Quantcast
Channel: Ashok Dave's Blog
Viewing all articles
Browse latest Browse all 894

'ઇશારા' ('૬૪)

$
0
0
મેં તો આ ફિલ્મ 'ઇશારા'૧૯૬૪માં ૧૨ વર્ષની ઉંમરે જોઈ હતી, એટલે બહુ યાદ ન હોય પણ ઉંમર ૧૨ વર્ષની હોય કે એનાથી ય ૪- ૫ વર્ષ આઘીપાછી, રેડિયો સિલોન તો કાને ચઢાવેલી જનોઈની પવિત્રતા અને ફરજ સમજીને સાંભળતા, છતાં યાદ નથી કે, 'દિલ બેકરાર સા હૈ...'લતાએ 'પણ'ગાયું હતું !

ફિલ્મઃ 'ઇશારા' ('૬૪)
નિર્માતા- દિગ્દર્શક : કે. અમરનાથ
સંગીત : કલ્યાણજી- આણંદજી
ગીતો : મજરૂહ સુલતાનપુરી
રનિંગ ટાઇમ : ૧૫ રીલ્સ
થીયેટર : લક્ષ્મી (અમદાવાદ)
કલાકારો : જોય મુકર્જી, વૈજયંતિમાલા, પ્રાણ, અઝરા, જયંત, સુબિરાજ, સજ્જન, મૃદુલા, સુલોચના (સિનિયર), મુરાદ, પરવિન પૉલ, હરિ શિવદાસાણી, કેસરી, આગા, પ્રતિમાદેવી, શમ્મી, બ્રહ્મ ભારદ્વાજ, રવિકાંત, પ્રેમ સાગર અને અમૃત રાણા.



ગીતો
૧. ચલ મેરે દિલ, લહેરા કે ચલ, મૌસમ ભી હૈ, વાદા... મૂકેશ
૨. દિલ બેકરાર સા હૈ, હમકો ખુમાર સા હૈ... મુહમ્મદ રફી
૩. દિલ બેકરાર સા હૈ, હમકો ખુમાર સા હૈ... લતા મંગેશકર
૪. હેએ અબ્દુલ્લા નાગિનવાલા આ ગયા, જાદુ બનકે લતા- રફી
૫. ચોરી હો ગઈ રાત નૈન કી નીંદિયા... લતા- મહેન્દ્ર કપૂર
૬. નહિ જહાન મેં નાદાન કોઈ હમ સા ભી... લતા- મહેન્દ્ર કપૂર
૭. તોસે નૈના લગા કે મૈં હારી, સારી રાત લતા મંગેશકર
ગીત નં. ૫ની સાખીમાં લતા- રફી બે ય નો કંઠ પણ છે.

લતા મંગેશકરના તમે પૂરબહાર 'ફૅન'હો, તો પણ ઓલમોસ્ટ, શરતની ભૂમિકા પર દાવો કરીશકાય કે, મુહમ્મદ રફીનું દોમદોમ સ્ફૂર્તિવાળું 'દિલ બેકરાર સા હૈ, હમકો ખુમાર સા હૈ...'લતાએ પણ આખું ગાયું છે, એની તમને ખબર નહિ હોય ! મને તો નહોતી જ.

....અને આવા રફી, મૂકેશ કે તલત મેહમૂદે ગાયેલા સોલો લતા મંગેશકરે પણ ગાયા હોય, એવા અનેક ગીતો છે, છતાં ય એક પણ ગીત લતાનું કેમ ઉપડયું જ નહિ ? દા.ત. 'એહસાન તેરા હોગા મુઝ પર...', 'ઓ મેરે શાહેખૂબા', 'મેરે મેહબૂબ તુઝે મેરી મુહબ્બત કી કસમ...'એ જમાનામાં જવલ્લે પણ રેડિયો પર સાંભળવા મળતા નહોતા. શું લતાની ગાયકીમાં ખરાબી હતી ?

સહેજ પણ નહિ.. એનાથી મોટા ગાયક તો થયા પણ નથી. સહુ પોતપોતાના સ્થાને પ્રણામયોગ્ય છે, પણ સંગીતની ઊંચાઈઓ માપવા જઈએ તો લતાની બરોબરીનું તો કોઈ નહિ !

