Quantcast
Channel: Ashok Dave's Blog
Viewing all articles
Browse latest Browse all 894

શૉપિંગ મૉલ મરવા પડયા છે

$
0
0
ભલભલા શૉપિંગ મૉલ્સ હવે બંધ થવાના કગાર પર છે. એક તો સૅન્ટ્રલી એ.સી. મૉલ હોય ને કાંઇ પણ ખરીદવું જરૂરી હોતું નથી અને ફૅમિલી સાથે ફ્રી ફરવાનો કોઇ ચાર્જ હોતો નથી, એટલે આજે ય દરેક શૉપિંગ-મૉલ તમને દેખાય તો ભરચક જ, પણ ખરીદીને નામે... હમણાં કહું એ ! આમે ય, રીવરફ્રન્ટ કે કાંકરીયા ફરવા જાઓ એને બદલે કોઇ મૉલમાં ચાર કલાક લટાર મારી આવો, વાતાવરણ ઠંડકવાળું, ક્યાંય કચરા- ફચરા પડેલા ન હોય, બાપુનગરમાં રહીને અમેરિકા ફરવા આવ્યા હોઇએ, એવો વિદેશી માહૌલ... ને ખર્ચો રૂપિયાનો ય નહિ. બાળકો ખુશ થાય એ જુદું !

પણ હવે મૉલ- માલિકોને ય ખબર પડી ગઇ છે કે, 'આમદની અઠ્ઠન્ની, ખર્ચા રૂપૈયા...'વકરો થતો નથી, એના કરતા બમણો ખર્ચો મૉલ ચલાવવાનો થાય છે. કરો બંધ...!

બસ, હવે રડયાખડયા જે કોઇ શૉપિંગ-મૉલ્સ રહ્યા છે, એની મહીના વેપારીઓના ઉઠમણાં બોલાવા લાગ્યા છે. પચ્ચા પ્રવાસીઓ આવે ત્યારે એમાંનો કોઇ એક ગ્રાહક બને... અને એ ય, બીજે દહાડે માલ બદલાવવા પાછો આવે ! કહે છે કે, આમે ય બંધ પડનારી શૉપ્સનો કોઇ બીજો ઉપયોગ વિચારવામાં આવે, તો ખર્ચા જેવું નીકળે એવું છે. આજકાલ, બેસણા માટેના હૉલોની બહુ તંગી છે. જે મળે છે, એના ભાડાં ય એટલા જંગી છે, કે જેના માટે બેસણું રાખ્યું હોય, એ ય ફોટામાંથી હાર-બાર ફગાવીને સીધો બહાર આવીને ધોળા કપડાં પહેરીને ડાઘુઓ સાથે 'જેશી ક્રસ્ણ'બોલતો ચુપચાપ બેસી જાય. ધંધાની દ્રષ્ટિએ, બેસણા-હાઉસોમાં ભાડાંના પ્રમાણમાં જોઇએ એટલી સગવડો નથી મળતી. હૉલમાં પાથરેલી જાજમો મેલી અને ફાટતી હોય છે. આવા કાંપતા શિયાળામાં એ લોકો હિટરો મૂકાવી આપતા નથી. અરે, હદ તો ત્યાં થાય છે કે, ઘણી વાર તો બેસણાઓની શોભામાં અભિવૃદ્ધિ કરવા એ લોકો ડાઘુઓ ય સપ્લાય નથી કરતા... આપણે પર્સનલ લઇ જવા પડે છે. ફૂલહાર ચઢાવેલ આપણા બાપુજીનો ફોટો વાપરી નાંખવો પડે છે. શું આમાં, કેવળ પ્રતિકાત્મક વડિલનો કાયમી ફોટો ન મૂકી શકાય ? બેસણામાં આવેલા ૯૮ ટકા ડાઘુઓએ તો જીવનભર સ્વર્ગસ્થ ડોહાને જોયો પણ હોતો નથી આમાં તો આવા કામમાં ઘરનો ફોટો વાપરી નાંખવો પડે છે. મઢાવવાનો ય જાતે !.. દીવા- અગરબત્તીનો ખર્ચો હૉલવાળાનો બાપ આલવાનો છે ?

