Quantcast
Channel: Ashok Dave's Blog
Viewing all articles
Browse latest Browse all 894

રાજકોટ 'ડીલક્સ'

$
0
0
રાજકોટ હવે સૌરાષ્ટ્રમાંથી બહાર આવ્યું છે, પણ અમદાવાદ ગુજરાતમાંથી બહાર આવ્યું નથી. સાચું પૂછો તો પૈસેટકે રાજકોટ અમદાવાદ-સુરતથી તો ક્યારનું ય આગળ નીકળી ગયું છે... લગભગ નૅશનલ-સિટી બની ગયું છે.

અહીં જેવા જાયગૅન્ટિક અને 'ક્લાસિક'બિલ્ડિંગો અમદાવાદ-સુરતમાં નથી. યસ. શહેરમાં ફરવા નીકળો ત્યારે મુંબઇ જેવી જાહોજલાલી ન લાગે, પણ સુરતનો પૈસાવાળો તમને ઉઘાડેછોગ 'દેખાય'... રાજકોટવાળો બિલિયન-ડૉલર્સનો આસામી હોય તો ય તમને ખબર ન પડે.

એટલું જ કે, એકાદ કરોડની ગાડી લીધી હોય, એટલે વહેલી પરોઢે મૉર્નિંગ-વૉક લેવા રૅસકૉર્સ નવી ગાડી લઇને જવાનું અને વૉક લેતી વખતે જમણા હાથે સાઇડ બતાવીને જ વળવાનું. પરોઢીએ કે સવારે પૈસાનું લગરીકે અભિમાન નહિ... વૉક લઇ લીધા પછી ગરમ ગાંઠીયા ખાવાના જ ! રાજકોટીયાઓને પૈસો માથા ઉપરથી ગયો નથી... અને માથામાં ભરાઇ પણ ગયો નથી..!

સૌરાષ્ટ્રની જે ટિપિકલિટીઝ છે, 'લિયો હાલો...''સુઉં હઇમજ્યા ?''મારા બેનને લઇને કોક 'દિ ઘિરે (ઘરે) આવો... થોડા ગાંઠીયા ખાશું ને થોડો છાંટો-પાણી કરશું !'એ હવે અહીંથી નીકળી ગયું છે. આખા ભારતના વસ્તીવધારામાં એક જમાનામાં રાજકોટનું નામ ઊંચું ગણાતું કારણ કે, બપોરે 'ગમ્મે ઈ ભડનો દીકરો લાખ રૂપિયાનો માલ ખરીદવા આવે... બપોરે કાંટો બાર ઉપર આવી ગયો, એટલે દુકાનના પાટીયાં બેધડક બંધ ! વસ્તીવધારાની આ કસરત જામનગર-પોરબંદરે હજી ચાલુ રાખી છે.

ત્યાંના વેપારીઓ આ ટાઇમે ઘરમાં જ 'ગુડાણા'હોય... એટલે બીજું તે કયું કામ કરે ? પણ રાજકોટ આ રૅસમાંથી નીકળી ગયું છે. હવે બપોરે ૧૨-થી ૪-માં ય રાજકોટ હડીયાપાટું કરતું હોય.... વાઇફ તો બીજી ય આવશે, ઘરાક સામેની દુકાનમાં જતો રહેશે, એ ન પોસાય ! હવે તો, ઘરાક 'હરખો'હોય, તો રાતના બાર વાગે ય રાજકોટનો વેપારી દુકાનના શટર ખોલે ! સુંઉ કિયો છો ? (આ હું નથી પૂછતો... રાજકોટવાળાનું આ બ્રહ્મવાક્ય છે.)