છતાં આવું કેમ કે, જે ગીત મૂકેશ, કિશોર કે તલત મેહમુદે ગાયું હોય, એ પૂરબહારમાં ઉપડયું હોય ને લતાએ 'પણ'એ ગીત ગાયું છે, એની આજ સુધી કોઈને ખબર નહિ ? આ વાક્યના ત્રણ ગીતો યાદ કરો, 'મુઝ કો ઇસ રાત કી તન્હાઇ મેં આવાઝ ન દો,''મેરે નૈના સાવનભાદોં, ફિર ભી મેરા મન પ્યાસા...'અને 'જાયે તો જાયે કહાં, સમઝેગા કૌન યહાં'જેવા ગીતો સોલોમાં લતાએ પણ ગાયા છે, પણ આ વાંચતા જ ઘણાંને નાનકડું આંચકુ આવશે, હેં...? આ ગીત લતાએ પણ ગાયું હતું ? અને એવા તો સેંકડો ગીતોમાં લતા આટલી અમથી ય ઉપડી કેમ નહિ ?

મુંબઈના ફિલ્મ સંગીતની નજીક રહેલા વર્તુળો કહે છે, જે ફિલ્મમાં એને લાગે છે કે, આ સોલો જબરદસ્ત ઉપડવાનું છે, તો એ પોતે પણ ગાય એવી લતાની જીદ રહેતી અને ફિલ્મમાં જરૂરી હોય કે નહિ... પ્રોડયુસરે એ ગીત લેવું જ પડતું. મેં તો આ ફિલ્મ 'ઇશારા'૧૯૬૪માં ૧૨ વર્ષની ઉંમરે જોઈ હતી, એટલે બહુ યાદ ન હોય પણ ઉંમર ૧૨ વર્ષની હોય કે એનાથી ય ૪- ૫ વર્ષ આઘીપાછી, રેડિયો સિલોન તો કાને ચઢાવેલી જનોઈની પવિત્રતા અને ફરજ સમજીને સાંભળતા, છતાં યાદ નથી કે, 'દિલ બેકરાર સા હૈ...'લતાએ 'પણ'ગાયું હતું ! કલ્યાણજી- આણંદજીને નહોતું લતા સાથે બનતું કે નહિ રફી સાથે. પ્રારંભમાં એ લોકોના સંબંધો પૂરા હસમુખા અને લતા પણ ખાસ કરીને કલ્યાણજીભાઈની સેન્સ ઑફ હ્યુમરથી પૂરી ખુશ. પણ લતા સાથે એકવાર બગડયું, એ બધા ઘરભેગા થઈ ગયાના દાખલાઓ ફિલ્મી ગીતોની રેકર્ડ ઉપર લખ્યા છે. ખાસ કરીને અલકા યાજ્ઞિક પછી સાધના સરગમને પ્રમોટ કરવાના મોહમાં કલ્યાણજીભાઈએ લતાને કાયમી ધોરણે ખફા કરી દીધી.

એવું જ મુહમ્મદ રફી સાથે થયું. એકલા મુકેશ ઉપર તો કેટલુ જોર ચાલે ? '૬૯માં 'આરાધના'પછી કિશોર તોફાને ચઢ્યો ને કલ્યાણજીભાઈને ઑક્સિજન મળી ગયો, પણ એ ય બે-ચાર ફિલ્મોના ગીતોની અધકચરી સફળતાથી વિશેષ કંઈ નહિ ! એ જમાનામાં લક્ષ્મીકાંત- પ્યારેલાલ એમના આસિસ્ટન્ટ હતા અને સંગીતની પેટર્ન ઓળખતા ફાવતું હોય તો 'જોહર મેહમૂદ ઇન ગોવા', 'જબ જબ ફૂલ ખીલે'કે આ ફિલ્મ 'ઇશારા'માં કયા ગીતો ઉપર આસિસ્ટન્ટોનો સીધો પ્રભાવ છે એ ઓળખતા વાર નહિ લાગે !

