Quantcast
Channel: Ashok Dave's Blog
Viewing all articles
Browse latest Browse all 894

'અમરદીપ'('૫૮)

$
0
0

ફિલ્મ : 'અમરદીપ'('૫૮)
નિર્માતા     : શિવાજી ફિલ્મ્સ
દિગ્દર્શક     : ટી. પ્રકાશરાવ
સંગીતકાર     : સી.રામચંદ્ર
ગીતકાર     : રાજીન્દર કિશન
રનિંગ ટાઈમ     : ૧૬-રીલ્સ : ૧૪૮-મિનિટ્સ.
કલાકારો     : દેવ આનંદ, વૈજ્યંતિમાલા, પદ્મિની, રાગિણી, પ્રાણ, જ્હૉની વૉકર, ડૅવિડ, બિપીન ગુપ્તા, મુકરી, શિવરાજ, રાધેશ્યામ અને મેહમાન કલાકારો - ઓમપ્રકાશ, રણધીર, અનવર હૂસેન.

ગીતો
૧.લાગી અપની નજરીયા કટાર બન કે... આશા ભોંસલે-સાથી
૨.લેને સે ઈન્કાર નહિ ઔર દેને કો તૈયાર નહિ...    મુહમ્મદ રફી
૩.દેખ હમેં આવાઝ ન દેના, ઓ બેદર્દ જમાને...    આશા ભોંસલે-રફી
૪.તુમ સુને જાઓ, હમ કહે જાએં... આશા ભોંસલે
૫.દિલ કી દુનિયા બનાકે સાંવરીયા, તુમ ન જાને...    લતા મંગેશકર
૬.મેરે મન કા બાંવરા પંછી, ક્યૂં બાર બાર બોલે...    લતા મંગેશકર
૭.અબ ગમે હૈ કિસકા પ્યારે, ગમ ભાગે બેટા સારે...    મુહમ્મદ રફી
૮.કિસી દિન જરા દેખ મેરા ભી હો કે...    આશા ભોંસલે
૯.ઇસ જહાં કા પ્યાર ભી જૂઠા... આશા-મુહમ્મદ રફી-મન્ના ડે
૧૦.યે જી ચાહતા હૈ... (ફિલ્મમાં આ ગીત નથી)...    આશા ભોંસલે
૧૧.દેખ હમેં આવાઝ ન દેના, ઓ બેદર્દ (ધીમી લયમાં)... આશા-રફી

અશોક (એટલે કે, દેવ આનંદ) એક ગરીબ, બેકાર અને રખડુ યુવાન છે. છટ્...! ફિલ્મમાં આવા ત્રણ ક્વૉલિફિકેશન્સ રાખવાના હતા તો નામ 'અશોક'શું કામ રાખ્યું હશે? આવું પવિત્ર નામ દેવ આનંદે અગાઉ ફિલ્મ 'સઝા'અને પછી ફિલ્મ 'ઘર નં.૪૪'માં ય રાખ્યું હતું. ત્રણેય ફિલ્મોમાં એ આવો જ રખડુ અને બેકાર... એમાં ય પાછી યાદદાસ્ત જતી રહે..! આવા કામો માટે જગતના સર્વોત્તમ નામ 'અશોક'વાપરવાની શી જરૂર હતી? આ તો એક વાત થાય છે.

'
અમરદીપ'ની વાર્તા જેવું કંઈક આવું હતું. મા-બાપ નાનપણમાં ગુમાવી બેઠેલો અશોક અનાથાશ્રમમાં ઉછરી ગ્રેજ્યુએટ થાય છે. (આપણું સાવ એવું નહિ..!) પણ ગરીબીને કારણે દરિયાકિનારે ભંગારમાં ગયેલી એક સિટી-બસને ઘર બનાવીને રહે છે, જ્યાં ઘેરથી ભાગી આવેલી (અરૂણા) વૈજ્યંતિમાલા અજાણતામાં આશરો લે છે. બન્ને વચ્ચે પરિચય ને પછી પ્રેમ થાય છે. બેનને ઘેરથી ભાગવું એટલે પડે છે કે, એના કરોડપતિ નાનાજી (બિપીન ગુપ્તા) વર્ષો પહેલા અપાયેલા એક વચનને ખાતર દીકરીના લગ્ન ફરજીયાત દુષ્ટ પ્રાણ (પ્રાણ) સાથે કરાવવા માંગે છે, જે સહન ન થવાથી બેન ઘર છોડીને ભાગે છે.

