Quantcast
Channel: Ashok Dave's Blog
Viewing all articles
Browse latest Browse all 894

ઍનકાઉન્ટર : 26-07-2015

$
0
0
* તમને નથી લાગતું શશી કપૂરને દાદા સાહેબ ફાળકે એવોર્ડ મોડો મળ્યો ?
- આપણા દેશમાં એવોર્ડર્સ ''મેનેજ''કરવા પડે છે... કેવળ ગુણવત્તા ઉપર નથી મળતા,ત્યારે શશીબાબા જેવા સીધા માણસને મોડો મોડો ય મળ્યો, એ પૂરબહાર આનંદની વાત છે.
(પ્રતિક અંતાણી, ભાવનગર)

* હૉટલવાળા મિનરલ વોટરના પૈસા પડાવી લે છે, એ તમારી 'સિક્સરે'ગજબનો તરખાટ મચાવ્યો. તમારી વાત સાચી છે, મિનરલ જેવું ચોખ્ખું પાણી આપવાની તો એમની ફરજ છે..!
- આપણે ય કમ નથી. જ્યાં સૅલ્ફ-સર્વિસ હોય છે, ત્યાં ય સર્વિસ- ટૅક્સના પૈસા જુદા આપીએ છીએ. ઘણી વાર લાગી આવે કે, હોટલોમાં કોઇ ભણેલાગણેલા જતા જ નહિ હોય ? હોટલવાળાઓનું ચાલે તો લંચ-ડિનર માટે ટેબલ ખૂરશીનો ચાર્જ જુદો, વૅઇટિંગમાં બહાર બેસવાનો ટૅક્સ અલગ, વેઇટરને સ્માઇલ આપવાનો ટેક્સ અલગ, પૅપર-નૅપકીન તેમ જ ટુથપિક્સ કેટલી વાપરો છો, એનો ચાર્જ- પ્લસ-ટૅક્સ અલગ..! આપણે આપીએ છીએ, એટલે એ લોકો લે છે ને ?
(સોહિણી બી.મહેતા, મુંબઇ)

* શું અન્ના હજારે તમારા લંગોટિયા દુશ્મન છે ?
- એ બે વખત ઉપવાસ પર ઉતર્યા હતા શું કામ અને કોઇ કારણ આપ્યા વિના ઉઠી ગયા શું કામ, એ સવાલનો જવાબ શોધી લો ! જવાબ મળી જશે.
(શ્રેયસ જોશી, રાજકોટ)

* તમે કેવા સવાલના જવાબ આપતા નથી ?
- જરા સોચો.. હું તો આવા સવાલોના ય જવાબો આપું છું ! તેમ છતાં ય, મોબાઇલ નંબર કે સરનામાં વગરના સવાલોને સ્થાન ન મળે.
(મોહિત જોશી, મહુવા)

* શું રાહુલબાબા વડાપ્રધાન બનશે તો જ પરણશે ? શું થશે કોંગીજનોનું ?
- મામાઓ ય હવે કંટાળ્યા છે કે, ભાણાભ'ઇ બેમાંથી એક માંડી વાળે !
(ડૉ.અમિત વૈદ્ય, ડૅમાઇ-બાયડ)

* ગરમી પૂરી થવામાં છે. બાએ પંખો ચાલુ કરવાની જીદ ચાલુ રાખી છે.. કે ખિજાય છે ?
- અમારાં ઘરોમાં અમારું કે બાઓનું ના ચાલે... વાઇફોનું ચાલે !
(ખુશ્બુ જોશી ઠાકુર, વડોદરા)

* સરકારના પ્રધાનોના વિદેશ- પ્રવાસો પાછળ રૂ. ૩૭૧ કરોડનો ખર્ચો થયો. તમારા મતે આ ખર્ચો વધારે છે કે બરોબર છે ?
- મને સાથે લઇ જાય તો ખબર પડે !
(મિહિર કોઠારી, અમદાવાદ)

* વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડ સામે સાઉથ આફ્રિકા હારી ગયું, ત્યારે સાઉથ આફ્રિકાના ખેલાડીઓની આંખોમાં આંસુ હતાં. આપણે ઓસ્ટ્રેલિયા સામે સેમી ફાઇનલમાં હાર્યા, ત્યારે આપણા એકેય ખેલાડીઓની આંખમાં આંસુ નહોતાં... સુઉં કિયો છો ?
- પાકિસ્તાન વર્લ્ડ-લેવલના તમામ કપમાં ભારત સામે હાર્યું છે.. કોઇ પાકિસ્તાની પ્રેક્ષકને રડતો જોયો ? હા, ગાળો બોલતો જોયો.. આઇ મીન, સાંભળ્યો હશે.. અને એ ય, પોતાના ખેલાડીઓને !
(રોહિત બુચ, વડોદરા)

