Quantcast
Channel: Ashok Dave's Blog
Viewing all articles
Browse latest Browse all 894

આપણા ઘરમાં આઈસ ક્રીમો ટકતા કેમ નથી?

$
0
0
વર્ષો તો નહિ, પણ દસકાઓ પહેલા અમદાવાદમાં ગાડીઓની જેમ ફ્રીજ (રેફ્રીજરેટર) પણ ગણ્યાગાંઠયા કોઈ ૪૦-૫૦ ફેમિલીઓ પાસે જ હતા. હું જન્મ્યો-સૉરી, પરણ્યો ત્યારથી જ 'ઈમ્પોર્ટેડ'સાસરું વાપરું છું. મારા સાળાઓ મારી સાથે એમની બૉન પૈણાવવા લંડનથી ઈન્ડિયા આવ્યા હતા, ત્યારે મને ઠંડો રાખવા, સ્ટીમર-માર્ગે એક ફ્રીજ લેતા આવ્યા હતા. અમે લોકોએ હજી સુધી તો ફ્રીજ જોયું નહોતું. ''વાહ, લોખંડના કબાટ તો ફોરેનના જ, હોં...!''એવો આનંદ મેં ફ્રીજ ઉપર પ્રેમાળ હાથ પંપાળીને વ્યક્ત કર્યો, ત્યારે પૂરી વિનમ્રતાથી સાલેરામોએ સમજાવ્યો હતો કે, ''અસોક કુમાર, આ કબાટ નથ્થી... રેફ્રીજરેટર છે. આમાં મૂકેલી ચીજો ઠંડી રિયે. ઉનાળામાં કળશીયો (લોટો) ભરીને પાણી મૂકો, તો ઇ બરફ થઇ જાશે... (લોટો નહિ, પાણી). શાકભાજી પણ અઠવાડીયા સુધી તાજાં (!) રિયે.''

ખૈર, આઈસક્રીમ તો એ દિવસોમાં લક્ઝરી હતો. બહુ મળતો ય નહિ અને પોષાતો ય નહિ. માંડ ૩-૪ જાતના આઈસ્ક્રીમો મળતા. વેનીલા, કસાટા અને ચોકબાર. સામાન્ય ક્વૉલિટીવાળા કાજુ, કેસર ને પિસ્તા-ફિસ્તા જેવા આઈસક્રીમો નાનકડી દુકાનોવાળા રાખતા.

સાળાઓ પાછા જતા રહ્યા પછી અમને કોઈને ફ્રીજ વાપરતા આવડે નહિ. બગડી ગયું. અહીં કોણ રીપેર કરનાર મળે? છેવટે, બુઢ્ઢો અને ખખડી ગયેલો સેનાપતિ, યુધ્ધ દરમ્યાન જેનાથી હજારો દુશ્મનોનાં માથાં વાઢી નાંખ્યા હોય, એ પોતાની રક્તભીની તલવાર-હવે કોઈ કામની રહી ન હોય, એટલે વંડીમાં બેઠો બેઠો તલવારથી બરડો ખંજવાળતો હોય, એમ કંટાળીને અમે લોકોએ પણ ફ્રીજમાં નોટબુકો, પેન્સિલો, નેપકીનો, ખીલ્લી-હથોડીઓ, ઉંદર મારવાની દવા અને સૌથી નીચેના ખાનામાં બૂટ-ચપ્પલો મૂકવા માંડયા. સંપત્તિનો વ્યય, એ સદ્બુધ્ધિનો વ્યય છે, એની અમને ખબર.

પછી તો આજે ઘેરઘેર ફ્રીજ આવી ગયા.

મને સંતોષ થાય એવી એમાં એક જ વાત છે, આપણી ૭૦-ટકા ગુજરાતણોને ફ્રીજ વાપરતા હજી આવડતું નથી કે, એમાં શું અને કેટલું મૂકાય? આડેધડ એમાં એટલું બધું ભર્યું હોય કે, ડીપફ્રીજમાંથી આઈસક્રીમ તો ઉપરનું છાપરું ફાડીને કાઢવો પડે. દવાથી માંડીને જે હાથમાં આવ્યું, એ નાંખો ફ્રીજમાં! એ લોકો ફ્રીજ ભરી રહ્યા છે કે મકાનનું ધાબું, એનો ઝટ ખ્યાલ ન આવે. દૂધ ડીપ ફ્રીજમાં મુકાઈ ગયું હોય, એટલે કોઈ આવે 'ને ચા મૂકવી હોય તો હથોડીથી પહેલા તો દૂધને તોડવું પડે. એના ઝીણા ટુકડા કરીને 'ક્રશર'માં વલોવ્યા પછી ચા બનાવવા માટે ગેસ પર મૂકાય. મારા ઘેર ગિફ્ટમાં (હું સહેજ પણ માંદો ન હોવાં છતાં) કોઈએ એક ડઝન લીલાં નારીયેળ મોકલ્યા હતા... પછી શું? બધા ફ્રીજમાં મૂકી દીધાં. એમાં પહેલેથી મૂકેલું બધું કાઢીને મારા શર્ટ-પેન્ટવાળા કબાટમાં મૂકવું પડયું... આજે ય ઘરની બહાર નીકળું છું, તો પાટલૂનમાંથી ફૂદીનાની લીલી ચટણીની સુગંધ આવે છે, શર્ટના ખિસ્સામાંથી તૂરીયું લટકતું દેખાય અને શર્ટ ઉપર વિવિધ ચાટ-મસાલાઓ કોતરાવ્યા હોય, એવું જોનારને લાગે.

