* શું વાત છે? બ્રાહ્મણો ય કરોડપતિ તરીકે ઓળખાય છે?
– યુ સેઇડ ઇટ... જ્ઞાન અને સંસ્કારમાં તો પહેલેથી હતા... હવે લક્ષ્મીજી પણ આ સાઇડમાં આવવા માંડ્યા છે, અર્થાત્, હવે લક્ષ્મીજીએ પણ માતા સરસ્વતીને આવકાર દીધો છે.
(છાયા મહેતા, મુંબઈ)
* પોસ્ટકાર્ડને પડતા મૂકીને ઈ–મેલમાં આવવાનું કારણ?
– થોડાં વખતમાં, હું તમારા બધાને ઘેર આવીને જવાબ આપી જવાની પ્રથા શરૂ કરીશું.
(જીજ્ઞેશ બૅન્કર, અમદાવાદ)
* આજના આધુનિક યુગમાં ટૅકનોલોજી શ્રાપ છે કે વરદાન?
– પોસ્ટકાર્ડને બદલે ઈ–મેઇલથી જવાબ આપવામાં શ્રાપ લાગ્યો કે વરદાન?
(મુગ્ધા ઉલ્લાસ વોરા, જૂનાગઢ)
* અશોક દવે અને જય વસાવડામાં શું તફાવત છે?
– એ તો એક્કેય વાર પરણ્યો નથી, બોલો!
(જીગર મેઘપરા, જૂનાગઢ)
* કેજરીવાલને તમાચા બહુ પડે છે. આપનો અભિપ્રાય?
– લોકો પાસે દારુ ગોળો હાથવેગો તો ના હોય ને?
(મલખાનસિંહ ચૌહાણ, અમદાવાદ)
* સૂરજ હંમેશા પૂર્વમાંથી જ કેમ ઊગે છે?
– એને પશ્ચિમમાંથી ઊગાડવાની વાટાઘાટો ચાલે છે, ગાંધીનગર પશ્ચિમમાં આવ્યું.
(જાગૃતિ ડી., અમદાવાદ)
* અફઘાનિસ્તાનમાં ચૂંટણી સારી રીતે પતી.... તો ભારતમાં?
– ભારતની ચૂંટણી અફઘાનિસ્તાનમાં લઇ જઈને ન કરાય... ‘બા’ ખીજાય!
(રવિ જાજડીયા, પાલિતાણા)
* મનમોહન મૌન ક્યારે તોડશે?
– હવે તો એ બોલે તો ય હાંભળે છે કોણ?
(કિર્તી ધામી, ડૉમ્બીવલી)
* મેચ જીતાડનારને ‘મેન ઓફ ધ મેચ’નો એવોર્ડ મળે છે તો હરાવનાર (યુવરાજસિંહ)ને કયો ઍવોર્ડ મળે?
– એ બેશક મહાન ક્રિકેટર છે. એ જ માણસે અભૂતપૂર્વ વિજયો અપાવ્યા છે.
(જયેશ કબૂતરવાલા, સુરત)
* પ્રશાંત ભૂષણને કાશ્મિર આપી દેવું છે. ‘આપ’માં કેટલો વિશ્વાસ મૂકાય?
– બસ, પ્રશાંત ભૂષણ પાકિસ્તાનને સોંપી દો.
(યશ મહેતા, અમદાવાદ)
* બીજા ફિલ્મસ્ટાર્સની જેમ ડિમ્પલ કાપડિયાએ ચૂંટણીમાં કેમ ઝૂકાવ્યું નથી?
– એના પહેલા ગોરધને રાજકારણમાં બહુ માર ખાધો હતો.
(અજય વ્યાસ, બિલખા)
* ‘ઍનકાઉન્ટર’ જેવી કૉલમ ભારતના અન્ય કોઇ રાજ્યમાં ચાલે છે?
– કહે છે કે, શ્રેષ્ડ સર્જનનો કોઇ વિકલ્પ હોતો નથી.
(વિજણ છાબડા, મહેસાણા)
* કચ્છ વિશે આપનું શું માનવું છે?
– કચ્છનો તો ઝાઝો અનુભવ નથી, પણ કચ્છીઓ મને બહુ ફળ્યા છે... ‘કિ આયોં...?’
(જીજ્ઞેશ ટાંક, મુંદ્રા)
* ‘શ્રી’ એટલે લક્ષ્મી અને ‘મતિ’ એટલે બુદ્ધિ, તો જેના જીવનમાં શ્રીમતી નથી, તેનું જીવન...?
