Quantcast
Channel: Ashok Dave's Blog
Viewing all 894 articles
Browse latest View live

ઍનકાઉન્ટર : 29-03-2015

$
0
0
* તમારા હાથે ફિલ્મ ઍક્ટ્રેસ હેલનજીને 'લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ'આપવાનો હોય તો કેવી લાગણી અનુભવો?
- બસ... હવે એમના ચરણસ્પર્શ કરવા દે તો ધન્ય.
(દિલીપ પટેલ, મુંબઈ)

* 'એન્કાઉન્ટર'માં જવાબો કોઈ બીજું લખી આપે છે, એ વાત સાચી?
- થૅન્ક ગૉડ, તમે મારા લગ્નમાં નહોતા આવ્યા!
(પરમેશ ભાણાભગવાનવાળા, સુરત)

* તમને કોઈ એક ગાલ પર તમાચો મારે તો ગાંધીજીના સિધ્ધાંત મુજબ બીજો ગાલ ધરો ખરા ?
- મારી બાજુમાં કોણ ઊભું છે, એના પરથી નિર્ણય લેવાય.
(દિનેશ બાંભણીયા, નાનાવાડા-કોડિનાર)

* હાસ્યલેખો કોની પ્રેરણાથી લખો છો?
- મને મળતા ચૅક ઉપર સહિ કરનારની.
(ચંદ્રકાંત બગરીયા, પૂણે-મહારાષ્ટ્ર)

* લખવા માટે લગ્ન અને બેસણાં ઉપરાંત તમારો કોઈ બીજો ફૅવરિટ સબ્જેક્ટ ખરો?
- છુટાછેડા અને બેસણાં વચ્ચે ખાસ કોઈ ફરક ન હોવાથી એ બાકી રહી ગયો છે.
(બ્રિજેશ ગાંગાણી, સુરત)

* અત્યારે આપણી ધરતીનો ધબકાર કોણ છે?
- સફાઈ કામદાર.
(વિનોદ જેપાલ, અમદાવાદ)

* શિયાળાની સવારની ઠંડીને 'ગુલાબી'ઠંડી કહેવાય, તો ઉનાળાની બપોરને...?
- બુધવાર સિવાયની બધી બપોરો કાળઝાળ...!
(મુગ્ધા ઉલ્લાસ વોરા, જૂનાગઢ)

* તમે કહ્યું હતું, બાબા રામદેવ સિવાય કોઈ સંત દેશભક્તિની વાત કરતો નથી, પણ આ બાબા કરોડોની કરચોરી કરી લે છે, એનું શું?
- બાબા રામદેવ દેશભક્તિની વાત કરે છે, એવું મેં કીધું'તું... એ સંત છે એવું નહિ! બાય ધ વે, મારા માટે દેશભક્તિની વાતો કોઈ સંત કરતા હોય કે ખિસ્સાકાતરૂ... બન્ને પ્રણામ યોગ્ય છે.
(વિજયાનંદ પટેલ, આણંદ)

* વાહનો ડાબી બાજુ જ ચલાવવાનું કારણ શું?
- તમારા રાવળાપુરામાં કાં તો રસ્તો નથી ને કાં વાહનો નથી!
(જીજ્ઞોશ ઓડ, રાવળાપુરા-આણંદ)

* તમારે મંગળના ગ્રહ પર જવાનું થાય તો સાથે તમારા પત્ની આવે કે ડિમ્પલ કાપડીયા?
- વાઈફ એકલીને મંગળ પર મોકલી દેવી કિફાયત પડે!
(પિનલ પાઠક, વડોદરા)

* સવાલ પૂછનારનું તો નામ અને શહેર જ છપાય છે, પણ તમે ઍડ્રેસ આખું માંગો છો.
- એ તો એવું કોઈ કામ પડે તો જન્માક્ષરે ય માંગવા પડે!
(પ્રણવ પાઠક, વડોદરા)

* નેતાઓ વગર દેશ ચાલે કે નહિ?
- ન જ ચાલે, એવા નેતાઓ વગર જે દેશને જગતનો નેતા બનાવી શકે.
(કલ્પેશ કરંજીયા, બામણાશા-ઘેડ, કેશોદ)

* અમેરિકાએ ઓસામા બિન લાદનને એના ઘેર જઈને પતાવી દીધો, એવું મોદીજી કરી ન શકે?
- કરી શકે, પણ મરેલા એકના એક માણસને બીજી વાર મારવા શું કામ જવું પડે?
(નિખિલ રાજ્યગુરૂ, ભાવનગર)

* ૨૬ જાન્યુઆરીના પ્રજાસત્તાક દિને ઓબામાને બોલાવાયા... તમારો વારો ક્યારે?
- જોઈએ હવે ઓબામાએ સમજવાનું છે, મને ક્યારે બોલાવે છે!
(નીરવ નાયક, નવસારી)

* મેં એક ઍક્શન-નૉવેલ લખી છે. એ પબ્લિશ ક્યાં કરવી?
- જોઈ જુઓ... દાઉદ-બાઉદનું કોક પ્રેસ ચાલતું હોય તો!
(ડૉ. મૌલિક પટેલ, વડોદરા)

* ઈ-મેઈલને બદલે 'વૉટ્સ-એપ'પર સવાલો પૂછાવવાનું ક્યારે શરૂ કરશો?
- બસ... થોડાક વર્ષોમાં જ...
(ઉર્વશી ભાવેશ પટેલ, વડોદરા)

* મારે કાંઈક મોટું કરવું છે... કોઈ ઉપાય?
- ભગવાં વસ્ત્રો અને માથે જટા ધારણ કરીને અગમનિગમના માર્ગે હાલી નીકળો.
(પાર્થ શાહ, અમદાવાદ)

* શાહરૂખ અને સલમાન વિશે શું કહો છો?
- બસ... બન્ને થોડી મેહનત કરશે તો અક્ષય કુમાર અને રણબીર કપૂરના ઊંચા લૅવલ સુધી પહોંચી શકશે.
(આફ્રિદી બનવા, માંગરોળ)

* સવાલ સાથે મંગાવેલા અમારા મોબાઈલ નંબર અને સરનામાનું પછી તમે શું કરો છો?
- વઘાર.
(ટ્વિન્કલ દરજી, કમાણા-વિસનગર)

* આજકાલ ધાંધલ અને ધમાલ શું કરે છે?
- એ બન્નેએ પણ સરકારી-ક્વૉટા મુજબની ધમાલ-મસ્તી કરી લીધી છે.
(મનોજ પંચાલ, મુંબઈ)

* તમને જીન મળી જાય તો શું માંગો?
- મારા છોકરાઓ મને જીન માની બેઠા છે.
(ધર્મેશ પ્રજાપતિ, નડિયાદ)

* ઊંટ અને જીરાફની લંબાઈમાં કેટલો ફરક?
- બે ઈંચનો.
(મહેન્દ્ર પ્રવિણ વડેરા, મુંબઈ)

* મને હમણાંથી, હું મહાન વ્યક્તિ હોઉં, એવું લાગે રાખે છે, શું કરવું?
- મને, હું સ્ટુપિડ હોઉં, એવું લાગે છે... બોલો, હું શું કરૂં?
(વીરેન્દ્ર જાની, જામનગર)

* તમને સવાલ પૂછવા હવે અમારે ગુજરાતી ટાઈપિંગ શીખવાનું?
- યૂ મીન... તમને ઇંગ્લિશ આવડે છે...! મારા કરતાં તો ઘણા આગળ છો...
(અમિતા ભાવેન પટેલ, અમદાવાદ)

* મારે છૂટાછેડા લેવા છે. કોઈ આદર્શ રસ્તો બતાવશો?
- પહેલાં લગ્ન તો કરો...
(રાજુ રાદડીયા, સુરત)

* તમારી જીવવાની ઈચ્છા ક્યાં સુધી?
- બસ... મરૂ ત્યાં સુધી.
(ચિરાગ ભોઈ, લાલપુરા-ઉમરેઠ)

* તમે ગઝલ લખવાનું ક્યારે શરૂ કરશો?
- સમજ પડવા માંડે ત્યારથી.
(શ્વેતા જોષી, વડોદરા)

કાશ... કોઈ ઘરાક આવે...!

$
0
0
શૉપિંગ મોલ્સમાં શૉપ લઈને બેઠેલા વેપારીઓની ઊંઘ હરામ થઈ ગઈ છે. ઘરાકી સમજો ને, સાવ બંધ જ થઈ ગઈ છે. એમાં ય આવા ઉનાળામાં ગુજરાતીઓ ઘેર એસી ચાલુ કરવું ન પડે, એટલે ત્રણ-ચાર કલાક મૉલમાં આંટા મારી આવે છે. આખો મૉલ ફરવો ને એક ઘંટડી ય ખરીદવી નહિ, એને'વિન્ડો-શોપિંગ'કહે છે. મહાત્મા ગાંધીએ કહ્યું હતું, 'કસ્ટમર ઈઝ ઑલવેયઝ રાઈટ'એટલે કે ગ્રાહક જ હંમેશા સાચો હોય છે, એમ સમજીને વેપારીઓને ધંધો કરવાની શીખામણ આપી હતી. પણ બાપુને તો બોલવું છે. છેવટે એકાદો ઘરાક આવે તો એને સાચો માનીને ખિસ્સું ખાલી કરાવીએ, પણ આવવો તો જોઈએ ને? બિલ પુરું ચૂકવી જાય, પછી ઘરાક ભલે ને તદ્દન ખોટો હોય! અહીં તો મહિનાઓ થઈ ગયા, એક ગ્રાહક દેખાયે!

આમાં ઘરાક દેખાણો કે, 'બોલ મારી અમ્બે'કે 'જય જીનેન્દ્ર'ના ગગનભેદી નારાઓ સાથે દુકાનનો સ્ટાફ એની ઉપર તૂટી પડી શકતો નથી કે, ''હવે તું દુકાનની બહાર જઈને તો બતાય... કંઈક તો વકરો કરાવવો જ પડશે.''અને ના માને તો શૉપની અંદર ગોડાઉનમાં લઈ જઈને ઘરાકને ઢીબી નાંખી શકાતો નથી. અરે, આવા એક ઘરાકે કાંઈ પણ લેવાની ના પાડી ને એને બાથરૂમમાં નાંખીને સ્ટાફે ઝૂડી કાઢ્યા પછી ખબર પડી કે, એ તો બિચારો ગૌશાળાનો ફાળો માંગવા આવ્યો હતો. આગળ જઈને સાલો કોઈ બબાલ ન કરે, એમાં ઉપરથી બે હજાર એને ને બે હજાર પોલીસને આપવા પડયા હતા. દુકાનની ચાર-પાંચ ચીજો તુટી એ જુદું. વકરો કરવા જતા નુકસાન વધારે થયું.

ગમે તેમ કહો, પણ ઘરાકો આવતા નથી. શૉપિંગ મોલ્સના તમામ દુકાનદારો સદીઓથી પ્રભુ શ્રીરામની રાહ જોઈને બેઠેલી શબરી એટલે કે શબરા જેવા થઈ ગયા છે. શબરી ય રોજ પોતાનું ઝૂપડું સાફ કરતી હતી. સજાવતી હતી. મંગળ ગીતો ગાતી હતી. આપણા સ્ટાફ લોકોમાંથી કોઈને ગીતો-બીતો આવડે નહિ, એટલે સ્ટાફને તો એમના ઘરે જઈને ગાવાની ય મનાઈ હતી. એ લોકોની આજુબાજુમાં રહેતા કોઈ સંભવિત ગ્રાહક આવતો હોય તો આપણી દુકાને આવવાનું માંડી વાળે પછી તો દુકાનમાં નવરા બેઠા બેઠા માલિકો ભગવતભક્તિ ઉપર જ ચઢી જાય ને? રોજ સવારે એક આંટો આવતા ઝાડુવાળાને ય કહે, ''કોઈ ભજન-બજન સંભળાય...!''પેલો એ જ ઘડીની રાહ જોતો હોય ને માલિકનો હુકમ થયો કે તરત જ, 'રામાપીરનો હેલો'ભોંય પર બેસીને સંભળાવે, એમાં આવનારો ગ્રાહક એટલું જ સમજે કે, 'આ લોકોની દુકાનમાં કોઈ મરી ગયું લાગે છે...'એ બીજી દુકાને જતો રહે. બે-ચાર વાર ઘરાકને આવા હેલા સાંભળવા મળે, એમાં તો ઘરાક ગભરાઈ જાય કે, આમની શૉપ પર તો રોજ કોઈ મરતું લાગે છે...!

