Quantcast
Channel: Ashok Dave's Blog
Viewing all 894 articles
Browse latest View live

સુંદર નારી પ્રીતમ પ્યારી

$
0
0
એ... એવું કેમ હશે કે, માની ન શકાય એવી ખુબસૂરતી ધરાવતી સ્ત્રી સાલી સાવ ડોબા પણ અબજોપતિને જ પરણી હોય ? તપાસ કરી લો, તમારા સર્કલમાં કે, આવું કેટલા બધા કિસ્સાઓમાં બન્યું છે ? વાઈફ સુંદર હોય ને ગોરધન ઘાસલેટ હોય, એવું તમે ય તમારા સર્કલમાં કેટલા બધા કેસોમાં જોયું છે ? પૈસો જોઈને પરણનારી સુંદર સ્ત્રીઓ શું ખરેખર બેવકૂફ હોય કે ગણત્રીબાજ ? વેલ. ખાસ કરીને મારા પોતાના કિસ્સામાં તો આમાંથી કાંઈ લાગતું-વળગતું નથી, એટલે પર્સનલ ચર્ચા આપણે છોડી દઈએ... ને આમે ય, અમારા બા'મણભ'ઈઓમાં અબજોપતિ હોવાની તો વાતે ય ન હોય ને ? અજાયબપતિ ઠેરઠેર મળી આવે... જેમાંના એકને તમે હાલમાં વાંચી રહ્યા છો !

દયા પછી આવે, જીવ પહેલા બળે કે, જસ્ટ બીકૉઝ... પેલો કરોડપતિ છે, પણ દેખાવ અને સ્માર્ટનેસમાં પૈસા પડી જાય, એ જાણવા છતાં સુંદર સ્ત્રીઓ આવા લલ્લુઓને કેમ પરણતી હશે ? આપણે બધા ભગવાન થઈ ગયા'તા, તે નજરમાં ન આયા ? જમાનો જ્યારે અમારો ચાલતો હતો, ત્યારે ખાડીયાની એક એક બ્યૂટી-ક્વીનો સાલી કરોડપતિ લલ્લુઓને પરણી ગઈ, એટલે પછી અમારા જેવાઓનો હૅન્ડસમ લૉટ કંટાળીને કુકરવાડા, જોરાજીના મુવાડા, ધરાસણા કે ધ્રાંગધ્રા-ફાંગધ્રા પૈણી આયો ! શું કરીએ બીજું ? ભવિષ્યમાં કમ-સે-કમ એક ડોસીને કૂંવારી મરતી બચાવવી તો પડે ! એક ફાયદો ગામડાની ગોરીઓને પરણવાનો અમને બધાને થયો કે, એ લોકો કરતા તો અમે વધારે સમાર્ટ દેખાતા હતા. બીજો ફાયદો ખરો ને વળી... કે, આંગડીયું ગામડેથી છોડાવ્યું હોય એટલે અમદાવાદમાં બીજા કોઈ નજર તો ન બગાડે. નહિ તો, અમદાવાદમાં ''ભાભી... ભાભી...''કહીને આપણને જેઠ-દિયર બનાવી દેનારાઓ ઓછા નથી, ભ'ઈ !

પણ તો ય... માણસ છીએ ને સારા માણસ છીએ. કાગડા દહીંથરાં લઈ જાય ને આપણે જોતા રહેવાનું, એટલે જીવો તો ભડભડભડ બળે ને ?... કોઈ પંખો ચાલુ કરો... બફાઈ મરાય છે !

યસ. કોઈની બળી જાય તો ભલે બળી જાય, પણ બધાએ કબુલ તો કરવું પડશે કે, ગુજરાતીઓમાં સૌથી સુંદર સ્ત્રીઓ બ્રાહ્મણ હોય છે. સુંદરતા પણ ગુજરાતીઓમાં જ્ઞાતિ-જ્ઞાતિએ જુદી પડે છે. બ્રાહ્મણ-સ્ત્રીઓ સૌથી સુંદર હોય, એ દસ્તાવેજ ઉપર હે વાચકો... તમે દસ્તખત કરી આપો, એટલે બીજી કઈ જ્ઞાતિઓની સ્ત્રીઓ ઓછી વત્તી સુંદર કે ડબલાંછાપ હોય છે, એ ચર્ચા મોટું મન રાખીને તમે પતાવી દેજો. મને આમાંથી બહાર રાખજો.

હવે જૂના ઘા ફરી તાજાં કરીએ. ચલો, સ્વીકારી લઈએ કે, કરોડપતિ લલવો શહેરની શ્રેષ્ઠ સુંદરીને પરણી ગયો... ઈશ્વરને ગમ્યું, તે ખરૂં, પણ એ બન્ને ઘરની બહાર કેવી રીતે નીકળતા હશે ? એ બન્ને બહાર નીકળે ત્યારે સમાજ ઉપર કેવા પ્રત્યાઘાતો પડતા હશે ? વટેમાર્ગુઓ પુરૂષ હોય કે સ્ત્રી, કોઈ પેલા રાભાની સામે જોતું હશે ખરૂં ? અરે, જે એને બોલાવતું પણ હોય, એ એની વાઈફ પાસે બે ઘડી ઊભા રહેવા મળે, માટે બોલાવે ને ? કેમ કોઈ બોલતું નથી ? મારો કૅસ ઢીલો પડી રહ્યો છે ! આ વખતે પેલીનો મૂડ તો છલ્લમછલ્લા હોય, પણ એના ગણપતને કાંઈ નહિ થતું હોય ? અરે, તમારા જેવો કોઈ હિંમતવાળો નીકળી આવે, તો એના જ વરને કહી દે, ''ગણપત... બે અડધી કહી આય... !''

પત્ની સુંદર હોય ને આપણે ડોબા હોઈએ, એ કાંઈ બહુ ખુશ થવા જેવી વાત નથી. સાલા વગર કારણે મિત્રો વધતા જાય છે. 'ભાભી... ભાભી...'કરતા હજારો ઘરમાં ઘુસી આવે છે અને 'મેહમાં જો હમારા હોતા હૈ, વો જાન સે પ્યારા હોતા હૈ'ના ધોરણે આપણે ય મોંઢા હસતા રાખીને આવકારો તો આપવા પડે.

અહીં તો અમે સાલી કોઈ બ્યુટીક્વીનને પરણ્યા નથી, છતાં...

''ઓહ દાદુ તમે... ? કેમ છો ભાભી, કેમ છો... આજકાલ તો દેખાતા જ નથી !''

તારી ભલી થાય ચમના, મારી વાઇફને હું રોજ એક વાર જોઈ લઉં, એ પૂરતું છે... તારે એને દેખીને શું કામ છે ? આમાં પાછી આપણી વાઇફો ય હખણી રહેતી ન હોય ને સામો જવાબ આપે, ''ઓહ, કેમ છો પિલ્લુભા'આય... ? વાસંતિભાભીને હારે નો લી આઇવા... ?''

સાલો આપણો જ રૂપીયો ખોટો હોય, એમાં દોષ કોને દેવો ? પિલીયાએ જીંદગીમાં પહેલી વાર આજે સારૂં કામ કર્યું છે ને એની વાસ મારતી વાસંતિને સાથે લઈ આવ્યો નથી... ને આવડી આ પાછી યાદ દેવડાવે કે, સાથે કેમ નથી લાવ્યા ? આઈ ટૅલ યૂ... એની વાઇફ વાસંતિને એક વાર જોઈ લો પછી આગામી છ મહિના સુધી પરસ્ત્રીઓને જોવાના તમારા કાર્યક્રમો પડતા મૂકવા પડે ! ઘણા તો બૈરાં ય એવા ઉઘરાવી લાવે છે કે, એવીઓને જોયા પછી આપણી સગ્ગી વાઈફો ય આપણને સગી બહેન જેવી લાગવા માંડે ! મૂડ ના ઉતરી જાય ? એક જાણિતી જોકમાં નહોતું આવતું કે, જંગલની પહાડીઓ ખૂંદી ખૂંદીને એક માણસ એક બાવા પાસે ગયો ને પ્રાર્થના કરી, ''સ્વામીજી, મને મારી વાઈફ ગમતી નથી... કોઈ ઉપાય બતાવો !''

''ગધેડા... ઉપાય મળ્યો હોત તો હું બાવો બન્યો હોત ?''

જો કે, સદરહૂ બાવો ય ડોબો હશે, નહિ તો શોખ સ્ત્રીઓનો હોય તો આપણા દેશમાં સાધુ બનવા જેટલી જાહોજલાલી ફિલ્મોમાં ય નથી. ફિલ્મોમાં તો કાસ્ટિંગ-કાઉચ પકડાય તો હલવઈ જવાય... સંત-સાધુઓનો તો સરકાર પણ વાળ વાંકો કરતી નથી. સુઉં કિયો છો ?

પાછું ગતાંકથી ચાલુ કરીએ તો, પિલ્લુ મારા દેખતા જ મારી વાઇફને હસતા હસતા કેમ જાણે કોઈ મોટી જોક મારી હોય એમ ફરિયાદ કરે, ''ભાભી, તમે આ રાક્ષસના પનારે ક્યાં પડયા ? આ માણસ તો ઘરમાં એક મિનિટે ય રહે છે ? આખો દહાડો બહારનો બહાર... !''

સાલાને ક્યાંથી ખબર પડી ગઈ હશે કે, હું આખો દહાડો એના ઘેર હોઉં છું... ? એની અપરણિત સાળી... દિખને મેં બુરી નહિ હૈ !

પાછૂં જે કરોડપતિ આટલી મનોહર, સુંદર અને પ્રાતઃસ્મરણીય પત્નીને ઉપાડી લાવ્યો હોય, એ હોય બહુ વહેમીલો ! વાઇફ સુંદર ને પોતે ઘાસલેટ એટલે પળેપળે એને ફફડાટ રહેતો હોય કે, આવી આ કોક દહાડો મને પડતો મૂકી દેશે... ને એમાં ય, સામે આપણા જેવો હૅન્ડસમ માણસ મળ્યો હોય... ! આ તો એક વાત થાય છે. આપણે ત્રણે મળીએ ત્યારે નોંધવા જેવું છે કે, એની વાઈફ તો આપણી સામે હસી હસીને કેવી નિર્દોષતાથી વાતોએ ઉપડી હોય... મામલો ઘરનો કહેવાય, એટલે બીજીઓ કરતા આપણે એને હસાવીએ પણ વધારે, પણ એ વખતે હસીને રીસ્પૉન્સ આપવાને બદલે એનો ગોરધન સાલો આપણી સામે કતરાતી નજરે જોતો હોય ! સાલા, ગામમાં અમે બીજાની વાઇફો જોઈ નહિ હોય ? એકલી તું જ લઈને બહાર નીકળ્યો છે ? ભગવત ગીતામાં ય કીધું છે, જ્યારે સૃષ્ટી ઉપર પાપનો ભાર વધી જાય છે ને અત્યાચાર થાય છે, ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ ધરતી પર ઉતરી આવે છે ને ઍકઝૅક્ટ એ તબક્કે, આપણે પણ સાક્ષાત શ્રીકૃષ્ણસ્વરૂપે ઉતરી આવ્યા હોઈએ છીએ ! સુઉં કિયો છો ?

અલબત્ત, આપણા દેશના મહાન ચિંતક અને વિચારપુરૂષ શ્રી. અશોક દવેજીએ ક્યાંક લખ્યું છે કે, માણસનું ચરીત્ર બીજાની વાઇફોને જોવાથી બગડતું નથી, પણ બીજો કોઈ આપણી વાઇફને જોયે રાખે, તો ચરીત્રના ભડાકા થવા માંડે છે... તારી બીજી વાર ભલી થાય ચમના... જે ઘરમાં ફિટ કરાવેલી છે, તેને જ અપ્સરા માની લે... બહાર તારા કોઈ ચણા ય નહિ આલે ! મોટા ખર્ચા કરીને જેને તું પરણી લાયો છું, એ જ તારી કૅટરીના, જોલી.... એ જ સની લિયોન ને એ જ તારી ઍન્જેલિના.

આઈ મીન... ડિમ્પલની આખી વાત અલગ છે !

સિક્સર

ભાષણોમાં ઘાંટાઘાંટ કરીને બોલવા ઉપરાંત, હવે તો રાહુલ બાબા દરેક વાક્યનો છેલ્લો અક્ષર કોની પાસેથી શીખીને લંબાવે છે ?

'ભાઇ ભાઇ' ('૫૬)

$
0
0
ફિલ્મ : 'ભાઇ ભાઇ' ('૫૬)
નિર્માતા : એવીએમ (મદ્રાસ)
દિગ્દર્શક : એમ.વી.રમણ
સંગીતકાર : મદન મોહન
ગીતકાર : રાજીન્દર કિશન
રનિંગ ટાઇમ : ૧૯- રીલ્સ
થીયેટર : રીગલ (અમદાવાદ)
કલાકારો : અશોક કુમાર, કિશોર કુમાર, નિમ્મી, શ્યામા, નિરૂપા રૉય, ઓમપ્રકાશ, ડૅઇઝી ઇરાની, ડૅવિડ, શિવરાજ અને કેસરી.



ગીતો
૧. મેરા છોટા સા દેખો યે સંસાર હૈ ....................... લતા મંગેશકર
૨. ઇસ દુનિયા મેં સબ ચોર ચોર ....................... લતા મંગેશકર
૩. કદર જાને ના હો કદર જાને ના, મોરા બાલમ............ લતા મંગેશકર
૪. ઘર મેરા ઘર કી આગ સે.. ભગવાન જો તુ હૈ............ લતા મંગેશકર
૫. અય દિલ મુઝે બતા દે, તુ કિસ પે આ ગયા હૈ............ ગીતા દત્ત
૬. ઠંડી ઠંડી હવા ખાને રાજા ગયા ગાંવ મેં.................. લતા-કોરસ
૭. મેરા નામ અબ્દુલ રહેમાન............................ લતા-કિશોર
૮. અપના હૈ ફિર ભી અપના, બઢકર ગલે લગા લે.......... મુહમ્મદ રફી
૯. દિલ તેરી નજર મે અટકા રે............................આશા ભોંસલે
૧૦. શરાબી જા જા જા, ઓ દીવાને તુ ક્યા જાને..............લતા મંગેશકર

ફિલ્મ 'ચલતી કા નામ ગાડી'માં ત્રણે ય ગાંગુલી બ્રધર્સ સાથે આવ્યા હતા ને ફિલ્મ 'ભાઇ ભાઇ'માં અનુપ નહોતો. દાદામોની એટલે કે, અશોક કુમાર અને આભાસ કુમાર એટલે કે કિશોર કુમાર આ ફિલ્મમાં સગા ભાઇ બને છે.

એક ઍક્ટર તરીકે આજે ય અશોક કુમારનો કોઇ સાની નથી- સૉરી, નૉટ ઇવન મિસ્ટર બચ્ચન ઓર દિલીપ કુમાર. દાદામોનીની ખાસીયત આ બન્ને ગ્રેટ એક્ટરો કરતા એ વાતમાં મોટી હતી કે, અશોક કુમારે હીરો હોવા છતાં થોડા અપવાદોને બાદ કરતા 'ઍન્ટી-હીરો'ના રોલ જ કર્યા. આવા રોલ કોઇ સફળ ઍક્ટર કે હીરો સ્વીકારવાની હિંમત ન કરે. આવું કરતા રહેવાથી પ્રેક્ષકોમાં દેવ આનંદ-રાજ કપૂર જેવી લોકપ્રિયતા ન મળે પણ, એમને ઍક્ટરના બન્ને શૅડ મળે, હીરો અને વિલન-બન્નેના. ઉંમર અને તોફાનો જોતા સામાન્ય પ્રેક્ષકો માટે દેખિતી રીતે જ 'ભાઇભાઇ'નો હીરો કિશોર જ હોય ને એમાં ય એ વખતની ધૂમધામ અભિનેત્રી નિમ્મી હીરોઇન હોય, તો કોઇ કાળે ય હીરો અશોક કુમાર લાગવાનો નથી. આમે ય, આપણા દેશમાં હીરોની વ્યાખ્યા મુજબ, જે હીરોઇનને પ્રેમ કરે, એ હીરો. જ્યારે ફિલ્મનું મૂલ્યાંકન કરનારાઓ માટે ફિલ્મ'મુગલ-એ-આઝમ'નો હીરો દિલીપ કુમાર નહિ, પૃથ્વીરાજ કપૂર હતો. 'ગંગા-જમુના'નો પૅરેલલ હીરો (વાસ્તવિક જીવનમાં પણ દિલીપ કુમારનો ભાઇ) નાસીરખાન હતો. 'શોલે'નો હીરો કોઇ કાળે ય અમિતાભ બચ્ચન કે ધર્મેન્દ્ર ન કહેવાય... સંજીવ કુમાર જ કહેવાય.

આ ફિલ્મની અભિનેત્રી નિમ્મી રાજ કપૂરની શોધ છે. દિલીપ-નરગીસ-રાજની ફિલ્મ 'અંદાઝ'નું એ તો શૂટિંગ જોવા આવી હતી ને એમાં એની ભૂરી આંખોએ રાજને મોહિત કરી લીધો. ફિર ક્યા ? 'બરસાત'માં નિમ્મીને ચાન્સ મળી ગયો અને ખૂબ સફળ હીરોઇન બની ગઇ જામનગરમાં હું એને મળ્યો, ત્યારે પણ 'રાજ સા'બ'નો ઉલ્લેખ બાઅદબ કરતી હતી. એની કે ખુદ રાજની ભૂરી આંખો ભારતના પ્રેક્ષકો માટે મોટી અજાયબી હતી. આજે પણ અજાયબી છે. કોઇની ભૂરી કે માંજરી આંખો જોઇ નથી કે લોકો ઇમ્પ્રેસ થયા નથી...!

ફિલ્મની સૅકન્ડ હીરોઇન અથવા વૅમ્પ શ્યામા અત્યંત ખુબસુરત ચેહરો અને ફિગરની માલકીન હતી. મૂળ નામ એનું 'ખુર્શિદ અખ્તર'. આમ તો એ આગ્રાના એક ગરીબ ફ્રૂટવાળાની દીકરી હતી. ચેહરો કામ કરી ગયો અને ફિલ્મોમાં હીરોઇન બનવા સુધી પહોંચી. અભણ એટલે માર્કેટીંગ-બાર્કેટીંગ ના આવડે. એમાં મોટા હીરોની સામે હીરોઇન બનવા મળે, એની સામે જ્હૉની વૉકર કે તલત મેહમુદને ય પોતાના હીરો બનવા દે.

તમને થાય ખરૂં કે, એમાં શું હીરો નાનો હોય કે મોટો... ફરક શું પડે છે ? પણ દાખલો શશી કપૂરનો વાંચી જુઓ. ફિલ્મ 'ચાર દિવારી'થી હીરો બનનાર શશી બાબાની પ્રારંભની તમામ ફિલ્મો ફ્લૉપ ગઇ અને (નંદા સિવાય) એક પણ હીરોઇન એની સાથે કામ કરવા તૈયાર ન થાય. એટલે સુધી કે એ જમાનાની અમિતાઓ કે સઇદાખાનો ય ના પાડી દે, ''શશીને બદલે હીરો કોઇ બીજો લો.''

તે એમાં ને એમાં શ્યામા પોતાનું માર્કેટ ગૂમાવી બેઠી અને પછી તો સાઇડ હીરોઇન નહિ, સાઇડ આર્ટિસ્ટ સુધીના રોલ લેવા પડયા. દેવ આનંદની ફિલ્મોના કાયમી સિનેમેટોગ્રાફર પારસી ફલી મિસ્ત્રી સાથે એ પરણી, પણ કહે છે કે, ચરીત્ર જાળવી ન શકી અને આજ સુધી બદનામ રહી. ખુદ એના દીકરા એને બોલાવતા નહોતા.

એ વખતની ફિલ્મોમાં બાળકલાકારોની બોલબાલા હતી ને એમાં ય ઇરાની-સિસ્ટર્સ ડૅઝી અને હની તો સારી ઍકટ્રેસો હતી. આ લોકોને ત્રીજી પણ એક બહેન હતી મેનકા ઇરાની, જે સ્ટન્ટ ફિલ્મોના ફાલતું હીરો કામરાનને પરણી (કામરાન ચાલુ માણસ હતો. એ મેનકાને છોડીને ફિલ્મ 'તુમ સા નહિ દેખા'વાળી અમિતાને પરણ્યો ને એને ય છોડીને કોઇ ત્રીજીને પરણ્યો. એ બન્ને (મેનકા-કામરાન)ના બે સંતાનો કૉમેડિયન અને ફિલ્મ 'હાઉસફૂલ'નો નિર્માતા-દિગ્દર્શક સાજીદ ખાન અને ડાન્સ- ડાયરેક્ટર ફરહા ખાન પણ ફિલ્મોમાં જોર બતાવી ચૂક્યા છે. હની ઇરાનીના બે સંતાનો 'ભાગ મિલ્ખા ભાગ'નો હીરો ફરહાન અખ્તર અને એની બહેન ઝોયા અખ્તર. ડૅઝીએ પોતાના ત્રણ સંતાનો કબિર, વર્ષા અને રિતુને ફિલ્મોમાં જવા દીધા નથી. ડૅઝી મોટી થઇને સિનેમેટોગ્રાફર કે.કે.શુક્લાને પરણી. હની ઇરાની ગીતકાર અને ફિલ્મ 'શોલે'ના સહલેખક જાવેદ અખ્તરને પરણી. જાવેદે એને તલાક આપીને શબાના આઝમીને પરણ્યો. આ જાવેદ એ જૂની ફિલ્મોના ગીતકાર જાં-નિસાર અખ્તરનો દીકરો.

ત્રીજી હીરોઇન નિરૂપા રૉય...અમિતાભની બારમાસી 'માં'. એક જમાનામાં તો એ ય હીરોઇન હતી. ગુજરાતની મોચી જ્ઞાાતિને ગૌરવ આ સ્ત્રીએ બખ્શ્યું. અલબત્ત, છેવટના વર્ષોમાં તો એ દીકરાની વહુને દહેજ માટે ત્રાસ આપનારી ગૂન્હેગાર તરીકે છાપાઓમાં ય ચમકી હતી. કપાળ અને આંખોની ભ્રમર ઉપરથી વાળ તો બહુ પહેલાના ઉતરી ગયા હતા. એટલે છેલ્લે છેલ્લે તો તમામ ફિલ્મોમાં માથે વિગ પહેરીને જ આવવું પડતું. અશોક કુમાર સાથે અનેક ફિલ્મોમાં પત્ની બનીને આવી, એમાં કહેવાય છે કે, અશોક કુમાર જ નિરૂપાની જીદપૂર્વક ભલામણ કરતા.

અલબત્ત, ભલામણ તમને આ ફિલ્મ જોવાની કરવી પડે, એવી ભૂલ કરાય એમ નથી. ફિલ્મ 'એવીએમ'ની હોવા છતાં તદ્દન ફાલતું ફિલ્મ હતી. વાર્તાની શરૂઆત જરા અંજાઇ જવાય એવી હતી કે, ધનાઢ્ય અશોક કુમાર તેની પત્ની નિરૂપા રૉય અને બાબો ડૅઝી ઇરાની (ફિલ્મના ટાઇટલ્સ મુજબ, 'ધી વન્ડર બૉય, 'રૂપ કુમાર') સુખશાંતિથી મદ્રાસમાં રહેતા હોય છે. ધંધાના કામે એ પોતાની મુંબઇ ઑફિસે આવે છે. જ્યાં એનો જૂનો દોસ્ત અને મુંબઇ ઑફિસનો ઇન-ચાર્જ ઓમપ્રકાશ પોતાની પ્રેમિકા શ્યામા સાથે મળીને અશોકને ફસાવે છે. શ્યામા ગરજપૂર્વક અશોકના પ્રેમમાં પડવાનું નાટક કરે છે ને અશોક પોતાનો પરિવાર ભૂલી જાય છે અને પત્નીને રૂ. ૫૦ હજાર પકડાવી છુટો થઇ જાય છે. ૧૫ વર્ષ પહેલા ખોવાયેલો અશોકનો ભાઇ કિશોર મોટો થઇને ખિસ્સાકાતરૂ બને છે અને ફૂટપાથો ઉપર નાચગાના કરીને પેટીયું રળતી નિમ્મી અને તેના પિતા ડૅવિડના સંપર્કમાં આવે છે. અચાનક એને મોટા ભાઇ અશોક કુમાર મળી જાય છે. પણ મોટા ભાઇના લક્ષણો જોઇને પોતાની આઇડૅન્ટિટી છુપાવેલી રાખે છે. અલબત્ત, અશોકને પણ ખ્યાલ આવી જાય છે કે, આ જ મારો નાનો ભાઇ છે, પણ શ્યામાના ચક્કરમાં એ ભાઇને ઓળખતો નથી. અહી સુધીની વાર્તા મગજમાં ઉતરે એવી છે કે, બરોબર છે. આવું તો થાય.. પણ પછી ફિલ્મના અંત સુધી (એક તો ૧૯ રીલ્સની લાંબી ફિલ્મ... કોઇ પંખો ચાલુ કરો !) જેને ખાડીયાની ભાષામાં, 'મગજનું દહી'કહે છે, એ થયે રાખે છે. કિશોર આ ફિલ્મનો અસલી હીરો છે અને કૉમેડીની સાથે ગંભીર કિરદારોમાં ય એ ઍક્ટર તરીકે કેટલો સારો હતો, એ સાહજીકતાથી સાબિત કરી આપે છે. અશોક કુમારને હું આટલો મહાન ઍક્ટર માનું છું, પણ કબુલ કરવું જ પડશે કે, આ ફિલ્મમાં એ અશોક કુમારનો ભાઇ નહિ... બાપ લાગે છે બાપ ! નવાઇની વાત એ છે કે, ફિલ્મ કોઇપણ હોય, કિશોર અડધી બાંયના ચોકડા કે આડા-ઊભા લીટાવાળા શર્ટો જ પહેરતો. અહી યાદ કરવા પડશે, ગઝલ-સામ્રાજ્ઞી મરહૂમા બેગમ અખ્તરને. મદન મોહને તો બહુ પહેલા એમની પાસે ફિલ્મોમાં ગવડાવ્યું હતું. પણ હીરોઇનને ચાલે એવો અવાજ ન હોવાથી ફિલ્મો છોડીને એમણે કેવળ ગઝલો ઉપર ધ્યાન ધર્યું. એ અમેરિકા હતા ત્યારે લતા મંગેશકરે આ ફિલ્મમાં ગાયેલું, 'કદર જાને ના હો કદર જાને ના...'ગીત એટલું બધુ પસંદ પડી ગયું કે, ત્યાંથી લતાને ફોન કરીને રીક્વેસ્ટ કરી કે, મને ફોન પર આ ગીત સંભળાવ. અને લતાએ સંભળાવ્યું.. બેગમની ફર્માઇશો ચાલુ રહી અને લતાએ એનું એ ગીત ફોન પર ૩-૪ વખત સંભળાવ્યું.

એવું જ બીજું ગીત મદન મોહનની કમાલ સાથે ગીતા દત્તે ગાયું. જે ગીતાની કરિયરના પહેલા પાંચ સર્વોત્તમ ગીતોમાં સ્થાન પામ્યું, 'અય દિલ મુઝે બતા દે, તુ કિસ પે આ ગયા હૈ...!'મદનના ગીતો નૉર્મલી અઘરા કમ્પૉઝીશનમાં બન્યા હોય છે, જ્યારે ગીતાના આ ગીતામાં ધૂનની સરળતા અને ગીતાનો કેવો મધુરો કંઠ...આહ, આ ગીતને ચિરંજીવ કરતો ગયો. પણ મદન મોહનનો આ જ એક પ્રોબ્લેમ હતો. એ કોઇનાથી પણ ઉતરતો સંગીતકાર નહતો, પણ એની મોટા ભાગની ફિલ્મોના રીઝલ્ટ્સ એ આવ્યા છે કે, ફિલ્મના એક બે ગીતો સર્વોપરી હોય ને બાકીના ઢંગધડા વગરના. આ જ ફિલ્મ 'ભાઇ ભાઇ'જુઓ. આ બે ગીતોને બાદ કરતા એકે ય માં ઠેકાણાં છે ? લગભગ તમામ સંગીતકારોએ આ જ બેવકૂફીઓ કે આળસો નોંધાવી હતી કે, ફિલ્મના એક બે ગીતો ખૂબ સારા હોય ને બાકીનામાં કોઈ ભલીવાર નહિ ! આ નોંધણીમાં ત્રણ સંગીતકારો જુદા નિખરી આવ્યા. શંકર-જયકિશન, નૌશાદ અને ઓપી નૈયર. ફિલ્મના સમજો ને... તમામ ગીતો સુપરહિટ હોય ! આને પરિણામે, હિસાબ આખી કરિયરનો ગણો તો આ ત્રણે સંગીતકારોની તમામ ફિલ્મોના તમામ ગીતો હિટ હતા, એટલે કે એમનો સ્ટ્રાઇક-રેટ કેટલો ઊંચો કહેવાય !

બધા સંગીતકારોની માફક મદન મોહને પણ ગીતા દત્તનો ઉપયોગ ગરજ પૂરતો જ કર્યો છે. નૌશાદે પૂરી કરીયરમાં ગીતા દત્ત પાસે એક જ ગીત ગવડાવ્યું હતું, 'મુઝે હુઝુર તુમ સે પ્યાર હૈ..'(ફિલ્મ 'સન ઓફ ઇન્ડિયા'). એક જ હીરોએ મૅક્સિમમ 'પ્લૅબૅક-સિંગરો પાસે ગવડાવ્યું હોય તો એ દેવ આનંદ છે. રફી, દેવ આનંદ, તલત કે હેમંત કુમાર તો બધા જાણે જ છે. પણ સુબિર સેન, દ્વિજેન મુખર્જી,ભૂપેન્દ્ર, મન્ના ડે, મહેન્દ્ર કપૂર (ફિલ્મ 'રૂપ કી રાની, ચોરો કા રાજા') અને કોઇ માનશે ? જેમણે આજ સુધી કોઇને ય પ્લૅબૅક નથી આપ્યું, એ દાદા સચિનદેવ બર્મનનો કંઠ પણ દેવ આનંદને મળ્યો છે. ફિલ્મ 'કાલા પાની'ના 'દિલ લગા કે, કદર ગઇ પ્યારે'ગીતમાં દાદા બોલ બોલે છે. 'દિમ તાના, તા તા તાના..'જે સ્ક્રીન પર દેવ આનંદ ગાય છે. મતલબ, એને સાચું પ્લૅબેક તો ન કહેવાય, પણ રૅકોર્ડ કે લિયે બાત બુરી નહિ હૈ...!

એમ તો સુનિલ દત્ત માટે ય મન્ના ડેએ એક જ ગીત ગાયું છે. મધુબાલાની ફિલ્મ 'જ્વાલા'નું 'આજા રે આજા...'દિલીપ કુમાર માટે કિશોરે, 'સાલા મેં તો સાહબ બન ગયા.'ફિલ્મ 'સગીના', રાજેન્દ્ર કુમાર માટે કિશોર કુમારે પણ એક જ 'તુમ કો ભી તો ઐસા હી કુછ હોતા હોગા ઓ સજની... (લતા સાથે) અને કિશોર કુમારે તો રાજ કપૂરને ય પ્લેબૅક આપ્યું હતું. ફિલ્મ 'પ્યાર'માં 'એક હમ ઔર દૂસરે તુમ.'દાદા બર્મનના સ્વરાંકનમાં ગીતા રૉય સાથે ગીત ગાયું હતું. (લગ્ન પહેલાં એ ગીતા રૉય કહેવાતી !)

એવીએમ મદ્રાસની ફિલ્મ કંપની હતી અને મદ્રાસની તમામ હિંદી ફિલ્મોની જેમ આનું પ્રોડકશન પણ મુંબઇની હિંદી ફિલ્મો કરતા ઘણું ઊંચુ... અરે, કોઇ શાંતારામ નામના આર્ટ-ડાયરેક્ટરે કેવા ભવ્ય સૅટ્સ બનાવ્યા છે આ ફિલ્મના ! આખી ફિલ્મ ઇનડોર શૂટ થઇ હોવાથી પૂરી ફિલ્મમાં મનને હરી લે તેવા સૅટ્સ જોવા ગમે છે. આર્ટ-ડાયરેક્ટરની કમાલ જ અહી છે કે, એક આખો બંગલો થાય, એટલો મોટો ડ્રૉઇંગ-રૂમ બનાવવો હોય તો એની દિવાલો, ફર્નિચર, બારી-બારણા કે પિયાનો-બિયાનો જેવું ભરી ભરીને કેટલું ભરો ? ને છતાં કોઇ ચીજ અપ્રસ્તુત ન લાગે. આ સૅટ્સ મદ્રાસના એવીએમ સ્ટુડિયોઝમાં જ બન્યા હતા. આમે ય, મુંબઇની ફિલ્મો કરતા મદ્રાસની ફિલ્મોમાં બધું લૅવિશ વધારે હોય.. ભવ્યતા ! એક વખત જો કે હું લખી ગયો છું કે, આજે બહુ ભડાકા કરીને કહી દઇએ છીએ કે, ફલાણી ફિલ્મ બહુ ભંગાર હતી (જેમ કે, આજની ફિલ્મ 'ભાઇ ભાઇ'), પણ એ જમાનામાં તો આવી જ ફિલ્મો ચાલતી અને બહુ ઓછાને ભંગાર લાગતી. કદાચ લોકો પાસે ચૉઇસ નહોતી. ખોટું નહિ બોલાય... પ્રમાણમાં આજે તો ઘણી સારી ફિલ્મો બને છે.

