હવે જેનું કાંઇ ઊપજે એવું નથી, એવા લોટાને ‘અન–ઊપજ–લોટા’ અથવા તો ‘અનુપ જલોટા’ કહે છે, પણ આ ગ્રેટ ગાયકે સાબિત કરી નાંખ્યું છે કે, એનું જેટલું ઊપજ્યું એટલું ઉપાડવા માટે દેશભરના ડોહો ધંધે લાગી ગયા છે. મહેશ ભટ્ટે જ લોટાની ફોટોકોપી કઢાવી પોતાના માટે લોટી શોધી કાઢી. કાશ્મીરના ફારુક અબ્દુલ્લાને રહી રહીને સંગીતના ધખારા ઉપડ્યા ને એય કોઇ ૨૦–૨૫ વર્ષની છોકરી માટે હાર્મોનિયમ રિપેર કરાવી લાવ્યા છે. દેશભરના કાકાઓની પ્રેરણામૂર્તિ શ્રી રાહુલ ગાંધી છે, શ્રી અનુપ જલોટા છે.
ટૂંકમાં, કાકાઓ આજકાલ વિફર્યા છે. વિફરવું પડે એવું છે, કારણ કે ‘બીન કે ઝૂઠે પડ ગયે તાર’ના ધોરણે ૬૦ ઉપર પહોંચ્યા પછી ભલભલા જલોટોને ફફડાટ થઇ ગયો છે કે, આપણી વીણાના તાર છટકવા માંડ્યા છે. નવા નંખાવાય એમ નથી અને જે છે એ કેટલા ચાલે એમ છે એ તો નીવડે વખાણ. પ્રોબ્લેમ એ છે કે પોતાનું ‘જલોટાપણું’ ચકાસી જોવા માટે ૬૫–૭૦વાળી કાકીઓ કામમાં ન આવે અને યુવાન સ્ત્રીઓ તો કાકાઓ સામે જુએ પણ નહીં. લેવા દેવા વગરનું ગાર્ડનને બાંકડે બેસવા જઇ, સ્પોર્ટ્સ શૂઝ પહેરીને નીકળેલી નવીનક્કોર ડાળીઓ અને ફૂલો સાથે ચક્ષુ–વિવાહો કરીને મન અને તનને મનાવવાં પડે. ઉંમર થઇ ગઇ એટલે કોઇ વાંક વગર રાજીનામાં આલી દેવાનાં? નસીબ તગડું હોય ને હરતું ફરતું કોઇ ફૂલ ફરવા નીકળ્યું હોય તો, ‘બેટા... બેટા’થી શરૂઆત કરવાની અને અનુપ જલોટાવાળી મંજિલે પહોંચવાનું !
અલબત્ત, આમાં તો કેવળ ‘નયનસુખ’ સુધી માંડ પહોંચી શકાય. બધાને જલોટા જેવી લોટરી ન લાગે. ‘ડ્યૂ’ થયા પછી કેરમનો સ્ટ્રાઇકર રિબાઉન્ડ થઇને પાછો આવે, એમ વડીલ બાંકડે પાછા જમા થઇ જાય. લાલ રંગની ક્વીનને પામવા, સામે પડેલી કેટલી બધી કાળીઓને ‘જે શી ક્રસ્ણ..... જે શી ક્રસ્ણ’ કહેતાં સડેડાટ નીકળી જવું? જે બચી હોય એ સફેદને સાચવી રાખવાની હોય છે, પણ એય ૭૫ની તો થવા આવી અને ભગવતકૃપા એટલી કે ગાર્ડનના બાંકડે આવીને બેસવાને બદલે ઠાકોરજીના મંદિરના ઓટલે જઇ બેસે છે.
આવા, ‘તમે લઇ ગયા ને અમે રહી ગયા’ વાળા લાખો કાકાઓ અનુપ જલોટાની ઇર્ષા કરે છે. ‘રંગ દે ચૂનરિયા, શ્યામ પિયા મોરી રંગ દે ચૂનરિયા...’ પણ બાંકડે એકબીજાને મળે ત્યારે પહેલી ફરિયાદ એ હોય કે, ‘તે હું કે’તો’તો... આ બધું શોભે છે જલોટાને ? છોકરી હજી તો એની દીકરીની ઉંમરની છે ભઇ!’
જવાબમાં બીજો કાકો ઢીંચણ ઊંચો કરી, બાંકડાની ધાર ઉપર પગ મૂકીને કહેશે, ‘જાવા દિયોને ભ’ઇ ! છોડી એની માની ઉંમરની હોત તો ય જલોટો ના સુઉં કામ પાડે ? એને તો આ ઉંમરે વકરો એટલો નફો ને ?’
ત્રીજો કાકો સૂર પુરાવતો કહેશે, ‘અરે બાપા છોડોને! કેટરીના કૈફ બક્કી ભરવા આઇ હોય તારે (ત્યારે) દાઢી કરવા ના જવાય, બા ખિજાય !’
કાકાઓની ઇર્ષા કાકાઓ તો કરે, એના કરતાં જવાનિયાઓ વધારે કરે છે. વધારે જીવો એમના બળ્યા છે. જલોટાની ફિરકી ઉડાડતી ‘વોટ્સએપ’ જોક્સ મૂકી મૂકીને બળબળતી ભડાસ કાઢે છે. પેલી છોકરી જલોટા નહીં તો કોઇ બી લોટાને પરણવાની તો હતી જ (જેવાં જેના નસીબ), પણ આ લોકોને તકલીફ એ છોકરી માટે નથી, જલોટા માટે થઇ છે કે, અમે હજી તો જમીન જોવા નીકળ્યા’તા ને કાકાએ મકાનેય ચણી નાંખ્યું ?