ભાવ પૂછીને જતા રહેતા ગ્રાહકોને તો ભગવાને ય માફ નહિ કરે. દેખાવ ઉપરથી તો લાગે, સાલા દસ-પંદર હજારનો વકરો કરાવશે. પણ રીક્વેસ્ટ કરીને કૂલરનું ઠંડું પાણી પીને જતા રહે. આમાં તો કૂલરો જ કઢાવી નાંખવા જોઈએ. હોય પાછા સારા ઘરના ને આપણને ધીરજ પણ બંધાય કે, ૨૦-૨૫ હજારની ખરીદી તો આ લોકોનો રસોઈયો ય કરતો હસે. એક એક ચીજ અડીને જુએ. વાઇફને બતાવે ને પછી બન્ને મોંઢા મચકોડે. ગલ્લે બેઠા બેઠા આપણને પહેલો વિચાર એ આવે કે, આ લોકો હૅર કટિંગ સુલનમાં ય આવા જ આંટા મારીને પાછા આવતા રહેતા હશે? આપણે એકલા શૉ-રૂમ પાછળ જ ૩૦-૪૦ લાખ ખર્ચીને મોંઘા ભાવની મિલોના શર્ટ-પૅન્ટ કે બ્લૅઝરના કાપડો રાખતા હોઈએ, ને આવડીનો આ, શૉપમાં કલાક આંટો મારી લીધા પછી છેલ્લે પૂછશે, ''...માદરપાટનું કાપડ રાખતા નથી?''

તારી ભલી થાય ચમના... છેલ્લે છેલ્લે તને બાંધીને લઈ જવાનો હોય તો માદરપાટે ય રાખીશું... અમારે ત્યાંથી ગ્રાહક પાછો ન જવો જોઈએ.

ધંધો હોય નહિ, એટલે અધમૂવા થઈ ગયા હોઈએ ને ફૅમિલી સાથે ક્લબ-બબમાં જઈએ, તો સાલા જે મળે એ એક જ વાત કરે, ''...તમારે તો જલસા છે બાપુ જલસા...! આવા ચિક્કાર શૉપિંગ-મૉલમાં શૉપ લઈને બેઠા છો... ધીરીયો કહેતો'તો કે, સેવંતીલાલ મહિને દહાડે ચાર-પાંચ ખોખા કમાય છે..! અમારી તો નાનકડી દુકાનમાં તમારા જેટલો ધંધો હોય કાંઈ...? રોજના ૪૦-૫૦ હજાર તો માંડ કમાઈએ... બાકી તમારે જલસા છે!''

રોજના ૪૦-૫૦ હજાર એને 'માંડ'લાગે છે, બોલો! એ ય પાછો આમ તો અમારાવાળો ને? કમાતો હશે રોજના બે-ચાર લાખ, પણ બહાર કહેવાના ૪૦-૫૦ હજાર...! કેમ જાણે આપણે શૂટ-પૅન્ટનો ધંધો છોડીને ખારી સિંગની લારી ેફેરવતા હોઈએ!

પ્રોબ્લેમ એ છે કે, એસી આખો દહાડો ચાલુ રાખવું પડે છે. આ ધંધામાં કયા મોટા લાટા લૂંટવાના હશે, એમ જાણીને આટલા મોટા શૉપિંગ મૉલમાં છોકરાએ આ શૉપ એસીવાળી લીધી. ઝગારા મારતી લાઈટો, વૉટર-કુલર, સ્ટાફનો પગાર... એ તો એની વાઈફને લઇને અમેરિકા ભેગો થઈ ગયો... હવે એસીના બિલો એનો બાપ ભરે! સાલા, આ દુનિયામાં તો છોકરા ય પેદા કરવા જેવા નથી. સુઉં કિયો છો? (આમાં તમે કાંય નો કે'તા..!)

ઘરાક ન આવતું હોય, એટલે ટાઈમો ય કેવી રીતે કાઢવા? દુકાને બેઠો બેઠો એકલો માણસ કરે શું? દુકાનમાં રાખેલા માણસને મફતનો પગાર આપીએ છીએ. માણસ બધી રીતે સારો પણ એ તો દુકાનનો નોકર. નવરા પડે એની સાથે 'વૉટ્સએપ'ના મેસેજો શેર થોડા કરાય છે? એમાં તો પાછા વૅજને બદલે નોન-વેજ જોક્સ બહુ આવે... આપણે એકલા એકલા હસી લેવું પડે! આ તો એક વાત થાય છે. એક બાજુ વગર ઘરાકીએ આપણા જીવો બળતા હોય, એમાં મઝા પડી જાય, એવા નૉન-વેજ જોકો ઉપર હસવું ય ક્યાંથી આવે...?

તો ય હસી લઈએ, મારા ભ'ઈ.. નહિ તો પેલા લોકો બીજા જૉક્સો ન મોકલાવે!

એમ તો બે મહિના પહેલા ઘરાકોને આકર્ષવા આપણે સ્કીમો ય કાઢી હતી. શૉપની બહાર બોર્ડ પણ મૂક્યું હતું કે, ''હમારે ત્યાંથી શર્ટ-પૅન્ટનું કાપડ લેનારને એક ટુવાલ ફ્રી.''

સાલા ટુવાલો બધા વેચાઈ ગયા... શર્ટ-પૅન્ટો ગોડાઉનમાં એમને એમ પડયા છે. લુચ્ચાઓ શર્ટ-પેન્ટને બદલે સીધો ટુવાલનો ભાવ જ પૂછતા ને આપણને એમ કે, ઘરાક આયું છે તો પાછું જવું ન જોઈએ.

કહે છે કે, શૉપિંગ-મૉલોમાં શૉપો લેનાર અમારા જેવા અત્યારે તો બધા ભરાઈ ગયા છે. અમારા કરતા ઑમલેટની લારીઓવાળા વધારે કમાય છે, પાપીઓ! અરે, બહારની ક્યાં માંડો છો? અમારી સામેનો હૅર કટિંગનો સલૂનવાળો રોજના દસ હજાર પાડે છે. ઘરાકના ગાલ ઉપર થપાથપ-થપાથપ હાથ પછાડીને ગાલ છોલી નાંખવામાં આટલી કમાણી?

યસ. નાના દીકરાએ મસ્ત ઉપાય બતાવ્યો છે કમાણી કરવાનો ને એમાં જ હવે તો ઝંપલાવવું છે. કહે છે કે, ''બાપા, આ બધા તાકા-ફાકા છોડો ને આ જ શૉપિંગ મૉલમાં એક મલ્ટિપ્લેક્સ થીયેટર શરૂ કરી દો... આપણે તો એમાં ખાલી સ્નૅક્સ-બાર જ ખોલવાનો. તઇણ રૂપિયાની પૉપ-કોર્નના બસો રૂપિયા લોકો ફાકડા ભરતા ભરતા આલે છે. કૉમ્બોને નામે સાથે એકાદી પૅપ્સી પીવડાઈ દો, સમોસા તો બબ્બે અઠવાડીયા સુધી હવાય નહિ... બાપને પૈસે લહેર કરતા આજકાલના 'વોટ્સઅપીયાઓ'ને પડી જ નથી. તમે બસ્સો પડાવો છો કે તઇણસો! સરકારે ફિલ્મો બનાવનારાઓને ટિકીટો ઑફિશીયલ બ્લેક કરવાની પરમીટ આલી દીધી છે... રોજના પચ્ચા હજાર એમાં મળશે.'

બસ. 'વેચવાની છે, શહેરના ભરચક શૉપિંગ મૉલની ધમધોકાર ચાલતી કાપડની દુકાન.'

સિક્સર
થૅન્ક ગૉડ, પાકિસ્તાનીઓ જેટલા ભારતના ક્રિકેટ રસિકો બેવકૂફ કે બેકદર નથી. વર્લ્ડ-કપની સેમીફાઈનલમાં ઈન્ડિયા હાર્યું તો ક્રિકેટના કોઈ જાણકારે દર વખતની જેમ આ વખતે બૂમો નથી પાડી, ''ધોનીને કાઢો...!''

'બસંત' ('૬૦)

$
0
0
- ઓપી નૈયરને અન્યાય થયેલા ગીતોની ફિલ્મ
- શમ્મી કપૂર અને નૂતનની જોડી હોઇ શકે...?

ફિલ્મ : 'બસંત' ('૬૦)
નિર્માતા-નિર્દેષક : વિભૂતિ મીત્રા
સંગીત : ઓ.પી. નૈયર
ગીતકાર : કમર જલાલાબાદી
રનિંગ ટાઇમ : ૧૭-રીલ્સ
થીયેટર : અમદાવાદ
કલાકારો : શમ્મી કપૂર, નૂતન, પ્રાણ, જ્હૉની વૉકર, કમ્મો, કક્કુ, મીનુ મુમતાઝ, મુરાદ, વિઠ્ઠલદાસ પાંચોટીયા.




ગીતો
૧. ઓ મૅડમ નૅન્સી, યૂ આર માય ફૅન્સી..... - આશા-રફી
૨. પીછે હટ, બાબુ છેડ ના મુઝે, મીઠી મીઠી અખિયૉં... - આશા ભોંસલે
૩. દુનિયા પક્કી ફૉર-ટ્વૅન્ટી, માર માર કે ચપ્પલ..... - આશા-રફી
૪. મેરે લહેંગે મેં ઘુંઘરૂં લગા દે, તો ફિર મેરી ચાલ દેખ લે... - આશા-રફી
૫. નયનો મેં સૂરજ કી કિરનેં, ચંદા જૈસા રૂપ હૈ... - આશા-રફી
૬. ચોરી ચોરી એક ઇશારા હો ગયા હૈ, દિલ હમારા.... - આશા-રફી
૭. હમને ઉનકે સામને દિલ રખ દિયા સર રખ.... - આશા-રફી-બાતિશ
૮. મેં છોટી સી છૈલછબિલી, બાલમ લમ્બા લમ્બા.... - આશા-રફી
૯. ઇધર મેં ખૂબસુરત હૂં, ઉધર તું ખૂબસુરત હૈ... - આશા-રફી
૧૦. મેરે દિલ પે લગા દે ડાર્લિંગ, અપને નામ કી ચીટ... - આશા-રફી
૧૧. ઘુમ કે આયા હું મૈં બંધુ, રૂસ, ચીન, ઇંગ્લૅન્ડ.... - આશા-રફી
૧૨. રાત ચાંદની સમય સુહાના....આજ મેરે સૈંયા કી... - આશા-કોરસ
૧૩. રાસ્તે મેં એક હંસિ, અજી મિલ ગયા હમ કો કહીં... - આશા-રફી
૧૪. જી ચાહતા હૈ, જી ચાહતા હૈ... - આશા-રફી

શમ્મી કપૂર અને નૂતનની ફિલ્મી પર્સનાલિટીઝથી તમે વાકેફ હો, તો આંચકો-બાચકો નહિ, પણ નવાઇ ચોક્કસ લાગે કે, ક્યાં પેલો ફલૅમબૉયન્ટ અને તોફાની શમ્મી કપૂર ને ક્યાં આ સૌમ્યતાની મૂર્તિ નૂતન ! એ બન્નેને હીરો-હીરોઇન તરીકે તો બાજાુપર રાખો, ભાઈ-બેનના રોલમાં ય ન મૂકાય, ત્યાં રૉમૅન્ટિક હીરો-હીરોઇનના રોલમાં એક ફિલ્મમાં જોવા....જરી આશ્ચર્યભર્યું લાગે ! એમ તો, એ બન્ને છેલ્લે છેલ્લે ફિલ્મ 'લાટ સાહબ'માં પણ આવ્યા હતા. એ સિવાય તો મારા ખ્યાલથી બીજી કોઇ ફિલ્મમાં બન્ને સાથે નથી આવ્યા.

