ફિલ્મ : 'ધૂલ કા ફૂલ' ('૫૯)
નિર્માતા : બી. આર. ચોપરા
દિગ્દર્શક : યશ ચોપરા
સંગીત : એન. દત્તા
ગીતો : સાહિર લુધિયાનવી
રનિંગ ટાઈમ : ૧૬ રીલ્સ, ૧૫૩ મિનિટ્સ
થીયેટર : રીલિફ (અમદાવાદ)
કલાકારો : અશોકકુમાર, માલાસિંહા, રાજેન્દ્રકુમાર, નંદા, મનમોહનકૃષ્ણ, રાધાકિશન, લીલા ચીટણીસ, જીવન, અમીરબાનુ, જગદિશરાજ, મેહમુદ, વિજયાલક્ષ્મી, ડેઝી ઈરાની, સુશીલકુમાર, રવિકાંત, ઉમા દત્ત, મોહન ચોટી.

ભારતીય ફિલ્મોના બી. આર. ચોપરા અને કેર ઓફ યશ ચોપરા એક એવા દિગ્દર્શકોના નામો છે, જેમણે સાતત્ય જાળવીને આટલા વર્ષો સુધી પોતાનું કે પોતાની ફિલ્મોનું સ્તર નીચે જવા દીધું નહોતું. પ્રયોગાત્મકથી માંડીને સમાજમાં બદલાવ સુધીની વાર્તાઓ વાપરીને જોખમ ઉઠાવવામાં એમણે કસર બાકી નહોતી રાખી. ફોર્મ્યુલા ફિલ્મોથી એ દૂર રહ્યા. વાર્તામાં તમે ચર્ચા કરી શકો, વિવાદો કરી શકો, એવી વ્યવસ્થા હોય. બસ, ફિલ્મ જોઈ આવ્યા ને ભૂલી ગયા, એવી ફિલ્મો યશની ન હોય. એમના હાથ નીચે બનેલી ફિલ્મોની યાદી જુઓ... અંજાઈ જવાય એવી કેટલી બધી ફિલ્મો આપી છે!
પણ 'ધર્મપુત્ર'ની જેમ ફરી એકવાર યશ ચોપરાએ બધી રીતનો દાટ વાળ્યો છે, તદ્ન ભંગાર ફિલ્મ 'ધૂલ કા ફૂલ' બનાવીને! ફિલ્મની વાર્તા પણ આ લોકોની આગલી ફિલ્મ 'ધર્મપુત્ર' જેવી જ ફાલતુ અને ઢંગધડા વગરની હતી. ફિલ્મના વાર્તાલેખક, પટકથા અને સંવાદો લખનાર પંડિત મુખરામ શર્માને એમના હરિફો 'પંડિત મુર્ખરામ શર્મા' કહેતા, એ બતાવે છે કે, પંડિતજી કરતા એમના હરિફોનું સાહિત્યિક ધોરણ ઘણું ઊંચું હશે! પહેલો જ સવાલ એ ઊભો થાય કે, ફિલ્મની વાર્તામાં હિંદુ-મુસલમાનના અટકચાળા ઉમેરવાની જરૂર જ ક્યાં હતી? વાર્તાને હિંદુ કે મુસલમાન હોવા સાથે કોઈ તાર્કિક સંબંધ દેખાતો નથી. એ વાત જુદી છે, મુસ્લિમ પ્રેક્ષકોને આકર્ષવાની ફેશન શરૂ થઈ હતી. બીજું, માલાસિન્હાને પ્રેગ્નન્ટ બનાવીને રાજેન્દ્રકુમાર પોતાના શહેર જતો રહે છે ને બીજા લગ્ન કરી લે છે, એની પાછળનું કોઈ કારણ પણ નથી. પિતા રાધાકિશનનો પુત્ર રાજેન્દ્રને બીજે પરણાવવાનો આગ્રહ પણ એટલો માઈલ્ડ હોય છે કે, પેલાએ શા માટે માલાને દગો કરીને નંદા સાથે લગ્ન કરવા પડે છે, એનો કોઈ જવાબ નથી. ન્યાયાધીશના સ્તરે પહોંચેલો રાજેન્દ્ર (પોતાના જ) પણ અજાણ્યા બાળકને 'નાજાયઝ ઔલાદ' અને સમાજનું પાપ કહીને ઘરમાંથી કાઢી મૂકે, એવું શિક્ષિત સમાજમાં તો બને નહિ. માલા સિન્હાને છોકરો આટલો મોટો થઈ જાય ત્યાં સુધી બેવફા રાજેન્દ્ર ઉપર બદલો લેવાનું કેમ સૂઝતું નથી અને જ્યારે બદલો લે છે, ત્યારે બદલાનું 'લોજીક' શું હોઈ શકે, એ પ્રેક્ષકો સમજી શકે એમ નથી. આવી અનેક બેવકૂફીઓ ફિલ્મમાં જોવા મળે છે.
