Quantcast
Channel: Ashok Dave's Blog
Viewing all articles
Browse latest Browse all 894

'ઍનકાઉન્ટર' : 08-03-2015

$
0
0
* કવિ-લેખકો ખભે બગલથેલો ને ઝભ્ભો-લેંઘો જ કેમ પહેરતા હોય છે?
આ કમાણીમાં એટલું જ પોસાય એવું હોય છે.
(કંદર્પ દેવાશ્રયી, દુબાઈ-મિડલ ઈસ્ટ)

* ફિલ્મો કે ટીવી-સીરિયલોમાં આવતા ગોર મહારાજો પ્રસંગને અનુરૃપ શ્લોકો બોલતા નથી. એમને એટલું ય જ્ઞાન નહિ હોય?
આ તમે ધ્યાન દોર્યું એટલે હવે મને યાદ આવ્યું કે, ૩૬-વર્ષ પહેલાં મારા લગ્નનો ગોર મહારાજે ય આવો જ ગરબડીયો હતો... એમાં અમે બન્ને ભરાઈ ગયા! ...કોઈ પંખો ચાલુ કરો.
(જગદિશ જે. ભટ્ટ, ભાવનગર)

* તમને ગમતીલું પોસ્ટકાર્ડ તો તમે છાતીએ વળગાડી શકતા... ઈ-મેઈલમાં ગમતા સવાલનું શું?
શોધું છું કોઈ છપ્પનની છાતીવાળો!
(ડૉ. જ્યોતિ હાથી, રાજકોટ)

* આદર જ્ઞાનનો થાય કે વિજ્ઞાનનો?
જેમાં સમજ પડતી હોય એનો!
(ભરત કલ્યાણવન ગોસાંઈ, મુંબઈ)

* મેં તમારા બ્લૉગ પર તમારો ઈન્ટરવ્યૂ જોયો... લાગ્યું કે, તમને સમજવા અઘરા છે!
આ બાબતે મારા ગુરૃજી શ્રી.રાહુલ ગાંધી છે.
(મિલન સોનગ્રા, ઉપલેટા)

* તમારા મતે 'આપ'નું ફૂલ ફોર્મ શું હોવું જોઈએ?
'અભિમાન આડંબરમાં પડયા' ...ભાજપ-કોંગ્રેસ.
(મુર્તુઝા ત્રિવેદી, લીમડી)

* તાર તો બંધ થઈ ગયા... હવે પોસ્ટ કાર્ડ્સ પણ બંધ કરાવશો?
સૌથી વધુ ખુશ ટપાલીઓ છે.
(હેમીન એમ. શાહ, અમદાવાદ)

* તમારાં પત્ની તમને કયા નામે બોલાવે છે?
મારાથી બોલાય એવું નથી. અમારા ઘરઘાટીનું નામે ય 'અશોક'જ છે.
(મનિષ દુધાત, રાજકોટ)

* સાંભળ્યું છે, તમે હમણાં તમારી કાર વેચવા કાઢી છે..?
વેચવી તો છે, પણ કોઈ લેતું નથી... બધા એક જ હઠ પકડે છે, ''કાર સાથે ફેમિલી ના લઈએ!''
(ઉમેશ નાવડીયા, જલિલા-રાણપુર)

* તમારા દરેક જવાબમાં ફૂલ હ્યુમર હોય છે... કોઈ રહસ્ય?
રાજકારણના સમાચારો નહિ વાંચવાના ને..!
(રોહિત ભણસાલી, જામનગર)

* જ્યોતિષી કહે છે, 'તારા લવ મેરેજ થશે.'પણ મારે કોઈ ગર્લફ્રેન્ડ જ નથી, તો શું કરવું?
પૂરી ફી આપીને જ્યોતિષીની ગર્લ-ફ્રેન્ડ માંગી લેવી.
(કૃણાલ ટેલર, સુરત)

* કહેવાય છે કે, સગાઈથી લગ્ન સુધીનો સમય આદર્શ હોય છે. તમારો અનુભવ શું કહે છે?
મારો કે ગામ આખાનો અનુભવ તમને કોઈ કામમાં નહિ આવે... તમારે તો 'પેલી'શું કહે છે, એનો જ ખ્યાલ રાખવાનો!
(જયદિપ લિંબડ, આદિપુર-કચ્છ)

* દુલ્હન માટે ૧૬-શણગાર હોય છે તો દુલ્હા માટે...?
દુલ્હનવાળો શણગાર દુલ્હાને ના કરાય... બા ખીજાય!
(મુગ્ધા ઉલ્લાસ વોરા, જૂનાગઢ)

