એક ફૂલ ફરવા નીકળ્યું. ચાલતું.
BRTSમાં જવા માટે રસ્તો ક્રોસ કરવો પડે, ચગદાઇ જવાય. તાજો પવન કરી લેવો મોંઘો પડે. આ ઉનાળાના બફારામાં ઠંડી હવા કરતા ઉબેર અને ઓલાના ભાવ ફૂલોને કચડી નાંખે, ત્યાં માણસની શી વેલ્યુ? વળી, પવનો આજકાલ મીટર મુજબ આવતા નથી. શરીર સંપત્તિમાં ચાર પાંદડી અને જીન્સ જેવી એક કળી. ઇન્ડિયામાં જન્મ લેવા છતાં સ્કીન એની ગુલાબી અને મુલાયમ હતી. એ તો પોતે ફૂલ હતું, છતાં મમ્મીએ પરફ્યુમ છાંટી આપ્યું હતું. ભાઇલોગની માફક રસ્તા પર છુટા ફરતા પતંગીયાઓને મામુ બનાવવાનો આ જ એક રસ્તો હતો.
બસ, ઠાઠઠઠારામાં એટલું જ. ફૂલ ફરવા નીકળ્યું હતું, પણ એ કોઇ હવા નહોતું કે, ઘરમાં હોય એ બધી એકસાથે બહાર નીકળી પડે. અને બધી હવાઓ કાંઇ ફરવા નથી નીકળી પડતી... કેટલીક તો હવાફેર માટે ય નીકળી હોય છે. ફૂલોને ચેહરા પર મેઇક-અપની જાહોજલાલી અને વૈભવ નથી મળતા તો ડાળખી અને પાંદડા જેવા ભાઇ-ભાંડુ વગર ઉંમરે ખરી પડવા પાત્ર!
બગીચાનું કલર કામ કરાવવા દેશીયન પેઇન્ટસના કારીગરોને બોલાવવાનુ પોસાય નહિ. ફૂલો તો ચીઝ-બટર પણ ખાય નહિ, એટલે વજનમાં જુઓ ને, કેવા પતલા- પતલા હોય છે? શક્તિ બધી પવન આધારિત. સ્કૂલ- રીક્ષા- ડ્રાઇવરો જેવા પવનના બહુ ફટવેલાં ઝોંકાઓ લઇ જાય ત્યાં જવાનું ક્યારેક નાજુકાઇથી ઉચકેલી સોનાની થાળીમાં મખમલના વસ્ત્ર ઉપર તો ક્યારેક, કલકત્તી ૧૨૦ના પાન ઉપર એક પાંખડી રૂપે ચોંટીને પડયું હોય. 'યે જીના ભી કોઇ જીના હૈ, લલ્લુ..?'
આપણાવાળા ફૂલને તો વૃક્ષ ખાનદાનના મમ્મી-પપ્પાથી છુટા પડીને ભગવાન શંકરના ચરણોમાં કોઇ અડધી કલાક માંડ બેસવા મળ્યું હતું, ત્યાંથી સીધું બહાર આવી ગયું,એ પછી મ્યુનિસિપાલિટીની સરહદો કે ઇ-મેઇલ આઇડીમાં એનું સરનામું નહિ. જેમને સ્વયં પરમેશ્વર ત્યજી દે છે, એમને તો ઘરડાંના ઘરમાં ય આશરો મળે નહિ. રહી આવ્યા હો તો ખબર પડે કે વૃદ્ધાશ્રમોમાં નામનું ય એક ફૂલ કે ફૂલના હાર કદી જોવા ન મળે... જે રહેતા હોય, એમના ઘરમાં એમના ફોટા ઉપર હાર ચઢાવવામાં બધા ફૂલો વપરાઇ ગયા હોય! ફોટા કે કબર પર ચઢાવવાના ફૂલોનો કોઇ ભાવતાલ કરતું નથી... ક્યાં રોજરોજ લેવાના હોય છે?
