને થાય ને થતી.

ને આવા ઝનૂની આદર માટે એક કારણ પણ હતું, જે તત્સમયની હીરોઇનો પાસે જવલ્લે જ જોવા મળે. નંદાનો ઊડીને આંખે વળગે એવો સૌથી મોટો પ્રભાવ હતો એની સાદગી અને શ્રૃંગારના મીશ્રણનો. ફિલ્મ 'ભાભી'કે 'છોટી બહેન'માં આપણી બાજુમાં રહેતી સ્કૂલ-ગર્લ જેવી લાગે, તો દેવ આનંદની ફિલ્મ 'હમ દોનોં'માં આપણી સગી ભાભી ય લાગે, તો રાજેશ ખન્ના સાથેની ફિલ્મ 'ધી ટ્રેન'જેવા ગ્લેરમસ રોલમાં, હવે આપણે ન કરવા જોઇએ, એવા વિચારો ય કરાવી મૂકે, એવી શ્રૃંગારી-સુંદર પણ લાગે. પણ બન્ને વિભાગમાં નંદાની નમણાશ બરકરાર. મારી વાતને ટેકો મળે છે, એ વાત પર કે ફિલ્મ 'કાલા બાઝાર'માં એ દેવ આનંદની બહેન બને છે ને ફિલ્મ 'હમ દોનોં'માં એની પત્ની. નંદાનું સામર્થ્ય એ દ્રષ્ટિએ તગડું હતું કે, 'કાલા બાઝાર'માં આપણને ય આપણી બહેન જેવી લાગે અને 'હમ દોનોં'માં આપણને જેવી ગમે છે, એવી હીરોઇન લાગે. 'અલ્લાહ તેરો નામ, ઈશ્વર તેરો નામ...'એ લતાના કંઠે નંદાને પરદા ઉપર ગાતી સાંભળો/જુઓ ત્યારે સૌથી પહેલો તો હિંદુ સંસ્કૃતિનો રૂડોરૂપાળો ચાંદલો એના મસ્તિષ્ક પર જોવા મળે. એ સમયમાં કપાળે મોટા ચાંદલામાં પ્રેક્ષકોને બે હીરોઇનો સાવ ઘરની લાગતી, મીના કુમારી અને નંદા.

નંદાનું રૂપ ઘરરખ્ખું રૂપ હતું. ઊગતા સુરજ જેવો કપાળે મોટો ચાંદલો, રાતાં ફૂલની ભૂકી બનાવીને ઢોળ્યું હોય એવું સેંથામાં સિંદૂર, ભારતીય લજ્જાના પ્રતિકસમું ઓઢેલું માથું, તૂટયા વગરના ઢીંચણ સુધી પહોંચતા લાંબા છતાં સિલ્કી વાળ, જોનારની નજરમાં તીણા ઘુસી જાય, આવા આંખોના ખૂણેથી નીકળતા ખૂણીયા, બારે માસ બંધ રહેતી દુકાન જેવું રહસ્યમય કપાળ અને ખાસ તો, હસતી વખતે બદમાશીપૂર્વક દેખાઇ જતો તૂટેલો એક દાંત નંદાની મશહૂરીનું પરફેક્ટ પીંછું બની ગયું. ફિલ્મનગરી પણ નંદાને નાનપણથી ઘર જેવી લાગતી. એના પિતા વિનાયક દામોદર કર્ણાટકી મહાન સર્જક વ્હી.શાંતારામના ફર્સ્ટ-કઝિન થાય, એ ઉપરાંત વિનાયક પોતે ય ફિલ્મોમાં એક્ટિંગ અને દિગ્દર્શન કરતા. પણ નંદાને નાનપણમાં જ મૂકીને એ દેવ થઇ ગયા, એટલે આર્થિક રીતે નંદાનો પરિવાર ભોંયતળીયે આવી ગયો. લતા મંગેશકર આ વિનાયકની છત્રછાયામાં ઉછરી છે, એટલે નંદા માટે લતાએ ગાયેલા ગીતોમાં ક્યાંક સગપણની સુવાસ આવતી હોય, તો તમે સાચા છો. ગરીબીને કારણે નંદાને તાત્કાલિક ફિલ્મોમાં 'બેબી નંદા'તરીકે પહેલા ફિલ્મ 'મંદિર' ('૪૮) અને પછી ફિલ્મ 'જગ્ગુ' ('૫૨)માં મૂકી દેવાઇ. સ્કૂલે જવાનો તો પ્રશ્ન જ નહતો છતાં ય, એ સાવ નિરક્ષર ન રહે, માટે ઘેર જ માસ્તર ભણાવવા આવતા. નંદાએ સ્કૂલ જોઇ જ નહિ. એનો ભાઇ જયપ્રકાશ કર્ણાટકી મરાઠી ફિલ્મોમાં દિગ્દર્શન કરે છે. એની પત્ની એટલે, એક જમાનાની ફિલ્મી કૅબરે-ડાન્સર જયશ્રી.ટી. (ટી. એટલે 'તળપદે', પણ શ્રેયસવાળી નહિ!)

