Quantcast
Channel: Ashok Dave's Blog
Viewing all articles
Browse latest Browse all 894

'આહ' ('૫૩)

$
0
0
ફિલ્મ : 'આહ' ('૫૩)
નિર્માતા : આર.કે. ફિલ્મ્સ
દિગ્દર્શક : રાજા નવાથે
સંગીત    : શંકર-જયકિશન
ગીતકારો : શૈલેન્દ્ર-હસરત
રનિંગ ટાઈમ  :૧૬-રીલ્સ,૧૫૦ મિનિટ્સ
થીયેટર    : ખબર નથી.
કલાકારો : રાજ કપૂર, નરગીસ, પ્રાણ, વિજ્યાલક્ષ્મી, મૂકેશ, રમેશ સિન્હા, ભૂપેન્દ્ર કપૂર, રાશિદ ખાન, સોહનલાલ, કુસુમ અને લીલા મીશ્રા.




ગીતો
૧. રાજા કી આયેગી બારાત, રંગીલી હોગી રાત...    લતા મંગેશકર
૨. છોટી સી યે જીંદગાની રે ચાર દિન કી જવાની...    મૂકેશ
૩. યે શામ કી તન્હાઈયાં, ઐસે મેં તેરા ગમ...    લતા મંગેશકર
૪. જો મૈં જાનતી ઉનકે લિયે, મેરે દિલ મેં...    લતા મંગેશકર
૫. જાને ન નઝર, પહેચાને જીગર, યે કૌન...    લતા મંગેશકર-મૂકેશ
૬. ઝનન ઝનન ઘુંઘરવા બાજે, આઈ હૂં મૈં...    લતા-કોરસ
૭. આજા રે અબ મેરા દિલ પુકારા, રો રો...    લતા મંગેશકર-મૂકેશ
૮. રાત અધૂરી, દૂર સંવેરા, બર્બાદ હૈ દિલ મેરા...    મૂકેશ
૯. સુનતે થે નામ હમ જીનકા બહાર સે, દેખા...    લતા મંગેશકર
ગીત નં.૧ થી ૪ શૈલેન્દ્ર. બાકીના હસરત જયપુરી.

બંગાળના પ્રણામયોગ્ય શરદબાબુની વિશ્વપ્રસિદ્ધ નવલકથા 'દેવદાસ'ના પડછાયામાં રાજ કપૂરે ઉતારેલી આ ફિલ્મ 'આહ'પૂરી થઈને જોયા પછી રાજ બરાડી ઊઠયો હતો, ''આ ફિલ્મ દસ દિવસે ય નહિ ચાલે... ઓહ!''

નેચરલી, રાજ કપૂરને મારા/તમારા તો જાવા દિયો, ફિલ્મનગરીના હરકોઈ શખ્સથી ફિલ્મો વિશે જાણકારી વધુ હતી અને એ સાચો ય પડયો. 'દેવદાસ'ની જેમ, એના જેવો ફિલ્મનો અંત લાવવાની વાર્તા-અર્થાત્, ફિલ્મનો હીરો છેલ્લે ગૂજરી જાય - પ્રેક્ષકોને ગળે જ ન ઉતરી, એટલે દિમાગ સુધી તો ક્યાંથી ઉતરે...? ... એટલે કે ચઢે?? દેશભરમાં પહેલા જ સપ્તાહમાં આ ફિલ્મ જોઈ આવેલા પ્રેક્ષકોએ દેકારો મચાવી દીધો. રાજને પોતાની ભૂલ તો પ્રેક્ષકોએ ફિલ્મ જોયા પહેલા સમજાઈ ચૂકી હતી, એટલે થીગડું મારવાના પ્રયાસરૂપે રાજે ફિલ્મનો અંત બદલી નાંખીને હીરોને-એટલે કે, પોતાને જીવતો કરી નાંખ્યો, નરગીસની સાથે રાજના લગ્ન પણ કરાવી દેવાય છે... પણ ત્યાં સુધીમાં ડાઘુઓ જતા રહ્યા હતા. એકની એક અર્થી માટે બબ્બે વાર સ્મશાને જવું કોઈને ગમે?

