Quantcast
Channel: Ashok Dave's Blog
Viewing all articles
Browse latest Browse all 894

દુલ્હન એક રાત કી

$
0
0
ફિલ્મ : 'દુલ્હન એક રાત કી' ('૬૭)

નિર્માતા : તક્ષશીલા- મુંબઇ
દિગ્દર્શક : ધરમદેવ કશ્યપ
સંગીતકાર : મદન મોહન
ગીતકાર : રાજા મેંહદી અલીખાન
રનિંગ ટાઇમ : ૧૭૦- મિનીટ્સ : ૧૪- રીલ્સ
થીયેટર : રૂપમ (અમદાવાદ)
કલાકારો : નૂતન, ધર્મેન્દ્ર, રહેમાન, કન્હૈયાલાલ, જ્હાની વૉકર, લીલા ચીટણીસ, તબસ્સુમ, મુમતાઝ બેગમ, મલ્લિકા, અમર, હલન, લક્ષ્મી છાયા, પદ્મા, સુજાતા અને નિરંજન શર્મા.

ગીતો
૧. મૈને રંગ લી આજ ચુનરીયા, સજના તેરે રંગ મે..... લતા મંગેશકર
૨. એક હંસિ શામ કો, દિલ મેરા ખો ગયા, પહેલે અપના..... મુહમ્મદ રફી
૩. કઇ દિન સે જી હૈ બેકલ, અય દિલ કી લગન અબ લે ચલ..... લતા મંગેશકર
૪. કિસી કા કુછ ખો ગયા હૈ, જીસ કી યે શય હૈ વો આ કે..... મુહમ્મદ રફી
૫. આપને અપના બનાયા, મેહરબાની આપ કી..... લતા-મહેન્દ્ર કપૂર
૬. હમાર કહા માનો રાજાજી, ઓ રાજાજી..... આશા-ઉષા
૭. સપનોં મેં અગર મેરે, તુમ આઓ તો સો જાયેં..... લતા મંગેશકર
૮. કભી અય હકીકત-એ-મુન્તઝિર, નઝર આ લિબાસે..... લતા-સખીઓ
૯. જીંદગી દુલ્હન હૈ એક રાત કી..... ભૂપેન્દ્ર
૧૦. ઘાયલ હિરનીયા વન મે..... ભૂપેન્દ્ર
(નં.૮ ડા.ઇકબાલની રચના છે. જ્યારે નં.૯ પંડિત ગોપાલપ્રસાદ 'નીરજે'લખ્યું છે.)




ફિલ્મ 'દુલ્હન એક રાત કી'માં હીરો ધર્મેન્દ્રનું નામ 'અશોક'હોય છે. મેં ઘણી તપાસો કરાવી કે, ખૂબ સ્માર્ટ અને હન્ડસમ યુવાનોના નામ 'અશોક'જ કેમ રાખવામાં આવે છે.. (જવાબ એવો મળ્યો કે, કોક અપવાદ તો હોય જ !)

અમદાવાદના ખૂબ સન્માન્નીય ટીવી-કલાકાર પ્રભાકર શુક્લએ 'દુલ્હન એક રાત કી'મદ્રાસના કોઇ થીયેટરમાં જોયું હતું. એ ઊભા હતા, ત્યાં કોક અજાણ્યો મદ્રાસી મળવા આવ્યો. શક્લ-સુરતથી સાઉથ ઇન્ડિયનો સામે બાકીના ઇન્ડિયનો ઓળખાઇ જાય, એ ધોરણે પ્રભાકરને મુંબઇનો ધારીને પેલાએ પૂછ્યું, 'બમ્બઇ...?'શુક્લએ હા પાડી, એમાં પેલાએ કાચી સેકન્ડ બગાડયા વિના પૂછી લીધુ, ''ધર્મેન્દ્ર તેરી મા....?'' (તમિલમાં 'તેરી મા'નો અર્થ થાય ''ઓળખો છો ?'') મદ્રાસી ધર્મેન્દ્રનો દીવાનો હતો, એટલે પહેલી વારમાં પ્રભાકરને સમજ ન પડી, એટલે બીજી, ત્રીજી વાર એ જ પૂછ્યું, ''ધર્મેન્દ્ર તેરી મા...?''આ કંટાળ્યો. આઘાત પણ લાગ્યો કે, સાલો કોઇ પુરૂષ કોઇની માં કેવી રીતે હોઇ શકે ? ચોથી વાર પેલાએ પૂછ્યું, એટલે કહી દીધુ, ''ધર્મેન્દ્ર મેરી માં...તો હેમા માલિની તેરી માં...!''

