Quantcast
Channel: Ashok Dave's Blog
Viewing all articles
Browse latest Browse all 894

ન્યુયોર્કના એરપોર્ટ પર...

$
0
0
ન્યુયોર્કના એરપોર્ટ પર આખી દુનિયા મને મળવા આવી હોય એવું લાગ્યું. એમ પાછી આપણી એવી પોપ્યુલરિટી ખરી... ધોળીયા, કાળીયા, મૅક્સિકન, ચીનાઓ, જાપલાઓ, સ્પેનિયાડો... જેના ઉપર નજર પડે, એ ચોખ્ખું સ્માઇલ તો આપે જ. બોલે ય ખરા, 'ઓ હાય...' (યસ... સુંદર સ્ત્રીઓ પણ ! આપણે એ લોકોને જે કાંઈ માનતા હોઈએ... એ અબલાઓ આપણે એમના અનાથ બાળકો ગણીને સ્માઇલ આપે ! હું તો સાઇડ-ફેસથી અનાથ બાળક જેવો લાગુ ય ખરો !) બસ... આપણા ઈન્ડિયનો આપણને જોઈને મોંઢાં ફેરવી લે. કારણ એટલું જ કે, ઈન્ડિયનોને ખબર પડે ખરી કે, કોને સ્માઇલો આલવામાં નકરૂં નુકસાન જ છે !

પણ બધી પબ્લિકમાં તરત ''જણાઈ આવે''કાળીયાઓ. રામ જાણે કઈ ચક્કીના આટા એમની માવરોએ ખવડાયા હશે કે, કિચનના પ્લેટફોર્મના કાળા પથ્થરો આમના કરતા વધારે રૂપાળા લાગે. એમની હેરસ્ટાઇલ જોઈને પહેલો સવાલ એ થાય કે, છેલ્લે છેલ્લે બીજી વર્લ્ડ-વોર થઈ ત્યારે આ લોકો નહાયા હશે, એ પછી માથાની તત્તણ-ચચ્ચાર હજાર ચોટલીઓ ધોતા સુધીમાં બીજી ૩-૪ વર્લ્ડ વોરો ફાટી નીકળે. એક ચોટલીને છુટી પાડવા માટે બબ્બે મજૂરો રાખવા પડે, એટલે આવા ચોટલા વાળ્યા પછી પાંચ-છ મહિના સુધી છોડવાની તો શક્યતા ન હોય !

ઈમિગ્રેશન માટે ૬૦-કાઉન્ટરો અને એટલી ભીડમાં ય નંબર તરત આવી ગયો. આ મારી પ્રકૃતિ છે. કોઈ ગુન્હો કર્યો ન હોય, છતાં સામે પોલીસવાળાને જોઉં, એટલે ફફડવા માંડું છું. ગુન્હો કરવાની મારામાં ત્રેવડ નથી. ઈન્ડિયાથી બેગમાં હું ચરસ-ગાંજો તો ઠીક, વાઇફે ૪૦-વર્ષ પહેલા મને લખેલા ગાંજાબ્રાન્ડના પ્રેમપત્રો ય લેતો આવ્યો નહતો. કહે છે કે, ઍરક્રાફ્ટમાં સ્ફોટક પદાર્થો ન લઈ જવાય. ઈમિગ્રેશન-કાઉન્ટર પર ચીનો બેઠો હતો. મને જોઈને સ્માઇલ આપ્યું. આપણું ય મન મોટું. '૬૨-માં ચીને આપણી ઉપર આક્રમણ કર્યું હતું ને સાલાઓ હજી કરે જાય છે, તો ય મેં સ્માઈલ આપ્યું, ''જા ભ'ઈ, વાપર... ! અહીં અમેરિકામાં મારા સ્માઇલની કોઈ કિંમત નહિ હોય... બાકી ઈન્ડિયામાં આ જ સ્માઈલ લાખ રૂપિયે સેન્ટીમીટરના ભાવે વેચાય છે.''

હું છું જ, છતાં એને હું સજ્જન લાગ્યો હોઈશ, એટલે મને કાંઈ પણ પૂછ્યા-બુછ્યા વિના જવા દીધો. એટલું પૂછ્યું, ''કેમ આવ્યા છો ?''મેં કીધું, ''બસ, આમ જ ! મૂળ તો હિમાલય સાધુ બનવા જતો'તો... એમાં આ તો આ બાજુથી નીકળ્યો'તો... તો મેં'કુ...લાય એક ચક્કર અહીં ય મારતો જઉં !''અલબત્ત, આવું મેં મનમાં કીધું... કોઈની સાથે બોલીને સંબંધ બગાડવાની આપણને હૉબી નહિ !

