Quantcast
Channel: Ashok Dave's Blog
Viewing all articles
Browse latest Browse all 894

ઍનકાઉન્ટર : 11-10-2015

$
0
0
* ધર્મ એક અંત માટેનું સાધન છે, પણ એ અંત નથી. આપણે ભારતીયો આ વાત જાણતા નથી કે જાણવા માંગતા નથી ?
- ''કોઈ તો લિખતા હોગા કાગઝ-પથ્થરોં કા નસીબ/વર્ના યે મુમકિન નહિ, કોઈ પથ્થર ઠોકર ખાયે/ કોઈ ભગવાન બન જાયે, કોઈ કાગઝ રદ્દી બને, કોઈ ગીતા-કુરાન હો જાયે.''
(જુઝેર અબ્બાસ પેઢીવાલા, મુંબઈ)

* મારે તમારી સાથે તીનપત્તી રમવી છે. શું કરું ?
- તીનપત્તી રમવાની.
(પિયૂષ પી. પટેલ, કલોલ)

* હિંદી ફિલ્મોમાં ગુજરાતી ડાયલોગ્સ... ગુજરાતનું ગર્વ કહેવાય કે નહિ ?
- ગુજરાતી હોવાનું ગર્વ હોય, એવો હજી સુધી તો મેં એકે ય ગુજરાતી જોયો નથી.
(મુગ્ધા ઉલ્લાસ વોરા, જૂનાગઢ)

* એક રવિવાર એવો રાખોને, જેમાં સવાલો તમે પૂછો ને જવાબો અમે આપીએ !
- થોડા બડા હો જા, મુન્ના !
(જયેશ કણજરીયા, શેખપત/જામનગર)

* જીવન જીવવા જેવો એકે ય મોક્ષ નથી, છતાં ય બાવાઓ જીવન પછીના મોક્ષની લોલીપોપ કેમ આપતા હશે ?
- જાહેરમાં એકે ય બાવાને બાવી સાથે જોયો ?... મોક્ષની લાલચ એમને બીજું બધું જ નહિ, સમાજમાં રહેતી સારા ઘરની બાવીઓ પણ લાવી આપે છે.
(જય પટેલ, સુરત)

* છોકરીઓને પાણી-પુરી બહુ ભાવવાનું કારણ શું ?
- આ એક જ ચીજ (પૂરીપકોડી) એવી છે, જે એ લોકો ઘરે બનાવી શકતી નથી. એની કોઇને ખબર નથી કે, પાણી-પુરીનું પાણી મોંઘા ભાવના લિંબુ કે લિંબુના ફૂલમાંથી નથી બનતું.... એસિડમાંથી બને છે, જે હોજરીનું કેન્સર કરાવી શકે !
(નરેન રાણા, અંકલેશ્વર)

* નાનપણમાં પ્રેમ મળે. યુવાનીમાં પ્રેમ શોધવો પડે. ઘડપણમાં પ્રેમ ભીખની જેમ માંગવો પડે. આવું કેમ ?
- દુનિયા સાચો પ્રેમ તો માણસને મર્યા પછી જ આપે છે.
(ધૂ્રવિન બારૈયા, અમદાવાદ)

* રૂપિયાની નોટો ઉપર ગાંધીજીનો ફોટો મૂકવાનું કારણ ?
- 'શાયદ એક ગોડસે મેરે અંદર ખુલેઆમ રહે રહા હૈ
મેરી જેબ સે રોજ ગાંધી ખત્મ કિયે જા રહા હૈ...'
(જયેશ સોલંકી, ભાભર/બીકે)

* તમારા મતે સૌથી વધુ સુખી માણસ કોણ ?
- જે ડોક્ટર/વકીલ કે શિક્ષણની હડફેટમાં હજી સુધી આવ્યો ન હોય !
(મનોજ બી. ભાડજા, મોરબી)

* પૂર્વ જન્મમાં માનો છો ?
- ગયા જન્મમાં હું રાજેશ ખન્ના હતો.
(જયેશ અંતાણી, ભાવનગર)

* છોકરીઓના ત્રાસથી મુક્તિ ક્યારે મળશે ?
- તમને એ ત્રાસ લાગે છે, ગામ આખાને એ આસપાસ લાગે છે.
(સચિન પટેલ, રૂપાલકંપા)

* નેહા ધૂપીયા એના ચેહરાની લંબાઈમાં ત્રીસેક ટકા કાપકૂપ કરાવે તો વધુ સારી ન લાગે ?
- યુ મીન... તમારી વાર્તા એના ચહેરામાં જ પૂરી થઈ જાય છે...!!! બીજે ક્યાંય પ્રવાસ કરવો નથી ???
(કિશોર દવે, ભાવનગર)

* તમે 'મેગી'ખાધી ?
- મારા ઘરમાં બનતી કોઈ પણ વાનગીનો સ્વાદ એક જ હોય છે. ફકત નામો રોજ જુદા આપવાના. એટલે 'મેગી'હોય કે દાળઢોકળી... મને કોઈ ફરક પડતો નથી.
(મંથન અમીન, વડોદરા)

