Quantcast
Channel: Ashok Dave's Blog
Viewing all articles
Browse latest Browse all 894

'બોમ્બે ટૉકી' (૭૦)

$
0
0
ફિલ્મ : 'બોમ્બે ટૉકી' (૭૦)
 નિર્માતા : મર્ચન્ટ-આઈવરી પ્રોડકશન્સ
દિગ્દર્શક : જેમ્સ આઈવરી
લેખિકા : રૂથ પ્રાવર ઝાબવાલા
સંગીત : શંકર-જયકિશન
ગીતો : હસરત જયપુરી
રનિંગ ટાઈમ : ૧૧૨-મિનિટ્સ : ૧૫-રીલ્સ
કલાકારો : શશી કપૂર, જેનિફર કૅન્ડલ, અપર્ણા સૅન, હૅલન, ઝીયા મોહિયુદ્દિન (પાકિસ્તાની કલાકાર), નાદિરા, જલાલ આગા, અનવર અલી (મેહમુદનો ભાઈ), પિન્ચુ કપૂર, સુલોચના (રૂબી), મિર્ઝા મુશર્રફ, ઇફ્તેખાર અને ઉત્પલ દત્ત.




ગીતો
૧. ગૂડ ટાઇમ્સ ઍન્ડ બૅડ ટાઈમ્સ... ઉષા ઐયર (ઉત્થુપ)
૨. હરિ ઓમ તત્સત, હરિ ઓમ તત્સત... ઉષા ઐયર
૩. તુમ મેરે પ્યાર કી દુનિયા મેં બસી હો જબ સે... મુહમ્મદ રફી
૪. ટીપ ટીપ ટીપ ટાઈપરાઈટર... આશા ભોંસલે-કિશોરકુમાર

ટ્રાફિકવાળા રોડ ઉપર ચાર મજૂરો કોઈ હોર્ડિંગ્સ ઊંચકીને જતા હોય, એ કૅમેરામાં પ્રેક્ષકોને પ્રથમ નજરે તો ટ્રાફિકનો જ એક ભાગ લાગે, પણ હોર્ડિંગ્સ સીધું થાય ત્યારે ફિલ્મ 'બોમ્બે ટૉકી'નું એ વિરાટ પોસ્ટર નજરે પડે. ફિલ્મના પૂરા ટાઈટલ્સ હાથે ચીતરેલા આવા હોર્ડિંગ્સ ઉપરથી બનેલા છે.

આવો ક્રીયૅટિવ આઈડિયા સૌ પ્રથમ શશીકપૂરની આ ફિલ્મ 'બોમ્બે ટૉકી ફિલ્મના દિગ્દર્શક જૅમ્સ આઈવરીએ વાપર્યો.'તે એ પછી આવેલી અનેક હિંદી ફિલ્મોમાં એટલો બધો ચોરાયો કે, મૂળ ચોરી તો જૅમ્સ આઈવરીએ કરી હશે, એવું આપણું બ્રેઇનવૉશ થાય !

ઓકે. આખો લેખ વાંચવામાં તમને રસ જળવાઈ રહે, એટલા માટે ફિલ્મ સાથે જોડાયેલી -વાંચવી જરા ગમે એવી-વાતો કહી દઉં, પછી ફિલ્મ વિશે (જો જગ્યા બચતી હશે તો) લખીશું.

(૧) હોલીવુડની ઇંગ્લિશ ફિલ્મમાં હીરો તરીકે ચમકનાર શશી કપૂર સૌથી પહેલો એક્ટર હતો, એમ તો આઈ.એસ.જોહરે થોડીઘણી ઇંગ્લિશ ફિલ્મોમાં કામ ચોક્કસ કર્યું હતું. પણ એ તદ્દન સાઈડી તરીકે (જેમ કે, Lawrence of Arabia)માં એ હીરો લૉરેન્સ (પીટર ઓ'ટુલ)ને હાથે મરે છે, એ એની 'સિદ્ધિ'!) અલબત્ત, કબિર બેદી, સિમી ગ્રેવાલ અને ફિરોઝ ખાન જેવા અનેક કલાકારો હૉલીવુડમાં આવવા ખાતર આવી ગયા છે, પણ એ બધામાં નામ એકલો શશી કપૂર કમાયો.

