૧.ઓછા ખર્ચે ગરમીમાં ક્યાં જવાય ?
- બાથરૂમમાં.
(શશીકાંત દેસાલે, સુરત)
૨.લોકોને ખરેખર મોંઘવારી નડે છે કે, વર્ષોથી ચાલ્યો આવતો આ રાજકીય મંત્ર છે ?
- ભારતના દસ ટકા લોકોને મોંઘવારી પૂરજોશ 'ફળે'છે.
(મિનેષ દેડકીયા, રાજકોટ)
૩.શું તમે ક્યારેય કોઇને પ્રેમ કર્યો છે ?
- તે એ વગર બે બાળકોનો બાપ થઇ ગયો હોઇશ ?
(હિતેશ ડી. પરમાર, મુંબઇ)
૪.તમારે ધો. ૧૦માં કેટલા ટકા આવ્યા હતા ?
- 'કેટલા'જરૂરી નથી... 'કેવી રીતે'આવ્યા હતા, એ હવે બોલાય એવું નથી.
(મનન પટેલ, સુરત)
૫.'ઍનકાઉન્ટરો'તો તમે કરો છો, છતાં તમારી તપાસ કેમ થતી નથી ?
- આમાં ય ભ'ઇ... પૈસા ખવડાવવા પડે છે. વાચકોને !
(અરસી બેરીયા, બાલોચ-કુતિયાણા)
૬.સુરતના લાલજીભાઇએ નમોનો કોટ મોંઘા ભાવે ખરીદ્યો, એમાં દેશનું શું ભલું થયું ?
- એમ તો હું ય 'મરણજીત'ના ગંજી પહેરૂં છું, એ દેસના ભલા માટે નથી ખરીદતો.
(મોમહમદઅલી સોરઠીયા, મુંબઇ)
૭.ઓબામા અને મોદી વચ્ચે શું સમાનતા છે ?
- બંનેના નાકમાં બબ્બે ફોયણાં છે.
(કિરણ ઓડ, મહિસા-ખેડા)
૮.પડોસના ઘરમાં શું રસોઇ બની રહી છે, તે જાણવાનો કોઇ આસાન રસ્તો ખરો ?
- દુનિયા બહુ આગળ વધી ગઇ છે... ને તમે હજી રસોઇ સુધી જ પહોંચ્યા છો... પંખો ચાલુ કરો.
(પ્રતિક અંતાણી, ભાવનગર)
૯.મને મારા હસબન્ડ બહુ ગમે છે, પણ હું એમને કેટલી ગમું છું, એ જાણવાનો કોઇ રસ્તો ખરો?
- બહુ આસાન રસ્તો છે. તમારી કોઇ સુંદર ફ્રૅન્ડને વરજી ઘરમાં હોય ત્યારે બે-ચાર વખત ઘરે બોલાવો... બધો હિસાબ-કિતાબ સમજાઇ જશે.
(બિજલ શાહ, અમદાવાદ)
૧૦.મારી ગાય નદીના સામા કાંઠે જતી રહી છે. નદીમાં પાણી પણ બહુ છે. ગાયને પાછી લાવવાનો કોઇ ઉપાય ખરો ?
- દેખાવમાં હું ભરવાડ જેવો સુંદર લાગુ છું ખરો... પણ ગાયનું પૂંછડું પકડતાં ય આવડતું નથી.
(કરસન ભરવાડ, કરમસદ)
૧૧.ઇલેકશનો પૂરા થતાં જ 'ગાંધી-ટોપીઓ'ગાયબ કેમ થઇ જાય છે ?
- એકલી ટોપી નહિ....કપડાં માત્ર ગયાબ થઇ જાય છે.
(મુગ્ધા ઉલ્લાસ વોરા, જૂનાગઢ)
૧૨.જીવનમાં કઇ વસ્તુને મહત્ત્વ આપવું જોઈએ ?
- જીવનની સર્વોત્તમ પ્રાપ્તિ કોઇ 'વસ્તુ'નથી હોતી.
(પ્રિયાંક શાહ, વડોદરા)
૧૩.સહુ 'મેરા ભારત મહાન'બોલે તો છે, પણ કોઇ ડાઉટ વગર ભારત મહાન ક્યારે બનશે?
- જ્યારે તમારી જેમ, તમારી ઉંમરના યુવાનોમાં દેશભક્તિનું જૂનુન ઉભરશે.
(રવિ રાઠોડ 'દાવડી', રાજકોટ)
૧૪.પાકિસ્તાનના પ્લેયરો વિશે તમારૂં શું માનવું છે ?
- અંદરોઅંદર ઝગડીને પોતાની ટીમ ખલાસ કરવા માટે એમને કોઇની મદદ લેવી પડતી નથી.
(ઉજ્જવલ પટેલ, વડોદરા)
૧૫.તમે ફિલ્મોમાં કામ કેમ કરતા નથી ?
