Quantcast
Channel: Ashok Dave's Blog
Viewing all articles
Browse latest Browse all 894

એનકાઉન્ટર : 02/08/2015

$
0
0
૧. આપણી શિક્ષણપ્રથા અને વિદેશી શિક્ષણપ્રથા વિશે શું માનો છો?
- શિક્ષણપ્રથા ત્યાંની સારી છે, પણ ત્યાં ય વિદ્યાર્થીઓ તો આપણા જ સૌથી વધુ ઝળકે છે.
(મિહિર શાહ, વડોદરા)

૨.ક્રિકેટના વર્લ્ડ-કપમાં ભારત સેમી ફાયનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારી ગયું, એનું તમારી દ્રષ્ટિએ મુખ્ય કારણ કયું હતું?
- ઓસ્ટ્રેલિયા જીતી ગયું એ...!
(યોગીન ડોબરીયા, ભાવનગર)

૩. ધોની વર્લ્ડ-કપ લાવી ન શક્યો ને મોદી અચ્છે દિન લાવી ન શક્યા ને દેશવાસીઓની આશા ઉપર પાણી ફેરવી દીધું... સુઉં કિયો છો?
- હજી બીજા ચાર વર્ષ જવા દો... કપ ને સારા દિવસો બધું આવશે.
(માનસિંહ ગોહિલ, જામનગર)

૪. રફી સાહેબની મઝારના દર્શન કરવા છે... સરનામું આપશો?
- 'મન તડપત હરિ દર્શન કો આજ...'જેવું આવડે, એવું અત્યારે જ ગાઇ લો... દર્શન ઘેર બેઠા થઇ જશે.
(દિલીપ સોની, રાજકોટ)

૫.સવાલ પૂછનારના જન્માક્ષરો ય મંગાવશો..?
-એની જરૂર નહિ પડે... જેના ગ્રહો ખરાબ ચાલતા હોય છે, એ જ વાચકો સવાલ પૂછે છે.
(મહેશ શુક્લ, મુંબઇ)

૬.કહેવાતા સાધુસંતો પણ સાબુ, ફૅસવૉશ જેવી દવાઓનો પ્રચાર કરવા માંડયા છે... 'વૉટ્સઍપ'માં સુવિચારોના રોજેરોજ ઢગલા આવે છે.
-જે ચીજો એમને પોતાને વાપરવાની નહિ, એનો પ્રચાર તો કરે ને?
(અમૃત વડીયા, જામનગર)

૭.મને આજકાલ એકલું એકલું બહુ લાગે છે. કોઇ ગર્લફ્રેન્ડ બનાવવી છે. શું કરૂં?
-તમને તો એકલું લાગવાની આદત પડી ગઇ છે.. કોઇ ગર્લફ્રેન્ડ બને, એ ય મરવાની થાય ને?
(મનિષ ચોવટીયા, અડતાલા-અમરેલી)

૮.મને દિલ્હીના મુખ્યમંત્રી બનવાની ઈચ્છા છે. શું કરવું?
-ઝાડુ ફેરવો.
(ખુશાલ ચૌધરી, અમદાવાદ)

૯.સરકાર ગૅસ-સબસિડી છોડાવવાની અપીલો કરે છે, તો સંસદની કેન્ટીનમાં જમવાને અસર નહિ પડે?
-...કયો ગૅસ છોડવાની અપીલ થાય છે, એને વિશે સંસદસભ્યો વિમાસણમાં છે.
(મધુકર મેહતા, વિસનગર)

૧૦.અમારે તમને 'અમદાવાદ-રત્ન'થી નવાજવા છે... શું કરવું જોઇએ?
-હું તમને 'એટલો બધો'પહોંચેલો ક્યાં લાગ્યો?
(નિકેતન સુથાર, ગોધરા)

૧૧.મારે કોઇપણ ધંધાના કૉન્ટ્રાક્ટર બનવું છે. સલાહ આપશો.
-દેશમાં સૈનિકોની ભરતી કરવાનો કૉન્ટ્રેક્ટ મળી જશે... ગમશે?
(શૈલેષ પ્રજાપતિ, જલોતરા)

૧૨.વર્લ્ડ કપ હારવાને અનુષ્કા શર્મા સાથે કોઇ લેવાદેવા ખરી?
-અનુષ્કા તો નિમિત્તમાત્ર છે... મૂળ વાત ધોનીને હટાવવાના કાવતરાની છે. જે રીતે 'ફ્રી-હિટ'માં વિરાટ કોહલી ડીફેન્સિવ રમ્યો, એ વાત ઘણું કહી જાય છે.
(અંકુર સેનજરીયા, રાજકોટ)