ધર્મેન્દ્રના આવા એક ચાહક મુંબઇમાં પણ રહેતા હતા, જેમનું પવિત્ર નામ છે, ''મુહમ્મદ રફી.''રફી સાહેબે ઑન રૅકૉર્ડ કીધું છે તે મુજબ, એમના સૌથી પ્રિય હીરોમાં નંબર વન શમ્મી કપૂર, બીજા નંબરે અમિતાભ બચ્ચન અને ત્રીજો શમ્મી કપૂર. સંગીતકાર જયકિશન, રફી અને શમ્મી કપૂર દર રવિવારે મુંબઇના ચર્ચગટ પર આવેલી 'ગલૉર્ડ'રેસ્ટરાંમાં નિયમિત બેસતા. જયના મૃત્યુના એકાદ વર્ષ સુધી એ રેસ્ટરાંવાળાએ આ ત્રિપૂટીવાળું ટેબલ Reserved for Jaikishan નામનું બૉર્ડ મારીને રીઝર્વ્ડ રખાવ્યું હતું.

બાય ધ વે, ઇસ્લામમાં સાચો શબ્દ 'મુહમ્મદ'છે, જેની ઘણા મુસલમાનોને પણ ખબર નથી. ફિલ્મોમાં ખોટો ઉચ્ચાર મોહમદ કે મહમદ થાય છે. કાઠીયાવાડી મુસલમાનો તો એનાથી ય આગળ વધીને 'મુહમ્મદ'નો અપભ્રંશ કરીને 'મામદ'કરી નાખ્યું છે. ઉર્દુના માન્ય શબ્દકોષ મુજબ સાચો શબ્દ અને ઉચ્ચાર પણ 'મુહમ્મદ'જ છે. બીજી એક વધારાની માહિતી એ કે, આખી દુનિયામાં સૌથી વધુ, 'મુહમ્મદ'નામવાળા માણસો છે. ધર્મેન્દ્ર મૂળ તો પંજાબી જાટ અને દેહાતી માણસ, ખાસ ભણેલો નહિ. વ્યવહાર- વર્તનમાં પણ અમિતાભ બચ્ચનો કે શશી કપૂરો જેવી ડીસન્સી ન આવે. આવ્યો ત્યારે ખૂબ સીધો માણસ હતો, પણ ફિલ્મ 'ફૂલ ઓર પથ્થર'માં મીના કુમારીએ વારા મુજબ (અથવા રાબેતા મુજબ) ધરમાને ય લપેટમાં લઇ લીધો અને બન્નેનું પ્રેમપ્રકરણ લાંબુ ચાલ્યું. બસ, એ પછી ધર્મો ય મીનાકુમારીના રસ્તે નીકળી પડયો... 'ડૂંગરે ડૂંગરે કાદૂ તારા ડાયરા'ની જેમ સ્ત્રીઓના મામલે ધરમ કંઇક વધુ પડતો 'ધાર્મિક'બની ગયો. એ વાત જૂદી છે કે, ફિલ્મનગરીમાં ક્યો એવો કે એવી હીરો-હીરોઇન છે, જે એકથી સંતોષ પામ્યા હોય ? આપણને ખબર નથી, ત્યાં સુધી જ બધા મહાત્માઓ, બાકી લિસ્ટો લાંબા થાય. એ મામલે મહાન અભિનેત્રી નૂતન સાંગોપાંગ સીધી સ્ત્રી હતી. લફરૂં-બફરૂં તો બહુ દૂરની વાત છે, પણ ફિલ્મ 'દેવી'ના સૅટ પર સંજીવ કુમારને નૂતને બધાની વચ્ચે લાફો મારી દીધો હતો....સંજીવ નિયમિતપણે હવા ફેલાવતો હતો કે નૂતન એના પ્રેમમાં છે. નૂતન આમે ય સ્વિત્ઝરલેન્ડમાં ભણેલી ઉચ્ચ સંસ્કારની સ્ત્રી હતી. સુંદરતામાં મધુબાલા કે નંદા કે આશા પારેખ જેવું ગ્લમરનું તો નામ પણ નહિ, છતાં ય એ કહેવાઇ તો સુંદર જ...કારણ કે હતી સુંદર. આપણી માં જેવી સુંદર, બાકીની હીરોઇનો આપણી સાળીઓ જેવી સુંદર હોય...! આ તો એક વાત થાય છે !