એની પહેલી ફિલ્મ 'આગ'આવી જ પીટાઈ ગઈ હતી, 'બરસાત'ની ટિકીટબારીઓ ઉપર કોઈ છત્રી લઈને કે લીધા વગર ભીંજાવા આવ્યું નહોતું, પણ એની ક્લાસિક ફિલ્મ 'આવારા'એ દુનિયાભરના મેદાનો સર કર્યા હતા, એ નામ ઉપર પણ 'આહ'થોડી ય ન ચાલી.

...અને છતાં ય, આજે આપણે આ ફિલ્મ જોઈએ છીએ, તો ક્લાસિક લાગે છે. આખી ફિલ્મ ખૂબ ગમે છે... બસ, એ વખતે રાજ ફેઈલ ક્યાં ગયો, એની ભાળ મેળવવાની બાકી રહી. 

તટસ્થતાથી કહીએ તો એકાદું કારણ મળી પણ આવે કે, હિંદી ફિલ્મોના પ્રેક્ષકો હીરો-હીરોઈન ફિલ્મના અંતે સુખેથી મળે, એ જોવા ઈવન, આજ સુધી ટેવાયેલા છે, પણ અહીં તો જીવલેણ ટી.બી.ને કારણે બે વર્ષમાં નિશ્ચિત મૃત્યુ તરફ ધપી રહેલા રાજને એવો કુવિચાર આવે છે કે, એની પ્રેમિકા એને નફરત કરીને છોડી દે, જેથી રાજનું મૌત બર્દાશ્ત તો કરી શકે. અહીં સુધી થોડું બરોબર હતું, પણ ભારતીય દર્શકો ખલનાયક પ્રાણને કેવળ ચાકુ-છુરી સાથે જોવા ટેવાયેલા હતા ને અહીં રાજ કપૂરે એને એક સજ્જન (અને એય પાછો ડૉક્ટર... બે વાતો ભેગી શક્ય બને ખરી?) બતાવીને, સામે ચાલીને નરગીસના લગ્ન પ્રાણ સાથે કરાવવાની પેરવી કરે છે. પ્રાણ અને નરગીસ બન્ને હાઓ ય પાડે છે, પણ પછી આપણા પ્રેક્ષકો ઝાલ્યા રહે? હાથમાં ઢેખાળા ન ઉપાડે?

બહુ સાધનસંપન્ન રાયબહાદુર (રમેશ સિન્હા)ની પત્ની (એ જમાનામાં ટીબી જીવલેણ રોગ ગણાતો હતો અને આજના કેન્સરની જેમ મૃત્યુ નિશ્ચિત ગણાતું.)નું અવસાન ટીબીને કારણે થયું હોવાથી વારસામાં રાજ ઉપર આ રોગ ન આવે, એ માટે રાજને ખુલ્લી હવાઓ, ઝરણાના વાતાવરણમાં પોતાની કન્સ્ટ્રક્શનની સાઇટ ઉપર મૂકી દે છે. સાથે સાથે એનું જૂના દોસ્ત (ભૂપેન્દ્ર કપૂર)ની મોટી દીકરી (વિજયલક્ષ્મી) સાથે ગોઠવે છે, જેને રાજની આવી આઉટડૉર જીંદગીથી નફરત હોવાથી પોતાના નામે નાની બહેન નરગીસને રાજના પત્રોનો જવાબ આપવાનું હોમવર્ક સોંપે છે. રાજ-નરગીસ પ્રેમમાં પડી જાય છે, એકબીજાને જોયા વગર, પણ જોયા પછી વધારે પ્રેમમાં પડે છે. રાજને ટીબી હોવાની જાણ એના જીગરી ડૉક્ટર દોસ્ત પ્રાણ કરે છે, એમાં આ ભ'ઈ આહૂતિના મૂડમાં આવી જઈને નરગીસથી દૂર જતા રહેવા, નરગીસના દેખતા એની બહેન વિજયલક્ષ્મીના આહવાહનનો સ્વીકાર કરે છે, એમાં પેલીને ન છૂટકે ઘેરબેઠા પોતાની માં (લીલા મીશ્રા)ના ખોળામાં માથું મૂકી, 'રાજા કી આયેગી બારાત...'ગાવું પડે છે. હવે તો પોતાના જીવનના બે-ચાર દિવસો જ બાકી રહ્યા હોવાથી, રાજ પ્રાણને મજબૂર કરે છે કે, તમે બન્ને મારા મરતા પહેલા પરણી જાઓ.