હિંદી ફિલ્મોમાં એક ઍક્સિડૅન્ટથી હીરો કે હીરોઇનની યાદદાશ્ત જતી રહે અને ફિલ્મ પૂરી થવા આવે તે પહેલા બીજા એક્સિડેન્ટમાં એની યાદશક્તિ પાછી આવી જાય. (આવી સ્ટોરીવાળી દસેક હજાર હિંદી ફિલ્મો તો તમે ય જોઈ હશે! આ ગુમનામ યાદદાશ્ત દરમ્યાન અશોક એક જીપ્સી (ફિલ્મી ભાષામાં ખાનાબદૌશ) યુવતી રૂપા (પદ્મિની)ના પ્રેમમાં પડે છે. એની બહેન રાગિણીનું ફિલ્મમાં કે લાઇફમાં કોઈ કામ ન હોવાથી ખુદ ફિલ્મના દિગ્દર્શકે ય ચકરાવામાં પડે રાખે છે કે, વાર્તામાં આનું કામ શું છે? આને કામ શું આપવું?

પણ એ પદ્મિનીની બહેન હોવાને કારણે-ઉપરાંત સાઉથમાં એ જમાનામાં અત્યંત નામ કમાયેલી 'ત્રાવણકોર-સિસ્ટર્સ'પૈકીની ત્રીજી લલિતાને આ ફિલ્મમાં બોલાવાય એવું નહિ હોય, એટલે વધેલી બહેન રાગિણી કૉમેડિયન જ્હૉની વૉકરને ફાળવી દેવાય છે, પણ એમાં કાંઈ પ્રેમ-બ્રેમ પાંગરતો નથી. પ્રાણ વચ્ચે વચ્ચે લેવાદેવા વગરના હલાડા કરે રાખે છે અને ભારતભરની કોઈ પણ હિંદી ફિલ્મમાં બીજી સાઇડ-હીરોઇન હોય તો લીડ-હીરોઇન તો હીરોને જ મળે, એટલે વિલનનું બીજું કામે ય શું? પરિણામે, ફિલ્મ પૂરી કરવા પદ્મિની વિલન પ્રાણની ગોળીથી મરીને આ બન્ને હૈયાઓને ભેગા કરે છે. આ પદ્મિની એટલે, 'જીસ દેશ મેં ગંગા બહેતી હૈ'વાળી...!

ફિલ્મ 'અમરદીપ'અગાઉ ૧૯૪૨-માં આવેલી હૉલીવૂડની ફિલ્મ 'રૅન્ડમ હાર્વેસ્ટ'ઉપરથી બની હતી, જેના હીરો-હીરોઇન હતા, રૉનાલ્ડ કૉલમેન અને ગ્રીયર ગાર્સેન. દેવ આનંદ એના સમયનો સૌથી વધુ લોકપ્રિય હીરો હતો. જો દિગ્દર્શક સારો મળ્યો હોય તો એ ઍક્ટર પણ સારો હતો... રાજ ખોસલાએ દિગ્દર્શિત કરેલી ફિલ્મ 'કાલાપાની'અને વિજય આનંદે બનાવેલી ફિલ્મ 'ગાઇડ'માટે એને શ્રેષ્ઠ અભિનેતા'નો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. વૈજુ સાથે એની ત્રણ ફિલ્મો જ આવી. 'અમરદીપ', 'દુનિયા'અને 'જ્વૅલ થીફ'. આ ફિલ્મના દિગ્દર્શક સાઉથના ટી. એટલે કે, 'તટ્ટીનેની'પ્રકાશરાવ-જેણે વૈજ્યંતિમાલા-રાજેન્દ્ર કુમારની ફિલ્મ 'સૂરજ'બનાવી હતી, તેમણે જ દેવ-વૈજ્યંતિ સાથે 'દુનિયા'બનાવી હતી.