પણ હવે તો અમે ય સુધર્યા છીએ. જે ચીજો ફ્રીજમાં મૂકાતી હોય, એ જ મૂકીએ છીએ. (અજીતસિંહે રાંધેજામાં એક પડોસીના ઘરનું પાણી વધુ ઠંડુ (Chilled) કરવા ફ્રીજમાં ભરેલું માટલું મૂકાવ્યું હતું... એ લોકો માન્યા ય ખરા કે, 'હવે પાણી વધારે ઠંડું થાય છે!'

અમારે ફ્રીજ કરતા ડીપ-ફ્રીજ વધુ મોટું આવે, એવું ફ્રીજ જોઈતું હતું. ઘરમાં આઈસક્રીમ પાછળ બધા લાલુ-લાલુ! બધાના બૉડીઓ લોહી કરતા આઈસ ક્રીમોથી વધુ તગડાં બન્યા છે. હૉસ્પિટલમાં અમને વેનિલા કે ચૉકબાર ચઢાવવો પડે. ('વેન્ટીલેટર'નહિ, 'વેનિલેટર'!) અમારૂં ફ્રીજ ખોલો, તો ઠંડુ પાણી કદાચ ન ય મળે. એ જમાનો હતો, જ્યારે અમે લંચ-ડિનરમાં ડ્રિન્ક્સને બદલે આઈસ ક્રીમો લેતા. (ડ્રિન્ક્સ એટલે સોફ્ટ-ડ્રિન્ક્સ નહિ, ભાઇ... થોડી આબરૂ રહેવા દો! અમે તમને, સોફ્ટ-ડ્રિન્ક્સ લઈએ, એવા ગામડીયા લાગીએ છીએ?) સવારે ઉઠીને દાંત ઉપર ટુથપેસ્ટને બદલે અંજીરનો આઈસક્રીમ ઘસવાનું તો અમારા પડોસીઓને ય પ્રેક્ટીસો પછી આવડી ગયું છે. હિંદી ફિલ્મોમાં જેટલા ગીતોમાં ગંગાજળ, શરાબ કે આંસુઓની ધારા જેવા શબ્દપ્રયોગો આવે છે, ત્યાં અમે 'આઈસ ક્રીમ'જેવા મધુરા શબ્દો બદલી નાંખીએ છીએ. 'યે રાસ્બૅરી નહિ, મેરે દિલ કી ઝુબાન હૈ...''કેસર-પિસ્તા ચીજ હી ઐસી હૈ, ન છોડી જાય... હોઓઓઓ', 'તુ પિસ્તા કી મૌજ મૈં, મૅન્ગો કા ધારા, હો રહેગા મિલન...'

ગુજરાતીઓ તો બધા જ, પણ ૯૦-ટકા આઈસ ક્રીમ શૉપવાળા ય Almondનો ઉચ્ચાર 'આલમન્ડ'કે 'ઑલમન્ડ'કરે છે. સાચો ઉચ્ચાર 'ઓમન્ડ'છે. 'લ'સાયલન્ટ! Raspberryના ઉચ્ચારમાં ય p બોલવાનો આવતો નથી.)

ઘરમાં આઈસ ક્રીમનો શોખ એ હદનો કે, જે કોઈ બહારથી આવે, એ આઈસ ક્રીમનો મુઠ્ઠો તો ભરે જ! ફ્લૅવર સાથે અમારે કોઈ લેવાદેવા નહિ... એ આઈસ ક્રીમ હોવો જોઈએ. કોઈ આવે ત્યારે સોપારી કે હિંગની ફ્લેવરવાળો આઈસ ક્રીમે ય ઘરમાં પડયો ન હોય... આ તો એક વાત થાય છે. બા પોતે ય મંડયા હોય, પછી શેના ખીજાય? હવે તો કોઈના ઘેર જ જઈએ, એટલે આઈસક્રીમ 'મસ્ટ'થઈ ગયો છે. ચા-કૉફી મૂકવા હાડકાં હલાવવા પડે, પણ 'ચા-કૉફી લેશો કે ઠંડુ...?'એ ફક્ત ઔપચારિક પૂછવા માટેનો જ પ્રશ્ન હોય છે. તમે જવાબ આપો એ પહેલા પૂછાઈ જાય, ''ઠંડામાં (કોઈ જ્યુસ નહિ પૂછે... એ જરી મોંઘો પડે ને બનાવવો પડે!) કોક, પેપ્સી કે સ્પ્રાઈટ...?''