નૂતન, ધર્મેન્દ્ર અને રહેમાનની આ જ ત્રિપૂટી ફિલ્મ ''દિલને ફિર યાદ કિયા''માં રીપિટ થઇ. બાકી નૂતન-ધરમે અગાઉ 'સુરત ઔર સીરત'(૬૨) અને 'બંદિની'('૬૩)માં સાથે કામ કર્યું હતું. એ વાત જુદી છે કે, એ જમાનામાં ધર્મેન્દ્ર દારાસિંઘ જેવો વધારે લાગતો. ધર્મેન્દ્રનો આગ્રહ રહેતો કે, દરેક ફિલ્મમાં તેને એક વાર ઘોડા ઉપર કે જીપમાં બેઠેલો બતાવવો જ. શશી કપૂર દરેક ફિલ્મમાં એક વાર સફેદ કપડાં પહેરે, રાજકુમાર મફલર અથવા સફેદ શુઝ પહેરે. મુમતાઝે એક વખત કેસરી રંગની સાડી કે ડ્રેસ પહેરવો જ પડે. દેવ આનંદ હીરોઇનને ભેટયા વિના મૂકે નહિ અને તે પણ ભેટવાનો એક શાટ દેવના ખભા પાછળથી લેવાનો. રાજ કપૂરની ફિલ્મોમાં જ્યાં એના ભૂતકાળની અંગત વાત આવે ત્યારે બકગ્રાઉન્ડમાં આર.કેનું થીમ મ્યુઝિક વાગે. દિલીપ કુમારે સંવાદ બોલતી વખતે એક વાર તો ગાલે હાથ મૂકવો પડે.