- કામચોર છું.
(તન્વી સંઘાણી, અમદાવાદ)
૧૬.તમે આટલા બધા ફૅમસ છો, પણ ચેહરો બહુ ઓછાએ જોયો હોય, ક્યાંક કોઇ ઓળખી જાય, તો કેવી રીતે પેશ આવે છે તમારી સાથે ?
- એટલી ખબર છે કે, મારે નિરાશ થવું નથી પડતું.
(ફૌજીયા મોહમદ પારા, મુંબઇ)
૧૭.ભંવરલાલે તમારા અમદાવાદમાં અબજો રૂપિયાને ખર્ચે દિક્ષા લીધી... તમારો પ્રતિભાવ?
- તેઓ માણસ છોડીને ઈશ્વરની વધુ નજીક ગયા છે.
(શૈલા પી. શાહ, વડોદરા)
૧૮.તમે દાઢી જાતે કરો છો ?
- હા...પણ હજી બહારના ઑર્ડરો લેવાનું શરૂ કર્યું નથી.
(નીલકમલ મેહતા, અમદાવાદ)
૧૯.બાંગલા દેશ ગયેલી ભારતીય ટીમમાં ક્રિકેટરોની વાઇફ કે ગર્લ-ફ્રૅન્ડ્ઝને સાથે લઇ જવાની છૂટ મળશે ?
- સમજાયું નહિ. તમે વાઇફ 'એકવચન'માં લખું છે ને ગર્લ-ફ્રૅન્ડ્ઝ બહુવચનમાં લખ્યું છે.
(કેસરી વાય. મેહતા, સુરત)
૨૦.તમે કયા હાસ્યલેખકને બહુ મીસ કરો છો ?
- સ્વ. બાબુભાઇ વ્યાસને. એમના જેવું સૂક્ષ્મ છતાં ય ખડખડાટ હસાવી દે, એવું હાસ્ય બહુ ઓછામાં જોવા મળ્યું છે.
(ચુનરી પી. છાયા, મુંબઇ)
૨૧.આનંદીબેન પટેલ મુખ્યમંત્રી હોવા છતાં એક શબ્દ પણ બોલતાં નથી. મુખ્યમંત્રીનો પ્રભાવ ખૂટતો હોય, એવું તમને લાગે છે ?
- સહેજ પણ નહિ, રાહુલ બાબાએ બોલી બોલીને શું ઉકાળ્યું ?
(મનોજ પી. સ્વામી, ગાંધીનગર)
૨૨.શું હવે રાજુ શ્રીવાસ્તવ, કપિલ શર્મા કે મહેશ શાસ્ત્રીના દિવસો પૂરા થઇ ગયા ?
- રાહુલ બાબ સામે એમની મિમિક્રી તો કેટલી ચાલે ?
(લાવણી પટેલ, નડિયાદ)
૨૩.આખા ઍરિયાની પરણી નાંખે, એટલા મોટા લાઉડ-સ્પિકરો મોડી રાત સુધી ચાલે, છતાં બોલનાર કોઇ નહિ ?
- આખા દેશમાં ધર્મને નામે તમે ખૂન પણ કરી શકો...! દેશને માટે એક તિરંગો ફરકાવો તો બોલનારા નીકળી પડે.
(ગૌરાંગ ભો. પટેલ, અમદાવાદ)
૨૪.નારણપુરા ચાર રસ્તે તમારા ફ્લૅટની નીચે શાકવાળાની દૂકાન પર પુરૂષો ગ્રાહકોને જોઇને તમે એમની પિરકી ઊડાડો છો, એ અમને ગમ્યું નથી. વાઇફ બિઝી હોય તોપતિએ આવા નાના કામો કરવા જોઇએ !
- ઇશ્વર તમને વધુ આગળ વધારે.
(પરેશ મઢીવાળા, અમદાવાદ)
૨૫.તમે હમણાં જોયેલી શ્રેષ્ઠ ફિલ્મ કઇ ?
- કૉમેડીમાં 'ભેજા ફ્રાય', 'ફિલ્મીસ્તાન'અને 'ચલો દિલ્લી', થ્રિલરમાં 'અબ તક છપ્પન (૨)', બદલાપુર, બૅબી અને આરૂષી હત્યાકાંડ પર આધારિત ફિલ્મ 'રહસ્ય.'
(સ્મિતા વિજયકર, રાજકોટ)
૨૬.તમને કંઇક થઇ જાય તો તમારા વાઇફ યમરાજાની પાછળ પાછળ જઇને તમને જીવતા કરવાની દોડાદોડી કરે ખરાં ?
- મને શ્રધ્ધા છે, ચોક્કસ કરે... મને પાછો જીવતો નહિ કરવાની યમરાજાને વિનંતિ કરવા માટે !
(તનુજા પટેલ, અમદાવાદ)