Quantcast
Channel: Ashok Dave's Blog
Viewing all articles
Browse latest Browse all 894

સ્ત્રીઓ અને ડ્રાઇવિંગ

$
0
0
- અસોક... હવે મને કે'દિ ગાડી સીખવવી છે ? અમારી કિટ્ટી-પાર્ટીની બધ્ધી મૅમ્બરૂંને ગાડી આવડે છે.. એક મને જ નથ્થી આવડતી.
- એ રહેવા દે. અમદાવાદના ટ્રાફિકમાં ગાડી નહિ, ચાલતા શીખવાની જરૂર પડે છે.
- ખોટા ઢીંગા મારો મા...! તમે હવારથી હાંજ સુધી ગાડીમાં જ ચોંયટા ને ચોંયટા રિયો છો, ને મારે બસુંની લાઇનુંમાં ઊભા રે'વું ?
- હા, પણ બસ ચલાવતા તો તને ન આવડે ને ! બૅટર છે કે, તારે બસમાં પૅસેન્જર તરીકે બેસવું.
- ખોટી લમણાઝીંકુ કરો મા... મને ગાડી શીખવવી છે કે નંઇ... શીધી વાત કરો !

એની ડીમાન્ડ ખોટી નહોતી. અમદાવાદમાં રહેવું ને ઘરમાં ગાડી હોવા છતાં રીક્ષામાં ફરવું, એ વ્યાજબી તો નહોતું. આમ તો, આટલી મોટી બસ કરતા રીક્ષા ચલાવતા શીખવી સહેલી પડે, પરંતુ વાઇફો થઈને રીક્ષા ચલાવે, એ ગુજરાતી હસબન્ડોઝ માટે સારૂં ય ન કહેવાય ! એના પિયરીયામાંથી તો કોઇકે વળી એવું સૂચન કર્યું કે, 'અમદાવાદમાં ટ્રાફિકું એટલા ભયાનક હોય છે કે, તમે હૉર્ન મારીને ગાડીયું હલાવો, ઇ કોઇ નો હાંભરે... માટે અમારી ડીકુને (વાઈફનું ઘરનું નામ) લ્હાયબંબો (ફાયરબ્રિગેડ) ચલાવતા શીખવી દિયો... ટનટનટનટન કરતી ડીકુ નીકળે, તો ટ્રાફિક આઘોપાછો તો થઈ જાય ! બધા ય આઘા રિયે ને જીયાં જાવું હોય, તીયાં જલદી પોંચાય !

આવા ફૅમિલીમાં હું પરણ્યો છું, બોલો !

અમારા સુપુત્રમાં તો બુધ્ધિ પહેલેથી, એટલે એ તો એની માંને કે ઈવન એની વાઇફને ગાડી ચલાવતા શીખવવાની બેવકૂફી કરે નહિ. મેં વર્ષોના અનુભવો પછી વાઇફને અમારા ફ્લૅટની લિફ્ટ ચલાવતા શીખવી છે. લિફ્ટમાં લૅફ્ટ-હૅન્ડ-ડ્રાઇવ હોય અને શૉર્ટ-કટથી લિફ્ટ કદી ન લેવાય, એ બધું શીખવતા સમય તો લાગ્યો હતો. (એ મને પૂછતી કે, 'શૉર્ટ-કટમાં લિફ્ટ બીજા માળેથી સીધી છઠ્ઠા માળે નો લઇ લેવાય ?') છતાં આજે વાઇફ એક હાથે પણ બહુ ઈઝીલી લિફ્ટ ચલાવી શકે છે. કહે છે કે, જે બાળકો નાનપણમાં એક હાથે સાયકલ ચલાવતા શીખ્યા હોય, એમને મોટા થઇને એક હાથે લિફ્ટ ચલાવતા બહુ ઈઝીલી આવડી જાય !