જે લોકોએ, એટલે કે આ ફિલ્મ ઉતારનાર પ્રોડયુસરો મિત્રા પ્રૉડકશન્સે અગાઉ અને પછી જે ફિલ્મો બનાવી હતી, એ ફિલ્મોના નામ વાંચો, એટલે અત્યારથી જ ખબર પડી જાય કે, શમ્મી કપૂર અને નૂતન હોવા છતાં આ ફિલ્મ ભંગારના પેટની કેમ હશે ! 'મિત્રા'વાળાઓએ અગાઉ તમામ હિટ ગીતોવાળી મધુબાલા-ભારત ભૂષણવાળી ફિલ્મ 'ફાગુન'બનાવી હતી. આ ફિલ્મમાં રેલ્વે સ્ટેશન પર 'ફાગુન'નું પોસ્ટર પણ દર્શાવાયું છે. એ પછી આ 'બસંત,'એ પછી જૉય મુકર્જી-રાજશ્રીની 'જી ચાહતા હૈ' (મૂકેશનું 'હમ છોડ ચલે હૈં મેહફીલ કો, યાદ આયે કભી તો મત રોના') અને છેલ્લે મોટો ધબડકો, 'મહુવા'. છેલ્લે છેલ્લે કાદર ખાનની કૉમિક વાઈફ તરીકે આવતી અંજના મુમતાઝ આ ફિલ્મની હીરોઇન અને હીરો હતો શિવકુમાર. મુહમ્મદ રફીનું પેલું ગીત સ્ટેજ પર બહુ વાગ વાગ કરે છે, 'દોનોં'ને કિયા થા પ્યાર મગર, મુઝે યાદ રહા, તું ભૂલ ચલી, મેરી મહુવા...'

આશા ભોંસલેનો પણ આ ફિલ્મે એક નૅશનલ રૅકૉર્ડ કર્યો, પૂરી ફિલ્મના તમામ ગીતોમાં એક જ ગાયકનો કંઠ હોય, એવુ

તો લતા મંગેશકર જ નહિ, શમશાદ બેગમ, સુરૈયા કે ઇવન સુમન કલ્યાણપુર સાથે ય બન્યું છે, પણ એક જ ફિલ્મમાં '૧૪'ગીતો હોય ને બધામાં આશા હોય, એમાં રૅકૉર્ડ જેવું કંઇક થઇ ગયું ખરું. તદઉપરાંત, ૧૪માંથી ૧૨ યુગલ ગીતો આશા ભોંસલે અને મુહમ્મદ રફીના હોય, એવું ય અગાઉ ક્યારે બન્યું નથી. આપણે વાતવાતમાં આશા ભોંસલે ન હોત તો ઓપી નૈયરનું કોણ હોત ? એ સંગીતકાર જ બની શક્યા હોત કે કેમ, એ મોટો સવાલ પૂછાય છે કારણ કે, લતા મંગેશકર તો ઓપીમાં ગાતી નહોતી... કે વાઇસે-વર્સા ! એમાં ય, આ ફિલ્મના ગીતોમાં ઓપીએ આશાને એના પ્રકૃતિદત્ત સ્વભાવ મુજબ બેશુમાર તોફાને ચઢવા દીધી છે. ગાતાગાતા અવાજ મરડીને આશાએ સ્કૂલ-ગર્લ જેવા લહેકા અને ચાળા પાડવા છતાં ગીતોની મધુરતા અને સૂર બરકરાર રાખ્યા છે. રફી પણ અન્ય એકે ય સંગીતકારમાં તમને આટલા તોફાની કદી જોવા... આઇ મીન, સાંભળવા નહિ મળ્યા હોય ! એક વણલખ્યો નિયમ બની ગયો હતો ફિલ્મ સંગીતમાં કે, મન્ના ડે, મેહમુદ માટે ગાય ને જ્હોનીના મોટા ભાગના ગીતો રફી જ ગાય. આશા અને ઓપી સંગીતની ભાષામાં કહીએ તો સૂર અને સાઝ હતા અને કોઇ સાધુસંતની ભાષામાં કહીએ તો શરીર બે પણ આત્મા એક હતા.

એ બન્ને વચ્ચે અંગત ઝગડા શું હતા ને બન્ને એક તબક્કે પતિ-પત્ની જેવું જીવન જીવતા હોવા છતાં, જ્યારે છુટા પડયા ત્યારથી આજ સુધી આશા ભોંસલેએ ભલે ઓપીને માત્ર ભાંડી જ હોય, પણ જીવે ત્યાં સુધી આશાએ ઓપીનો ઉપકાર એ વાતે તો માનવો જ રહ્યો કે, આશાને હીરોઇનો માટેનું પ્લે-બેક કેવળ ઓપીએ અપાવ્યું અને અપાવ્યું પણ કેવું ? પછી તો ઓપી સિવાયના સંગીતકારો ય આશાને લીડ-હીરોઇનો માટે પ્લે-બેક આપવા માંડયા. બીજી એક નાનકડી વાતે ય ધ્યાન ન રાખો તો બાજુમાં ખસી જાય એવી છે કે, ક્લબ-સૉગ્સમાં એક માત્ર એક માત્ર ને એક માત્ર ગીતા દત્તની મૉનોપોલી ચાલી આવતી હતી. લતાને ક્લબ સોંગ્સમાં પડવું નહોતું, પણ ઓપીએ ગીતા પાસેથી ક્લબો છિનવી લીધી ને આશાને સુપ્રિમો બનાવી દીધી... એ જાણવા છતાં કે, ઓપી નૈયરને ફિલ્મોમાં લાવનાર જ ગીતા દત્ત હતી ! એક તબક્કે તો ઓપીની પહેલી ફિલ્મ 'આસમાન'નું સંગીત તદ્દન ફ્લોપ ગયું, ત્યારે બોડીયા-બિસ્તરાં લઇન પંજાબ જતી ટ્રેનમાં બેસી ગયેલા ઓપીને સ્ટેશનેથી પાછા લાવનાર ગીતા દત્ત હતી અને પોતાની પતિની ફિલ્મ 'બાઝ'માં સંગીત અપાવ્યું.

પણ ઓપી નૈયરને આવા મસ્તમધુરા ગીતો આ ફિલ્મમાં આપવા છતાં... વાત આઘાત લાગે એવી છે કે, મારા- તમારા સુધી આ ગીતો કદી પહોંચ્યા જ નહિ. ઓપીને હટાવવા એ વખતના મોટા ભાગના સંગીતકારો (અને એક ગાયિકા) ખાનગીમાં એક થયા હતા અને ઓપીના ગીતો બિનાકા ગીતમાલા કે રેડિયો સિલોન પર ન આવે, એને માટે જ્યાં પૈસા ખર્ચવા પડે (જેને જેને આપવા પડે) તે વહિવટ કરીને રાજ કપૂર-મધુબાલાની ફિલ્મ હોવા છતાં ફિલ્મ 'દો ઉત્સાદ'ના ગીતો ય આપણા સુધી પહોંચ્યા નહિ. દેવ આનંદ-મધુબાલા જેવા મોટા સ્ટાર્સ હોવા છતાં ફિલ્મ 'જાલી નોટા'ના ખૂબસૂરત ગીતો મારા-તમારા સુધી પહોંચવા જ ન દીધા. ઓપીનો રથ પૂરઝડપે આ બધાને રોંદી રહ્યો હતો. અલબત્ત, તમે સાચ્ચે જ મુહમ્મદ રફીના (ઓપી અને આશાના પણ) ચાહક હો, તો ગમે ત્યાંથી આ ફિલ્મ 'બંસત'ના તમામ ૧૪ ગીતોની સીડી બનાવી લેવી જોઇએ. તમામ ગીતો ઓપી- સ્ટાઇલ એટલે કે, 'કાશ્મિર કી કલી'કે 'એક મુસાફિર એક હસિના'બ્રાન્ડની તરવરાટવાળા છે. અફસોસ પણ થશે કે, આટલા સુંદર ગીતો ને એમાં ય આપણે રફીના ચાહક, છતાં ફિલ્મ 'બસંત'ના ગીતો કેમ સાંભળ્યા નહિ ? મસ્તીની વાત એ છે કે, 'બસંત'ના તમામ ગીતો આશા-રફીની તોફાની સ્ફૂર્તિથી ગવાયેલા છે. ઓપીના ય મોટા ભાગના ગીતો યાદ કરો તો એમાં સ્ફૂર્તિ પહેલી આવશે. ગીતના મુખડા કે અંતરામાં ગાયક એકાદ જગ્યાએ ઝટકો મારે, એ સ્ટાઇલ એક માત્ર ઓપીની હતી. રિધમ-સૅક્શનમાં (ઢોલક-તબલાંનો તાલ વિભાગ) એક માત્ર ઓપીએ તાળીઓને અનેક ગીતોમાં રિધમ બનાવી. ઘોડાગાડીના ડાબલાંના ઠેકા ઉપર ઓપી નૈયરે ૪૨ ગીતો બનાવ્યા છે. મતલબ સમજ્યા ? આ ઠેકા બદલ્યા વિના 'જરા હૌલે હૌલ ચલ્લો મોરે સાજના...'કે 'યૂં તો હમને લાખ હંસિ દેખેં હે, તુમ સા નહિ દેખા'જેવા ૪૨ ગીતો ઘોડાગાડીના એકના એક ઠેકા સાથે- લય બદલાવ્યા વિના ગાઇ-વગાડી શકો.

નૂતન અને શમ્મી કપૂરના કજોડાની વાત તો આપણે કરી, પણ એ તો આપણે એવું કાંઇ જોયું નહોતું, એટલે માન્યું. વાસ્તવમાં, અભિનયને લાગેવળગે છે ત્યાં સુધી નૂતનથી બેહતરીન અદાકારા આપણી ફિલ્મોમાં કેટલી આવી, એ કેવળ તમે જાણો છો. તમારી પાસે ય એક-બે નામો પડયા હશે, નૂતનને આ ક્રમમાં પાછળ ધકેલવા માટે પણ એટલું તો તમે ય કબૂલ કરશો કે, નૂતને જે કોઇ ફિલ્મમાં કામ કર્યું છે, એમાં તમે એની અભિનયક્ષમતા માટે નાનકડો વાંધો ય કાઢી ન શકો. કબૂલ કે, મધુબાલા કે મીનાકુમારી જેવું મારકણું રૂપ એની પાસે નહોતું, પણ એ ય ઓછી સુંદર નહોતી. કિશોર કુમાર સાથેની ફિલ્મ 'દિલ્લી કા ઠગ'માં આવી પૂજનીય અભિનત્રીએ વન-પીસ સ્વિમિંગ- કૉસ્ટયુમ પહેર્યો હતો એ જમાનામાં ત્યારે હો-હા બહુ થયેલી. આ ફિલ્મ 'બસંત'માં એણે એવું કાંઇ પહેર્યું તો નથી, પણ ફિલ્મના રોલ મુજબ એને મૉડર્ન ગર્લ બતાવવાની હતી, એટલે પેલા 'દિલ્લી કા ઠગ'વાળા ફોટા અહીં ખપ પડે વાપરવામાં આવ્યા છે. પણ, આવા તોફાની ઍક્ટર સામે તોફાની રોલમાં (અને તે પણ પાછી ફિલ્મ ફાલતુ...!!!!) નૂતને ઘણું ઊંચા ગજાંનું કામ કર્યું છે. પરફૅક્ટ હાવભાવની એ મહારાણી હતી, તો આ બાજુ શમ્મી કપૂર પણ એને પ્રારંભમાં મળેલી ફિલ્મોને કારણે 'અન્ડરરૅટેડ'રહ્યો, એટલે કે એક અદાકાર તરીકે એનું મૂલ્યાંકન ઇન્ડિયાના ઍલ્વિસ પ્રેસલી જેવું ડાન્સિંગ-હીરોનું રહ્યું, જે સદંતર ખોટું હતું. ગમે તેમ તો ય, એ પૃથ્વીરાજ કપૂરનો દીકરો અને રાજ કપૂરનો ભાઈ હતો...સીધેસીધો હીરો નહોતો બન્યો, 'પૃથ્વી થીયૅટસર્સ'ના 'દિવાર'ને 'પઠાણ'જેવા અનેક નાટકોમાં કામ કરીને આવ્યો હતો. ઍક્ટર તરીકે એ કેટલો ગ્રેટ હતો, એ જોવું હોય તો ફક્ત 'બ્રહ્મચારી'જ નહિ, 'ઉજાલા'અને 'અંદાઝ'જેવી પણ એની ફિલ્મો જુઓ. ફિલ્મ પ્રોફેસર અને 'જંગલી'પણ અભિનયક્ષમતાની દ્રષ્ટિએ કોઈ સામાન્ય ફિલ્મો નહોતી. કમનસીબે, ભારતના ફિલ્મચાહકોને 'ઍક્ટિંગ'વિશે બે વાક્યો બોલવાના આવે, એટલે ત્રણ જ નામો બોલતા આવડે. હું તો અંગત રીતે, શશી કપૂરને ય ઊંચા દરજ્જાનો ઍક્ટર માનું છું...જો તમે એની ફિલ્મ 'કલયુગ'જોઇ હોય તો !