પણ, એ પોતે મરવાનો હોવાથી વિજયલક્ષ્મીને એક ખાનગી પત્ર લખી, પોતાની આ બધી બનાવટ શેને કારણે હતી, એ સમજાવી દે છે. સ્ત્રીઓના પેટમાં વાત ટકે? ન ટકે, એટલે વિજયલક્ષ્મી બધી વાત નરગીસને કહી દે છે. એકસામટા બધા મોટી ગાડી લઈને રિવા જાય છે, જ્યાં રસ્તામાં ઘોડાગાડી પલ્ટી જતા નીચે પડેલા રાજને નરગીસ જુએ છે. ચીસ પાડે છે ને ઘટનાસ્થળે જ એ લોકોના લગ્નનું નક્કી થઈ જાય છે. ફિલ્મની વાર્તામાં ફેરફાર કરવાનો હોવાથી. (એ જમાનામાં અસાધ્ય ગણાતો હોવા છતાં) રાજનો ટીબી મટાડી દેવામાં આવે છે... પણ, પ્રેક્ષકોમાં ય થોડી બુધ્ધિ તો હોય ને?

આજે આ ફિલ્મ જોઈએ તો બેશક ગમે એવી તો છે, પણ રાજની જે કક્ષાની ફિલ્મો જોવા એણે આપણને ટેવડાવ્યા છે, એ લેવલની ફિલ્મ તો એ આજે ય નથી લાગતી. સ્ટારકાસ્ટ નાનકડી પણ મજબૂત હોવાને કારણે, બધા જોવા તો ગમે અને ફિલ્મ રાજ કપુરની હોય, એટલે તમને કંઈક જ નહિ, ઘણું બધું ગમે જ. રાજ-નરગીસના અભિનય માટે તો સદીઓ સુધી સવાલ ઉઠવાનો નથી, પણ અંગત જીવનમાં એ બન્ને વચ્ચે ચાલેલી સળંગ પ્રેમકથા અત્યારે યાદ કરવા જઈએ તો ચોંકી જવાય એવું છે કે, એ જમાનામાં પણ હિંદુ છોકરો અને મુસ્લિમ છોકરી વચ્ચેનો પ્રેમ ચાલે જ કેવી રીતે? હિંદુ દેવ આનંદ અને મુસ્લિમ સુરૈયા વચ્ચે તોડફોડ કરાવવા દિલીપ કુમાર, નૌશાદ, મેહબૂબ ખાન, કે. આસિફ... બધા મંડયા હતા ને સફળ પણ થયા. આવા ઝનૂની માહૌલમાં નરગીસ કેવી મક્કમ રહી હશે અને ઘર કે બહાર, કેવા તોફાનોનો સામનો કરવો પડયો હશે ?

રાજ-નરગીસના કિસ્સાનો અંત આ લોકોની તોડફોડને કારણે નહોતો આવ્યો. ફિલ્મ 'ચોરીચોરી'જેણે બનાવી હતી, તે નિર્માતા-દિગ્દર્શક એ.વી. મયપ્પન (એવીએમ) સાથે નરગીસનો પ્રેમસંબંધ શરૂ થઈ ચૂક્યો હતો. મયપ્પને નરગીસને લખેલો પ્રેમપત્ર મદ્રાસની જ હોટલમાં રાજ કપૂરના હાથમાં આવી ગયો હતો ને દોડતી નરગીસે એ પત્ર ઝૂંટવી લઈને ફાડી નાંખ્યો હતો, એ આખી વાત ફિલ્મ 'સંગમ'માં તમે જોઈ ચૂક્યા છો. (આઈપીએલ-ક્રિકેટ કૌભાંડમાં સંડોવાયેલા શ્રીનિવાસન અને તેના જમાઈ મયપ્પનના આ મયપ્પન દાદા થાય!)