'અસોક, ગાડી શીખતી વખતે શ્રી હનુમાનચાલીસા બોલાય કે નહિ ? અને હું ગાડીમાં બેસીને ગાડી હલાવું કે---'એની લાઇફમાં એ પહેલી વાર સ્ટીયરિંગ પર બેઠી હતી અને સહેજ ડર સાથે મને પૂછી લીધું.

'યસ ડાર્લિંગ... ગાડી તો એના સ્ટિયરિંગ ઉપર બેસીને જ ચલાવવાની હોય... પાછલી સીટ પર બેસીને ન ચલાવાય !... અને સાંભળ, ગાડી તું ચલાવીશ પછી હનુમાનચાલીસા વટેમાર્ગૂઓ બોલશે... આપણે એ બધી મેહનત નહિ કરવાની !'

'તમે સુઉં મને અસોક દવે હમજો છો, તી એટલી બુધ્ધિ ય નો હોય ? હું એમ પૂછતી'તી કે, આંઇ તો બેશી ગઇ... હવે આગર સુઉં કરવાનું છે ?'

મારે એને સમજાવવું પડયું કે, આગળમાં તો ગાડીની આગળ કોઇ ઊભું ન હોય, એ જોઇ લેવાનું ને પછી ગાડી સ્ટાર્ટ કરવાની.

'એક કામ કરો ને ! તમે બહાર નીકરી જાઓ અને આગરથી બધાને આઘા ખસવાનું કહેતા જાઓ... કોઇને આવડીઅમથી ય ટક્કરૂં વાગે, ઈ મને નો ગમે !'

પ્રારંભિક શિક્ષણ પતાવ્યું, એમાં બંને પગ ક્યાં ક્યાં રાખવાના અને સ્ટિયરિંગ એક હાથે નહિ પકડવાનું, તેમ જ ગુરૂજી (એટલે કે, હું) કહું, એ બધું માનવાનું, જેવી પ્રાથમિક માહિતી આપવામાં આવી. ફક્ત એટલું ભૂલી ગયો હતો કે, ગાડી સ્ટાર્ટ થયા પછી સ્ટિયરિંગ ફેરવ-ફેરવ નહિ કરવાનું-જ્યારે વળવું હોય ત્યારે જ ફેરવવાનું ! ને તો ય, એણે અમે જે ગ્રાઉન્ડમાં ગાડી શીખતા હતા, ત્યાં કાઠીયાવાડની ભાષામાં મેળામાં ફજન-ફાળકો ગોળગોળ ઘુમે રાખે, એવા અમે, નહિ નહિ તો ય, બેંતાળીસ-ત્રેંતાળીસ ચક્કરો મારે રાખ્યા હશે.

'અસોક, આમ મજો નહિ આવે. યાદ કરો, આપણે મેળામાં જાંઇ છીં...તીયાં મૌતના કૂવામાં યાદ છે, શામશામી બે ગાડીયું લાકડાના પાટીયાંને ચીટકેલી રઇને ફૂલ-સ્પીડે ગોળગોળ ઘૂમે રાખે છતાં ય, એ એકબીજાને અથડાતી નથ્થી...આપણે આપણી જેમ ગાડી શીખતા બીજા કોઇને બોલાવી રાખવો છે ? ઈ એની ગાડીમાં ને આપણે આપણી ગાડીમાં... શામશામા ગોરગોર ચક્કરૂં મારે રાખવાના...!'

'નો ડાર્લિંગ... ગાડી તારે અમદાવાદના રસ્તાઓ ઉપર ચલાવવાની છે... કોઈ બાળમેળામાં નહિ. એ વાત જુદી છે કે, મૌતના કૂવામાં એક સાથે ફૂલ-સ્પીડે સામસામી ગાડીઓ ચલાવવા કરતા અમદાવાદની સડકો ઉપર કલાકના પાંચ કી.મી.ની સ્પીડે પણ ગાડી ચલાવવી વધુ ભયજનક છે.