કબ્બુલ કે, રાજકોટવાળા સુરતીઓ જેટલા ખાવા-પીવાના શોખિન નહિ. (અમને કોઇએ આમંત્રણ નથી આપ્યું, એટલે 'પીવાની'બહુ ખબર નથી !) પણ હવે એક ઍવરેજ રાજકોટીયાને લારીગલ્લા કરતા મોંઘી હોટલમાં જવાના વધુ ચહડકા છે. 'બિલ મોટું આવવું જોઇં !'લારીઓ ઉપર આઇસક્રીમ ખાતા રાજકોટીયાને હવે વ્યવસ્થિત એ.સી.માં ટૅબલ-ખુરશી પર યુનિફૉર્મવાળો વૅઇટર આઈસક્રીમ પિરસે, એ અંદાજ ગમે છે.

વૅઇટરને ટીપ સાથે આવેલા મેહમાનના દેખતા જ દેવાની. બિલ ચૂકવવામાં ખેંચાખેંચી અમદાવાદી જેવી નહિ... જેને ખબર હોય કે, આ ખિસ્સામાં પાકીટ નથી, ત્યાં ખેંચેલો હાથ રાખીને, 'હું આપું છું... હું આપું છું'એમ બે વાર બોલીને, 'શું તમે ય યાર... મને તો કદી ચૂકવવા જ દેતા નથી'એવું ખોટા સ્માઇલો સાથે કહે, એમાં ખુશ તો રાજકોટવાળો જ થાય કે, 'હા હોં... આપણું એવું ખરૂં કે, બિલ તો હું જ ચૂકવું !'

શરબતુંમાં ય કાલા ખટ્ટા અને વિમટો અને સૌરાષ્ટ્રના આઇડૅન્ટિટી-કાર્ડ જેવી 'ઠેરીવાળી શોડા' (એટલે બાટલીના મ્હોં પર ચોંટેલી લખોટી દબાવીને ફોડવાની), રાજકુમારે શરૂ કરેલી અને જીતેન્દ્રએ પ્રસિદ્ધ (અથવા બૉર કરેલી) સફેદ પૅન્ટ ઉપર સફેદ શૂઝ પહેરવાની ફૅશન અહીં હજી થોડી ઘણી ચાલે છે.

અહીં સિગારેટ પીનારા ઓછા જોવા મળશે, પણ હથેળીમાં મસળીને માવો ખાનારા ય ચોક્કસ વર્ગ પૂરતા રહી ગયા છે. રાજકોટને એવા પૈસા હાથમાં મસળીને 'ખાઇ નાંખવાની'હવે આદત નથી. અને ખાસ તો, રાજકોટના સારા ઘરના લોકો મસાલા-માવા નથી ખાતા, એટલે ખાતા હોઇએ તો ય કોઇ જોઇ જાવું નો જોઈએ !

કાઠીયાવાડના લાડકા ઉચ્ચારોમાં પહેલા અક્ષર પછી ''આવે, એટલે કે 'રાઇજકોટ', 'ગીલાસ'અને 'ચઇશ્મા'હજી નીકળ્યા નથી, પણ આંઇની (એટલે કે, અહીંની) બે ચીજો પૃથ્વીના અંત સુધી યથાવત રહેવાની છે, એ અહીંના ફાફડા-ગાંઠીયા અને બીજું 'ડીલક્સ' ! સવારે ઉઠતા ગરમાગરમ ફાફડા (અહીં એને 'પાટા'કહે છે...રેલ્વેના પાટા જેવા સીધા હોવાથી !) કાંદા અને છીણ જોઇએ જ. અમદાવાદની માફક ફાફડા સાથે પીળી ચટણીનું અહીં ચલણ નથી. અમદાવાદમાં પચ્ચા ગ્રામ ફાફડા લઇને બે લિટર ચટણી પી જાય !