ઍનકાઉન્ટર : 23-03-2014

$
0
0
* દેવદર્શને જતા ભાવિકોને પણ જીવલેણ અકસ્માત નડે, તેનું કારણ શું?
- દેવોને ય કોકવાર ઝોકાં આવી જાય ને?
(પ્રાપ્તિ રીંડાણી, રાજકોટ)

* રાજેશ ખન્ના સુપરસ્ટાર, અમિતાભ 'ઍન્ગ્રી યંગમન', ધર્મેન્દ્ર 'હીમૅન'અને શાહરૂખખાન 'કિંગખાન'... તો 'અશોક દવે?'
- સુપર સ્ટાર કે હીમૅનો બદલાતા રહે છે... અશોક દવે... 'વન અન્ડ ઑન્લી.'
(સલમા મણીયાર, વિરમગામ)

* પાર્લામેન્ટમાં મરચાંની ભૂકી...?
- દારૂગોળો નહિ મળ્યો હોય!
(ફિઝ્ઝા આરસીવાલા, મુંબઈ)

* લઘુમતિનો લાભ બ્રાહ્મણોને કેમ નહિ?
- શું કામ આપણને અંદરોઅંદર ઝગડાવી મારવાની રાજનીતિનો ભોગ બનવું છે? આપણે ભારતીય પહેલાછીએ- બ્રાહ્મણ પછી.
(પૂર્વી પી. દવે, વડોદરા)

* સ્ત્રીઓ સાધુસંતોને પગે લાગતી હોય છે, ત્યારે સાધુ ગર્વ અનુભવતા કેમ હોય છે?
- સ્ત્રીએ પગે લાગવાનું કેવળ એના પતિ, માતા-પિતા કે સાસુ-સસરાને હોય, પરપુરુષને નહિ... પણ એનો વર પોણીયો હોય, ને આ બધું ચલાવી લેતો હોય, એમાં સાધુઓનો શું વાંક? સાચો સંત સ્ત્રીઓને પગે લગાવડાવતો નથી.
(રૂદ્રેશ અધ્વર્યૂ, અમદાવાદ)

* આપની દ્રષ્ટિએ ભારતના આજ સુધીના શ્રેષ્ઠ વડાપ્રધાન કોણ?
- અફ કોર્સ ડૉ. મનમોહનસિંઘ, જેમના લીધે દુનિયાભરમાં ખબર પડી કે, વડાપ્રધાન 'કેવા ન હોવા જોઈએ?'
(અજયસિંહ ચંપાવત, હિંમતનગર)

* તમે શિવરાત્રીનો જૂનાગઢનો મેળો કદી માણ્યો છે?
- એક વાર જ...! ભક્તો મને 'બાવો'માની બેઠા હતા...!
(અસલમ ગામેતી, વંથલી-જૂનાગઢ)

* મારે 'મૌન'ઉપર પીએચડી કરવું છે. આપશ્રી કોઈ સારા ગુરુની ઓળખાણ કરાવી શકો?
- !
(ક્રિષ્ના મૌલિક જોશી, જૂનાગઢ)

* બુધ, શુક્ર અને રવિવારોએ રાજ કરો છો, તો સ્વ. બકુલ ત્રિપાઠી બનીને સાતે ય દિવસ રાજ કરો ને?
- અત્યારે એકલો બેઠો બેઠો રાજ કરૂં છું, તે કમ છે?
(વિદુર પંડયા, ગાંધીનગર)

* જીવવા માટે શેની જરૂરત વધારે પડે છે? પૈસાની કે બુદ્ધિની?
- હું તો બન્ને વગર જીવી ગયો છું.
(શાંતિલાલ ચંદારાણા, વડોદરા)

* તમારી બા સાચ્ચે જ ખીજાય છે કે વાચકોને હસાવવા ગપ્પું મારો છો?
- આ સવાલ તમારી બાએ પૂછ્યો હોત તો મારી બા જવાબ આપત!
(ભૂમિકા આર. લાડ, વલસાડ)

* લગ્ન પછી કોની અક્કલ ઘટી જાય છે? પતિની કે પત્નીની?
- તમારા ગોરધનજીને મળું પછી ખબર પડે!
(શ્રીમતિ ઇંદુ ચંદારાણા, વડોદરા)

* સ્ત્રી વિનાના વિશ્વની કલ્પના થઈ શકે?
- કલ્પના વિનાની સ્ત્રીઓથી આ વિશ્વ ઉજળું છે.
(ભરત ડી. સાંખલા, ડિસા)

* પરિણિત સ્ત્રીના માથામાં સિંદૂર હોય છે તો પરિણિત પુરુષના માથામાં?
- ધૂળ.
(ધ્રૂવિકા નાકરાણી, કુંકાવાવ-અમરેલી)

* લગ્ન પછી પુરુષ દુઃખી થઈ જવાનું કારણ?
- સાલો જુઠ્ઠું બોલતો હોય છે!
(બિપીન રાચ્છ, જામનગર)

* ભિખારીઓ મંદિરોની બહાર બેસે છે, બન્કની બહાર કેમ નહિ?
- બન્કમાંથી બહાર નીકળતા અડધા આ લોકોની લાઈનમાં આવી ગયા હોય છે.
(કનુ ભાવસાર, વડનગર)

* 'તારી ભલી થાય, ચમના'લખ લખ કરો છો. અમારા ગામમાં ચમનાની વાઈફ ભાગી ગઈ! શું ભલી થઈ??
- એ જ.
(મણીલાલ રૂધાણી, રાણાવાવ-પોરબંદર)

* ઘસાયેલો સાવરણો બદલવાની કેજરીવાલને જરૂરત લાગતી નહિ હોય?
- ન બદલે તો સારું. ચૂંટણી પછી સફાઈ-કામદારોની મોટા પાયે જરૂરત પડશે.
(અજય મુંજપરા, લીંબડી)

* 'ઍનકાઉન્ટર'ના સવાલો ઈ-મઈલમાં કેમ પૂછવા દેતા નથી?
- જ્યાં વ્હિસ્કી જોઈએ, ત્યાં દૂધની કોથળી ન ચાલે.
(હાર્દ એમ. કબીર, ગાંધીનગર)

* ઘણા લોકો વાત કરતી વખતે, 'આમ જુઓ તો...'બોલતા હોય છે. આપણને ક્યાં જોવાનું કહે છે?
- એ લોકો 'આમ'જોવાનું કહે ત્યારે આપણે 'તેમ'જોઈ લેવાનું. જવાબ એ જ આપશે.
(રજનીકાંત ભૂંડીયા, દ્વારકા)

* અનામતની છુટથી લહાણી...?
- આપણને તો આપણા કર્મો અને મેહનત પર વિશ્વાસ છે ને?
(શ્રીમતી કોકીલા પંડયા, ભાવનગર)

* સત્ય તો સત્ય છે... પછી એને 'નગ્ન સત્ય'કહેવાનો કોઈ મતલબ?
- એનો નગ્ન મતલબ તો મને ય ખબર નથી.
(ઓ. વી. સાગર, રાજકોટ)

* મંદિરો અને દરગાહો પર સોનું ચઢાવવાનો મતલબ?
- દરગાહોની મને ખબર નથી, પણ મંદિરોમાં સોનું ચઢાવવાથી ટ્રસ્ટીઓ પાયમાલ થતા અટકી જાય છે.
(અસગરઅલી નોમાનઅલી, બારીયા)

* આ સંસાર શું છે?
- એના બાપનું તગારું.
(હિતેશ દેસાઈ, ગણદેવી)

* એક પછી એક ધનાઢ્યો જેલ ભેગા થવા માંડયા છે... આપનું કેમનું છે?
- હું ધનાઢ્ય થઈ જઉં, તો જેલ ભેગા થવાનો વાંધો નથી!
(પરેશ અંતાણી, રાજકોટ)

* સ્ત્રીને ઘરની લક્ષ્મી કહે છે, તો પુરુષ?
- પોઠીયો.
(ઓમકાર જોશી, ગોધરા)

* ઉપેન્દ્ર ત્રિવેદી હવે કેમ નથી દેખાતા?
- એ માણસ સ્ટેજનો સર્વોત્તમ સમ્રાટ છે. એક વાર મેઘાણીભાઈની વાર્તાનું એમની પાસે એકપાત્રીય મંચન સાંભળો. આવા કલાકાર વારંવાર નથી થતા.
(શ્રેયા જ. પટેલ, અમદાવાદ)

* તમારી વાત સાચી પડી. અન્ના હજારે માત્ર પબ્લિસિટીનો ભૂખ્યો માણસ નીકળ્યો !
- આખા દેશનું મીડિયા એ ડોહાથી છેતરાઇ ગયું હતું. ત્યારે સૌ પ્રથમ આ જ કોલમમાં કહેવાયું હતું કે, ''આ માણસ ભરોસો કરવા જેવો નથી.''
(રાજશ્રી પટેલ, અમદાવાદ)

બુઢ્ઢા સઠીયા ગયા...

$
0
0
આ સાલી ૬૦-પછીની ઉંમર ખૂબ મજ્જાની છે. કહે છે કે જુવાનીના વર્ષો, સ્કૂલમાંથી છુટેલા બાળકોની જેમ ધીંગામસ્તી કરતા રૂમઝુમ દોડતા આવે ને એટલી જ સ્પીડે જતા ય રહે છે, જ્યારે ૬૦-પછીની ઉંમરના વર્ષો વૃદ્ધાશ્રમના વડિલો રાત્રે સુવા જતા હોય એવા સ્ફૂર્તિ વિનાના આવે છે ને પાછા જતા નથી. સ્ફૂર્તિ તો જાવા દિયો, ગામઠી શાળાની લોખંડની ઝાંપલીની જેમ, ખોલો ત્યારે ચું-ચું કરતી હાલકડોલક ખુલે, એમ આપણે ચાલીએ છીએ કે ઊભા, એ આપણે ય નક્કી કરી ન શકીએ. ચાલમાં ઠેકાણાં રહેતા નથી ને ચલગત ઈચ્છો તો ય બગાડી શકવાના નથી.

આ ઉંમરે, સમાજ પણ આપણા શરીરની જેમ ઓરમાયું વર્તન કરતો થાય છે, કેમ જાણે એને યાદ ન હોય કે, એક જમાનામાં આ જ શરીર ઉપર આપણું સાર્વભૌમત્વ હતું ! નજર નહિ, આંખો પુરાણી પ્રેમિકાની જેમ ખરે વખતે દગાબાજ નીકળે. એને માટે દૂર કે નજીકનો કોઈ તફાવત રહ્યો નથી. બે ય સંપી ગઈ છે, એકબીજાને મળી ગઈ છે... દુશ્મનો તો પાછળથી વાર કરે... આંખો તો નજરની સામે વાર કરે છે.

ગાર્ડનનો બાંકડો આપણું 'ઈ-મેઈલ-આઈડી'બની જાય છે. ઘર કરતા ત્યાં વધારે મળીએ. ત્યાં આપણને જોવા કોઈ નવરૂં હોતું નથી... આપણે લોકોને જોયે રાખવા પડે છે. જુવાનીયાઓ આપણી બાજુમાં બેસતા નથી ને આપણી ઉંમરના ડોહાઓ આવીને બેસે, એ સાલા ગંધાયે રાખે છે.

ને તેમ છતાં ય, બહુ તોતિંગ તોફાનોએ ચઢી જવાની ઉંમર હવે ૬૦ પછી શરૂ થાય છે. બાકીનું જીવન આપણી મસ્તીથી જીવવાનો સંકલ્પ કર્યો હોય તો... નહિ તો, બાકીનું જીવન કેમ જીવવું, એના ધોરણો આપણા ફેમિલીવાળા, સગા સંબંધીઓ, યાર દોસ્તો કે રીતિરિવાજો નક્કી કરી આપે છે. જર્સી અને જીન્સ આ ઉંમરે પહેરીએ, તો સારા ન લાગીએ. ૪૦-વર્ષની સુંદર સ્ત્રી સામે એક ટસે તો જાવા દિયો, અડધી ટસે ય ન જોવાય... જોઈએ તો ઘેર બેઠેલી બા ખીજાય ! ''ડોહા... હવે જરા માનમાં રહો... ૭૦ થયા !''દીકરા અને વહુઓ આપણી સાથે જરૂર પૂરતી વાત કરે. હૂલ્લડ થવાની દહેશત હોય ત્યારે અસામાજીક તત્ત્વોને સરકાર 'અંદર'કરી દે છે એમ, એમના 'ગેસ્ટ્સ'આવ્યા હોય, ત્યારે આપણે ડોસીને લઈને અંદરના રૂમમાં ગરી જવાનું. કોક વાર વળી એક અડધો પેગ 'ડ્રિન્કસ'લેવું હોય તો વહુ બૂમો મારતી આવે, ''પપ્પા, તમે જ બધું ગટગટાવી જાઓ છો, પછી એમને માટે કાંઈ રહેતું નથી.''

કાંઈ બાકી રહી જતું હોય, એમ ડોસી ય પાછી સલાહો આલ આલ કરે, ''કઉં છું... રોજ ગાયત્રીની પંદર માળા કરો આ ઉંમરે... ! ધરમ-ધિયાન કાં'ક તો જોઈએ કે નઈં... ?''

''તારી ભલી થાય ચમની... તારો કૅસ પતી ગયો હશે, બા... ! અમારે તો હજી જૂવાનીમાં બાકી રહી ગયેલી ઘણી ઈચ્છાઓ પૂરી કરવાની છે... તું સુઉં કામ આડી આવશ... ?''

૬૦-માં દાખલ થતા જ, મેં પહેલો નિર્ણય એ લીધો કે, ઉપર જવાનો સમય નજીક આવતો જાય છે, એટલે માથા ઉપરથી જેટલો ભાર ઓછો થાય, એ કરવો. અને ખુશીઓ ને તોફાનમસ્તી પોસાય એટલા છોડવા નહિ. ઉપરનો રસ્તો સીધા ચઢાણવાળો અને ખૂઉઉઉઉ...બ્બ લાંબો છે... 'વહાં પૈદલ હી જાના હૈ'એટલે માથા પરના પોટલાંમાંથી જેટલો ભાર ઓછો કરતા જવાય, એટલો કરવો. ઉપર તો સાલી પાન-સિગારેટની દુકાને ય ન હોય, સોડા ય મળવાની નથી, ત્યાં 'બ્લૅક-લૅબલ'તો બઇની ઝાલરમાંથી મળે ? એટલે, જતા પહેલા આ બધું ટેસથી પૂરૂં કરતા જવું. ૬૦-ઉપર પહોંચ્યા છીએ, એટલે હવે ગમે ત્યારે ઉપરવાળો બોલાવી લેશે... ! ફટ્ટ દઈને તો બહુ ઓછાને બોલાવે છે, બાકીનાઓને તો બિમારીના પલંગ ઉપર વરસોના વરસ લબડાવી રાખીને રિબાવે છે. અર્થાત, હજી હાથ-પગ ચાલે છે ત્યાં સુધી થાય એટલા જલસા કરી લો, મસ્તુભ'ઈ... હોસ્પિટલની છતનો કલર બહુ બૉરિંગ હોય છે ! ઘરના તો ઠીક છે, નર્સો-ડૉક્ટરો ય આપણને વહાલ નથી કરતા. ખબર કાઢવા આવનારાઓ, આપણને હવે ક્યારે કાઢી જવાના છે, એવી પ્રેમાળ ઉત્સુકતાથી મળવા આવે છે. એમના સવાલો, આપણે ગળામાંથી જ નહિ, ખભામાંથી ય હેડકીઓ ખાઈને એવા જલદ હોય છે, ''મસ્તુભ'ઈ... કિમો-થેરાપી પતી ગઈ...''

''તારી ભલી થાય ચમના... હું અહીં કૅન્સરના દર્દી તરીકે દાખલ થયો નથી... ની-રીપ્લૅસમૅન્ટ માટે આયો છું, વાંદરા !''સાલું હરકોઈ આપણાથી છુટવા માંગતું હોય. હડધૂતીની જાહોજલાલી જુવાનીમાં સહન થાય, આ ઉંમરે નહિ !

યસ. ઉપર જવાની ઉંમર હજી શરૂ પણ નહોતી થઈ, ત્યારનો એક પદ્ધતિ પર જીવું છું. દુશ્મનોને પ્રેમપૂર્વક ભેટતા જાઓ. આપણી પહેલા એ ઉકલી જાય, તો મર્યા પછીના ખોટેખોટા વખાણો કરવા પડે છે, ''સદગતનો સ્વભાવ બહુ સારો હતો... ધાર્મિકવૃત્તિના ય બહુ. અડધી રાત્રે ય આપણા કામમાં આવે. એમના જવાથી સમાજને મોટી ખોટ પડશે.''

આવા હાવ ખોટેખોટા વખાણો કરવા પડે, એના બદલે (એના મરતા પહેલા) પ્રેમપૂર્વક એને પાછો દોસ્ત બનાવીને એના સાચા વખાણ કરવાની સીસ્ટમ ઊભી ન કરીએ ? જેટલું લૂટી ગયો છે ને જેટલો દગો કરી ગયો છે, એટલો હવે તો કરી શકવાનો નથી ને કરે તો ય આપણી પાસે હવે લૂટાવવા જેટલો માલ ક્યાં પડયો છે ? (બે બોટલ તો સ્ટૉકમાં રાખવાની જ, બોસ !)

અમારા જેવી જાહેર-વ્યક્તિઓને દુશ્મન બનાવવા માટે કોઈ પ્રયત્ન જ કરવો ન પડે. સફળતા એ જ દુશ્મનીનું કારણ. આજ સુધી હું કોઈની સાથે ઝગડયો નથી કે કદી ઊંચા અવાજે કોઈની સામે કે કોઈના માટે બોલ્યો નથી ને મારૂં ખરાબ કરનારને પણ કોઈ મહત્વ આપ્યું નથી. મેં પર્સનલી કોઈનું બગાડયું હોય, એવી તો જગતમાં એક પણ વ્યક્તિ નથી, છતાં ય, માત્ર બીજાને ખુશ કરવા મારી સાથે દુશ્મની બાંધી લેનારાઓને તો 'દુશ્મન'નો પ્રતિષ્ઠિત ઈલ્કાબ પણ ન અપાય ને ? દુશ્મન પણ આપણા લેવલનો હોવો જોઈએ ને... ગ્રસફૂલ ! ફખ્ર આપણને થાય કે, 'મારો દુશ્મન પણ કોઈ ઓર્ડિનરી નથી.'આપણા બધાની એ સદનસીબી હોય છે કે, દુશ્મનો ય બહુ ઓર્ડિનરી-લેવલના મળ્યા હોય છે, જેમને 'દુશ્મન'ગણવામાં ગ્રેસ આપણી ઓછી દેખાય !

ઈરાદો એ છે કે, ટૅન્શન, ઈર્ષા, ગુસ્સો, દુશ્મની અને એકલતા છોડીને દુનિયાની ભીડમાં ભળી જવાનું. એકલદોકલમાં દુશ્મનો નીકળી આવે, ભીડમાં તો યારદોસ્તો ય મોટી સંખ્યામાં મળી જાય. હવે જેટલા જલસા થાય એટલા કરી લેવાના, સાધો ! આ ઉંમરે કોઈ આપણા પ્રેમમાં પડી જાય, એ પોસિબલ નથી. પડી પણ જાય તો કેટલે સુધી પહોંચી વળો, એની તમને ય ખબર છે, પણ સુંદર હોય તો જોવામાં કોઈ ખર્ચો આવતો નથી. મન પ્રફૂલ્લિત રહે છે. વિચારો સારા આવે છે. ડોસી સાથે ય સારૂં બનવા માંડે છે. સુંદર સ્ત્રીઓ જોવી ગમે, ત્યાં સુધી જ આનંદથી જીવવા મળવાનું છે. કેસ ખલાસ થઈ ગયા પછી સની લિયોન રાખડી બાંધવા આવે ને હાથ અડી જાય તો ય શરીરમાં લખલખું આવી જશે. આ ઉંમરે સની લિયોન જ નહિ, એની બા ય ગમવી જોઈએ. સુઉં કિયો છો ?

દુનિયા બહુ ખરાબ નથી. બહુ સારી છે. કમનસીબી ક્યારેક વેશ્યાની માફક આપણી પાસે આવીને ભાવ માંગતી હોય, એટલે આખી દુનિયા ખરાબ લાગે... પણ બાકીની દુનિયા બહુ સારી છે. બાલ્કની બહાર જુઓ, તો જગત સામેના બે-ચાર બંગલા પૂરતું ટુંકુ નથી... ક્ષિતિજ સુધી લાખો બંગલા સુધી વિસ્તરેલું છે... એમાંથી હજારો તમને ચા-પાણી પીવા ય બોલાવી શકે છે.

જય હો.

સિક્સર

કેજરીવાલે મીંડાથી શરૂઆત કરી હતી... અને આજે એની પાસે મીંડા જ મીંડા છે !

'સી.આઈ.ડી. ૯૦૯' ('૬૭)

$
0
0
ફિલ્મ : 'સી.આઈ.ડી. ૯૦૯' ('૬૭)
નિર્માતા : બિંદુ કલા મંદિર
દિગ્દર્શક : મુહમ્મદ હૂસેન
સંગીતકાર : ઓપી નૈયર
ગીતકારો : સાથેના બૉક્સ મુજબ
રનિંગ ટાઇમ : ૧૪-રીલ્સ : ૧૨૩ મિનટ્સ
થીયેટર : અશોક (અમદાવાદ)
કલાકારો : ફિરોઝ ખાન, મુમતાઝ, હૅલન, બેલા બૉઝ, બ્રહ્મ ભારદ્વાજ, શેટ્ટી, મોહન શેરી, રાજન કપૂર, રાજન હકસર, ટુનટુન, રામ મોહન, ઉમા દત્ત અને પહેલી વાર સ્વ. રૂપેશ કુમાર.



ગીતો
૧.... યાર બાદશા, યાર દિલરૂબા, કાતિલ આંખોવાલે..... આશા ભોંસલે
૨.... તેરા નિખરા નિખરા ચેહરા, ઉસ પર ચમકે...... આશા-કમલ- બારોટ-મહેન્દ્ર
૩.... ચાહો તો જાન લે લો, માલિક હો જીંદગી કે......... આશા ભોંસલે
૪.... જાને-તમન્ના કયા કર ડાલા આંચલ મેં મુસ્કાકે...... આશા-મહેન્દ્ર કપૂર
૫.... ધડકા તો હોગા દિલ જરૂર, કિયા તો હોગા તુમને પ્યાર.... આશા-કમલ-મહેન્દ્ર
૬.... નદી કા કનારા હો, પાની આવારા હો, સાથ કોઇ પ્યારા હો.... આશા ભોંસલે
ગીત નં. ૧ અને ૨ -શેવન રિઝવી, ૩-૪, શમ્સ-ઉલ-હુદા બિહારી, ૫-અઝીઝ કશ્મિરી અને ગીત નં. ૬ વર્મા મલિક

આ જરા મઝા કરાવી લે એવી હકીકત હિંદી ફિલ્મોના શોખિનો માટેની છે કે, લગભગ ૧૯૬૬-ની સાલ સુધીમાં આપણા જમાનાના તમામ સંગીતકારોની કરિયર ખતમ થઇ ચૂકી હતી. હયાત હતા, એ પણ કોઇ મોર મારી શકતા નહોતા...ઓન ધ કૉન્ટ્રારી, એમની આબરૂ જાય એવું સંગીત આ સમયગાળા પછીની તેમની ફિલ્મોમાં આપવા માંડયું હતું. પણ ઓપી નૈયરનો રથ સંગીતની રણભૂમિ પર તોખારની જેમ હણહણતો દોડતો રહ્યો. એમની કરિયરમાં કદી સૂર્યાસ્ત આવ્યો જ નહિ. આશા ભોંસલેએ સાથ છોડી દીધા પછી એ સમાપ્ત ચોક્કસ થઇ ગયા, પણ '૬૬ના સમયગાળા પછી આશા સાથેનું તોતિંગ ગઠબંધન હજી તગડું ચાલે જતું હતું. ઓપી પ્રયોગ ય કરતા. આ જ ફિલ્મના બે ગીતો 'ચાહો તો જાન લેલો...'અને 'જાને તમન્ના ક્યા કર ડાલા...'ઓપીએ ગાયકોને કોઇ સૂર આપ્યા વિના સીધા જ શરૂ કરાવ્યા છે. અને '૬૭ની સાલમાં બનેલી આ ફિલ્મ 'સી.આઈ.ડી. ૯૦૯'માં કેવા તોફાની સ્ત્રી-યુગલો બનાવી દીધા ઓમકાર પ્રસાદ નૈયરે ! એમને એમ એ રિધમ-કિંગ નહોતા કહેવાતા. 'નદી કા કિનારા હો, પાની આવારા હો, સાથ કોઇ પ્યારા હો તો ફિર બેડાપાર હૈ'અને 'ધડકા તો હોગા દિલ જરૂર, કિયા તો હોગા તુમને પ્યાર...'જેવા ગીતોમાં ઢોલક-તબલાંના ઠેકા સાંભળો એટલે તરત આપણા હાથ-પગ હાલવા માંડે ને કબુલ કરવું પડે કે, રિધમ-કિંગ એમને એમ... એટલે કે, કેવળ જુદા જુદા ઠેકા વગાડીને બનાતું નથી...એ ઠેકા સાંભળીને શ્રોતાના હાથ-પગ થિરકવા જોઈએ.

આ ઓપી બી કમ્માલની ચીજ હતી ! એક તો જીવનભર લતા મંગેશકર વગર ચલાવ્યું. '૫૦-ના દશક અને તે પછી પણ શંકર-જયકિશન અને કલ્યાણજી-આણંદજીના 'પૉલિટિક્સ'નો ભોગ બનતા રહેવું પડયું, મોટા ભાગની ફિલ્મોમાં મોટું બૅનર કોઇ નહિ ને સાવ ફાલતુ નિર્માતાઓની અત્યંત ફાલતુ ફિલ્મોમાં ય સંગીત તો 'એક મુસાફિર એક હસિના'કે 'ફિર વો હી દિલ લાયા હૂં'લૅવલનું જ.....અને આશાએ છુટા પડયા પછી ઓપીને બેફામ બદનામ કરે રાખ્યા-સામે એકે ય જવાબ ઓપી તરફથી નહિ, ગીતકાર રાજીન્દર કિશન સાથે ઊભા-બોલવાના ય સંબંધો નહિ, છતાં ય એક ગીતકાર તરીકે દિલ ફાડીને બિરદાવવા, શંકર-જયકિશનના આસિસ્ટન્ટ સેબેસ્ટિયન ઓપીના ય આસિસ્ટન્ટ હતા, તે ખુશ થઇને 'રૉલૅક્સ'જેવી અંબાણીઓને જ પોસાય, એવા મોંઘા ભાવની ઘડિયાળ કાચી સેકંડમાં ગિફ્ટ આપી દેવી.... ને દુશ્મનો ગમે તેટલો અપપ્રચાર કરે, તો ય સામો કોઇ જવાબ નહિ આપવાનો... આ સઘળી ફિતરત ઓપીની હતી. કોક પત્રકારે પૂછેલું પણ ખરૂં કે, આશાજી તમારા માટે પ્રેસમાં આટઆટલી ગાળો ઓકે રાખે છે...તમે સામો જવાબ કેમ નથી આપતા, ત્યારે ઓપીએ એક શહેનશાહની 'ગ્રેસ'ને છાજે એવો જવાબ આપી દીધેલો, 'મારા પિતાશ્રી મને એક સલાહ આપતા ગયા છે, 'Never explain. Your friends don't need it. Your enemies won't believe it.'

એક હવા એવી ય ચાલી હતી કે, ઓપી નૈયરે પાછળથી એવું કબુલ કર્યું હતું કે, પાછલી ફિલ્મોમાં મહેન્દ્ર કપૂરને લઇને મોટી ભૂલ કરી હતી. આ વાત ખોટી છે. અફ કૉર્સ, ઓપીએ કીધા તો હતા આ જ શબ્દો, પણ સંદર્ભ નોખો હતો. 'યે રાત ફિર ન આયેગી'નું મહેન્દ્ર કપૂરે ગાયેલું ગીત સ્વાભાવિક રીતે જ મુહમ્મદ રફી ગાવાના હોય, પણ રફી મક્કા હજ પઢવા ગયા ને આ બાજુ રૅકૉર્ડિંગ સ્ટુડિયોના ભાડાં ચઢતા હતા, એટલે ઓપીએ રફીની રાહ જોવાને બદલે મહેન્દ્ર કપૂર પાસે ગવડાવી લીધું, ('મેરા પ્યાર વો હૈ કિ, મરકરભી તુમકો...') એમાં પાછા આવીને રફી ખૂબ નારાજ થયા ને ઓપી માટે નહિ ગાવાની જાહેરાત કરી બેઠા. કોઇ જીદ પર અડયા વગર ઓપીએ કબુલી લીધું કે, 'મહેન્દ્ર કપૂરને લેવાની એમણે મોટી ભૂલ કરી હતી.'ધૅટ્સ ઑલ....એ આ જ એક ગીત પૂરતી વાત હતી.ઓપી નૈયર એક માત્ર સંગીતકાર એવા હતા, જે હઠપૂર્વક પોતાના ગીતોના અંતરાઓમાં એકની એક ધૂન વગાડતા. બર્મન દાદા બધા અંતરાઓ વચ્ચે અલગ ધૂનો વગાડે. ઓપી કહેતા, 'હું તે કાંઇ ગાન્ડો થઇ ગયો છું કે, એક ગીતમાં ત્રણ-ત્રણ ગીતોની ધૂનો વેડફી નાંખું ?'અલબત્ત, આ ફિલ્મમાં તેમના આસિસ્ટન્ટ જી.એસ. કોહલીએ ફિલ્મના બૅકગ્રાઉન્ડ અને ટાઇટલ-મ્યુઝિકમાં ઉતારાય એટલી વેઠ ઉતારી છે.

જો કે, આ ફિલ્મ વિશે લખવાનું બીજું ય કારણ ખરૂં કે, ફિરોઝ ખાન મારો ગમતો હીરો. મુમતાઝ પણ ખૂબ ગમે. એ બંને એકબીજાના પ્રેમમાં તો હતા, પણ એમના સંતાનો એકબીજાને પરણ્યા, એ ય સારૂં થયું. ફરદીન ખાન અને મુમુની દીકરી નતાશા માધવાણીનો સંસાર સારો ચાલે છે. બહુ ઓછાને ખબર હશે કે, એક સમયનો સામાન્ય વિલન સ્વ. રૂપેશ કુમાર મુમતાઝનો પિતરાઇ ભાઇ થાય. દેખાવડો અને ફૂલગુલાબી ચેહરો ધરાવતો રૂપેશ કુમાર ખાસ તો રાજેશ ખન્નાના 'ચમચા'તરીકે ફિલ્મનગરીમાં વધુ ઓળખાતો. એની ફિલ્મો હતી, 'કલ આજ ઔર કલ', 'અંદાઝ', 'સીતા ઔર ગીતા', 'રામપુર કા લક્ષ્મણ''નાગિન', 'દૂસરા આદમી', 'ચાચા ભતીજા'અને 'ધી ગ્રેટ ગૅમ્બલર'. રૂપેશ (થૅન્કસ ટુ મુમતાઝ) આ ફિલ્મના એક ગીત, 'તેરા નિખરા નિખરા ચેહરા..'માં ફૂટપાથીયા હાર્મોનિયમવાદક તરીકે આવે છે.

એની બધાને ખબર છે કે, 'શોલે'વાળો 'કાલીયો'વિજુ ખોટેનો સગો ભાઇ થાય, પણ એ બહુ ઓછાને ખબર હોય કે, બંને ટિવન્સ હતા.

ઇન ફૅક્ટ, એ જમાનામાં ફિરોઝ, સંજય, સમિર અને અકબર, 'ખાન બ્રધર્સ ઑફ જૂહુ'ના નામે પ્રખ્યાત હતા. એમને એક ચોથો ભાઇ શાહરૂખશાહ ખાન અને એક બહેન દિલશાદ બીબી પણ હતા. ખુદાએ આંખ મીંચીને ખૂબ પૈસો આપ્યો હતો. એક સમિરખાનને બાદ કરતા ત્રણે ભાઈઓ ડૅશિંગલી હૅન્ડસમ હતા. સમિર ખાન મીના કુમારીવાળી ફિલ્મ 'ગોમતી કે કિનારે'નો હીરો હતો, પણ પ્રેક્ષકોમાં અક્કલ ખરી કે, એને ચાલવા ન દીધો. ફિરોઝ બહુ વહેલો ફિલ્મોમાં આવી ગયો હતો. અશોક કુમારની જેમ એ પણ ઍન્ટી-હીરોના રોલ વધુ કરતો...અથવા કરવા પડતા. હૅન્ડસમ ખરો, પણ ચેહરામાં જરીક જરીક ખલનાયકપણું દેખાય ખરૂં, એટલે ગુરૂદત્ત-માલા સિન્હાની ફિલ્મ 'બહુરાની'કે રાજેશ ખન્ના-શર્મીલા ટાગોરની ફિલ્મ 'સફર'માં એ ઍન્ટી-સાઇડ હીરો તરીકે વધુ ચાલ્યો. એણે પોતે બનાવેલી ફિલ્મો 'અપરાધ', 'ધર્માત્મા'અને 'કુરબાની'માં નિર્માતા તરીકે પણ ખૂબ કમાયો. બાકીની ફિલ્મોમાં વાળ ઉતરી જવાથી દરેક ફિલ્મોમાં ઇંગ્લિશ હૅટ કે ફેડોરા-કૅપ પહેરીને જ આવવું પડતું, એમાં પ્રેક્ષકોએ માફ ન કર્યો. યસ. એક વાત ફિરોઝ ખાનની (જન્મ : ૨૫ સપ્ટેમ્બર, ૧૯૩૯ મૃત્યુ : ૨૭ ઍપ્રિલ, ૨૦૦૯) પ્રણામ સાથે સ્વીકારવી પડશે. એને પાકિસ્તાન બોલાવવામાં આવ્યો અને તમે તો જાણો જ છો કે, ત્યાં ભારત વિરોધી ઝેર ઓકવાનું સદીઓથી ચાલુ રહ્યું છે એ મુજબ, એને ય પૂછવામાં આવ્યું કે, ભારતમાં મુસલમાનોની દશા કેમ આટલી બધી ખરાબ છે ? ત્યારે એક સાચ્ચા ભારતીય મુસલમાનને છાજે એમ એ ત્યાં ઝગડી પડયો હતો કે, કમ-સે-કમ, પાકિસ્તાન કરતા ભારતના મુસ્લિમો વધુ સુખી છે. ત્યાં એને મોટો ફિટકાર પણ મળ્યો, ભારતની તરફેણ કરવા બદલ, પણ એ પોતાની સમજ ઉપર કાયમ રહ્યો. (પાકિસ્તાન તરફથી આવો ફિટકાર પ્રણામયોગ્ય ગાયક મુહમ્મદ રફીને પણ મળ્યો હતો, હિંદુઓના ભજનો તેમજ ભારતના દેશભક્તિના ગીતો ગાવા બદલ. પાકિસ્તાને તો રફી ઉપર ત્યાં પ્રવેશવાનો આજીવન પ્રતિબંધ પણ મૂકી દીધો હતો.) અહીં આપણે પાકિસ્તાનથી આવતા કલાકારોનું કેવું ભાવભીનું સન્માન કરીએ છીએ, એ વાત જુદી છે. આ જ બાબતે શિવસેના પ્રચંડ વિરોધ કરતી રહી છે. ફિરોઝની દીકરી લયલા ભારતના ટૅનિસ-સ્ટાર રોહિત રાજપાલને પરણી ને છુટાછેડા લીધા પછી એ ફરહાન ફર્નિચરવાલાને પરણી, જે લયલાના ભાઈ ફરદીનને પસંદ નહોતું, એમાં એક ફાઇવ-સ્ટાર હૉટેલમાં સાળા-બનેવી રીતસર હાથોહાથની મુક્કાબાજીમાં આવી ગયેલા... 'વૈસે ભી ખાનોં કા ખૂન ગર્મ હી હોતા હૈ...!'ફિરોઝ પરણ્યો તો હતો સુંદરી ખાનને, પણ પોતાની દીકરીની ઉંમરની પાકિસ્તાની ગાયિકા નાઝીયા હસનના એકતરફા પ્રેમમાં પડી જઈને બહુ બદનામ પણ થયો. નાઝીયા કૅન્સરમાં ગૂજરી ગઈ. 'કુરબાની'નું એણે ગાયેલું, 'આપ જૈસા કોઇ મેરી ઝીંદગી મેં આયે, તો બાત બન જાયે..'હિંદી ફિલ્મોનું એ જમાનાનું કલ્ટ-સૉન્ગ બન્યું હતું. હૉલીવૂડની કાઉબૉય ફિલ્મો એ તેના હીરોની નકલ કરી કરીને ફિરોઝે પોતાને બૉલીવૂડના ક્લિન્ટ ઇસ્ટવૂડ તરીકે જાતે ને જાતે ઓળખાવાનું નક્કી કર્યું. એ વાત જુદી છે કે, ક્લિન્ટ ઇસ્ટવૂડે પોતાને હૉલીવૂડના ફિરોઝ ખાન તરીકે માન્યતા મળે, એ માટે મુંબઇ નગરપાલિકામાં કોઇ અરજી કરી નહોતી. મુમતાઝને કૅન્સર છે. નાયરોબીમાં રહે છે, પણ મુંબઇ આવવા-જવાનું નિયમિત છે. ફિલ્મ 'સીઆઇડી ૯૦૯'માં ફિરોઝે આંખ મીંચીને જૅમ્સ બૉન્ડની સ્ટાઇલો કે મૅનરિઝમ્સ પકડવાનો બેહૂદો પ્રયાસ કર્યો હતો. જેણે બૉન્ડની ફિલ્મો જોઇ હશે, એમને યાદ હશે કે બૉન્ડ એના બૉસ 'એમ'ની ઑફિસમાં દાખલ થાય ત્યારે બૉસની બહાર બેઠેલી સેક્રેટરી મીસ મનીપૅની સાથે ફલર્ટ કરતો આવે. ફિરોઝભાઈ પણ આવું કરે છે. પિસ્તોલ પકડવાની સ્ટાઇલથી માંડીને અનેક અદાઓ સીધી શૉન કૉનેરીની ઉઠાવવાની. (આપણે ત્યાં દાયકાઓ સુધી 'સીન'કૉનેરી બોલાતું રહ્યું, જેનો ખરો ઉચ્ચાર 'શૉન'છે....શૉન કૉનેરી') અહીં તો ફિરોઝ ખાન ગુંડાઓને પકડવા એમની પાછળ દોડે છે ત્યારે મેહસાણાના બસ સ્ટેશન ઉપર સિધ્ધપુરની બસ પકડવા દોડતો હોય, એવો બેહૂદો લાગે છે.