આ ફૂલ તો સાવ એકલું જ ફરવા નીકળ્યું હતું. ઓર્કિડ અને ટુલિપ સાથે કદી ન હોય. ગુલાબ અને રજનીગંધા સાથે શોભે ય નહિ. આનો મૂડ પણ નહતો. છેલ્લા બે-ત્રણ કલાકથી બાળસખી સુગંધ પણ એને છોડીને જતી રહી હતી. સ્વભાવગત કુંડળીગત કે લક્ષણગત... સુગંધો વેશ્યા જેવી હોય છે અને હંમેશા મોટો મીર જ મારતી હોય છે.
બેન્કના કે એસ.ટી.ના કારકૂનના કપડે તો એ રહે ય નહિ. એને તો કોઇ અમીરજાદો, શાહજાદો, નવાબજાદો કે હરામજાદો જ જોઇએ. એ ગંધાતાની બગલમાં ઘૂસી જતા ય એને કોઇ શરમ નહિ. ફૂલની સંગતમાં એને કમાવાનું શું? ફૂલોને ઇગો-પ્રોબ્લેમ નડે છે. એ પોતાના રંગોની સીરિઝ પર મુસ્તાક થવામાં સુગંધને શીડયૂલ્ડ- કાસ્ટમાં મૂકી દે છે... ! આ જ એક કારણ હશે કે, રૂપ, રંગ અને સુગંધ જેવા થ્રી- ઇડિયટસના પ્રીમિયર- શોમાં ફૂલો એક સ્વાદના સબ્જેક્ટમાં માર ખાઇ ગયા. સ્વાદની સ્પર્ધામાં તો ફૂલો, પિસ્તા, હાફૂસ, સ્ટ્રોબેરી કે દાળવડાં સામે ય હારી ગયા.
કેવળ જહાંગીર આર્ટ ગેલેરીના પેઇન્ટિંગમાં જ શોભે એવી એક સુંદર યુવતીએ નીચા વળીને એને દત્તક લેવાનો પ્રયત્ન કર્યો, પણ સુંઘ્યા પછી મોઢું બગાડીને બેરહેમીથી જમીન પર ફેંકી દીધું. સ્ત્રીઓનું તો તમે જાણો છો. મનભાવન ચીજ લેતી વખતે જમીનની આરપાર ઝૂકી જાય... પણ એને છોડી દેવામાં એ છોડી દીધેલાને ઝૂકાવે. ફૂલની જેમ હાથમાંથી છોડી દીધેલી ચીજો સ્ત્રીઓને એમના પગ પાસે પડેલી જોવી ગમે છે... મસળવા માટે એકજ કદમ કાફી!
આ ફુલ દેખાવમાં હેન્ડસમ, લેગસમ કે શોલ્ડરસમ... બધું હતું. સેક્સી પર્સનાલિટી, એટલે છોકરીઓ બહુ મરતી. પણ પ્રેમ પૂરો થઇ ગયા પછી, કેટલીક છોકરીઓ, પોતાની ડાયરીના બે પાના વચ્ચે સનમની લાશને ફૂલ નહિ તો ફૂલની પાંખડી સ્વરૂપે જાળવી રાખતી હોય છે. મનુષ્યમાંથી હવે ચીમળાયેલું ફૂલ બની ચૂકેલા એના સ્વ. ગોરધનને ડાયરીના બે પાનાની વચ્ચે આણે ફ્લેટ અપાવ્યો હોય છે. ઘણી પ્રેમિકાઓના તમામ ફ્લેટો પૂરા ભરાઇ ગયા હોય છે. પાને- પાને ફૂલના પત્તાં! કેટલાક પ્રેમો મર્યા પછી આ રીતે અમર રહે છે.
'આશિક કા જનાજા હૈ બડી ધૂમ સે નીકલે...!'દર મહિને મકાન- માલિક ભાડું ઉઘરાવવા આવે, એમ યુવતીઓ ય પોતાનો ચીમન યાદ આવે ત્યારે ડાયરીનું એ ગોઝારૂં પાનું ખોલીને એકાદ આંગળી અડાડી જુએ છે. પેલો વર્ષોથી ચીમળાયેલો પડયો હોય, તો ય આ પાછી ગાય, ''ક્યૂં ઝૂઠે સે પ્રિત લગાઇ, ક્યું છલીયે કો મિત બનાયા, ક્યું આંધી મેં દીપ જલાયા...?''જે લાઇનો પેલાએ મહીં પડયા પડયા ઓછા ઓક્સિજને ગાવાની હોય, એ આવી આ, ''થૂપ્પીસ... હવે મારો દાવ...!''કરતી ગાવા માંડે, એમાં પેલો મહીં પડયો પડયો ચીમળાઇ લીધા પછી ય ચીમળાયે રાખે છે.
