Quantcast
Channel: Ashok Dave's Blog
Viewing all articles
Browse latest Browse all 894

'દાસ્તાન' ('૫૦)

$
0
0
ફિલ્મ : 'દાસ્તાન' ('૫૦)
નિર્માતા-દિગ્દર્શક : અબ્દુલ રશિદ કારદાર
સંગીત : નૌશાદ
ગીતકાર : શકીલ બદાયૂની
રનિંગ ટાઇમ : ૧૨૨-મિનિટ્સ-૧૩ રીલ્સ
થીયેટર : રીલિફ (અમદાવાદ)
કલાકારો : રાજ કપૂર, સુરૈયા, વીણા, સુરેશ, અલ નાસિર, એસ.એન. બૅનર્જી, શકીલા, પ્રતિમાદેવી, મુરાદ, લક્ષ્મણ, સુરિન્દર, બૅબી અન્વરી


ગીત
૧. આયા મેરે દિલ મેં તૂ, બનકે દિલ કી આરઝૂ....સુરૈયા-કોરસ
૨. તારા રી આરા રી....યે સાવન રૂત તુમ ઔર હમ....સુરૈયા-રફી
૩. યે મૌસમ યે તન્હાઈ, જરા દમભર કો આ જાઓ....સુરૈયા
૪. અય શમ્મા, તૂ બતા, તેરા પરવાના કૌન હૈ.....સુરૈયા
૫. દિલ કો હાય દિલ કો, તેરી તસ્વીર સે બહેલાયે હુએ....સુરૈયા-રફી
૬. નૈંનોં મેં પ્રિત હૈ, હોઠોં પે ગીત હૈ....સુરૈયા
૭. દિલ ધડક-ધડક, દિલ ફડક-ફડક કડ્કે.....સુરૈયા-રફી
૮. મુહબ્બત બઢાકર જુદા હો ગયે, ન સોચા ન સમઝા....સુરૈયા
૯. નામ તેરા હૈ જબાં પર, યાદ તેરી દિલ મેં હૈં.....સુરૈયા

અમદાવાદ રીલિફ રોડ ઉપર અદ્યતન, ફૂલ્લી, કાર્પેટેડ અને ગુજરાતનું સૌથી પહેલું ઍરકન્ડિશન્ડ થીયેટર બન્યું, તેમાં સૌથી પહેલી ફિલ્મ રાજ કપૂર-સુરૈયાની 'દાસ્તાન'આવી. પબ્લિક પાગલ તો ત્યારે થઇ ગઇ કે, અચાનક એને રીલિફ સિનેમાના ગૅટ પર ફિલ્મના હીરો રાજ કપૂર અને હીરોઇન સુરૈયા જોવા મળી ગયા. એ જમાનામાં હીરોલોગ આજની જેમ ચોપાટી પર પાણીપુરી ખાતા કે રગડા-પૅટીસની લારીના ઉદ્ધાટનમાં આવતા નહોતા. આજે લોકોને તત્સમયના ગ્રેટ ફિલ્મ કલાકારો સાથે જોવા મળી ગયા હતા. પાછો આઘાત સાથે આનંદ એ વાતનો હતો કે, આમ તો સુરૈયા દેવ આનંદની પ્રેમિકા....ને અહીં એ રાજ કપૂરના હાથમાં હાથ પકડીને બધાની સામે ઊભી હતી....!

નવા થીયેટરમાં લોકો માટે વાત નવી હતી કે, મખમલ જેવી જાજમ પર બુટ-ચપ્પલ પહેરીને ચાલવાનું...ને તો ય કોઇ ખીજાય નહિ ને ઉપરથી ઍર-કન્ડિશન્ડ થીયેટર એટલે શું, એની ય ક્યાં કોઇને જાણ હતી ? આ જ રોડ ઉપર થોડે આગળ રીગલ ટૉકીઝમાં પ્રેક્ષકોએ પહેલવહેલી લિફ્ટ જોઇ, ત્યારે માની શકાતું તો નહોતું કે, આખેઆખો રૂમ ઉચકાઇને ઉપર જાય ને પાછો આવે. રીલિફ ટૉકીઝે તો સૌ પ્રથમવાર અસલ કાબુલના પઠાણોની થીયેટરના 'લાલાઓ'તરીકે નિમણૂંકો કરી, એમને જોવા ય લોકોને ગમતા. લાલલાલ બુંદ જેવા ઊંચા અને પડછંદ આ લાલાઓની એ મજાલ હતી કે, થીયેટરો ઉપર બેકાબુ ભીડ સામે એક ઘાંટો પાડે, એમાં ય લોકો બસ્સો ફૂટ આઘા ખસી જતા.