આઘાતની વાત એ છે કે, ફિલ્મમાં હૅલનને એકે ય ડાન્સ જ આપવામાં આવ્યો નથી. ફિલ્મ 'સીઆઇડી ૯૦૯'ની વાર્તા-ફાર્તા માટે તો મોંઘા ભાવના પૅરેગ્રાફ્સ બગાડાય એવા નથી. ફિલ્મને ફાલતુ કહેવાનો ય કોઇ અર્થ નથી, કારણ કે '૬૦ના એ જમાનામાં આવી ફિલ્મો મસ્તીથી જોનારો એક વર્ગ હતો, જે હીરો વિલનને 'ઢીશુમ'બોલીને એક ફેંટ મારે તો ઘેર ગયા પછી ય ખુશ રહેતો પ્રેક્ષકોનો વર્ગ આવી ફિલ્મો જ વધુ માણતો. એ લોકોને ફિરોઝ ખાનની આખી કરિયરની સર્વોત્તમ ફિલ્મ 'ઊંચે લોગ' (દાદામોની અને 'જાની'રાજકુમાર સાથેની ફિલ્મ) સહેજ પણ ન ખપે. કબુલ તો એ ય કરવું પડે કે, ફિરોઝ કોઇ ગ્રેટ ઍક્ટર પણ નહોતો કે, એને સામાજીક અને હેતુલક્ષી ફિલ્મો મળે.

'સીઆઇડી-૯૦૯'ની બીજી કૉમેડી એ હતી કે, આમ બીજી ફિલ્મોમાં જેમના કોઇ ચણા ય ન આવતા હોય, એવા ફાલતુ ઍક્ટરોને અહીં મૅઇન-વિલનોના રોલ મળ્યા છે. મોહન શેરીને (આપણા જમાનાના ચાહકોએ) જોયો હોય, પણ એટલો નહિ કે મોહન શેરી નામ યાદ રહી જાય....એ સાલો અહીં મૅઇન વિલન. ઘણો સ્થૂળકાય છતાં ગુંડાની પર્સનાલિટીમાં ફિટ બેસી જાય એવો રાજન કપૂર અહીં સીઆઇડી ચીફના રોલમાં છે, બોલો ! બ્રહ્મ ભારદ્વાજને તો એના પર્મેનૅન્ટ પૂણી જેવા સફેદ વાળને કારણે આવી ફિલ્મોમાં સાયન્ટિસ્ટનો રોલ જ મળે. આજના મશહૂર ફિલ્મ નિર્માતા મનમોહન શેટ્ટીના ટાલીયા અને કાળીયા પિતા 'શેટ્ટી'ને પણ અહીં કામ મળ્યું છે. ફિરોઝ ખાનનો બૉસ બનતો ઊંચો તાડ જેવો પણ ખરબચડા ચેહરાવાળો વિલન ઉમા દત્ત અહીં સી.આઇ.ડી.નો બૉસ બની ગયો છે, એ ફિલ્મ કેવી હોય ?

બેલા બૉઝ '૬૦ના દાયકાની ફિલ્મોમાં બહુ ચાલી હતી. ક્યાંક તો એ આશા પારેખની ડૂપ્લિકૅટ પણ લાગે, એવી સુંદર તો હતી, પણ ડાન્સર તરીકે વધુ સારી, એટલે ફિલ્મો બહુ મળી. હૅલનની હરિફાઇમાં એ જમાનામાં બેલા બૉઝ ઉપરાંત મધુમતિ પણ ખરી, પણ જરા હૅલનની ગ્રેસ તો જુઓ....બેલા હોય કે મધુમતિ હોય, કોઇ હૅલનને પોતાની સમકક્ષ નહોતી ગણતી. ભરપૂર આદર સાથે એ બધીઓ હૅલનનો લિહાજ રાખતી. પ્રોફેસર, આમ્રપાલી, શિકાર, ઉમંગ, યે ગુલિસ્તાં હમારા, દિલ ઔર મુહબ્બત કે વહાં કે લોગ અને 'જય સંતોષી મા'જેવી ફિલ્મોમાં કામ કરનાર બેલા એ જમાનાના ધાર્મિક ફિલ્મોના હીરો ('જય સંતોષી માં'ના જ હીરો) આશિશ કુમારને પરણી ગયા પછી ફિલ્મો છોડી દીધી. આ બંગાળી અભિનેત્રી એક વ્યક્તિ તરીકે ઉમદા હતી. આટલી ધકધક કરતી સુંદરતા છતાં કોઇ હીરો-બીરો સાથે એનું લફરૂં થયું નથી. જીતેન્દ્રની ફિલ્મ 'જીને કી રાહ'માં જીતુની બહેન તરીકે રોલ સારો હતો. છેલ્લે તો એ 'મોરે મન મિતવા'માં દેખાણી હતી. આ ફિલ્મનું મુબારક બેગમે ગાયેલું એક ગીત જૂના ગીતોના ચાહકો માટે તો ક્લૅકશનનું ગીત છે, 'મેરે આંસુઓં પે ન મુસ્કુરા, કઇ ખ્વાબ થે જો બદલ ગયે...'

હજી એક વાર કહી શકું. 'સીઆઇડી ૯૦૯'તદ્દન ફાલતુ ફિલ્મ હોવા છતાં જોઇ નાંખવામાં ખોટ એટલે નહિ જાય કે, ઓપીના રસઝરતા ગીતો હરમાન માસ્તર અને કિરણકુમારે કોરિયોગ્રાફીમાં બેલા બૉઝ અને ખુદ મુમતાઝના ડાન્સ સાથે પરફૅક્ટ મૅચ થાય છે.

એનકાઉન્ટર : 30-03-2014

$
0
0
* અન્ના હજારે કોઈ નહિ ને મમતા બેનર્જીના ચમચા ક્યાંથી થઈ ગયા?
- એની તો મમતાને ય ખબર પડી ગઈ, કે આ માણસ કેવળ પબ્લિસિટીનો ભૂખ્યો છે.

* મૃત્યુ પછી વખાણ થાય, એ માણસની હયાતીમાં કેમ કદર થતી નથી?
- હાથી જીવતો લાખનો, મૂએલો સવા લાખનો!
(શ્રીમતી ખુશ્બુ જોબનપુત્રા, જૂનાગઢ)

* આ જમાનામાં સૌથી વધુ વિશ્વાસ કોનો કરવો જોઈએ?
- પિંજરાની પાછળ બેઠેલા સિંહભ'ઈનો!
(શ્રીમતી ઈંદુ ચંદારાણા, વડોદરા)

* ગુરુ પછી શિષ્ય, રાજા પછી કુંવર ને પિતા પછી પુત્ર... એ પરંપરા પ્રમાણે આપના પછી 'ઍનકાઉન્ટર'નું કોણ?
- મને તમારા ઉપર વિશ્વાસ વધુ બેસે છે!
(ચેતના એ. પંડયા, મુંબઈ)

* મારી આજે ૬૦ની ઉંમરે ય પત્ની મારી સાથે ઝગડયા કરે છે. શું કરવું?
- આખરી વિજય તમારો થાય છે કે સત્યનો, એ જરા જોઇ લેવાનું !
(ભરત મોદી, અમદાવાદ)

* મિસ્ટર બીન અને રાહુલ ગાંધી વચ્ચે શું તફાવત?
- હસાવવામાં રાહુલજી પાસે મિસ્ટર બીનના કોઈ ચણા ય ના આલે.
(અભિષેક ત્રિવેદી, ભાવનગર)

* શાહજહાંને એની વાઈફ મુમતાઝની યાદમાં તાજમહલ બનાવ્યો. આપ આપની પત્ની માટે શું બનાવશો?
- અમારામાં એકબીજાને બનાવવાના હોય!
(પ્રતાપ ઠાકોર, ખરેટી-ખેડા)

* ૨૯ ફેબુ્રઆરીનો જન્મદિવસ આપની જેમ સ્વ. મોરારજી દેસાઈનો પણ હતો... કોઈ સામ્યતા?
- એની તો ખબર નથી, પણ જેને આ વાતની ખબર પડે છે, એ મારી નજીક આવીને મારું મોંઢું સુંઘી જાય છે... એ જોવા કે, આ ય શિવામ્બૂના ઉપાસક છે કે નહીં?
(ડો. પ્રવિણગીરી ગોસ્વામી, પોરબંદર)

* લગ્નના ફેરા વખતે સ્ત્રી આગળ ને પુરુષ પાછળ કેમ?
- નકરી આળસ.
(ફેસલ છીપા રેશમવાલા, અમદાવાદ)

* પંખો ચાલુ કરવાનું તમે અમને કહો છો... જાતે કેમ નથી કરતા?
- જાતે કરવામાં વીજળીનું બિલ મારું આવે!
(પ્રસન્નબેન જેઠવા, દ્વારકા)

* કહેવાતા સાધુઓ પ્રપંચ કરી બહેનોનું ચારીત્ર્ય ખરાબ કરે છે, એમને ખુલ્લા કેમ પડાતા નથી?
- એમ કરવાથી બા નહિ, બહેનો ખીજાય!
(દિલીપ કાકાબળીયા, મુંબઈ)

* કેવા સવાલોને તમે 'ઍનકાઉન્ટર'માં સ્થાન નથી આપતા?
- ઘણાને બસ... પોતાનું નામ છપાવવાની શૂળ હોય છે. દરેક છાપા, દરેક મૅગેઝીનમાં સવાલો પૂછે રાખે, એવાઓને અહીં સ્થાન નથી.
(શ્રેયા જુ. પરીખ, અમદાવાદ)

* દેશમાં શાળાઓ, શૌચાલયો કે પુસ્તકાલયો કરતા દેવાલયોની સંખ્યા ઘણી વધુ છે. શું આ યોગ્ય છે?
- એક પુસ્તકાલય બનાવે, તો એમાં આ બધા આલયો આવી જાય.
(રૂપાભાઈ ચૌહાણ, ઉંદરેલ, અમદાવાદ)

* રાજા અને વાજાંને વાંદરા સાથે કેમ સરખાવવામાં આવે છે?
- આ સવાલ અમને રાજાઓને ન પૂછવાનો હોય!
(કરીમ સોઢા, સુરેન્દ્રનગર)

* 'ઍનકાઉન્ટર'માં તમારો ફોટો કેમ મૂકતા નથી?
- મારા એક્સ-રે સારા નથી આવતા.
(અસલમ ગામેતી, વંથલી, જૂનાગઢ)

* આ યંત્રવાદમાં શું આત્માને શાંતિ મળી શકે?
- નહિ મળે. હવે તો સ્મશાનમાં ય યંત્રવાદ આવી ગયો છે. તમે કોઈ સારી જગ્યા શોધો.
(દામોદર નાગર, ઉમરેઠ)

* સિંહ તો ઘાસ પણ નથી ખાતો, ત્યાં કોલસા ખાતો કેવી રીતે થઈ ગયો?
- બાજુમાં બેઠેલી વાઘણ જે ચારો નાંખે, એ ખઈ જવો પડે.
(જયંત હાથી, મુંબઈ)

* ફિલ્મોમાં તો આખરે ખલનાયકો ય સુધરી જાય છે. વાસ્તવમાં આવું કદી બને છે ખરું?
- દુશ્મન હંમેશા દુશ્મન જ રહે છે. બસ, એને 'દુશ્મન'જેવો મહામૂલો દરજ્જો ન અપાય!
(મયૂરી ભાવેશ વોરા, જોરાવરનગર)

* ગુજરાતી હાસ્યસાહિત્યમાં જ્યોતીન્દ્ર દવે, બકુલ ત્રિપાઠી, તારક મહેતા કે અશોક દવે... બધા બ્રાહ્મણોનો જ રૂઆબ છે... કારણ?
- તમારું વાંચન ઊંચું છે.
(ઈલ્યાસ તરવાડી, ચલાલા)

* દીકરી વહાલનો દરીયો, તો દીકરાની વહુ?
- એ હજી અમારા પ્રકાશકોના દિમાગમાં આવ્યું નથી. આવે એટલે ખબર? લેખકો તો બધા તૈયાર જ બેઠા હોય છે... ગમે તે પાર્ટી લાવો!
(લલિત ઓઝા, જૂનાગઢ)

* ગુજરાતમાં પ્રાદેશિક પક્ષોને થઈ જતી કસુવાવડનો કોઈ ઈલાજ?
- નાતરાં બંધ કરાવો.
(વજુભાઈ શુકલ, અમદાવાદ)

* કેજરીવાલે મીડિયાને જેલમાં ધકેલી દેવાની ધમકી આપી...!
- આવાને નીગ્લૅક્ટ કરવાના હોય... પેલાને હજી ઍન્ટી-પબ્લિસિટી જોઈએ છે ને મીડિયા આપે રાખે છે... મીડિયાને એ સિફ્તપૂર્વક બેવકૂફ બનાવી રહ્યો છે!
(પ્રયાગી સુમતિનાથ શાહ, અમદાવાદ)

* નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી... બન્ને કૂંવારા છે...
- ઈરાદો તો નેક છે ને?
(ખ્યાતિ મહાદેવીયા, સુરત)

* લલિતા પવારની જેમ બાબા રામદેવની પણ એક આંખ તકલીફવાળી છે... કારણ?
- કોઈની શારીરિક મુશ્કેલી ઉપર આપણે નહિ હસીએ.
(હર્ષદ ભટ્ટ, શહેરા, પંચમહાલ)

* જાહેર સમારંભોમાં શૉલ ઓઢાડીને આપનું સ્વાગત થતું હોય છે... ઘરમાં બહુ શૉલ ભેગી થઈ હશે ને?
- મેં સંસ્થાઓને સૂચનો કર્યા જ છે કે, હવે પછી મને શૉલને બદલે ફ્રીજ, લેપટોપ કે ચાર બેડરૂમનો ફલેટ ઓઢાડો.
(ઓ. વી. સાગર, રાજકોટ)

* સ્ત્રીને ચૌદહવીં કા ચાંદ કહેવાય, તો પુરુષને ?
- ડીમ લાઈટનો ગોળો.
(સુમિત સિરવાણી, જૂનાગઢ)

('ઍનકાઉન્ટર'માટે તમારા સવાલો ઈ-મેઈલ પર જ પૂછી શકાશે. વાચકે સવાલની સાથે પોતાનું નામ, સરનામું અને મોબાઈલ નંબર લખવો આવશ્યક છે. સવાલો શક્ય હોય ત્યાં સુધી ગુજરાતીમાં લખીને મોકલવા. સવાલ પૂછવાનું ઈ-મેઈલ આઈડી છેઃ
ashokdave@gujaratsamachar.com)

નારણપુરાથી ન્યુયોર્ક

$
0
0
''આ તમો પાલડી-ભઠ્ઠા જાઓ છો, તો જરા ધ્યાન રાખજો. ત્યાં ગરમી બહુ હશે. પલાળેલો નેપકીન સાથે ને સાથે રાખજો... માથે મૂકવા થાય! અજાણ્યા રસ્તે જવું નહિ... કાળીયાઓ ફાડી ખાશે. વાસણા બાજુ તો જતા જ નહિ... ત્યાં-''એવી સલાહ કોઈ નથી આપતું, પણ અમેરિકા જવાના હો, ત્યારે જે લોકો મેહસાણાથી આગળ ગયા નથી, એ તમને અમેરિકામાં શું કરવું ને શું ન કરવું, એની સલાહ ઠેઠ ઘેર આવીને આપી જાય છે.

''દાદુ, શું વાત છે...! અમેરિકા જાઓ છો ને કાંઈ! અમસ્તા જાઓ છો કે-''

''ના. અમસ્તા નહિ... હું ત્યાં કિડનીઓ ખરીદવા જઉં છું.''

''મસ્કરીઓ ના કરો. આ તો તમારા ભાભીએ કીધું કે, દાદુ અમેરિકા જાય છે, તે મેં'કુ લાય.. જઈને બે-ચાર ટીપ્સ આલી આઈએ.''

''આલો.''

''તમને તો શું કહેવાનું હોય, પણ અમેરિકામાં પહેલું ધ્યાન ધોળી છોકરીઓથી રાખવાનું. ક્યારે લપેટમાં લઈ લે, એ કહેવાય નહિ!''

''તમને કોણે લીધા'તા?''

''અરે બાપા, હું તો કુકરવાડાથી આગળ ગયો નથી, પણ... આપણા જેવા ભોળા માણસને પટાઈ નાંખે, એમાં અહીં ઈન્ડિયામાં આપણી ભાભી લબડી પડે! ત્યાંની ધોળીઓ લગન-બગન ના કરે... આપણા પૈસે થોડા દહાડા લહેર કરીને લટકાઈ દે.''

''લગ્ન-બગ્ન ના કરે, તો ડરવાનું ક્યાં છે?''

''ભ'ઈ, ઝપોને છોનામોના... કોક ભટકઇ જશે તો બીજી વાર અમેરિકા તો ઠીક, આસ્ટોડિયા જવાનું નામે ય નહિ લો.''

''ઓકે.''

''બીજું સાંભળો. ત્યાં ઍરપોર્ટ ઉપર ઉતરો કે તરત જાડું જેકેટ પહેરી લેજો... ઠંડી બહુ હશે... વળી-''

''હા, પણ એમ કોઈ પોતાનું જૅકેટ પહેરવા આલશે?''

''અરે બાપા, આપણે આપણું પોતાનું જેકેટ લઈને જવાનું...!''

''આપણું...? આઇ મીન... પણ એમ તમારા વાઈફ મને તમારું જેકેટ આપશે?''

''ઉફ્ફો... આ માણસ તો.... તમે તો બા'મણભ'ઈ, કોઈ રૂમાલ આલે તો પાટલૂને ય માંગી લો એવા છો...''

''હા, અમે પાટલૂન માંગી લઈએ... કઢાઇએ નહિ! ઓકે. આગળ બોલો.''

''હા. પ્લૅનમાં બહુ ધ્યાન રાખવાનું. બાજુની સીટવાળો તમારી સાથે વાત પણ નહિ કરે અને-''

''પણ હું તો સવારે બ્રશ કરીને-નહાઈ ધોઇને જવાનો છું... મારું મોઢું ચોખ્ખું હોય છે.''

'અરે ભ'ઈ, પ્લેનોમાં રિવાજ હોય છે. કોઈ કોઈ સાથે બોલે નહિ.'

''તમે કુકરવાડા પ્લેનમાં ગયેલા? ...આઈ એમ સૉરી... પણ ધ્યાન શું રાખવાનું હોય છે પ્લેનોમાં?''

''યસ. ધેટ્સ એ ગૂડ ક્વૅશ્ચ્યન. જુઓ દાદુ... ૧૪-૧૫ કલાકની જર્ની છે. તમે તો પાછા ઈકનૉમી-ક્લાસમાં હોવાના, એટલે આગળ પગ લંબાવવાનો ય પ્રોબ્લેમ રહેવાનો. જકડાઈ જશો જકડાઈ...! તમારે દર અડધી કલાકે ઊભા થઈને પ્લૅનમાં વૉક લઈ આવવાનો -''

''ટ્રેકશૂટ પહેરીને? આઈ મીન, પ્લેનમાં સ્પૉર્ટસ્-શૂઝ રાખવા પડશે?''

''એ ભ'ઈ... તમે અમેરિકા જવાનું માંડી વાળો. ત્યાં તમારા જેવાનું કામ નથી. એક કામ કરો. તમે કુકરવાડા જઈ આવો... અરે બાપા, પગ છુટા કરવા બે ઘડી પ્લેનમાં ચક્કર મારી આવવાનું. કોઈ ઓળખીતું મળે તો બે ઘડી વાતો કરવા ઊભા રહેવાનું. આમાં ટ્રેકશૂટ ને ફૂટ ક્યાં આયા...?''

''યૂ સી... હું તો પહેલી વાર અમેરિકા જઈ રહ્યો છું, એટલે-''

''ભ'ઈ, એટલે તો તમને સલાહો આલવા આયો છું... ને તમે બીજી પચાસ મેથીઓ મારો છો...!''

''નહિ મારૂં...''

''તો હાંભરો! અમેરિકા જાઓ છો... કાંઈ કામકાજ હોય તો કહેજો.''

''ના. ખાસ તો કોઈ કામ નથી... બસ, કોઈ અમેરિકા આવવા-જવાની ટિકીટ કઢાઈ આલે, તો... ચલાઈ લઈશ... આઈ મીન, ત્યાંના ખર્ચા તો પછી... હું જાતે ફોડી લઇશ.''

''આ માણહને હાળો વતાવવા જેવો નથી. અલ્યા બાપા, કામકાજ હોય, મતલબ... ત્યાં આપણો બાબો છે જ... ચિકોગામાં...''

''આપણો?''

''છે ને... હાળા વોંદરા એ વોંદરા જ રે'વાના...! અરે, ત્યોં તમારે એનું કોંય કામ-બામ પડે તો કહેજો. ચિકોગામાં એનું બહું મોટું નામ છે.''

''યૂ મીન... શિકાગોમાં.''

''એ તમારું શિકાગો ને ચિકાગો તમારા દેસીઓ ત્યાં જઇને બોલે. ઇંગ્લિસ-ફિંગ્લિસ આવડે નહિ, એટલે શિકાગો બોલે. એક્ચ્યૂઅલી, અમે પટેલો 'ચિકોગા'જ કહીએ.''

''ત્યાં તમારો બાબો કરે છે શું?''

''ત્યાંની જેલમાં છે...''

''ખૂન કૅસ કે બળાત્કારના કેસમાં...?''

''એક મ્હેલે ને ભોડામોં...! અરે ત્યાંની જેલમાં એ સુપરવાઈઝર છે, સુપરવાઈઝર...!''

''તો... આઈ મીન, મારે એનું શું કામ પડી શકે?''

''ભ'ઈ... આ તો અરસપરસ એકબીજાને કામમાં આવવાનું નામ જ જીંદગી! તમને નહિ, તો મને કામ પડે!''

''તમારા સન માટે અથાણાંનો ડબ્બો લઈ જવાનો છે?''

''ના ભ'ઈ... એવું કામ તે કોઈને સોંપાતું હશે... આ-''

''ના જ સોંપાય... હાળો, અધવચ્ચે પ્લેનમાં જ અથાણું પતાઈ દે...''

''આ તો મેં'કુ... બાબો ત્યાંની જેલમાં સુપરવાઈઝર છે... તે ત્યાંના કેદીઓને એ ચડ્ડીઓ ભેટ આલવા માંગે છે.''

''ઓહ ન્નો... ત્યાંની જેલમાં કેદીઓ ઉપર આવો અત્યાચાર...? પહેરવાને ચડ્ડી નહિ, રહેવાને ઘર નહિ, સુવાને-''

''એ બા'મણ... પૂરૂં હાંભરો તો ખરા...! બાબો કેદીઓમાં બહુ લોકપ્રિય છે. બધાને ગિફ્ટ આપવા માંગે છે.''

''ચડ્ડીઓ જ કેમ?''

''આલવી પડે, આલવી પડે...! નથી આલતા, તો હાળા બાબાની ચડ્ડી કાઢી જાય છે...!''

''સૉરી... મને એ નહિ ફાવે, હું તો-''

''અરે એકાદી ચડ્ડી તમે રાખજો, ભ'ઈ! ટુંકમાં પતાવો ને.''

એક જમાનો હતો કે, ગુજરાતમાંથી કોઈ પણ અમેરિકા-ઇંગ્લૅન્ડ જતું, તો 'ગુજરાત સમાચાર'ના વચલા પાને 'પરદેશગમન'ની જા.ખ. સાથે ભ'ઈનો ફોટો છપાતો. હવે તો આલીયા-માલીયા ય જવા માંડયા છે. (આ જુઓને... અમે ય ઉપડયા જ ને?) બધા બધું જાણે છે. પણ હજી, અમેરિકા જનારા કરતા નહિ જનારાઓની સંખ્યા ઘણી મોટી છે ને આ નહિ જનારાઓ, જનારાને અમેરિકા ગયા પછી શું કરવું, એની સલાહો આપે છે. હું તો બે મહિના માટે જઉં છું, પણ આવનારા ૨૨-વર્ષો સુધી ચાલે, એવી સલાહોનો ધોધ ખડકાયો છે.

સૌથી વધુ મસ્તી કરાવે છે, ત્યાં એમનું કોક ઓળખીતું રહેતું હોય, એમનું કાંઈ કામકાજ હોય તો કહેવાનું-વાળાઓ -

''એટલાન્ટામાં અમારા દૂરના એક ફૂવા રહે છે. પાંચ ફૂટ ઊંચા છે, રંગ વેસ્ટ ઈન્ડિયન જેવો, એક બાજુનો ખભો થોડો નમેલો છે અને ધો. ૧૦માં બે વાર નાપાસ થયેલા, એટલી ખબર છે... એમની વચલી છોકરી ભાગી ગયેલી. એ તો ત્યાં કોઈને બી પૂછશો ને, કે ભરત ફૂવા ક્યાં રહે છે, તો ઘેર મૂકી જશે.''

સિક્સર

એને ઢીચણ પર ટેબલની ધાર વાગી. દુઃખાવાથી મોંઢું રબ્બર જેવું થઈ ગયું. ને તો ય એની વાઈફ બોલી,

''અરે ધાર-ધાર શું કરો છો...? અહીંયા તો વર્ષોથી 'ધરા'વાગી છે... હજી રૂઝ આવતી નથી.''

(ધરા એ માસુમની પહેલી ગર્લ-ફ્રેન્ડ હતી.)

નંદા સ્કૂલ-કોલેજનું પગથીયું પણ ચઢી નહોતી નંદાઓએ મરવું ન જોઇએ

$
0
0
- નંદા શમ્મી કપૂરથી ખૂબ ગભરાતી યે સમા, સમા હૈ યે પ્યાર કા, કિસી કે ઈન્તઝાર કા...
- જન્મ તા. ૮ જાન્યુઆરી, ૧૯૩૯ - નિધન : તા. ૨૫ માર્ચ, ૨૦૧૪

'નંદાએ મરવું જોઇતું નહોતું. ઍટ લીસ્ટ... આપણે બધા જીવીએ છીએ ત્યાં સુધી તો નહિ જ!'

આ ઉદગાર સાહજીક નીકળી પડે, એ લોકોના મોંઢામાંથી જેમણે '૬૦ના દાયકામાં પૂરબહાર ખીલેલી નંદાને ફિલ્મી પરદા પર એક વાર પણ જોઇ હોય! નંદાઓ વારંવાર જન્મ લેતી નથી એ જ્યારે જ્યારે જન્મે, ત્યારે એ સદીમાં આપણે પણ હોવા જોઇએ, એવી કશિશ હરકોઇ નંદાપ્રેમીને થાય ને થતી.

ને આવા ઝનૂની આદર માટે એક કારણ પણ હતું, જે તત્સમયની હીરોઇનો પાસે જવલ્લે જ જોવા મળે. નંદાનો ઊડીને આંખે વળગે એવો સૌથી મોટો પ્રભાવ હતો એની સાદગી અને શ્રૃંગારના મીશ્રણનો. ફિલ્મ 'ભાભી'કે 'છોટી બહેન'માં આપણી બાજુમાં રહેતી સ્કૂલ-ગર્લ જેવી લાગે, તો દેવ આનંદની ફિલ્મ 'હમ દોનોં'માં આપણી સગી ભાભી ય લાગે, તો રાજેશ ખન્ના સાથેની ફિલ્મ 'ધી ટ્રેન'જેવા ગ્લેરમસ રોલમાં, હવે આપણે ન કરવા જોઇએ, એવા વિચારો ય કરાવી મૂકે, એવી શ્રૃંગારી-સુંદર પણ લાગે. પણ બન્ને વિભાગમાં નંદાની નમણાશ બરકરાર. મારી વાતને ટેકો મળે છે, એ વાત પર કે ફિલ્મ 'કાલા બાઝાર'માં એ દેવ આનંદની બહેન બને છે ને ફિલ્મ 'હમ દોનોં'માં એની પત્ની. નંદાનું સામર્થ્ય એ દ્રષ્ટિએ તગડું હતું કે, 'કાલા બાઝાર'માં આપણને ય આપણી બહેન જેવી લાગે અને 'હમ દોનોં'માં આપણને જેવી ગમે છે, એવી હીરોઇન લાગે. 'અલ્લાહ તેરો નામ, ઈશ્વર તેરો નામ...'એ લતાના કંઠે નંદાને પરદા ઉપર ગાતી સાંભળો/જુઓ ત્યારે સૌથી પહેલો તો હિંદુ સંસ્કૃતિનો રૂડોરૂપાળો ચાંદલો એના મસ્તિષ્ક પર જોવા મળે. એ સમયમાં કપાળે મોટા ચાંદલામાં પ્રેક્ષકોને બે હીરોઇનો સાવ ઘરની લાગતી, મીના કુમારી અને નંદા.

નંદાનું રૂપ ઘરરખ્ખું રૂપ હતું. ઊગતા સુરજ જેવો કપાળે મોટો ચાંદલો, રાતાં ફૂલની ભૂકી બનાવીને ઢોળ્યું હોય એવું સેંથામાં સિંદૂર, ભારતીય લજ્જાના પ્રતિકસમું ઓઢેલું માથું, તૂટયા વગરના ઢીંચણ સુધી પહોંચતા લાંબા છતાં સિલ્કી વાળ, જોનારની નજરમાં તીણા ઘુસી જાય, આવા આંખોના ખૂણેથી નીકળતા ખૂણીયા, બારે માસ બંધ રહેતી દુકાન જેવું રહસ્યમય કપાળ અને ખાસ તો, હસતી વખતે બદમાશીપૂર્વક દેખાઇ જતો તૂટેલો એક દાંત નંદાની મશહૂરીનું પરફેક્ટ પીંછું બની ગયું. ફિલ્મનગરી પણ નંદાને નાનપણથી ઘર જેવી લાગતી. એના પિતા વિનાયક દામોદર કર્ણાટકી મહાન સર્જક વ્હી.શાંતારામના ફર્સ્ટ-કઝિન થાય, એ ઉપરાંત વિનાયક પોતે ય ફિલ્મોમાં એક્ટિંગ અને દિગ્દર્શન કરતા. પણ નંદાને નાનપણમાં જ મૂકીને એ દેવ થઇ ગયા, એટલે આર્થિક રીતે નંદાનો પરિવાર ભોંયતળીયે આવી ગયો. લતા મંગેશકર આ વિનાયકની છત્રછાયામાં ઉછરી છે, એટલે નંદા માટે લતાએ ગાયેલા ગીતોમાં ક્યાંક સગપણની સુવાસ આવતી હોય, તો તમે સાચા છો. ગરીબીને કારણે નંદાને તાત્કાલિક ફિલ્મોમાં 'બેબી નંદા'તરીકે પહેલા ફિલ્મ 'મંદિર' ('૪૮) અને પછી ફિલ્મ 'જગ્ગુ' ('૫૨)માં મૂકી દેવાઇ. સ્કૂલે જવાનો તો પ્રશ્ન જ નહતો છતાં ય, એ સાવ નિરક્ષર ન રહે, માટે ઘેર જ માસ્તર ભણાવવા આવતા. નંદાએ સ્કૂલ જોઇ જ નહિ. એનો ભાઇ જયપ્રકાશ કર્ણાટકી મરાઠી ફિલ્મોમાં દિગ્દર્શન કરે છે. એની પત્ની એટલે, એક જમાનાની ફિલ્મી કૅબરે-ડાન્સર જયશ્રી.ટી. (ટી. એટલે 'તળપદે', પણ શ્રેયસવાળી નહિ!)