તો બીજી બાજુ, એમ પણ કહેવાય છે કે, આ જ ફિલ્મમાં નરગીસની બહેન બનતી વિજયલક્ષ્મી સાથે રાજનું લફરું નરગીસે પકડી પાડયું, એ પછી બન્ને વચ્ચે પૂર્ણવિરામ મૂકાઈ ગયો. ભલાભોળા દોસ્ત ગાયક મૂકેશે ભૂલમાં નરગીસને બધું કહી દીધું કે, વેશ બદલીને રાજ-વિજયલક્ષ્મી મુંબઈના ફોકલેન્ડ રોડ ઉપર આવેલી તાજ ટૉકીઝમાં ફિલ્મ જોવા ગયા છે. નરગીસ મારતી ટેક્સી લઈને થીયેટર સુધી પહોંચી અને ચાલુ ફિલ્મે વિજયલક્ષ્મી ઉપર તૂટી પડી હતી... વગેરે વગેરે આ કૉલમમાં અગાઉ લખાઈ ચૂક્યું છે. રાજની ફિલ્મોમાં એના અંગત જીવનની ઘટનાઓ ક્યાંક ને ક્યાંક આવે જ. જેમ કે, રાજ કપૂરનો જન્મ દિવસ ૧૪ ડીસેમ્બર હતો, તે ફિલ્મમાં નરગીસ-પ્રાણના લગ્નની તારીખ પણ ૧૪-ડીસેમ્બર નક્કી થાય છે. ફિલ્મમાં મધ્ય પ્રદેશનું 'રિવા'વાર્તાનો એક હિસ્સો છે, એ રિવા રાજ કપૂરનું (સાચું) સાસરૂં થાય. કૃષ્ણા કપૂરના પિતા અહીં પોલીસ ખાતાના આઈ.જી.પી. હતા.

પણ આર.કે. ફિલ્મ્સમાં બીજી પણ એક નવી ઘટના બની. બધાને ખબર છે, કે. આર.કે.ની તમામ ફિલ્મોની સિનેમેટોગ્રાફી ફક્ત રાધુ કર્માકર જ કરે. (આ જ રાધુને નામ પૂરતા ફિલ્મ 'જીસ દેસ મેં ગંગા બહેતી હૈ'ના દિગ્દર્શક પણ બનાવાયા હતા, જેમ ફિલ્મ 'બૂટ પૉલિશ'નું દિગ્દર્શન પ્રકાશ અરોરાને સોંપાયું હતું... બાકી તો આપણે સમજતા હોઈએ ને કે, દિગ્દર્શન રાજનું જ હોય. નામ ભલે બીજાનું!) અહીં ઋષિકેષ મૂકર્જીના પર્મેનેન્ટ સિનેમેટોગ્રાફર જયવંત પાઠારેને કેમેરા સોંપવામાં આવ્યો છે ને અદ્ભુત કામ થયું છે. ફિલ્મ તો હું એક વર્ષનો બાબલો હતો, ત્યારે આવી હોવાથી અમદાવાદના કયા થીયેટરમાં આવી હતી, તેનો ખ્યાલ નથી. પણ કૃષ્ણ ટૉકીઝ મનાય છે. એ એવો સમય હતો કે, હજી ઘરોમાં ફાનસનું ચલણ હતું. રેડિયો હોવો, એ મોટી વાત ગણાતી. સાયકલ ઉપર ફાનસ જેવો જ ઘાસલેટનો દીવો 'હળગાવવો'પડતો. ઈવન, હીરો-હીરોઈનોને ય પ્રેમો કરવા હોય, તો પહાડ, જંગલ કે નદીઓના કિનારાઓ શોધવા પડતા. આજની જેમ નહિ કે, શોપિંગ-મોલના એસ્કેલેટર ઉપરે ય ઠેકડા મારીને ગીતડાં ગવાય!