ફિલ્મ તો તમે ધારો છો, એના કરતા તો ઘણી ફાલતુ હતી. આમે ય, ફિલ્મ અબ્દુલ રશિદ કારદારે બનાવી હોય, એટલે એમાં ઢંગધડા તો નવટાંકે ય ન હોય. રાજ કપૂર અને નૌશાદઅલી જેવા મહાન કલાકારો એ જમાનામાં હતા, એટલે આ ફિલ્મ આખી જોવાઇ જાય. મને તો કંઠ સુરૈયાનો ય ગમે, એટલે નવેનવ ગીતો એના હોય, પછી જલસામાં કમી ન હોય. ફિલ્મ 'દાસ્તાન'ની હીરોઇન સુરૈયા છે, પણ સૅન્ટ્રલ-કૅરેક્ટર વીણાનું છે. નાનપણથી કરોડપતિ બાપના ત્રણ સંતાનો પૈકીની આ એક માત્ર મોટી બહેન પૂરા પરિવાર ઉપર લેવા-દેવા વગરની હુકુમત ચલાવે છે, એમાં એના બન્ને નાના ભાઈઓ (રાજ કપૂર અને અલ નાસિર...જે વાસ્તવમાં વીણાનો પતિ હતો.) વીણાના પિતા (મુરાદે) મરતા પહેલા એક અનાથ બાળકી (સુરૈયા)ને પોતાના ઘરમાં આશરો આપે છે, જે વીણાને ગમતું નથી. યુવાન વયની વીણાનો કિરદાર ફિલ્મ 'ચાયના ટાઉન'વાળી શકીલાએ નિભાવ્યો છે. રાજ-સુરૈયા પ્રેમમાં પડી જાય છે, ને આ બાજુ રાજનો મોટો ભાઇ અલ નાસિર પણ સુરૈયાના પ્રેમમાં છે, એ જાણીને સુરૈયા ઉપર કોપાયમાન થયેલી વીણા સુરૈયાને 'માન ન માન, મૈં તેરા મેહમાન'ના ધોરણે સુરેશ (ફિલ્મ 'સટ્ટા બાઝાર'નો હીરો....'તુમ્હેં યાદ હોગા, કભી હમ મીલે થે....') સાથે પરણાવી દેવાના કાવાદાવા કરે છે, એમાં બન્ને ભાઈઓને એકબીજા સાથે લડાવી મારવાનો પેંતરો ફૂટી જતા, ભાઈઓ ઘર છોડીને જતા રહે છે ને વીણા એકલી પોતાના ખાલી મહલમાં પાગલ થઇને દમ તોડે છે.

તમારામાંથી જે ચાહકો એક જમાનામાં રેડિયો સીલોનના કાઇલ હતા, એમને રોજ સવારે આઠ વાગે જે બિન મ્યુઝિક કાર્યક્રમની થીમ રૂપે વાગતું હતું, તે આ ફિલ્મમાંથી લેવાયું છે. નૌશાદભાઈના ગીતો હોય એટલે પાર્ટી થઇ જાય, પણ ફિલ્મમાં દર બબ્બે મિનિટે એક ગીત આવતું જાય, એ તો પછી આપણી ધીરજની કસૌટી કહેવાય ! ફિલ્મ જોતા જોતા આપણે નાના બાળકની જેમ ફફડતા રહીએ કે, ''હમણાં એક ગીત આવશે....હમણાં એક ગીત આવશે...''એમાં ય, એ જમાનાની ફિલ્મોના નૃત્યગીતોના ડાન્સ-સ્ટૅપ્સ જુઓ તો આજે હસવું આવે. ફિલ્મની મોટી ખૂબી એના અપ્રતિમ સૅટ્સ છે. આર્ટ-ડાયરેક્ટરને આવા ભવ્ય સૅટ્સ બનાવવાની કલ્પના આવે, એ પણ સલામેબલ છે. જેમ ફિલ્મ 'અંદાઝ'ના લેખમાં કહ્યું હતું, તેમ, આ '૪૦-૫૦ના દાયકાની ફિલ્મોમાં પુરૂષો શૂટ પહેરે, એ તો બહુ મોટી વાત કહેવૈ....મારા રોયાઓ ઘરમાં ય ૨૪-કલાક શૂટ પહેરીને ફરે....! ફિલ્મનું લાઇટિંગ એટલી હદે કંટાળાજનક છે કે, અડધી નહિ, પૂરી ફિલ્મ અંધારામાં છે. દિવસનું દ્રષ્ય હોય તો ય ઘરમાં દિગ્દર્શકે લાઇટો એવી રીતે ગોઠવી છે કે, પોણા સ્ક્રીન ઉપર અંધારા જોવાના !'