'દુલ્હન એક રાત કી'ફિલ્મ એ સમય પ્રમાણે સમાજને બહુ ગમે એવી વાર્તા લઇને નહોતી આવી, એટલે ન ચાલી. વાર્તા ય વિશ્વવિખ્યાત સાહિત્યકાર ટોમસ હાર્ડીની નવલકથા Tess of the d'Urberville પર આધારિત હતી. એક અંધ પણ કરોડપતિ વિધવા (મુમતાઝ બેગમ)નો દીકરો (રહેમાન)માં ની સેવા કરવા રાખેલી નર્સ (નૂતન) ઉપર બળાત્કાર કરીને એને પ્રસૂતા બનાવીને છોડી દે છે, પેલીને સંતતિ તો થાય છે, પણ બાળક મરી જાય છે. એ પછી એકલી ઉછરતી આ નર્સને પ્રેમી (ધર્મેન્દ્ર) તો મળી જાય છે, પણ પેલો બળાત્કારી અને એનો ભૂતકાળ એનો પીછો છોડતા નથી. છેવટે બધું જે શી ક્રસ્ણ થાય, એ તો અપેક્ષિત હોય! ફિલ્મ કાંઇ બુરી નહોતી... ઑન ધ કાન્ટ્રારી, સારી હતી. પણ આજ સુધી એના લીલા લિસોટા આપણા કાનો ઉપર છોડી ગયું હોય તો એનું કેવું...કેવું...કેવું...મીઠડું સંગીત ! એક પણ ગીત નબળું નહી, એ તો જાવા દિયો પણ એક એક ગીત સીડી લૂછી લૂછીને કબાટમાં સાચવી રાખવા જેવું ! મદન મોહન તો હતો કમનસીબ કે 'વો કૌન થી'સુધી મોટા બૅનરની કોઇ ફિલ્મ કે મોટા હીરોવાળી ફિલ્મો નહિ મળવાથી ફિલ્મો ફ્લૉપ જતી એમાં એ ય હણાઇ જતો ! મદન મોહને કબૂલ પણ કર્યું છે કે, એના સંગીત ઉપર ઓપી નૈયરનો પડછાયો લાંબો હતો. રફીનું, 'એક હંસિ શામ કો, દિલ મેરા ખો ગયા..'ગીત નૈયરની બેઠ્ઠી પૅટર્ન પર બનાવ્યું હોવાની જાણ અને સંમતિ મદને ઓપી પાસેથી લઇ લીધી હતી. ઓપીની પૅટર્ન એટલે એના મોટા ભાગના ગીતોના મુખડા કે અંતરાઓમાં એક એક ઝટકો આવતો રહે. જેમ કે, 'બહોત શુક્રીયા, બડી મેહરબાની...'માં 'કદમ ચૂમ લૂં...'પછી નો 'યા સાંભળો. ઝટકો એ અર્થમાં કે ઓપી કોઇ એક શબ્દ કે પછી દર બીજે-ત્રીજે શબ્દે મોટું વજન મૂકી દેતા.'ઊંડે જબ જબ ઝૂલ્ફે તેરી..'માં હવે સાંભળો, ''...કંવારીયો કા દિલ મચલે''અથવા ઓ મુઝે દેખકર આપ કા મુસ્કુરાના..'માં શરૂઆતનો 'ઓ...'જ વજનદાર (મૂર્કી જેવો લાગે) બનાવ્યો છે. સૌથી મોટો દાખલો 'તારીફ કરૂં ક્યાં ઉસકી, જીસને તુમ્હેં બનાયા...!'નો છે. એ જ પેટર્ન પર મદન મોહને 'એક હંસિ શામ કો...'માં 'શામ કો...'નો ઝટકો હવે તપાસી લો.

'અયમેરે વતન કે લોગોં...'ખતરે મેં પડી આઝદી'નો ઢાળ અહીં લતાના 'સપનો મેં અગર મેરે...'ગીતના 'બીતી હુઇ વો યાદે, હસતી હુઇ આતી હૈ....'ને મળતો આવે છે. આજની ફિલ્મોમાં આઇટમ-સૉંગ્સને નામે નૃત્યકલાનો બહુ ભારે ધ્વંસ થયો છે. શાસ્ત્રોક્તતા તો બહુ દૂરની વાત છે, પણ આજના ડાન્સીઝમાં બૅઝિક્સ પણ જળવાતા નથી, ત્યારે આપણા જમાનામાં હૅલન કે કક્કુના ડાન્સીઝ યાદ કરીએ ત્યારે એ લોકોની કિંમત સમજાય છે. અહીં બદ્રીપ્રસાદના નૃત્ય-નિર્દેશનમાં હૅલન અને લક્ષ્મી છાયા, તેમ જ સુજાતા અને પદ્માના બે નૃત્યગીતો પર આફ્રીન થવાય એવું છે. 'હમાર કહા માનો રાજાજી...'અને 'કભી અય હકીકત-એ-મુન્તઝીર, નઝર આ લિબાસે-મજાજ મેં, કે હજાર સજદે તડપ રહે હૈં તેરી જબીન-એ-નિયાજ મેં...'એ ડા.ઇકબાલની રચનાને મદન મોહને મધુરી કવ્વાલીના ફૉર્મમાં બનાવી છે. ઇશ્વરને સમર્પિત શબ્દો સરસ છે કે, હંમેશા ઇશ્વર સ્વરૂપે રહેતા ભગવાનને ક્યારેક મનુષ્ય અવતાર લઇને ધરતી પર અવતરવાની વિનંતિ કરવામાં આવી છે કે, હજારો લોકો નમાજ પઢી-સજદા કરીને તારી પ્રતિક્ષા કરી રહ્યા છે.