દેવ પોતે કેવો સમર્થ અભિનેતા છે, એની એને પોતાને ખબર નહિ હોય, માટે જ એણે દિગ્દર્શિત કરેલી 'હરે રામા, હરે ક્રિષ્ણા'સુપરહિટ ગયા પછી એણે મનમાં ઠસાવી દીધેલું કે, ભારતભરમાં દિગ્દર્શક તરીકે ય એ જ સર્વોત્તમ છે, એમાં આટલી ઝળહળતી કરિયર છતાં, જીવનની છેલ્લી ૧૫-૨૦ ફિલ્મો સાવ કચરાછાપ બનાવી બેઠો... જાણવા છતાં કે, એનો ભાઈ ગોલ્ડી (વિજય આનંદ) એના કરતા જ નહિ, ફિલ્મનગરીના મોટા ભાગના દિગ્દર્શકો કરતા વધુ કાબિલ હતો, છતાં દેવે  બધું પોતાના નામે જ રાખ્યું.

દેવ આનંદ ક્યાં કોઈ હીરોથી કમ હતો? એણે ય એની છેલ્લી ફિલ્મ સુધી બદન પર ક્યાંય ચરબી આવવા દીધી નહિ. ઉંમરે એના ચેહરાનો સુંદર દેખાવ તો છીનવી લીધો, પણ અમિતાભ બચ્ચનની જેમ ચેહરો યુવાન જ દેખાય એ માટે દેવ આનંદ પણ બચ્ચનની માફક માથે વિગ પહેરતો. ગળાની કરચલીઓ ન દેખાય, એ માટે બચ્ચન યા તો ઉપલું બટન બંધ રાખે કાં તો સ્કાર્ફ પહેરી રાખે. દાંત તો બધા પડી ગયા એટલે દેવ આનંદ કે બચ્ચન પણ ચોકઠું પહેરે.

હોઠના ખૂણાઓ નીચે કરચલીઓ ન દેખાય માટે બકરા-દાઢી ઘણી કામમાં આવે. કોઈના ગળે ઝટ નહિં ઉતરે, પણ અભિનયની વાત આવે, ત્યારે એ જમાનામાં ઍક્ટરો કરતા આજના વાળાઓને મૅનરિઝમ્સ પોસાય પણ નહિ અને કોઈ ચલાવે પણ નહિ. રાજ કપૂરનું 'જી...જી', દિલીપ કુમારનું ખૂબ ગંભીર થઈને દાઢી ઉપર હાથ મૂકવો કે દેવ આનંદનું ટેઢા ચાલવું.

આજના ઍક્ટરો પણ આવા મૅનરિઝમ્સ કરે છે, પણ એ જમાનામાં વધારે પડતું હતું જેમ કે, આ ફિલ્મના 'દેખ હમેં આવાઝ ન દેના, ઓ બેદર્દ ઝમાને...'ગીત વખતે દેવ આનંદ કયા કારણથી પૂરા ગીત દરમ્યાન ઢીંચણોથી વળેલો જ રહે છે? આ કઇ અદા થઈ? દેવના હાથમાં એક પત્ર આવે તો સીધેસીધો પકડીને વાંચવાને બદલે, પહેલા તો ઝીણી આંખો કરીને પત્રના ચારે ય ખૂણાઓ ગોળ ગોળ ફેરવે શેના માટે?