બીજી નવાઈ એ પણ લાગે છે કે, ફિલ્મના અનેક જાણીતા પાત્રોને ફિલ્મના ટાઈટલ્સથી માંડીને પ્રચાર-પુસ્તિકામાં પણ સ્થાન નહોતું આપવામાં આવ્યું. મેહમુદ, રાધાકિશન, જીવન, વિજયાલક્ષ્મી, નાઝ કે નાના પળશીકરના ફિલ્મના ટાઈટલ્સમાં નામો નથી. રાધાકિશન તો આજે કોઈને યાદ ન હોય, પણ એ જમાનામાં બહુ મોટું નામ હતું. સંવાદો બોલવાની એની પદ્ધતિ અનોખી, આપણને ચીઢ ચઢાવે એવી છતાં એને સાંભળવો તો ગમે જ, એ પ્રકારની હતી. એક જમાનામાં નરગીસ સાથે પ્રેમ-પ્રકરણ ચાલુ રાખીને ફિલ્મ 'આહ'માં નરગીસની બહેન બનતી વિજ્યાલક્ષ્મી સાથે પણ સમાંતર લફરું કર્યા પછી, એક સિનેમાઘરમાં પકડાઈ ગયેલા પ્રેમીઓમાંથી નરગીસે વિજ્યાલક્ષ્મીને ચાલુ સિનેમાએ જ ફટકારી હતી. યાદ રહ્યું હોય તો વિજ્યાલક્ષ્મી સાથે રાજ કપૂરે ફિલ્મ 'બાવરે નૈન'માં 'ખયાલોં મેં કિસી કે ઈસ તરહે આયા નહિ કરતે...' ગીત ગાયું હતું. છેલ્લે છેલ્લે એ મીનાકુમારીની સખી કે બહેન તરીકે ફિલ્મ 'પાકિઝા'માં જોવા મળી હતી. (આ કિસ્સામાં, પ્રેમી રાજ કપૂરને શોધતી શોધતી નરગીસ આર. કે. સ્ટુડિયો પહોંચી, ત્યાં રાજ ન મળ્યો એટલે મુકેશને પૂછ્યું, મુકેશ બધું જાણતો હતો કે, રાજ-વિજ્યા ક્યા ગયા છે, પણ આવી વાત કોઈને કહેવાય તો નહિ ને? મુકેશ ચૂપ રહ્યો, એટલે નરગીસે મુકેશને ઇમોશનલ બ્લેકમેઈલ કરીને 'પોતાની બહેન' પાસે આવું કાંઈ ન છુપાવાય, એમ કહીને વાત કઢાવી લીધી હતી. બસ, ઘટનાસ્થળ અને આરોપીઓ અંગે જાણકારી મેળવી નરગીસ છાનીમાની બુરખો પહેરીને મુંબઈનો ફોકલેન્ડ રોડ પર આવેલ તાજ થીયેટરમાં ટેક્સી કરીને પહોંચી હતી.)
એ સમયની ફિલ્મોમાં એક વાતે આપણા સહુથી ચીઢાઈ બહુ જવાતું. સાલા એક્ટરો ૩૦-૩૫ વર્ષના થયા હોય તો ય કોલેજીયન બતાવાય. પાછું હસવું ય આવતું કે, આ બન્નેની ઉંમર કોલેજીયન તરીકે વધારે ન લાગે, એ માટે એમના કોલેજીયન દોસ્તો કે સખીઓને પણ એવી જ ઢાંઢી બતાવાતી. ફિલ્મો બ્લેક-એન્ડ-વ્હાઈટ બનતી, એટલે મેઈક-અપના થપેડા તો ભા'આય... ભા'આય... આપણાથી જોયા જોવાય નહિ. રાજેન્દ્ર તો આમે ય તમે ધારતો હો, એના કરતા ય વધુ શ્યામળો હતો, એટલે એના મોંઢે બહુ હેવી લપેડા કરવા પડતા. આ જ કારણથી ડોક્ટરના રોલ કરવા સિવાય ભાગ્યે જ કોઈ ફિલ્મમાં એણે અડધી બાંયના શર્ટ પહેર્યા છે. કારણ કે, એક્લું મોંઢું ધોળું ધોળું હોય એ તો ન ચાલે ને? હાથે ય ધોળા દૂધ જેવા બતાવવા પડે. એટલે હાથ ઉપરના લપેડાં ય દેખાઈ આવે.