ક્યારેક કોઈ પૂછી પણ બેસતું હોય છે કે, શું રાજ કપૂરની ફિલ્મો માટે લતા મંગેશકર વધુ મીઠો અવાજ કાઢતી હતી? ઓહ, સ્ટુપિડ વાત છે, પણ એ વાત સ્ટુપિડ નથી કે, રાજની તમામ ફિલ્મોમાં લતાએ ગાયું છે, એ તમામ ગીતો આપણે ધોરણ ૬-બ માં ભણતા, એની કવિતાઓ કરતાય વધુ કંઠસ્થ છે. આ જ ફિલ્મ 'આહ'માં લતાનું કોઈપણ ગીત યાદ કરી જુઓ. વધારે માર્કસ શંકર-જયકિશનને આપવા જોઇએ, લતાને કે આવું કામ કઢાવવા માટે રાજને? 'યે શામ કી તન્હાઈયાં...' (જેમાં આ સંગીતકારોએ મોટા ભાગે તો પહેલી વાર હવાયન-ગીટારનો ઉપયોગ કર્યો છે.) 'રાજા કી આયેગી બારાત'માં દત્તારામનું ડફ જેવો ઠેકો ઊભો કરે છે? મૂકેશ પોતે પણ એક્ટર તરીકે આ ફિલ્મમાં પોતાનું ગીત ગાવા ગાડીવાન બનીને 'છોટી સી યે ઝીંદગાની રે...'ગાવા આવે છે. જે ટુકડા આપણને રેકર્ડ્સ પર સાંભળવા ન મળે, એ ફિલ્મ જોતી વખતે સંભળાઈ જાય જેમ કે, લતાએ 'જો મૈં જાનતી ઉનકે લિયે...'અને મૂકેશે 'અપને બિમાર-એ-ગમ કો દેખ લે'સંપૂર્ણ મીટરલૅસ ગાયું છે અને તે પણ ધીમા લયમાં. (મીટરલૅસ એટલે પાછળ કોઈ વાજીંત્ર વાગતું ન હોય અને ગાવાની લય એટલે કે સ્પીડ ઓછી હોય!) અહીં રાજ કપૂર ટીબીથી પિડાતો હોય છે, ત્યારે બૅકગ્રાઉન્ડમાં ફિલ્મ 'મેરા નામ જોકર'ના 'જાને કહાં ગયે વો દિન...'ની ધૂન વાગતી રહે છે.

'આહ', 'આસ', 'ઔરત', 'પતીતા'અને 'શિકસ્ત', બધી ૧૯૫૩-માં આવેલી શંકર-જયકિશનીયન ફિલ્મો હતી. સિંહોએ હજી તો જંગલની લટાર મારવાની શરૂઆત જ કરી હતી. હજી '૪૯-માં તો ફિલ્મ 'બરસાત'થી તેઓ આવ્યા હતા, ને બે-ત્રણ વર્ષમાં તો આસમાની બુલંદીઓ એમને અડવા આવવા માંડી. '૫૩-ની આ પાંચે ય ફિલ્મોમાં સંગીતના ધોરણે સફળ તો બે જ... એક આપણી આ 'આહ'ને બીજી દેવ આનંદ-ઉષા કિરણની 'પતીતા'. બાકીનીઓમાં અમારા જેવા લતાપ્રેમીઓને જ ગેલ કરાવી જાય એવું અનોખું સંગીત. 