યસ. મૂકેશ પાસે મધુરૂં કામ લેવામાં કલ્યાણજી- આણંદજીના ખભા થાબડવા પડે. આ ગુજરાતી કચ્છી જૈન ભાઈઓએ મૂકેશને વધુ મીઠો બનાવ્યો હતો એ ય સ્વીકારવું પડે, ખાસ કરીને ફિલ્મ 'સરસ્વતીચંદ્ર'ના ગીતોમાં નવાઈ એ વાતની પણ લાગી શકે કે, આ સંગીતકારો સાથે મજરૂહ સુલતાનપુરીએ કામ કર્યું હોય, એવા તો 'રૅર'કિસ્સા હશે. એ વાત જુદી છે કે, બન્ને પાર્ટીઓ સરખી ક્વોલિટીની હોવાથી શ્રોતાઓને ખાસ કોઈ ફરક પડતો નહોતો.

ફરક તો જો કે, જોય મુકર્જી સાથે વૈજયંતિમાલાને જોઈને બહુ મોટો પડી જાય. જોયમુકર્જી મારો મનગમતો ખરો પણ એ સમયની સુપરસ્ટાર વૈજયંતિમાલા સાથે એની જોડી ગળે ઉતરે નહિ. રાજ કપૂર, દિલીપ કુમાર અને દેવ આનંદની પેરેલલ જતી વૈજુએ તો બતૌર હિરોઇન કિશોર કુમાર, મનોજ, પ્રદીપ કુમારો સાથે ય કામ કર્યું છે. આ હીરોલોગોનો વાંધો નહિ, પણ આજની ફિલ્મ 'ઇશારા'જોયા પછી આંચકા ઉપર આંચકા લાગે કે, વૈજુમાં ય કંઈ ટેસ્ટ જેવું હશે કે નહિ ? જે મળી, એ બધી ફિલ્મોમાં કૂદી પડવાનું ?

જો કે, કલા એક તરફ છે અને પૈસો બીજી તરફ. એ જમાનામાં સારી ફિલ્મો કઈ આવતી હતી અને કેટલી આવતી હતી કે, કોઈ પણ નાનામોટા કલાકારને પસંદગીની જાહોજલાલી મળે ? એ કામ નહિ કરે તો બીજા કોઈને એ રોલ મળશે... પૈસા તો એના જ જવાના ને ?

અત્યારે ફરી યાદ આવતું નથી પણ, બહુ વર્ષો પહેલાના મારા લેખમાં એનું આખું નામ લખ્યું હતું. ફિલ્મનગરીમાં આજ સુધી વૈજયંતિમાલાને નામે એક રેકોર્ડ જેવું કંઈક છે, સૌથી લાંબુ નામ હોવાનો ! વૈજયંતિમાલા તો એના આખા નામનો દસમો ભાગ જ છે. ક્રિકેટમાં શ્રીલંકાના પૂર્વ ફાસ્ટ બોલર ચમિન્ડા વાસનું ય એની બૉલિંગના રન-અપ જેવું લાંબુ નામ છે.

નામ આપણા સર્વોત્તમ ખલનાયક પ્રાણનું કેવું ટૂંકુ છતાં વિરાટ છે ! આ 'ઇશારા'જેવી તો અનેક ફાલતુ ફિલ્મોમાં પ્રાણ માત્ર હોય, એ જોવી ગમે, કપડા એને બહુ શોભતા અને વિલન હોવા છતાં ઠાઠમાઠવાળા (અને ખાસ તો, શોભે એવા) કપડાં એ પહેરતો. શરીરનું પ્રમાણભાન (આટલો ચિક્કાર દારૂ અને સિગારેટો રોજેરોજ પીવા છતાં) એના જેટલું બહુ ઓછા અદાકારોએ જાળવ્યું હતું.

એવું પ્રમાણભાન આ ફિલ્મની વાર્તામાં જળવાયું હોત તો જોવી ગમત... પણ એવું ન થયું. આડેધડ પ્રસંગો એવી રીતે જોડી દેવામાં આવ્યા છે કે, તમે ધાર્મિકપણે આ ફિલ્મ જોવા બેસો, તો ય મોઢામાંથી ન નીકળવા જોઈએ, એવા શબ્દો નીકળી જ પડે. માલા (વૈજ્યંતિ)ને નાનપણથી એના ઓરમાન અને વૈભવશાળી પિતા ખેમચંદે (જયંત) બોર્ડિંગ સ્કૂલમાં મોકલી દીધાના વર્ષો પછી માલા પાછી ફરે છે. ઘરમાં એની માતા (પ્રતિમાદેવી), બહેન શશી (અઝરા), ભાઈ દીપ (સુબીરાજ) અને બીજા એક નાનાભાઈ મુન્ના સાથે મોટા બંગલામાં રહે છે.