(૨) શશી મુંબઇમાં 'ઇંગ્લિશ કપૂર'તરીકે ઓળખાતો. પરણ્યો પણ ઇંગ્લિશ-લૅડી જેનિફર કૅન્ડલને અને 'ધી હાઉસ હોલ્ડર' (લીલા નાયડૂ સાથે), હીટ ઍન્ડ ડસ્ટ (જૂલી ક્રિસ્ટી અને ગ્રેટા સક્ચી સાથે), 'ધી ગુરૂ', 'સિદ્ધાર્થ' (સિમી ગ્રેવાલ સાથે), 'શૅક્સપિયરવાલા' (શશીની ઇંગ્લિશ સાળી, 'ફૅલિસિટિ કૅન્ડલ'હીરોઇન તરીકે... 'ફેસિલિટી'નહિ, ગુરૂ... 'ફેલિસિટી'!) ૩૬ ચૌરંગી લૅન, 'ઇન કસ્ટડી', 'સેમી એન્ડ રોઝી ગૅટ લૅઇડ' (ફ્રાન્સિસ બાર્બર સાથે) ધી ડીસિવર્સ (જેમ્સ બૉન્ડ તરીકે ચમકેલા પિયર્સ બ્રોસ્નન સાથે), 'ઇન કસ્ટડી'શબાના આઝમી સાથે. જે ફિલ્મ ભારતમાં પ્રતિબંધિત હતી તે પાકિસ્તાનના કાયદે-આઝમ ઉપર આધારિત 'જીન્નાહ' (જેમાં ઝીણાનો કિરદાર ડ્રેક્યુલાથી પ્રસિદ્ધ અથવા અળખામણો થયેલો ક્રિસ્ટોફર લિ કરે છે). 'સાઇડ સ્ટ્રીટ્સ' (વૅલેરિયા ગોલિનો અને શબાના આઝમી), 'ધી ડર્ટી બ્રિટિશ બૉયઝ' (જ્યોર્જ ક્રિસ્ટોફર), 'પ્રીટી પૉલી' (હૅઇલી મિલ્સ સાથે)નો સમાવેશ થાય છે.

(૩) ઇંગ્લિશ ફિલ્મ હોવા છતાં એમાં બે ગીતો ઇંગ્લિશમાં અને બે હિંદીમાં રખાયા હતા. ઉષા ઉત્થુપ પરણી નહતી અને શરીરે સપ્રમાણ હતી. એટલે આજે તો તમે એ વખતની ઉષાને ઓળખી ન શકો, એટલી પાતળી પરમાર લાગે. એ પરણી જાની ચાકો ઉત્થુપને એટલે ઉષા ઐયરમાંથી ઉષા ઉત્થુપ બની ગઈ.

ઓડિયન્સે ભલે એને પહેલી વાર અમિતાભ બચ્ચનની ફિલ્મ 'બોમ્બે ટુ ગોવા'માં જોઈ-સાંભળી હોય, પણ એને પારખીને પહેલો ચાન્સ આપનાર શશી કપૂર હતો. આજની ફિલ્મ 'બૉમ્બે ટૉકી'માં ઉષાના બે ગીતો છે.

(૪) મુહમ્મદ રફીના ચાહકો ઘરબાર વેચી દે, તો ય ઉપકાર પૂરો ન થાય, એવું રંગરંગીલું સોલો 'તુમ મેરે પ્યાર કી દુનિયા મેં બસી હો જબ સે, ઝરેં ઝરેં મેં મુઝે પ્યાર નઝર આતા હૈ...'આ ફિલ્મ માટે શંકર-જયકિશને બનાવ્યું હતું. આ ગીત તો રફીના ખૂબ નજીક ગયેલા ચાહક હો તો જ તમારા કલેકશનમાંથી મળી આવે ! ન હોય, તો મંગાવી લેવા જેવું શંકર-જયકિશનીયું ગીત છે !

પણ ચમત્કાર ગણો તો ચમત્કાર પણ શંકર-જયકિશનના આસિસ્ટન્ટસ દત્તારામ અને સેબાસ્ટિયન-એ બે ના નામો તમે વાંચ્યા હશે, એમાંના દત્તારામ રૅકોર્ડિંગ સ્ટુડિયોમાં રફીના કંઠે આ ગીત ગાય છે. આ રેકોર્ડિંગમાં ગીતકાર હસરત જયપુરી પણ કાચી સેકન્ડ માટે જોઈ શકાય છે. ખાસ તો, શંકર-જયકિશન કેવી વિરાટ ઓરકેસ્ટ્રા કન્ડક્ટ કરતા હતા, એ આખું દ્રષ્ય આ ગીતમાં જોવા મળે છે. અફ કૉર્સ, ફિલ્મમાં તો આ ગીત પૂરી એક લાઈને ય ગવાતું નથી.