‘એ દાળની સાથે બિસ્કુટ ખાય છે,
એમાં તારા બાપાનું શું જાય છે!’
એવો હઝલનો ટુકડો ૬૦–૭૦ વર્ષ પહેલાં તોફાની શાયર ‘બેકારે’ લખ્યો હોવાનું યાદ છે.
‘ઐસી લાગી લગન, મીરાં હો ગઇ મગન...’નાં ભજનો ગાઈને અનુપ ૨૫–૩૦ની ઉંમરવાળી સાથે ચોથા લગ્યન પતાવવાનનો, એ સાલું સહન નથી થતું...!
જો કે, હવે તો સુપ્રીમ કોર્ટે પણ જીર્યોદ્ધાર માટે ચુકાદો આપી દીધો છે કે, મીરાં ન મળે તો મગન બી ચાલે, હઓ! ‘જગ મેં સુંદર હૈ દો નામ, ચાહે ક્રિશ્ન કહો યા રામ...’
આઘાત એ વાતનો લાગે કે, નથી એમણે અનુપના ચોથા લગ્નમાં ચાંદલો કરવા જવાનું, નથી દહેજ–ડાઉરીની વ્યવસ્થા કરવાની, છતાં ભારતભરના યુવાનો એમની ‘બોન પૈણાવવાની હોય’ એવા ઝનૂન અને આઘાતથી જલોટાની પાછળ પડી ગયા છે કે, ૬૫ની ઉંમરનો કાકો અમારા માપની છોકરી લઇ જાય ? અમારું પાંત્રીસેય હજી પત્યું નથી.
તારી ભલી થાય ચમના... હાલ તો તું હેઠો બેસ. તારા ઓરતા અધૂરા રહી જાય એવું લાગે તો ૬૫–૭૦ વાળી તું ય પકડી લાય અથવા એ ઉંમરનો થાય ત્યાં સુધી ખેંચી કાઢ ને કાં તો જલોટાની જેમ વધારાના ૩–૪ લગ્નો કરીને, એની ઉંમરે કોઇ ૨૫–૩૦ વાળી ગોતી લાય ! ધ્યાન એટલું રાખવાનું કે, હાથમાં હાર્મોનિયમ પકડી રાખવાનું. આ મામલે હાલમાં હાર્મોનિયમની બોલબાલા છે. તું પેલીને હોકી કે ઊભી–ખો શિખવાડવા જઇશ તો કોઇ મંજીરાવાળો મેદાન મારી જશે. ગુરુ દત્તાત્રેયે ૨૪ ગુરુ કર્યા હતા. એમાં એક ગુરુ તો એક કૂતરોય હતો... આપણે જલોટાને ૨૫મો કેમ ન બનાવી શકીએ ? આ તો એક વાત થાય છે.
અનુપવાળા મામલે દેશભરમાંથી એકેય છોકરીએ જીવ નથી બાળ્યો, ‘અનુપ અંકલ, અમે બધીઓ મરી ગઇ’તીઈઈઈઈ ? હવે અમારા ભાગમાં ડોહા કેટલા બાકી રહેશે ? હાલમાં માંડ દિવાળી પહેલાનો ‘સેલ’ ઊઘડ્યો છે ને મહેશ ભટ્ટ, કબીર બેદી કે જલોટા યાત્રા સંઘની ધજા હેઠળ ઉપડ્યા છે, તો અમારી સાઇઝના મૂરતિયા ‘ઘરડાના ઘર’માં શોધવા જવાનું ?’
પણ આપણા વીર ભારતની શક્તિશાળી સ્ત્રીઓ કદી મહેશ ભટ્ટ કે જલોટાના નકશેકદમ પર જાય એવી નથી. સુ. શ્રી મમતા બેનર્જી, માયાવતી કે બાસમતી જેવી પ્રણામયોગ્ય સૌંદર્યાઓએ આજ સુધી પોતાના નામ ઉપર ડામર ચોપડાવા દીધો નથી. આપણાં પ્રાત:સ્મરણીય જયલલિતાએ જીવન ત્યાગ કરી દીધું, પણ લગ્ન ન કર્યાં તે ન જ કર્યાં. આ તો એ બધીઓ કોરીકટ અને પવિત્ર રહી છે એટલે બધા વટથી ફરી શકે છે.
જો કે, વાત એ સમજાતી નથી કે, ઉંમરના હિસાબે ઓલમોસ્ટ ‘પતવા’ આવેલા અનુપ જલોટાનું માર્કેટમાં હજી નામ છે તો પછી કુમારિકાઓની યાદીમાં એમ તો હજી મમતા–માયા જેવી સેંકડો કાકીઓનાં નામ કોરાધાકોડ છે, છતાં દેશના એકે ય યુવાને એમને માટે અરજી કરેલી દેખાઇ? નથી દેખાઇ... અર્થાત્ દેશમાં ૨૫–૩૦ની ઉંમરની છોકરીઓ કરતાં એ ઉંમરના છોકરાઓને એમના ભવિષ્યની ચોક્કસ ચિંતા છે. નાનું છોકરુંય રમકડું ૪–૫ વર્ષ ચાલે એવું ઇચ્છે છે.
સિક્સર
એશિયા–કપમાં ભારતની મેચ બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન સામે હોય કે પાકિસ્તાન સામે, પેવિલિયનમાં દર વખતે એક બુરખાનશીં મહિલા ભારતનો તિરંગો સતત લહેરાવતી હતી. એ જો જો કરવામાં એ ત્રણે દેશો ભારત સામે હાર્યા !