વય કૂમળી રહી ત્યાં સુધી નંદી 'બેબી નંદા'કહેવાઇ, પણ એક વખત બોગનવેલની જેમ તબક્કે તબક્કે જુવાની શરીર ઉપર ચઢી, એટલે એ હીરોઇન થઇ ગઇ, પણ નૂતન-નરગીસ જેવી ક્લાસ-વન હીરોઇનો સાથેની હરિફાઇમાં નંદાને ક્લાસ-ટુ હીરોઇન ગણવામાં નહોતી આવી. એને હીરોઇન-આધારિત રોલની ફિલ્મો મળતી ગઇ, ખાસ કરીને શશી કપૂર સાથે. શશી કપૂર કરમનો ફૂટલો હતો ને એની સાથે એક પણ-રીપિટ એક પણ હીરોઇન કામ કરવા તૈયાર ન થાય, કારણ કે એની બધી ફિલ્મો ફ્લૉપ જતી, ત્યારે ગૂજરી ગઇ ત્યાં સુધી શશી કપૂરને જ પોતાના સૌથી મનપસંદ હીરો માનતી નંદાએ પોતાની કરિયરના ભોગે પણ શશી કપૂર સાથે ફિલ્મો કરી, એમાં પહેલી જ બે ફિલ્મો 'ચાર દિવારી' ('૬૧) અને 'મેહન્દી લગી મેરે હાથ' (૬૨) સરિયામ નિષ્ફળ ગઈ, એટલે એક સજ્જન વ્યક્તિ તરીકે શશીએ જ નંદાને કહ્યું, ''અબ આપ મુઝે છોડ સકતી હૈ... મેરે કારન આપ કા માર્કેટ ભી ડાઉન જા રહા હૈ.''તો ય, નંદાએ શશી બાબાનો સાથ ન છોડયો ને 'જુઆરી'ફરી ફલોપ જવા છતાં, એક સરપ્રાઈઝ ફિલ્મ તરીકે 'જબ જબ ફૂલ ખીલે'પણ બન્નેએ સાથે કરી અને સુપરડૂપર હિટ ગઈ. ફિલ્મમાં ઊભા કરેલા હાઉસબોટના સેટ પર નંદાએ ટેરેસ પર રાતના અંધકારમાં ગાયેલું, 'યે સમા, સમા હૈ યે પ્યાર કા, કિસી કે ઈન્તઝાર કા, દિલ ના ચૂરા લે કહીં મેરા, મૌસમ બહાર કા...'આજ પર્યંત ચાહકોને યાદ રહી ગયું છે, ખાસ કરીને એનો લેમન-યલો નાઇટ-ગાઉન અને ગીતના લય મુજબના સરળ નૃત્યથી આજે પણ ટીવી-વિડિયો પર આ ગીત ધરાઈ ગયા વિના જોવાય છે. શશી કપૂર પોતે ય વર્ષોથી મૃત્યુના બિછાને છે. હમણાં કોંગ્રેસી નેતા શશી થરૂર અને સ્વ. સુનંદા પુષ્કરનો કિસ્સો મીડિયામાં ચગ્યો, ત્યારે એક મજાની રમુજ વહેતી થયેલી, ''શશી કપૂર (થરૂર અને (સુ)નંદા (પુષ્કર)''ય એ રમુજે ઠેઠ આજે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું ને બન્ને નંદાઓ હયાતી ગૂમાવી બેઠી.

પણ એ જ શશી કપૂરનો ભાઈ શમ્મી કપૂર નંદાને ખૂબ ગમતો, પણ એની સાથે ફિલ્મ કરવાની આવે તો ના પાડી દેતી, એક જ કારણથી કે, હિમાલયસરીખા આદર અને શમ્મીની માચો પર્સનાલિટીને કારણે નંદા શમ્મી સામે આવતા જ શરમાઈ/ગભરાઈ જતી. બન્યું પણ એવું કે, નંદા-શશી કપૂર સાઉથના કોઈ જંગલમાં શૂટિંગ કરતા હતા, તે દરમ્યાન શુટિંગ જોવા ઉમટેલા લોકો નંદાનું રૂપ જોઈને ઝાલ્યા ન રહ્યા ને નંદા-શશીની જીપ સાથે ખેંચતાણ કરવા લાગ્યા. નજીકના જ જંગલમાં શમ્મી કપૂર શુટિંગ કરી રહ્યો હતો, એને ખબર પડતા મારતી જીપે એ ઘટનાસ્થળે દોડી આવ્યો... પ્રભાવ હતો શમ્મીનો કે, એના આવતાની સાથે જ ટોળું ગભરાઈને ગાયબ થવા માંડયું ને થઈ પણ ગયું... ! નંદાએ હાશ તો અનુભવી પણ પેલી ગભરાહટ હતી એના કરતા બે દોરા વધી પણ ગઈ... ! બન્ને કેસમાં પૈસા કેવળ પ્રભાવના હતા. પણ પ્રભાવ જ નંદાને ફિલ્મો અપાવતો. મનોજ કુમાર સાથે તો નંદાએ થોડી-ઘણી ફિલ્મો કરી હતી, પણ મનોજની ઉત્તમ ફિલ્મ 'શોર'માં મિડલ-કલાસની હાઉસવાઈફનો અસરકારક રોલ પણ એના આ લૂક્સને કારણે મળ્યો. ખૂબી તો ત્યાં પ્રગટ થઈ કે, કોઈ કાળે ય નંદા વેમ્પ એટલે કે ખલનાયિકા ન જ લાગે, છતાં રાજેશ ખન્ના સાથે એને ફિલ્મ 'ઈત્તેફાક'માં એને એ રોલ પણ મળ્યો, તો ય કારણ પ્રભાવનું જ નીકળ્યું. બાહરી પર્સનાલિટીને કારણે નંદા અત્યંત સુશીલ અને 'ધી ગર્લ નેકસ્ટ ડૉર'લાગે. ઘણી સ્ત્રીઓ કદી ખોટું કામ તો કરી જ ન શકે, એવો ભ્રમ આપણનેય ઘરની બહાર નીકળ્યા પછી દર ત્રીજી સ્ત્રીને જોઈને થતો હોય, તો દોષ તમારો ય નથી. નંદાનું એવું જ સ્વરૂપ ખન્નાને 'ઈત્તેફાક'માં છેતરી ગયું, એમાં ચોપરાની આ ફિલ્મ ઉત્તમ બની.

વાત કેરેક્ટરની નીકળે, તો આપણા જમાનાની બહુ ઓછી હીરોઈનો ઈમાનદારીથી સાંગોપાંગ બહાર નીકળી શકે. નંદાને પણ નૂતન, સાધના, આશા પારેખ કે તનૂજાની જેમ આખી કરિયરમાં એક પણ કલંક નહિ. ફિલ્મ 'અમર, અકબર, એન્થની'વાળા ગુજરાતી નિર્માતા-દિગ્દર્શક મનમોહન દેસાઈ સાથે તો એ કાયદેસરના લગ્ન કરવાની હતી. ક્યાં, કેમ ને શું નડી ગયું, એની સ્ટોરી તો ગઈ કાલે નંદાને અગ્નિદાહ દેવાયો, એમાં જ ભસ્મીભૂત થઈ ગઈ. ગુજરાતી સ્ત્રીને જ પરણી ચૂકેલા મનમોહનના આ બીજા લગ્ન હોત, પણ અકળ કારણસર મનમોહને પોતાના બિલ્ડિંગની અગાશીએથી ભૂસકો મારીને જીવનલીલા સંકેલી લીધી, એમાં આટલા વર્ષે મોડે મોડે ય નંદાને મળનારું લગ્નસુખ છીનવાઈ ગયું. ફરી એક વાર 'મનમોહન'નામ કોઈને ન ફળ્યું. જીવનભર નંદાની ખાસ બહેનપણી રહેલી વહિદા રહેમાન સાથે એ અનેકવાર પાણીપુરી ખાવા જતી. દેવ આનંદનો જ્યાં આનંદ સ્ટુડિયો પાલી હિલ પર છે, તે ઢાળ ઉતરતા જ એક મોંઘીદાટ પાણીપુરીવાળાની દુકાન છે, ત્યાં આ બન્ને જણીઓ અચૂક આવે. ક્યારેક તો સાથે સાધના અને હેલન પણ હોય... અને એ કેવી કમનસીબી આ શોહરતની કે, આજની પેઢીના એકે ય ને એ ખબર પણ નહોતી કે, આ બાજુમાં ઊભી છે, એ નંદા-વહિદાની જોડી એક જમાનામાં દેવ આનંદ, રાજ કપૂર, દિલીપ કુમાર, રાજેન્દ્ર કુમાર કે શશી કપૂર સાથે અનેક સુપરહિટ ફિલ્મો આપી ગઈ છે. છેલ્લી વાર એ રાજ કપૂરની ફિલ્મ 'પ્રેમ રોગ'માં પદ્મિની કોલ્હાપૂરેની મા ના રોલમાં અને શશી કપૂરના પુત્ર કુણાલને લોન્ચ કરવા બનેલી ફિલ્મ 'આહિસ્તા આહિસ્તા'માં દેખાઈ હતી.

ગ્રેસ કેવી રાખી કે, પ્રેક્ષકો અન્ય હીરોઈનોની માફક એને પડતી મૂકી દે, એ પહેલા સન્માન સાથે નંદાએ નિવૃત્તિ લઈને સાબિત કરી આપ્યું કે, 'જીંદગી ઓર કુછ ભી નહિ, તેરી મેરી કહાની હૈ...'

ઍનકાઉન્ટર : 06-04-2014

$
0
0
* મારો ગોરધન મારી ખૂબ સેવા કરે છે. પડોસણ પૂછે છે, શેનાથી પૂજેલા છે તો શું કહું?
- એમ કહો ને, તમારા ગોરધનની મજાક કરવાની આદત ગઈ નહિ...!
(શ્રીમતી ઈશ્વરી માંકડ, જામનગર)

* તમારો નાના ભાઈની હાઈટ-બૉડી જણાવશો?
- તમે તમારી જણાવો, પછી એનામાં હું ઍડજસ્ટમૅન્ટ્સ કરાવી લઉં.
(ભારતી નડિયાદી, નડિયાદી)

* મૂર્ખા ડાહ્યા ક્યારે લાગે?
- અત્યારે.
(દિપક આશરા, ગાંધીનગર)

* સવાલ પૂછવામાં અમારે કેટલું વિચારવું પડે છે, એની તમને શું ખબર?
- એ તો જે વિચારીને જવાબો આપતું હોય, એને ખબર!
(અફરોઝબેન મીરાણી, મહુવા)

* વરઘોડાની જેમ વહુઘોડો કેમ નહિ?
- લગ્ન પછી ગોરધને ઘરમાં રોજ 'ઘોડો-ઘોડો'રમવાનું હોય છે.
(અરવિંદ પી. પંડયા, મુંબઈ)

* ઘરજમાઈઓની અટક સાસરાવાળી ન રાખવી જોઈએ?
- ...તો ય, એના માનમરતબામાં કોઈ વધારો નહિ થાય!
(મુગ્ધા ઉલ્લાસ વોરા, જૂનાગઢ)

* શું 'મીસકૉલ'ની શોધ કોઈ અમદાવાદીએ કરી હતી?
- અમદાવાદીઓ 'મિસીસ-કૉલ'સિવાય તમામ કૉલ્સ શોધી શકે છે.
(જયેશ અંતાણી, ભાવનગર)

* દેશને કોણ વધુ ચાહે છે? દંભી બિનસાંપ્રદાયિકો કે સાચા રાષ્ટ્રવાદીઓ?
- તમને કોઈ સાચો રાષ્ટ્રવાદી દેખાય તો મને જણાવજો.
(બિપીન બી. પટેલ, ધ્રાંગધ્રા)

* પ્રજાની પંચાત કરનારાઓને આપનો શો સંદેશ છે?
- લગે રહો.
(ગૌરવ રૂપેશભાઈ ભટ્ટ, અમદાવાદ)

* તમે પંખો ચાલુ કરવાનું કહો છો, પણ અમારે ત્યાં વીજળી અવારનવાર ઊડી જાય છે.
- એ વખતે 'પંખો ચાલુ કરવાનું'તમને નહિ, વીજળી કંપનીવાળાને કીધું હોય!
(જીતેન્દ્ર કેલા, મોરબી)

* દેશમાં નાસ્તિકો કરતા આસ્તિકોની સંખ્યા ઘણી વધુ છે, છતાં દેશમાં ભૂખમરો ને ગરીબી કેમ?
- આસ્તિકોએ ઈશ્વરને શાંતિ આપવાને બદલે ૨૪ કલાક પાછળ પડી પડીને લોહીઓ પીધા છે, માટે!
(જયંતિ એ. પંચાલ, અંકલેશ્વર)

* કોકવાર કોક અઘરા સવાલમાં ભરાઈ જાઓ, ત્યારે વાઈફની મદદ લો છો?
- ભરાઈ જવાય માટે એની મદદ લઉં છું.
(હુસેન હુઝેફા મર્ચન્ટ, મુંબઈ)

* પાકિસ્તાનીઓ આપણા જવાનોને મારી જાય, છતાં નાલાયક નેતાઓ કાંઈ બોલી શકતા નથી. પ્રજાએ જ, 'લાતોં કે ભૂત બાતોં સે નહિ માનતે'સમજીને ન્યાય કરવો ન જોઈએ?
- ધૅટ્સ ફાઈન... તમે નેતાઓની પાછળ લાતો મારવાના મૂડમાં છો... આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ!
(શાહ ભારમલ નગરાજજી, મુંબઈ)

* સ્વયમ 'નમો'તમને 'અૅનકાઉન્ટર'માં સવાલ પૂછે, તો મૂંઝાઈ જાઓ ખરા?
- મારા બદલે એ સવાલો કોંગ્રેસને પૂછી રહ્યા છે ને કોંગ્રેસને તો મૂંઝાતા ય નથી આવડતું.
(જગદીશ રસિકલાલ શાહ, રાજકોટ)

* વિવાહમાં પૂછેલા સવાલોનો જવાબ ઠેઠ વરસી વખતે કેમ મળે છે?
- ઓહ માય ગોડ... અચાનક આ બધું શું થઈ ગયું? તમે તો સાજાનરવા હતા! અત્યારે ક્યાં છો?
(નૈષધ દેરાશ્રી, જામનગર)

* બહુ એકલવાયું લાગે ત્યારે શું કરવું જોઈએ?
- ગંઠોડા નાંખીને ગરમ દૂધ પીવું જોઈએ.
(વૃત્તિ અધ્યારૂ, પાટડી)

* સાહિત્યની કલાસિક કલાકૃતિઓની હત્યા, એટલે સંજય લીલા ભણસાલી... સુઉં કિયો છો?
- સમજ નથી પડતી, જેણે 'ગુઝારીશ'જેવી ઉત્તમ ફિલ્મ બનાવી, એ માણસ 'દેવદાસ'કે 'સરસ્વતીચંદ્ર'જેવી મહાન નવલકથાઓનો કચ્ચરઘાણ કેવી રીતે વાળી શકે?
(પ્રો. બી. એચ. કાપડીયા, વડોદરા)

* અશોક દવે, તમે 'ટ્વિટર'પર કેમ નથી?
- એ તો એણે કરવું પડે, જેની પાસે અભિવ્યક્તિનું માધ્યમ ન હોય! મારે વ્યક્ત થવા માટે ૧૪૦ અક્ષરોની મર્યાદા રાખવી પડતી નથી... ત્રણ ત્રણ કૉલમો છે!
(મધુરિમા સી. પટેલ, વડોદરા)

* ખેતરનો ચાડીયો શું સૂચવે છે?
- હું પણ કોંગ્રેસનો વડાપ્રધાન થઈશ.
(કિશોર વ્યાસ, ઘોઘા)

* સ્ત્રી માટે પિયરપક્ષ અને શ્વસુરપક્ષ સરખા હોય છે, જ્યારે પુરુષ માટે?
- એને તો ઘણા શ્વસુર પક્ષો એક સરખા ગણવા પડે છે.
(સુમંત એસ. પટેલ, સુરત)

* 'ભૂખ વગર ખાવું નહિ ને ભૂખ હોય એટલું ખાવું નહિ'... અર્થાત્?
- જરા ગણી જુઓ... દેશમાં મોટી ફાંદવાળા વધારે છે કે સુદ્રઢ શરીરવાળા?
(રમેશ સુતરીયા, ટ્રોવા, મુંબઈ)

* સવાલ પૂછનારના મોબાઈલ નંબર માંગો છો, જવાબ આપનારના કેમ નહિ?
- હૉટેલમાં જમવા જાઓ છો, ત્યારે વેઈટરને કહો છો ખરા કે, અમને તો પિરસવા દેતા નથી! હું જવાબો આપનાર વેઈટર છું... આપ સન્માન્નીય ગ્રાહક!
(વિશાલ ડી. જોશી, રાણાવાવ)

* જેને 'યુવરાજ'તરીકે સંબોધવામાં આવે છે, તે ક્યા રજવાડાંના છે?
- 'ગાંધી'નગર... આઈ મીન, સોનિયા 'ગાંધીનગર.'
(શિરીષ ઈ. વસાવડા, વેરાવળ)

* ભારતમાં હિંદુઓને સકન્ડ-કલાસ સિટિઝન તરીકે કેમ જોવામાં આવે છે?
- એ લોકો એને યોગ્ય પણ છે. આપણે ત્યાં કોઈ બ્રાહ્મણ છે, વૈષ્ણવ છે, રાજપુત છે, લોહાણા છે... બધા જ છે. એમાંના એકે ય ને પોતે હિંદુ હોવાનો ગર્વ કરતો સાંભળ્યો? આટલું ગૌરવ પણ ન હોય તો ભોગવે!
(અજયસિંહ ચંપાવત, હિંમતનગર)

* અડવાણીને ગાંધીનગરમાંથી ટિકીટ...!
- 'સંસારમાં સૌને ખુશી એક રાતમાં મળતી નથી, જિંદગી છે જિંદગી ખૈરાતમાં મળતી નથી.'આ મૂળ શે'ર વડોદરાના શાયર વિનય ઘાસવાલાનો... એમની ક્ષમાયાચના સાથે તમારા સવાલ મુજબ, આપણો ફેરફાર... 'ભાજપમાં કોઈને નિરાંત એક રાતમાં મળતી નથી, ટિકીટ છે, ટિકીટ ખૈરાતમાં મળતી નથી.'
(પરિન્દા વી. પટેલ, ગાંધીનગર)

બૂટ હૈ કે ફાટતા નહિ

$
0
0
- અઅઅ...જરા બૂટ બતાવો ને...!
- સર... મેં પહેરેલા છે.
- તમારા નહિ... નવા જૂતાં... મારા માટે બતાવો.
- એકદમ ટોપ-કલાસ બતાવું, સર. ક્યા કામ માટે વાપરવાના છે? આઈ મીન, સ્ટેજ પર ફેંકવા માટે જોઈએ, તો નવો માલ હમણાં જ આવ્યો છે.
- પહેરવા માટે જોઈએ છે.
- યૂ મીન... કોઈને આખો હાર પહેરાવવાનો છે?... જૂતાંનો?
- ઈડિયટ...મારે પગમાં પહેરવા માટે જોઈએ છે.
- બન્ને પગ માટે જોઈશે ને, સર?
- નૉન સૅન્સ... હાથમાં પહેરવાના જૂતાં ય રાખો છો?
- નો સર. આપ ખોટી દુકાને આવી ગયા... બીજું શું બતાવું, સર?
- તમારા શેઠને બોલાવો.
- સર. અમારા બધાનો શેઠ તો ઉપરવાળો છે. કંઈ કામ હતું?
- ઉફ્ફો...! તમે-મને-મારા-બે પગમાં-પહેરવાના-જૂતાં-બતાવો.
- સોરી સર. હમારી દુકાનમાં વર્ષોથી બે પગમાં પહેરવાના જૂતાં જ મળે છે.
- ધેટ્સ ફાઈન...! આનો શું ભાવ છે?
- સર... એ તો ખાલી ખોખું છે... બૂટની સાથે ફ્રી આવે.
- ઈડિયટ... હું આ શૂઝની વાત કરું છું.
- એ તમને સર... બસ, રૂ. ૮,૦૧૦/-માં પડશે.
- હું આખી દુકાનનો ભાવ નથી પૂછતો... બૂટની જોડીનો ભાવ પૂછું છું... અને ૮ હજાર તો સમજ્યા, પણ ઉપરના આ રૂ. ૧૦/- શેના છે?
- મેં આપને એક જ જોડીનો ભાવ કીધો, સર. દસ રૂપિયા આપના પગના ગણ્યા છે.
- સાલો ઘનચક્કર છે... અને આ?
- એ તો બ્રાન્ડેડ આઈટમ છે. ફક્ત રૂ. ૨૪,૦૦૦/- ક્ષમા કરજો સર. આપે રૂ. ૩૦૦/- પહેલા ચૂકવી દેવા પડશે.
- એ શેના વળી...?
- આ શૂઝ નો આપે ભાવ પૂછ્યો એના! બહુ મૂલ્યવાન પાદુકા છે આ તો. રાજા-મહારાજાઓ જ પહેરતા. આ શૂઝનો કોઈ ઐરો-ગૈરો-નથ્થુ ખેરો ભાવ ન પૂછી જાય, માટે આપના જેવા કદરદાનોને જ એ બતાવીએ છીએ.
- પણ... આ પહેરવાના કે બજારમાં નીકળતી વખતે બગલમાં રાખીને ફરવાનું?
- સાચું કહું, સર... છે તો કિંમતી... અને જેને ને તેને તો પોસાય એવા જ નથી... આજકાલ તો ફક્ત લારી-ગલ્લાવાળાઓ જ માલ લઈ જાય છે...સર, આપને શેનો ગલ્લો છે?
- નાનસૅન્સ... સાવ સ્ટુપિડ ભટકાયો છે...! ઓકે. આ સ્વેડ છે, એનો શું ભાવ છે?
- સર. એ વેચવાના નથી. અમારા શેઠના છે.
- ઓકે. અને આ બ્લૅક છે એ બતાવો તો...
- જુઓ સાહેબ... પહેરી જુઓ. મસ્ત લાગે છે.
- ડંખશે ખરા...?
- કોને?
- આઈ મીન, હું પહેરું તો મને જ ડંખે ને...?
- ડૉન્ટ વરી, સર. આ બહુ હાઈ-ક્વોલિટી લૅઘરના શુઝ છે... ડંખશે નહિ.
- આ ચોરાઈ જાય ખરા?
- સૉરી સર. આપના અંગત વ્યવસાય વિશે મારાથી કાંઈ ન બોલાય...
- ગઘેડા, મારો ધંધો બૂટ ચોરવાનો નથી... હું તો ેેએમ પૂછું છેેું કે, બહાર ક્યાંક મૂક્યા હોય તો આ બૂટ ચોરાઈ જાય ખરા?
- સર, એનો આધાર આપના પગમાંથી બૂ કેટલી મારે છે, એના ઉપર છે... બૂટ-ચોરોના ય કોઈ ઉસુલ હોય છે... જેવા તેવા ગંધાતા ચોરેલા શૂઝ તો એ લોકો અમારી પાસે પાછા વેચવા ય નથી આવતા...!
- અને આ બ્રાઉનનો શું ભાવ છે?
- એ તમને અઢી હજારમાં પડશે. એમાં સ્કીમ છે. બેને બદલે તમને ત્રણ નંગ મળશે.
- પણ મારે તો બે જ પગ છે...
- એ તો જેવા જેના નસીબ ! આજકાલ નવું ચામડું સૂંઘીને કૂતરાઓ ગમે તે એક બૂટ ઉપાડી જાય છે, એટલે બાકીનું એક ફેંકી દેવું પડે છે... એવું ન થાય માટે અમે વધારાનું એક જૂતું ફ્રીમાં આપીએ છીએ.
- પણ તમે જે ફ્રીમાં આપો છો, એ જમણા પગનું છે... કૂતરું ડાબા પગનું જૂતું ઉપાડી ગયું તો...?
- હમારી કંપનીની એક સ્કીમ છે. આપનું એક જૂતું કૂતરું ખેંચી જાય તો કૂતરાની રસીની એક બૉતલ આપને ફ્રીમાં મળશે.
- ઈડિયટ. રસી તો કૂતરા માટે હોય!
- હું ય એ જ કહું છું.
- આમાં ડિસકાઉન્ટ કેટલું મળશે?
- રૂપીયો ય નહિ.
- પણ દુકાનની બહાર તો બોર્ડ માર્યું છે, 'સેલ'.
- એ તો અમારો થોડો સ્ટાફ વેચવાનો છે... સસ્તામાં કાઢવાનો છે.
- એક કામ કરો. આ ગમી ગયા. આ પેક કરી આપો.
- સૉરી સર... પઁક તો તમારે જાતે કરવા પડશે. કંપની આવા બૂટમાં હાથ ના નાંખે.
- ઈડિયટ... તો પછી તમને શેના માટે બેસાડયા છે?
- હું તો સર... લેડીઝ-ચપ્પલ વિભાગમાં છું. એમને પગ પકડીને પકડીને પહેરાવવા પડે છે, એમાં પછી બધે પહોંચી વળાતું નથી. સર, લૅડીઝમાં બતાવું? બહુ મજબૂત માલ આયો છે... આમે ય, તમારે તો પાંચ નંબરના ચપ્પલ આઈ રહેશે.
- લૅડીઝ જુતાંને મારે શું કરવા છે?
- વાઈફને ગિફ્ટ અપાય ને?
- ઓકે. હવે છેલ્લે મને એ કહે કે, આમાં કોઈ વૉરન્ટી-બૉરન્ટી ખરી?
- સાહેબ, આજ સુધી લૅડીઝમાં ગેરન્ટી-વોરન્ટી કોઈ આપી શક્યું છે?
- તું કેમ આટલો સ્ટુપિડ છે? અરે, હું મારા બૂટ માટેની વૉરન્ટીની વાત કરું છું.
- એ તો સર... અત્યારે અહીં જ પહેરી લો, તો દુકાનના ગેટ સુધી અમારી ફૂલ ગૅરન્ટી... પછી કાંઈ નહિ!
- મતલબ? દસ હજારના શૂઝ લઉં છું ને કોઈ ગેરન્ટી નહિ?
- મતલબ સાફ છે, સર. બહાર નીકળ્યા પછી તમે એને કેવી રીતે વાપરો છો, એના ઉપર એના ટકવાનો આધાર છે.
- એટલે શું?
- હવે... અહીંથી આ શૂઝ લઈ જશો, એટલે પહેરવાના તો ખરા કે નહિ?
- અફ કૉર્સ...
- ના પહેરાય. દસ હજારના શૂઝ પહેરવા માટે ન લેવાય... એ તો ડ્રોઇંગ-રૂમના શો-કેસમાં મૂકી રાખવાના હોય ! મેહમાનો ઉપર જરા પો પડે ! યાર દોસ્તોને તમે દસ હજારના શૂઝ પહેરો છો, એ કહેવા માટે લેવાના હોય. આવા શૂઝ ફૂટબોલ રમવામાં વાપરી ન નંખાય.
- હે ભગવાન...

સિક્સર- 

પરદેશ ગયેલો દીકરો પાછો આવે ને ઘરના દીકરાને પાછો ઓરમાન ગણવામાં આવે, એવી હાલત ટાઉન હોલની થઇ છે. અમદાવાદમાં ટાગોર હોલ રીપેર થઈને પાછો આવી ગયો ને જુવાનજોધ ટાઉન હોલ પાછો લોકોને બુઢ્ઢો લાગવા માંડયો!

છોટી સી મુલાકાત

$
0
0
ફિલ્મ : 'છોટી સી મુલાકાત' ('૬૭)
નિર્માતા : ઉત્તમ કુમાર
દિગ્દર્શક : આલો સરકાર
સંગીત : શંકર-જયકિશન
ગીતકારો : શૈલેન્દ્ર-હસરત
રનિંગ ટાઈમ : ૧૭ રીલ્સ : ૧૭૫ મિનિટ્સ
થીયેટર : રૂપમ (અમદાવાદ)
કલાકારો : ઉત્તમ કુમાર, વૈજ્યંતિમાલા, શશીકલા, રાજેન્દ્રનાથ, વીણા, તરુણ બૉઝ, બદ્રીપ્રસાદ, બૅબી પિન્કી (યોગીતા બાલી), સુલોચના ચેટર્જી, પ્રતિમા દેવી, પરવિણ પૌલ અને ભલ્લા.



ગીતો

૧. ન મુખડા મોડ કે જાઓ, બહારોં કે દિન હૈ - મુહમ્મદ રફી
૨. મત જા, મત જા, મત જા, મેરે બચપન નાદાં - આશા ભોંસલે
૩. છોટી સી મુલાકાત પ્યાર બન ગઈ, પ્યાર બનકે - આશા-રફી
૪. અય ચાંદ કી ઝેબાઈ, તુ ઝૂલ જા બાહોં મેં - મુહમ્મદ રફી
૫. કલ નહિ પાયે, જીયા, મોરે પિયા - લતા મંગેશકર
૬. તુઝે દેખા, તુઝે ચાહા, તુઝે પૂજા મૈંને - સુમન કલ્યાણપુર-રફી
૭. જીવન કે દોરાહે પર ખડે સોચતે હૈં હમ, જાયેં તો - લતા મંગેશકર

બંગાળી ફિલ્મોનો શહેનશાહ ઉત્તમ કુમાર પહેલી વાર હિન્દી ફિલ્મનો હીરો-કમ-પ્રોડયુસર થઈને મુંબઈ આવ્યો ને જે હીરો બંગાળભરમાં દેવતાની માફક પૂજાય છે... યસ, ઈવન આજે પણ... એના મૃત્યુના ૩૫-૩૫ વર્ષો પછી ય એટલો જ પૂજાય છે. આજની ફિલ્મ 'છોટી સી મુલાકાત'નો એ નિર્માતા હતો અને હીરો પણ... બન્નેમાં નિષ્ફળ ગયો ને આખા ભારતમાં એની આ ફિલ્મ પિટાઈ ગઈ. મારો તો એ લાડકો હોવા છતાં, કબુલ કરી નાખું છું કે, એની આ પોતાની ફિલ્મમાં પણ એની એક્ટિંગમાં કોઈ ઢંગધડા નહોતા. ફિલ્મ તો સમજ્યા કે, એ જમાનામાં મોટાભાગની કન્ડમ આવતી હતી, પણ આ ફિલ્મ વૈજ્યંતિમાલા ઉપર કુરબાન છે.

એક તો એ સાઉથની હતી અને સાઉથની હિન્દી ફિલ્મોમાં આવેલી તમામ હીરોઈનો 'બકસમ'બ્યૂટીઝ હતી. ઈંગ્લિશમાં 'બક્સમ'નો અર્થ થાય છે, ભરાવદાર અંગઉપાંગો ધરાવતી સ્ત્રી... ખાસ કરી ને...યૂ નો વૉટ...! યાદ કરો, પદ્મિની, રાગિણી, બી.સરોજાદેવી, હેમા માલિની, રેખા, ભાનુપ્રિયા... 'કહાં તક નામ ગીનવાયે, સભીને હમ કો લૂટા હૈ!'

આ ફિલ્મસ્ટાર્સ ઉપર ફખ્ર પણ થાય કે, એક વૈજુનો દાખલો જોઈ લો. ૧૩મી ઓગસ્ટ, ૧૯૩૬માં જન્મીને એ ફિલ્મોમાં ૧૬-૧૭ વર્ષની ઉંમરે આવી (ફિલ્મ 'બહાર'-૧૯૫૧), ત્યારથી આજે ઈ.સ. ૨૦૧૪ની સાલ સુધીમાં એણે પોતાનું દેહલાલિત્ય જાળવી રાખ્યું છે. તમામ ફિલ્મ સ્ટાર્સને શરીર જાળવી રાખવા માટે કેટકેટલા શોખ જતા કરવા પડતા હશે? વૈજ્યંતિમાલાનું સૌંદર્ય કેવળ એના ચેહરામાં નહિ, એના પૂર્ણ શરીરમાં હતું. ખભા ય જરૂર પૂરતા તંદુરસ્ત, બાકીની મોટા ભાગની હીરોઈનો ખપાટીયા લટકાવીને ફરતી હોય એવી લાગે. પોતાની કરિયરમાં એકાદા અપવાદને બાદ કરતા વૈજુએ ફક્ત હીરોઈન-ઑરિઍન્ટેડ રોલ્સ કર્યા છે અથવા તો ફિલ્મમાં હીરોઈનનું પણ હીરો જેટલું જ મહત્વ હોય. એના મનીનાં કેટકેટલી સફળ ફિલ્મો નોંધાયેલી છે, પણ એણે ઠુકરાવેલી ફિલ્મો ય તોતિંગ હતી. દિલીપ કુમાર સાથેની 'નયા દૌર'અને 'રામ ઔર શ્યામ'. રાજ કપૂર સાથેની 'સપનોં કા સૌદાગર', ગુલઝારની ફિલ્મ 'આંધી'એના ઠૂકરાવવાથી હેમા માલિનીને બીજી વાર ફાયદો થયો ફિલ્મ 'ક્રાંતિ'માં વહિદા રહેમાનને સમાવવા માટે, એક સમયના પ્રેમી દિલીપ કુમારે 'રામ ઔર શ્યામ'માંથી કઢાવી હતી, એ પછી એ દિલીપ સાથે બોલતી પણ નહોતી અને આખી ફિલ્મ 'સંઘર્ષ' (સાઈન થઈ ગયા પછી ફિલ્મ પૂરી કર્યા વિના છૂટકો ન હોવાથી) આ બન્ને કલાકારોએ પૂરા શૂટિંગ દરમ્યાન એક વખત પણ વાતચીત કરી નથી. યસ, પ્રેમ-દ્રષ્યો ભજવવાના હોય, ત્યારે શૂટિંગ પૂરતો જ પ્રેમ...હઓ!

રાજ કપૂર સાથેના પ્રેમ સંબંધને કારણે તો રાજ પત્ની ક્રિષ્ણાએ ઘર છોડીને બધા બાળકોને લઈને મુંબઈની 'હૉટેલ નટરાજ'મા રહેવા જવું પડયું હતું, સાડા ચાર મહિના સુધી! એ તો પાપા પૃથ્વીરાજની બે આંખની શરમ નડી, એમાં એ પાછા આવ્યા.

વૈજુનું એક ઓર લફરું રાજેન્દ્ર કુમાર સાથે ય ખરું. પણ રાજેન્દ્ર વૈજુની સાથોસાથ સાયરા બાનુ સાથે ય કાળજું ઠરી જાય, એવા ગરમાગરમ પ્રેમમાં હતો, ેેએમાં બે ય થી લટક્યો ને રાજેન્દ્ર પત્ની મામા શુકલાનો પરિવાર બચી ગયો.

છેવટે રાજ-વૈજુ-દાસ્તાનના ટપાલી રહી ચૂકેલા ડૉ. ચમનલાલ બાલી સાથે વૈજુએ લગ્ન કરી લઈને હિન્દી ફિલ્મોના અનેક હીરાઓની વાઈફોને મનની શાંતિ આપી. નહિ તો આમ તો... વૈજુ ચુસ્ત વૈષ્ણવ ધર્મ આજે પણ પાળે છે. જીવનભર એ પૂર્ણપણે શાકાહારી રહી છે.

