''અસોક, તમે કપડાં નો બઈદલા? આવા વેશે પાર્ટીયુંમાં જાવાતું હશે?''
ઘેરથી ગાડી સ્ટાર્ટ કરી, એ સાથે જ વાઈફે યાદ કરાવ્યું. એની વાત સાચી હતી. મારા કપડાં લઘરવઘર હતા. (તે આમેય હું બારેમાસ કાંઈ રાજા-મહારાજાના લિબાસમાં નથી ફરતો! ફરું તો રાજા-મહારાજા જેવો લાગતો નથી!) હું એકદમ ગભરાયો. પણ પહેલેથી જીદ પાડી છે ને કે, ટાઈમસર પહોંચવામાં હું એક મિનિટ જ નહિ, ૩૦-સેકન્ડ પણ મોડો કે વહેલો ન પહોચું. ધરતી ઉપર પણ એક મિનિટે ય બગાડયા વિના સીધો ૨૯મી ફેબુ્રઆરી, ૧૯૫૨-ના રોજ ઍક્ઝેક્ટ ટાઈમસર આવી ગયો હતો. ટાઈમ એટલે ટાઈમ!
અહીં પાર્ટીમાં પહોંચવાનો ટાઈમ રાત્રે ૯ નો હતો ને અમે ઘેરથી નીકળ્યા સાડા આઠે. નારણપુરાથી પાલડીનું ડિસ્ટન્સ, વચ્ચે જામનારો ટ્રાફિક, ટાઈમ સાચવવાની જીદ અને સાથે બેઠેલી વાઈફ...! કયો ડ્રાયવર સમયસર પહોંચી શકે?
''હવે ઘેર પાછા જવાનો ટાઈમ નથી. હું ઘરમાં પાછો નહિ જઉં. ચાલશે આ કપડાં, યાર...! ચલ, ગાડી સ્ટાર્ટ કરૂં છું.''
''અરે પણ આમ તે કાંઈ હાલતું હશે? તમે આંઈ બેશી રિયો... હું તમારા કબાટમાંથી શર્ટ-પેન્ટ લિ આવું છું.''એના જવા-આવવાની છ-સાત મિનિટ તો બગડે જ, પણ આ બાજુ જે પહેર્યા હતા, એ કપડે પાર્ટી તો ઠીક, મ્યુનિ.નું બિલ ભરવા ય ન જવાય. કહે છે કે, હવે તો મ્યુનિ. ઓફિસોમાં ય સ્ટાફ આપણા કરતાં સારા કપડાં પહેરવા લાગ્યો છે... અને આપણા ઉતારવા પણ લાગ્યો છે. ચોખ્ખું કહું તો અમારી પાસે એટલો સમય ન હતો કે, એ કપડાં લઈને આવે એટલે ગાડીની બહાર ઊભા ઊભા બદલી લઉં. સોસાયટીવાળા જુએ તો વાતો કેવી કરે? (...ભલે આપણી ડીમાન્ડ વધે!) કપડાં બદલવા માટે ટુવાલ લાવવાનું એ ભૂલી નહોતી, એ સારું થયું. વગર ટુવાલે તો કેબરે-ડાન્સરો ય કપડાં બદલતી નથી... આ તો એક વાત થાય છે!
''તમે આઘા રિયો... આની કોર આવતા રિયો... ગાડી હું ચલાવીશ... ગાડી હલાવતા હલાવતા તમને કપડાં બદલતા નઈ ફાવે, અસોક...''એની વાતે ય સાચી હતી કે, બેઠા પછી મને ગાડીનું ગીયર બદલતા ય બહુ ફાવતું નથી. ગટરમાં પડી ગયેલી તપેલી સાણસી લઈને વાંકા વળવા જતા અનેકવાર મારાથી સાણસીઓ ગટરમાં પડી ગઈ છે. ત્યાં અહીં તો આખું પેન્ટ બદલવાનું હતું... ''બહુત નાઈન્સાફી હોગી...!''
''એક કામ કર... ગાડી તું ચલાય.... ગાડી બંધ ન કરતી... સ્પીડમાં રાખજે. સ્ટીરયરિંગ હાથમાં રાખજે. હું ડ્રાયવર-સીટ પર આવી જઉં છું.''એમ કહીને હું નીચે ઉતર્યો.