– હા, પણ એને માટે કાંઇ આઠ–દસ વાર પરણવાનું ના હોય!
(અફરોઝબેન મીરાણી, મહુવા)
* ‘કર્મના સિદ્ધાંત’ વિશે આપનું શું માનવું છે?
– હું જે માનતો હોંઉ છું, એ મારા ઘરમાં ય કોઈ માનતું નથી, ભ’ઈ!
(રાજેશ દરજી, અમદાવાદ)
* ભગવાન જમતા તો નથી, છતાં લોકો ભોગ કેમ ધરાવે છે?
– આપણા દેશમાં બેવકૂફોની કમી નથી.
(ગોપાલ કે ભટ્ટ, વડોદરા)
* લગ્ન નહિ કરવાની સલાહ કોઇ કેમ માનતું નથી?
– તમે ક્યાંક ભરાઇ ગયા લાગો છો?
(રવિ આડવાણી, ભાગનગર)
* મોબાઇલથી જ વૉટ આપવાનું શરૂ થાય એમ નથી?
– મોબાઇલથી જ હનીમૂન પતતું હોય તો વૉટ પણ અપાશે.
(મનોજ પંચાલ, મુંબઇ)
* હું પણ બહુમતિ બ્રાહ્મણ છું, તમે બ્રાહ્મણોને લઘુમતિમાં મૂકાવો તો કંઇ વાત બને.
– પહેલાં પટેલો, લોહાણાઓ, વૈષ્ણવો, સિંધીઓ અને બાકીના બધાનું પતાવીએ, પછી બ્રાહ્મણો ‘બહુમતિ’માં હોવાની લાચારી સાથે સરકાર પાસે વધુ ઓકાવશે.
(વિનોદ ભટ્ટ, અમદાવાદ)
* મહિલા જેવું આરક્ષણ પુરુષોને ક્યારે?
– જ્યારે પુરુષો પણ સ્ત્રીઓની સમકક્ષ ઊભા રહી શકશે.
(મહિપત વૈશ, ગીર–સોમનાથ)
* ચૂંટણી ઉમેદવારની મિનીમમ લાયકાત ગ્રેજ્યુએશનની હોય તો ઘણો ફેર પડે કે નહિ?
– મારી માહિતી ખોટી ના હોય, તો સમગ્ર વિશ્વમાં ડૉ. મનમોહનસિંહ જેટલી શૈક્ષણિક ડિગ્રીઓ વિશ્વમાં કોઇ પાસે નથી.... કેટલો મોટો ફેર પડ્યો...! આહ..... હજી દુ:ખે છે.
(સંજય ગોહિલ, જામખંભાળિયા)
* આ તમે સવાલની સાથે ઘરનું એડ્રેસ માંગો છો, તે કોઇ ઈનામ મોકલવાના છો?
– હું તો મૅક્સિમમ તમને પૅશન્ટો મોકલી શકું.
(ડૉ. અશ્વિન કાકડીયા, સુરત)
* ચૂંટણીના રીઝલ્ટ્સનું શું લાગે છે?
– હું તો અમેરિકામાં બેઠો છું. મોદી–રાહુલ બધાને કહી દીધું છે, ચૂંટણીઓનું તમે પતાવજો. હું તો કેટલે પહોંચી વળું?
(સુપ્રિયા દવે, અમદાવાદ)
* આજની સ્થિતિ જોતા આપણો દેશ કઇ દિશામાં જઇ રહ્યો લાગે છે?
– આ સવાલ કોઇ ટ્રાફિક પોલિસને પૂછો.
(મૌલિક પટેલ, અમદાવાદ)
* તમારે માટે વધુ સારું કોણ કહેવાય? ગર્લ ફ્રેન્ડ કે વાઈફ?
– સૅફ્ટીની ગૅરન્ટી મળતી હોય તો બન્ને.
(હિરેન પંખાનીયા, સુરત)
(‘ઍનકાઉન્ટર’ માટે તમારા સવાલો ઈ–મેઇલ પર જ પૂછી શકાશે. વાચકે સવાલની સાથે પોતાનું નામ, સરનામું અને મોબાઈલ નંબર લખવો આવશ્યક છે. સવાલો શક્ય હોય ત્યાં સુધી ગુજરાતીમાં લખીને મોકલવા. સવાલ પૂછવાનું ઈ–મેઇલ આઈડી છે: ashokdave@gujaratsamachar.com )