એનો ય જવાબ આપો એ પહેલા ભારે ઉમળકાથી એની દીકરીને કહેશે, ''એ મીનુ, એક કામ કર ને! બહુ મસ્ત 'બ્લેક-કરન્ટ'આવ્યો છે... એ અન્કલ-આન્ટી માટે લાય... શું સાલાઓ આઈસ્ક્રીમો બનાવે છે?''પછી બ્લેક, ભૂરો કે પીળો, તમને 'કરન્ટ'જ મળે!

અફ કોર્સ, એમાં આપણને બે ફાયદા છે. એક તો એમના હાથનું બનાવેલું કાંઇ ખાવું ન પડે ને બીજું....ગયા મહિને આપણે આવ્યા હતા ને બહુ તાણો કરી હતી, છતાં આપણે ના પાડવામાં સફળ રહ્યા હતા, એ જૂની ખાંડવી અને ચાયનીઝ સમોસા તો ખાવા ન પડે... સુઉં કિયો છો?

આઈસ ક્રીમનો પોતાનો ય એક ગુણધર્મ છે. સૉરી... એક નહિ બે! એક તો એ કે, એ કોઈને ભાવતો ન હોય, એવું ન બને. ખાઈ-ખાઈને ધરાઈ ગયાનો ડોળ કરનારા બહુ મળે, ને કાં તો તમાકુ-ફમાકુવાળા મોંઢા ચીતરીને બેઠા હોય, એટલે ના પાડે. અને બીજું, ગોટા-ભજીયાની જેમ આઈસ ક્રીમો અડધો પડતો મૂકનાર કોઈ માઈનો લાલ પેદા થયો નથી. ભારતના સૌથી વધુ ધનવાન એક મશહૂર સ્વર્ગસ્થ ઉદ્યોગપતિને મેં સગી આંખે, વાડકી નમાવીને મહીં રહી ગયેલું છેલ્લું ટીપું ચમચીમાં લઈને ખાતા જોયા છે. હું ય એવું જ કરું છું... આમ કરવાથી કદાચ, ભારતનો નહિ તો અમારા અમદાવાદના નારણપુરાનો સૌથી ધનવાન હું બની શકું. અમે કૉલેજમાં હતા, ત્યારે નવી નવી ફેશન શરૂ થઈ હતી, રેસ્ટરાંમાં કોકા કોલા કે ફૅન્ટા મંગાવીને બધા જુએ એમ ઑલમોસ્ટ અડધી છોડી દેવાની... પૂરી નહિ પી જવાની. ઇરાદો એટલો જ કે, 'અમે આ બધું બહુ જોયું છે... અમારા માટે આ કાંઇ નવું નથી.'

જગતમાં આઈસ ક્રીમ એક જ ચીજ એવી છે જે ચમચી વિના ખાઈ શકાતી નથી. (આઈસ ક્રીમો પીવાય નહિ!) સ્ટિક પણ ચમચીનું જ કામ કરે છે. આ એની સ્વાયત્તતા નથી, પરાવલંબન છે, છતાં ખુમારી કેવી કે, દુનિયાની તમામ ચીજો કરતાં લાડથી ખવાય છે એ!

હું જે કોઈ થોડાઘણા વિદેશોમાં ગયો છું, ત્યાં પહેલું કામ ત્યાંનો આઈસ ક્રીમ ખાવાનું કરું છું. (પૈસા આપણે કાઢવાના હોય ત્યારે અમદાવાદ પાછા આવીને ધાણાની દાળનું પચ્ચા પૈસાવાળું પાઉચ ખરીદવાની ય હિમ્મત ન ચાલે. એટલા મોંઘા ત્યાંના આઈસ ક્રીમો હોય!) પણ એક વાતનું ગૌરવ બેશક થાય છે કે, અમદાવાદ જેવા આઈસ ક્રીમો દુનિયાના કોઈ દેશમાં મળતા નથી. પ્રતાપ દૂધનો નહિ, અમદાવાદની ગાયમાતાઓનો હશે કે, પ્લાસ્ટિકના પાઉચ, ગંદો એંઠવાડ કે સિગારેટોના ઠૂંઠા ચાવી જવા છતાં આ ગાયમાતાઓ દૂધ તો અમૃત જેવું મીઠડું આપે છે.

ગુજરાત જેવી ગાયો કે આઇસ્ક્રીમો જ નહિ, માણસો ય આખા ભારતમાં થતા નથી... સુઉં કિયો છો, સરજી ?

સિક્સર

ગુજરાતનું સૌથી લાંબા નામવાળું એક જ શહેર છે, સુરેન્દ્રનગર... બીજું કોઈ હોય તો બતાવો, સર-જી!

Viewing all articles
Browse latest Browse all 894


<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>