કોંગ્રેસ તરફથી લોકસભા અને રાજ્યસભામાં જઈ આવેલી વૈજ્યંતિમાલાએ છેવટે કોંગ્રેસથી કંટાળીને સોનિયા ગાંધીને પત્ર લખ્યો, 'સ્વ. રાજીવ ગાંધીના અવસાન પછી કોંગ્રેસ કથળી ગઈ છે અને મૂલ્ય આધારિત રાજનીતિ રહી નથી. મારું રાજીનામું સ્વીકારશો.'કેમ જાણે ભાજપમાં બહુ મોટી મૂલ્યો આધારિત રાજનીતિ બચી હોય, એમ વૈજુ ૧૯૯૯માં ભાજપમાં જોડાઈ. પણ એ બધું ભૂલી જઈને, એ એક ઍક્ટ્રેસ કેવી ઉમદા હતી, એની વાતો કરીએ તો બધા જવાબો ગ્રેટ આવે છે. જેને આપણે ઉત્તમ કહીએ છીએ, એ હૅલન ઓન રેકોર્ડ વૈજ્યંતિમાલાને હિન્દી ફિલ્મોની સર્વોત્તમ ડાન્સર કહી ચૂકી છે. હેમા માલિની પણ એની પાસેથી જ શીખી હશે કે, જે ફિલ્મમાં એ હીરોઈન હોય, એમાં એક 'કલાસિકલ'ડાન્સ આપવો જ પડે... સ્ટોરીમાં જરૂરત હોય કે ન હોય! આ ફિલ્મમાં ય મારીમચડીને વૈજુ પાસે લતા મંગેશકરના કંઠે 'કલ નહિ પાયે જીયા, મોરે પિયા...'નૃત્ય ગીતમાં મનમોહક નૃત્ય કરાવવામાં આવ્યું છે. આ ગીતમાં તો સંગીતકાર શંકર જેટલી જ કમાલ લતાબાઈએ કરી બતાવી છે. કેવી અઘરી અઘરી તાનો મારી છે આ ગીતમાં! અને ગોપીકૃષ્ણની કોરિયોગ્રાફીમાં એક વાત કોમન હોય કે, એમણે દિગ્દર્શિત કરેલા નૃત્યોમાં સ્પીડ ઘણી હોય. ઑડિનરી હીરોઈનોનું એમની પાસે કામ પણ નહિ! કલાસિકલ સિવાયના ગીતોના નૃત્યો દિગ્દર્શક પી. એલ. રાજે બનાવ્યા છે.દાદુ સંગીતકારો શંકર-જયકિશનને ખભા થાબડીને એક વધારીને દાદ તો એ આપવી પડે કે લતા મંગેશકરના એકચક્રી શાસન (અને દાદાગીરીના આલમ)માં અન્ય કોઈ સંગીતકાર સુમન કલ્યાણપુરને લેવાની હિંમત કરી શકતો નહતો, ત્યારે આ લોકોએ જરૂર પડે ત્યારે છુટથી સુમનને લીધી છે. સચિનદેવ બર્મનની જેમ બાકીના સંગીતકારોએ સુમનને 'ગરજ સરો ને સુમન મરો'ની પ્રણાલિ મુજબ ગરજ પડે ત્યારે જ લીધી હતી. 'દિલ એક મંદિર', 'રાજકુમાર', 'જાનવર', 'બદતમીઝ''બ્રહ્મચારી', 'જહાં પ્યાર મિલે', 'એપ્રિલ ફૂલ', 'સચ્ચાઈ'કે 'સાંઝ ઔર સવેરા'ની જેમ, આ ફિલ્મમાં પણ સુમનને મુહમ્મદ રફી સાથેનું કૂમળું યુગલ ગીત. 'તુઝે દેખા, તુઝે ચાહા, તુઝે પૂજા મૈંને...'ગવડાવ્યું છે.

યસ. જ્યારે જ્યારે ફિલ્મ નિર્માતાઓએ સાહિત્યકારો પાસેથી વાર્તા લઈને ફિલ્મો બનાવી છે, ત્યારે ઓડિયન્સનો કચ્ચરઘાણ વાળી નાંખ્યો છે. અમે લોકો ફિલ્મોમાં ન જ ચાલીએ, એ સત્ય મારા પહેલા કોઈએ સ્વીકાર્યું નથી, એમાં મારો કોઈ વાંક? આ ફિલ્મની વાર્તા બંગાળના મશહૂર લેખિકા આશાપૂર્ણાદેવીની નવલકથા 'અગ્નિપરીક્ષા'પરથી બનાવાઈ ને બંગાળી દિગ્દર્શક આલો સરકારે ફિલ્મનો કચ્ચરઘાણ વાળી નાંખ્યો. નાનપણમાં લગ્ન કરી ચૂકેલા બાળકોને મોટા થયા પછી પણ એ લગ્ન સ્વીકારવું પડે, એ લેખિકાનો સેન્ટ્રલ-આઈડિયો ખોટો નહતો, પણ પછી શું? વાર્તાનો કલબલાટ કંઈક આવો હતો : અશોક અને રૂપા (ઉત્તમ કુમાર અને વૈજ્યંતિમાલા)ના લગ્ન કિશોરાવસ્થામાં થઈ જાય છે, ગામડે મોટી હવેલીમાં રહેતા દાદા અને દાદીમાંના (બદ્રીપ્રસાદ અને પ્રતિમાદેવી) હઠાગ્રહથી. રૂપાના મધર-ફાધર (વીણા અને તરૂણ બોઝ) આ સ્વીકારતા નથી. વચમાં સોનિયા (શશીકલા) અશોકને પામવા અને સેમ કૂપર ઉર્ફે શ્યામ કપૂર (પોપટલાલ રાજેન્દ્રનાથ) ધમપછાડા કરે રાખે છે. રૂપા અશોકના પ્રેમમાં તો પડી જાય છે, પણ સમાજના ખૌફથી ડરીને... મતલબ, એક બ્યાહતા ઔરત થઈને બીજા લગ્ન કેવી રીતે કરી શકે, એ ખૌફથી અશોકને છોડીને ગામડે અસલી ગોરધન રજ્જુ પાસે જતી રહે છે. આ રજ્જુ જ અશોક હોય છે, એની ખાત્રી થતા ફિલ્મને પૂરી થયેલી જાહેર કરવામાં આવે છે.

હિંદી ફિલ્મોના ૫૦ અને ૬૦ના દાયકાઓ હીરો છેડછાડ કરીને હીરોઈનની પાછળ પડે, એ બતાવવું કોમન થઈ ગયું હતું. આજની તો શું, ઈવન આપણી પેઢીના લોકોને ય માનવામાં ન આવે કે, કોઈ સારા ઘરની છોકરીને રસ્તે જતા છેડખાની કરો, પછી એ પ્રેમમાં પડે ખરી? (અહીં સારા ઘરની છોકરીઓની વાત થાય છે...!) સાલી એ જમાનાની તમામ મસાલા ફિલ્મોમાં આ રીતનો પ્રારંભ કોમન હોય. વાસ્તવિક જીવનમાં આપણી પ્રેમિકાને ક્યા ખલનાયકોએ દોરડે બાંધી અને પાછા આપણે છોડાવવા ય ગયા! ઊંચા પહાડની ટોચ પકડીને ટોચ પકડીને લટકતી હીરોઈનને ક્યે દહાડે આપણે બચાવવા ગયા? અને માની લો કે, અજાણતામાં આપણાથી એ પાપ થઈ પણ ગયું હોય તો બચીને ઉપર આવેલી કઈ છોકરીની બાપની તાકાત છે આપણને 'હંભળાવવાની'કે, 'બદતમીઝ... ક્યું બચાયા મુઝે...?'

સાલી, અમે તને બચાવવા નહોતા મર્યા... અમને ય પાછળથી કોકે ધક્કો માર્યો હતો, એમાં ભરાઈ ગયા ને તારો હાથ અજાણતામાં પકડાઈ ગયો, બહેન!'

ખૈર, આ ફિલ્મમાં ખડક પર લટકતી વૈજુને ઉત્તમ કુમાર બચાવે છે ને કેમ જાણે લિફટમાં ઉપર આવી હોય, એમ ઉત્તમને બદતમીઝ કહીને ખખડાવી મારે છે. તારી ભલી થાય ચમની, તારી બાએ તને આવા સંસ્કારો આલ્યા છે કે, જે બચાવે, એની જ પથારી ફેરવી નાંખવાની?

અને ઉત્તમ કુમારની જગ્યાએ આપણે હોઈએ ને આવું 'બદતમીઝ'કહી જાય તો સહન કરી લઈએ ખરા? એની સાથે લગ્ન કરી લઈએ, પણ સહન તો હરગીઝ ન કરીએ...! સુઉં કિયો છો?

ઉત્તમ કુમાર વિશે તો 'અમાનુષ'અને 'આનંદ આશ્રમ'માં આપણે થોકબંધ લખી ચૂક્યા છીએ, શશીકલા ય બહુ વાર આવી ગઈ, પણ રાજેન્દ્રનાથ વિશે જાણવાની ફર્માઈશો અનેક વાચકો કરતા રહ્યા છે. તો એને વિશે જાણવા જેવી વાત એ છે કે, એના વિશે જાણવા જેવું કંઈ છે જ નહિ. બહુ અતડો, માની ન શકાય એટલો ગંભીર અને શૂટિંગ વખતે હીરો-હીરોઈન કે કોઈ કલાકાર સાથે દસ મિનિટ વાતો કરવા ય એ બેસતો નહતો. હસાવાવાની વાત તો બહુ દૂરની છે. આશા પારેખ અને ઍક્ટ્રેસ શમ્મીના કહેવા મુજબ, અમને ય નવાઈ લાગતી કે, પરદા પર આપણને ધોધમાર હસાવતો આ કલાકાર શૂટિંગ સિવાય આખી લાઈફમાં એકે ય વખત કોઈની સાથે હસ્યો-બોલ્યો નથી. યસ. એક માત્ર શમ્મી કપૂર એનો જીગરી દોસ્ત હતો.

આ ફિલ્મમાં વૈજ્યંતિમાલાની દાદી બનતી બંગાળી કલાકાર પ્રતિમાદેવી (ત્યાંનો ઉચ્ચાર, 'પ્રોતિમાદેવી') યાદ હોય તો 'જ્વેલથીફ'માં દેવ આનંદની માં બને છે. આ પ્રતિમાદેવી જુવાનીમાં સુંદર કરતા સેક્સી વધારે હશે, કારણ કે માજીના નામે ય અનેક લફરાં એ જમાનામાં ચર્ચાતા હતા. પૃથ્વીરાજ કપૂરનું નામ મોખરે હતું.

કલકત્તામાં જન્મીને નાગપુરમાં ભણેલા તરૂણ બોઝને તમે 'ગુમનામ'માં દાઢીવાલા અસલી ખૂની તરીકે જોયો છે. 'અનુપમા'માં એનું કામ વખણાયું હતું. ફિલ્મોમાં કામ કરવા મળે એટલે એણે ટપાલ ખાતામાં નોકરી કરી લીધી પણ નસીબ ચાલ્યું અને મરતા સુધીમાં ૪૨ ફિલ્મોમાં કામ કરી ગયો. અશોક કુમાર-રાજ કુમાર-ફિરોઝખાનની ફિલ્મ 'ઊંચે લોગ'માં ફિરોઝખાનના ખૂની તરીકે એના અભિનયની દાદામોનીએ પણ પ્રશંસા કરી હતી. કોકે કીધું હતું કે, સંજીવ કુમાર આ ફિલ્મ 'છોટી સી મુલાકાત'માં ક્યારે આવે છે ને જતો રહે છે, તેની ખબર પડતી નથી અને એવું જ થયું. મેં ધ્યાનથી (આવી ફિલ્મ પણ) જોઈ પણ હરિ જરીવાલા ક્યાંય દેખાણા નહિ. પણ નાની વૈજ્યંતિમાલાના રોલમાં યોગીતા બાલી એકદમ ઓળખાઈ જાય છે. ફિલ્મના ટાઈટલ્સમાં એનું નામ બેબી પિન્કી રાખ્યું છે. યોગીતા બાલી ગીતા બાલીના બનેવી જસવંત બાલીની દીકરી થાય. જસવંત પણ થોડી ફિલ્મોમાં હીરો તરીકે આવીને હોલવાઈ ગયો હતો. કિશોર કુમારની ત્રીજી પત્ની તરીકે હોલવાતા પહેલાં યોગીતાએ છુટાછેડા માટે જંગી રકમ માંગી અને મળી પણ હતી. પણ છૂટી થઈને એ મિથુન ચક્રવતીને પરણી, એ કિશોર દાને ન ગમ્યું. એમાં હલવઈ ગયો મિથુન. કિશોર દાએ એને પ્લૅબૅક જ ન આપ્યું, એમાં સીધો ફાયદો શૈલેન્દ્રસિંઘને થયો. મિથુનના એ જમાનાના બધા ગીતો આ 'બૉબી સિંગરે'ગાયા હતા.

સાલ સડસઠની શરૂ થઈ ચૂકી હતી, મતલબ એ જમાનાના આપણા ફેવરિટ તમામ સંગીતકારોના અંતનો આરંભ થઈ ચૂક્યો હતો.

શંકર-જયકિશન પણ એમાંથી બાકાત નહોતા. ડાયહાર્ડ ચાહકોની વાત જુદી છે, બાકી આ ફિલ્મનું એક પણ ગીત એમની પ્રતિષ્ઠાને છાજે એવું તો નહોતું જ... અને એ પછી આવેલી ફિલ્મોમાં તો આ બન્ને લૅજન્ડરી સંગીતકારો તો બીજા કરતા ય વહેલા પૂરા થઈ ગયા, એ કેટલું દુઃખદ છે...?

ઍનકાઉન્ટર : 13-04-2014

$
0
0
* કેટરીના કૈફ સાથે આપને કેમનું છે?
- એક આદર્શ હિંદુ પુરૂષ એક જીવનમાં કેવળ એક જ સ્ત્રીનો થઇને રહે છે. ...હવે એ જોવાનું રહ્યું કે, 'એ'શું માને છે!
(દિનેશ હિરાણી, તારાપુર-આણંદ)

* નેતાઓ ચિત્રવિચિત્ર પાઘડીઓ પહેરીને જાહેરસભાઓ કરે છે. કારણ?
- 'મત કહો કે સર પે ટોપી હૈ, કહો સર પે હમારે તાજ હૈ.'
(રમાગૌરી એમ. ભટ્ટ, ધોળકા)

* ગુટખા બંધ થયા, પણ સિગારેટ-તમાકુ ઉપર પ્રતિબંધ કેમ નહિ?
- ચુંટણી-ફંડો ઓકાવવામાં સફળતા ન મળે, તો ઉત્પાદકોને આવી સજા ભોગવવી પડે!
(ઉસ્માન એમ. વોરા, વિરમગામ)

* ગાંધીજીની નકલ કરી કરીને નામ કમાયેલા અન્ના હજારે ગાંધીવાદનું કલંક?
- મીડિયા અક્કલ વગરના કામો કરે છે. અન્નાની જેમ કેજરીવાલને પહેલા હીરો બનાવી દીધો.... ને હવે એને ઉઘાડો પાડે છે.
(ધીમંતરાય નાયક, બારડોલી)

* તમારી દ્રષ્ટિએ રાહુલ ગાંધી વડાપ્રધાન બનવા માટે યોગ્ય છે ?
- બાળકને હાલમાં તો પ્રાથમિક શિક્ષણ વિભાગમાં મૂક્યું છે. મોટું થાય પછી બધી વાત.
(જસ્મિન જે. પટેલ, ખેરગામ-ચીખલી)

* એક વાર પ્રેમમાં પડીને લગ્ન બીજા સાથે કરી લેનારને શું કહેશો?
- નવોઢા.
(વિમલેશ જાની, ડાભલા-વિજાપુર)

* તમારૂં નામ 'અશોક'રાખવાનું કારણ?
- સંસારનું આ જ એક સર્વોત્તમ નામ પડયું હતું... વાપરી નાંખ્યું!
(કેતન ખખ્ખર, ગોંડલ)

* શું આપ ભાજપના શુભેચ્છક છો?
- બધા ચોર છે. બસ, આપણને ઓછું નુકસાન પહોંચાડે, એવી વ્યક્તિને રાજ અપાય.
(ભાવુભા ઝાલા, ભાવનગર)

* નેતાઓ માટે નિવૃત્તિ વય મર્યાદા કેમ નહિ?
- 'સમરથ કો નહિ દોષ ગુસાંઇ...'
(રજનીકાંત ભૂંડિયા, દ્વારકા)

* બુધ્ધિશાળી માણસો મૂર્ખ વાતો પર પણ કેમ ધ્યાન આપતા હોય છે?
- બસ... આપણું તો એવું જ!
(પુલીન શાહ, સુરેન્દ્રનગર)

* મારે ગણિતમાં ૧૦૦માંથી ૯૯ માર્ક્સ આવ્યા, તો ય બા ખીજાયા... આપના પુત્રનું કેવું છે?
- એને ગણિતમાં ત્રણ વર્ષના થઇને ટોટલ ૯૯ માર્ક્સ આવ્યા હતા.
(કિરણ આર્યન, અમદાવાદ)

* પોલીસને પ્રજાનો દોસ્ત કહેવામાં આવે છે. તો પ્રધાનોને?
- પોલીસને તો માણસ પણ કહેવામાં આવે છે.
(કનુ જે. પટેલ, સંધાણા)

* તેલંગાણા પછી ગુજરાતમાં કચ્છને અલગ રાજ્યનો દરજ્જો ક્યારે?
- હાલમાં મેં અમદાવાદના 'નારણપુરા'માટે અલગ રાજ્યની માંગણી કરેલી છે.... લાઇનમાં આવો. આમે ય, આપણે દેશને તોડવા જ બેઠા છીએ તો... એક ઓર સહિ!
(વિસનજી ઠક્કર, થાણા-મહારાષ્ટ્ર)

* તમને અમેરિકા ફાવી ગયું?
- હવે તો ઓબામાને ય ફાવી ગયું છે.
(રેખા શાહ, અમદાવાદ)

* ઉનાળો આવ્યો. હવે તો પંખાને બદલે એસી ચાલુ કરાવો...!
- ગુજરાતી છીએ. પંખો આપણા ઘરનો ને એસી બાજુવાળાના ઘરનું ચાલુ કરાવીને ત્યાં બેસાય!
(પ્રવિણા જૅનીસ, આણંદ)

* ફિલ્મ કલાકારો ટીવી પર આવીને ઈંગ્લિશમાં જ કેમ બોલતા હોય છે?
- એ લોકો તો ઉધરસ પણ ઈંગ્લિશમાં ખાય છે... હિંદી બોલવાથી હૉલીવૂડમાં નામ ખરાબ થાય.
(એ.એમ. શાહ, અમદાવાદ)

* સારો વર મેળવવા કુંવારી કન્યા વ્રત રાખે છે, પણ સારો દીકરો મેળવવા માતાએ કયું વ્રત રાખવું જોઇએ?
- માતાએ પોતાની સાસુને પૂછી લેવું જોઇએ...
(મુગ્ધા ઉલ્લાસ વોરા, જૂનાગઢ)

* મનમોહન કહેતા, 'પૈસા ઝાડ ઉપર નથી ઊગતા.'.... એટલે?
- કોલસાની ખાણમાં ઊગે છે.
(જયંત હાથી, થાણા-મહારાષ્ટ્ર)

* શ્રધ્ધાંજલિમાં થયેલા વખાણો જેવું જીવન ખરેખર મરનાર જીવ્યો હોય છે ખરો?
- કેમ, લોકો મજાકો ય ન કરે?
(સુરેશ એન. બલુ, સુરત)

* આજનો માણસ રૂપીયા કમાવામાં પરચૂરણ બનીને વેરાઇ ગયો છે. સુઉં કિયો છો?
- ભલે વેરાતો... એમ કાંઇ કમાવાનું બંધ થોડું કરાય છે?
(રમેશ આર. સુતરીયા-ટ્રોવા, મુંબઇ)

* શુભ ધંધાઓમાં નજીવી બરકત છે પણ મલીન ધંધાઓમાં કમાણી જ કમાણી છે. આમ કેમ?
- વેપારીઓ બુધ્ધિમાન છે. બન્ને ધંધા ભેગા કરે છે.
(જયેન્દ્ર આર. શાહ, અમદાવાદ)

* કેન્દ્રીય મંત્રી જયસ્વાલે કહ્યું હતું, 'પત્ની જૂની થઇ જાય તો મજા નથી આવતી.'શું પત્ની મજા લેવાની ચીજ છે?
- શક્ય છે, આવું એમણે આત્મકથાસ્વરૂપે કીધું હોય, પણ એમની પત્ની વિશે બીજાઓનો મત એ ન પણ જાણતા હોય!
(ઝૂબૈદા પૂનાવાલા, કડી)

* અશોકજી, આજ સુધી આપને મળેલી બહુમૂલ્ય ભેટ કઇ?
- આપવાના હો, તો વાત કરો... ખોટી મેથી ના મારો!
(જીતેન્દ્ર જી. કેલા, મોરબી)

* વેસ્ટ ઇન્ડીઝના ક્રિસ ગૅઇલ જેવો ક્રિકેટર ઇન્ડિયાને ક્યારે મળશે?
- એ તો એની બા ઇન્ડિયા આવે તો ખબર પડે!
(વલ્લરી જાની, હિમતનગર)

* સપ્તપદી વખતે લીધેલા વચનો નિભાવવામાં કેમ નથી આવતા?
- તમારૂં દુઃખ સમજી શકું છું.
(નૈષધ દેરાશ્રી, જામનગર)

* ભારત સરકાર જેને ઍવૉર્ડ્સ આપે છે, તે ફિલ્મોને ઑડિયન્સ મળતું નથી. એકલી સરકાર સમજે, એને ઍવૉર્ડ?
- સરકાર 'સમજે છે', એવું માનવાની તમારી જાહોજલાલી ગમી ગઇ!
(સાધના નાણાવટી, જામનગર)

ભેજ કો ભેજ દો...

$
0
0
ઘરની દિવાલો ઉપર આજ સુધી અનગીનત હિંદી ફિલ્મો બની છે, જેમાં મોટે ભાગે બે ભાઈઓના ઝઘડા અને છુટા પડવા માટે વચ્ચે દિવાલ ઊભી કરવામાં આવે. એક બાજુ દિવાલ ચણાતી જાય ને બીજી બાજુ મુહમ્મદ રફીના કરૂણ કંઠમાં આકાશમાંથી ગીત ગવાતું જાય, ''કલ ચમન થા, આજ એક સહેરા હુઆ, દેખતે હી દેખતે યે ક્યા હુઆ... હોઓઓઓ.''આપણે તો જાણે કડીયા-મજૂરો હોઈએ અને કાયમ આવી ઈંટ, પથ્થર, સીમેન્ટ, કપચીની ફિલ્મો જોવા જ જતા હોઈશું એમ, દિવાલ પૂરી ચણાય નહિ, ત્યાં સુધી મજૂરો લેલું પકડીને સીમેન્ટ ઉપર લબ્દા મારે જતા હોય, એ જોયે રાખવાના. છેલ્લે બન્ને ભાઈઓ વચ્ચે ઘરની સુંદર ભાભી-એટલે કે હીરોઈન સમાધાન કરે અને તે પણ સાવ સસ્તા ભાવે... હસતા હસતા એક કરૂણ ગીત ગાઈને, જેમાં ભાગલા કેવા વેદનામય હોય છે એ સમજાવીને આખી દિવાલના ભૂક્કા બોલાવડાવી દે.

પણ આજ સુધી કોઈ નિર્માતાએ એક પણ ફિલ્મ, બારે માસ ઘરની દિવાલો પર લાગેલા રહેતા ભેજ ઉપર બનાવી નથી. દિવાલને કારણે પડતા હોય તો શું ભેજના કારણે ભાઈઓ વચ્ચે ભાગલા ન પડે ? કરૂણાનું ખરૂં પ્રતિક દિવાલ નહિ, ભેજ છે, જેને તમે સાહિત્યિક ભાષામાં ''ધાબું'', ''કલંક''અથવા ''દાગ''કહી શકો. આમ આટલો મોટો શહેનશાહ, પણ અનારકલીને જીવતી ચણાવી દેવાનો હૂકમ કરનાર જીલ્લે-ઈલાહી અકબરે પણ એ નહોતું વિચાર્યું કે, હું આવડી આને જીવતી તો ચણાવી દઉં છું પણ પછીથી બહારની દિવાલો પર ચોમાસાનો ભેજ લાગશે તો હું પુરાની દિલ્હીના ક્યા કડીયા-સુથારને મોંઢું બતાવીશ ? ખોટી વાત છે મારી ?

આજે ભારતનું એવું એકે ય ફેમિલી નહિ હોય જે પોતાના ઘરમાં લાગેલા ભેજથી કંટાળીને ઘર છોડીને ભાગી જવાનો વિચાર નહિ કરતું હોય ! લાખો રૂપિયા ખર્ચીને ઘરમાં રંગ-રોગાણ કરાવ્યા હોય ને સાતમે મહિને પેટ મોટું દેખાવા માંડે, એમ ભીંત પર પોપડા દેખાવાના શરૂ થઈ જાય. જેનું ઘર હોય એને તો આ પોપડા પોતાની છાતી પર ફૂટી નીકળ્યા હોય, એવા ઝટકા વાગે... ના વાગે, બે ? ફરક એટલો કે છાતી પર પડેલા પોપડાં તો ખણી ય શકાય, પણ ભીંત પર પડેલા પોપડા ખંજવાળવા જાઓ તો, ગામડાંનું છોકરૂં મેળામાં લઈ જવા બાપના પગમાં ઘુસી જાય, એમ ઉપરવાળું અટકીને રહેલું પોપડું ય ખરી પડે. દરેક પોપડાંની આ એક સાયકલોજી છે કે, નીચે વાળું ખરે, એટલે આજુબાજુવાળું ય આપણને છેતરતું જાય. સવાલ માત્ર પોપડાંનો નથી, સવાલ ભેજના ડાઘાનો પણ છે. આપણે જાણે ભીંત પર ચઢી ચઢીને નહાવા બેસતા હોઈશું, એમ બાથરૂમ સિવાયની ભીંતો ઉપર પણ પાણીના ઉપસી આવેલા ધબ્બા જોવા મળે. ફિલ્મોમાં ચવાઈ ગયેલો એક ડાયલોગ તમે બહુ સાંભળ્યો હશે કે, ''દિવારોં કે ભી કાન હોતે હૈં... !''તે હશે, પણ આજ સુધી તમે નહિ સાંભળેલો મેં હમણાં જ લખેલો ડાયલોગ વાંચી લો, ''દિવાલોં કે ભલે કાન-નાક હોતે હોંગે, લેકીન દિવારોં કો કભી લાજશરમ નહિ હોતી... !''સાલું રહેવાનું આપણાં ઘરમાં ને ધબ્બા ય આપણાં જ ઘરમાં પાડવાના ?... બે થપ્પડ મારી દેવાનું ઝનૂન ન ઉપડે આપણને ? આ તો એક વાત થાય છે... !

શા માટે ફિલ્મવાળાઓ બે ભાઈઓના ઝગડા વખતે દિવાલને બદલે ભેજવાળી સ્ટોરીઓ લઈ આવતા નથી ? ફિલ્મ ''નીલકમલ''માં ''તુઝ કો પુકારે મેરા પ્યાર, આજા મૈં તો મીટા હું તેરી ચાહ મેં''ગાતી વખતે રાજકુમારને પણ દિવાલોમાં જીવતો ચણી દેવામાં આવે છે. શું આ વખતે, હીરોઈન વહિદા રહેમાનને હાથમાં ડિર્સ્ટમ્પરનું ડબલું લઈને આવતી ન બતાવી શકાય, જેથી ''જાની''રાજકુમારના ગાલ, બરડા, છાતી અને પેટ પરથી ઉખડુ-ઉખડુ કરતા ભેજના પોપડાને રોકી શકે ? ઓડીયન્સમાં ય તાળીઓ પડે કે, ફિલ્મના દિગ્દર્શકને ફક્ત ઈંટ-ચૂનાનું નહિ, ભેજનું ય નૉલેજ છે... !

તમે ફિલ્મ ''દિવાર''કેમ યાદ નથી કરતા ? એમાં બે ભાઈઓ અમિતાભ અને શશી કપૂર વચ્ચે સિદ્ધાંતોની - ઉસુલોની દિવાલ ઊભી થતી બતાવાઈ છે અને અમિતાભ શશીડાને પૂછે છે, ''મેરે પાસ ધન હૈ, દૌલત હૈ, ઈજ્જત હૈ, ગાડી-બંગલા હૈ... તુમ્હારે પાસ ક્યા હૈ... ?''

આ વખતે, ''મેરે પાસ માં હૈ...''એવા ફાલતું ડાયલોગ મારવાને બદલે સહેજ પણ ખચકાયા વગર શશીયો ''મેરે ઘર કી દિવાલોં પર ભેજ હૈ...''તો શું બચ્ચનીયાનું મોંઢું લબૂક ના થઈ ગયું હોત ? થઈ જ જાય કારણ કે, આ જગતમાં 'માં'અને ''ભેજ'', એ બે ચીજો જ એવી છે જે દરેકના ઘરમાં હોય. ''મેરે પાસ માં હૈ...''એવું કહીને કપૂરીયાએ કોઈ મોટી ધાડ નહોતી મારી. હું રૃા. ૨૦/-ની શરત મારવા તૈયાર છું કે, શશીએ માં ને બદલે ઘરના ભેજની બબાલ કરી હોત તો બચ્ચન પહેલી એસ.ટી. પકડીને ઘર ભેગો થઈ ગયો હોત... સુઉં કિયો છો... ?

ભેજ ઉપર મેં આજ સુધી ઘણું કામ કર્યું છે. કામ એટલે વૈજ્ઞાાનિકો કરે છે, એવું કોઈ સંશોધન-બંશોધન નહિ પણ ઘરમાંથી ભેજને કેવી રીતે હટાવવો, એના વિચારો ઉપર હું ઘરના માળીયા કરતા વધારે વખત ચઢી આવ્યો છું. તમને તો ખબર હોય જ કે, બૌદ્ધિકો વિચારો ઉપર ચઢી જતી વખતે પોતાનું લમણું પહેલી આંગળીથી ખંજવાળતા હોય છે ને ઘણા વિચારીને લખે છે. આમાં હેતુ ખંજવાળવાનો નહિ, સારા વિચારો આવવાનો હોય છે. પણ હું તો ભીંતનો દાઝેલો હોવાથી મને એ બીક લાગતી કે, લમણું ખણવા જતાં ક્યાંક પોપડું ખરી પડશે તો ?

સંશોધનો દરમ્યાન ખાસ કોઈ તારણો ન નીકળ્યા પણ એટલી ખબર પડી કે, ભેજની શરૂઆત બાથરૂમની દિવાલો પરથી થાય છે અને મેહમાનો આવે ત્યારે તો, એ લોકો છોકરો જોવા આવ્યા હોય એમ બાથરૂમ વાળો ભેજ તૈયાર-બૈયાર થઈને બહાર નીકળે છે. મેહમાનો ય ડાહ્યા થતાં હોય ને આપણે તો એમ.એફ. હૂસેન પાસે બાથરૂમની દિવાલો પર ભેજના પેઈન્ટિંગ્સ ચીતરાવ્યા હશે, એમ પાછા પૂછે, ''અરે... આટલો બધો ભેજ... ?''કેમ જાણે એમના ઘરોમાં તો બાથરૂમની દિવાલો પર ભેજને બદલે મૅકડૉનાલ્ડ્સના પિત્ઝા-બર્ગર લટકતા હશે. આપણી હટી ના જાય... ?

ભેજની શરૂઆત બાથરૂમની દિવાલો પરથી થાય છે, એ મહત્વનું તારણ નીકળી ગયા પછીનું કામ અઘરૂં હતું કે, ભેજ દૂર કરવો કે બાથરૂમ ? મારા ઘરમાં તો ત્રણ બાથરૂમો છે, એ હિસાબે બે ઓછા કરી નાંખીએ તો ઘરમાંથી ૬૬.૩૩ ટકા ભેજ કાઢ્યો કહેવાય. સવારે ભલે થોડા દહાડા ઘરમાં દોડાદોડી અને બૂમાબુમ રહે એ તો, પણ ભેજ પર કન્ટ્રોલ તો આવે ! બાથરૂમના ઉપયોગો બદલવાથી કોઈ ફેર પડે ખરો ? અમે લોકો ઘણી વાર નહાતાં પણ હોઈએ છીએ અને નહાતી વખતે અમારી વિચિત્ર આવડતોને લીધે મોટા ભાગનું પાણી દિવાલો પર ઊડે છે. નહાના તો ઉસી કો કહેતે હૈં કિ, દિવાર તો ક્યા ચીઝ હૈ... ઝમીં પર ભી પાની કી એક બુંદ ગીરની નહિ ચાહિયે... !

અંતમાં કે ભેજના આ વસંતમાં, ગુજરાતના તમામ ભેજરીવાલો (ભેજપીડિતો)ને મારૂં સૂચન છે કે, ભેજથી ભાગવાની ભલે ન હોય, પણ ગભરાવાની તો બેશક જરૂરત છે. આ કાંઈ ગર્વ લેવા જેવું ચિતરામણ નથી. છે તો ભલે રહ્યો, એવા ગૂમાનમાં ન રહીએ. એને હટાવી ન શકો તો કાંઈ નહિ, પણ મકાન તો બદલાવી શકો ને ! નવા મકાનમાં હમણાં નહિ આવે ને આવી ગયો હોય... ભેજવાળી એ જ દિવાલ પર હાથ ટેકવી મંદસ્વરોમાં લલકારે જાઓ,
'તેરે સંગ જીના, તેરે સંગ મરના, રબ રૂઠે યા જગ છુટે હમકો ક્યા કરના...'

સિક્સર
- તે... અમેરિકામાં કોને ત્યાં ઉતરવા?
- છે એક આપણો દોસ્ત... ગવર્મેન્ટમાં જૉબ કરે છે !
- શું નામ છે, ભ'ઈનું ?
- બરાક ઓબામા.

'તીન બહુરાનીયાં' ('૬૮)

$
0
0
ફિલ્મ : 'તીન બહુરાનીયાં' ('૬૮)
નિર્માતા : જેમિની સ્ટુડિયો-મદ્રાસ
દિગ્દર્શકો : વાસન-બાલન
સંગીત : કલ્યાણજી-આણંદજી
ગીતકાર : આનંદ બક્ષી
રનિંગ ટાઈમ : ૧૫ રીલ્સ - ૧૬૦ મિનિટ્સ
થીયેટર : કૃષ્ણ (અમદાવાદ)
કલાકારો : પૃથ્વીરાજ કપૂર, શશીકલા, રાજેન્દ્રનાથ, કાંચન, સૌકાર જાનકી, જયંતિ, આગા, રમેશ દેવ, જગદીપ, કન્હૈયાલાલ, નિરંજન શર્મા, લલિતા પવાર, ધૂમાલ, બેબી ફરીદા અને વૈશાલી.