એક આડવાત : એ તો બધા જાણે છે કે, રાજ કપૂરની ફિલ્મ (પછી એ આર.કે. બેનરની ન પણ હોય તો ય) દરેક ગીતની ધૂન એની પોતાની જ હોય. આ વાત થોડી સમજી લેવા જેવી છે. જરૂરી નથી કે, રાજ હાર્મોનિયમ લઈને બેઠો હોય ને આ બન્ને ભાઈઓ મંજીરા વગાડતા બાજુમાં બેઠા હોય. રાજ પોતે બેશક સંગીતનો પૂરો જાણકાર હતો જ, પણ શંકર-જયકિશને પણ રાજ કપૂર સિવાયની તમામ ફિલ્મોમાં એ સંગીત આપ્યું છે, જે રાજની ફિલ્મોથી એક દોરો ય ઉતરતું ન હોય! અનેકવાર એવું ય બને કે, એક ગીતની બેશક પાંચ-છ ધૂનો શંકર-જયકિશને તૈયાર કરી હોય ને એમાંથી રાજ પસંદ કરે. લતા જેવી લતાને પણ પોતે બરોબર ગાયું છે કે નહિ, એનું પ્રમાણપત્ર રાજ પાસેથી મેળવવાની આશા રહેતી.

એ સમયની ફિલ્મો જોઈને, એ સમયની રહેણીકરણી ઉપર આજે આપણને હસવું આવે કે, એ સમયના લોકોને શિક્ષિત અને સભ્ય ગણાવવા માટે શુટ પહેરવો પડતો-પછી ભલે એ સુતરાઉ અને ચઢી ગયેલો હોય. પ્રદીપ કુમારો અને ભારત ભૂષણો શૂટ-પેન્ટને બદલે જર્કીન (લાંબી બાંયની જર્સી) પહેરતા. દિલીપ-રાજ હરદમ શૂટમાં જોવા મળે, તો દેવ આનંદ મોટે ભાગે ઊંચા કૉલરવાળા કાળા અને પહોળા શર્ટો પહેરતો. તમારે કબુલ કરવાની જરૂર નથી, પણ હિંદી ફિલ્મોના હીરોલોગને શોભે અને સારા લાગે એવા કપડાં સૌ પ્રથમ શશી કપૂરે શરૂ કર્યા. હાફ-સ્લિવ્ઝની જર્સીઓ એણે શરૂ કરી. સ્વેટરોમાં એના જેટલું જ ચમકતું નામ સુનિલ દત્તનું લેવું પડે.

રાજ-નરગીસની બીજી ય એક વાત પરાણે નોંધાઈ જાય એવી છે. બન્નેના દાંત-આપણે એમને હસાવીએ, એવા સુંદર નહોતા. રાજ તમાકુ ખાતો હશે (સિગારેટ તો સતત પીતો), પણ ડાઘ દેખાતા. નરગીસના આગલા બન્ને દાંત વચ્ચે જગ્યા પડતી. દેવ આનંદના ચોકઠામાં બન્ને બાજુએ ગપોલીઓ હતી, પણ એથી તો એ વધુ સુંદર લાગતો.

દિગ્દર્શન તો રાજ પોતે જ કરતો છતાં નામ બીજાનું આપવા પાછળ કારણ ઈન્કમટેક્ષનું કે એવું-બેવું હોઈ શકે, પણ અહીં દિગ્દર્શક રાજા નવાથેએ રાજની અગાઉની ફિલ્મો 'આગ' ('૪૮), 'બરસાત' ('૪૯) અને 'આવારા' ('૫૧)માં આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે કામ કર્યું હતું, એના બદલારૂપે આ ફિલ્મના દિગ્દર્શક તરીકે એનું ''નામ મૂકાયું!''બાકી તો શુક્ર અને મંગળના ગ્રહો સુધી સહુને ખબર છે કે, જે ફિલ્મોમાં રાજ, દિલીપ કે દેવ આનંદ કામ કરતા હોય, ત્યાં દિગ્દર્શન એ લોકોનું જ હોય... નામ ભલે બીજાના હોય.

Viewing all articles
Browse latest Browse all 894

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>