આ તો એક વાત થાય છે. હવે બાજી ઊલટી ગોઠવી જુઓ. આજે કોઇ શૉપિંગ-મૉલમાં બંધ પડનારી રૅડીમૅઇડ ગારમૅન્ટની શૉપ બંધ કરીને ત્યાં જ બેસણાં- હૉલ શરૂ કરાવી નાંખો, તો સાલી મર્યા પછીની ચિંતાઓ તો નહિ ! બધું ત્યા જ મળે. આટલો મોટો હૉલ હોય એટલે દેસી જાજમ તો જાવા દિયો સાહેબ... પર્શીયન-કાર્પેટો ય વ્યાજબી ભાવે મળી રહે. આયે તો પાછળ નીચે કાંકરીઓ ખૂંચે એવા તો ગાદી-તકીયા પાથર્યા હોય છે. હાલત કેવી હાસ્યાસ્પદ છે કે, મરનારો કે એના ઘરવાળાઓ આપણને પૂરતી તૈયાર કરવાના ટાઇમો ય આપતા નથી ને સવારે હજી તો ઊંઘમાંથી ઉઠયા હોઇએ ને, 'ડોહો ઉપડયો'ના સમાચાર વાંચીને અડધી કલાકમાં તૈયાર થઇ જવાનું. સવારની ક્રિયાઓ જલ્દીજલ્દી પતાવવી કોઇ ડાબા હાથનો ખેલ છે ? (ના. એ જમણા હાથનો ય ખેલ નથી : જવાબ પૂરો)

આપણે પુરુષો તો સમજ્યા કે દાઢી- બાઢીના આ બે ઘસરકા માર્યા કે ધોળા કપડાં પહેરીને તૈયાર, પણ આજે સ્ત્રીસશક્તિકરણના જમાનામાં બહેનો માટે એમ તૈયાર થવું કોઇ રમત છે ? છુટો ઊભો મૂકી દો, તો જમીન પર ટટ્ટાર ઊભો રહે એવી આર કરેલો કડક-કડક સાડલો, એની ઉપર છાંટવાનું પરફ્યૂમ, હૅવી નહિ તો લાઇટ મૅઇક- અપ અને ખાસ તો, ફ્રીજ બંધ કરીને, દૂધ ગરમ કરીને... છેલ્લે છેલ્લે એક વાર અરીસામાં સ્માઇલ સાથે બેસણામાં ઊભડક ઊભડક જઇ આવવું કોઇ રમત છે ?

પણ શૉપિંગ-મૉલમાં ગારમૅન્ટની શૉપમાંથી બેસણાં-હાઉસ બનેલા અદ્યતન સ્થળે બાજુની શૉપમાંથી માંગો એવી બ્રોસો, અવરગન્ડી, ચિકન સાડલાઓ લઇ આવો. ફ્રૅન્ચ-પરફ્યૂમ તો ગમે તેવા બેસણાને મઘમઘાવી મૂકે એવા મોહક મળે. સમજ્યા કે, સ્વર્ગસ્થનો તૈયાર ફોટો તો કોઇ દુકાનવાળો ન રાખે, પણ ફ્રૅમ તો ચકાચક મળે ને ? સાહેબ, ડોહો આખો હતો ત્યારે ય આટલી મોંઘી ફ્રેમમાં નહિ પેઠો હોય, એવી એકએકથી ચઢે એવી દિલબહાર ફ્રૅમો તમને અપાવું.