ગીતો
૧. હમરે આંગન બગીયા, બગીયા મેં દો પંછી........લતા, આશા અને ઉષા મંગેશકર
૨. આ સપનોં કી રાની, નાચે ગાયેં હમ તુમ..............આશા ભોંસલે-કિશોર કુમાર
૩. દિલ્હી કે બાઝાર કી બલમા સૈર કરા દે................................આશા ભોંસલે
૪. આમદની અઠ્ઠની ખર્ચા રૂપૈયા, ભૈયા ન પૂછો...............આશા-કમલ-મહેન્દ્ર કપૂર 
૫. મેરી તરફ જરા દેખો કન્હૈયા રાધા સે બન ગઈ રીટા મૈં કન્હૈયા.......આશા ભોંસલે

'તીન બહુરાનીયાં''૬૮માં આવ્યું, તેની સાથે જ 'તીન દેવીયાં'પણ આવ્યું. પાછળથી એ ત્રણ દેવીઓ છુટક-છુટક, બહુરાનીઓ બની કે નહિ, એ બતાવતું કોઈ ત્રીજું પિક્ચર નહોતું આવ્યું. અફ કોર્સ, એ જ વખતે 'સુહાગ રાત' (રાજશ્રી-જીતેન્દ્ર) બેશક આવ્યું હતું, પણ ત્રણમાંથી કોની સમજવી, એ બેકાર સવાલ છે.

પણ આ બન્ને 'તીનો'વચ્ચે તફાવત કેટલો! 'તીન બહુરાનીયાં'માં એક પણ હીરો નહિ ને એક પણ હીરોઈન નહિ, ને છતાં ચાલ્યુ. 'તીન દેવીયાં'માં આપણો એકલો દેવ આનંદ ત્રણ-ત્રણ હીરોઈનો માટે કાફી હતો. નંદા, કલ્પના અને સિમી ને તો ય ફિલ્મ ઉપડી નહિ.

પહેલા કલ્પના અને હવે નંદાને ગૂમાવી, ત્યારે ખબર પડી કે, નંદાને ચાહનારો વર્ગ કેટલો વિપુલ હતો! નોર્મલી, જૂનો કોઈ સ્ટાર અવસાન પામે છે, ત્યારે 'ગુજરાત સમાચાર'માં જે તે સ્ટારને શ્રદ્ધાંજલિરૂપે મારો અલગ લેખ છપાય છે. વાચકોનું તો તમે જાણો છો જ, કે એમનું નામ ન છપાય તો એમને લેખ કેવો લાગ્યો હતો, એ જણાવવાની બેવકૂફી પણ નહિ કરવાની. આજકાલ એસએમએસ કે ફોન કેટલા મોંઘા છે, હાય રામ...! પણ સ્વ. નંદાને શ્રદ્ધાંજલિ આપતો લેખ ૨૫ માર્ચ, ૨૦૧૪ના છાપામાં લખ્યો, ત્યારે ઓહ માય ગોડ... કેટલા બધા ફોન અને મેસેજીસ આવ્યા! નંદાને લોકો આટલી બધી ચાહતા હશે, એ તો એક આજીવન નંદાભક્ત તરીકે હું કેટલો ખુશ થયો હોઈશ?

ખુશ તો થશે કોમેડિયન રાજેન્દ્રનાથના ચાહકો આ ફિલ્મ જોઈને! આ ફિલ્મમાં કોઈ કન્વેન્શનલ હીરો તો છે જ નહિ, છતાં ફિલ્મ મૂલ્યાંકનની દ્રષ્ટિએ 'તીન બહુરાનીયાં'નો હીરો પૃથ્વીરાજ કપૂર કહેવાય અને સ્વતંત્રતાથી વાત કરવી હોય તો ફિલ્મનો સાચો હીરો આ પોપટલાલ છે. એને ફૂટેજ તો સૌથી વધુ મળ્યું જ છે, પણ રોલ પણ લાલબુંદ ગાલ જેવો ગુલાબી-ગુલાબી મળ્યો છે. મેહમુદ કે જ્હોની વોકરોની વાત કરવામાં રાજેન્દ્રનાથની નોંધ જવલ્લે લેવાઈ છે. એ સ્ક્રીન પર આવે તેની સાથે જ એનું સમગ્ર શરીર ગમે ત્યાંથી ગમે તેવી ધ્રૂજારીઓ કરવા માંડે. એના પગ કદી સખણા રહ્યા નથી. 'બફૂનરી'પ્રકારની કોમેડીની પણ એ લઝ્ઝત છે, નહિ તો ચાર્લી ચેપલિનની સરખામણીમાં લૉરેલ-હાર્ડીનું કોઈ મહત્વ જ ન સમજાયું હોત! 'તીન બહુરાનીયાં'ના એક દ્રષ્યમાં, પૃથ્વીરાજ કપૂરને પોપટલાલ કહે છે, 'પિતાજી, ઘર મેં સબ પુરાની ચીઝોં કો નિકાલકર નઈ લા રહે હૈ'જેના જવાબમાં પિતાજી કહે છે, 'તો પછી આ બુઢ્ઢો બાપ પણ જૂનો થઈ ગયો છે. એને ય બદલીને નવો લઈ આવો!'ત્યારે હાથ ખંખેરતો પોપટલાલ કહે છે, 'વો તો ઈમ્પોસિબલ હૈ, ડેડી... ફિર ભી, હમ કોશિષ કરેંગે!'

બીજા એક દ્રષ્યમાં પોપટપત્ની ખીજાઈ કહે છે, 'બાજુવાળી હીરોઈન માટે સેબ (સફરજન) કેમ લાવ્યા?'જવાબમાં પોપટ કહે છે, 'મૈ સિનેમા સ્ટાર કો સેેબ નહિ તો ક્યા 'સેરિડોન'ખીલાઉંગા...?'

પાછો વ્યવસાયે એ મેડિકલ રીપ્રેઝન્ટેટિવ હોવાને કારણે કોમેડિયન જગદીપને કન્વિન્સ કરવાનો ટ્રાયો કરે છે કે, એની કંપનીમાં બનેલી માથાના દુઃખાવાની ગોળીઓ કેટલી અસરકારક છે? જગો માનતો નથી, એટલે કંટાળેલા પોપટનું માથું દુઃખી જાય છે, ત્યારે જગદીપ પૂછે છે, 'તારી કંપનીની દવા આટલી અસરકારક છે, તો કેમ ખાતો નથી?'જવાબમાં રાજેન્દ્રનાથ કહે છે, 'મૈ ઈતના બેવકૂફભી નહિ હૂ... કિં અપની કંપનીકી બનાઇ હુઇ ગોલીયાં ખાઉં!'

વ્યવસાયો પર સંવાદ લેખક કિશોર સાહૂએ મસ્ત છરી ફેરવી છે. ફિલ્મના અંતમાં ત્રણ બહુરાણીઓ પૈકીની એકના પિતા (નિરંજન શર્મા) ગુસ્સે થઈને એમની પત્નીને કહે છે, 'હું આજે જ કોઈ સારા વકીલને લઈ જઈને મારી દીકરીનો કેસ લડીશ.'ત્યારે પત્ની પૂછે છે, 'અરે, તમે પોતે તો વકીલ છો!'ત્યારે નિરંજન કહે છે, 'બેવકૂફ... હું સારા વકીલની વાત કરું છું.'

એક તો કોઈ હીરો-હીરોઈન નહિ ને એમાં ય આઉટરાઈટ કોમેડી ફિલ્મો આપણે ત્યાં ઓછી બની છે ને બની છે, એમાંની ભાગ્યે જ કોઈ ચાલી છે. ફિલ્મ મદ્રાસના જેમિની સ્ટુડિયોની હતી, એટલે જોતા પહેલા જ એ સારી હશે, એની ફિકર અમદાવાદીઓ કરે પણ નહિ. જેમિનીની સામાજિક ફિલ્મો કૃષ્ણ ટોકીઝમાં વધુ આવતી, એમ આ ય આવી. બહુ ચાલી, એમ પણ ન કહેવાય અને ચાલી પણ નઈ, એમે ય ન કહેવાય.

સ્કૂલના રીટાયર્ડ માસ્તર પૃથ્વીરાજ કપૂર એમના ત્રણ દીકરા રાજેન્દ્રનાથ, આગા અને રમેશ દેવ, એમની ત્રણ પત્નીઓ સૌકાર જાનકી, કંચન અને જયંતિ (ત્રણે ય મદ્રાસની) તથા એમના ૭-૮ બાળકો સાથે ખુશનૂમા જીવન જીવે છે. વિધૂર પિતાનો પૂરો આદર થાય છે, પણ એક દિવસ બાજુના બંગલામાં ફિલ્મસ્ટાર શશીકલા રહેવા આવે છે, એમાં ફિલ્મો પાછળ પાગલ આ પરિવાર હિલોળે ચઢે છે. પોતાની આઈડેન્ટિટી ભૂલીને આ પરિવાર ફિલ્મસ્ટારના પડોશી હોવાનું ગર્વ અનુભવીને ઘરની શકલો સૂરત બદલી નાંખે છે. જસ્ટ, પેલીને ઈમ્પ્રેસ કરવા! આર્થિક દ્રષ્ટિએ મિડલ-કલાસ ફેમિલી હોવાને કારણે વૃદ્ધ પિતાનું કોઈ માનતું નથી, જેમની સલાહ હોય છે, 'આમદની અઠ્ઠની, ખર્ચા રૂપૈયા'વાળી જીંદગી બહુ લાંબી ન ચાલે, પણ એમને કોઈ ગણકારતું નથી. ફિલ્મસ્ટાર શશીકલાને ખૂબ જીદ કરીને આ લોકો પોતાને ઘેર બોલાવે છે, એમાં ઉધારે, વ્યાજે કે હપ્તે-હપ્તે નવું રાચરચીલું લાવીને ઘરની રોનક બદલી નાંખે છે. ડોહા સમસમી જાય છે, પણ બનાવટી ખેલ કેટલા દિવસ ચાલે? એ ધોરણે, ત્રણે ભાઈઓના ઘરમાં પૈસાની તૂટ પડવા માંડે છે અને વહુઓ છાનીમાની ઘરના વાસણકૂસણ ગીરવે મૂકે કે વેચી નાંખે છે. એમની જાણ બહાર ડોહા બધું પોતે આ બધું ગીરવી કે વેચાતું લઈ લે છે. દરમ્યાનમાં ત્રણે વહુઓના મનમાં કાકા વહેમ નાંખે છે કે, તમારા ત્રણમાંથી એકનો પતિ શશીકલાના પ્રેમમાં છે. ત્રણેને ત્યાં ટેન્શનો ઊભા થાય છે, પણ છેવટે કાકા જ બધી સમસ્યાઓનો ફેંસલો લાવીને ઘરમાં પાછી સુખશાંતિ અપાવી દે છે.

ફિલ્મમાં પૃથ્વીરાજ કપૂર જેવા લેજન્ડ હોય, પછી નવું તો કાંઈ પૂછવાનું ન હોય. મારા સ્વ. પિતાશ્રી ચંદુભાઈ કહેતા કે, 'પઠાણ'અને 'દિવાર'જેવા નાટકો લઈને પૃથ્વીરાજ અમદાવાદ આવતા અને બગીચા મિલના કમ્પાઉન્ડમાં નાટકો ભજવતા. નાનો રાજ કપૂર અમદાવાદની (એ જમાનામાં) સુનસાન સડકો પર મસ્તીથી નાનકડી બાઈસિકલ ચલાવતો. ફિલ્મ 'મુગલ-એ-આઝમ'માં પોતાના પહાડી અવાજને કારણે મૂલ્કમશહૂર થઈ ગયેલા આ અદાકારનો પાછલી ઉંમરે અવાજ જતો રહ્યો હોવાથી ફિલ્મ 'તીન બહુરાનીયાં'માં આખી ફિલ્મમાં એમના અવાજને ચરીત્ર-અભિનેતા બિપીન ગુપ્તાએ ડબ કર્યો છે. અચ્છા. એ વાત બહુ ઓછા જાણતા હશે કે, હિંદી ફિલ્મોમાં તબસ્સુમ અને (બેબી) નાઝ બહુ જાણિતા ડબિંગ-આર્ટિસ્ટ્સ હતા. મતલબ, આ લોકો તમામ અભિનેત્રીઓનો હૂબહૂ અવાજ કાઢી શકતી હોવાથી, તમે જે ફિલ્મો મીના કુમારી, નૂતન કે આશા પારેખની જોઈ હોય, એમાંની અનેકમાં અવાજ એ લોકનો પોતાનો નહિ, પણ નાઝ જેવી ડબિંગ-આર્ટિસ્ટ્સનો હતો. એ તો તમે જાણો જ છો કે, ફિલ્મનું શૂટિંગ થાય, એ વખતે ફિલ્મી ગીતોની જેમ જ, એ લોકો ફક્ત હોઠ ફફડાવતા હોય. બોલેલા સંવાદોનું રેકોર્ડિંગ તો ફિલ્મ બન્યા પછી પણ જૂદા ડબિંગ સ્ટુડિયોમાં થાય.

આવી જૂની ફિલ્મો જોઈએ, એટલે યાદ ઘણું બધું આવે, જે આપણે ય ભૂલી ગયા હોઈએ. જેમ કે, ફિલ્મમાં ટેલીગ્રામ આવે છે.

આજની પેઢીના તો કોઈને ખબર નહિ હોય કે, ટેલીગ્રામ એટલે શું? એ જમાનામાં લગભગ મોટો વર્ગ મિડલ-કલાસનો હતો, ને ઘેર તાર (ટેલીગ્રામ) આવે, એટલે આખા ફેમિલીને જોરદાર ચોંકી જવાની હોબીઓ હતી. તાર ભાગ્યે જ આવે અને આવે ને ખુલે તે પહેલા ભલભલાની હવા ટાઈટ કરી નાંખે.

શશીકલા મારમમાર સેક્સી અર્થાત વધારે પડતી સુંદર લાગે છે. ફિલ્મમાં પણ એ હીરોઈનનો રોલ કરતી હોવાથી એનું આવું લાગવું લાઝમી પણ હતું. મને યાદ છે, આવી ગ્લેમરસ છોકરીઓ માટે અમારા ખાડીયામાં, 'ફટકો'શબ્દ વપરાતો. કોઈ પૂછે, 'કેવી છે?'તો જવાબમાં, 'ફટકો છે, બોસ'કહેવાતું. અફ કોર્સ, સારા ઘરના લોકો આવો ઘટીયા શબ્દ ન વાપરતા. 'બોસ'શબ્દ પણ અર્થ ન સમજાય ત્યાં સુધી આડેધડ વપરાયે જતો, 'બોસ, ત્યાંથી જરા મારા ચંપલ લઈ આવો ને...!'

આ ફિલ્મમાં જુવાન જગદીપ દેખાવમાં સારો લાગે છે. આ જગદીપ જીવનભર અંધારામાં રહ્યો. કારણ પોતે જાણતો હોય તો ખબર નહિ, બાકી કોઈ ફિલ્મી મેગેઝીનમાં એના માટેનો લેખ કે ઈન્ટરવ્યૂ જવલ્લે જોવા મળે. હમણા એક વિડીયો-ઈન્ટરવ્યૂ હાથ લાગ્યો છે, આખા ઈન્ટરવ્યૂમાં જેટલી વાતો એણે પોતાની માં વિશે કરી છે, એટલી પોતાના વિશે ય નથી કરી. જગદીપના પહેલા લગ્નથી ત્રણ સંતાનો હતા અને બીજાથી બે, જાવેદ જાફરી, નાવેદ જાફરી. તા. ૨૯ માર્ચ, ૧૯૩૯માં દાતીયામાં જન્મેલો જગદીપ ૧૯૫૦માં ૧૧ વર્ષની ઉંમરે પહેલી વાર ફિલ્મ 'મધુબાલા'માં બાળ કલાકાર તરીકે આવ્યો. પછી તો ઠેઠ, ૫૫માં નંદાની સાથે જરા મોટો રોલ પહેલીવાર ફિલ્મ 'ભાભી'માં મળ્યો. ફિલ્મ 'શોલે'માં સુરમા ભોપાલીના એના દમદાર રોલને કારણે દેશભરમાં એ છવાઈ તો ગયો, પણ એ પ્રસિદ્ધિ એનકેશ કરતા ન આવડી. પછી તો જાવેદ-નાવેદની મરજી વિરુદ્ધ ખૂબ નાની ઉંમરની કોઈ છોકરી સાથે એ લગ્ન કરવાનો હતો, પણ છોકરી નસીબ સારું લઈને આવી હશે.

ઘણા પૂછતા હોય છે કે, કલ્યાણજી-આણંદજીનું મહત્વ તમે કેમ ઓછું આંકો છો? ઓકે, ધેટ્સ ફાઈન... મહત્ત્વ આંકવા-બાંકવાનું કામ મારું નથી, પણ ફિલ્મસંગીતના ભાવક તરીકે આ બન્ને કચ્છી ભાઈઓએ બહુ નિરાશ કર્યા છે. અન્ય કોઈ સંગીતકારને ભાગ્યે જ મળે, એટલા મોટા બેનરો એમને મળ્યા છે, નહિ તો મદ્રાસનું 'જેમિની'હાથમાં આવી જાય, પણ પાછળ જોવાનું ક્યાં રહે? દિલીપકુમાર, રાજ કપૂર કે દેવ આનંદ તો ઠીક, શમ્મી કપૂર કે શશી કપૂરથી માંડીને છેલ્લે છેલ્લે તો અમિતાભ બચ્ચન સુધી એમની પહોંચ નીકળી. રાજેશ ખન્નાનો સિતારો ચમકતો હતો, ત્યારે આખી ફિલ્મનું બાકીનું બધુ ધોધમાર વખણાયું... આ બન્નેનું સંગીત કેટલી ફિલ્મોમાં ચાલ્યું? આ તો તમારામાંથી જૂના ફિલ્મી ગીતોના જાણકાર કે માણનાર હોય, એમના લેવલ પૂરતી જ વાત થાય છે કે, તમને ગમતા પહેલા પાંચ મહાન સંગીતકારોના નામોની યાદીમાં એકેયમાં કલ્યાણજી-આણંદજી કેમ નથી આવતા? મુકેશ પૂરતા તેઓ ખૂબ ખીલતા, પણ બાકીનું બધું? એકલા મુકેશ ઉપર આખી કરિયરનું સંગીત નથી ખેચાતું. મુહમ્મદ રફીના પાંચ સારા ગીતો શોધવા પડે.

મદ્રાસનું જેમિની જેવું તોતિંગ બેનર મળી ગયા પછી તો, કમ-સે-કમ એકાદ ગીત પૂરતા ય છવાઈ જવાનું હતું. 'તીન બહુરાનીયાં'નું એકે ય ગીત યાદ છે? મુહમ્મદ રફીને પસંદ નહિ કરનારા અનિલ બિશ્વાસ, સી. રામચંદ્ર અને સલિલ ચૌધરી જેવા સંગીતકારોમાં આમને તો પહેલા મૂકવા પડે! કોઈ સંગીતકાર ટક્યો છે, રફી વગર?

યસ. સ્વચ્છ અને સામાજીક છતાં આનંદમયી કોમેડી ફિલ્મ જોવા માંગતા હો, તો 'તીન બહુરાનીયાં'જોઈ નાંખો, સાધો!

ઍનકાઉન્ટર : 20-04-2014

$
0
0

*   શું વાત છે? બ્રાહ્મણો ય કરોડપતિ તરીકે ઓળખાય છે?
–   યુ સેઇડ ઇટ... જ્ઞાન અને સંસ્કારમાં તો પહેલેથી હતા... હવે લક્ષ્મીજી પણ આ સાઇડમાં આવવા માંડ્યા છે, અર્થાત્, હવે લક્ષ્મીજીએ પણ માતા સરસ્વતીને આવકાર દીધો છે.
(છાયા મહેતા, મુંબઈ)

*   પોસ્ટકાર્ડને પડતા મૂકીને ઈ–મેલમાં આવવાનું કારણ?
–   થોડાં વખતમાં, હું તમારા બધાને ઘેર આવીને જવાબ આપી જવાની પ્રથા શરૂ કરીશું.
(જીજ્ઞેશ બૅન્કર, અમદાવાદ)


*    આજના આધુનિક યુગમાં ટૅકનોલોજી શ્રાપ છે કે વરદાન?
–  પોસ્ટકાર્ડને બદલે ઈ–મેઇલથી જવાબ આપવામાં શ્રાપ લાગ્યો કે વરદાન?
(મુગ્ધા ઉલ્લાસ વોરા, જૂનાગઢ)

*   અશોક દવે અને જય વસાવડામાં શું તફાવત છે?
–  એ તો એક્કેય વાર પરણ્યો નથી, બોલો!
(જીગર મેઘપરા, જૂનાગઢ)

*   કેજરીવાલને તમાચા બહુ પડે છે. આપનો અભિપ્રાય?
–   લોકો પાસે દારુ ગોળો હાથવેગો તો ના હોય ને?
(મલખાનસિંહ ચૌહાણ, અમદાવાદ)

*   સૂરજ હંમેશા પૂર્વમાંથી જ કેમ ઊગે છે?
–   એને પશ્ચિમમાંથી ઊગાડવાની વાટાઘાટો ચાલે છે, ગાંધીનગર પશ્ચિમમાં આવ્યું.
(જાગૃતિ ડી., અમદાવાદ)

*   અફઘાનિસ્તાનમાં ચૂંટણી સારી રીતે પતી.... તો ભારતમાં?
–   ભારતની ચૂંટણી અફઘાનિસ્તાનમાં લઇ જઈને ન કરાય... ‘બા’ ખીજાય!
(રવિ જાજડીયા, પાલિતાણા)

*   મનમોહન મૌન ક્યારે તોડશે?
–   હવે તો એ બોલે તો ય હાંભળે છે કોણ?
(કિર્તી ધામી, ડૉમ્બીવલી)

*   મેચ જીતાડનારને ‘મેન ઓફ ધ મેચ’નો એવોર્ડ મળે છે તો હરાવનાર (યુવરાજસિંહ)ને કયો ઍવોર્ડ મળે?
–   એ બેશક મહાન ક્રિકેટર છે. એ જ માણસે અભૂતપૂર્વ વિજયો અપાવ્યા છે.
(જયેશ કબૂતરવાલા, સુરત)

*   પ્રશાંત ભૂષણને કાશ્મિર આપી દેવું છે. ‘આપ’માં કેટલો વિશ્વાસ મૂકાય?
–   બસ, પ્રશાંત ભૂષણ પાકિસ્તાનને સોંપી દો.
(યશ મહેતા, અમદાવાદ)

*   બીજા ફિલ્મસ્ટાર્સની જેમ ડિમ્પલ કાપડિયાએ ચૂંટણીમાં કેમ ઝૂકાવ્યું નથી?
–   એના પહેલા ગોરધને રાજકારણમાં બહુ માર ખાધો હતો. 
(અજય વ્યાસ, બિલખા)

* ‘ઍનકાઉન્ટર’ જેવી કૉલમ ભારતના અન્ય કોઇ રાજ્યમાં ચાલે છે?
–   કહે છે કે, શ્રેષ્ડ સર્જનનો કોઇ વિકલ્પ હોતો નથી.
(વિજણ છાબડા, મહેસાણા)

*   કચ્છ વિશે આપનું શું માનવું છે?
–   કચ્છનો તો ઝાઝો અનુભવ નથી, પણ કચ્છીઓ મને બહુ ફળ્યા છે... ‘કિ આયોં...?’
(જીજ્ઞેશ ટાંક, મુંદ્રા)

*   ‘શ્રી’ એટલે લક્ષ્મી અને ‘મતિ’ એટલે બુદ્ધિ, તો જેના જીવનમાં શ્રીમતી નથી, તેનું જીવન...?
–   હા, પણ એને  માટે કાંઇ આઠ–દસ વાર પરણવાનું ના હોય!
(અફરોઝબેન મીરાણી, મહુવા)

*   ‘કર્મના સિદ્ધાંત’ વિશે આપનું શું માનવું છે?
–   હું જે માનતો હોંઉ છું, એ મારા ઘરમાં ય કોઈ માનતું નથી, ભ’ઈ!
(રાજેશ દરજી, અમદાવાદ)

*   ભગવાન જમતા તો નથી, છતાં લોકો ભોગ કેમ ધરાવે છે?
–   આપણા દેશમાં બેવકૂફોની કમી નથી.
(ગોપાલ કે ભટ્ટ, વડોદરા)

*   લગ્ન નહિ કરવાની સલાહ કોઇ કેમ માનતું નથી?
–   તમે ક્યાંક ભરાઇ ગયા લાગો છો?
(રવિ આડવાણી, ભાગનગર)

*   મોબાઇલથી જ વૉટ આપવાનું શરૂ થાય એમ નથી?
–   મોબાઇલથી જ હનીમૂન પતતું હોય તો વૉટ પણ અપાશે.
(મનોજ પંચાલ, મુંબઇ)

*   હું પણ બહુમતિ બ્રાહ્મણ છું, તમે બ્રાહ્મણોને લઘુમતિમાં મૂકાવો તો કંઇ વાત બને.
–    પહેલાં પટેલો, લોહાણાઓ, વૈષ્ણવો, સિંધીઓ અને બાકીના બધાનું પતાવીએ, પછી બ્રાહ્મણો ‘બહુમતિ’માં હોવાની લાચારી સાથે સરકાર પાસે વધુ ઓકાવશે.
(વિનોદ ભટ્ટ, અમદાવાદ)

*   મહિલા જેવું આરક્ષણ પુરુષોને ક્યારે?
–    જ્યારે પુરુષો પણ સ્ત્રીઓની સમકક્ષ ઊભા રહી શકશે.
(મહિપત વૈશ, ગીર–સોમનાથ)

*   ચૂંટણી ઉમેદવારની મિનીમમ લાયકાત ગ્રેજ્યુએશનની હોય તો ઘણો ફેર પડે કે નહિ?
–   મારી માહિતી ખોટી ના હોય, તો સમગ્ર વિશ્વમાં ડૉ. મનમોહનસિંહ જેટલી શૈક્ષણિક ડિગ્રીઓ વિશ્વમાં કોઇ પાસે નથી.... કેટલો મોટો ફેર પડ્યો...! આહ..... હજી દુ:ખે છે.
(સંજય ગોહિલ, જામખંભાળિયા)

*   આ તમે સવાલની સાથે ઘરનું એડ્રેસ માંગો છો, તે કોઇ ઈનામ મોકલવાના છો?
–   હું તો મૅક્સિમમ  તમને પૅશન્ટો મોકલી શકું.
(ડૉ. અશ્વિન કાકડીયા, સુરત)

* ચૂંટણીના રીઝલ્ટ્સનું શું લાગે છે?
– હું તો અમેરિકામાં બેઠો છું. મોદી–રાહુલ બધાને કહી દીધું છે, ચૂંટણીઓનું તમે પતાવજો. હું તો કેટલે પહોંચી વળું?
(સુપ્રિયા દવે, અમદાવાદ)

*   આજની સ્થિતિ જોતા આપણો દેશ કઇ દિશામાં જઇ રહ્યો લાગે છે?
–   આ સવાલ કોઇ ટ્રાફિક પોલિસને પૂછો.
(મૌલિક પટેલ, અમદાવાદ)

*   તમારે માટે વધુ સારું કોણ કહેવાય? ગર્લ ફ્રેન્ડ કે વાઈફ?
–   સૅફ્ટીની ગૅરન્ટી મળતી હોય તો બન્ને.
(હિરેન પંખાનીયા, સુરત)

(‘ઍનકાઉન્ટર’ માટે તમારા સવાલો ઈ–મેઇલ પર જ પૂછી શકાશે. વાચકે સવાલની સાથે પોતાનું નામ, સરનામું અને મોબાઈલ નંબર લખવો આવશ્યક છે. સવાલો શક્ય હોય ત્યાં સુધી ગુજરાતીમાં લખીને મોકલવા. સવાલ પૂછવાનું ઈ–મેઇલ આઈડી છે: ashokdave@gujaratsamachar.com )


એર હોસ્ટેસ બહેન જેવી ન લાગવી જોઇએ..

$
0
0
અમેરિકા રીક્ષા કરીને નથી જવાતું, પ્લેનમાં જવું પડે છે ને પ્લેનોમાં યૂ નો... સાલા કાગળવાળા ટોઇલેટો હોય છે, જે આપણને ના ફાવે. ભલે, અમદાવાદની રીક્ષાઓમાં હજી સુધી ટોઇલેટની વ્યવસ્થા નથી થઇ શકી... પણ 'વિકાસ'શરૂ જ થયો છે, તો મોડી વહેલી એ ય થઇ જશે. પણ ફ્લાઈટોના એટલા સાંકડા ટોઇલેટમાં આપણા જેવાને તો 'યોગ'કે ઇવન મારામારી કરતા ય ન ફાવે, ત્યાં ૨૦-૨૨ કલાકની મુસાફરીમાં મિનિમમ ૩- ૪- વાર તો જવું પડે ? જગત જાણે છે કે, આ એક એવી મંઝિલ છે, જ્યાં ગયા પછી જ પૂર્ણ શાંતિ અને ચેહરા ઉપર પ્રસન્નતા મળે છે.

અલબત્ત, આ પ્રસન્નતા બહાર નીકળ્યા પછી મળે છે... બહાર ઊભા ઊભા નહિ. ધોળીયાઓ આમાં ય વહેલી સવારે લાઈનમાં ઊભા હોય ને ભા'ય... ભા'ય, એમના ચેહરાઓ ઉપરની તંગદિલી જોઇને દયા આવી જાય કે, એને બદલે એક આંટો આપણે ફરીથી મારી આવીએ, પણ આને જામીન પર છોડાવીએ.

૯/૧૧ ના આતંકવાદી હૂમલા પછી અમેરિકનો તો ઠીક, આપણા દેસીઓ ય ફ્લાઇટમાં આપણી સાથે વાત ન કરે. કેમ જાણે એ બન્ને બિલ્ડિંગો ઉપર વિમાન અથડાવનાર પાઈલોટ હું હોઈશ, એવી નજરથી મારી બાજુમાં બેઠેલો ધોળીયો મને જોતો હતો. મારા નારણપુરામાં કોકના ઘેર ગેસનો બાટલો ફાટયો, ત્યારે મને એવો ડાઉટ નહતો પડયો કે, આની પાછળ અમેરિકાનો જ હાથ કે પગ હશે. ભ'ઇ, માણસે-માણસે સંસ્કારનો ફરક તો પડે ને ?... સુઉં કિયો છો ? ડાયરેકટ અમદાવાદ-રાજકોટની વૉલ્વો બસમાં જતા હોઈએ, તો બાજુવાળાને પૂછીએ પણ ખરા કે, 'આપ રાજકોટ જાઓ છો ?'એટલે એની બાને બદલે પેલો ખીજાઈને કહે, 'ના... આ બસમાં હું શાંગહાઈ જઉં છું.'મને આવા અડપલાં કરવાની હોબી ખરી, એટલે બાજુમાં બેઠેલા ધોળીયાને મેં સ્માઇલ સાથે પૂછ્યું, 'તમે એકલા જ છો ?' ('ભાભી-બાભી નથી આયા... ?'એ મૂળ ઉદ્દેશ તો શું કે, આપણો ટાઈમ જાય ને એની વાઈફને સારી કંપની મળે. આ લલવામાં તો શું કમાવાનું હતું !)

મારો સવાલ સાંભળીને, મેં તો કેમ જાણે એની વાઈફના જન્માક્ષર માગ્યા હોય, એવો અકળાઈને બોલ્યો, 'નો... મારી સાથે આ વિમાનના પાયલોટ્સ છે...'

તારી ભલી થાય ચમના... અમારા જેવા નવલોહીયા યુવાનોને એરહોસ્ટેસોમાં રસ પડે... ને આ ધોળીયો પાયલોટમાં ભરાયો હતો. હું લજ્જાથી લાલલાલ થઇને, એટલી સાંકડી સીટમાં ય એનાથી આઘો ખસી ગયો. ભૂલમાં ય ઢીંચણ ન અડે, એના ધ્યાનો રાખ્યા. નક્કી કર્યું કે, ન્યુયોર્ક આવે ત્યાં સુધી હું જ એને નહિ બોલાવું. આપણને શું કે, કોઈની પર્સનલ વાતોમાં માથું મારવાની ટેવ નહિ.

એક તરફ ઇન્ડિયાની કોઈ પણ ફ્લાઇટની એર-હોસ્ટેસ જુઓ... સાલી, નવરાત્રીમાં આપણા ફ્લેટોમાં ગરબે ઘુમવા આવી હોય તો સામું ય ન જોઇએ. એટલી બટકી કે, એની સામે સીટમાં બેઠા બેઠા જોઇએ, તો અગાસીની પાળ ઉપરથી નીચે કમ્પાઉન્ડમાં જોતા હોઇએ, એવું લાગે. ગોળ ગડી વાળીને પાઉચમાં મૂકી દઇએ, એટલી પતલી... ને રામ જાણે મેક-અપ વગર એના કરતા તો એની બા સારી લાગતી હશે, દયા આવે.

જ્યારે અમારી 'ઍમીરેટ્સ'ની ફ્લાઇટની ઍર-હોસ્ટેસો જુઓ જરા... (સૉરી, આખું વાક્ય ઊડાડી મારો. તમારે કોઈએ જોવાની જરૂર નથી... મેં ધરાઈ ધરાઈને જોઈ લીધી છે.) હાઈટ-બોડી, ભૂરી આંખો. 'કોક'ની બોટલ જેવું ફિગર, આપણને જોઇને ચેહરા ઉપર આવી જતું સ્માઇલ....) ઓહ, કોઈ મને ખભેથી પકડી રાખો. મેં નશે મેં હૂં ! આપણા પુરાણ અને મહાન ઋષિમુનિઓએ કીધું છે કે, આવી બબાલોમાં વાઇફોને સાથે લઇ ન જવાય.

આવા જ કારણોસર મને ગુરૂદેવ રવીન્દ્રનાથ ટાગોરનું કાવ્ય ગમે છે, 'તારી જો હાક સુણી કોઈ ના આવે તો એકલો જાને રે... એકલો જાને રે... હોઓઓઓ !'માટે હું વાઇફને લીધા વગર એકલો અમેરિકા ઉપડયો હતો.

