* સ્ત્રીઓ પોતાની ઉંમર ઓછી કેમ બતાવે છે ?
- રોજ રોજ તો માણસ કેટલું જુઠ્ઠું બોલે ?
(અફરોઝ મીરાણી, મહુવા)
* તમારૂં અમેરિકામાં કોઇ સ્થાયી રોકાણ ખરૂં કે ફક્ત વ્હાઈટ હાઉસમાં જ રહો છો ?
- હાઉસોને રંગ સાથે મતલબ નથી...ભાડાં સાથે છે. એ હિસાબે અત્યારે હું 'બ્લૅક હાઉસ'માં રહું છું.
(શર્વ કોઠારી, અમદાવાદ)
* તમને કોઇએ 'ઍપ્રિલ ફૂલ'બનાવેલાં ?
- કૌન માઇ કા લાલ હૈ જો એક...ફૂલ કો ફિર સે ફૂલ બનાયેં ?
(વ્યોમિકા દેવધરા, વાપી)
* શાયરો દરેક પંક્તિ બે વાર કેમ બોલતા હોય છે ?
- દોઢ કલાકનો મુશાયરો ત્રણ કલાક ચલાવવાનો હોય છે, માટે !
(મધુકર માંકડ, જામનગર)
* લગ્નની પહેલી વર્ષગાંઠે પત્નીને ખુશ કરવા શું કરવું જોઇએ ?
- હિમ્મત હોય ત્યાં સુધી જુઠ્ઠું બોલવું જોઇએ...(આઇ મીન, મનમાં હોય, એ બધું બોલી નહિ નાંખવાનું !)
(વૈભવ અંધારીયા, ભાવનગર)
* ફિલ્મ 'બસંત'ના ગીતમાં 'મેરે લહેંગે મેં ઘુંઘરૂ બંધા દે, તો ફિર મેરી ચાલ દેખ લે...'અને દિલીપ કુમારે ગાયું હતું, 'મેરે પૈરોં મેં ઘુંઘરૂં બંધા દે...'તો બોલો, ઘુંઘરૂં ક્યાં લગાવવા ?
- મને આખા શરીરે ક્યાંય ઘુંઘરૂ પહેરવાનો અનુભવ નથી. કોક જાણકાર પાસેથી શીખી લેશો.
(બાલેન્દુ વૈદ્ય, વડોદરા)
* તમને અંગ્રેજી ફિલ્મો જોવી ગમે ખરી ?
- મારી સાથે કોણ ફિલ્મ જોવા બેઠું છે, એના ઉપર આધાર છે.
(પ્રતિક અંતાણી, ભાવનગર)
* બન્ને ફિલ્મો 'ડૉન'માં હૅલન અને કરીના કપૂરમાં કોનો ડાન્સ ચઢે ?
- તમે મુંબઇના છો. મલબાર હિલ અને ધારાવી વચ્ચેનો તફાવત મારે કહેવો પડે ?
(દિલીપ પટેલ, મુંબઇ)
* અશોક દવે અને સમ્રાટ અશોક વચ્ચે નામ સિવાય કોઇ સમાનતા ખરી ?
- ખરી. અમે બન્ને સમ્રાટની જેમ જીવ્યા છીએ.
(મહેન્દ્ર રણા, અંકલેશ્વર)
* તમારા મતે આઇપીઍલની બેસ્ટ ટીમ કઇ ?
- જીતી જાય એ.
(નીલેશ પઢીયાર, બોરસદ)
* યોગની માફક 'ઇન્ટરનૅશનલ ઍનકાઉન્ટર દિવસ'ક્યારે ઉજવાશે ?
- હાલમાં તાલુકા કક્ષાએ પ્રયાસો ચાલે છે.
(હસમુખ રાવલ, અમદાવાદ)
* પહેલા લગ્ન વખતે તમને કેવો અનુભવ થયો હતો ?
- એ જ કે...કેટલા આશાસ્પદો મારા સાળા બનતા રહી ગયા !