ઓકે. ડાઘુઓ ઉઘરાવી લાવવાની ય ચિંતા નહિ. શૉપિંગ-મૉલમાં આમે ય ખાલી ખિસ્સે ડાઘુ ફરતા હોય, એવા જ મોંઢા લઇને ભલભલા પુરૂષો ફરતા હોય છે. અરે, 'દસ મિનિટમાં દસ રૂપિયા'ના મામૂલી ખર્ચામાં તો માંગો એટલા ડાઘુઓ બેસવા આવી જાય. આમે ય, એ લોકો ટાઇમ પાસ કરવા મૉલમાં આવતા હોય છે, ત્યાં અહી એમને સન્માન સાથે પલાંઠી વાળીને બેસવા મળે, ત્યાં સુધી વાઇફો જોઇતી ખરીદી કરીને પાછી આવી જાય, ''લિયો હવે ઊભા થાઓ... કિયાં સુધી આંઇ ને આંઇ જ ચોંટેલા રે'વું છે...?''એવો ઠપકો કોઇ પત્ની ન આપે... ગમે તેમ તો ય, પેલો કંઇક કમાવા બેઠો છે. શૉપિંગ-મૉલોમાં કપડાંની દુકાન બંધ કરીને હૅર-કટિંગ સલૂનો શરૂ કરવાનો કોઇ અર્થ નથી. કસ્ટમરો તો ત્યાં ય નથી આવવાના. અહી તો વિશાળ મૉલમાં અફલાતુન પાર્કિંગની સગવડ સાથે આવા બીજા ૨૦-૨૫ બેસણા-હાઉસીસ બનાવી રાખ્યા હોય તો શૉપિંગ-મૉલનો મૂળભૂત હેતુ જળવાઇ જાય છે કે, 'બધું એક સ્થળેથી મળી રહે. તમારે ફરફર કરવું ન પડે.'રોજ છાપાનું છેલ્લું પાનું ખોલીએ (સાલું, પહેલું એ જ ખુલતું હોય છે...!) એમાં આપણાવાળા કોઇ બે-ચાર તો નીકળે જ ! એકનું બેસણું ગાંધીનગરમાં હોય, બીજાનું સ્વસ્તિક ચાર રસ્તે, ત્રીજાનું વળી પાલડી-ભઠ્ઠે... આપણે તો આ ઉંમરે, 'બેસણાં-બેસણાં'રમવા આયા હોઇએ, એવું લાગે ને કેટલે પહોંચી વળવું ? આ પધ્ધતિ એવી નથી કે, 'તમારા મધરનું બેસણું કાલને બદલે શુક્રવારે રાખો ને...! અમારે બે ધક્કા થાય એવું છે... આમે ય, અમારે નારણપુરાનો શુક્રવારનો ધક્કો તો છે જ !'

સાચું પૂછો તો, બેસણે-બેસણે તૂટી જવાય છે. જવું તો પડે જ. આપણે એમના બેસણામાં ન જઇએ તો આપણામાં એ ય ન આવે... વ્યવહારની વાત છે ને ? સુઉં કિયો છો ?

અહી શું કે, શૉપિંગ-મૉલમાં એકસામટા ૨૦-૨૫ બેસણાં હોય તો એક જ ઝભ્ભે-લેંઘે બધું પતી જાય. યાર દોસ્તોને મળતા ય અવાય. અફ કૉર્સ, આવું હોય તો બધું યાદ રાખીને જવું પડે. મોંઢામાં મસાલો ચાવતા બેઠેલા સ્વર્ગસ્થના છોકરાને કહેવા જઇએ કે, ''બા ની ઉંમર કેટલી હતી ?''ત્યારે ખબર પડે કે, બા નહિ, એનો બાપો ગયો છે. આજે શહેરની મોટી હૉટેલોની લિફ્ટમાં જ માળે-માળે (ફ્લોરે-ફ્લોરે) બૉર્ડ મારેલા હોય છે, 'ફૉર્બસ ઇન્ડિયા'ની ડિનર પાર્ટી પહેલે માળે 'બૉલરૂમ'માં ચિન્કી-ચીરૂની મૅરેજ-ઍનિવર્સરી પાર્ટી બીજે માળે 'સિએસ્ટા-રૂમ'માં... એમ હવે અદ્યતન સ્વરૂપ પામેલા મૉલની લિફ્ટમાં આવા પાટીયા જોવા મળશે, ''સ્વ.બાબુ ભંગારનું બેસણું છઠ્ઠે માળે 'કૅટરિના કૈફ હૉલમાં', 'ગં.સ્વ.પલ્લવી પટેલનું બેસણું ભોંયતળીયે છ નંબરના બ્લૉકમાં....'વગેરે.

