Quantcast
Channel: Ashok Dave's Blog
Viewing all articles
Browse latest Browse all 894

ઍનકાઉન્ટર : 08-10-2017

$
0
0
* 'સ્વચ્છતા અભિયાન'માં પ્રજા કેમ ઉત્સાહી નથી ?
-એ ય જુએ છે કે, માત્ર મોટા પોસ્ટરો અને હૉર્ડિંગ્સ ચોડવા કે ભાષણો આપવા ઉપરાંત રાજ્ય કે કેન્દ્ર સરકારો પોતાનું હાડકું ય હલાવે છે ?
(
પ્રાપ્તિ ઉર્મિશ રીંડાણી, રાજકોટ)

* અમે પોસ્ટકાર્ડ પર સવાલો પૂછીએ છીએ, છતાં જવાબ કેમ નથી મળતો ?
-પોસ્ટકાર્ડ સિવાય કવર કે અંતર્દેશીય પત્રમાં સવાલ પૂછશો કે (૨) સવાલ સાથે બીજું કાંઇ પણ લખશો તો જવાબ નહિ મળે. (૩) તમારૂં પોસ્ટકાર્ડ ભરચક હશે તો કોઇ વાંચવાનું નથી. તમારૂં નામ, સરનામું અને મોબાઈલ નંબર લખવો ફરજીયાત છે.
(
કવિતા સુ. ધારીવાલ, રાજકોટ)

* ભાગ્ય ચઢે કે કર્મ ?
-તમારા ઈખ્તિયાસ્માં હોય એ.
(
નીતિન ઉપાધ્યાય, ભાવનગર)

* 'જીએસટી'આવ્યા પછી પ્રજાનો શું પ્રતિભાવ છે ?
-બધા એકબીજાને પૂછે છે, ''તમને ફાયદો થયો ?''
(
જ્યોતિ સંપટ, મુંબઇ)

* મંદિરમાં ભક્તો પૂરી તાકાતથી ઘંટ કેમ વગાડે છે ?
-દાનની પેટી આખી ઉચકાય નહિ, એટલે એ નથી પછાડતા !
(
દુષ્યંત એન. કારીઆ, મોરબી)

* 'સાવધાન ઈન્ડિયા'માં દર્શાવાતી પોલીસ જેવી ઇમાનદાર ભારતની અન્ય અન્ય પોલીસ ક્યારે બનશે ?
-એમને બેઇમાની કરવી ન પડે, એટલો પગાર મળતો થાય ત્યારે.
(
કલ્પના કંસારા, અમદાવાદ)

* તમને આવી સરસ પત્ની આપવા બદલ સાસુ-સસરાને પગે લાગ્યા હતા કે નહિ ?
-બે પગ જોડીને પગે લાગ્યો હતો.
(
હરિભાઇ ભીમાણી, ગોંડલ)

* દેશમાં આટલી મોટી સંખ્યામાં ઉપદેશકો છે, છતાં માણસ દુ:ખી કેમ થાય છે ?
-કારણ કે, આટલા બધા ઉપદેશકો છે... એક 'ઍનકાઉન્ટર'થી ચલાવી ન લેવાય આ તો એક વાત થાય છે !
(
ઝરીના એસ. લીમડીવાલા, દાહોદ)

* કઇ દક્ષિણા આપવાથી ગુરૂ વધુ ખુશ થાય ?
-હનીપ્રિતને પૂછવાથી  વધું ખબર પડે.
(
ગુલાબ હિંડોચા, રાણાવાવ)

* પહેલાના વખતમાં ફાટેલાં કપડાં ગરીબો પહેરતા અને શરમાતા...આ જે ફેશનને નામે ફાટેલાં કપડાં ખરીદીને લોકો પહેરે છે...
-હાલમાં તો વાત ફક્ત ઢીંચણ સુધી પહોંચી છે.
(
વિશનજી નરભેરામ ઠક્કર, મુંબઇ)