અફકોર્સ, રાજેન્દ્ર હેન્ડસમ તો ખૂબ હતો. એને કપડાં ખૂબ શોભે, એવું પરફેક્ટ બોડી ઈશ્વરે આપ્યું હતું. પરફેક્ટ એટલે આજની સ્ટાઈલ પ્રમાણે 'સિક્સ-પેક' કે મસલ્સ ફાટુ-ફાટુ થાય એવું નહિ, કપડાં શોભે એવું. ફિલ્મોમાં ગીતો ગાતી વખતે હીરો માટે કોરિયોગ્રાફી જેવું તો કાંઈ હતું નહિ, એટલે હીરોલોગને પણ જેવો આવડે એવો ડાન્સ કરતા કરતા નાચવા-ગાવાનું, એમાં આ ભાઈ ભારે ભરાઈ પડતા. હોડીમાં બેઠેલું બાળક નદીમાં હાથ બોળીને બહાર કાઢે, એટલો જ ડાન્સ રાજેન્દ્રને આવડતો. ફરક એટલો કે, રાજેન્દ્ર તો ઝાડ ઉપર બેઠો હોય તોય ડાબો હાથ તો એ જ હલેસાં મારવાની ઢબે હલાવવાનો. માલા સિન્હાને ય એવું ક્યાં કશું આવડતું હતું. એની ય એક સ્ટાઈલ આપણને ગુસ્સો ચઢાવે એવી પર્મેનેન્ટ હતી. એક હાથની પહેલી આંગળી દાઢી ઉપર અડાડેલી રાખીને બીજો હાથ પેલા હાથની કોણીથી પકડી રાખીને કમર હલાવવાની, એટલે ભલભલો ડાન્સ પૂરો. પાછું, ફિલ્મોમાં હજી હેર-સ્ટાઈલો આવી નહોતી, એટલે હીરોઈનોના જે કાંઈ ગૂંચળાવાળા વાંકડીયા વાળ હોય, એના બે ચોટલાં લઈને આખી ફિલ્મમાં ફરે રાખવાનું, સાલું, આપણને એ વાળ સામે જોવું ય ન ગમે, ને પાછો, 'તેરી ઝૂલ્ફોં સે જુદાઈ તો નહિ માંગી થી...' જેવાં ગીતો ગાય... તારી ભલી થાય ચમના... તું એકલો બેઠો બેઠો પેલીના માથામાંથી ગૂંચો કાઢે રાખને... અમને શેનો કહી દેખાડી બતાડે છે?
ફિલ્મમાં નૃત્ય કરવા (બેબી) નાઝ આવે છે. જોવાની ખૂબી એ છે કે, જેને આપણે ફક્ત ગીતકાર તરીકે ઓળખીએ છીએ, તે પ્રેમ ધવન સંગીતકાર, ગાયક, દિગ્દર્શક અને આ ફિલ્મમાં તો નૃત્યનિર્દેષક પણ હતા.
યસ. માલા સિન્હા હજી આ ઉંમરે (૭૫ની થઈ) પણ ખૂબસૂરત લાગે છે. હમણાં દાદાસાહેબ ફાળકે એવોર્ડમાં એણે પ્રેસ-કોન્ફરન્સ પણ સંબોધી હતી. દુઃખ એ વાતનું થાય કે, પોતાના જમાનામાં પ્રેક્ષકોથી માંડીને હીરો, પ્રોડયુસર કે દિગ્દર્શકોને મન ફાવે તેમ આંગળીને ટેરવે નચાવતી આ હીરોઈનોને આજે કોઈ ઓળખતું પણ નથી. બહુ અપમાનિત લાગતું હશે ને? માટે જ કહે છે કે, જમાનો તમારો ચાલતો હોય ત્યારે ધરતી પર રહો... ધરતીનો તો ખસવાનો સ્વભાવ છે... તમે બર્દાશ્ત નહિ કરી શકો!