અલબત્ત, આપણા આ બધા વાંધાવચકા અત્યારે કઢાય છે, પણ એ જમાનામાં તો દેવ આનંદની આ જ અદાઓ ઉપર આપણે સહુ ફિદા હતા... આપણને ય અભિનય નહિ, અદાઓ જોઇતી હતી. કમનસીબી એટલી જ નીકળી આવી કે, પોતાની છેલ્લી ફિલ્મ 'ચાર્જશીટ'સુધી દેવ એવું જ સમજતો રહ્યો કે, આજે ય લોકોને એની એ અદાઓ પસંદ છે! ભાઈ, એ જમાનામાં જે છોકરીઓ આ અદાઓ ઉપર ફિદા હતી, એ બધી પોતે ય ૭૦-૮૦ની ઉંમરની થઈ ગઈ... એના ગ્રાન્ડ-ચિલ્ડ્રનને આ અદાઓ સાથે કોઈ લેવાદેવા નહિ!

એવા ગમે તેવા વાંધાવચકા તમે કાઢો, એ હકીકત છે કે, ફિલ્મ હીરો-હીરોઇનો પાસે વૈભવ હોવા છતાં, ખાસ કરીને ખાવા-પીવામાં મજબુત સંયમો રાખ્યા, ત્યારે આવા શરીરો સચવાયા હોય! વૈજ્યંતિમાલા આ ઑગસ્ટની ૧૩મીએ ૮૩- વર્ષની થશે અને હમણાંનો એનો કોઈ ફોટો જોયો હશે તો શરીરની આટલી અદ્ભુત જાળવણી માટે એને માટે પ્રચંડ આદર થશે કે, કેવું સુંદર શરીર  એણે હજી જાળવી રાખ્યું છે!

અલબત્ત, જાળવણીની આ પ્રશંસા ઑલમોસ્ટ બધા ફિલ્મ કલાકારો માટે કરવી પડે એમ છે. તમારો મનગમતો હીરો કે હીરોઇન યાદ કરો... સળંગ કેટલા વર્ષોથી-આપણે એમને પહેલી વખત કોઈ ફિલ્મમાં જોયા હતા, તે એની છેલ્લી ફિલ્મ સુધી શરીર સૌષ્ઠવમાં કોઇ બદલાવ નહિ. અર્થાત્, રોજની નિયમિત કેટલી કસરતો, ખાવા-પીવામાં કાબુ અને કાળજી! આપણે પાણી-પુરીની લારીઓ કે ક્લબોમાં તૂટી પડીએ છીએ, એ બધા માટે એ લોકોએ જીવનભર કેવો કન્ટ્રોલ રાખ્યો હશે? ડાન્સ કરતી તો નથી, પણ હજી ડાન્સ કરી શકે, એવું શરીર વૈજુએ હજી જાળવી રાખ્યું છે-સ્ફૂર્તિવાળું! આ ફિલ્મનું સૌથી ઊજળું પાસું આ ત્રણે સાઉથી હીરોઇનોના ક્લાસિકલ ડાન્સીઝ છે. ફિલ્મના ડાન્સ-ડાયરૅક્ટર હતા, હીરાલાલ. ઘણું મોટું નામ.

જ્હૉની વૉકરની કહેવાતી કૉમેડી કાંઈ ઉકાળી શકી નથી. યસ. પ્રાણને ભાગે પૂરી ફિલ્મોમાં કોઈ ઍક્ટિંગ કરવાનો ચાન્સ નથી આવ્યો, છતાં એ પ્રભાવશાળી તો ખૂબ લાગે છે. એના જેવા કપડાં ભાગ્યે કોઇ હીરોને પણ શોભતા હતા. યસ. મોટા ભાગની ફિલ્મમોમાં એક વાતે તો સહુને હસવું આવે. જ્યારે પણ હીરોને કપાળમાં વાગે (કપાળમાં જ વાગે...!) ત્યારે ઘરમાં હજાર ગાભા અને ડૂચા પડયા હોય એને રહેવા દઈ, ફર્સ્ટ-એઇડ તરીકે બાજુમાં ઊભેલી હીરોઇન તાબડતોબ પોતાની સાડીનો પલ્લુ ફાડીને હીરોના કપાળે બાંધી દે... હસવું એટલે આવે કે, તરત જ બીજા દ્રષ્યમાં હીરોનું કપાળ જુઓ તો પાટો પેલીના સાડીના કટકાનો નહિ, બજારમાં મળતા ફર્સ્ટ-એઇડવાળો તૈયાર પાટો બંધાયો હોય! એટલું જ નહિ, જરા ધ્યાનથી જુઓ તો પછીના દ્રષ્યમાં હીરોઇનની સાડી ય ફાટલી ન દેખાય!