ફરવા નીકળેલું આ ફૂલ થોડું થાક્યું હતું. ફૂલો બગીચામાં સવારે ચાલવા નથી નીકળતા, એટલે આના ય શરીરમાં કળતર શરૂ થઇ ચૂકી હતી, જેને મનુષ્યો 'ઘડપણ'અને ફૂલો 'ફૂલપણ'એટલે કે 'કરમાવાનું'નામ આપે છે. એક પાંદડીની ધાર છોલાઇને સહેજ કાળી પડી ગઇ હતી ને બીજી-ત્રીજી-ચોથીનો કોઇ ભરોસો નહિ. જીવન સાંજ સુધીનું કન્ફર્મ્ડ હતું...સિવાય કે, મોર્નિંગ- વોકરોની હડફેટે ન ચઢે...! એને ભય એ હતો કે, ''પ્રભો મને જ્યારે મારવું હોય ત્યારે મારજે...પણ તારે એટલે કે ઇશ્વરને ખાતર પણ મને 'લાફિંગ-ક્લબ'ના 'હાહાહિહિહૂહૂ'વાળાઓના પગ નીચે ન ચગદાવતો. હું મરતું હોઉં ને ઉપર આ લોકો હાથ ઊંચા કરી કરીને 'હાહા-હિહિ-હૂહૂ'કરતા હોય, એ તો ઇન્સલ્ટ થયું ને, ભોળાનાથ?
બીજી બાજુ, આડે રસ્તે ચડી ગયેલા અને પીળાં પડી ગયેલા સુકા પાંદડા ફક્ત ચાલવાના જ નહિ, દોડવાના ય શોખિન. ગાર્ડન એમના પિતાનું હોય એમ પવનને ઝપાટે- ઝપાટે ઘાસને અડી અડીને દોડાદોડ કરતા હોય. ઘસડાવાનો અવાજ બહુ કરે. સૂકા પાંદડા ઉપર જરા અમથો પગ મૂકી જૂઓ, 'કડડડડ...કટ'બોલશે. ફુલ તો ચગદાઇને પણ ઉફ્ફ...નથી કરતા, ત્યાં ઘસડાઇને પણ હરવા-ફરવાનું તો ક્યાં નસીબમાં હોય?
એક વખત તો પપ્પાના ઘરે ઝાડ ઉપર પાછા ફરવાની એને ઇચ્છા થઇ આવી, પણ પપ્પાને જગત ઝાડ કહે છે અને જગતભરના ઝાડો પર્વત જેવા હોય છે. એક વખત નદી નામની દીકરીને વળાઇ દીધા પછી એની સામે ય જોતા નથી.... (સંદર્ભ: જલન માતરી) ('કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય, નિજ ઘરેથી નીકળી નદી પાછી વધી નથી.') વૃક્ષો રોજ સવારે પોતાના ફૂલોને સ્કૂલે મૂકવાના હોય એમ છુટાં મૂકી દે છે.. મૂકી દીધા પછી છોકરૂં સ્કૂલે પહોંચ્યું કે નહિ.. દઇ જાણે...!
એમને તો આના જેવા કેટલાય ભાઇ-ભાંડુઓને રોજ સવારે છુટા મુકવાના હોય એ સ્વભાવે ય એમનો આકરો. એક વખત ઘરમાંથી ફેંકી દીધા પછી પપ્પા ક્યારેય પોતાના સંતાનોને પાછા ઉપર બોલાવી લેતા નથી. ફૂલ અને નદી - બંનેના જન્માક્ષર ભલે જુદાં હોય, પણ ભાગ્ય બંનેના સરખા. પિતાનું ઘર છુટયું પછી પાછું જવાય નહિ. એમને રસ એમનો મત-વિસ્તાર વધારવા પૂરતો. ફૂલ અને નદીને તો જીવે ત્યાં સુધી 'સર્વાઇવલ'નો સવાલ હોય છે - એટલે કે તૂટી- છુટી ગયા પછી અસ્તિત્વનો કોઇ ભરોસો નહીં. નદીને તો સાગરસમું સાસરૂં મળી જાય છે, પણ ફૂલનું બેસણું પરમેશ્વરના ચરણો કે માણસોના જૂતાં સુધી! વૃક્ષ કે પહાડને આ પ્રોબ્લેમ નહિ. શ્રદ્ધા ગમે તેટલી હોય, કોઇ ઇશ્વરભક્ત આખું ઝાડ પ્રભુને ધરાવવા લઇ જતો નથી. પહાડ પોતે કદી કોઇના બ્લેઝર કે કોટના બટનમાં ટીંગાતો નથી. સુઉં કિયો છો?