ફિલ્મની વાર્તા એ જમાનામાં નવી લાગી હશે, હવે એનું એવું મૂલ્ય ન રહે, કારણ કે 'ધૂલ કા ફૂલ' સફળ થઈ, એટલે એ પછીના ઘણા નિર્માતાઓ આ જ વાર્તામાં નાનામોટા ફેરફારો કરીને નવેસરથી પેશ કરી, એટલે આપણા મનમાંથી ય મૂળ વાર્તાનો ચાર્મ જતો રહે. અહીં પણ, એ જમાનામાં ટીપિકલ કહી શકાય એવી હીરો-હીરોઈન અચાનક મળી જાય, પ્રેમમાં પડે, બન્ને વચ્ચે શરીર-સંબંધ બંધાય ને હીરોને બહાર જવાનું આવે. આ બાજુ બાળક આવી જાય ને પેલો પાછો આવી બીજે લગ્ન કરી લે. લોકલાજથી ડરવા હીરોઈન બાળકને જંગલમાં મૂકી આવે ને મુસલમાન ચાચા (મનમોહનકૃષ્ણ) એને ઘેર લઈ આવે, ઉછેરે, સ્કૂલમાં મૂકે, જ્યાં અન્ય બાળકો 'તુમ્હારા બાપ કૌન હૈ?'ની થીયરી પર એની મજાકો ઉડાવે રાખે, એમાં એક છોકરો દોસ્ત બની જાય, જે હીરાનો જ પુત્ર હોય... વગેરે વગેરે...
આટલે સુધી તો ચલો, બધું બરોબર હતું. પછી પંડીત મુખરામ શર્મા ભરાઈ પડયા છે. જુઓ, આખો દાખલો ગણાવી દઉં. રાજેન્દ્ર-માલા પ્રેમમાં, બન્ને વચ્ચે અનૈતિક સંબંધથી છોકરું આવે, રાજેન્દ્ર બીજે (નંદાને) પરણી જાય, પછી માલાના આપઘાત-બાપઘાતના પ્રયાસો, અશોકકુમાર માલાની જીંદગીમાં આવે. માલાનો ત્યજી દીધેલો છોકરો (ફિલ્મ 'દોસ્તી'માં અપંગ બનતો સુશીલ કુમાર) મનમોહનકૃષ્ણની ઝુંપડીમાં ઉછરે, આ બાજુ ડેઝી ઈરાની રાજેન્દ્ર-નંદાનો દીકરો બને. હવે સ્ટોરીનો એન્ડ કેવી રીતે લાવવો. ત્યજાયેલા પુત્રને મા-બાપ સાથ ભેગો તો કરવો પડે. ભેગો કરવા જાય તો નવા ફાધર અશોકકુમારનું શું? રાજેન્દ્ર-નંદા ઓલરેડી પરણીને મા-બાપ બની ચૂક્યા હોય છે, ભલે એક્સીડેન્ટમાં એમનો પુત્ર ગૂજરી જાય છે, પણ પેલા પુત્રનું શું કરવું? છેવટે કોઈ રસ્તો ન મળતા આ લોકો અશોકકુમારને બહુ જેન્ટલમેન બનાવી દે છે અને બાળકના પિતા બનવાની સંમતિ આપે છે.
લો કલ્લો બાત...! આમાં કોઈ ઢંગધડા લાગ્યા? ફિલ્મમાં એક તબક્કે પ્રેમમાં સેક્સનો લાભ ઉઠાવીને છુ થઈ જતા પુરુષો ઉપર વાર્તામાં કોઈ લપડાક-બપડાક હશે, એવી હવા ઊભી થાય છે, પણ ડાયરેક્ટર તો એમાં ય ભરાઈ ગયા છે. પ્રોબ્લેમ, એ લોકોએ જેમ તેમ કરીને વાર્તા પૂરી કરી એનો નથી, પ્રોબ્લેમ જેમ તેમ કરીને આપણે ફિલ્મ પૂરી કરવી પડે છે એનો છે... બોલો જય અંબે.