વય કૂમળી રહી ત્યાં સુધી નંદી 'બેબી નંદા'કહેવાઇ, પણ એક વખત બોગનવેલની જેમ તબક્કે તબક્કે જુવાની શરીર ઉપર ચઢી, એટલે એ હીરોઇન થઇ ગઇ, પણ નૂતન-નરગીસ જેવી ક્લાસ-વન હીરોઇનો સાથેની હરિફાઇમાં નંદાને ક્લાસ-ટુ હીરોઇન ગણવામાં નહોતી આવી. એને હીરોઇન-આધારિત રોલની ફિલ્મો મળતી ગઇ, ખાસ કરીને શશી કપૂર સાથે. શશી કપૂર કરમનો ફૂટલો હતો ને એની સાથે એક પણ-રીપિટ એક પણ હીરોઇન કામ કરવા તૈયાર ન થાય, કારણ કે એની બધી ફિલ્મો ફ્લૉપ જતી, ત્યારે ગૂજરી ગઇ ત્યાં સુધી શશી કપૂરને જ પોતાના સૌથી મનપસંદ હીરો માનતી નંદાએ પોતાની કરિયરના ભોગે પણ શશી કપૂર સાથે ફિલ્મો કરી, એમાં પહેલી જ બે ફિલ્મો 'ચાર દિવારી' ('૬૧) અને 'મેહન્દી લગી મેરે હાથ' (૬૨) સરિયામ નિષ્ફળ ગઈ, એટલે એક સજ્જન વ્યક્તિ તરીકે શશીએ જ નંદાને કહ્યું, ''અબ આપ મુઝે છોડ સકતી હૈ... મેરે કારન આપ કા માર્કેટ ભી ડાઉન જા રહા હૈ.''તો ય, નંદાએ શશી બાબાનો સાથ ન છોડયો ને 'જુઆરી'ફરી ફલોપ જવા છતાં, એક સરપ્રાઈઝ ફિલ્મ તરીકે 'જબ જબ ફૂલ ખીલે'પણ બન્નેએ સાથે કરી અને સુપરડૂપર હિટ ગઈ. ફિલ્મમાં ઊભા કરેલા હાઉસબોટના સેટ પર નંદાએ ટેરેસ પર રાતના અંધકારમાં ગાયેલું, 'યે સમા, સમા હૈ યે પ્યાર કા, કિસી કે ઈન્તઝાર કા, દિલ ના ચૂરા લે કહીં મેરા, મૌસમ બહાર કા...'આજ પર્યંત ચાહકોને યાદ રહી ગયું છે, ખાસ કરીને એનો લેમન-યલો નાઇટ-ગાઉન અને ગીતના લય મુજબના સરળ નૃત્યથી આજે પણ ટીવી-વિડિયો પર આ ગીત ધરાઈ ગયા વિના જોવાય છે. શશી કપૂર પોતે ય વર્ષોથી મૃત્યુના બિછાને છે. હમણાં કોંગ્રેસી નેતા શશી થરૂર અને સ્વ. સુનંદા પુષ્કરનો કિસ્સો મીડિયામાં ચગ્યો, ત્યારે એક મજાની રમુજ વહેતી થયેલી, ''શશી કપૂર (થરૂર અને (સુ)નંદા (પુષ્કર)''ય એ રમુજે ઠેઠ આજે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું ને બન્ને નંદાઓ હયાતી ગૂમાવી બેઠી.