વસ્તીવધારો કોઇપણ દેશ માટે ભયજનક છે અને એ ઓછો થવો જ જોઈએ, એ બધી વાતો સાચી પણ, માણસો ગાડી નીચે આવી જઈને વસ્તી ઓછી કરે, એ સૂચન સલાહભર્યું નથી. ઘણા દેશોમાં તો કહે છે કે, વસ્તી ઓછી કરવા સ્ત્રી-ડ્રાયવિંગને ઘણું પ્રોત્સાહન અપાય છે અને ખાસ તો જ્યાં ભીડ વધુ હોય, ત્યાં સ્ત્રીઓને ગાડી 'રીવર્સ'માં લેવાનું આર.ટી.ઓ.વાળા કહે છે. ગાડી રીવર્સમાં લેવાથી એક ફાયદો મોટો થાય છે કે, મહીં બેેઠેલી સ્ત્રીને કાંઇ થતું નથી, પણ પાછળ ઊભેલાઓ સિવાઇ-સંધાઈ જાય છે. ગાડી ચલાવનારને કાંઈ ન થાય, માટે ઍરબૅગ બધી કારોમાં હોય છે, પણ માતાઓ-બહેનો ગાડી રીવર્સમાં લેતી હોય ત્યારે ગાડીની પાછલા ભાગમાંથી કોઇ વિરાટ તંબૂ ઊઘડી જાય ને આજુબાજુવાળાને સમાવી લે, એવી શોધ તો મારા સિવાય કોઇએ હજી વિચારી પણ નથી.

વાઇફનો ઉત્સાહ એટલે સુધી હતો કે, એને ટ્રેન ચલાવવાની હોય તો ય તૈયાર હતી, પણ ટ્રેનોનો પ્રોબ્લેમ એ હોય છે કે, એ પાટા ઉપર ચલાવવી પડે છે અને કાર નીચે પાટા આપ્યા હોતા નથી એટલે સાઇડમાં ઘુસી જવાની શકયતા ખરી. હું એની બાજુમાં બેઠો અને સૂચના મુજબ એણે કાર સ્ટાર્ટ કરી. પહેલી વખત તો બધીઓને ભૂલ થાય (એવું અનેકને ગાડી શીખવતી વખતે મને અનુભવ છે !), એટલે ઍક્સિલરૅટર અને ક્લચ ઉપર પગ રાખવાને બદલે એણે બ્રૅક દબાવી રાખી ને ભ્રુમ...ભ્રુમ... ભ્રુમથી આખું નારણપુરા કાળું ધબ્બ કરી નાંખ્યું. પણ છેવટે તો ગાડી ચાલી. અમે બંને શશી કપૂર અને નંદા સિમલા ફરવા નીકળ્યા હોઇએ, એવા સુંદર લાગતા હતા. (આ નિવેદનમાં ઉત્સાહ અને ભૂલચૂક લેવી દેવી.) હું કાર ચલાવતો હોઉં ત્યારે વાઇફ મારા ખભે એનું માથું ઢાળી દે, એ મને ગમે પણ એ ચલાવતી હોય ત્યારે મારે શું કરવું, એ સમજ ન પડતા, મેં મારૂં માથું બારીની ધારી ઉપર ઢાળી દીધું.

