* પત્ની પહેલા મૃત્યુ પામે તો ચુંદડી ઓઢીને ગઈ કહેવાય... પણ ગોરધન પહેલા જાય તો...?
- જવાબની મને ખબર નથી... પણ તમે ખોટી ઉતાવળ ન કરતા...!
(મધુકર માંકડ, જામનગર)
* શું ભારત માટે 'ઈબોલા'ખતરનાક સાબિત થશે ?
- ભલે દુશ્મનો રહ્યા, પણ આવો ખતરનાક રોગ તો પાકિસ્તાનમાં ય કોઈને ન થાય, એવી ઈશ્વર અને અલ્લાહ બંનેને પ્રાર્થના.
(નિશાંત હરણેશા, રાજકોટ)
* તમે એકના એક સવાલના દર વખતે જુદા જુદા જવાબ કેવી રીતે આપી શકો છો ?
- રોજ ઑફિસેથી ઘેર મોડા પહોંચીને નવી નવી સ્ટોરીઓ નહિ બનાવવાની...?
(એકતા પ્રજાપતિ, અમદાવાદ)
* તમે પ્રાઇમ મિનિસ્ટર મોદી વિશે શું માનો છો ?
- એ જ કે, એ પ્રાઇમ મિનિસ્ટર છે.
(કરણ એમ. રાજગોર, વલસાડ)
* પ્રેમ વિશે તમારૂં શું માનવું છે ?
- સાલો બહુ હરામી હતો.... પ્રેમ પટેલનું નામ ન દેશો.
(રવિ કંટારીયા, જુનાગઢ)
* ગાય આપણી માતા છે, તો કૂતરીને શું કહેવાય ?
- 'આપણી માતા...?'સૉરી, મારી માતા ગાય નથી અને મને તો કૂતરી અને કૂતરા વચ્ચેનો તફાવત ક્યાંથી પકડવો, એની ય ખબર નથી !
(હસમુખ બાદરશાહી, પોરબંદર)
* દેશની માનવશક્તિ ધર્મને નામે વેડફાઇ જતી નથી ? તમારે એક પુસ્તક લખવું જોઈએ.
- ધર્મને નામે પુસ્તક તો જાવા દિયો... હું તો પચ્ચી રૂપીયાનો ચૅક પણ લખું એમ નથી.
(નવિન બી. ગામિત, સુરત)
* આવતી કાલથી તમારા જ તમને ઓળખવાનું બંધ કરી દે તો ?
- એમની બહેનોના લગ્નો કરાવવા જાય !
(રાજેશ શાસ્ત્રી, પેટલાદ)
* આજના યુવક-યુવતીઓ વિશે શું માનો છો ?
- બસ... એ લોકો કાયમ 'આજના'કહેવાય !
(રાકેશ સદરાણી, જુનાગઢ)
* ગુજરાતીમાં સવાલ પૂછવામાં ફૉન્ટસની મુશ્કેલી થાય છે... ગુજલિશમાં પૂછાય ?
- 'ના'ની ઉપર કાનો મારી દો.
(અમુલ શાહ, મુંબઈ)
* 'ડિમ્પલ મને મમ્મીની જેમ રાખે છે', એવું દીપિકા પદુકોણે કીધું. તમે સુઉં કિયો છો?
- ડિમ્પલની ભૂલ કહેવાય. આવી કૂમળી કળી જેવી દીપુને અત્યારથી મમ્મી બનાવી ના દેવાય.... બા ખીજાય !
(સમર્થ શિહોરા, વડોદરા)
* હાસ્ય ઉપર આપની સારી ફાવટ છે. તો ગુજરાતી ફિલ્મોમાં હાથ અજમાવોને !
- હું તો લેંઘાનો એક સામાન્ય કારીગર છું... ચડ્ડા સિવતા મને ન આવડે !
(મીસ વિરલ ચૌહાણ, મુંબઈ)
* શરીર ઉપર ટૅટુ ચિતરાવવા બાબતે કાંઇક કહો.
- લોકો એકનું એક શર્ટ પહેરતા બે મહિનામાં કંટાળી જાય છે... ટૅટુ જીવનભર રહેવાનું છે... બેવકૂફોનું કામ છે.
(ભોલાનાથ રિંડાણી, જામનગર)
* મને જોઈએ એવો ગુસ્સો નથી આવતો. બધી વાતમાં ઠંડો પડું છું. શું કરાય...?
- લગ્ન સિવાય બધું...!
(ધ્રુવ પંચાસરા, વિરમગામ)
* 'Is'એટલે છે', તો What 'વ્હૉટ'એટલે શું ?
- તમારો સવાલ બાળવિભાગમાં મોકલી આપ્યો છે.
(ડૉ. સતીષ દેશપાંડે, નવસારી)
* શ્રાધ્ધમાં કાગડાને વાસ નાંખવાનું કારણ શું ?
- હાથીને લઈને અગાસી ઉપર ન જવાય, માટે !
(અલ્પેશ ત્રિવેદી, અમદાવાદ)
* તમને અમેરિકા ગમ્યું કે ઇન્ડિયા ?
- 'સારે જહાં સે અચ્છા, હિંદુસ્તાં હમારા.'