મારા મગજ સુધી પૂરતા જથ્થામાં લોહી પહોંચતું નથી, એ તો એ વર્ષોથી જાણે છે. પ્રવાહ ઓછો અને ધીમો છે. પરિણામે, મને આજથી ૨૦-૨૫ હજાર વર્ષો પૂર્વે શું બન્યું હતું, તે બધું પરફૅક્ટ યાદ હોય, પણ સવારે બ્રેકફાસ્ટમાં સલાડની સાથે ખાખરા ખાધા હતા કે નહિ, છ-નંબરવાળા શ્વેતાબેન મારી સામે હસ્યાં'તા કે નહિ, એ બધું યાદ ન હોય. સાંજ સુધીમાં તો ભૂલી ગયો હોઉં, એટલે લિફ્ટ પાસે શ્વેતાબેનને બદલે માધવીબેનને સ્માઈલ આપી દઉં. આપણા મનમાં 'સારી'અને 'વધુ સારી'વચ્ચે કોઈ ભેદભાવ નહિ. પણ બીજે દિવસે એ બન્નેય ભૂલી જઉં, એમાં બારે માસ આખા ફ્લેટની સ્ત્રીઓ આપણે જ્યારે નીકળતા હોઈએ, ત્યારે સ્માઈલો આપતી રહે. મનુષ્યે સદા ય હસતા રહેવું જોઈએ. સુઉં કિયો છો?
આવી ભૂલ અને ઉતાવળમાં હું બાજુવાળાએ પાર્ક કરેલી ગાડીમાં બેસી ગયો. દરવાજો ખુલ્લો હતો તે મહીં ગોઠવાઈ ગયો. આમ પાછું, સૉસાયટીમાં (દિવસના ભાગમાં) આપણું માન સારું, એટલે સામેવાળા મેહતાની વાઇફ તૈયાર થઈને બેઠી હતી ને મેં ગાડી સ્ટાર્ટ કરતા કહ્યું, ''એટલી વારમાં તું ય સાડી બદલાવી આવી??? જે હતી એ શું ખોટી હતી, ડાર્લિંગ?''મારે તો કાચની આરપાર રોડ ઉપરના દ્રષ્યો જોતાં જોતાં જ સવાલો પૂછવા પડે?
એનો ગોરધન હું નહતો એની એને ખબર, પણ મને નહોતી... મોટા અંબાજીના સમ, બસ...! મેહતી ગભરાઈ ગઈ હોય કે એને મઝા પડી ગઈ હોય... કાંઈ બોલી શકી નહિ. પણ તો ય, થોડી કંપન સાથેના અવાજમાં એ બોલી, ''અશોકભાઈ, તમારી કોઈ-''
''આ તારો અવાજ અચાનક મિથુન ચક્રવર્તી જેવો ક્યાંથી થઈ ગયો? ...અને હું તારો ભાઈ ક્યારથી થઈ ગયો?''હું સમજ્યો, એ મારી વાઈફ છે... હૈયે હોય એ બધું હોઠે આવે. પણ જોતા જ ચમક્યો. ''ઓહ... આઈ મીન... તમે...? આ ગાડીમાં ક્યાંથી આવી ગયા? (પછી કોઈ સાંભળે નહિ એમ વાંકા વળીને ધીમે સાદે પૂછ્યું, ''મેહતા સાહેબ મુંબઈ ગયા છે?'')
''ભઈ, જયજીનેદ્ર... તમારી ગાડી તો પેલી છે ને તમે ભૂલમાં અહીં આવી ગયા...''ખૂબ હસી પડીને કહેતી મહેતીને હાથમાં આવેલા સુખની કદર નહોતી.
ઓ...થથથ...તતતતતત... મેં અચાનક બ્રેક મારી. પાછળ 'હોં'લગાડીને બે વાર 'સૉરી'બોલ્યો. ગાડી ઊભી રાખી ને મેહતીને ઉતારી. એણે પણ 'હોં'લગાડીને મને બે વાર 'થૅન્ક યૂ'કીધું. ગાડી હજી કમ્પાઉન્ડમાં જ હતી ને પાછળથી હસતી હસતી વાઈફ આવતી હતી. બન્ને જણીઓ ખૂબ હસી.
''અસોક... મને તો એવા દાંત આવે કે, ઉતાવળુંમાં તમે મેહતાભાઆ'યની ગાડીમાં ગરી ગીયા...''
''હા, પણ ભવિષ્યમાં તારે ધ્યાન રાખવાનું... ઉતાવળ કે નો ઉતાવળ... તારે ભૂલથી બીજા કોઈની ગાડીમાં ગરી નહિ જવાનું.''
યોગના માર્ગે હાલી નીકળેલો યોગી વનઉપવનમાં પોતાના વસ્ત્રો, આભુષણો કે ઈવન ટૂથપૅસ્ટો ય બાજુની ઝાડીઓમાં નાંખતો જાય, એવી સરખામણી મારી સાથે ન કરવી. કપડાં મારા હતા ને હું બારીની બહાર નહોતો ફેંકતો. ફાધર અને મારો દીકરો ત્રણે આ જોડી વર્ષોથી ધોઈધોઈને વાપરીએ છીએ. એમ કાંઈ કપડાં ફેંકી દેવાય છે?