રાજ કપૂર તો રાજ કપૂર હતો. આ ફિલ્મ વખતે એની ઉંમર ૨૬-૨૭ની માંડ હતી ને કેવો રૂપાળો લાગે છે. એના અભિનય માટે તો પ્રણામ જ કરવા પડે.

સુરૈયા જેટલા પ્રેમીઓ (ચાહકો) એ જમાનાની કોઇ હીરોઇનને મળ્યા નથી, એવું કોઇ પણ જાતના આધાર વગર 'ઑફિશીયલી'કહી શકાય. મુંબઇના મરિન લાઇન્સના દરિયા કિનારાની સામે એના 'કૃષ્ણ મહલ'સામેની ફૂટપાથ ઉપર સુરૈયા ઇચ્છે છે કે ન ઇછે, 'માન ન માન, મૈં તેરા મેહમાન'ના ધોરણે એને જ પરણવાની જીદ લઈને સત્યાગ્રહ(?) પર બેઠેલા ફિલ્મ 'જ્હૉની મેરા નામ'માં દેવ આનંદનો બૉસ બનતો પોલીસ-કમિશનર ઇફ્તેખાર, સુરૈયાએ 'ડિક્કો-ડમ્મ'દેખાડી દેતા કંટાળીને તંબૂ લપેટીને ઘરભેગો થઈ ગયો, પણ આવા કિસ્સા અનેક હતા. ઠેઠ પાકિસ્તાનના લાહૌરથી કોઇપણ જાતના આમંત્રણ કે ઓળખાણ-બોળખાણ વગર ફિરોઝ દીન નામનો ચાહક તો સુરૈયાના બિલ્ડિંગ પર રીતસરનો વરઘોડો અને ૧૦૦૦-ના સાજનમહાજન અને બૅન્ડ્બાજા લઇને આવી ગયો હતો. 'પરણું તો તને જ'ના જાપ સાથે.

સુરૈયાના રૂપમાં કોઇપણ પુરૂષમાં સુતેલો સિંહ જગાડવાની તાકાત હતી. એ 'કૃષ્ણ મહલ'માં રહે પણ મીરાંબાઇ જેવી તૈયાર ન થાય...રૂપાળી રાધા જેવી તૈયાર થઇને રોજ ઘરમાં ય બેસે. એમાં ય કોક મળવા આવ્યું હોય, તો એને ડ્રોઇંગ-રૂમમાં કલાક બેસાડી રાખીને, મૅડમ લથબથ ઘરેણા અને ચુસ્ત મૅઇક-અપ કર્યા પછી જ પાવા તે ગઢથી પ્રગટ થાય.