..ને આ ફૂલ તો પપ્પાનું ત્યજી દીધેલું અનૌરસ સંતાન હતું. 'હરે કૃષ્ણ... હરે કૃષ્ણ'કરતા કોઇ દાદીમાં કારમાં બેસીને આવ્યા... એને ઠાકોરજીના માથે ચઢાવવું હશે તે ડાળીમાંથી એવું ખેંચી કાઢ્યું કે... શીટ...! કોઇ તમારા કાનનો વાળ ખેંચી કાઢે તો કેવી વેદના થાય? પણ એમની અશક્ત હથેળીમાં એ સચવાયું નહિ અને પડી ગયું.. !આ ક્યાં નોર્મલ ડીલિવરી હતી...! સિઝેરિયન હતી, એટલે સીધું પેટમાંથી ખેંચી કાઢવામાં પ્રેમ કરતા સાયન્સનો ફાળો મોટો હતો. દાદીમાના હાથમાંથી ભોંય પર પડીને એ એમની સામે જોતું રહ્યું.. એમનું તો ધ્યાને નહોતું. એમણે એને પડતું મૂકીને બીજુ ખેંચી કાઢ્યું. આ બચી ગયું તો એનો ભાઇ મર્યો...!
આપણી આ સ્ટોરીના હીરો એવા આ ફૂલને અફસોસ એ થતો હતો કે હમણાં વેલેન્ટાઇન-ડે ગયો અને કોઇએ એને છાપેલા ફૂલવાળું કાર્ડ પણ ના મોકલ્યું ! આજે એ બા ઉપર ખીજાયું...! સાચી વાત એ હતી કે એને એક ડાળી સાથે પ્રેમ થઇ ગયો હતો. કમનસીબે ડાળી બેવફા નીકળી. એ તો કોઇ વોટ્સએપ મેસેજ ફૂલના હાથમાં આવી ગયો ત્યારે ખબર પડી કે, ભલીભોળી લાગતી ડાળી કોઇ ઝાડના થડના પ્રેમમાં પડી ગઇ છે.
ફૂલ અકાળે કરમાઇ ગયું. જગતમાં ફૂલ-ઝાડની જોડી હોય, થડ ને ડાળખીની જોડી હોય કદી? ખૂન્નસમાં ને ખૂન્નસમાં એણે મોર્નિંગ- વોકમાં નીકળેલા એક કાંટા સાથે લગ્ન કરી લીધા.
આ ફૂલ અને કાંટામાં સાઉથ કોણ હતું અને નોર્થ કોરીયા કોણ હતું, તેની ટીવી- ન્યૂસ ચેનલોવાળાઓને ય ખબર નથી.
...એટલી ખબર છે કે, આમાના ફુલ અને કાંટા જે દિવસે વિફર્યા, એ દિવસે દુનિયાના બાગ-બગીચા ઉજડી જશે !
સિક્સર
- મોદી જે કાંઇ બોલે/કરે છે, એનો આંખ મીંચીને રાહુલ વિરોધ કરે રાખે છે.
સિક્સર
- મોદી જે કાંઇ બોલે/કરે છે, એનો આંખ મીંચીને રાહુલ વિરોધ કરે રાખે છે.
- એક વાર મોદીએ નિવેદન આપવું જોઇએ, ''રાહુલજી બહુ ઇન્ટેલીજન્ટ માણસ છે..!'
- બોલો! રાહુલજી ઇન્ટેલિજન્ટ હોવાનો વિરોધ કરશે કે માણસ હોવાનો?