ભોળા માણસોનું આ જગતમાં કોઈ નથી. અમદાવાદમાં મારા તમામ સગા-સંબંધીઓ જેલસ છે. હું આત્માની શાંતિ માટે હિમાલય સાધુ બનવા જતો હતો... જરાક અમથો રસ્તો ફંટાઈ ગયો ને અમેરિકા આવી ગયો. અહીં મને શુધ્ધ જ્ઞાન પ્રાપ્ત થયું, કે આપણે કાંઈ સાધુ-ફાધુ બનવું નથી. ને તો ય, એ બધા ઘેર આઈ આઈને પેલીના દેખતા પૂછે રાખે, 'કેમ એકલા એકલા ?'ભાભીને સાથે કેમ લઇ જતા નથી ?

તારી બીજી વાર ભલી થાય, ચમના... સાલા, એમ કેમ પૂછતો નથી કે, 'કેમ એકલા ? 'તમારી'ભાભીને ય સાથે લઇ જાઓ ને ?'પણ હવે પહેલા જેવા દોસ્તો ને પહેલા જેવી ભાભીઓ ય ક્યાં થાય છે ? એ બધું તો ગયું... !

વચમાં દુબાઈ આવ્યું. અઢી કલાક રોકાવાનું હતું. આપણને એમ કે, આરબોની મેહમાનગતી અદ્ભુત હશે ને મને હારતોરા કરવા એ લોકો ધક્કામુક્કી કરશે. આપણા દેશમાં તો મેહમાન જાન સે પ્યારા હોતા હૈ, ના ? અહીં એવું કશું નહીં. ઉપરથી આપણે તો કોઇનું પાકિટ મારીને પ્લેનમાંથી ઉતર્યા હોઈએ, એમ ફરીથી મારા ખિસ્સા તપાસ્યા. ખિસ્સા સુધી વાંધો નહિ. બ્રાહ્મણના ખિસ્સા તપાસો તો ઉપરથી મહીં કંઇ મૂકવાનું મન થાય. આ લોકોએ તો આખું બોડી તપાસ્યું. મને કોઈ અડે એ ન ગમે (ભાઈઓની વાત થાય છે... !) ગલીપચી થાય. હસવે ચઢી જઉં હું તો ! ધોળીયા સીક્યોરિટીવાળાએ મને પૂછ્યું, 'વૉટ મેઇક્સ યૂ લાફ ?' (તમને હસવું કેમ આવે છે ?) મેં કીધું, 'ખાસ કાંઈ નહિ... આ તો ઇતિહાસનું પુનરાવર્તન છે. ઘેર આવું ત્યારે રોજ વાઈફ આમ તપાસી લે છે.'

બીજા ૧૪-૧૫ કલાકની મુસાફરી પછી ન્યૂયોર્ક આવ્યું. આપણે ઇન્ડિયાની ડોમેસ્ટિક ફ્લાઈટના મુસાફરોની મશ્કરી કરીએ છીએ કે, પ્લેન ઊભું રહે, એમાં આ લોકો ય ઊભા થઇ જાય ને મિનિમમ ૨૦ મિનિટ ખભે થેલા લટકાવીને દરવાજા પાસે ઊભા રહે છે, પણ ધોળીયાઓ ય ઓછા નથી. એ લોકો ય બેસી નહિ રહે. 'વહેલો તે પહેલો'આમાં ન હોય, મારા વીરા... !

ન્યુયોર્ક એરપોર્ટ પર ૬૦ બારીઓ ઇમિગ્રેશનની છે. લાઈન તો લાગે. ખાડીયાવાળી ઘુસવાની ટેવ અહીં બહુ કામ આવી. નજર સામે આપણે ઘુસ મારતા હોઈએ, તો ય એકે ધોળિયો વિરોધ ન કરે મને એમની આ ટેવ ગમી. આનું નામ સંસ્કાર. પણ અઢાર પુરૂષો ભાંગીને એક બનાવેલી એક કાઇળી (બ્લેક) મારી સામે ભડકી. શું બોલતી હતી, એ તો એની માં જાણે, પણ સારૂં નહોતી બોલતી, એવું એના વિકરાળ મોંઢા સામે જોઇને લાગ્યું. એનો એકલો નીચેનો હોઠ કાપીને રોડ ઉપર મૂકો, તો રોડ પર નવો ડામર લગાડયો હોય, એવું લાગે. લગભગ બધી કાઇળીઓ માથે વિગ પહેરે છે. વિગ વગર પણ એની હેર-સ્ટાઇલ જુઓ તો પહેલો સવાલ એ થાય કે, આ લોકો નહાતી કેટલા વર્ષે હશે ? આને એકલીને નવડાવવા માટે છવ્વીસ-માણસોનો સ્ટાફ ઓછો પડે. દરીયા કિનારે કોઈ કાળમીંઢ ભીના ખડકમાંથી કોતરીને બનાવ્યું હોય એવું એ કાઇળીનું શરીર સૌષ્ઠવ જોયા પછી, મનમાં હું ય બગડયો, 'એક વાર અમદાવાદ આય... તને ને તારી બાને... બે ય ને બતાવી દઉં... અહીં એકલો પુરૂષ ભાળીને બીવડાવે છે ? એ બૂમો પાડતી રહી, પણ સ્વામી વિવેકાનંદે કહ્યું છે, 'ધ્યેયપ્રાપ્તિ પહેલા યુધ્ધભૂમિ ન છોડવી.'મેં ન છોડી ને પહેલે નંબરે ફૂલ્લી પાસ થઇ ગયો.'

સિક્સર

રોજ પ્રગટ થતી 'નેટવર્ક'કોલમમાં આંકડા લખવાની એમની અલગ સ્ટાઇલ છે. કોઈ કૌભાંડ હજાર-બજાર અબજો રૂપિયાનું હોય તો એના શીર્ષકમાં આંકડો આવી રીતે લખાશે, 'કોલસા કૌભાંડમાં ચવાઈ ગયેલા રૂ. ૩૪૯૨૩૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦... કોના બાપની દિવાળી ?'

દર વખતે પાનાં ઉપર આટલી જગ્યા ન હોવાથી શક્ય છે, હવે પછી આમ લખાશે, રૂ. ૩૪૯૨૩૦૦૦૦૦૦૦૦૦... વધુ મીંડા આવતા અંકે...'

બહુ બેટી

$
0
0
- મુહમ્મદ રફીના બે મદમસ્ત ગીતો

- સબ મેં શામિલ હો મગર, સબ સે જુદા લગતી હો જીયો તો ઐસે જીયો, જૈસે સબ તુમ્હારા હૈ...

ફિલ્મ : 'બહુબેટી'
નિર્માતા : શત્રુજીત પોલ
દિગ્દર્શક : ટી. પ્રકાશરાવ
સંગીતકાર : રવિ
ગીતો : સાહિર લુઘિયાનવી
રનિંગ ટાઈમ : ૧૪ રીલ્સ
થીયેટર : પ્રકાશ (અમદાવાદ)
કલાકારો : અશોક કુમાર, જોય મુકર્જી, માલા સિન્હા, મેહમુદ, મુમતાઝ, અનુપ કુમાર, આશિશ કુમાર, ધુમાલ, અલલા સચદેવ, મુકરી, બ્રહ્મ ભારદ્વાજ, રત્નમાલા, ચમનપુરી અને નીલમ.



ગીતો
૧.ભારત મા કી આંખ કે તારોં, નન્હે મુન્ને રાજદુલારો...... આશા ભોંસલે
૨.આજ હૈ કરવા ચૌથ સખીરી, માંગ લે સુખ કા દાન....... આશા ભોંસલે
૩.મેરી માંગ કે રંગ મેં તુને રાખ ચિતા કી ભર દી....... આશા ભોંસલે
૪.મેરી જાં ન સતા તુ, મેરા જી ન જલા તુ...... મુહમ્મદ રફી
૫.રંગીન ફિઝા હૈ, આજા કે મેરા પ્યાર તુઝે ઢુંઢ રહા હૈ....... આશા-મહેન્દ્ર
૬.સબ મેં શામિલ હો મગર સબ સે જુદા લગતી હો...... મુહમ્મદ રફી
૭.જીયો તો ઐસે જીયો, જૈસે સબ તુમ્હારા હૈ...... મુહમ્મદ રફી

ઓહ... કેવો હેન્ડસમ હતો, જોય મુકર્જી! 'લવ ઈન ટોક્યો'અને 'ઝીદ્દી'ની જેમ આ ફિલ્મ 'બહુ બેટી'માં ય એવો જ ડેશિંગ લાગે છે! ચાલ્યો નહિ, નહિ તો અમિતાભ પાસે છે, એ બધું જોય મુકર્જી પાસે હતું. ચેહરામાં તો એ અમિતાભ કરતા ય વધુ હેન્ડસમ, પહાડી અવાજ, હાઈટ-બોડી અને સ્ક્રીન-પ્રેઝન્સ... બસ, એક્ટિંગ અમિતાભ જેવી નહોતી, એમાં માર ખાઈ ગયો. એક્ટિંગનું એની પાસે પ્રમાણપત્ર એટલું જ કે, એ ભારત ભૂષણ, પ્રદીપ કુમાર, વિશ્વજીત કે મનોજ કુમાર કરતા સારો હતો, પણ શશી કપૂર કરતા અડધો ય સારો નહિ! નહિ તો, અશોક કુમાર, કિશોર કુમારનો એ સગ્ગો ભાણીયો થતો ને વાત એથી ય ઉપર લઈ જઈએ તો, ફિલ્મીસ્તાનના સર્વેસર્વા શશધર મુકર્જીનો દીકરો હતો... છતાં, આ બધાની બાવજુદ, જોય મુકર્જી ૬૦ના દશકમાં ખૂબ ચાલ્યો. એના નસીબે એની ફિલ્મોને સંગીતકાર તરીકે ઓ પી નૈયર, શંકર-જયકિશન કે રવિ મળ્યા હતા અને આ ત્રણેએ પોતપોતાની જુબાનમાં અસ્સલ કમાલો જોયની ફિલ્મોમાં બતાવી દીધી હતી. પરિણામે, 'એક મુસાફિર, એક હસિના', 'ફિર વો હી દિલ લાયા હૂં', 'લવ ઈન ટોક્યો', 'દૂર કી આવાઝ'કે 'બહુ બેટી'જેવી સંગીતપ્રધાન ફિલ્મો જોયને ભાગે આવી.

જોયનું નામ 'જોય'નહિ, 'જય'મુકર્જી હતું, પણ બંગાળી ઉચ્ચારોમાં તો 'અશોક'નું પણ 'ઓશોક બાબુ'થઈ જાય છે, એમ 'જય'નું 'જોય'થઈ ગયું ને લોકો સમજ્યા ઈંગ્લિશ શબ્દ Joy ઉપરથી નામ 'જોય'પડયું હશે.

માણસ અંગત જીવનમાં બહુ ભલો હતો, એનો એક દાખલો કાફી છે. ગુજરાતમાં કચ્છનો ધરતીકંપ આવ્યો ત્યારે કોઈ પણ જાતની પબ્લિસિટી વિના જોય અને તેની પત્ની નીલમ રૂબરૂ કચ્છ પહોંચી ગયા હતા અને અક્ષરસઃ મજૂરો તરીકે કામ કર્યું હતું. કોઈને જણાવા દીધું નહિ કે, આટલો મોટો ફિલ્મ સ્ટાર આવી સેવા કરવા આવ્યો છે, પોતાના પૈસે! મેં મારી 'ફર્માઈશ કલબ'માં એને ચીફ ગેસ્ટ તરીકે બોલાવવા એની પત્ની નીલમ સાથે વાત કરી તો, એણે ચોખ્ખો જવાબ આપી દીધો, 'જોય સા'બ તમારા શોમાં આવવાનો એક પૈસો લેશે નહિ, પણ તમારા શોની જે કાંઈ આવક થાય, તે બધી કચ્છના ભૂકંપ-પીડિતો માટે આપી દેવી.'

જેટલી આપણને ખબર, એટલી એમને ન હોય કે, આપણે તો એથી ય વધુ રકમ ભૂકંપ-પીડિતો માટે આપી દઈએ, પણ વચમાં એને ચાઉ કરી જનારા કેટલા હતા, એની આપણને ખબર, એટલે મેં ખર્ચાઓ બાદ કરીને જે તે રકમ આપી દેવાની વાત કરી, તો નીલમે કહ્યું, 'નહિ નહિ... શો મેં જીતની ભી ઈન્કમ હોંગી, વો સબ આપ ડોનેટ કર દેંગે...'એમાં વાત અટકી, પણ આખી વાતમાં દેખાય છે તો એ બન્નેનું સારું ને?

અંગત જીવનમાં જોયનો દોસ્ત એક જ શમ્મી કપૂર. ઘરડા થઈ ગયા એટલે જોયે તો ફિલ્મોમાં કામ કરવાનું બંધ કરી દીધું, પણ શમ્મીએ બુઢ્ઢાના રોલ પણ ચાલુ રાખ્યા, એમાં જોય બગડયો હતો, 'ક્યા શમ્મી...? ક્યા કર રહા હૈ? હમ હીરો થે... તો હીરો રહેકર હી મરેંગે? લોગ હમારા બુઢ્ઢા ચેહરા દેખના પસંદ નહિ કરેંગે!'જોયે પોતે આ પાળી પણ બતાવ્યું, તે એટલે સુધી કે, પૈસે ટકે ખાખી-બંગાલી થઈ ગયા પછી ચરીત્ર અભિનેતાના રોલ તો અમથા ય એની પાસે બહુ આવતા હતા. ના જ લીધા. વચમાં તો એણે કટલરી અને બબ્બે તત્તણ રૂપિયામાં વેચાય એવી ફાલતુ ચીજોનો એવો સાવ નાનકડો સ્ટોર પણ કર્યો હતો. એનો દીકરો આદર્શ ન નીકળ્યો સુરતના મારા આર્કિક્ટે દોસ્ત અને હાસ્યલેખક અજીતસિંહ સાથે જોયને સંબંધ ખરો. શમ્મી કપુરની પાર્ટીમાં અજીતસિંહ જોયને રીક્ષામાં બેસાડીને લઈ ગયા હતા.

હું એના નાનાભાઈ શુબિરના ઘરે બેઠો હતો, એણે કહ્યું કે, અમે ત્રણે ભાઈઓ કસરત પાછળ આજે ય પાગલ છીએ. રોજ કેટલીય દંડ-બેઠક કે પૂલ-અપ્સ કરતા હોઈશું, અમને ય ખબર નથી. (તનૂજાના પતિ શોમુ મુકર્જી આ લિસ્ટમાં નહિ!) જોય તો એટલે સુધી કે, એનો કસરત કરવાનો ટાઈમ થઈ જાય એટલે, એને સાઈન કરવા નિર્માતા આવ્યા હોય તો એમનો ય લિહાજ ન રાખે. પણ કસરતોનું તો કેવું છે કે, કરતા રહો ત્યાં સુધી જ એ તમને સાચવે... છોડી દો પછી ધોધમાર ભૂખો લગાડે અને શરીર ફૂલવા માંડે, જોય પણ પાછલી ઉંમરમાં બેતહાશા જાડો થઈ ગયો હતો.

માલા સિન્હાને હરકોઈ ફિલ્મમાં જોઈને એક સવાલ તો થાય જ કે, આવી અભિનેત્રીઓ હવે કેમ નહિ? જુઓ, સુંદરતા અને અભિનયમાં તો આજની હીરોઈનો ય કોઈનાથી કમ નથી, પણ ફર્ક આપણા જમાનાની અભિનેત્રીઓ સાથે એ હતો કે, એ લોકો નખશીખ ગ્રેશિયસ લાગે, ભારતીય લાગે. ૫૦-૬૦ના દાયકાની હીરોઈનો સામાજિક ફિલ્મોમાં 'બહુ'એટલે અફ કોર્સ, 'બહુ'જ લાગે. આપણી પરંપરાનુસાર આદર્શ સ્ત્રી લાગે જ. નૂતન, તનૂજા, મધુબાલા, નરગીસ, વહિદા, નંદા, સાધના, આપણી વૈજુ... આ બધીઓએ છેવટ સુધી પોતાના ફિગર કેવા જાળવી રાખ્યા હતા? માલાને પણ આજે જુઓ તો ગુજરાતી સ્ત્રીઓની જેમ લઠ્ઠાબેન્ડ થઈ ગઈ નથી. ચેહરાની ઉંમરને બાદ કરતા આજે ય એ ખૂબસૂરત લાગે છે.અશોક કુમાર અને અનુપ કુમાર આ ફિલ્મમાં છે. બન્ને જોય મુકર્જીના સગા મામાઓ થાય. જોવાની ખૂબી નહિ પણ ખામી એ છે કે, અનુપ કુમાર પણ એ જ ગાંગુલી પરિવારનો કલાકાર, છતાં એને મોટા ભાગે અશોક કુમારની ફિલ્મોમાં જ રોલ મળે, સ્વતંત્ર રોલ બહુ ઓછા. બેશક સારો કલાકાર, પણ નસીબની બલિહારી છે ેેકે, અશોક-કિશોર પોતપોતાના ફીલ્ડમાં ભારતના સર્વોત્તમ પૈકીના કલાકારો બન્યા ને આ ભાઈ... ઈંગ્લિશમાં મેરેથોન દોડમાં સૌથી છેલ્લે આવનારા માટે કહેવાય છે ને, 'હી ટુ રૅન...!'એમ અનુપનો કોઈ લેવાલ ન નીકળ્યો.

મેહમુદ અને મુમતાઝે આ ફિલ્મમાં જોડી બનાવી છે. આપણા શરીરના વજન જેટલું માન મુમતાઝ માટે થવું જોઈએ કે, તદ્ન ફાલતું ફિલ્મોની હીરોઈનમાંથી એ હિંદી ફિલ્મોમાં એના સમયની સૌથી ટોપની હીરોઈન બની ગઈ... ને આગળ-પાછળ કોઈ બેક ગ્રાઉન્ડ પણ નહિ! એને તો ૭૦ના દશકમાં એ ફિલ્મો મળી, જે હીરોઈન આધારિત હતી, જ્યારે માત્ર ખન્ના, જીતુ, શશી કે એવા બધા જ ચાલતા.આ ફિલ્મમાં માલા સિન્હાનો પતિ બનતો એક્ટર આશિશ કુમાર ફિલ્મ 'જય સંતોષી માતા'નો હીરો હતો અને વાસ્તવમાં એક સમયની ડાન્સર બેલા બોઝનો પતિ.

ફિલ્મની વાર્તા ય આ પતિ ઉપર જ છે. માલા સિન્હા ગરીબ ઘરની છોકરી, જે 'બહુ'તરીકે અશોક કુમારને પસંદ પડી જતા, અશોક પોતાના દીકરા આશિશ કુમાર સાથે લગ્ન કરાવીને ઘરમાં લાવે છે. ફૌજમાં આશિશ કુમાર મૃત્યુ પામતા વિધવા બનેલી માલાને જીવનમાંથી રસકસ ઊડી જાય છે. અશોક કુમાર નિવૃત ન્યાયાધીશ છે અને વિધવા વહુને ઘેર બેસાડી રાખવાને બદલે કોલેજમાં ભણવા મોકલે છે, જ્યાં માલા જોય મુકર્જીના પ્રેમમાં તો પડી જાય છે, પણ વિધવાને તો કેવી રીતે પરણાય, એ દહેશતથી માલા જોયમાંથી રાજીનામું આપી દે છે. અશોક કુમાર વહારે થાય છે ને સમાજની ઘાંટાઘાટને અવગણીને જોય સાથે લગ્ન કરાવી આપે છે.

આજની પેઢીને તો આ સબ્જેક્ટ જ ગળે ન ઉતરાય કે, એક વિધવા બીજા લગ્ન શું કામ ન કરી શકે? વળી, વખત પણ એવો હતો કે, ફિલ્મોમાં ય હીરો-હીરોઈન પૂરી મર્યાદા સાથે જ એકબીજાને અડી શકતા. હીરોઈનો તો ઠીક છે, હેલન જેવી કેબરે ડાન્સરોને પણ કપડાં મર્યાદામાં પહેરવા પડતા. છાતીથી ઉપર ગળાના ભાગ સુધી પારદર્શક નેટ પહેરવી જરૂરી હતી. પરદા પર એવું લાગે કે, બહેને કાંઈ પહેર્યું નથી. મજ્જા કરાવી દે છે, આ ફિલ્મના સંગીતમાં રવિ. એક તો રવિ હોય એટલે રફી તો હોય જ. લતા ન હોય, પણ આશા તો હોય જ! રવિએ મને કીધેલી વાત છે કે, રફી સા'બ રોજ સવારે એક્ઝેક્ટ ૮ વાગે મારા ઘેર આવી જતા. રીહર્સલ હોય કે ન હોય. એકે ય દિવસ મુંબઈના ટ્રાફિક કે તબિયતનું બહાનું નહિ. એમના જેવો સજ્જન આખી ફિલ્મ નગરીમાં કોઈ નહીં! અંગત રીતે, મારે બન્યું હતું એવું કે, આ ફિલ્મ 'બહુ બેટી'ના રફીએ ગાયેલા બે ગીતો (તમને ખબર છે, ક્યા હોય!) મેળવવા માટે મેં આકાશ અને મારી અગાશી એક કરી નાંખ્યા હતા. (આકાશની પાતાળ આવે, દવે સાહેબ... તમે અગાશી ક્યાંથી લાવ્યા?) દોસ્તો, પાતાળ મેં એકે ય વાર જોયું ન હોવાથી 'આકાશ ને પાતાળ'શબ્દો સાથે હું સહમત થતો ન હોવાથી પાતાળને બદલે, અહીં ેેજેટલું થાય એટલું મેં કરી આપ્યું છે. આજે તો મારી પાસે બધું ય છે, પણ એ જમાનામાં રૃા. ૧૬થી રૃા. ૨૨ સુધીના તોતિંગ ભાવોની 'કેસેટો'મળતી, ત્યારે દેશ કા ચપ્પા ચપ્પા ને દુકાન દુકાન છાન મારીથી, પણ 'સબ મેં શામિલ હો, મગર સબ સે જુદા લગતી હો...'અને 'જીયો તો ઐસે જીયો જૈસે સબ તુમ્હારા હૈ...'બલ્કે, આખી ફિલ્મના ગીતો ક્યાંથી નહોતા મળતા. એ તો પછીથી એવી ખબર પડી કે, એચએમવીના સ્ટુડિયોમાં આગ લાગી, એમાં આવી ઘણી બધી ફિલ્મોની રેકડર્સ બળી ગઈ હતી. મુહમ્મદ રફીના આ બન્ને ગીતો સાંભળવાથી મનને કેવળ શાંતિ જ નહિ, સમજ પણ મળે છે, કારણ કે શબ્દો કોઈ મજરૂહ-હસરતના નહોતા... સાહિર લુધિયાનવીના હતા, જેમાં સાહિત્યના શોખિનોને પણ દરેક ગીતમાં અર્થ કે અર્થઘટનો મળે રાખે...' ...મરો તો ઐશે કિ જૈસે, તુમ્હારા કુછ ભી નહિ.'

આ ફિલ્મમાં પણ રફીનું એક ફાલતું ગીત છે, 'મેરી જાં, ન સતા તુ, મેરે દિલ કો ન જલા તું...'મેહમુદ પર ફિલ્માયું છે. નોર્મલી મેહમુદ મન્ના ડેનું પ્લેબેક પસંદ કરતો ને જ્હોની વોકર ઈનવેરિએબ્લી રફીનું. એ બન્ને વચ્ચે તો પર્સનલ-વોર ચાલુ જ હતી, પણ રફી-મન્ના ડે વચ્ચે શુદ્ધ ભાઈચારો હતો. મન્ના દા એ એમના ઘરમાં મને કીધેલી વાત છે કે, ફિલ્મોમાં રફીમીયાં જેવો બીજો કોઈ ગાયક છે જ નહિ, ને રફીએ પણ ઓન-રેકોર્ડ કીધું છે. મારે સારા ગીતો સાંભળવા હોય ત્યારે મન્ના ડેને સાંભળું છું. પણ ફિલ્મોમાં આર. ડી. બર્મનના બ્યુગલો વાગવા માંડયા અને મેહમુદ પાસેથી રફી છીનવાઈ ગયા. આરડીને ચાન્સ અને શોહરત અપાવનાર મેહમુદ જ, પણ આર. ડી. ને મુહમ્મદ રફી કરતા કિશોર વધુ ગમે, એમાં ૬૯માં 'આરાધના'પછી કિશોરનું ત્સુનામી આવ્યું. એમાં અન્ય ગાયકોની જેમ રફી પણ તણાઈ ગયા. રફી જે ઉંમરે ગૂજરી ગયા, તે કોઈ મરવાની ઉંમર અફ કોર્સ નહોતી. પણ કિશોરના વાવાઝોડાને કારણે રફીના જ ગળે મોટા થયેલા તમામ સંગીતકારોને નફ્ફટાઈથી રફીને પડતા મૂકવા માંડયા, એક માત્ર લક્ષ્મીકાંત-પ્યારેલાલ બાદ કરતાં! સ્વાભાવિક છે, જે માણસે ઠેઠ ૪૬થી ૭૦ સુધી બસ, જાહોજલાલીઓ જ જોઈ હોય, એના કિલ્લાનું આમ ઢહ થઈ જવું, કોઈ પણ શહેનશાહ માટે કારમું પડે. બસ, બીજાનું જ હંમેશા ભલું વિચારતો આ ઓલીયો માણસ પોતાનું ભલું જોઈ ન શક્યો અને હૃદયરોગને શરણે જતો રહ્યો... ને સાહિરના શબ્દોને સાચા પાડતો ગયો, 'મરો તો ઐસે કિ જેૈસે તુમ્હારા કુછ ભી નહિ!'

નોંધ :

અનેક વાચકોએ પૂછાવ્યું છે, 'ફિલ્મ સીઆઈડી'ના ગીત 'લેકે પહેલા પહેલા પ્યાર, ભર કે આંખો મેં ખુમાર'ગીત દેવ આનંદની બેનમૂન ચાલને કારણે વધારે મશહૂર બન્યું પણ દેવ શકીલાની સાથે મુંબઈના મરિન-લાઈન્સની ફૂટપાથ પર આ ગાતા બન્ને કલાકારો કોણ છે? તો જવાબ છે, મુહમ્મદ રફીએ આ ગીતમાં પ્લેબેક આપ્યું છે, 'શ્યામ કપૂર'ને અને શમશાદે 'શીલા વાંઝને!'

(સીડી સૌજન્ય : ભરત દવે, સુરત)

એન્કાઉન્ટર 27-04-2014

$
0
0
* સારી નોકરી માટે સારૂં ભણતર જરૂરી, પણ રાજકારણ માટે અક્ષરજ્ઞાન પણ નહિ ?
- ડૉ. મનમોહનસિંઘ સમગ્ર વિશ્વમાં સૌથી વધુ શૈક્ષણિક ડીગ્રીઓ ધરાવવાનો વર્લ્ડ-રૅકૉર્ડ ધરાવે છે, પણ કામ કરે છે સોનિયાજીના હાથ નીચે...! કંઇ સમજાયું?
(નિમેષ પારેખ, અમરેલી)

* મોદી દિલ્હી જાય તો પછી ગુજરાતનું કોણ ?
- ભ'ઇ હું તો કેટલી જગ્યાએ પહોંચી વળું...? અહીં આવ્યા પછી મને ઓબામા અમેરિકાનું ધ્યાન રાખવાનું કહે છે.
(સોહેલ ઘોઘારી, ભાવનગર)

* હું તો ભાવનાનો ભૂખ્યો છું... તમે ?
- બેહો ને છાનામાના ! .... ભાવનાનો ગોરધન તમારા હોંથા કાઢી નાંખશે !
(કાર્તિક શાહ, ન્યુ જર્સી)

* ઇલૅકશનના આવા તોફાની માહૌલમાં તમે તો અહીં નથી. તમારો કિંમતી વૉટ તો ગયો ને ?
- યસ. એક વૉટથી પણ તખ્ત-ઓ-તાજ બદલી શકાય છે....કમનસીબે, ઇલેકશન કોઇ મૅરેજ નથી કે, આપણા બદલે બીજાને કરી આવવાનું કહી શકાય !
(કિશોરી પી. મેહતા, સુરત)

* આ વખતના ચૂંટણી પરિણામો વખતનું વાતાવરણ ધમધોકાર હશે. દેશ આખો રૉડ પર આવીને એક એક સીટના વિજયનો જયજયકાર કરશે... બોલો, ભારત માતા કી જય. તમે સુઉં કિયો છો ?
- બસ. આ વખતે સૌથી વધુ ખુશ ભારત માતા થવાના છે.
(તુષાર પટેલ, અમદાવાદ)

* અશોકજી, તમે ગઝલ-કવિતા કેમ લખતા નથી ?
- હું બિલ્ડિંગો બનાવું છું... તાજ મહલ નહિ !
(કેશવી મયંક શાહ, ઍટલાન્ટા)

* કોઇ સુંદર ગર્લફ્રેન્ડને કૉફી પીવડાવવા હોટેલમાં લઇ ગયા પછી બિલ એ ચૂકવે, એનો કોઇ ઉપાય ?
- તારી ભલી થાય ચમના...! બિલ હું ચૂકવી દઇશ... તું હૉટેલની બહાર બેઠો રહેજે...!
(ચિન્મય ધવલરાય મેહતા, મુંબઈ)

* આપણે ત્યાં ટ્રાફિક-સૅન્સ ક્યારે આવશે ?
- આપણા દેશના ટ્રાફિકને 'સૅન્સ'સાથે શું લેવા-દેવા ?
(જીગર પટેલ, અમદાવાદ)

* હવે તમે ઇન્ટરનૅટ પર સવાલો મંગાવવાનું શરૂ કર્યું... અમે પોસ્ટકાર્ડમાં પૂછેલા સવાલોનું શું ?
- હું ભારત પાછો આવું, પછી જૂનાં પોસ્ટકાર્ડ્સના સવાલોને પણ ધ્યાનમાં લેવાશે. પણ હવે પછી પૉસ્ટકાર્ડના સવાલો ધ્યાનમાં લેવાશે નહિ.
(સંજય સી. શાહ, અમદાવાદ)

* કોઇ છોકરીનો રૂમાલ પડી જાય તો ઉચકીને પાછો આપવા છતાં એ ખુશ નથી થતી.... કોઇ ઉપાય ?
- ઉંચકવાની છોકરીને હોય, રૂમાલ નહિ !
(જતીન કે. શાહ, અમદાવાદ)

* હવે બાગબગીચામાં પ્રેમિકાને લઇ જવાનો જમાનો ગયો... કેમ ?
- એનું નામ સાવિત્રી, કુસુમ, કવિતા કે જયાલક્ષ્મી હોય તો કદાચ આવે ય ખરી!
(જે.બી. શાહ, વડોદરા)

* સાંભળ્યું છે, તમે મોટા અંબાજીના પરમ ભક્ત છો ?
- સાચું સાંભળ્યું છે. સાયન્સના આ જમાનામાં પણ માની ન શકાય, એવા ચમત્કારો મેં એમના આશીર્વાદથી પ્રત્યક્ષ અનુભવ્યા છે. મંદિરનો વહિવટ પણ હવે ખૂબ સારો થાય છે.
(નમિતા, વી. દેસાઈ, વલસાડ)

* રાજ કપૂરની ફિલ્મ 'સંગમ'માં તમે રાજેન્દ્ર કુમારની જગ્યાએ હોત તો આવું બલિદાન આપત ?
- મને નિષ્ફળ જવાની આદત નથી.
(રંજન શેઠ, જામનગર)

* કોંગ્રેસે હજી સુધી એના વડાપ્રધાનપદનો ઉમેદવાર કેમ જાહેર કર્યો નથી ?
- હાલત એવી છે બદનસીબોની કે, હવે પછી તો ગ્રામપંચાયતની ચૂંટણીમાં ય એના સંભવિત પ્રમુખનું નામ જાહેર કરી નહિ શકે...! પાર્ટીમાં કોઇ બચ્યું હશે તો ને ...?
(પલ્લવી શિખર શાહ, અમદાવાદ)

* ભાજપ અને 'કોંગ્રેસ'... ચૂંટણીના પરિણામો અંગે શું માનો છો ?
-'હાલત હૈ અજબ દીવાનોં કી, અબ ખૈર નહિ પરવાનોં કી...'
(કૃતિકા એન. પટેલ, મૅલબૉર્ન -ઓસ્ટ્રેલિયા)

* તમારા પત્ની કરતાં તમે ઓછા બુદ્ધિશાળી દેખાઓ છો..
- નેહરૂ બ્રીજની પાળી ઉપર ચડીને બૂમો પાડીને જણાવો બધા ને...! બધા એકનું એક જ લોહી પી જાય છે...(કોઇ પંખો ચાલુ કરો, ભ'ઇ)
(વૈદેહી જનુભાઈ મેહતા, અમદાવાદ)

* કરોડ રૂપિયાની મોટર-બાઇક હાર્લી-ડૅવિડસન પર બેસીને લાલુ યાદવ-પ્રચાર કરે તો ?
- સર્કસમાં વાંકી ડોક કરીને સાયકલ પર બેઠેલું રીંછ ગોળગોળ ચકરડા મારતું હોય, એવું લાગે !
(પદ્મકાંત જ્યો. પરીખ, વડોદરા)

* ગાંધીનગરની સરકારી ઑફિસમાં ધક્કા બહુ ખવડાવે છે, તો શું કરવું ?
- અટક બદલીને જવું.
(કેતન ત્રિપાઠી, અમદાવાદ)

* સાધના, વૈજયંતિમાલા, વહિદા રહેમાન, માલા સિન્હા... તમારી દ્રષ્ટિએ ક્રમવાર ગોઠવી આપશો ?
- લખી લો... ડિમ્પલ કાપડિયા, સાધના, વૈજયંતિમાલા, વહિદા રહેમાન, માલા સિન્હા....
(પૂર્ણા એચ. શાહ, કનેકટિકટ-અમેરિકા)

* તમને ફાસ્ટ-ડ્રાયવિંગનો શોખ ખરો ?
- ઊંઘમાં.
(નિત્યા દૂધવાલા, સુરત)

* અમેરિકામાં તમે તમારી ફૅવરીટ ડૅમી મૉર કે ઍન્જેલિના જૉલીને મળ્યા કે નહિ ?
- મુહમ્મદ રફી સાથે ગુજરાતી ગીતો ગાનાર રવિબાળા પટેલ (લીલી પટેલના બહેન) અને સન્માન્નીય ગુજરાતી એક્ટર સ્વ. અરવિંદ પડયાના દીકરી નીલા પંડયાને મળ્યો.
(સુજ્ઞા ચાહવાલા, સુરત)

* કાર ચલાવતી વખતે બાજુમાં બેઠેલી પત્નીના આદેશો તમે માનો છો ખરા ?
- એ પત્ની હોય તો માનું છું...
(શ્રેયા જયન્તભાઈ પરીખ, ભાવનગર)

* હવે 'એન્કાઉન્ટર'ના જવાબો કોણ આપશે ?
- ઓ ભ'ઇ, 'હવે તો સદ્ગતની જગ્યા કોણ પૂરશે ?'એવા શબ્દોમાં સવાલ ન પૂછો... અહીં છાતીમાં ગભરામણો ઉપડે છે !
(સંકેત પંડયા, વડોદરા)

* હૉકી કે ક્રિકેટ જેવી રમતોમાં બહેનો માટે અલગ સ્પર્ધા હોય છે.. ચૅસમાં એવું ખરું ?
-હોય, પણ એ લોકો ચૅસ રમવા સ્પોર્ટસ-શૂઝ પહેરવા તૈયાર ન થાય ને !
(મોક્ષાકર બ્રહ્મચારી, વડોદરા)

ન્યુયોર્કના એરપોર્ટ પર...