બધા હવે તો કબુલ કરે છે કે, પ્રાણ સાહેબથી વધુ અસરકારક વિલન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બીજો કોઇ થયો નથી. માથે ખોટા વાળની વિગ પહેરતા તો એ બહુ પાછલી ફિલ્મોમાં થયા, નહિ તો થોડા પણ અસલી વાળમાં ય એ બહુ ખુબસુરત લાગતા હતા. શરીરને પરફૅક્ટ મૅચ થાય એવા કપડાં પ્રાણ જેટલા તો બહુ ઓછા હીરોને સૂટ થતા હતા. અદાકાર તો બેનમૂન પણ અંગત જીવનમાં ય પ્રાણ સાહેબ જેવા સજ્જનો આ ફિલ્મનગરીએ બહુ ઓછા જોયા છે.

પણ જ્હૉની વૉકર (મૂળ નામ, 'બદરૂદ્દીન જમાલુદ્દીન કાઝી')ને એક સુપર્બ કૉમેડિયન તો માનવો પડશે. ઇન્દોરમાં જન્મેલા જ્હૉની વૉકર બીજા ૯-ભાઈ-બેન હતા...(''જીયો મેરે લાલ...'') પણ ગરીબનો દીકરો હોવાથી નાનપણથી જ એણે બસ-કન્ડક્ટર, આઇસ-કૅન્ડી કે ફ્રૂટની લારીઓ ફેરવી. કૉમેડીમાં મેહમુદનો તો કોઇ સાની નથી-જ્હૉની વૉકર પણ નહિ, તેમ છતાં ય, પબ્લિકને હસાવવા માટેની એની ટીપિકલ સ્ટાઇલ હતી, તે લાજવાબ હતી...ખાસ કરીને, ડાયલૉગ્સમાં વચ્ચે વચ્ચે બહુ અસરકારક રીતે ઇંગ્લિશ શબ્દો ગોઠવી દેવાની. જેમ કે, આ ફિલ્મ 'બસંત'ના એક દ્રષ્યમાં પબ્લિકને ઊલ્લુ બનાવવાના ધંધામાં એ પડયો છે. ફૂટપાથ પર પબ્લિક ભેગું કરીને સફેદ વાળ કાળા કરવાની એ દવા વેચે છે, જે લગાડતા જ, માથે હોય એ વાળે ય ઉતરી જાય. એક ગ્રાહકના વાળ ઉતરી જતા એ ખીજાયો ત્યારે જ્હૉની કહે છે, ''જબ તક યે સફેદ બાલ, યાને કી પુરાની ક્વૉલિટી કા માલ નીકલેગા નહિ, તબ તક નયા માલ આયેગા કૈસે ?''બહુ ઓછાને ખબર હશે કે, જ્હૉની વૉકર ફિલ્મ ઍક્ટ્રેસ શકીલાની બહેન નૂરને પરણ્યો હતો. ગુરૂદત્તની જ ફિલ્મ 'આરપાર'ના ગીતા-રફીના ગીત 'અરે ના ના ના ના મેરી તૌબા, તૌબા કાયકુ કરતા...'ગીત જ્હોનીએ એની પત્ની નૂર સાથે ફિલ્મમાં ગાયું હતું. નવાઇ લાગે પણ જીંદગીભર દારૂડીયાની ઍક્ટિંગ કરનાર જ્હૉનીએ જીંદગીમાં શરાબ ચાખ્યો પણ નહતો. જોવાની ખૂબી એ છે કે, મેહમુદને ફિલ્મોમાં લાવનાર જ્હૉની વૉકર, પણ બન્ને વચ્ચે કદી બન્યું નથી, છતાં ય મેહમુદની સગી બહેન મીનુ મુમતાઝ અને જ્હૉની વૉકરની જોડી અનેક ફિલ્મોમાં ચમકી હતી.

ફિલ્મના અન્ય કલાકારોમાં ફિલ્મ 'પાકીઝા'માં સાપવાળા દ્રષ્યનો વૉચમૅન જગદિશ કંવલ પુરાણો વિલન હતો. અત્યંત કદરૂપો ચહેરો હોવાને કારણે એને આવા રૉલ આસાનીથી મળી રહેતા. આવો જ બીજો ચરીત્ર અભિનેતા ઉમા દત્ત હતો. યાદ હોય તો ખૂબ લાંબો-પહોલો, સફેદ વાળવાળો અને બૅઝ-વૉઇસને કારણે ઉમાદત્ત પોલીસ-ઈન્સ્પૅક્ટરના રોલ કે ગુંડામાં ઘણો ચાલ્યો. ફિલ્મ 'બસંત'ની શરૂઆતમાં જે કરોડપતિનો જગદિશ કંવલ રૂ. ૯-લાખનો હાર મારે છે અને એ બચાવનાર શમ્મી કપૂરને પોતાના બંગલે બોલાવીને રૂ. ૧,૦૦૦/-ના ઈનામની ઑફર કરે છે, તે ખૂબ પીઢ અભિનેતા ગુજરાતી વિઠ્ઠલદાસ પાંચોટીયાએ અનેક ફિલ્મોમાં કામ કર્યું હતું. એમની દીકરી શ્રદ્ધા પાંચોટીયાએ પણ થોડી ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું હતું. કમ્મો અને કક્કુ બન્ને ડાન્સરો હતી, પણ કક્કુ ફિગરની દ્રષ્ટિએ ખપાટીયું હતું, જ્યારે કમ્મો ભરાવદાર શરીરને કારણે ઘણી કામુક લાગી શકતી.

ફિલ્મની વાર્તામાં તો ફિલ્મ બનાવનારા કે એમાં કામ કરનારાઓ ય બહુ પડયા નથી, છતાં ય આટલી ઘટીયા ફિલ્મ શેની ઉપર હતી, એ બતાવવા એના અંશો જોઇ લઇએ, એટલે આપણે છુટા : નોકરીની તલાશમાં શમ્મી કપૂરને, ઘેરથી ભાગી છુટેલી કરોડપતિ બાપની મૉડર્ન દીકરી નૂતનનો ભેટો થાય છે, જે નાલાયક પ્રાણના પ્રેમમાં હોય છે. ભાગમભાગીમાં નૂતન પાછી પ્રાણને પડતો મૂકીને શમ્મી કપૂરને પ્રેમ કરવા લાગે છે. વચમાં ખિસ્સાકાતરૂ જ્હૉની વૉકર ફિલ્મની વાર્તાની કોઇ જરૂરત વગર આખી ફિલ્મમાં આવતો-જતો રહે છે. છેલ્લે વિલન અને હીરોની મારામારી અને હીરો-હીરોઇન ભેગા થઇને ફિલ્મ પૂરી કરે છે.

ઍનકાઉન્ટર : 05-04-2015

$
0
0
* તમારા જીવનનું કોઇ સાકાર ન થયેલું સપનું... ?
- છે...! બહુ વર્ષો પહેલાં કાળા મોંઢાનું એક વાંદરૂં મને પાછળ બચકું ભરી ગયું હતું...બસ, મારે બદલો લેવો છે !
(અમિતા ભાવેન પટેલ, અમદાવાદ)

* તમને કોઇ પ્રેતાત્માનો સાક્ષાત્કાર થાય તો શું કરો ?
- પછી મારે ક્યાં કાંઇ કરવાનું રહે છે...એ શું કરે છે, એ જોવાનું !
(શ્વેતા જોશી, વડોદરા)

* 'માવઠું'એટલે શું, તેનો તમે જવાબ આપ્યો હતો, 'પત્ની સાથે નીકળ્યા હો, ને સામેથી પ્રેમિકા આવતી હોય, તો એને 'માવઠું'કહેવાય, તો પછી 'કમૌસમી વરસાદ'કોને કહેવાય ?
- આપણે એકલા જતા હોઇએ ને સામેથી એ બંને સાથે આવતી હોય...
(બી.એસ. શાહ, અમદાવાદ)

* નાપાક પાકિસ્તાનને મોદી સાહેબ ક્યારે પતાવશે ?
- આ સંદર્ભમાં મને દલાઇ લામાનું વાક્ય બહુ ગમે છે, ‘If you are in a position to prevent violence, strike first and strike fast.’ (હિંસા રોકવી તમારા હાથમાં હોય, તો પહેલો ઘા તમે મારો અને ઝડપથી મારો.') બસ, મોદી આ વાક્ય વાંચે એટલી વાર છે.
(અશોક જમોડ, જૂનાગઢ)

* સાંભળ્યું છે કે, તમે બ્રાહ્મણોની 'ચોર્યાસી'જમાડવાના છો ?
- બૂરા મત સૂનો...
(ભરત અગ્રાવત, રાજકોટ)

* માતૃભાષાને ગળે ટૂંપો દઇને કોઇ મહાન બની શકે ખરૂં ?
- આજકાલની હિંદી ફિલ્મોની ભાષા જોઇ લો... લોકોને ક્યાં કશી પડી છે ?
(રેખા ગઢીયા, રાજકોટ)

* બેથી ભાર વધે કે વહેંચાઇ જાય ?
- તમે કોકના લગ્નમાં જઇ આવ્યા લાગો છો...
(વત્સલ ગઢીયા, રાજકોટ)

* હવે તો બાવાઓ ય ફિલ્મો બનાવીને હીરો બનવા લાગ્યા છે...
- ઘણા હીરો બાવા બની ગયા છે.
(કૈરવ જસાણી, ગોંડલ)

* ચામડાને અપવિત્ર ગણવામાં આવતું હોય તો મંદિરોમાં ઢોલકમાં વપરાતા ચામડાનો કેમ વિરોધ નહિ ?
- આપણા તમામ ધર્મોના મોટા ભાગના ગુરુઓએ ધર્મોને સગવડિયા બનાવીને સહુને રાહત આપી છે.
(મુગ્ધા ઉલ્લાસ વોરા, જૂનાગઢ)

* વિદેશો અને આપણા દેશ વચ્ચે શું ફરક છે ?
- આપણા દેશમાં ફૂટપાથ પર ગમે ત્યારે બેસી જવાય છે.
(વિપુલ કાપડીયા, વાલાવાવ-મહુવા)

* મોદી એમની મિનિસ્ટ્રીમાં તમને સ્થાન આપવા માંગે, તો કયું ખાતું સંભાળો ?
- વડા પ્રધાનનું.
(જુઝર અબ્બાસ પેઢીવાલા, મુંબઇ)

* ઈ-મૅઇલથી જ સવાલો પૂછવાનું ગોઠવીને તમે અગાઉનાં અનેક નામો ઉડાડી દીધા, જે કાયમ આ કૉલમમાં હતાં...!
- 'જા કો રાખે સાંઇયાં, માર સકે ના કોય..!'એ બધા કેવા નસીબદાર નીકળ્યા ?
(નયના ઠાકર, હાલોલ)

* મારે વાઈફને કઈ ગિફટ આપવી ?
- આવામાં તો જાતે જ નિર્ણય લેવો પડે!
(સૈયદ મુહમ્મદ સઇદ, અમદાવાદ)

* ગુરુ અને સદ્ગુરુ વચ્ચે શું તફાવત?
- એ તો જેને ગુરુઓ બનાવવાના ધખારા હોય, એને ખબર પડે !
(રજનીકાંત ત્રિવેદી, ભાવનગર)

* ફિલ્મ 'મેરે જીવનસાથી'ના કિશોર કુમારના ગીતમાં, 'માંગા હૈ તુઝે દુનિયા કે લિયે...'તો શું હીરો હીરોઇનને પોતાના માટે માંગે છે કે દુનિયા માટે ?
- ભ'ઇ, હીરોના લેણદારો બહુ લોહી પીતા હશે !
(મિલન કે. પરમાર, ગાંધીનગર)

* દેશમાં અબજોની સંખ્યામાં સવાલો છે ને તમે એક સપ્તાહમાં એક જ પૂછવાની છૂટ આપો છો...બધું ક્યારે પતશે ?
- અહીં મને ડૉ. મનમોહનસિંઘ ધારી લેવો.
(અમિત આર. પટેલ, વડોદરા)

* પહેલાં 'ઍનકાઉન્ટર'માસ માટે હતું.. હવે ક્લાસ માટેનું બનાવી દીધું.. સુઉં કિયો છો ?
- સાચી વાત. પહેલાં મને જવાબો આપવામાં ઘણી સમજ પડતી.. હવે ઓછી પડે છે !
(સુધીર ભટ્ટ, ભાવનગર)

* સવાલ પૂછવા વાચકોનાં નામ, સરનામાં અને મોબાઇલ નંબર પૂછવાનું શું કારણ? શું ઇરાદો છે ?
- ઈરાદો ખતરનાક છે.... જે લોકો પોતાની બાને પૂછયા વગર સવાલ પૂછે છે, એની અમને ખબર પડે !
(કામિની સંઘવી, સુરત)