૧૩.દવે સાહેબ, તમે કેટલું ભણેલા છો?
-કોઇ 'સાહેબ'કહીને બોલાવી શકે, એટલું નહિ!
(મહમદખાન પઠાણ, મુદરડા)

૧૪.બાપુના ગયા પછી એમની વહાલી બકરીના કોઇ સમાચાર...?
-સાંભળ્યું છે કે, એ બકરી વિયાઇ હતી... એને બકરીને બદલે ઘેટાંના બચ્ચા થયા, એ બધા કોંગ્રેસમાં જોડાઇ ગયા જેની નસ્લ આજ સુધી ચાલી આવે છે.
(શ્રુતિ આર. જોશી, અમદાવાદ)

૧૫.'હાથના કર્યા હૈયે વાગ્યા', એટલે શું?
-કાશ્મિરમાં મુફ્તિને ભાજપનો ટેકો.
(નૂતનકુમાર ભટ્ટ, સુરત)

૧૬.મારી પાસે સની લિયોનીનો નાનપણનો તદ્દન નગ્નાવસ્થાનો નાનકડો ફોટો છે... શું કરૂં?
-બસ... એને ઍનલાર્જ કરાવી દો.
(વિકી સુ. પટેલ, સુરત)

૧૭.દેશની મોટી કમનસીબી કઇ? ભ્રષ્ટ નેતાઓ કે પ્રજાની ખામોશી?
-નેતા કે પ્રજા... જેવા મળે, એવા જ વાપરવા પડે છે, એ!
(મુગ્ધા ઉલ્લાસ વોરા, જૂનાગઢ)

૧૮.જીવનમાં સફળ થવા માટે શું ન કરવું જોઇએ?
-શુધ્ધ જીવન જીવવું ન જોઇએ... સાધુસંત બની જવું જોઇએ.
(સૅન્કી મેહતા, ગાંધીધામ-કચ્છ)

૧૯.અમારા સુરતમાં હસાવવાવાળું કોઇ નથી... તમે હાલ્યા આવો તો?
-તમે મારા અમદાવાદને વિધવા બનાવવા માંગો છો?
(અનશ હાંસલોદ, વરેઠી-માંડવી)

૨૦.કેમ છો ?
-આગળ 'હજી'લગાવવાનું ભૂલી ગયા છો ?
(નિશાંત પાટિલ, વસ્ત્રાલ)

૨૧.કૅમેરાથી અટલજીનો ચેહરો છુપાવીને 'ભારત રત્ન'કેમ અપાયો ?
-ઍવૉર્ડ એમના ચેહરા માટે નહતો અપાયો...દેશની સેવા માટે અપાયો, જે છુપાવાઈ નથી.
(યશપાલસિંહ વાઘેલા, થરા-કાંકરેજ)

૨૨.ફિલ્મસ્ટારો દેશની સેવાને બદલે નાચગાનામાં ય ખોવાયેલા રહે છે...શું કરવું ?
-નાચગાનના પૈસા મળે છે...દેશસેવાનો આ...મોટો ડિંગો !
(સંજય મેઘાણી, ભાવનગર)

૨૩.દેશની સેવાના સંદર્ભમાં તમારી દ્રષ્ટિએ ટીવી-મીડિયાના રોલ શું હોવા જોઇએ ?
-દર સપ્તાહે એક વખત, આપણી સરહદોની રક્ષા કરતા એક એક જવાનનો ઈન્ટરવ્યૂ લેવો જોઈએ. ત્યારે આપણને ખબર પડશે કે, આપણે તો કેવી જલસાની રોટી ખાઈ રહ્યા છીએ.
(વીરેન્દ્ર જાની, જામનગર)

૨૪.માનનીય અશોકજીને સૌથી મોટું ગૌરવ કઈ વાતનું ? બ્રાહ્મણ હોવાનું, ભારતીય હોવાનું, હાસ્યલેખક હોવાનું કે તમારા પત્નીના નાથ હોવાનું ?
-દેશમાં બ્રાહ્મણો કરોડો છે, હાસ્યલેખકો ૩-૪ માંડ છે. પત્નીનો નાથ તો હું ન બન્યો તો કોઈ બીજો બન્યો હોત... પણ 'ભારતીય'હોવાનું તો લાખો જન્મોનાં પૂણ્યો કર્યા હશે તો જ સદભાગ્ય મળે છે.
(અર્જુનસિંહ રાઠોડ, કાલોલ- વ્યાસડા)

૨૫.વર્લ્ડ-કપ બાદ ભારતીય ટીમને તમારી સલાહ...?
-મારી સલાહ મારા ઘરમાં ય કોઈ માનતું નથી...
(પરેશ મોદી, સુરત)

Viewing all articles
Browse latest Browse all 894

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>