(યતન પટેલ, જસદણ)
* અધિક માસ આવે છે, તો અધિક વાર કેમ નથી આવતો ?
- સોમવાર, મંગળવાર, બુધવાર... એમ 'કોકવાર'તો આવે છે ને ?
(પ્રહલાદ રાવલ, રાજપિપળા)
* ઘોડીયાથી સ્મશાનયાત્રા સુધીની ત્રણ યાત્રાઓમાં સૌથી મહત્વનું કામ કયું ?
- એ તો જે કામાતુર હોય, એને ખબર પડે !
(દિનકર ભટ્ટ, ગાંધીનગર)
* 'ઓસામા-જી'બોલવાવાળા ક્યાં ગયા ?
- ઓસામા પાસે.....જાય એવી પ્રાર્થના.
(સુરેન્દ્ર ભટ્ટ, ગાંધીનગર)
* પેલા હરામખોર યાસિન મલિકે કાશ્મિરના દર્દનાક પૂર વખતે એક રૂપીયાની ય મદદ કરી ?
- આપણે પાકિસ્તાની નથી. આવી ભાષા ન વપરાય. એનું કામ કાશ્મિરીઓ પાસેથી મદદ લેવાનું છે, આપવાનું નહિ !
(અંકિત ભૂતવાલા, સુરત)
* અમેરિકાથી શું શીખીને આવ્યા ?
... કે બીજી વાર જવું, તો ઘેર કહીને જવું.
(અફરોઝબેન મીરાણી, મહુવા)
* તમારૂં કોઇ પ્રેમપ્રકરણ જાહેર કરી શકાય એવું ખરૂં ?
- બા ખીજાય.
(ચંદ્રકાંત બગરીયા, પૂણે- મહારાષ્ટ્ર)
* હૉસ્પિટલમાં ખબર પૂછવા આવનારાઓ, 'કંઈ કામકાજ હોય તો કહેવડાવજો.'કહે છે. તો શું કહેવું ?
- 'કામકાજમાં તો બસ..... આ હૉસ્પિટલનું બિલ ભરવાનું છે..!'એટલું કહી દેવું.
(રમેશ સુતરીયા - ટ્રોવા, મુંબઈ)
* મારી પ્રેમિકાને સપનાંમાં ય બસ, હું જ દેખાઉં છું. કોઇ ઉપાય ખરો ?
- જવા દો ને...! નકામો આપણા બે વચ્ચે ઝગડો શું કામ કરવો ?
(સંજય દવે, શેઠવડાલા- જામજોધપુર)
* મારી અને તમારી વચ્ચે એક ગજબનું સામ્ય છે. આપણા બંનેનું શિશ કેવળ ભારત દેશ માટે ઝૂકે છે.
- પાકિસ્તાનનું ય ઝૂકશે.
(આત્મજા દવે, વિરાર-મહારાષ્ટ્ર)
* કાશ્મિરી પંડિતોની બેહાલી માટે આપ શું માનો છો ?
- અચ્છે દિન આનેવાલે હૈં.
(ડૉ. શ્વેતલ ડી. ભાવસાર, અમદાવાદ)
* મોબાઇલને ગુજરાતીમાં શું કહેવાય?
- મોબાઇલ
(પ્રશાંત મોકાણી, વડોદરા)
* કાયમ સોગિયા મોંઢા લઈને ફરનારાઓ માટે કોઈ ઉપાય?
- ચોક્કસ જગ્યાએ લાત મારીને ભાગી જવાનું..
(ડૉ.બી.પી.પરમાર,પેટલાદ)
* હમણાં હમણાંથી મને ડિમ્પલ રોજ સપનામાં આવે છે... શું કરું?
- તમારી એક આદત મને ગમી...કે, પારકી સ્ત્રીઓને તમે હંમેશા મા-બેન જ ગણો છો.
(વીરેન્દ્ર જાની, જામનગર)
* મારે ફેમસ થવું છે, કઈ રીતે થવાય?
- અટક ફેમસ રાખી દો.
(મિલિંદ પ્રણામી, માલપુર-અરવલ્લી)
* પરણવા માટે પુરૂષની શ્રેષ્ઠ ઉંમર કઈ?
- બસ. આવો સવાલ પૂછવા માટે ય ટાઇમ બગાડવો ન પોસાય, એવી કચ્ચીને લાગી હોય ત્યારે...!
(સોહમ ચૌહાણ, જૂનાગઢ)
* દેશ માટે તમે શું કરી શકો છો?
- આ સવાલ આપણાં સુપર ફિલ્મ સ્ટાર્સ, ક્રિકેટરો, ધર્મગુરુઓ કે મંદિરોના ટ્રસ્ટીઓને પૂછવો જોઈએ.
(મનિષ કે. ફોફન્ડી, વેરાવળ)
* રોડ ઉપર ભાઈઓ મારામારી કરે છે...કદી બહેનોને મારામારી કરતા જોઈ?
- જવાબ આપું તો બધી બહેનો ભેગી થઈને રોડ ઉપર મારી સાથે મારામારી કરે!
(અફરોઝબેન મીરાણી, મહુવા)