* તમે ભૂલી ન શકો, એવો તમારા જીવનનો કોઈ અવિસ્મરણીય પ્રસંગ કયો ?
- હું જન્મ્યો ત્યારે બાજુના પલંગ પર જન્મેલી બાળકી મારી સામે સતત જોયે રાખતી હતી...બસ.. ઉસે ઢૂંઢતા રહા હૂં...!
(હેમિલ જાની, સુરત)

* નરેન્દ્ર મોદી માટે એક વાક્યમાં શું કહેશો ?
- એ ભારતના વડા પ્રધાન છે.
(સંયમ ભગત, અમદાવાદ)

* સ્વ. ઉપેન્દ્ર ત્રિવેદી માટે બે શબ્દો કહેશો ?
- એ મારા ઘેર આવ્યા ત્યારે છેલ્લી વાર 'આવજો'કીધું હતું.
(દીપક આશરા, ગાંધીનગર)

* હવે યુવરાજસિંઘનું શું થશે ?
- જે થવાનું હતું, એ થઇ ગયું છે.
(પલક પટેલ, વનોડા-ઠાસરા-ખેડા)

* 'વાઇબ્રન્ટ ગુજરાત'અંગે શું માનો છો ?
- હલતું ગુજરાત
(દેવર્ષિ પંચાલ, અમદાવાદ)

* તમે ભીખુદાન ગઢવીનું મૂલ્યાંકન કેવી રીતે કરશો ?
- કાશ.. હું અશોકદાન ગઢવી હોત !
(સચિન એ. દવે, ધ્રાંગધ્રા)

* હાથમાં પકડેલા મોબાઇલની રિંગ વાગતાં માણસના પગ કેમ ચાલવા માંડે છે ?
- મગજવાળું બધું લોહી પગમાં પહોંચી જાય છે.
(ડૉ. સુનિલ આઇ. ટેલર, વાપી)

* પાકિસ્તાની પૂર્વ ક્રિકેટર ઈમરાનખાનનો બીજા લગ્નનો મેળ પડી ગયો. તમારો શું પ્લાન છે ?
- એમ કાંઈ કોકના દુઃખે દુઃખી થોડું થવાય છે ?
(શીતલ સી. શાહ, વડોદરા)

* 'ઍલીયન' (પરગ્રહવાસી) હંમેશા પુરુષ કેમ હોય છે ?
- ગભરાઇ ગયેલા પુરુષો બીજે જાય ક્યાં?
(જીજ્ઞોશ ડોડીયા, ગાંધીનગર)

ફ્રીજમાં પાણીની બોટલ ભરીને નહિ મૂકવાની ?

$
0
0
ફ્રીઝ અને એસી એવી ચીજો છે કે, હવે એના વગર ના ચાલે. હજી ૧૫-૨૦ વર્ષ પહેલા ક્યાં વળી કોઈને ત્યાં આ બધું હતું ? ટાટા-બિરલા ય સૌથી મોંઘી ગાડીઓમાં ફરતા, પણ ગાડીમાં ઍર-કન્ડિશન્ડ ક્યાં હતું ? અર્થાત્, એમને એટલો જ તાપ લાગે, જેટલો આપણને લાગતો ! ત્યારે ઉનાળામાં ઠંડુ પાણીપીવા કાળી માટલી કે ઘરમાં ઠંડક કરવા ખસની ટટ્ટી લઇ આવતા. એના ઉપર આખો દહાડો પાણીના ફુવારા માટે રાખવાના અને એમાં ય મ્યુનિના પાણીની તંગી !

હવે પૈસો સમજો ને... બધાની પાસે આવી ગયો છે. બધા એટલે ઘણાની પાસે ! એક ઘરમાં બબ્બે ગાડીઓ તો પાણી-પુરીની લારીવાળાઓ ય ફેરવતા થઇ ગયા છે. રૂમે-રૂમે એસી... કોઈ બડી બાત નહિ ! ઘર, ગાડી કે ઓફિસ... બધે સેન્ટ્રલી એસી હોવાથી એક સ્કૂલના ટ્રસ્ટી બારે માસ જોધપુરી કોટ પહેરી રાખે છે... ઉનાળામાં પણ !

જાણભેદુઓ કહે છે કે ઉનાળા કરતા શિયાળો સારો...વરસાદે ય સારો કે ઠંડી કાતિલ પડતી હોય તો બે ધાબળા વધારે ઓઢી લેવાના કે વરસાદ ગમે તેટલો પડતો હોય, ઘરમાં તો તમે સૅઇફ ! પણ ઉનાળો જરાક અમથો ધગધગતો થયો તો ગરમીથી બચવા સાવ નાગાં તો ન ફરી શકાય ! સૂઉં કિયો છો ? બધાની ઑફિસો કે ઘરોમાં એસી નથી હોતા, ત્યારે હાથલારી લઇને જતા મારવાડી પતિ-પત્ની લાવા જેવી લૂ ઓકતી ડામરની સડકથી માંડ ૪-૫ ઈંચ ઊંચે કંતાનના કહેવાતા ઘોડીયામાં એમના છ મહિનાના બાળકને સુવડાવ્યું હોય, ત્યારે પરમેશ્વરનો આભાર માનવો પડે કે, આપણે 'આટલા'દુઃખી તો નથી !

અને આ બધામાં સૌથી મોટી રાહત આપે છે, 'ચીલ્ડ'ઠંડુ પાણી, ઑફિસે પહોંચી કે ઘેર... જતા વ્હેંત પાણી ઠંડુ જોઇએ ! ઘણા લેવાદેવા વગરની સલાહો આપવા માંડે છે, 'ઠંડુ પાણી તો પીવાય જ નહિ... ગળું ખરાબ થઇ જાય !'કેમ જાણે પાણી પી લીધા પછી એને સીધા મુહમ્મદ રફીના ગીતો ગાવા સ્ટેજ પર જવાનું હોય ! અરે બાપા, તું ના પીતો. પીવાથી અમારૂં ગળું ખોખરૂં થઇ જતું હોય તો ભલે થઇ જાય, પણ ફ્રીજના પાણી વગર નહિ ચાલે ! કેટલાક દોઢ ડાહ્યાઓ આપણી પાસે 'પો પાડવા જાય કે, 'મારે તો બારે માસ ઠંડા પાણીએ જ નહાવાનું... ગમ્મે તેટલો શિયાળો હોય ને ?'આજ સુધી બૉસ... હું ગરમ પાણીએ નથી નહાયો... !'

તારી ભલી થાય ચમના... તું નહાય છે, એ જ અમારા માટે મોટા સમાચાર છે. તારા કરમ ફૂટલાં છે કે, ભર શિયાળે તારે ઠંડે પાણીએ નહાઈ લેવું પડે છે. એવું જ બહુ લેંચુ મારતો હોય તો ઉનાળામાં તાવડા પર ધગધગતું ગરમ પાણી કરીને નહાઈ બતાય... પછી સોટા માર કે હું શિયાળામાં ઠંડે પાણીએ નહાઉં છું. (કેમ, કોઈ વાચક મને સપોર્ટ આપતું નથી ? મારી વાત ઢીલી પડી રહી છે !)

બસ, આવા જ ફાંકા ઉનાળામાં ફ્રીજનું પાણી 'નહિ પીનારાઓ'મારે છે ને ઉપરથી આપણને સલાહો આપે, 'હોજરી ખતમ થઇ જાય ઠંડુ પાણી પીવાથી !'કેમ જાણે આવા ચમનાઓ આઈસક્રીમો ય ગરમ તાવડી ઉપર ઉકાળી ઉકાળીને ખાતા હશે ! યસ. કેટલાક એવા ચોક્કસ જોયા છે કે, કાચના ગ્લાસમાં પાણી પીએ તો સંતોષ ન થાય... સ્ટીલના પ્યાલામાં પીએ તો જ ધરવ થાય.

પણ ઉનાળો હવે ધોધમાર બેસી ગયો છે, એટલે દરેક ઘરમાં દર ઉનાળે થતા ઝગડા હવે શરૂ થવાના... જો કે, આને ઝગડા તો ન કહેવાય, પણ કકળાટો શરૂ થઇ જવાના, ઠંડા ચીલ્ડ વૉટરની બૉટલો બધાને પીવી સારી લાગે છે, પણ ખાલી બૉટલ ભરીને પાછી મૂકવાનું કોઇને યાદ રહેતું નથી, એમાં હેએએએ... ય, ધમધમાધમ ધમધમાધમ !

કબૂલ કે કામચોર કોઈ હોતું નથી ને આમાં તે કયું મોટું કામ કરવાનું છે કે આને કામ કહેવાય ? પણ ઘરમાં આખો દિવસ અને રાત ફ્રીજમાં પાણીની બૉટલ તો ઠંડી જ મળવી જોઇએ ને લેવા જાઓ ત્યારે ખાલીખમ્મ પડી હોય, ત્યારે કેવું ચીડાઈ જવાય છે ? અને ઘરના બધા એક સરખા ચોર હોય છે, ઠંડુ પાણી પીવા બધાને જોઇએ, પણ ખાલી બોટલ ભરીને પાછી ફ્રીજમાં મૂકવામાં બધાને આળસ, બધા ભૂલી જાય અથવા દાનત નહિ. પણ ઘરના પપ્પા તો એમના બાપાનું રાજ હોય એમ બૉટલ ભરીને મૂકવાનું યાદ આવે તો ય ન ભરે ! 'આ કામ મારૂં છેએએએ...???'

અમેરિકામાં સામાન્ય ઘર હોય કે ધનવાનનું, બધાને ત્યાં કોઇ અપવાદ વગર રૅફ્રીજરેટરો સાત-આઠ ફૂટ ઊંચા અને ૩-૪ ફૂટ પહોળા હોય. આપણને તો એમ કે આ વધારાનો રૂમ હશે ને મહીં જવા જઇએ ત્યારે ખબર પડે કે, આ તો ફ્રીજ છે. ત્યાં આપણી માફક રોજેરોજના શાકભાજી કે દૂધ-ફૂધ લેવા જવાતું નથી. બધાએ અઠવાડીયાનું બધું ભરી રાખવું પડે છે. પણ આપણા દેશમાં રૅગ્યૂલર માપનું ફ્રીજ કાફી હોય છે ને તો ય, ઠંડા પાણીની બૉટલો ભરીને મૂકી મૂકીને કેટલી મૂકવી ? ઘરના જુવાન છોકરાઓ તો એક ઘૂંટડે આખી બૉટલ પી જાય, પણ ભરીને પાછી નહિ મૂકવાની ! એમાં ડોહા બરોબરના ગીન્નાય કે, એ પીવા જાય ત્યારે ફ્રીજમાં બૉટલ જ ન હોય ! જ્યુસ, સૉફ્ટ ડ્રિન્ક્સ કે મલાઈવાળી ઠંડી છાશના ય એ જ હાલ થાય.

ઘરઘરમાં આવું ન થાય, એને માટે એક ઉપાય મળી આવ્યો છે. ઘરમાં ફ્રીજ જ નહિ રાખવાનું !

શીટ... ! આ તે કોઈ ઉપાય છે ? જો આ ઉપાય પરવડતો ન હોય તો બીજું કામ થઇ શકે. બૉટલ ઉપર ઘરના મેમ્બર્સના નામના સ્ટીકર્સ લગાવી દેવાના ને જેણે ભર્યા વગરની બૉટલ મૂકી હોય, એની બૉટલ ગૂમ કરી દેવાની. અથવા, કૂંવર જ્યાં બેઠા હોય, ત્યાંથી ઊભા કરીને બૉટલ ભરવા મોકલવાના. ઘરમાં કોઈનું ઉપજતું ચાલતું હોય, એણે હિટલર થઇને નિર્ણયો લેવા પડે.

તો ય... ગમે તેમ તો ય ઘરો તો આપણા ગુજરાતી જ છે ને ? ઘરની સ્ત્રીઓ બૂમો પાડતી ય બૉટલો ભરે રાખે. આ પ્રથા તો રાધા-કૃષ્ણના વખતથી ચાલતી આવે છે. અહીં તો આર ઓ-પ્લાન્ટ કે માટલામાંથી જ ખાલી બૉટલ ભરીને ફ્રીજમાં મૂકવાની છે, ત્યારે એ જમાનામાં સ્ત્રીઓ ઘરથી એક-બે કી.મી. દૂર આવેલા કૂવે માથે બેડલાં મૂકીને પાણીડાં ભરવા જતી. ઘરમાં માથે બૉટલ મૂકીને જવું ન ફાવે-પ્રૅક્ટીસ નહિ ને ? બા કેટલા ખીજાય ?