રાજકોટનું 'આધાર-કાર્ડ''ડીલક્સ'છે. અહીંની હજારમાંથી આઠસો દુકાનો કે રેંકડીઓ (લારીગલ્લા)ના નામ 'ડીલક્સ'હોય અને ગ્રામર કે ઉચ્ચાર રાજકોટના પોતે બનાવેલા. દુકાનના બૉર્ડ પર તમે 'ડીલક્સ'વાંચો, એમાં 'ડીલ-કસ'પણ વંચાય અને 'ડીલક્ષ'પણ વંચાય. દુકાનવાળો ઝાઝું અંગ્રેજી ન ભણ્યો હોય, એટલે પોતે ય ખુશ થતો 'ડીલક્સ'નો ઉચ્ચાર 'દિલકશ'કરે.

આ શબ્દ રામ જાણે કઇ સદીથી રાજકોટને આભડી ગયો છે કે, પાનવાળો ય ડીલક્સ ને વાળ કાપવાની દુકાન પણ ડીલક્સ ! અમે દુનિયાભરની ડિક્શનૅરીઓ ફેંદી વળ્યા, પણ આખા રાજકોટવાળા વાપરે છે, DELUX શબ્દ એકે ય માં ન મળ્યો. આવી ઘણી દુકાન કે લારીવાળાઓને 'ડીલક્સ'નો અર્થ પૂછ્યો, તો એકે ય જાણતો નહોતો... સ્પૅલિંગ પૂછ્યો, તો આ જ ! વાસ્તવમાં સાચો સ્પૅલિંગ છે, Deluxe, એટલે ઊંચી ગુણવત્તાનું અને મોંઘુ ! ગુજરાતીમાં ગાંઠીયાવાળો કાઠીયાવાડવાળો ''ભલે ન મૂકે, પણ ઇંગ્લિશમાં 'ડીલક્સ'ની પાછળ 'e'આવે જ ! આવો જ એક શબ્દ 'ગૅલેક્સી'તો રાજકોટવાળાઓએ હમણાં કાઢ્યો, બાકી ડીલક્સની જેમ ગૅલેક્સીની ય ચારેકોર બોલબાલા હતી.

મોટી હોટલથી માંડીને હૅરકટિંગ સલૂનનું નામે ય 'ગૅલેક્સી' ! ઇંગ્લિશ નામોની બોલબાલા તો બહુ પણ હળીમળીને આ બે જ શબ્દો 'ડીલક્સ'અને 'ગૅલેક્સી' !  બોલાય, એટલે ઘણું ઇંગ્લિશ બોલાય કહેવાઓ !

આનું એક કારણ એ લાગે કે, ઇંગ્લિશના પ્રભાવમાં આખું કાઠીયાવાડ. એ જમાનામાં તો ક્યાં કોઇ ઇંગ્લિશ બોલતું કે સમજતું હતું ? એમાં આ બે શબ્દો ભરાઇ ગયા અને કાઠીયાવાડીઓ ખુશ પણ થતા કે, 'લે...લ્લે... આપણે ઇંગ્લિશ બોયલાં..!'દુકાનનું નામ 'પ્રવિણ વસ્ત્ર ભંડાર'ને બદલે 'ડીલક્સ વસ્ત્ર ભંડાર'માં અડધું ઇંગ્લિશ તો બોલ્યા કહેવાઇએ !

સૌરાષ્ટ્રની ભાષા તો ખૂબ મીઠડી પણ એનો લહેજો એથી ય વધુ મીઠો. ખાટલે મોટી ખોડ એ કે, એમને ઇંગ્લિશ બોલવું બહુ ગમે, પણ એ ખેંચી ખેંચીને માંડ દોઢ-બે વાક્ય પૂરતું ! પછી વગર આમંત્રણે ગુજરાતીમાં પાછા ય આવી જાય.