તો શું કે, એક ધક્કે બધું પતી જાય.

હવે આટલું વાંચ્યા પછી, હમણાં તમે કોઇ શૉપિંગ-મૉલમાં જઇ આવ્યા હો તો યાદ કરો દરેક શૉપમાં ઘરાક વગર લમણે હાથ મૂકીને મૂડલૅસ બેઠેલા દુકાનદારને ! તનમનમાંથી લોહી ઊડી ગયું હોય. એક ચંપલ જમીન પર રહેવા દઇ એના અંગૂઠે કાર્પેટ ખોતરતો હોય ને બીજો ઢીંચણ વેચવા કાઢ્યો હોય એમ આપણી સામે ઊચો રાખીને બેઠો હોય. નવરો ન બેઠો હોય.... બેઠોબેઠો વગર જમે દાંત ખોતરતો હોય ને એ ય પોતાના દાંત ખોતરતો હોય ! હતી જાહોજલાલી ત્યારે, દાંત ખોતરી આપવાવાળો ય છુટક પગારે રાખ્યો હતો... સાલો ધંધો આટલી હદે કચડાઇ જશે, એની ક્યારેય શંકા હતી ?

મૉલમાં શૉપ રાખનારાઓ ભરાઇ ક્યાં ગયા છે કે, શહેરમાં ધોમધીખતી દુકાન વેચીને મોટો લાડવો લેવા શૉપિંગ-મૉલમાં બધું નાંખ્યું. હાલત એવી છે કે, સીજી રોડની દરેક શૉપની માફક મૉલ્સમાં ય ગ્રાહક આવે ત્યારે જ લાઇટો અને એસી ચાલુ કરવાના. બપોરે એ બાજુ નીકળો તો જોજો, સીજી રોડની શૉપ્સમાં માલિક લાઇટો બંધ કરીને બેઠો હોય... અંધારી ઝાડીમાંથી પ્રભુ પ્રગટયા હોય એમ જેવો ઘરાક દેખાય કે તરત દિવાબત્તી થવા માંડે... ને પેલો ભાવ પૂછીને જતો રહે ! (અહી માલનો નહિ, દુકાનનો ભાવ સમજવો !)

યસ. બહેનોને આકર્ષવા પ્રત્યેક બેસણા-હાઉસના દરવાજે પાણી-પુરીનો એક એક ખૂમચો લગાવી દેવાય. ભલભલા ટાટા-બિરલાઓને ઇર્ષા આવે, એવી પર્મેનૅન્ટ ઘરાકી (અને એ ય મહિલાઓની) ફક્ત પુરી-પકોડીની લારીઓ ઉપર હોય છે. આ ધંધો કદી મંદો પડતો જ નથી. 'ગંદા હૈ પર ધંધા હૈ યે...!'

સિક્સર

આપણા કરતા સાઉથ ઇન્ડિયનો કે શ્રીલંકાવાળા ઇંગ્લિશમાં વધુ સાચા છે. ત્યાં આપણા નામમાં 'ત'નો ઉચ્ચાર કરવા માટે th લખાય છે ને 'ટ'માટે "t"લખાય છે. લતા મંગેશકરની લતામાં Latha કે ગીતા જોહરી માટે Geeta લખાય, પણ ઉચ્ચાર તો 'લતા'અને 'ગીતા'જ થાય. 'પોપટ'માટે Popat બરોબર છે. એક પણ ગુજરાતી પત્રકાર કે લેખક આટલું કેમ નહિ જાણતો હોય ?

Viewing all articles
Browse latest Browse all 894

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>