પણ એ જ શશી કપૂરનો ભાઈ શમ્મી કપૂર નંદાને ખૂબ ગમતો, પણ એની સાથે ફિલ્મ કરવાની આવે તો ના પાડી દેતી, એક જ કારણથી કે, હિમાલયસરીખા આદર અને શમ્મીની માચો પર્સનાલિટીને કારણે નંદા શમ્મી સામે આવતા જ શરમાઈ/ગભરાઈ જતી. બન્યું પણ એવું કે, નંદા-શશી કપૂર સાઉથના કોઈ જંગલમાં શૂટિંગ કરતા હતા, તે દરમ્યાન શુટિંગ જોવા ઉમટેલા લોકો નંદાનું રૂપ જોઈને ઝાલ્યા ન રહ્યા ને નંદા-શશીની જીપ સાથે ખેંચતાણ કરવા લાગ્યા. નજીકના જ જંગલમાં શમ્મી કપૂર શુટિંગ કરી રહ્યો હતો, એને ખબર પડતા મારતી જીપે એ ઘટનાસ્થળે દોડી આવ્યો... પ્રભાવ હતો શમ્મીનો કે, એના આવતાની સાથે જ ટોળું ગભરાઈને ગાયબ થવા માંડયું ને થઈ પણ ગયું... ! નંદાએ હાશ તો અનુભવી પણ પેલી ગભરાહટ હતી એના કરતા બે દોરા વધી પણ ગઈ... ! બન્ને કેસમાં પૈસા કેવળ પ્રભાવના હતા. પણ પ્રભાવ જ નંદાને ફિલ્મો અપાવતો. મનોજ કુમાર સાથે તો નંદાએ થોડી-ઘણી ફિલ્મો કરી હતી, પણ મનોજની ઉત્તમ ફિલ્મ 'શોર'માં મિડલ-કલાસની હાઉસવાઈફનો અસરકારક રોલ પણ એના આ લૂક્સને કારણે મળ્યો. ખૂબી તો ત્યાં પ્રગટ થઈ કે, કોઈ કાળે ય નંદા વેમ્પ એટલે કે ખલનાયિકા ન જ લાગે, છતાં રાજેશ ખન્ના સાથે એને ફિલ્મ 'ઈત્તેફાક'માં એને એ રોલ પણ મળ્યો, તો ય કારણ પ્રભાવનું જ નીકળ્યું. બાહરી પર્સનાલિટીને કારણે નંદા અત્યંત સુશીલ અને 'ધી ગર્લ નેકસ્ટ ડૉર'લાગે. ઘણી સ્ત્રીઓ કદી ખોટું કામ તો કરી જ ન શકે, એવો ભ્રમ આપણનેય ઘરની બહાર નીકળ્યા પછી દર ત્રીજી સ્ત્રીને જોઈને થતો હોય, તો દોષ તમારો ય નથી. નંદાનું એવું જ સ્વરૂપ ખન્નાને 'ઈત્તેફાક'માં છેતરી ગયું, એમાં ચોપરાની આ ફિલ્મ ઉત્તમ બની.

વાત કેરેક્ટરની નીકળે, તો આપણા જમાનાની બહુ ઓછી હીરોઈનો ઈમાનદારીથી સાંગોપાંગ બહાર નીકળી શકે. નંદાને પણ નૂતન, સાધના, આશા પારેખ કે તનૂજાની જેમ આખી કરિયરમાં એક પણ કલંક નહિ. ફિલ્મ 'અમર, અકબર, એન્થની'વાળા ગુજરાતી નિર્માતા-દિગ્દર્શક મનમોહન દેસાઈ સાથે તો એ કાયદેસરના લગ્ન કરવાની હતી. ક્યાં, કેમ ને શું નડી ગયું, એની સ્ટોરી તો ગઈ કાલે નંદાને અગ્નિદાહ દેવાયો, એમાં જ ભસ્મીભૂત થઈ ગઈ. ગુજરાતી સ્ત્રીને જ પરણી ચૂકેલા મનમોહનના આ બીજા લગ્ન હોત, પણ અકળ કારણસર મનમોહને પોતાના બિલ્ડિંગની અગાશીએથી ભૂસકો મારીને જીવનલીલા સંકેલી લીધી, એમાં આટલા વર્ષે મોડે મોડે ય નંદાને મળનારું લગ્નસુખ છીનવાઈ ગયું. ફરી એક વાર 'મનમોહન'નામ કોઈને ન ફળ્યું. જીવનભર નંદાની ખાસ બહેનપણી રહેલી વહિદા રહેમાન સાથે એ અનેકવાર પાણીપુરી ખાવા જતી. દેવ આનંદનો જ્યાં આનંદ સ્ટુડિયો પાલી હિલ પર છે, તે ઢાળ ઉતરતા જ એક મોંઘીદાટ પાણીપુરીવાળાની દુકાન છે, ત્યાં આ બન્ને જણીઓ અચૂક આવે. ક્યારેક તો સાથે સાધના અને હેલન પણ હોય... અને એ કેવી કમનસીબી આ શોહરતની કે, આજની પેઢીના એકે ય ને એ ખબર પણ નહોતી કે, આ બાજુમાં ઊભી છે, એ નંદા-વહિદાની જોડી એક જમાનામાં દેવ આનંદ, રાજ કપૂર, દિલીપ કુમાર, રાજેન્દ્ર કુમાર કે શશી કપૂર સાથે અનેક સુપરહિટ ફિલ્મો આપી ગઈ છે. છેલ્લી વાર એ રાજ કપૂરની ફિલ્મ 'પ્રેમ રોગ'માં પદ્મિની કોલ્હાપૂરેની મા ના રોલમાં અને શશી કપૂરના પુત્ર કુણાલને લોન્ચ કરવા બનેલી ફિલ્મ 'આહિસ્તા આહિસ્તા'માં દેખાઈ હતી.

ગ્રેસ કેવી રાખી કે, પ્રેક્ષકો અન્ય હીરોઈનોની માફક એને પડતી મૂકી દે, એ પહેલા સન્માન સાથે નંદાએ નિવૃત્તિ લઈને સાબિત કરી આપ્યું કે, 'જીંદગી ઓર કુછ ભી નહિ, તેરી મેરી કહાની હૈ...'

Viewing all articles
Browse latest Browse all 894

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>