* માનવ જન્મે ત્યારે શું લઇને આવે છે અને મૃત્યુ સમયે શું લેતો જાય છે ?
-ભેંકડો લઇને આવે છે અને જાય ત્યારે ભેંકડા આપતો જાય છે.
(
નાનુભાઇ ઢોડીયા, જલાલપોર)

* મૅડમ બાબલાને રાજગાદીએ બેસાડવા મંડયા છે... પણ લગ્ન-બગ્ન નહિ ?
-બેમાંથી એકે યનો મેળ પડતો હોય તો કહેવડાવજો.
(
ડૉ. અમિત પી. વૈદ્ય, ડેમાઇ)

* આપશ્રીને કેવા સવાલ પૂછવાથી આનંદ આવે તે જણાવશો ?
-આવા નહિ.
(
ભૂપેન્દ્ર ડી. મિસ્ત્રી, અમલસાડ)

* બહુ રૂપીયા થઇ જાય પછી માણસ 'બહુરૂપિયો'કેમ થઇ જાય છે ?
-આમાં મારૂં નામ તો લેતા જ નહિ !
(
જગદિશ ગોહેલ, ગારીયાધાર)

* દૂધના તોતિંગ ભાવવધારા પછી હવે પ્રજાએ નેત્રદાન કે ચક્ષુદાનની જેમ 'દૂધદાન'પણ કરવું પડશે ?
-પહેલાવાળા દાનો મર્યા પછી થાય છે.
(
અનિલ દેસાઇ, ઉમરેઠ)

* દેશમાંથી ભ્રષ્ટાચાર ક્યારે દૂર થશે ?
-છાપાના કે ટીવીના ન્યૂસ જોવાના બંધ કરો. મનને શાંતિ મળશે.
(
મધુસૂદન જોશી, અંજાર)

* શું દરેક પતિ એની પત્નીના મંતવ્યો લેતો હોય ?
-ઘણા તો પોતાની પત્નીના મંતવ્યો ય લે છે !
(
પરેશ પંચોલી, વલ્લભ વિદ્યાનગર)

* આજના નેતાઓ ગાંધીજી જેવી સાદાઇનું જીવન કેમ જીવતા નથી ?
-એવી સાદાઇથી તો હું ય નથી જીવતો.
(
હર્ષદભાઇ વ્યાસ, ભાવનગર)

* પ્રેમિકા સાથે લગ્ન કરીને 'કલાપી'એ પસ્તાવો કર્યો હતો ?
-એ પછી અમારે કોઇ વાત જ થઇ નથી !
(
ભરત ડી. સાંખલા, ડીસા)

* આપણા દેશમાં ધાર્મિકતા વધી રહી છે, રાષ્ટ્રીયતા કેમ નહિ ?
-વાસ્તવમાં હવે ઊલટું થઇ રહ્યું છે. ગત નવરાત્રીમાં વડોદરાની એક સંસ્થામાં પાંચેક હજારની મેદનીએ ગરબા પછી પૂર્ણ અદબ સાથે 'રાષ્ટ્રગીત'ગાયું હતું.
(
અજયસિંહ ચંપાવત, હિમતનગર)

* સ્ત્રીઓ બીજી સ્ત્રીઓના ઘરેણાં જોઇને ઇર્ષાથી બળી જાય છે, તો પુરૂષ શું જોઇને બળે છે ?
-ના. પુરૂષ તો હસી પડે છે, આવી ઘરેણાંથી લથબથ સ્ત્રીના ગોરધનને જોઇને, ''વાઉ... કેવો લલ્લુ બની ગયો ?''
(
વ્રજબાળા પટેલ, દહેગામ)

* 'મન કી બાત'ની જેમ તમારા 'દિલ કી બાત'છેલ્લા રવિવારે ગોઠવી ન શકાય?
-દિલ હમણાં જ રીપૅર થઇને આવ્યું છે ને બિલ ભરવાનું બાકી છે... મારાથી 'બિલ કી બાતે'ય ગોઠવાય એવી નથી.
(
સુનિતા એન. કાચા, શાપુર, જુનાગઢ)

Viewing all articles
Browse latest Browse all 894


<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>