(૫) જૅમ્સ આઈવરી અને ઇસ્માઇલ મર્ચન્ટ ભાગીદારીમાં ઇંગ્લિશ ફિલ્મો બનાવતા, જેમાં હીરો તો શશી કપૂર જ હોય, પણ દર વખતની જેમ આ ફિલ્મ 'બૉમ્બે ટૉકી'માં પણ અધવચ્ચે એમની પાસેની નાણાની કોથળી ખલાસ થઇ ગઈ... વખત બાવા બનવાનો આવ્યો. શશીએ તો એ બન્નેને દર વખતે ફી નહી લઇને કે ઓછી ફી લઇને મદદો કરી જ હતી, પણ આ વખતે... એની ય કોઈ લિમિટ હોય ને ?

ઇસ્માઇલ મર્ચન્ટ જૅનિફરને વધુ જાણતો હતો. એણે જેનીને કન્વિન્સ કરી દીધી અને એના પતિ શશી કપૂરની જાણ બહાર જરૂરી રકમ શશીના જ ખજાનામાથી જૅનીએ ઇસ્માઇલને આપી દીધી. ફિલ્મ તો પૂરી થઇ ગઈ, પણ શશીને આજ સુધી આ વાતની ખબર પડી નથી !

જો કે, ઇસ્માઇલે એ બધી રકમ જેનીફરને સૂચ સમેત પાછી આપી દીધી હતી.

(૬) પાકિસ્તાની ઍક્ટર ઝીયા મોહિયુદ્દીન પણ ઇન્ટરનૅશનલ-સ્ટાર હતો. આ ઉપરાંત ઝીયાએ પીટર ઓ'ટુલવાળી 'લોરેન્સ ઓફ અરેબિયા'જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું.

(૭) જૅનિફર તો શશીની જ વાઇફ હતી, પરંતુ જૅનીના ફાધર જ્યોફરી કૅન્ડલને આ સંબંધ સહેજ પણ મંજૂર નહતો. એ તો જૅની અડગ રહી, એટલે ડોહાનું કાંઈ ન ચાલ્યું.

(૮) ફિલ્મમાં શશી કપૂરની પત્ની બનતી બંગાળી એક્ટ્રેસ અપર્ણા સેનના કહેવા મુજબ, ફિલ્મના એક દ્રષ્યમાં અચાનક જ તેને કહેવામાં આવ્યું કે, તેને શશી કપૂરને હોઠ પર ચુંબન કરવાનું છે. એ ડઘાઈ ગઈ. પણ એ જ શોટ ખૂબ આસાનીથી આપી ય દીધો.

હિંદી ફિલ્મોમં પ્રથમ ચુંબન વખતે હીરોઇનોમાં આવું ડઘાઇ જવાનું બહુ હોય !... પછી હીરાઓ ડઘાઇ જતા હોય !

મોટા ભાઈ શમ્મી કપૂરે કારકિર્દીના પ્રારંભની સળંગ ૧૮ ફ્લોપ ફિલ્મો આપી. એટલી બધી શશીએ નહોતી આપી, પણ એના નામનું લેબલ 'ફ્લોપ-હીરો'નું બેશક લાગી ગયું હતું. પણ 'આ ગલે લગ જા'અને 'ચોર મચાયે શોર'ની દોમદોમ સફળતા પછી કરોડો કમાયેલા શશી પાસે પૈસો જ પૈસો હતો, જે એને સ્ટેજ અને અર્થપૂર્ણ ફિલ્મોમાં નાંખવો હતો. એ વાત જુદી છે કે, આવી અર્થપૂર્ણ ફિલ્મો શશીબાબાએ જેટલી બનાવી, એમાં દરેક ફિલ્મે એ વધુ ને વધુ કંગાળ થતો ગયો.

એની કોઈ ફિલ્મ ચાલી નહિ. એ ઍક્ટર સારો હતો- પ્રોડયુસર નહિ ! પરિણામે, મોટી મોટી ફાઈવ-સ્ટાર હોટલોમાં માત્ર કલાકારો જ નહિ, લાઇટવાળા કે સાઉન્ડવાળાઓને પણ શશી ફાઈવ સ્ટારમાં જ ઉતારતો. દિગ્દર્શક જેટલા માંગે, એટલા પૈસા ખર્ચતો, લોકો લૂંટી ગયા શશીને. ઇવન આ ફિલ્મ તો અમથી ય ઢંગઢડા વગરની બની હતી. નવાઈ શશી માટે લાગે કે પોતે સ્વયં આટલા વિરાટ ફિલ્મી ફેમિલીમાંથી આવતો હોવા છતાં એકે ય ફિલ્મમાં કમર્શિયલ ઢંગધડો કેમ નહિ ? અહીં એ મુંબઇની ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો સુપરસ્ટાર હીરો વિક્રમ હોય છે. અમેરિકાથી લુસિયા લૅન (જૅનિફર કેન્ડલ) હિંદી ફિલ્મો વિશે પુસ્તક લખવા મુંબઇ આવે છે અને વિક્રમના પ્રેમમાં પડી જાય છે.