હું જ્યાં જઉં, ત્યાં લોચા મારવા મારી પ્રકૃતિનો એક ભાગ થઈ ગયો છે. (આવા લખ્ખણને કારણે મારા લગ્ન થયેલા !) મારો લગેજ આવતો નહતો. કન્વેયર-બૅલ્ટના બે-ત્રણ ચકરડા ફરી ગયા, છતાં મારો લગેજ આવ્યો નહિ ને હું માલિકીભાવમાં માનતો નથી, એટલે મારો જ સામાન ઘેર લઈ જવો, એવા હઠાગ્રહને બદલે, જે કોઈ બેગ હાથમાં આવે, એ લઇ લેવી, એવું માનું. સ્વામીજીએ કીધું છે કે, 'વિશ્વની હરએક ચીજને આપણી સમજીને વાપરો... જગતમાં આપણું કશું નથી, તેમ બીજાનું ય કશું નથી.' (તાર્કિક સમજ નં. ૧ : સ્વામીજી એટલે આપણા પૂજનીય અને પ્રાતઃસ્મરણીય 'સ્વામી અશોકાનંદજી.' ... તાર્કિક સમજ નં. ૨ સ્વામીજીના ઉપરોક્ત ઉપદેશમાં ''હર એક ચીજ''માં પારકી સ્ત્રીઓનો સમાવેશ થતો નથી... બન્ને તાર્કિક સમજો પૂરી : કોઈ પંખો ચાલુ કરો.) ત્યાં તો એક ધોળી આવી. અમે બન્ને સગા ભાઈ-બેન થતા હોઈએ, એવા સ્માઇલ સાથે મને કહ્યું, ''આઈ એમ સોરી, ડીયર... ધીસ ઇસ માય બૅગ... !''તારી ભલી થાય ચમની... એક બાજુ મને 'ડીયર'કહે છે ને બીજી બાજુ મારા-તારાના ભેદભાવો રાખે છે ?

ઓકે. એક વાતની ખાત્રી તો થઈ કે, એ ધોળી અને મારા વિચારો બચપનથી બહુ મળતા આવતા હતા... મારી બૅગ પણ એની બેગ જેવા રંગેરૂપે હતી. બૅગો બદલાઈ ગઈ હોત તો ફાયદામાં એ હોત... મારી બૅગમાં છ-છ જોડી લેંઘા અને સદરા હતા. એના ગોરધનને આવનારા અઢાર મહિના સુધી નવો લેંઘો લેવો પડયો ન હોત... આ તો એક વાત થાય છે.

ઉતરતા વ્હેંત મને ખબર તો પડી ગઈ કે, અમેરિકા મારા પૈસે તાગડધિન્ના કરવા માંગે છે, કારણ કે આપણા દેશના કે કોઈ પણ દેશના એરપોર્ટ પર સામાન લઈ જવાની ટ્રોલીના પૈસા ચૂકવવા પડતા નથી. અહીં તો પાંચ ડોલરની નોટ નાંખો, તો જ ટ્રોલી મળે. આપણે તો સીધા સાઇઠે જ ગુણવાના ને ? ત્રણસો રૂપિયામાં તો હું મારા ઘરના કામો ય કરતો નથી, પણ અહીં આપવા પડયા.

''કહાં સે હો ?... યુ.પી. સે યા બિહાર સે... ?''એરપોર્ટ પર બે જુવાન છોકરાઓને ઝાડુ-પોતા મારતા હિંદીમાં વાત કરતા જોઈને મેં પૂછ્યું.

''નહિ સા'બ... હમ પાકિસ્તાન સે હૈં... આપ તો ઈન્ડિયા સે હૈં, ના ?''

મારે લોકલ ફોન કરવો હતો. લોકલ-ફોન કરવા ર્ક્વાર્ટર (એક ડોલરનો ચોથો ભાગ) સિક્કો જોઈએ. એ મળતો નહતો. પેલા બન્નેમાંથી એક જણ દોડતો જઈને મારા માટે ર્ક્વાર્ટર લઈ આવ્યો. એક પાકિસ્તાની હોવા છતાં ઈન્ડિયન માટે આવો સદભાવ જોઈને, મેં એના હાથમાં એક ડૉલર મૂક્યો. એ પાકિસ્તાનીએ ઝાડુ ચાલુ રાખતા સહેજ શરમાઈને મને કહ્યું, ''ક્યા સા'બ... આપ સે હમ પૈસા લેંગે ? ઇન્ડિયા-પાકિસ્તાનવાલે તો ભાઈ-ભાઈ હોતે હૈં...''

શું જવાબ આપું ? બદલામાં થોડી વાર એના બદલે ઝાડુ હું મારી આપું, એવી ઑફર મૂકવાની જીગર પણ ન ચાલી.