જયંત વીમા (ઇન્સ્યોરન્સ)ના ગેરકાયદે ધંધો કરવા બદલ જેલમાં જાય છે. પ્રાણને જયંત પોતાનો જમાઈ બનાવવા માંગે છે. પ્રાણ એકની સાથે બીજી ફ્રીના ધોરણે બંને બહેનોને પ્રેમમાં ફસાવવાના વલખાં મારે છે. દરમ્યાન વૈજુ વિજય (જોય મુકરજી) નામના ગરીબના પ્રેમમાં પડી બેસે છે અને બેઠા પછી દર દસમી મિનિટે ઊભી થાય છે. જોય મુકર્જીની તો પછી વાત છે, પણ આપણે ય સમજી શકતા નથી કે બહેનનું વારેઘડીએ છટકી કેમ જાય છે ? ઘડીકમાં પ્રેમ અને ઘડીકમાં જાકારો ! ફિલ્મ ત્રણ કલાકમાં પૂરી કરવાની ન હોત તો આજે ય જોય વૈજુના દરવાજે ઊભો હોત !

યસ. ફિલ્મ જોવાનું એક જમા પાસું એ ય છે કે, સ્ટારકાસ્ટ જાણિતી હોવાથી આપણે લગભગ બધાને ઓળખીએ. અમજદખાનના પિતા જયંત વૈજુના પિતા છે. પ્રતિમા દેવી એટલે 'જ્વેલથીફ'માં દેવ આનંદની મા. સુબિરાજ થોડા વર્ષો પહેલા ગુજરી ગયો, ત્યારે ટી.વી. સિરિયલોમાં આવતો. એક જમાનાની ચાઇલ્ટ આર્ટિસ્ટ બેબી નાઝ સાથે એ પરણ્યો હતો. થોડીઘણી હિન્દી ફિલ્મોમાં એ હીરો તરીકે ય આવ્યો હતો. અઝરા ફિલ્મ 'ગંગા-જમુના'અને 'મધર ઇન્ડિયા'માં હતી.

જોય મુકર્જી- સાધનાની પહેલી ફિલ્મ 'લવ ઇન સિમલા'માં એ સેકન્ડ લીડમાં હતી. હિંદી ફિલ્મોના ગુજરાતી નિર્માતા નાનુભાઈ વકીલના એ પુત્રી થાય. અલબત્ત, માતા મુસ્લિમ હોવાથી અઝરાએ પણ ઇસ્લામ અપનાવ્યો હતો. સજ્જનનો રોલ હંમેશની જેમ અહીં પણ ટૂંકો અને ન હોવા બરાબરનો છે. એ રામુચાચાના કિરદારમાં છે. બબિતાના પિતા હરિ શિવદાસાણી અને બટકો કેસરી પણ નગણ્ય રોલમાં છે. એક જમાનામાં ફિલ્મ 'મલ્હાર'ની જે હિરોઇન હતી, તે પારસી ચરિત્ર અભિનેત્રી શમ્મીએ જીંદગીભર ફાલતુ રોલ જ કર્યા. અહીં એ આગાની પત્નીના રોલમાં છે. શમ્મીનું સાચું નામ તો'નરગીસ રબાડી'છે અને હિંદી ફિલ્મો જોતા ડ્રેસ-ડિઝાઇનર 'મણી રબાડી'નું નામ તમે વાંચ્યું હશે, એ મણી આ શમ્મીની સગ્ગી બહેન થાય. આગાને નામ પૂરતો લેવાયો છે ચરિત્ર અભિનેતા મુરાદ રઝા મુરાદના પિતા હતા અને ઈ.સ. ૧૯૦૪માં જન્મ્યા પછી ૯૩ વર્ષ જીવીને ૧૯૯૭માં ગૂજરી ગયા. ફિલ્મ 'મુગલ-એ-આઝમ'માં એનો પ્રભાવ દેખાય છે અને સંભળાય પણ છે. આ ફિલ્મ જોવામાંથી તમે બચી જાવ એવી શુભેચ્છા.

Viewing all articles
Browse latest Browse all 894

Latest Images

Trending Articles



Latest Images

<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>