વિક્રમની પત્ની (અપર્ણા સેન)થી એને કોઈ ખૌફ નથી, પણ એ આને છોડીને જતી રહે છે. આ બન્નેનો કોમન-ફ્રન્ડ હરિ (ઝીયા મોહિયુદ્દીન) પણ લુસિયાને ઉઘાડે છોગ પ્રેમ કરે છે, પણ લુસિયા એને પ્રેમ નથી કરતી.બીજી બાજુ, પ્રેમમાં પડેલી આ ધોયળી વિક્રમને છોડવા તૈયાર નથી. પણ શશીને પસ્તાવો થતા એ પાછો આવે છે. હરિ શશીનું અપમાન કરવાનો કોઈ મોકો છોડતો નથી અને છેવટે વેરની આગમાં એ શશીના પેટમાં ખંજર હૂલાવી દે છે. ફિલ્મ પૂરી તો થાય છે પણ આ ફિલ્મ બનાવીને ઇસ્માઇલ મર્ચન્ટ કે જૅમસ આઈવરી સાબિત શું કરવા માંગે છે, સંદેશ કયો આપવા માંગે છે કે પૂરી ફિલ્મમાં જોવા જેવું શું છે, એ કોઈ પૂછે તો આ ફિલ્મ સાથે સંકળાયેલું કોઈ કદાચ જવાબ નહિ આપી શકે.

શંકર-જયકિશનના વળતા પાણી તો સમજો ને, '૬૬-'૬૭ પછી શરૂ થઇ ગયા હતા, તો ય ભાંગ્યું ભાંગ્યું તો ય ભરૂચના ન્યાયે આ ફિલ્મમાં આજ સુધી અમર રહ્યું હોય તો રફીનું 'તુમ મેરે પ્યાર કી દુનિયા મેં બસી હો જબ સે...'ઉષા ઉત્થુપના બેમાંથી એકે ય ગીત ફિલ્મમાં પૂરા દર્શાવાયા નથી. હૅલનના ડાન્સવાળું આશા-કિશોરનું 'ટીપ ટીપ ટીપ ટાઈપરાઇટર...'ગીત એ વખતે સિનેમામાં જોયું ત્યારે ફિલ્મમાં હોવાનું યાદ છે, પણ આમાં એ ઉડાડી દેવામાં આવ્યું છે.

આમે ય, આપણને ઇન્ડિયનોને- આપણા માણસોને ઇંગ્લેન્ડ-અમેરિકામાં જોવા કે ઇંગ્લિશ બોલતા સાંભળીને ખુશ થવાની હૉબી તો છે જ. હવે તો કંઇકે ય ઓછું થયું, જેમ કે પરદેશ જવું હવે તો ખાડિયા-રાયપુર આંટો મારીને આવું છું, જેટલું સરળ થઇ ગયું છે, છતાં માનસિક ગુલામી હજી પૂરી ગઈ ન હોવાથી ઇંગ્લિશ ફિલ્મોમાં ક્યારેક વળી કોઈ ઇન્ડિયન જોવા મળી જાય તો લેવાદેવા વગરના ગૌરવો અનુભવવા માંડીએ છીએ. હા. અહીં શશીને જોયા પછી એ ગૌરવ અનુભવવાનો બેશક સહુ ભારતીયને હક્ક છે કે, ઈવન આજે પણ એ કોઈ પણ ઇંગ્લિશ હીરોની સરખામણીમાં વધુ હેન્ડસમ લાગતો હતો. કમર્શિયલ ફિલ્મોમાં કામ કરવું પડયું, એ જુદી વાત છે નહિ તો, એ અભિનયમાં પૂરતો કલ્ચર્ડ કલાકાર હતો. સાથમાં, એ પછી શશીએ જેને પોતાની ઇંગ્લિશ ફિલ્મ '૩૬ ચૌરંગી લૅન દિગ્દર્શિત કરવા આપી, તે અપર્ણા સેનનો અર્થ વગરનો ટૂંકો રોલ અહીં છે. ઉત્પલ દત્ત ખલનાયક તરીકે ટુંકો પણ અસરકારક ઝટકો મારે છે. મેહમુદનો ભાઈ અનવર અલી, આગાનો પુત્ર જલાલ આગા કે શશીનો નાનપણનો દોસ્ત પ્રયાગરાજ પણ દેખાવ પૂરતા આ ફિલ્મમાં છે.

તમે 'બોમ્બે ટૉકી'નથી જોયું... ? તો અભિનંદન.

Viewing all articles
Browse latest Browse all 894

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>