આ વાતમાં 'પીનારાઓ'ફાવી ગયા છે. એમની સોડા હરદમ ઠંડી જ મળે, ઘરમાં બીજું તો કોઈ એને અડે નહિ ! એમને તો જોઇતો હોય એટલો બરફે ય મળી રહે. રાત્રે બેઠક ઘેર રાખવાની હોય તો ઘરની સ્ત્રીઓ ય એમને માટે અલગથી પાણીની ૩-૪ ઠંડી બૉટલો પહેલેથી જ ઠંડી કરી રાખે...

... સાલો, ભલાઈનો તો જમાનો જ રહ્યો નથી !

સિક્સર
- મોદી હવે મનમોહનના માર્ગે... ?
- એમનું ય બોલવાનું બંધ થઇ ગયું છે !

પ્રેમ પૂરો થઈ ગયા પછી શું કરવું ?

$
0
0
સન્ટુ સગપણમાં રામ જાણે... એના કોઈ વાંક વગર મારો કોઈ દૂરનો ભાણો થતો હતો, પણ એની મોટી હૉબી મન ફાવે ત્યારે ટેન્શનમાં આવવાની. ટેન્શનમાં આવ્યા પછી જ એની લોહીની ધમનીઓ ફાસ્ટ ફરવા માંડતી. ટેન્શનમાં આવવું એના માટે સર્કસના તંબુમાં આવવા જેટલું ઇઝી હતું, નસીબદાર ખરો કે, એના હન્ડ્રેડ પર સેન્ટ ટેન્શનો ફક્ત સ્ત્રીઓએ આપ્યા હોય. દુનિયાભરની સ્ત્રીઓ એક બાબતે પરફેક્ટ પ્રામાણિક હોય છે... ગિફ્ટો લેવાની ને ટેન્શનો આપવાની બાબતે ! ના- ના કરતી મોંઘી તો ઠીક ફાલતુ ગિફ્ટો ય ઓહીયાં કરી જાય ને બદલામાં જીવનભર પેલો હેડકીઓ ખાતો રહે, એવા ટેન્શનો આપતી રહે... મફતમાં કાંઈ ન લે... 'એક હાથ લે, દૂજે હાથ દે'. પ્રેમમાં પડેલી ૯૮ સ્ત્રીઓ નાલાયક હોય છે, તકવાદી હોય છે ને બીજો કોઈ સારો જોયો એટલે પહેલાને ઉડાડી મારે, એવી નફ્ફટ પણ હોય છે, એવું સન્ટુના મનમાં ફિક્સ તો થઈ ગયું હતું, પણ ગળે ઉતરતું નહોતું. ગાલ ઉપર ગુંદર લગાડીને ચાની કાળી ભૂકી ચોંટાડી દીધી હોય, એવી હવે તો દાઢીઓ રાખવા માંડયો હતો. નોર્મલી, પ્રેમની નિષ્ફળતાઓનો સીધો સંબંધ હેર-કટિંગ સલૂનો સાથે હોય છે. જેટલો લૉસ નિષ્ફળ પ્રેમીઓને જાય છે, એટલો જ સલૂનવાળાઓને થાય છે... આનો જ્યાં સુધી મેળ નહિ પડે ત્યાં સુધી આ લોકો દાઢીઓ વધારતા જાય, એમાં ઘરાકી તો વાળંદોની તૂટે ને ? ક્યારેય નહિ ને, હવે સન્ટુ ભિખારીઓને ભીખ પણ આપવા માંડયો હતો. મનમાં દુઃખ અને કટાક્ષભર્યા સ્માઇલ સાથે કે, 'મારા કરતા તો તમે વધુ નસીબદારો છો... માંગ્યા પછી કંઈક તો મળે છે...! મેં તો ચક્ષુ પાસે ભીખમાં ફક્ત પ્રેમ માંગ્યો હતો ઔર મુઝે ક્યા મિલા...? ભીખમાં મને ચક્ષુ તો ઠીક, વાંચવાના ચશ્મા ય ન મળ્યા !'

સન્ટુ ચોક્કસપણે માનતો કે, જુઠ્ઠુ બોલવામાં સ્ત્રીઓને તો કોર્ટના ભાડૂતી જામીનો ય ના પહોંચે! પૈસા આપો તો અદાલતોમાં ભાડુતી ચશ્મદીદ ગવાહો મળી રહે... ભલે ને ગુનાહના સ્થળે એ લોકો હોય પણ નહિ. પુરૂષ જગતની એટલી રાહત કે, સ્ત્રીની દુશ્મન સ્ત્રી જ હોય, પણ પુરૂષના દુશ્મન તો બાકાયદા સ્ત્રી હોય જ... જો પ્રેમિકા હોય તો !

હિંદી ફિલ્મોના ગીતોએ ભારતભરના પુરુષોને નમાલા બનાવી દીધા છે. મોટા ભાગના ગીતોમાં પેલીએ આને તરછોડી દીધો હોય, એમાં તો આ દાઢીઓ વધારીને બાકીની ફિલ્મ પૂરી કરે, વચમાં એકાદ- બે કરૂણ ગીતો ગાય ને ગ્રાઇપ-વોટરોની માફક દારૂઓ પીવા માંડે...

તારી ભલી થાય ચમના... જગતમાં તને પરણી શકે, એવી બીજી એકે ય સ્ત્રી રહી જ નથી ? તારામાં કોઈ પ્રોબ્લેમ હોય તો અત્યારે બોલી નાંખ ને એવું કાંઈ ન હોય તો પ્રેમિકાઓ તો રીક્ષા જેવી છે... એક જાય ને પાછળ બીજી આવતી જ હોય છે. (આપણા જેવાના કેસોમાં તો રીક્ષા નહિ, ભરી ભરી બસો આવતી હોય... સુઉં કિયો છો ?)

સન્ટુ મારી પાસે આવ્યો. આમ તો હેન્ડસમ હતો, પણ રાત્રે સૂઈ ગયા પછી આખી રાત એના મોંઢાથી શરુ કરીને ભીંત સુધી કરોળિયાએ જાળા બાંધ્યા હોય, એવા એના ફેસ ઉપર જાળા લટકતા દેખાતા હતા. 'બહુ તૂટી ગયો છું, કાકા બહુ તૂટી ગયો છું..!'આટલું બોલીને સોફા ઉપર એ બેસી ગયો. એની માફક એના સ્પોર્ટ્સ-શૂઝ પણ કોઈ લેડીઝ- ચપ્પલ સાથેના પ્રેમમાં નિષ્ફળ ગયા હોય, એમ એ પણ એની જેમ જ તૂટી ગયેલા હતા. શર્ટના ખિસ્સામાં કાણું હોય ને મહીં હાથ નાખો તો આંગળીનું ટેરવું હલતું દેખાય, એમ સન્ટુના ફાટેલા સ્પોર્ટસ-શૂઝમાંથી એનો અંગૂઠો બહાર આવું આવું કરતો હતો. એ એકલો જ બહાર આવ્યો હતો, એનો મતલબ એ થયો કે એના અંગૂઠાને પણ બાજુની લાબી આંગળીએ પ્રેમમાં દગો દીધો હશે... અર્થાત્, સન્ટુડાનું બધું જ બેવફા નિવડયું હતું.

''કાકા... કાકા... હવે હું જીવવા નથી માંગતો...''સન્ટુએ મારી સામે જોયા વિના આવું કંઈક કહ્યું.

''ધેટ્સ ફાઇન... પણ મર્યા પછી તું શું કરવા માંગે છે... ? આઇ મીન, કાંઈ વિચારી-બિચારી રાખ્યું છે ?''આવા બુદ્ધિ વગરના જવાબો આપવાની મને ય પહેલેથી હેબિટ અને હૉબી.

''કાકા... ચક્ષુએ મને દગો દીધો...ફોન જ ઉપાડતી નથી... આઇ થિન્ક, એ કોઈ બીજાના પ્રેમમાં છે... મારાથી સહન નથી થતું, કાકા... સહન નથી થતું ! બસ, હવે મને પંખે લટકવાના વિચારો આવે છે.''

''આઇ નો... આઇ નો... પણ તારી કારમાં પંખો તો છે નહિ... એ.સી. છે... તું લટકીશ કેવી રીતે ?''આવી મઝાક સૂઝી પણ મેં કરી નહિ. મારી પાસે એમ તો તાબડતોબ મરવાના ચાળીસેક નુસખા પડયા હતા, પણ એકે ય વાપરી જોયો ન હોવાથી ખાત્રીબદ્ધ માલ હું સન્ટુને આપી શકું એમ નહતો. ઘરખમ નિષ્ફળતાઓમાં છોકરાઓ આવું બોલે તો ખરા, પણ આપણે એમને સીરિયસલી નહિ લેવાના અને બીજું, આવાઓ પાસે આપણે પંખો પણ ચાલુ નહિ કરાવવાનો.

''ઓ. કે. ચલ... આપણે ક્લબમાં જઈએ. ત્યાં સ્વિમિંગ પુલ પાસે બેસીને શાંતિથી વાત કરીશું...''મેં સજેશન કર્યું. ક્લબની લોનમાં અમે બન્ને ખુરશીઓ નાખીને બેઠા.

''સન્ટુ, તારો મરવાનો વિચાર પાકો છે ને ?... આઇ મીન, તું ફરી તો નહિ જાય ને ?''મેં પૂછ્યું.

''કેમ કાકા આવું પૂછો છો ?''

''એ જાણીને તારે શું કામ છે ? તું તો મરી જવાનો છે...!''

મારો જવાબ સાંભળીને એ સાચ્ચું રડયો, ''કાકા... યુ ટુઉઉઉ... ?''મને તો એમ કે, જગતમાં મારા જવાથી જો કોઈ એક વ્યક્તિને દુઃખ થશે તો એ ફક્ત તમને ! બીજા બધા તો સાલા નાલાયકો છે... રાહ જોઈને બેઠા છે કે ક્યારે હું મરૂં...!''

''એ ભૂલે છે, ભાઈ... હું રાજી ભલે ન થાઉં, પણ તારા મર્યા પછી મને નામનું ય કોઈ દુઃખ થશે.. એવા ભ્રમમાં રહેતો નહિ...મારા હસવાની જેમ મારું રડવાનું ય નિહાયત કિંમતી અને 'રેર'હોય છે... મારે બીજા કોઈ કામધંધા હોય કે નહિ ?''

''કાકા, આવું બોલવાનું ?''

''કોઈ સ્ત્રી પાછળ એક સ્માર્ટ છોકરો મરવા સુધીની તૈયારી કરતો હોય, એવા બાયલાઓ મારી નજરમાં પહેલેથી મરી ચૂક્યા હોય છે. મરવાની તૈયારી તો બહુ દૂરની વાત છે... એ તારી માફક દુઃખી થઈને ફરતો હોય તો ય મારી નજરમાંથી ઉતરી જાય.''

''તો... તો... મારે કરવું શું ?''

''દાઢીઓ નહિ વધારવાની... તને દગો કરનારી દાઢીઓ વધારે છે, તે તારે વધારવી પડે ?''

''કાકા, કાંઈક સમજાય એવું બોલો ને !''

''સિમ્પલ... ! તું તારું મહત્ત્વ નહિ સમજે તો પેલી શું કામ સમજવાની છે ? છોકરી પાછળ બહુ લટુડાપટુડા થાઓ, એના કરતા પહેલેથી એનામાં ભય પેદા કરી રાખો ક, 'હું દોઢ ડાહી થઈશ તો આની પાસે બીજી દસ તૈયાર છે... (અને એમાંથી આઠ તૈયાર રાખવાની પણ ખરી....! આ તો એક વાત થાય છે !)''હું સન્ટીયાને દગો કરીશ તો બીજે જ દિવસે સીસીડીમાં કોઈ બીજીને લઈને બેઠો હશે.તમે તો સાલાઓ, 'ચક્ષુ ડાર્લિંગ... તારા સિવાય મારું કોઈ નથી...તું ના પાડીશ તો હું આ ફૂટપાથ પાછળની ભીંત સાથે ય લગન નહી કરું.'એવા ફડાકા મારીને પાળી યે બતાવો છો.''

''એ તો ના જ કરાય ને ? એની ઉપર તો ચોખ્ખું લખ્યું હોય છે કે, ''અહીં ગંદકી કરવી નહીં.''

''હવે સમજ્યો. આવી ભીંત પાસે આપણે ઉભા ય ન રહીએ, ત્યાં -- બસ, જે દિવસે એ જતી રહે, એ દિવસથી એને આવી ભીંત ગણી લેવાની... વાર્તા પૂરી.''