પહેલી વાર અમેરિકા આવ્યો હતો. આજુબાજુથી હડફડ-હડફડ પસાર થતા ધોળીયા, કાળીયા, ચીના કે જાપલાઓમાં એક માત્ર કાળીયાઓ સામે હું રૂપાળો લાગતો હતો, બાકી પેલાઓની સ્કીન જોયા પછી ત્યાં જ નિર્ણય લઈ લીધો કે, આવતા જન્મે ભલે જન્મવું ઈન્ડિયામાં, પણ વાઇફો તો આ બધા દેશોમાંથી જ એક એક ઉપાડી લાવવી. પોણા છ ફૂટ લાંબો તો હું ય છું, પણ છ-સવા છ-છ ફૂટની ધોળીઓને જોયા પછી વિચારો તો એવા ય આવ્યા કે, આપણે બચી ગયા. હાળું કાંઈ પણ કરવું હોય તો પેલીની બાજુમાં લાકડાનું સ્ટૂલ મૂકીને ઊભા રહેવું પડે. ઘરમાં જે કાંઈ માલ પડયો છે, એનાથી સંતોષ રાખો. નહિ તો આપણે પરદેશ છીએ ને દેશમાં બીજો કોઈ સ્ટૂલવાળો મળી જશે તો વાઈફ અમદાવાદના એરપોર્ટ પર લેવા ય નહિ આવે.

ન્યુ યોર્કના જહૉન એફ. કૅનેડી એરપોર્ટ પર મને લેવા બરાક ઓબામા આવ્યા નહોતા. સાલો આપણા ઈન્ડિયા અને અમેરિકાના સંસ્કારો વચ્ચે આટલો ફરક. આપણે તો પરદેશથી કોઈ બી આવ્યું હોય, લેવા જઈએ જ... અરે, જેને લેવા આવ્યા હોઈએ, એ ન આવ્યું હોય કે આપણને મોડું થતું હોય, તો પછી તો જે સામું મળે, એને ય એક વખત તો ઘેર લેતા જઈએ, પણ ઓબામાની બાએ આવું કાંઈ નહિ શીખવાડયું હોય... ભલે ઈન્ડિયામાં બેઠેલી આપણી બા ખીજાય ! ભ'ઈ, સંબંધ તો વધારવાથી વધે... આપણે એના સારા ગુણો જોવાના. મને લેવા અશોક-ચેતના પંચોલી આવ્યા હતા, તે એ લોકો ય રાહુલ ગાંધીને લેવા આવ્યા હોય, એવા ખુશ થઈને મને એમના ઘેર લઈ ગયા.

મારે લોંગ આયલૅન્ડ જવાનું હતું. અમેરિકાના શહેરો-ટાઉનોના નામો નાગરોએ પાડયા હોય એવા મનોહર-મનોહર છે. ક્નેક્ટિકટ, સીનસીનાટી, સિયાટલ, મૅસેચ્યૂસેટ્સ... બીજી બાજુ આપણે ત્યાં ગારીયાધાર, જોરાજીના મુવાડા, ધોળકા, ધંધૂકા ને ધ્રાંગધ્રા... (સાલું વાઇફ ૬૦-ની થઈ... હજી સુધી એક હપ્તામાં આખું 'ધ્રાંગધ્રા'બોલી શકતી નથી. પહેલા એક-બે વખત 'ધ્રાંગ... ધ્રાંગ'બોલીને પાછળથી '...ગધ્રા'જોડી નાંખે છે. જો કે, અહીં અમેરિકાના આપણા દેસીઓએ ધોળીયાઓ સામે પૂરો બદલો લીધો છે. બ્રિટિશરોએ આપણા ભરૂચનું 'બ્રોચ', મુંબઈનું 'બોમ્બે'કે વડોદરાનું 'બરોડા'કરી નાંખેલું, તો વળતા હૂમલા તરીકે અહીંના દેસીઓએ 'મૅસેચ્યૂસેટ્સનું માસા... ચૂસો... માસા ચૂસો'અને શિકાગોનું 'ચિકોગા'કરી નાંખ્યું છે. એક જ દુઃખ થાય કે, અહીંના મૂકેશો 'મૅક્સ'અને સુરેશો 'સૅક્સ'થઈ ગયા છે, પણ અહીંના શહેર 'બફેલો'નું 'બળધીયો'કે સ્ટુઅર્ટનું 'સેવંતીલાલ'કરી શક્યા નથી.

સિક્સર

- મૅનહૅટનના ૧૦૨-માળ ઊંચા એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ નીચે ફૂટપાથ પર મારાથી સિગારેટ હાથમાંથી પડી ગઈ. એક પોલીસ-ઓફિસરે તરત સિગારેટ લઈને સ્માઈલ સાથે ટ્રેશ-બિન (કચરો નાંખવાનો ડબ્બો)માં નાંખી દીધી. મારી સામે નફરતથી પણ ન જોયું.

- સૂચના : ગુજરાતના કોઈપણ પોલીસે આ સિક્સર વાંચવી નહિ... બા ખીજાશે.

Viewing all articles
Browse latest Browse all 894

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>