* નેતાઓ સફેદ કપડા જ કેમ પહેરે છે?
કંઈક પહેરે છે. એટલું પૂરતું નથી?
(હેતુ ટેલર, હિમ્મતનગર)

* આજ-કાલના નવાં ગીતો ઉપર 'દેખત સૂરત, આવત લાજ'કૉલમ ચલાવશો?
''સુનત ગીત, આવત લાજ...!''
(પ્રકૃતિ વિજય સુથાર, કાલોલ)

* 'અખિલ બ્રહ્માંડમાં એક તું સ્ત્રી ખરી?' ...અર્થાત્?
અર્થાત્, ૧૯૭૬-માં આ નામની મારી કૉલમ 'ગુજરાત સમાચાર'ના 'શ્રી'માં ચાલતી હતી.
(નિહાર કક્કડ, રાજકોટ)

* વાઈફનો મોબાઈલ નંબર સૅવ કરવા નામ અને રિંગટોન શું રાખવા?
મારાવાળીએ તો એના મોબાઈલમાં મારું નામ 'હિટલર'રાખ્યું છે... તમે પણ સત્યપ્રિય હો તો વાઈફના નામને બદલે 'સતી સીતા'રાખો... રિંગ ટોન ''કાલી ઘોડી દ્વાર ખડી...''!
(નવિન મોકરીયા, રાજકોટ)

* તમે બ્રાહ્મણ ને કૉલમનું નામ 'ઍનકાઉન્ટર'! જરા ઑડ નથી લાગતું?
આમાં કોઈ ગાળ વપરાય એમ નહોતી!
(અભિષેક જે. ઓઝા, ભાવનગર)

* લગ્ન કરવાની યોગ્ય ઉંમર કઈ?
મને ૬૩ થયા.
(અજયસિંહ ઝાલા, ખેરવા-વાંકાનેર)

* ડૉક્ટરના ધંધામાં કેવું છે?
એવું એ તો!
(વિશાલ બરવાળીયા, ભાવનગર)

* શું તમને કદી કૂતરું કરડયું છે?
ના. કૂતરાઓનો ટેસ્ટ તો બહુ ઊંચો હોય છે.
(મૃત્યુંજયસિંહ, દાંતા)

* ઈ.સ. ૨૦૦૨ પછી ગુજરાત ક્યારનું આગળ નીકળી ગયું છે, એ વાત ડોબાઓને ક્યારે સમજાશે?
એક બાજુ તમે એમને ડોબા ય કહો છો ને 'સમજવાની'વાતે ય કરો છો..!
(નેહલ નાયક, નવસારી)

* મોદી જેવી 'લહેર'તમારી ખરી?
તે મોદી વળી કોની લહેરથી જીત્યા...? ..આ તો એક વાત થાય છે!
(રાજેશ રાજ્યગુરૃ, ભાવનગર)

* તમામ જવાબો હ્યૂમરમાં આપો છો... કદી કોઈનો કડવો અનુભવ થયો છે?
સવાલ પૂછનારનું નામ, સરનામું અને મોબાઈલ નંબર પૂછવાનું કારણ આ જ! અમદાવાદના એક ડૉક્ટર પોસ્ટકાર્ડ લખીને બે વખત ફરી ગયા કે, 'મેં આવો સવાલ પૂછ્યો જ નથી.'એમના બૉર્ડરૃમમાં બધાને એમના પોસ્ટકાર્ડ્સની ફોટો-કૉપીઓ મોકલાવી, ત્યારે ભ'ઈ સીધા થયા.
(પ્રતિક દોશી, જામનગર)

* 'ઍનકાઉન્ટર'માં પૂછવા માટે સવાલ ગુજરાતીમાં કેવી રીતે લખવો?
તમે બ્રેઈલ લિપિમાં ય પૂછી શકો છો.
(દીપક એસ. કાલે, અમદાવાદ)

* સ્ટેજ પર તમને સાંભળ્યા પછી એમ થયું કે, લેખક કરતા તમે વક્તા વધુ સારા છો, પણ વાંચીએ ત્યારે એમ થાય કે, લેખક જ બરોબર છો... તમે સહમત છો?
મને સર્વોત્તમ શ્રોતા તરીકેનુ પહેલું ઈનામ પણ મળ્યું છે... કોઈના ચાલુ પ્રવચને આઠ વખત ઝબકીને જાગી જવા બદલ!
(ગાર્ગી મનસ્વી પંડયા, અમદાવાદ)

Viewing all articles
Browse latest Browse all 894

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>