મોડું ખૂબ થઈ ગયું હતું ને કોઈપણ હિસાબે ૯-ના ટકોરે પહોંચવાની આપણી જીદ હતી. કેટલું ટેન્શન થાય માણસને? શર્ટ તો પછી પહેરાશે, એટલે એને પાછલી સીટ પર નાંખી દીધું, પણ ખોળામાં ટુવાલ પાથરીને પહેરેલું પેન્ટ હજી બદલવાનું બાકી હતું. ઘરમાં સોફા ઉપર બેસીને પૅન્ટો બદલવામાં બહુ હુસિયારી મારવાની હોતી નથી, ચાલુ ગાડીએ કોઈ ખિસ્સાનો રૂમાલ પણ બદલી આપે, એમાં ખરી કમાલ છે. વાઇફ સ્કૂલમાં હતી, ત્યારે ઘોડેસવારીનો ભારે શોખ, એટલે અત્યારે એ કાર પણ ઘોડાની માફક ચલાવતી હતી. આમાં માણસો પાટલૂન કઈ રીતે બદલે? પેન્ટની એક બાંય (સ્લીવ) એક પગમાં નાંખવા માટે પેન્ટનો છેડો શોધવો જરૂરી હોય છે, જે મળતો નહતો. બન્ને હાથે પેન્ટની કમર પકડી રાખવી પડે ને પછી આસ્તે રહીને એક બાંયમાં પગ નાંખવાનો હોય, પણ અમે તો ગામડાગામના ટ્રેક્ટર ઉપર બેસીને સવારી કરતા હોઈએ, એવા આંચકા સાથે એ ગાડી ચલાવતી હતી. આમ બધી રીતે એ પતિના સુખમાં સુખી અને દુઃખમાં દુઃખી ઔરત છે, પણ સદરહૂ સંજોગોમાં તો એક આદર્શ પતિથી એવું પણ સજૅસ્ટ ન કરાય ને કે, મારા બદલે તું પેન્ટ પહેરી લે... આ તો એક વાત થાય છે. સ્વીકારું છું કે, મારું ધ્યાન પેન્ટ પહેરવા કરતાં બે બાબતો ઉપર વધારે હતું, એક, ટાઈમસર પહોંચવું ને બીજું, ખોળામાંથી ટુવાલ સરકી જવો ન જોઈએ.
સાત મિનિટ બાકી હતી ત્યારે એક બાંય પહેરાઈ ને મને મારી આવડત ઉપર ફખ્ર થયો. એ વાત જુદી છે કે, ખોટા પગમાં ખોટી બાંય પહેરાઈ ગઈ હતી. પાછી કાઢી. છ મિનિટમાં મારે આખું અભિયાન પુરું કરવાનું હતું. પત્ની કહે, ''અસોક, દશ મિનિટ મોડા પહોંચસું, તો સુઉં વાન્ધો આવવાનો છે? નકામી હડીઓ સુઉં કાઢો છો?''
ખરો પડકાર પહેલી બાંય પહેરાઈ ગયા પછીનો હતો. બીજો પગ નાંખવો કઈ રીતે?... અને એ ય ઠેકડા મારતી ગાડીમાં? ટ્રાફિક-સિગ્નલ પર ગાડી ઊભી તો રાખવી પડે. આજુબાજુની ગાડીવાળો કોઈ મને જુએ નહિ, એ બીક લાગી. પણ મને સીટમાં આમ અડધો વાંકો વળી ગયેલો જોઈને કાચ ખખડાવતી ભિખારણ હસવા માંડી, એમાં બીજી ગાડીઓવાળાનું પણ ધ્યાન-સૉરી, ધ્યાનો ગયા. મને તો ધરતી માર્ગ આપે તો સમાઈ જવાનું મન થયું, પણ આજકાલની ગાડીઓના તળીયા બહુ મજબુત આવતા હોય છે... એમાં ધરતી ય કાંઈ કરી ન શકે.
પૅન્ટ પહેરાઈ ગયા પછી શર્ટના બટનો બંધ કરતી વખતે એક્ઝેક્ટ ૯ વાગ્યા હતા ને અમારા યજમાન (હૉસ્ટ્સ) એમના દરવાજે સામા મળ્યા.
''અરે દાદુ... અહીં? ક્યાંથી આજે અહીં પગલાં પાડયા...? ગઈ કાલે પાર્ટીમાં તમારી બહુ રાહો જોઈ! ...ક્યાંક તમે આજનું સમજીને તો --- ઉફ, અને આ શર્ટ ઊંધું કેમ પહેર્યું છે?''
સિક્સર
સિવિલ હૉસ્પિટલમાં નર્સો સ્વાઇન-ફ્લૂનો માસ્ક પહેરીને ફોટા પડાવતી હતી. ફોટોગ્રાફરે કીધું, ''સ્માઈલ પ્લીઝ!''