આપણા દેશમાં સ્ત્રીઓ ઍક્સિડૅન્ટ્સ કરે તો પુરૂષો, 'ઈટ્સ ઑર્રાઈટ...'કહીને મોટું મન રાખે છે પણ આવડુંઅમથું ટુણટુણીયું (ઍક્ટિવા) લઇને નીકળેલી છોકરી શું ય જાણે ડામર પાથરવાનું રોડ-રોલર લઇને નીકળી હોય, એવા ફાંકા મારતી હોય. બહુ ઓછાના ધ્યાનમાં આવ્યું હશે કે, સારા ઘરની લાગતી કૉલેજીયન છોકરીઓને નાનકડી ય ટક્કર મારે, એટલે મિલ-વિસ્તારોમાં ય ન બોલાય એવી માં-બેનની ગાળો સાહજીકતાથી બોલી નાંખે છે. આપણા દેશમાં 'આપણો'કદી વાંક જ હોતો નથી, બધો જ સામેવાળાનો હોય છે. ભારતદેશમાં બધા વાંકો ગાડીવાળાના હોય છે, સ્કૂટર કે રસ્તે ચાલનારાઓના કોઇ વાંક જ હોતા નથી. દેશના ટ્રાફિક-પોલીસો જેવી ડૅન્જરસ નોકરી કદાચ બીજા કોઈ ફીલ્ડમાં નથી. ગાડીઓના ધૂમાડાનું ખતરનાક પ્રદૂષણ ચાર રસ્તે આઠ કલાક ઊભા રહીને એમને સહેવાનું. સિગ્નલ તોડીને બેવકૂફીથી ભાગતો બાઇક કે ગાડીવાળો એ ટ્રાફિક-પોલીસને અથડાવીને ભગાવી દે, એમાં ખાટલો તો આ લોકોને ! અને એ જ પોલીસોના સાહેબો જેવી એશો-આરામની નોકરી પણ બીજા કોઈની નથી. આપણા દેશના ટ્રાફિક-પોલીસ કમિશ્નરોની તો પાર્લામૅન્ટના સંસદ સભ્યો ય ઈર્ષા કરે છે... કાંઇ કામ જ નહિ કરવાનો અમારા કરતા વધુ પગાર આ લોકો લઇ જાય છે...! અમદાવાદ જેવા શહેરોના ટ્રાફિક-પોલીસોને એકાદી ડયૂટી જ અપાઇ છે, બૅલ્ટ વગર ગાડી ચલાવતા કે ડ્રાયવિંગ કરતી વખતે મોબાઇલ પર વાત કરનારાઓને પકડવા ! આડેધડ પાર્કિંગ કરીને જતા રહેનારાઓથી માંડીને ટ્રાફિકના નિયમોનું પાલન કર્યા વિના ગમે ત્યાં વાહન વાળી દેતા બેવકૂફો માટે કોઇ સજા નથી. રસ્તા ઉપર ગમે ત્યાં મન નહિ પણ મોંઢું ભરીને થૂંકી લો... કોઇ નામ નહિ લે તમારૂં !

'અસોક... મારે ગાડી નથ્થી સીખવી...!'

'કેમ ?'

'અમદાવાદમાં ગાડી હલાવવી અને માં-બેનની ગાયળું ય નો બોલવી, ઇ પૉશિબલ જ નથ્થી. તમારા ગુસ્સાને ઓકવા માટે કોક વ્યવસ્થા તો જોઇએ ને ? ગાયળું બોલો તો મનનો ગુસ્સો બહાર નીકરી જાય અને રસ્તા માથે કોકની હારે મારામારી નો કરવી પડે. અસોક, હું બ્રાહ્મણની દીકરી છું. મારાથી ગાયળું બોલવાનું નંઇ ફાવે... આ લિયો તમારી કારની ચાવી અને હું તો હવેથી પેલી ટૅક્સીયું નીકરી છે ને... ઇ રીક્સા કરતા ય શશ્તી પડે છે... એમાં આરામથી નો જાઉં...? મારે ગાડી સીખવી જ નથી.'

એ મારી પત્ની હોવા છતાં બુધ્ધિની આટલી ઊંચી વાત...? માની ગયા અશોક દવે તમને...!

સિક્સર

પાકિસ્તાને ઉરીમાં આપણા ૧૮-જવાનોને મારી નાંખ્યા, એ પહેલા કે એ પછી નવાઝ શરીફે ત્યાંના લશ્કરના વડાઓની બેઠક બોલાવી હશે ?

Viewing all articles
Browse latest Browse all 894

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>