સુરૈયા દેવ આનંદને તો ચાહતી હતી, પણ એની 'નાની'એ દેવને દૂર કર્યા પછી સુરૈયા માટે પ્રોડયુસર-ડાયરેક્ટર એમ.સાદિકને મુહબ્બત થઇ ગઇ, તે એટલે સુધી કે, પોતાની ફિલ્મોના શૂટિંગ છોડીને એ સુરૈયાનું જે સ્ટુડિયોમાં શૂટિંગ ચાલતું હોય, એના ગૅટની બહાર ગાડી લઇને ઊભો રહેતો, જેથી સુરૂને મરિન-લાઇન્સ મૂકવા જઇ શકાય. સુરૈયાની એક નબળાઈ તો હતી જ. જે કોઇ એને પ્રેમ કરવા માંગતું હોય, એને કદી એણે કાઢી મૂક્યો તો નથી જ, પણ પેલો ય માની જાય ત્યાં સુધી સહકાર આપતી, જેમાં સાદિક તો ખૂબ મોંઘી ભેટો રોજ લઇને આવતો, જે વગર રીસિપ્ટે સ્વાકારાઇ પણ જતી. એક ગિફટ તો એ જમાનામાં ય ખૂબ મોંઘા ગણાતા ૧૬ mm ના મૂવી કૅમેરાની ય હતી. મુહમ્મદ સાદિકે ફિલ્મ 'રતન'ઉપરાંત અનેક ફિલ્મો બનાવી હતી, જેમાં આપણને યાદ રહી જાય એવી ઓપી નૈયરવાળી ફિલ્મો 'મુસાફિરખાના,''છુમંતર,''માઇ-બાપ'અને 'દુનિયા રંગરંગિલી'ઉપરાંત મીનાકુમારી-પ્રદીપ કુમારવાળી ફિલ્મ 'બહુ બેગમ'અને 'નૂરજહાં'પછી 'તાજ મહલ', 'ચૌદહવીં કા ચાંદ,'અને 'શબાબ'ઉપરાંત પણ બીજી પચ્ચીસેક ફિલ્મો એણે બનાવી હતી.

સુરૈયાનો બીજો પ્રેમી સરદાર રણજીતસિંઘ હતો. લાહોરમાં દલસુખ પંચોલીને આસિસ્ટન્ટ તરીકે બહુ મદદમાં આવ્યો હતો. એણે પોતાની કરિયરની પહેલી અને છેલ્લી ફિલ્મ 'અમર કહાની'પણ ઉતારી હતી.

દરમ્યાનમાં (આપણને) એક ગમ્મત પડે એવી વાત બની ગઇ. સંગીતકાર હુસ્નલાલ (ભગતરામ) પણ સુરૈયાને ઘર કી બહુ બનાવવા આમાદા હતા. ફિલ્મ 'આજકી બાત'અને 'બડી બહેન'માં સુરૂને લાઇફટાઇમના ગ્રેટ ગીતો આપવા બદલ એ થોડી ઝૂકી હતી, પણ દરમ્યાનમાં સુરૈયાને એ.આર. કારદારે એક સાથે ચાર ફિલ્મોનો કૉન્ટ્રૅક્ટ આપ્યો, જેમાં આજની ફિલ્મ 'દાસ્તાન'પણ શામેલ હતી. કારદારની ફિલ્મોમાં તો સંગીતકાર નૌશાદ જ હોય ! એટલે તક મળતા જ સુરૈયાએ હુસ્નલાલને જે શી ક્રસ્ણ કહી દીધું, પણ હુસ્નલાલને એનો વાંધો ન આવ્યો. જો સુરૈયા પોતાના કરતા મોટા સંગીતકાર નૌશાદ પાસે જતી હતી, તો હુસ્નલાલે ય સુરૈયા કરતા પચીસ વ્હેંત ઊંચી ગાયિકા લતા મંગેશકરના પ્રેમમાં પડવાનું નક્કી કર્યું. લતાની પણ 'હા'આવી ગઇ.

અત્યાર સુધીના પ્રેમોમાં એક દેવ આનંદને બાદ કરતા સુરૈયાએ પોતે કોઇ અરજદારમાં મૂડીરોકાણ કર્યું નહોતું. એની પાછળ પ્રેમીઓની કતાર હતી, એ કોઇની નહોતી, પણ ઇશાન ઘોષ (જે આ ફિલ્મનો પણ સાઉન્ડ-રૅકૉર્ડિસ્ટ છે.) એક સ્માર્ટ બંગાલી-બાબુ એની નજરે ચઢી ગયા. કારદાર સ્ટુડિયોમાં સાઉન્ડ રૅકૉર્ડિસ્ટનું કામ કરતો આ યુવાન ચારે બાજુથી સુરૈયાને ગમી જ ગયો.