* ઘણી વાર તમારા જવાબ, સવાલના સાચા જવાબ લાગતા નથી. સુઉં કિયો છો ?
- આવું અમારા તંત્રીને ન લાગવું જોઈએ.
(ભરત પટેલ, મુંબઈ)

* મોદી સરકારથી દેશને ફાયદો કે નુકસાન ?
- તમને ય મનમોહન અને મોદી વચ્ચેના તફાવતની ખબર તો પડતી જ હશે ને ?
(યોગીન ડોબરીયા, ભાવનગર)

* હવે તો 'કાકા'નથી. ડિમ્પલ સાથે MOU કરી લો ને ?
- તમારામાં 'ઈશ્વર'પણ છે અને 'વરૂ'પણ... બેમાંથી એક પાસે અમારો ન્યાય કરાવો ને !
(ઈશ્વરલાલ વરૂ, ઓખા)

* મુશર્રફ કહે છે, 'કારગિલ યુદ્ધ વખતે પાકિસ્તાને ભારતને મુશ્કેલીમાં મૂકી દીધું હતું...'
- છોકરૂં છે... બોલ્યા કરે એ તો !
(હિતેશ બંસુ, સુરત)

* ભારતના કુલ ૪,૧૨૦ વિધાનસભ્યોમાંથી ૩૬ ટકા કાયદાની રૂઈએ કલંકિત છે...
- ધીરજ ધરો, ટૂંક જ સમયમાં આપણે ૧૦૦ ટકાનો આંકડો ભાંગડા નાચતા નાચતા પાર કરી જઈશું.
(મધુકર મેહતા, વિસનગર)

* 'દીપિકા પદુકોણને પાછળ રાખી કેટરિના કૈફ સૌથી વધુ 'હોટ'બની.'આ 'હોટ શબ્દ પત્રકારો કેટરિનાના શરીરના કયા ભાગ ઉપરથી નક્કી કરતા હશે ?
- જે જોઈને 'કેટ''ને પણ 'કેફ'ચઢે.
(ચંદ્રકાંત બગરીયા, પૂણે)

* 'મેગી'પછી નકલી ઘીના લાડુ ઉપરે ય પ્રતિબંધ આવશે તો ?
- છીંક પણ અસલી ખાવી સારી.
(પુરંજય જોશીપુરા, અમદાવાદ)

* ભારતને સ્વચ્છતાની નહિ, શિસ્ત અને સારી મેનર્સની જરૂર છે કે નહિ ?
- ત્રણે ય નું ભેગું કંઈક વ્યાજબી ભાવે કરી આલો ને...!
(પુલિન શાહ, સુરેન્દ્રનગર)

* એર હોસ્ટેસ, રીસેપ્શનિસ્ટ અને નર્સ... આ ત્રણેમાથી મનમોહક સ્માઈલ કોનું ?
- આવા સ્માઈલો એ બીજાને આપતી હોય, એમાં આપણો ફાયદો શું ?
(મધુકર માંકડ, જામનગર)

* પ્રેમ આગ કા દરિયા જેવો છે, તો કેવી ગર્લફ્રેન્ડ શોધાય ?
- જુઓ કોઈ ખાબોચીયામાં પડી હોય તો...
(અંકિત છગ, વેરાવળ)

* ફિલ્મ 'બોબી'ની રીમેઈક બનાવવા ડિમ્પલની જગ્યાએ તમે કોને લેશો ?
- સવાલ એ નથી. સવાલ એ છે કે, રિશી કપૂરની જગ્યાએ કોઈ બીજો ગઠીયો ઘૂસી ન જાય ને હું અહીં એકલો ઊંઘતો ઝડપાઉં...!
(રોહિત દરજી, હિંમતનગર)

* દ્રૌપદીને પાંચ પતિ હતા, છતાં એ 'સતી'કેમ કહેવાઈ ?
- પરિવારમાં પ્રવેશ્યા પછી એણે ભાઈઓ વચ્ચે ઝગડા ન કરાવ્યા માટે !
(સોનલ ભાવસાર, નવસારી)

* રોજ ક્યાંક ને ક્યાંકથી નીકળી પડતા ધાર્મિક સરઘસો વિશે સુઉં કિયો છો ?
- આઝાદી વખતે દેશભક્તિની જ્વાળાઓ ઉત્તેજીત કરતી 'પ્રભાતફેરીઓ'નીકળતી. હવે ભારત દેશમાં કોઈ પણ ધર્મના સરઘસો ભલે નીકળે... દરેક સરઘસ કે યાત્રામાં એમના ભગવાનોની સાથે સાથે તિરંગા રાખવાનું ફરજીયાત બનાવવું જોઈએ.
(શુભાંગી જે. શાહ, અમદાવાદ)

Viewing all articles
Browse latest Browse all 894

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>