કમનસીબે, ફિલ્મના સંગીતકાર સી.રામચંદ્ર આવી વૈભવશાળી સ્ટારકાસ્ટ હોવા છતાં કાંઈ ઉકાળી શક્યા નથી. આપણી વખતના તમામ મોટા સંગીતકારો પૈકી સૌથી નબળો સ્ટ્રાઈક-રેટ અન્ના (સી.રામચંદ્ર)નો હતો. અર્થાત, એક ફિલ્મના ૮-૧૦ ગીતો હોય, એમાંથી માંડ એકાદ-બે સુંદર બન્યા હોય. મતલબ તો એવો થયો કે વર્ષમાં ૫-૭ ફિલ્મો આવી હોય તો બધું મળીને ૮-૧૦ ગીતો આજ સુધી યાદ રહ્યા હોય! વધુ આસાનીથી સમજવા માટે શંકર-જયકિશન કે નૌશાદના સ્ટ્રાઈક-રેટ્સ યાદ કરી જુઓ. ઈવન, મદન મોહન પણ નહિ! એક માત્ર અપવાદ ઓ.પી. નૈયર જ હતા, જેમની એક ફિલ્મના તમામે તમામ ગીતો હિટ થયા હોય, એવા તો અનેક દાખલા છે.

અન્ના માટે થોડી નવાઈ પણ લાગે કે, બે-ત્રણ અપવાદોને બાદ કરતા બધા ગીતો લતાને બદલે આશા ભોંસલે પાસે ગવડાવ્યા છે. (ફિલ્મમાં સી. રામચંદ્ર અને રાજીન્દર કિશનની જોડીનું કિશોર કુમારની ફિલ્મ 'પહેલી ઝલક'નું લતા મંગેશકરે ગાયેલું 'ના મારો નજરીયા કે બાણ, અકેલી આઇ પનિયા ભરન...'વૈજ્યંતિમાલાને રેડિયો પર સાંભળતી બતાવાઇ છે. રાતના દસ વાગ્યા છે ને પ્રાણને સુઇ જવાનો ટાઈમ થયો હોવાથી એ આખો રેડિયો ઉપાડીને જમીન પર પટકી દે છે.) કારણ એ હોઈ શકે કે, આ ફિલ્મ ૧૯૫૮-ની હતી ને એ જ અરસામાં લતા-અન્ના વચ્ચે કાયમી અબોલા થઈ ગયા હતા.

મુહમ્મદ રફી અનિલ બિશ્વાસ કે સલિલ ચૌધરીની જેમ સી.રામચંદ્રના માનિતા ગાયક ક્યારેય નહોતા. પણ રફીએ ઢગલો ગીતો એવા ગાયા છે, જે અન્ય ગાયકો માટે અઘરા જ નહિ, શક્ય પણ નહોતા ને ત્યારે આ સંગીતકારોને રફી પાસે જવું પડયું હતું. એક અર્થ એવો પણ થયો કે, રફીને કોઈ જરૂરત નહોતી આ સંગીતકારો પાસે જવાની, પણ આ લોકોને રફી વિના ચાલે એવું ય નહોતું. બધો ખેલ લતા મંગેશકરને ખુશ રાખવાનો ચાલતો હતો. એમાં વાંક અન્નાનો નહિ હોય પણ, 'ઇસ જહાં કા પ્યાર ભી જૂઠા...'ગીતમાં જ્હૉની વૉકરને રફી પ્લેબેક આપે છે અને દેવ આનંદને મન્ના ડે! ટુંકમાં... ઘણી મહેનત પછી બનાવેલી ફાલતુ ફિલ્મ!


Viewing all articles
Browse latest Browse all 894

Latest Images

Trending Articles



Latest Images

<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>