* હાસ્ય લેખકોમાં તમારો કોઇ હરીફ જ રહ્યો નથી.. છેલ્લાં ૧૩-૧૪ વર્ષોથી તો તમારું એકચક્રી શાસન ચાલે છે...અભિમાન આવે છે ખરું ?
- વાચકો એટલા ઉદાર નથી. એમને તો જે દિવસે જેનો લેખ ખૂબસૂરત લાગ્યો, એ દિવસ પૂરતો એ હાસ્યલેખક એના માટે નંબર-વન ! દરેક હપ્તે અમારે પુરવાર થવું પડે છે કે, તમે 'ધી બેસ્ટ લેખક'ને વાંચી રહ્યા છો.
(આનંદી સાહેબરાવ પાટીલ, વડોદરા)

* ટીવી- સીરિયલોમાં ફિલ્મ કલાકારો આવે છે, એ પૈસા લઇને આવે છે કે દઇને?
- હવે ફિલ્મવાળાઓએ ટીવી- સીરિયલવાળાને સામેથી પૈસા આપવા પડે છે
(ધીમંત ભાવસાર, બડોલી)

* કયો સવાલ એવો છે, જેનો જવાબ જ સવાલ હોય ?
- 'અચ્છે દિન આનેવાલે હૈ...?'
(દશરથસિંહ રાજ, વછનાડ-ભરૂચ)

* આનંદીબેનના રાજમાં વિકાસની ગતિ ધીમી પડી ગઇ હોય એવું તમને નથી લાગતું?
- એનો આધાર તમે 'વિકાસ'કોને કહો છો, એની ઉપર છે.
(નિખિલ પરમાર, લુણાવાડા)

* આ કહેવાતા સાધુસંતો દેશભક્તિનો નાદ ક્યારે જગવશે ?
- ભક્તો એમને ભગવાન માનવાના બંધ કરશે ત્યારે.
(સોનું શર્મા, રાજકોટ)

* અમારા શહેરમાં તો મોટર બાઇકવાળા રોંગ સાઇડમાં બેખૌફ આવે છે. પોલીસને કાંઇ પડી નથી. તમારે કેમનું છે ?
- અમારે તો પોલીસો રોંગ સાઇડમાં આવે !
(જીતેન્દ્રપ્રસાદ જોશી, વડોદરા)

* આજના માણસો સ્વાર્થી કેમ છે ?
- હું તો ભ'ઇ..ગઇ કાલનો માણસ છું.
(શશીકાંત દેસાલે, સુરત)

* લવ અને લિકર વચ્ચે શું ફરક ?
- લિકર બધા દોસ્તો શેર કરીને પીએ !...
(જુઝર અબ્બાસ પેઢીવાલા, મુંબઇ)

* તમે 'વોટ્સએપ'પર 'એનકાઉન્ટર'કેમ ચાલુ નથી કરતા ?
- બસ... એક વાર મારું 'ખસી'જવા દો...!
(રાહુલ ત્રિવેદી, અમદાવાદ)

* તમારું અપહરણ કરી જવાનો મારો વિચાર છે.. આમ, આગળ-પાછળ ઘટતું કરીને તમારું કેટલું ઊપજે ?
- ખાસ તો કંઇ નહિ... પણ એ લોકો મારી વાઇફને પાછી મૂકી જવાનો ચાર્જ માંગે તો ?
(રાજેશ જે.શાહ, મુંબઇ)

* તમે તો સામે જોઇને સ્માઇલ પણ નથી આપતા.. અમે કાંઇ એવા છીએ ?
- આ પગારમાં જેટલા સ્માઇલો અલાતા હોય, એટલા જ અલાય !
(પિનલ પાઠક, વડોદરા)

* અશોક અને ઓશો વચ્ચે શો તફાવત ?
- હું તો જન્મથી જ 'સમ્રાટ'છું.. ને હવે તો સમ્રાટનો ય બાપ છું.
(ડૉ.રાજુ પરમાર, વઢવાણ)

* મારી વાઇફ મને બીજા લગ્ન કરવાનું કહે છે. શું કરું ?
- બસ, વાઇફને બેન બનાવી દો.
(વિક્રમ પટેલ, અમદાવાદ)

* મારે તમારા જેવા લેખક બનવું છે. શું કરવું ?
- હનુમાન ચાલીસા.
(પ્રિયલ વિસાવડીયા, વેરાવળ)

* તમારાં પત્ની એમને માટે તમારી પાસે 'તાજમહલ'બનાવવાની માંગણી કરે તો શું કરો ?
- તાજમહલ હપ્તેથી બનતો હોય તો આપણને વાંધો નથી.
(અલ્પેશ છાયા, રાજકોટ)

Viewing all articles
Browse latest Browse all 894

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>