(તમે પૂરતું ઇંગ્લિશ ન જાણતા હો, એ સમજથી !) એ જે કાંઇ એકાદ-બે વાક્યો બોલે, એના ય ઉચ્ચારો હાલકડોલક થાતી કાઠીયાવાડીમાં ! અને વાક્ય પૂરૂં થાય એટલે, ''સુઉં હઇમજ્યા ?''તો આજે ય ભૂલ્યા વગર આવે ! આપણાથી જવાબમાં જે કાંઇ 'હઇમજ્યા હોઇએ'એ ન કહેવાય, પણ આખા દસ વાક્યો ઇંગ્લિશમાં બોલનારો રાજકોટીયો નીકળ્યો તો આજે ય વાંહે (એટલે કે, છેલ્લે) 'સુઉં હઇમજ્યા ?'તો આવે, જેનું અંગ્રેજી ભાષાંતર હજી શોધાયું એટલે કે બોલાયું નથી.

એવું કૌતુક આજે આખા સૌરાષ્ટ્રમાં હાયલું આવે છે, આખી જીંદગીમાં સમજાય નહિ એવી અટકોનું ! બાકીના ગુજરાતમાં શાહ, પટેલ, ત્રિવેદી, ગજ્જર, સોલંકી, ખાન કે મેહતા જેવી અટકોની બોલબાલા રહી છે, ત્યારે સૌરાષ્ટ્રમાં ઝીંઝુવાડીયા, ડઢાણીયા, કક્કડ, ગઢણીયા, ઊનડકટ, અટકો વાંચવાનો આનંદ તો આવે, પણ આ બધા અમેરિકા-ઇંગ્લૅન્ડ જાય તો ત્યાંના ધોળીયાઓ ઇંગ્લિશમાં લખેલા આમના નામ/અટક વાંચીને કેવા, કેટલા અને ક્યારે ઉચ્ચારો કરી લેતા હશે ? એ લોકોને તો ઇવન ઇંગ્લિશમાં લખેલા Dave માં ય લોચા પડે છે અને ઉચ્ચાર ફક્ત 'ડૅવ'કરે છે.

અને અહીં કોઇને નામથી નથી બોલાવાતા, અટકની પાછળ 'ભા'આય'લગાવવાનો સિલસીલો છે. 'લીંબડીયા ભા'આય... ઘરે કે'દિ આવવું છે ?'લાંબી અટક બોલવાનો કંટાળો કે ટાઈમ બચાવવાની વાત નહિ. ''ઝીંઝુવાડીયા ભા'આય... (ને કદી ઝીંઝુભા'આય નો કિયે !.... ઓલો ફટકારે !) હું તે 'દિ તમારા બેનને લઇને તમારા ઘર વાંહેથી નીકર્યો હતો, પણ ઘર નો મઇલું !''કોઇ દિવસ કાઠીયાવાડ બાજુ જવાનું થાય તો, હે વાંચકો, 'તમારા બેન'નો મતલબ આપણી વાઇફને એની બેન સમજવાની... બાકી તમે કયાં ગામ આખાની બેનુંને લઇને નીકળો એવા છો ? અહીં તો ભાવના સારી કે, તમારી પત્ની, એટલે તમને સ્વીકાર્ય હોય કે ન હોય, બેન તો એની જ થાય... ભલે એ 'ભાઇ'ને જોયા પછી ઘડીભર તમે આંચકે ચઢી જાઓ કે, 'આ ભાઇ આવો પેટીના માલ જેવો લાગે છે, તો બાકીનું ખાનદાન કેવું હશે ? તમને તો કેવળ એની 'બેન'નો જ અનુભવ હોય !

સિક્સર
- અમિત શાહ ભાષણોમાં ય એમના ગુરૂની નકલ કરે છે. ભાષણમાં જે શબ્દ પૂરો થતો હોય, એને લંબાવવાનો... 'ભાઇયો ઔર બહેનોઓઓઓઓ...'
- ગુરૂની દાઢીની છુટક છુટક નકલ થઇ શકે એવી છે, માથાની નહિ !

- ગુરૂ જે સ્થાને છે, એની નકલ ક્યારે ?

Viewing all articles
Browse latest Browse all 894

Latest Images

Trending Articles



Latest Images

<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>