યસ. હિંદી ફિલ્મોમાં ચિત્રગુપ્ત જેવા યુગલગીતો અન્ય સંગીતકારે જવલ્લે બનાવ્યા છે, તો મદન મોહન યુગલ ગીતોમાં જ માર ખાઇ જતા. મોટા ભાગે એમની ફિલ્મોમાં નિર્માતાઓ પણ યુગલ ગીતો ટળાવતા. અફ કૉર્સ, એનો મતલબ એ નથી કે, મદનના ડયૂઍટસ કોઇ કાળે નબળાં હતા. રાગ છાયાનટ ઉપર આધારિત 'બાદ મુદ્દત કે યે ઘડી આઇ...'(ફિલ્મ જહાનઆરા) તો ફિલ્મોના સર્વોત્તમ યુગલ ગીતો પૈકીનું એક છે. ગાયકો રફી અને સુમન કલ્યાણપુર.

ઓપીની જેમ મદને પણ ''કઇ દિન સે જી હૈ બેકલ...''માં રીધમ-સૅક્શનમાં ઢોલક-તબલાં (પર્કશન્સ)ને બદલે ગીટાર અને પિયાનોનો ઉપયોગ કર્યો છે. આ સ્ટાઇલ મૂળભૂત રીતે સચિનદેવ બર્મને લોકપ્રિય કરી હતી.

બેઠા બેઠા થોડી નવાઇઓ લાગવા દેજો કે, આપણા સમયની દર ત્રીજી હિંદી ફિલ્મમાં હીરો કે હીરોઇન પિયાનો વગાડવા બેસી જાય છે. સાલું...આપણા કોઇના ઘરમાં પિયાનો હોય, એવું જોયું તો નથી. પિયાનો એક એવું વાદ્ય છે, જે શીખતા ૧૫-૨૦ વર્ષો ઓછા પડે અને ફિલ્મોમાં હીરો કે હીરોઇનોની શરૂઆતનું જીવન બતાવ્યું હોય, એમાં ય ક્યાંય એ પિયાનો શીખ્યા હોય, એવું દેખાતું નથી, પણ ફિલ્મમાં પાર્ટી-બાર્ટી આવી, જેમાં હીરો કે હીરોઇનને બરોબરની માં-બેનની 'હંભળાવવાની'હોય ત્યારે આ લોકો પિયાનો વગાડવા બેસી જાય છે ને કાઠીયાવાડની લૉજમાં મહારાજ રોટલી વણતા હોય, એવા હાથે આ લોકો પિયાનો વગાડે છે. અમદાવાદમાં સ્ટેજ-પ્રોગ્રામોમાં રાજશ્રી નામે કલાકાર મધુરો પિયાનો વગાડતી હતી. બીજો કોઇ કલાકાર ધ્યાનમાં નથી.