''હવે પરફેક્ટ સમજ્યો કાકા... પણ પ્રેમ તૂટી ગયા પછી ક્યારેક એ રસ્તામાં મળી જાય તો... ?''

''તો એના અસ્તિત્વનો જ સ્વીકાર થવો ન જોઈએ... તમે તાજમહેલના માણસ છો... ફૂટપાથ પાછળની ભીંતના નહીં...!''

સિક્સર

અજીતસિંહ પાસે એક શિક્ષિત મહિલાએ વાંચવાના ચશ્મા માગ્યા. 'બાપૂ'કહે, 'બેન... મારે ય તમારા જેવું જ છે... મને ય ઇંગ્લિશ વાંચતા નથી આવડતું...!'

પેલી હાથમાં લીધેલા ચશ્મા પછાડીને જતી રહી...!

'પૉકેટમાર' ('૫૬)

$
0
0
- યે નઇ નઇ પ્રિત હૈ, તુમ્હી તો મેરા મિત હૈ.... દેવ આનંદ-ગીતા બાલીનું

ફિલ્મ : 'પૉકેટમાર' ('૫૬)
નિર્માતા : પ્રેમ સેઠી
દિગ્દર્શક : હરનામસિંહ રવૈલ
સંગીત : મદન મોહન
ગીતકાર : રાજિન્દર કિશન
રનિંગ ટાઇમ : ૧૫-રીલ્સ
થીયેટર : લિબર્ટી (મધુરમ્) - અમદાવાદ
કલાકારો : દેવ આનંદ, ગીતા બાલી, નાદિરા, લલિતા પવાર, રામાયણ તિવારી, સુંદર, ગોપ, કુમુદ ત્રિપાઠી, ટુનટુન, ભગવાન સિન્હા, રાજન કપૂર, મદન ભંડારી, રિડકુ, કઠાના, પ્રતિમાદેવી, રણધિર, જગદીશ, કંવલ અને ગોપ

ગીતો
૧. લડી આંખ સે આંખ મુહબ્બત હો ગઇ.... - લતા-રફી
૨. છોટી સી જીંદગી હૈ, અપની ખુશી સે જી... - લતા મંગેશકર
૩. પ્યાસે નયનોં કી પ્યાસ બુઝા દે... - લતા-કોરસ
૪. કિસી કે ઠૂકરાકર અરમાન, ન જાઓ બેદર્દી... - લતા મંગેશકર
૫. બલમા અનાડી, મંગા દે ઘોડાગાડી.... - લતા મંગેશકર
૬. દુનિયા કે સાથ ચલ પ્યારે, ઐસે ન હાથ મલ... - ગીતા રોય
૭. યે નઇ નઇ પ્રિત હૈ, તુમ્હીં તો મેરા મિત હૈ... - લતા-તલત
૮. તેરી ગલી કૈસે આઉં સજના, જાગે ઘરબાર સારા... - લતા મંગેશકર

આ'પૉકેટમાર'શબ્દ કેવી અજાયબ વર્ણસંકરી ઉપરથી ઉતરી આવ્યો હશે ? આવા શબ્દની વ્યૂત્પત્તિ તો ન જ મળે, પણ જેના મનમાં પહેલીવાર આ શબ્દ આવી ગયો હશે, એણે ચલાવે રાખ્યો હોય, બાકી ગુજરાતીમાં અર્થ ઊભો કરે, એવો સરળ શબ્દ છે જ, 'ખિસ્સાકાતરૂ'. ખિસ્સા કાપે-કાતરી જાય, એને ખિસ્સાકાતરૂં કહેવાય. અલબત્ત, આ શાસ્ત્રનું સાયન્સ જેમ જેમ આગળ વધતું ગયું, એમ એમ આ વિદ્યામાં તરક્કીઓ પણ થઇ અને હવેના કાતરૂઓ કાતરતા નથી, ખિસ્સા ઉપર સિફતથી પલભરમાં સીધો હાથ જ મારે છે, એટલે તમારા બધાની તૈયારી હોય તો થોડો ફેરફાર કરીએ કે, આ કલાકારોને ખિસ્સાકાતરૂને બદલે 'ખિસ્સામારૂ'કહી શકાય. અફ કૉર્સ, ખિસ્સા કાતરવા પણ એક અજાયબ આર્ટ છે. ઋષિમુનિની જેમ લક્ષ્ય (કોઇના ખિસ્સાં) ઉપર મિનિટો સુધી ધ્યાન ધરવું, કૃત્રિમ ઉપગ્રહની જેમ લક્ષ્યની આજુબાજુ સતત ઘુમે-ફિરે રાખવું, આજુબાજુના સેંકડો વટે માર્ગુઓ ઉપરાંત મૂળ લક્ષ્યનું કાચી સેકન્ડમાં ધ્યાન ચૂકવી, એક વાળંદની ભાંતિ હાથ કી સફાઈ કરી બતાવીને મૂળ તો પાછા પોતાના આરોગ્ય એટલે કે હાડકાં, મોંઢા ઉપર મારના નિશાન અને લોહીના બગાડનું ધ્યાન રાખવું. એક નાનકડી ભૂલ, ઉતાવળ/ઢીલ કે સમયસૂચકતાનો અભાવ આવા કલાકારના આરોગ્ય ઉપર માઠી અસર કરી શકે છે. કૌટુંબિક આવકને આવનારા અનેક મહિનાઓ સુધી ચકનાચૂર કરી શકે છે.

શાસ્ત્રોમાં કહ્યું છે કે, સ્થાનિક કક્ષાએ (એટલે કે ફૂટપાથો કે શૉપિંગ મૉલોમાં હાથનો કસબ અજમાવતા) આ કસબીઓને પ્રજાના ખિસ્સા કાતરવાની એકલવ્ય-તાલીમ દેશના નેતાઓ તરફથી મળેલી હોય છે. જો કે, નેતાઓ કરતા આ લોકો વધુ નમ્ર હોય છે કે, એમને પોતાના કસબની પબ્લિસિટી ટીવી, અખબારો કે પુલિસમાં કરવી ગમતી નથી, ને તેથી તેઓ સ્માઈલો સાથે અખબારોમાં કોઇનું ખિસ્સું કાતરતા ફોટાઓ છપાવવાનો આગ્રહ રાખતા નથી...

કેવી નમ્રતા !

'૫૦ના દશકમાં ભાઇશ્રી દેવઆનંદે પોતાની મોટા ભાગની ફિલ્મોમાં છુપાયેલું આ સપનું પૂરૂં કરવા ઘણી ફિલ્મો બનાવી હતી, જેમાં એના રોલ ક્રિમિનલ્સના વધારે હતા. રાજ કપૂરે ભારતીય જીવનને સીધી સ્પર્ષતી ફિલ્મો બનાવી અને દિલીપ કુમાર ભગ્ન હૃદયી પ્રેમીની છાંટમાંથી ભાગ્યે જ બહાર આવ્યો, રાજ-દિલીપની ફિલ્મો વર્ષમાં સરેરાશ એક-બે આવતી, જ્યારે ક્રાઈમ તો ક્રાઈમ, દેવ આનંદની ફિલ્મો વર્ષમાં ૫-૬ તો આવતી રહી. એમાં ય, દેખાવડો અને સ્ટાયલિશ હોવાથી છોકરીઓનો એ આરાધ્યદેવ બની ગયો...એ વાત જુદી છે કે, ઈવન, એ જમાનામાં ય એની ફિલ્મો ચાલતી ભાગ્યે જ ! દિલીપ કુમાર અને દેવ આનંદ-બન્નેને એકસરખા ગ્રહો નડતા કે, એ બન્નેની ચાલેલી કરતા નહિ ચાલેલી ફિલ્મોની સંખ્યા ઘણી વધારે હતી. રાજ કપૂર એ દ્રષ્ટિએ પૂરો વહેપારી હતો. કઇ ફિલ્મ ચાલશે ને કઇ ડબ્બામાં જશે, એનું વેપારી જ્ઞાાન પૂરૂં હોવાથી રાજની ફિલ્મો ભાગ્યે જ ફલૉપ ગઇ છે.

આ ફિલ્મ 'પૉકેટમાર'તો સાધના-રાજેન્દ્ર કુમારવાળી ફિલ્મ 'મેરે મેહબૂબ'બનાવનાર હરનામસિંહ (એચ.એસ.) રવૈલે બનાવી હતી. આમ તો એ ય કોઇ ગ્રેટ ડાયરૅક્ટર નહોતા, પણ 'મેરે મેહબૂબે'એમને આગળ લાવી દીધા હતા. ધરમપુત્ર સની દેવલની પહેલી ફિલ્મ બનાવનાર થોડો સનકી મિજાજી દિગ્દર્શક રાહુલ રવૈલ એમનો પુત્ર થાય. આ દેશમાં સંગીતમાં રાહુલદેવ નામના બર્મન અને ક્રિકેટમાં રાહુલ નામના દ્રવિડને બાદ કરતા બાકીના મોટા ભાગના રાહુલો આવ્યા ત્યારથી ભોંયભેગા થઇ ગયા છે. આ રાહુલ રવૈલ, વિનોદ ખન્નાનો દીકરો રાહુલ ખન્ના, ક્રિકેટર અશોક માંકડનો નાનો ભાઈ રાહુલ માંકડ...અને દેશનો સૌથી મોટો ફલૉપ રાહુલ ગાંધી....!

ફિલ્મ તો આ ય દેવ આનંદ અને ગીતા બાલી જેવા સુપરસ્ટારોની હોવા છતાં તદ્દન ફલૉપ ગઇ હતી. યાદ રાખવા જેવી નામની કોઇ સિલક વધતી હોય તો લતા-તલત મેહમુદનું એક માત્ર સુરીલું ગીત, 'યે નઇ નઇ પ્રિય હૈ, તુમ્હીં તો મેરા મિત હૈ...'ને બાદ કરતા મદન મોહને ય ઉતારય એટલી વેઠ જ ઉતારી છે. આમ મદન મોહનના આપણે માનનીય ચાહકો કહેવાઇએ, પણ એની સરિયામ નિષ્ફળતાના બે કારણો ય કંઇક આવા જ હતા. એક તો, એને મોટા સ્ટાર્સ અને મોટા બૅનરની કોઇ ફિલ્મો જ નહોતી મળતી અને જે કાંઇ મળતી, એનો સ્ટ્રાઇક-રૅટ ઘણો પૂઅર રહેતો. ફિલ્મો આવે તો ખરી, પણ આખી ફિલ્મમાંથી આજ સુધી સહુને યાદ રહી ગયું હોય, એવું તો એકાદું ગીત માંડ નીકળે...બાકીના બધામાં ધૂપ્પલ ચાલે રાખ્યું. નહિ તો, આ જ ફિલ્મ 'પૉકૅટમાર'માં કોઇ નહિ ને દેવ આનંદ અને ગીતા બાલી જેવા સુપરસ્ટાર્સ મળ્યા હતા, છતાં ય કાંઇ ઉકાળી શકાયું નહિ. મદન મોહન આપણા સહુનો હૃદયસ્પર્શી મનભાવન હોવા છતાં, એની સમગ્ર ફિલ્મોગ્રાફી જોવા બેસીએ તો સંગીતની ભાષામાં એણે સફળ કરતા ફલૉપ ફિલ્મો અને ફલૉપ ગીતો બહુ આપ્યા છે. જે ભૂલ સી. રામચંદ્રે કરી-એકલી લતા મંગેશકરની પાછળ જ કરિયર ઘસી નાંખવાની ને પુરૂષ ગાયકોને નીગ્લૅક્ટ કરવાના, એવી ભૂલ મદન મોહને આખેઆખી નહોતી કરી-અડધી કકરી હતી. મુહમ્મદ રફી કે તલત મેહમુદને એ જરૂરત પ્રમાણે લેતો હતો, પણ આશા ભોંસલે કે ગીતા રૉયની સમજો ને, લગભગ બાદબાકી ! નહિ તો આશાએ પણ કાંઇ નાનકડું કામ મદન માટે નથી કર્યું. 'સબા સે યે કહે દો, કે કલીયાં બિછા દે...' (બૅન્ક મૅનેજર) કે 'ઝૂમખા ગીરા રે, બરેલી કે બાઝાર મેં' (મેરા સાયા) જેવા બે-ચાર તો બે-ચાર, ગીતો હિટ આપ્યા. આ ફિલ્મ 'પૉકેટમાર'માં મદન મોહને તો વળી ઉચ્ચ કક્ષાની બેવકૂફીઓ પણ નોંધાવી. એક તો એ જમાનો એવો હતો કે, ક્લબ કે કૅબરે-સાંગ્સ આવે ત્યારે ભલભલા સંગીતકારો લતા તો જાવા દિયો...આશા ભોંસલેને ય ન પકડે... એમાં તો એકલી ગીતા રૉય જ ચાલે ને છતાં મદને આ ફિલ્મમાં લતા પાસે કૅબરે-ગીતો બનાવ્યા. લતા આમ તો રોજ દાવો કરતી કે, કૅબરે ગીતો છિછરા હોય એટલે હું નહિ ગાઉં, ને તો ય અહીં ગાયા મદન મોહને ય કલ્યાણદૉજી-આણંદજી જેવું વૅસ્ટર્ન ગીતો બનાવવાના આવે એટલે એકાદી ગીઆટસાર વગાડી, બૉંગો-કૉંગો પછાડયા, સૅક્સોફોન મયડયું, પણ મહીંની ધૂન તો પાછી સાવ દેસી હોય. 'પૉકેટ માં૨'નું નામ પૂરતું એક ગીત ગીતા રૉય પાસે ગવડાવ્યું ને ત્યાં મદનને તો નહિ ખબર પડી હોય, પણ આપણને ફિલ્મ જોતા કે ગીત સાંભળતા ખ્યાલ આવી જાય કે, આવામાં તો એકલી ગીતા જ ચાલે !