(રમિત જાદવ, વિજાપડી-અમરેલી)
* મારી જેમ હજારો વાચકો ફક્ત 'ઍનકાઉન્ટર'વાંચવા જ રવિવારનું છાપું મંગાવે છે, તો એમના કલ્યાણ ખાતર અમને રવિવારનું છાપું ડિસકાઉન્ટમાં કે ફ્રી ન કરાવી શકો ?
- દર અઠવાડીયે મને પોરબંદર આવવા - જવાનું ફ્રી કરી આપો....!
(જયદીપ ગરેજા, પોરબંદર)
* પંખો ધૂળ ઉડાડે, છતાં ધૂળ પંખાને જ કેમ લાગે ?
- ધૂળને મેલું થવું નથી હોતું, માટે.
(પાર્થ પટેલ, અમરોલી-સુરત)
* પૂર્વ પત્ની અને હાલની પત્ની-બન્ને સાથે લિફટમાં બંધ થઇ જઇએ, તો શું કરવું જોઇએ?
- 'હું હવે ત્રીજા લગ્ન કરવાનો છું,'એટલું કહીને બન્નેને 'જે શી ક્રસ્ણ'કરવા જોઇએ.
(ચિંતન પી. વ્યાસ, ધોરાજી)
* શું વ્યક્તિના લક્ષણ ઉપરથી તેના વ્યક્તિત્વની ઓળખાણ થાય ?
- ઓળખાણ થયા પછી લખ્ખણોની ખબર પડે.
(મેહૂલ કે. જોશી, ભરૂચ)
* તમે મૅરેજ-બ્યૂરો કેમ ચાલુ કરતા નથી ?
- આપણાથી કોઇને સુખી ન કરી શકાય તો વાંધો નહિ... કોઇના છોડાં કાઢી નાંખવા ન જોઇએ!
(જેમીશ ચોવટીયા, સુરત)
* દ્રૌપદીને પાંચ પતિ હતા, છતાં એ સતી કેમ કહેવાઇ ?
- આપણે સતી સીતાનો દાખલો લેવાનો.
(સોનલ ભાવસાર, નવસારી)
* સાચું સુખ ભટકવામાં છે કે અટકવામાં ?
- શહેર ગાંધીનગર હોય તો... ભટકવામાં !
(રાજેશ પટેલ, ગાંધીનગર)
* લાલુ યાદવ દેશના વડાપ્રધાન હોવા જોઇએ કે નહિ ?
- આવો સવાલ વાંચ્યા પછી તો તમે ય વડાપ્રધાન હો તો શું ફરક પડે ?
(હિમાંશુ ચાવડા, રામકુવાભંકોડા)
* તમારી સૅન્સ ઑફ હ્યુમર આટલી સરસ છે, તો તમે 'ગુજરાત સમાચાર'ની ટીવી-ચૅનલ પર 'ઍનકાઉન્ટર વિથ અશોક દવે'કેમ ચાલુ કરતા નથી ?
- એ લોકોને હ્યૂમર શું છે, એની ખબર પડે છે માટે....!
(હર્ષદ દેસાઇ, અમદાવાદ)
* તમને હજી સુધી તો ડિમ્પલ મળી લાગતી નથી. તેને બદલે તમને 'ડિમ્પલ સ્કૉચ વ્હિસ્કી'આપીએ, તો ચાલે ?
- તમે બૉટલ ખાલી આપવાના છો કે ભરેલી, એ નથી લખ્યું...બાકી ડિમ્પલ તો ધાંયધાંય ભરેલી છે.
(નૈમેષ સિધ્ધપુરા, મૅલબૉર્ન-ઑસ્ટ્રેલિયા)
* હજારો કી.મી. દૂર રહેલા ગ્રહો માણસનું શું બગાડી શકે ?
- એક પ્રશ્ન પૂછવાના પાંચસોરૂપીયા છે. અમે કોઇ આલતુફાલતુ જ્યોતિષી નથી.
(સતીષ ખેની, સુરત)
* જૂનાગઢનું તાપમાન બહુ વધી જાય છે, તો શું કરવું ?
- ઘટે એની રાહ જોવી.
(નિધિ ભૂત, જૂનાગઢ)