ફિલ્મની સૅકન્ડ કિક તરીકે રહેમાન છે. ખૂબ પ્રભાવશાળી રહેમાન મને ગમતો. એ કન્વૅન્શનલી હૅન્ડસમ નહતો, પણ ઘેઘૂર અવાજ અને પર્સનાલિટી વિરાટ હોવાને કારણે 'ફિર સુબહ હોગી'જેવી થોડી ફિલ્મોને બાદ કરતા, રહેમાને ય પ્રદીપ કુમારની જેમ મોટા ભાગે ઠાઠમાઠના ઠેકાણાંવાળા કરોડપતિના કિરદારો જ કર્યા છે. પ્રદીપ કુમારને તો ભલે... હાથમાં હીરોઇન પકડી છે કે તલવાર, આપણને કોઇ ફરક ન પડે છતાં પ્રદીપ કુમારે પણ વૈભવી કે અય્યાશી રાજા-બાદશાહોના રોલ ઘણા કર્યા છે. રીયલ લાઇફમાં અફ કાર્સ, એ ઘણો હન્ડસમ હતો. રહેમાન અમદાવાદના દરિયાપુરનો જમાઇ હતો. કમનસીબે-કમાયેલા પૈસા ખાસ તો દારૂમાં વેડફી નાંખ્યા પછી મરતી વખતે ગરીબી એટલી હદે આભડી ગઇ કે, એની પત્નીને રહેમાનની દવા કરાવવા ઠેર-ઠેર હાથ લાંબો કરવો પડયો હતો. મુમતાઝની બહેન મલ્લિકા જ્હૉની વૉકરની સાથે છે. જ્હૉની વૉકરની કામેડી (?) તદ્દન ફાલતું છે. નોકર તરીકે બહુ જૂના જમાનાનો કલાકાર અમર ધર્મેન્દ્રના નોકર તરીકે આવે છે. કૉમેડી તો દિગ્દર્શકે કરી છે, કોઇ નહિ ને કન્હૈયાલાલને કરોડપતિ શેઠિયો બતાવીને. અમુક કલાકારો ભિખારી કે ગરીબોના રોલમાં જ ચાલે. લીલા ચીટણીસ અબજોપતિની વાઇફ તરીકે ચાલે ? એમાં નાના પળશીકર એનો ગોરધન હોય તો તમે ચલાવી લો ? (તમારે જવાબ 'ના'માં આપવાનો છે... સૂચના પૂરી)

કન્હૈયાલાલને શૂટ પહેરાવ્યો હોય એટલે રૂ.૪૭ લાખની નવી 'વૉલ્વો'ગાડી ઉપર કંતાન ઢાંક્યું હોય એવું લાગે ! તમારામાંથી જે દહેરાદૂન, નૈનિતાલ અને મસૂરી જઇ આવ્યું હશે, એમને આ ત્રણે સ્થળો આ ફિલ્મમાં જોવાનો આનંદ ખૂબ આવશે. ફિલ્મના તમામ લૉકેશન્સ આ ત્રણે પ્રવાસધામોના લેવાયા છે. સલીમ-જાવેદ ચોરી કરે અને માલ પોતાના નામે ઠઠાડી દે, એમાં નવાઇ નથી. ફિલ્મ 'શોલે'માં 'મૌસી' (લીલા મિશ્રા) પાસે અમિતાભ બચ્ચન ધર્મેન્દ્ર અને દારૂડિયો, જુગારી, કોઠેબાજ અને ખાનદાન વગરનો બતાવે છે, એ આખી સીકવન્સ જ્હૉની વૉકર અહી ધરમનું સગપણ રદબાતલ કરાવવા ઘેર આવેલા કન્યા (મીના રાય) વાળાઓ પાસે આ જ ચાલ ચાલે છે. નવાઇ એ લાગે છે કે, સલીમે દાવો એવો કર્યો હતો કે, (જુઓ, આ જ કૉલમમાં ફિલ્મ 'શોલે'નો રીવ્યૂ)આ સિક્વન્સ હકીકતમાં એણે જાવેદને જોવા છોકરીવાળા (હની ઇરાની) આવ્યા ત્યારે વાસ્તવમાં બની હતી. ફિલ્મ ટાઇટલ્સમાં અદભૂત પન્સિલ સ્કૅચીસ કોઇ આર્ટિસ્ટે બનાવ્યા છે, પણ નામ નથી. કાગડા બધે કાળા....!

Viewing all articles
Browse latest Browse all 894

Latest Images

Trending Articles



Latest Images

<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>