ઉઘાડેછોગ બન્ને બહાર ફરવા માંડયા, ફિલ્મના મુહુર્તોમાં, હોટલોમાં કે કોઇએ પાર્ટી આપી હોય, તો સુરૈયા સામે ચાલીને ઇશાનનું નામ ઉમેરાવતી ને ત્યાં ય બન્ને એકબીજાને અડીને સાથે બેસતા...જય હો !

પણ સુરૈયાની નાની (મમ્મીની મમ્મી) માટે એ સોનાના ઇંડા આપતી મરઘી હતી. દેવ આનંદને કાઢ્યો, એમ નાનીએ ઇશાનને ય કાઢ્યો. બન્ને છોકરાઓનો મોટો અને બહુ ગંભીર ગૂન્હો એ હતો કે, બન્ને હિંદુ હતા. 'કૃષ્ણ મહલ'સુરૈયાના મામાને નામે હતો, એ ગ્રાઉન્ડ ઉપર સુરૈયા ય નાનીથી દબાયેલી રહેતી.

પરિણિત અને ઘણા બધા બાળકોના પિતા ઇશાનને પાછો મેળવવા સુરૂએ બાજુના જ બિલ્ડિંગમાં રહેતી નરગીસના ભાઇ અખ્તર હુસેનને ફોન કરીને આજીજીઓ કરી, પણ એ ય કાંઇ કરી ન શક્યા. (અખ્તર દેવ આનંદની જ ફિલ્મ 'ગૅમ્બલર'ની હીરોઇન ઝાહિદાના પિતા અને અનવર હુસેનના ભાઇ થાય.) વીણાનું અસલ નામ તો તાજૌર સુલતાના હતું.

ચરીત્ર અભિનેત્રી વીણાને તમે ફિલ્મ 'પાકીઝા'માં મીનાકુમારીની મોટી બહેનના રોલમાં જોઇ છે. એ સુરૈયા સામે સત્યાગ્રહવાળા ઇફ્ત્તેખારની સગી બહેન અને આ જ ફિલ્મમાં સેકન્ડ હીરો અલ નાસિરની વાઇફ થાય. 'દાસ્તાન'માં એને લાઇફ-ટાઇમનો સર્વોત્તમ રોલ મળ્યો છે. ફિલ્મના પ્રારંભમાં જ બુઢ્ઢો રાજ કપૂર, એની આ અંતિમ ઘડીઓ ગણી ચૂકેલી બહેનના જાજરમાન ગુસ્સાને યાદ કરીને વેદનાભર્યો સંવાદ બોલે છે, ''રસ્સી જલ ગઇ...બલ નહિ ગયા !''

હુસ્નલાલને છોડીને આવેલી સુરૈયા અફ કૉર્સ, વડિલસરીખા નૌશાદસાહેબના પ્રેમમાં નહોતી, પણ સુરૈયા ફિલ્મોમાં આવી ત્યારે પહેલું ગીત નૌશાદઅલીએ એની પાસે ગવડાવ્યું હતું અને અહીં પણ એમણે ચમત્કાર કર્યો. ફિલ્મ 'દાસ્તાન'ના તમામ ગીતોમાં એનો કંઠ છે. એ જીવી ત્યાં સુધી નૌશાદસાહેબનો પૂરો આદર કરતી. મને યાદ છે, આપણે સુરૈયાને લૅટર લખવો હોય તો એ ઇંગ્લિશમાં જ અને તે પણ પહેલી એ, બી, સી, ડી.માં જ લખી શકાતો.

નૌશાદનું એક અજીબોગરીબ ફૅક્ટર આ ફિલ્મમાં પણ જોવા મળ્યું. એમની ફિલ્મ 'જાદુ'ની જેમ અહીં પણ એમણે વૅસ્ટર્ન નૉટૅશન્સનો ઉપયોગ કરીને સંગીત આપ્યું. એ પછી છેલ્લે છેલ્લે વૈજ્યંતિ-રાજેન્દ્રની ફિલ્મ'સાથી'માં પણ વિદેશી વાજીંત્રો વાપરીને સ્વારંકનો પણ એમના જ ઉપયોગમાં લીધા.

ઇશ્વરે મને તો ન બચાવ્યો આવી કન્ડમ ફિલ્મ જોવામાંથી....તમને ય ક્યાંથી બચાવે, એના ઉપર આવો લેખ વાંચવામાંથી !

Viewing all articles
Browse latest Browse all 894

Trending Articles