$
0
0
ન્યુયોર્કના એરપોર્ટ પર આખી દુનિયા મને મળવા આવી હોય એવું લાગ્યું. એમ પાછી આપણી એવી પોપ્યુલરિટી ખરી... ધોળીયા, કાળીયા, મૅક્સિકન, ચીનાઓ, જાપલાઓ, સ્પેનિયાડો... જેના ઉપર નજર પડે, એ ચોખ્ખું સ્માઇલ તો આપે જ. બોલે ય ખરા, 'ઓ હાય...' (યસ... સુંદર સ્ત્રીઓ પણ ! આપણે એ લોકોને જે કાંઈ માનતા હોઈએ... એ અબલાઓ આપણે એમના અનાથ બાળકો ગણીને સ્માઇલ આપે ! હું તો સાઇડ-ફેસથી અનાથ બાળક જેવો લાગુ ય ખરો !) બસ... આપણા ઈન્ડિયનો આપણને જોઈને મોંઢાં ફેરવી લે. કારણ એટલું જ કે, ઈન્ડિયનોને ખબર પડે ખરી કે, કોને સ્માઇલો આલવામાં નકરૂં નુકસાન જ છે !

પણ બધી પબ્લિકમાં તરત ''જણાઈ આવે''કાળીયાઓ. રામ જાણે કઈ ચક્કીના આટા એમની માવરોએ ખવડાયા હશે કે, કિચનના પ્લેટફોર્મના કાળા પથ્થરો આમના કરતા વધારે રૂપાળા લાગે. એમની હેરસ્ટાઇલ જોઈને પહેલો સવાલ એ થાય કે, છેલ્લે છેલ્લે બીજી વર્લ્ડ-વોર થઈ ત્યારે આ લોકો નહાયા હશે, એ પછી માથાની તત્તણ-ચચ્ચાર હજાર ચોટલીઓ ધોતા સુધીમાં બીજી ૩-૪ વર્લ્ડ વોરો ફાટી નીકળે. એક ચોટલીને છુટી પાડવા માટે બબ્બે મજૂરો રાખવા પડે, એટલે આવા ચોટલા વાળ્યા પછી પાંચ-છ મહિના સુધી છોડવાની તો શક્યતા ન હોય !

ઈમિગ્રેશન માટે ૬૦-કાઉન્ટરો અને એટલી ભીડમાં ય નંબર તરત આવી ગયો. આ મારી પ્રકૃતિ છે. કોઈ ગુન્હો કર્યો ન હોય, છતાં સામે પોલીસવાળાને જોઉં, એટલે ફફડવા માંડું છું. ગુન્હો કરવાની મારામાં ત્રેવડ નથી. ઈન્ડિયાથી બેગમાં હું ચરસ-ગાંજો તો ઠીક, વાઇફે ૪૦-વર્ષ પહેલા મને લખેલા ગાંજાબ્રાન્ડના પ્રેમપત્રો ય લેતો આવ્યો નહતો. કહે છે કે, ઍરક્રાફ્ટમાં સ્ફોટક પદાર્થો ન લઈ જવાય. ઈમિગ્રેશન-કાઉન્ટર પર ચીનો બેઠો હતો. મને જોઈને સ્માઇલ આપ્યું. આપણું ય મન મોટું. '૬૨-માં ચીને આપણી ઉપર આક્રમણ કર્યું હતું ને સાલાઓ હજી કરે જાય છે, તો ય મેં સ્માઈલ આપ્યું, ''જા ભ'ઈ, વાપર... ! અહીં અમેરિકામાં મારા સ્માઇલની કોઈ કિંમત નહિ હોય... બાકી ઈન્ડિયામાં આ જ સ્માઈલ લાખ રૂપિયે સેન્ટીમીટરના ભાવે વેચાય છે.''

હું છું જ, છતાં એને હું સજ્જન લાગ્યો હોઈશ, એટલે મને કાંઈ પણ પૂછ્યા-બુછ્યા વિના જવા દીધો. એટલું પૂછ્યું, ''કેમ આવ્યા છો ?''મેં કીધું, ''બસ, આમ જ ! મૂળ તો હિમાલય સાધુ બનવા જતો'તો... એમાં આ તો આ બાજુથી નીકળ્યો'તો... તો મેં'કુ...લાય એક ચક્કર અહીં ય મારતો જઉં !''અલબત્ત, આવું મેં મનમાં કીધું... કોઈની સાથે બોલીને સંબંધ બગાડવાની આપણને હૉબી નહિ !

હું જ્યાં જઉં, ત્યાં લોચા મારવા મારી પ્રકૃતિનો એક ભાગ થઈ ગયો છે. (આવા લખ્ખણને કારણે મારા લગ્ન થયેલા !) મારો લગેજ આવતો નહતો. કન્વેયર-બૅલ્ટના બે-ત્રણ ચકરડા ફરી ગયા, છતાં મારો લગેજ આવ્યો નહિ ને હું માલિકીભાવમાં માનતો નથી, એટલે મારો જ સામાન ઘેર લઈ જવો, એવા હઠાગ્રહને બદલે, જે કોઈ બેગ હાથમાં આવે, એ લઇ લેવી, એવું માનું. સ્વામીજીએ કીધું છે કે, 'વિશ્વની હરએક ચીજને આપણી સમજીને વાપરો... જગતમાં આપણું કશું નથી, તેમ બીજાનું ય કશું નથી.' (તાર્કિક સમજ નં. ૧ : સ્વામીજી એટલે આપણા પૂજનીય અને પ્રાતઃસ્મરણીય 'સ્વામી અશોકાનંદજી.' ... તાર્કિક સમજ નં. ૨ સ્વામીજીના ઉપરોક્ત ઉપદેશમાં ''હર એક ચીજ''માં પારકી સ્ત્રીઓનો સમાવેશ થતો નથી... બન્ને તાર્કિક સમજો પૂરી : કોઈ પંખો ચાલુ કરો.) ત્યાં તો એક ધોળી આવી. અમે બન્ને સગા ભાઈ-બેન થતા હોઈએ, એવા સ્માઇલ સાથે મને કહ્યું, ''આઈ એમ સોરી, ડીયર... ધીસ ઇસ માય બૅગ... !''તારી ભલી થાય ચમની... એક બાજુ મને 'ડીયર'કહે છે ને બીજી બાજુ મારા-તારાના ભેદભાવો રાખે છે ?

ઓકે. એક વાતની ખાત્રી તો થઈ કે, એ ધોળી અને મારા વિચારો બચપનથી બહુ મળતા આવતા હતા... મારી બૅગ પણ એની બેગ જેવા રંગેરૂપે હતી. બૅગો બદલાઈ ગઈ હોત તો ફાયદામાં એ હોત... મારી બૅગમાં છ-છ જોડી લેંઘા અને સદરા હતા. એના ગોરધનને આવનારા અઢાર મહિના સુધી નવો લેંઘો લેવો પડયો ન હોત... આ તો એક વાત થાય છે.

ઉતરતા વ્હેંત મને ખબર તો પડી ગઈ કે, અમેરિકા મારા પૈસે તાગડધિન્ના કરવા માંગે છે, કારણ કે આપણા દેશના કે કોઈ પણ દેશના એરપોર્ટ પર સામાન લઈ જવાની ટ્રોલીના પૈસા ચૂકવવા પડતા નથી. અહીં તો પાંચ ડોલરની નોટ નાંખો, તો જ ટ્રોલી મળે. આપણે તો સીધા સાઇઠે જ ગુણવાના ને ? ત્રણસો રૂપિયામાં તો હું મારા ઘરના કામો ય કરતો નથી, પણ અહીં આપવા પડયા.

''કહાં સે હો ?... યુ.પી. સે યા બિહાર સે... ?''એરપોર્ટ પર બે જુવાન છોકરાઓને ઝાડુ-પોતા મારતા હિંદીમાં વાત કરતા જોઈને મેં પૂછ્યું.

''નહિ સા'બ... હમ પાકિસ્તાન સે હૈં... આપ તો ઈન્ડિયા સે હૈં, ના ?''

મારે લોકલ ફોન કરવો હતો. લોકલ-ફોન કરવા ર્ક્વાર્ટર (એક ડોલરનો ચોથો ભાગ) સિક્કો જોઈએ. એ મળતો નહતો. પેલા બન્નેમાંથી એક જણ દોડતો જઈને મારા માટે ર્ક્વાર્ટર લઈ આવ્યો. એક પાકિસ્તાની હોવા છતાં ઈન્ડિયન માટે આવો સદભાવ જોઈને, મેં એના હાથમાં એક ડૉલર મૂક્યો. એ પાકિસ્તાનીએ ઝાડુ ચાલુ રાખતા સહેજ શરમાઈને મને કહ્યું, ''ક્યા સા'બ... આપ સે હમ પૈસા લેંગે ? ઇન્ડિયા-પાકિસ્તાનવાલે તો ભાઈ-ભાઈ હોતે હૈં...''

શું જવાબ આપું ? બદલામાં થોડી વાર એના બદલે ઝાડુ હું મારી આપું, એવી ઑફર મૂકવાની જીગર પણ ન ચાલી.

પહેલી વાર અમેરિકા આવ્યો હતો. આજુબાજુથી હડફડ-હડફડ પસાર થતા ધોળીયા, કાળીયા, ચીના કે જાપલાઓમાં એક માત્ર કાળીયાઓ સામે હું રૂપાળો લાગતો હતો, બાકી પેલાઓની સ્કીન જોયા પછી ત્યાં જ નિર્ણય લઈ લીધો કે, આવતા જન્મે ભલે જન્મવું ઈન્ડિયામાં, પણ વાઇફો તો આ બધા દેશોમાંથી જ એક એક ઉપાડી લાવવી. પોણા છ ફૂટ લાંબો તો હું ય છું, પણ છ-સવા છ-છ ફૂટની ધોળીઓને જોયા પછી વિચારો તો એવા ય આવ્યા કે, આપણે બચી ગયા. હાળું કાંઈ પણ કરવું હોય તો પેલીની બાજુમાં લાકડાનું સ્ટૂલ મૂકીને ઊભા રહેવું પડે. ઘરમાં જે કાંઈ માલ પડયો છે, એનાથી સંતોષ રાખો. નહિ તો આપણે પરદેશ છીએ ને દેશમાં બીજો કોઈ સ્ટૂલવાળો મળી જશે તો વાઈફ અમદાવાદના એરપોર્ટ પર લેવા ય નહિ આવે.

ન્યુ યોર્કના જહૉન એફ. કૅનેડી એરપોર્ટ પર મને લેવા બરાક ઓબામા આવ્યા નહોતા. સાલો આપણા ઈન્ડિયા અને અમેરિકાના સંસ્કારો વચ્ચે આટલો ફરક. આપણે તો પરદેશથી કોઈ બી આવ્યું હોય, લેવા જઈએ જ... અરે, જેને લેવા આવ્યા હોઈએ, એ ન આવ્યું હોય કે આપણને મોડું થતું હોય, તો પછી તો જે સામું મળે, એને ય એક વખત તો ઘેર લેતા જઈએ, પણ ઓબામાની બાએ આવું કાંઈ નહિ શીખવાડયું હોય... ભલે ઈન્ડિયામાં બેઠેલી આપણી બા ખીજાય ! ભ'ઈ, સંબંધ તો વધારવાથી વધે... આપણે એના સારા ગુણો જોવાના. મને લેવા અશોક-ચેતના પંચોલી આવ્યા હતા, તે એ લોકો ય રાહુલ ગાંધીને લેવા આવ્યા હોય, એવા ખુશ થઈને મને એમના ઘેર લઈ ગયા.

મારે લોંગ આયલૅન્ડ જવાનું હતું. અમેરિકાના શહેરો-ટાઉનોના નામો નાગરોએ પાડયા હોય એવા મનોહર-મનોહર છે. ક્નેક્ટિકટ, સીનસીનાટી, સિયાટલ, મૅસેચ્યૂસેટ્સ... બીજી બાજુ આપણે ત્યાં ગારીયાધાર, જોરાજીના મુવાડા, ધોળકા, ધંધૂકા ને ધ્રાંગધ્રા... (સાલું વાઇફ ૬૦-ની થઈ... હજી સુધી એક હપ્તામાં આખું 'ધ્રાંગધ્રા'બોલી શકતી નથી. પહેલા એક-બે વખત 'ધ્રાંગ... ધ્રાંગ'બોલીને પાછળથી '...ગધ્રા'જોડી નાંખે છે. જો કે, અહીં અમેરિકાના આપણા દેસીઓએ ધોળીયાઓ સામે પૂરો બદલો લીધો છે. બ્રિટિશરોએ આપણા ભરૂચનું 'બ્રોચ', મુંબઈનું 'બોમ્બે'કે વડોદરાનું 'બરોડા'કરી નાંખેલું, તો વળતા હૂમલા તરીકે અહીંના દેસીઓએ 'મૅસેચ્યૂસેટ્સનું માસા... ચૂસો... માસા ચૂસો'અને શિકાગોનું 'ચિકોગા'કરી નાંખ્યું છે. એક જ દુઃખ થાય કે, અહીંના મૂકેશો 'મૅક્સ'અને સુરેશો 'સૅક્સ'થઈ ગયા છે, પણ અહીંના શહેર 'બફેલો'નું 'બળધીયો'કે સ્ટુઅર્ટનું 'સેવંતીલાલ'કરી શક્યા નથી.

સિક્સર

- મૅનહૅટનના ૧૦૨-માળ ઊંચા એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ નીચે ફૂટપાથ પર મારાથી સિગારેટ હાથમાંથી પડી ગઈ. એક પોલીસ-ઓફિસરે તરત સિગારેટ લઈને સ્માઈલ સાથે ટ્રેશ-બિન (કચરો નાંખવાનો ડબ્બો)માં નાંખી દીધી. મારી સામે નફરતથી પણ ન જોયું.

- સૂચના : ગુજરાતના કોઈપણ પોલીસે આ સિક્સર વાંચવી નહિ... બા ખીજાશે.

'અધિકાર' ('૫૪)

$
0
0
ફિલ્મ : 'અધિકાર' ('૫૪)
નિર્માતા : મહિપતરાય શાહ
દિગ્દર્શક : મોહન સેહગલ
સંગીત : અવિનાશ વ્યાસ
ગીતકારો : પ્રેમ ધવન નીલકંઠ તિવારી, દીપક, રાજા મેંહદી અલીખાન
રનિંગ ટાઈમ : ૧૪ રીલ્સ
થીયેટર : ખબર નથી. (અમદાવાદ)
કલાકારો : કિશોર કુમાર, ઉષા કિરણ, રાધાકિશન, નીરૂ, બાલમ, રેણુબાલા, રૂપમતિ, નર્મદા શંકર, યશોધરા કાત્જુ, દયા દેવી, કમલ, નૂરજહાં, બેબી શશી.



ગીતો
૧. એક ધરતી હૈ, એક હૈ ગગન, એક મનમોરા...... મીના કપૂર
૨. તિકડમબાઝી, મીંયા રાજી, બીવી રાજી....... કિશોર કુમાર
૩. બી.એ., એમ.એ., પી.એચ.ડી. ડીગ્રી લેકર બૈઠે હૈ...... આશા ભોંસલે
૪. દિલ મેં હમારે કૌન સમાયા...... કિશોર કુમાર - આશા ભોંસલે
૫. એક ધરતી હૈ, એક હૈ ગગન, એક મનમોરા (૨)...... મીના કપૂર
૬. કમાતા હૂં બહોત કુછ, પર કમાઈ ડૂબ જાતી હૈ....... કિશોર - ગીતા રૉય
૭. માટી કહે કુંભાર સે... માટી મેં મિલ જાના....... શંકર દાસગુપ્તા-કોરસ
૮. ઝીંદગી હસિન હૈ યે ઝીંદગી....... આશા ભોંસલે

કિશોર કુમારની કોઈ પણ ફિલ્મ જોવાનો તગડો ફાયદો એ કે, ફિલ્મ ગમે તેવી ફાલતુ હોય, કિશોર ફાલતુ ન હોય. 'બફૂનરી'એટલે કે બેવકૂફીભરી વાર્તાવાળી ફિલ્મોનો એ બેતાજ બાદશાહ હતો. પેલું કહે છે ને કે, કિશોરની ફિલ્મ જોવા જાઓ એટલે મગજ કોંગ્રેસને સોંપી દેવાનું.

બીજો ફાયદો એ થતો કે, એની ફિલ્મ તમને ગમી, ન ગમી, કોમેડી હોય કે કરૂણ, ફાલતુ હોય કે કલાસિક... (સૉરી, કિશોરની ફિલ્મ ક્લાસિક તો ક્યાંથી હોય?) પણ રોકડા રૂપિયા જેવો ફાયદો એ મળે કે, ફિલ્મ કિશોરની હોય ને સંગીત ભલેને રણછોડભ'ઈ મફાભ'ઈ પટેલનું હોય, ગીતો તમારે તોફાની છતાં સુરિલા હોય! ગીતના શબ્દો ઉપર આપણે સાહિત્યકાર નહિ બની જવાનું, પણ ગીતોમાં તરખાટ મચાવતી એની હરકતો સાંભળીને બાળક બની જવાય... 'સાલો ગજબનું ગાય છે.'એવા કોમ્પ્લિમેન્ટ્સ અમારા ખાડીયાની લિંગોમાં અપાઈ જાય. મને યાદ છે, ખાડીયાના બે આજીવન કિશોર-ચાહકો હરિકેશ શુકલ (હરિકાકા) અને પ્રભાકર શુકલ (આજનો સુવિખ્યાત સ્ટેજ અને ટીવી આર્ટિસ્ટ)ને તો એ જમાનાથી કિશોરના આવા (તિકડમબાઝી...) જેવા ય તમામ ગીતો કંઠસ્થ. દરજીના ખાચાવાળો 'બાબલી'મૂળ તો તલત મેહમુદનો ચાહક, પણ કિશોરના આવા ભેજાંગેપ ગીતોનો તો એ ય ચાહક. બાય ધ વે, આ એ જમાનાની વાત ચાલે છે, જ્યાં ખાડીયામાં મુહમ્મદ રફી કે મુકેશ સિવાય કોઈ ગાયકને ચાહવો પાપ ગણાતું. ખાડીયાને હિંદુ-મુસલમાનના વિષયમાં ભરચક બદનામ કરવામાં આવતું રહ્યું છે, પણ રફી કે દિલીપ કુમારના 'સખ્ત મરો'... એટલે કે, 'ડાય-હાર્ડ'ચાહકો ખાડીયા સિવાય બીજે નહિ મળે...!

એમ પાછું જોવા જઈએ તો, કિશોરના પેલા તોફાની ચાહકો ગેલમાં આવી જાય, એવી આ ફિલ્મ 'અધિકાર'કોઈ કૉમેડી ફિલ્મ સહેજ પણ નથી...ને તો ય, ગુજરાતના મહર્ષિસમા સંગીતકાર અવિનાશ વ્યાસના સંગીતમાં કિશોરના બધા ગીતો તિકડમબાઝીછાપ છે. 'તિકડમબાઝી'બ્રાન્ડનું બીજું ગીત 'કમાતા હૂં બહોત કુછ, કમાઈ ડૂબ જાતી હૈ' (ગીતા દત્ત સાથે)માં અવિનાશભાઈએ મનમૂકીને કિશોર પાસે હરકતો કરાવી છે. 'દિલ મેં હમારે કૌન સમાયા...'ગીત તો પેલા 'આરાધના'ને 'અમરપ્રેમ'બ્રાન્ડના રોમેન્ટિક ગીતો સાથે લાઈનમાં ઊભું રહે એવું મેલડીભર્યું છે... રામ જાણે, એક એક ગીત મધુરું હોવા છતાં આજ સુધી મારા-તમારા સુધી આ ફિલ્મના ગીતો કેમ ન પહોંચ્યો! મને સૌથી વધુ ગમેલું 'એક ધરતી હૈ એક હૈ ગગન...'મીના કપૂરે પૂર્ણ મધુરતાથી ગાયું છે.

જુઓ. આ ફિલ્મ માટે ૫૦-૬૦ના દાયકાની લગભગ કોઈ ભી ફિલ્મ માટે... ફિલ્મ સારી હશે, એ અપેક્ષા જ નહિ રાખવાની! ૨૦-૨૫ ફિલ્મો જુઓ, એમાંથી એકાદી સારી નીકળે, તો ભોગ તમારા. વાર્તા, પ્રોડક્શન, અભિનય કે દિગ્દર્શન કે ઈવન, ફાઈટિંગ... ઢંગધડા એકે ય માં ન મળે, સિવાય કે સંગીત. આપણને આજ સુધી યાદ રહી ગયેલી ફિલ્મો એના સંગીતને આભારી હતી. ઘણી વાર ફિલ્મનું નામે ય યાદ ન હોય, પણ ગીત આખું આવડતું હોય!

પણ આઈ ટેલ યૂ... આ ફિલ્મ બધી જ રીતે સારી હતી. આઈ મીન, એટ લીસ્ટ તમે ભરાઈ પડો એવી તો નહિ જ, પણ જોઈ લીધા પછી ચર્ચા કરી શકો, એ લેવલની. કમ-સે-કમ, આજે પણ પ્રસ્તુત લાગે, એવો મુદ્દો આ ફિલ્મ 'અધિકાર'માં ઉઠાવવામાં આવ્યો છે. કિશોર છે, એટલે ગમે ત્યાંથી મારીમચડીને દર્શકોને હસાવવાનો પ્રયત્ન પણ કરવામાં આવ્યો નથી. યસ, કિશોરની કૉમેડીના ચાહકોએ સમય બગાડવા જેવો નહિ... સારી ફિલ્મ જોવા માટે સોદો ખોટો નથી.

ફિલ્મની વાર્તા કંઈક આવી હતી :

શેખર (કિશોર કુમાર) તેની પત્ની લતા (નીરૂ) અને નાનકડી દીકરી શશી (બેબી શશી) સાથે નાનકડા ગામમાં રહે છે. નોકરીને કારણે મુંબઈ સ્થાયી થવાનું આવતા દોસ્તો એમને પાર્ટી આપે છે, પણ એમની ગેરહાજરીમાં આયાના ભરોસે મૂકેલી નાની શશી, ઘરમાં લાગેલી વિકરાળ આગમાં ફસાઈ જાય છે. સદનસીબે, કિશોર-નીરૂ સમયસર આવી પહોંચે છે, પણ બેબેેીને બચાવવા જતા નીરૂ જીવ ગુમાવે છે. કિશોર દીકરીને એના નાના-નાની (નર્મદા શંકર-દયા દેવી)ને ઘેર ઉછરવા મૂકૂૂીને મુંબઈ જાય છે. અહીં તે દોસ્ત ભૂષણ (બાલમ) અને તેની પત્ની માયા (રેણૂબાલા)ના ઘેર ચાર વર્ષ રહીને કંજૂસ રાધાકિશન (રાધાકિશન)ના મકાનમાં ભાડે રહે છે, એ શરતે કે પોતે કૂંવારો છે. અલબત્ત, રાધાકિશન પોતાની અર્ધ પાગલ બહેન યશોધરા (યશોધરા કાત્જુ)ને કોઈ પણ ભોગે કિશોર સાથે પરણાવી દેવા માંગે છે, પણ કિશોર અત્યંત ધનિક ઉષા કિરણના પ્રેમમાં પડી લગ્ન કરી લે છે. પોતે પરિણિત અને એક દીકરીનો બાપ છે, એ કહી શકતો નથી. ઉષા કિરણને ખબર પડતા એ કિશોરને છોડી દે છે...

બસ... જોવાનું એ રહે છે કે, આ સ્થિતિમાંથી કિશોર બહાર કેવી રીતે નીકળે છે!

ફિલ્મના દિગ્દર્શક મોહન સેહગલ હતા, એટલે થોડી ગેરન્ટી તો મળે કે, ફિલ્મ જોવી તો ગમશે. રેખા-નવિન નિશ્ચલવાળી 'સાવન ભાદોં'અને 'વો મૈં નહિ'એમણે બનાવી હતી. ફિલ્મનો સેન્ટ્રલ આઈડિયા ગમે એવો છે કે, તમે અગાઉથી બાલબચ્ચાવાળા બીજવર હો, એટલે કે બીજી વાર પરણો, એનો વાંધો નહિ, પણ તમારી પત્ની તૈયાર ગોડાઉન સાથે (એટલે કે, બાલબચ્ચાવાળી) આવે, તો તમે કેમ સ્વીકાર કરી ન શકો? (આમાં બહુ ઉત્સાહમાં આવી જઈને કોઈ જવાબ આપવાની જરૂર નથી. સવાલ તમને નહિ, કિશોર કુમારને... અને તે પણ ફિલ્મના હીરોને પૂછાયો છે. તમારા કેસમાં તો કોઈ એવી તૈયાર બાલબચ્ચાવાળી આવીને ઘેર ઊભી રહી જશે, તો માળીયે ચઢતા ય નહિ ફાવે!) ટુંકમાં, લેખકો આવા જનરલ સવાલો પૂછતા હોય ત્યારે ઓપ્શનમાં કાઢી નાંખવા સારા... સુઉં કિયો છો?

એ વાત જુદી છે કે, આ ફિલ્મની વાર્તાને તો સમજોને... સાઈઠેક વર્ષ થવા આવ્યા, છતાં મૅન્ટલિટી આપણા બધામાં બરકરાર છે. પુરુષ હાલમાં કે ભૂતકાળમાં કોકના પ્રેમમાં હોય, એ પોતે એને ગૂન્હો ન ગણે, પણ વાઈફનો કોઈ ભૂતકાળ બહાર આવે, તો એ માફ કરતો નથી. આ લેખ તો અત્યારે, હું અમેરિકામાં બેઠો બેઠો લખી રહ્યો છું, પણ યારદોસ્તોને પૂછ્યા પછી ખબર પડી કે, અહીં અમેરિકામાં ધોળીયા પુરુષોની મૅન્ટલિટી પણ એ જ છે. (પેલી કહેવત, આ જ અંદાજ પર પડી હશે કે, કાગડા બધે કાળા...!)

હીરોઈન ઉષા કિરણની સામે કિશોર આ ફિલ્મનો હીરો છે. કિશોરના નામની ચર્ચા કરવા માંડીએ, તો સવાર સુધી ચર્ચા ચાલે રાખે. પહેલો ઝગડો એ વાતનો થાય કે, કિશોર બેશક ઉત્તમ 'ઍક્ટરો'ની પંગતમાં બેસી શકે, એવો સ્વાભાવિક અભિનેતા હતો, પણ એ કાંઈ સર્વોત્તમ કૉમેડિયન નહતો. પણ એ તો, એનો વાંકે ય કાઢી શકાય એમ નથી, કારણ કૉમેડિયનની સફળતા સૌથી પહેલા સંવાદ લેખક અને બીજા દિગ્દર્શક ઉપર અવલંબિત છે. એ વખતમાં તો જાવા દિયો... કોઈ માનશે, ઈવન, આજની તારીખમાં ય આખા દેશમાં માંડ કોઈ ૪-૫ જૅન્યુઈન હાસ્યલેખકો બચ્યા છે. કટાક્ષ-લેખકો તો ભરપૂર છે, હાસ્યલેખકો ક્યાં?

જવાબ ખાલીખમ હોવાને કારણે, કિશોર પાસે કૉમેડીને બદલે વાંદરાવેડાં વધુ કરાવવામાં આવતા.

જોકે, અંગત જીવનમાં એના વાંદરાવેડા બેનમૂન હતા. જુવાનીમાં એ ઈન્દોરની કોલેજમાં દાખલ થયો, ત્યારે બીજા સ્ટુડેન્ટ્સ જે કાંઈ કપડાં પહેરે... ધેટ્સ ફાઈન, પણ કિશોરના મનમાં નાનપણથી કુંદનલાલ સાયગલ ફિટ થઈ ગયેલા, તે એમની કોઈ એક ફિલ્મમાં સાયગલ પહેરે છે, એવો ઢીંચણથી લાંબો કાળા રંગનો કોટ અને નીચે અસલ લખનવી ઘણી પહોળી પહોળી બાંયનો લેંઘો પહેરીને કોલેજ આવે. ઝૂલ્ફા ય વધારે પડતા લાંબા. છોકરાઓ મશ્કરી કરે... નો ફિકર, પણ ફૂટબોલનો શોખિન ને એમાં ય, કોલેજની મેચમાં સીલેક્ટ થઈ ગયો. કૉચે પહેલી શરત મૂકી, 'મેચમાં યુનિફોર્મ પહેરવો પડશે, આવા ગાભા નહિ ચોેલે...!'

હૂ કેર્સ...! પ્રિન્સિપાલ પાસેથી ગમે તેમ કરીને મંજૂરી લઈ આવ્યો ને ફૂટબોલની મેચ એ રમ્યો તો સાયગલ છાપ કપડાંથી જ! કૉમેડી એ વાતની છે કે, આવા કપડે એણે એક ગોલ પણ ફટકાર્યો.

એમ તો, આ આભાસકુમાર ગાંગુલીએ લગ્નજીવનમાં ય ચાર ગોલ ફટકાર્યા હતા, પણ ભા'ય ભા'ય... આપણા બધાના નસીબ એવા ઉજળા થોડા હોય છે... પડયું પાનું મધુબાલા સમજીને નિભાવી લેવાનું... ઈશ્વર આપણી રક્ષા કરે!

ઉષા કિરણ માટે તો અગાઉ ઘણી વાર લખી ચૂક્યો છું. થોડા વર્ષો પહેલા જ એ ગૂજરી ગઈ. એ કોઈ ગ્રેટ ઍક્ટ્રેસ નહિ હોવાને કારણે બહુ મોટા સ્ટાર્શ સાથે ભાગ્યે જ આવી. બી ગ્રેડના હીરો સાથે ય ઓકે...! એ જ રીતે, રાધાકિશન ૫૦ના દાયકાની ફિલ્મોનો બેતાજ બાદશાહ એની વિલનછાપ કૉમેડી માટે જાણીતો હતો. ગળામા રામ જાણે કઈ ગોળીઓ ખાઈને અવાજ કાઢતો કે, અવાજ જરા ઈરિટેટિંગ હોવા છતાં લોકોને એ યાદ બહુ રહી ગયો. રાધાકિશન ઉપરથી યાદ આવ્યું કે, અગાઉના કોઈ લેખમાં મેં લખ્યું હતું કે, રાધાકિશને પોતાના બિલ્ડિંગના આઠમાં માળેથી ભૂસકો મારીને આપઘાત કર્યો હતો. કાયમ ગમે ત્યાંથી ભૂલ કાઢીને ફોન કરનારા વાચકોનો તોટો નથી. એક વડિલે આદત મુજબ ફોન કરીને કીધું, 'આપની ભૂલ છે... રાધાકિશને આઠમા માળેથી નહિ, નવમા માળેથી ભૂસકો માર્યો હતો.'

આપણા જમાનાની આવી કાળી-ધોળી (બ્લૅક-ઍન્ડ-વ્હાઈટ) ફિલ્મો જોવાની બીજી રીતે ય આવે મઝા! આ ફિલ્મ ૫૪ની સાલમાં બનેલી. હું તો બે વર્ષનો. દેખિતી રીતે ઇચ્છા થાય કે, હું જન્મ્યો ત્યારનું ભારત કેવું હશે, રીતરિવાજ કેવા હશે, ફેશનો કેવી હશે, વગેરે વગેરે... ઉત્કંઠાઓ ઘણી જાગે. ફિલ્મો આંખો-દેખી સાબિતી આપે. ગમ્મત પડે કે, હીરોલોગ-ભાઈલોગ ઘરમાં ય શૂટ પહેરીને ફરતા. હજી ગુલામી કોઈ ૮-૧૦ વર્ષ પહેલા જ ગઈ હતી, એટલે બધી અસર અંગ્રેજોની તેહઝીબ ચોરવાની ચાલુ હતી. સજ્જન દેખાવા માટે શૂટ પહેરેલો 'મસ્ટ'ગણાતો... ભલેને સુતરાઉ લૂગડાનો હોય! સ્ત્રીઓ બે ચોટલા વાળે, એટલે બહુ 'ફેસન મારે છે...'એવું કહેવાતું. ઘરમાં ટેલીફોન હોવો, એ તો બહુ મોટી વાત કહેવાય. લગભગ બધા પુરુષો વાંકડીયા વાળમાં વચ્ચે પાંથી પાડીને બોચી ઉપર લાંબા ઝફરીયા રાખતા. હીરોઈનો દુઃખ પડે ત્યારે ગમે તે ભોગે, કપાળ ઉપર આડો હાથ રાખીને આકાશમાં જોતી ગીત ગાય જ. ખુશ હોય ત્યારે ઘરના ફર્નિચરને આમથી તેમ ઊડાડયા વગર, રૂમઝુમ કરતી સાડા ત્રણ મિનિટમાં એક ગીત તો પૂરું કરે જ. રાત્રે મોડા ઘેર આવતા હીરો માટે ભારે કરૂણામય બનીને ઠેઠ અગાસીએ જઈને ચંદ્ર અને તારાઓ એના પૂજ્ય અને સ્વર્ગસ્થ પિતાશ્રીના નોકર હોય એમ એના ગોરધનને શોધી લાવવા માટે ઘરકામ સોંપે, 'ઓ ચાંદ જહાં વો જાયે, તુ ભી સાથ ચલે જાના. કૈસે હૈ કહાં હૈ વો, હર રાત ખબર લાના...હોઓઓ!'સાલું, અડધી રાત્રે આપણે ચંદ્ર-ફંદ્રનું કોઈ કામ પડયું તો, એ તો આ હીરોઈનના ગોરધને શોધવા ઉપડયો હોય, હવાર-હવાર સુધી ના આવે, તો આપણા કામો સૂરજને થોડા સોંપાય છે? કરેલું ય બધું બાળી નાંખે. આ તો એક વાત થાય છે!

એની વે... આ ફિલ્મ જોવાથી બળી જાય કે સુધરી જાય, એવું કાંઈ નથી. ગીતો માટે ય જોવાય (અને સંભળાય) એવી સુંદર ફિલ્મ છે.

(સીડી સૌજન્ય : હરેશ જોશી, વડોદરા)
Viewing all 894 articles
Browse latest View live


Latest Images

<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>