તોતિંગ આઘાત તો ગીતકાર રાજિન્દર કિશને આપ્યો છે. એ આખા ગીતમાં તો જાવા દિયો, કોઇ એક ગીતની એક પંક્તિમાં ય એમના નામની શોભા વધારે, એવું ભાઇ કાંઇ ઉકાળી શક્યા નથી. 'જહાનઆરા'કે 'અદાલત'ના બેનમૂન ગીતો-ગઝલો લખનાર આ શાયરે જ 'રફ્તા રફ્તા દેખો આંખ મેરી લડી હૈ...'જેવા ખૂન્નસ ચઢાવે એવા હલકી ગીતો લખ્યા છે, એટલે 'પૉકેટમાર'જેવી તો અનેક ફિલ્મોમાં એમણે આવા જ કામો કર્યા છે.

રવૈલે અન્ય કોઇ રીતે ય ફિલ્મમાં ખાસ કશું ઉકાળી બતાવ્યું નહોતું.

ફિલ્મનો હીરો રોશન, દેવ આનંદ એક રોડ-સાઇડ ખિસ્સાકાતરૂ અને પત્તેબાજ છે. શહેરના ધનવાન બદમાશ રામાયણ તિવારી આવા જ ખિસ્સાકાતરૂઓની પોતાને ત્યાં ભરતી કરતો હોય છે. એની પ્રેમિકા નાદિરા આ દેવ આનંદના પ્રેમમાં પડે છે, પણ દેવ કોઇ ભાવ આપતો નથી. દરમ્યાનમાં ગામડે પોતાનું નાનકડું મકાન શાહુકાર (કુમુદ ત્રિપાઠી)ના હાથે નિલામ થતું અટકાવવા મોહન (મદન ભંડારી) તિવારીના ઘરમાંથી રૂ. ૩,૦૦૦/-ની ચોરી કરે છે ને એક ચિઠ્ઠી લખતો જાય છે કે, હું કોઇ પેશેવર ચોર નથી. મારૂં મકાન નિલામ થતું અટકાવવા આ ચોરી કરવી પડી છે, પણ વખત આવે તમારા રૂ. ૩,૦૦૦/- પાછા આપી દઇશ. દરમ્યાનમાં દેવ આનંદ આ જ મદન ભંડારીનું ખિસ્સું કાપતા, નિરાશ મદન આત્મહત્યા કરે છે, એનો પસ્તાવો દૂર કરવા દેવ આનંદ મદનના ગામ જાય છે, જ્યાં એની બુઢ્ઢી માં (પ્રતિમાદેવી) અને બહેન (ગીતાબાલી) દેવ આનંદને મદનનો દોસ્ત સમજીને આવકાર આપે છે. દેવ મકાન તો છોડાવી લે છે, પણ માં-દીકરીને જાણ કરતો નથી કે, તમારો દીકરો મારા પાપે મર્યો છે. એ મુંબઇ પાછો આવે છે ને તિવારી અને તેના ગુંડાઓ સાથે મારામારી કરે છે. દેવની પાછળ એને શોધવા ગીતા બાલી પણ મુંબઇ આવે છે. બન્નેનો ભેટો તો થાય છે, પણ આ બાજુ દેવ પોતાની મા (લલિતા પવાર)ને સાચું કહી દે છે કે, એણે જીંદગીભર લોકોના ખિસ્સાં કાપ્યા છે, એના આઘાતમાં લલિતા બારીમાંથી ઠેકડો મારીને આત્મહત્યા કરે છે. એને અગ્નિદાહ વખતે દેવ આનંદ હવે પછી આવી ગૂનાહિત જીંદગી છોડી દેવાની પ્રતિજ્ઞા કરે છે, એ સાંભળીને ગીતા બાલી દેવ આનંદના જીવનમાં પાછી આવે છે.

એ જમાનો ય કેવો લફરા-લફરીનો હતો ? દેવ આનંદ-સુરૈયા, દિલીપ કુમાર-મધુબાલા, રાજ કપૂર-નરગીસ, શમ્મી કપૂર-ગીતા બાલી, મીના કુમારી (૧, ૨, ૩, ૪,....ચોક્કસ આંકડો ખબર નથી !) ને છતાં ય આ લોકોના અંદરોંદરના ફિલ્મી વ્યવહારો ચાલે રાખતા. ગીતા બાલી તો સગા ભાઈની પત્ની થાય, છતાં રાજ-ગીતા બાલીએ 'બાવરે નૈન'જેવી ફિલ્મોમાં પ્રેમીઓ તરીકે ભૂમિકા નિભાવી હતી. શમ્મી કપૂર અને શશી કપૂર-બબિતા તો કાકાજીઓ-ભત્રીજા વહુ થયા ને ? મધુબાલા અશોક કુમારની શું સગી થતી, એ કહેવાની ક્યાં જરૂર છે ? પણ આ લોકો ય ગજબના પ્રોફેશનલ્સ હોય છે. પરદા ઉપર એમને પ્રેમ કરતા જોઇને ઘડીભર આપણે ય હલી જઇએ, પણ એક પ્રેમ અથવા સૅક્સથી ભરપૂર પ્રેમ-દ્રષ્ય સિનેમામાં બેઠેલા પ્રેક્ષકોને હચમચાવી મૂકે, પણ શૂટિંગ વખતે એ બન્ને જણાની ઇચ્છા હોય તો પણ સેક્સ ઓટોમેટિક દૂર થઇ જાય છે. આજુબાજુમાં અન્ય કલાકારો, લાઇટ અને સાઉન્ડવાળાઓ કે અન્ય કામદારોની હાજરીમાં જે તે દ્રષ્ય બિલકુલ ટેકનિકલી ભજવવાનું હોય છે, એટલે આપણે માનીએ છીએ એવા કામુક એ લોકો એ વખતે હોઇ શકતા નથી.

'પોકેટમાર'માં નાનાનાના કલાકારોનો કાફલો છે. કોમેડીયનો સુંદર અને ગોપ બન્ને સમય કરતા વહેલા વેડફાઇ ગયા. ગોપ તો ઓલમોસ્ટ હીરો તરીકે આવતો હતો. યાદ હોય તો, ''મેરે પિયા ગયે રંગીન, કિયા હૈ વહાં સે ટેલીફૂન..''આ ગોપ ઉપર ફિલ્માયું હતું. સુંદર તક્યો તો છેલ્લે સુધી પણ ક્યારેય 'મસ્ટ'કોમેડિયનનો રોલ ન મળ્યો. કુમુદ ત્રિપાઠીએ વિલન બનવું કે કોમિક રોલ કરવા, એ નક્કી કરવામાં કાંઇ બની ન શક્યો. આ ફિલ્મમાં એ ગીતા બાલીનું મકાન નિલામ કરનાર શાહુકાર બને છે. ટુનટુન એકાદ દ્રષ્ય માટે આવે છે. ભગવાન સિન્હા એ જમાનાની દેવ આનંદની ક્રાઇમ ફિલ્મોમાં લગભગ હોય. આ ફિલ્મના પ્રારંભમાં પત્તાની ક્લબ-જુગારખાનામાં દેવ આનંદને ગુંડાઓ પાસે ટીચાવી નાંખીને બહાર ફેંકી દેનાર વિલન આ ભગવાન સિન્હા છે. રાજન કપૂર યા તો મુખ્ય વિલનના ફાલતુ ગુંડાના કે પછી ફાલતુ પોલીસ-ઇન્સ્પેક્ટરના રોલમાં હોય, તો ય '૬૦-ના દાયકામાં દારા સિંઘ સામે ઘણી ફિલ્મોમાં એ મુખ્ય વિલન તરીકે ય ચમક્યો હતો. રિડકુ એટલે પેલો વ્હેંતીયો. વ્યાજખાઉ શાહુકારના રોલમાં રણધીરની મોનોપોલી હતી, પણ અહીં એ ''બાહોશ''(?) ઇન્સ્પેક્ટરના રોલમાં છે. 'પાકીઝા'માં પાણીના નાનકડા હોજમાં છુટા વાળ ભીંજવીને સુતી મીનાકુમારી ઉપર સેક્સ્યુઅલ હુમલો કરવા અડધી રાત્રે કોઠામાં ઘુસી આવે છે, તે જગદિશ કંવલ અહીં સુધરી ગયો છે અને પોલીસ સુપ્રીન્ટેન્ડેન્ટના પાત્રમાં છે.

મને યાદ છે, હું નાનો હતો ત્યારે અમારી ખત્રી પોળની લગભગ સામે આવેલી મૉડેલ ટૉકીઝમાં એક વખત દેવ આનંદની ભૂલાઇ ગયેલી સાત ફિલ્મોનું એક આખું સપ્તાહ વપરાયું હતું. એ જમાનામાં ગમે તેવી ભંગાર ફિલ્મ પણ એક સપ્તાહ તો ચાલે જ, જ્યારે દેવ આનંદની લોકપ્રિયતા જોઇને મૉડેલ ટૉકીઝે દેવની સાત ફિલ્મો ફન્ટુશ, આરામ, કિનારે કિનારે, પૉકેટમાર, દુશ્મન, ફરાર અને સરહદ પ્રદર્શિત કરી હતી. એમાંની એકે ય ફિલ્મ ભીડ ભેગી કરી શક્યું નહોતું, એ જુદી વાત છે.

ઍનકાઉન્ટર : 12-04-2015

$
0
0
* તમને વાચકો બીજા લોકો વિશે પૂછે છે, પણ તમે તમારા વિશે શું માનો છો ?
- એક સ્ટુપિડ, છતાં આજ સુધી કોઇની સાથે દુશ્મનાવટ ન કરનારો માણસ.
(મનિષ ભરખડા, સાવરકુંડલા)

* શૉપિંગ-મૉલના લૅડીઝ ચૅઇન્જ-રૂમમાં છુપાવી રાખેલા કૅમેરાની નીચ માનસિક અવસ્થાનો શું ઉપાય ?
- એ અદાલતનું કામ છે, પણ આપણે સૂચવી શકીએ કે, આવું કામ કરનાર જેટલી જ આકરી સજા શૉપના માલિકને થવી જોઇએ.
(કવિતા માનચંદ શેઠ, મુંબઈ)

* તમને શું લાગે છે, મોદી આતંકવાદ રોકી શકશે ?
- ઇંગ્લિશમાં સરસ કહેવત છે, Attack is the best form of defence, એ ઇન્ડિયા પૂરતી મોદી અપનાવે તો થોડું કામ થાય.
(તપન પુરોહિત, કોડિનાર)

* તમને જૂનાગઢના શિવરાત્રીના મેળામાં આવવાનું આમંત્રણ છે...
- તમે ખોટો નંબર ડાયલ કર્યો...હું તો પૂરાં કપડાં પહેરૂં છું.
(સંદીપ ચૌહાણ, જૂનાગઢ)

* પરસેવે રેબઝેબ થઇ ગયા પછી પંખો તમે ચાલુ કરો કે ડિમ્પલભાભી પાસે કરાવો ?
- એનો આધાર એ મારા ઘેર બેઠી છે કે હું એના ઘેર બેઠો છું, એની ઉપર છે.
(પ્રકાશ મહેતા, સુરેન્દ્રનગર)

* તમને ટીવી પર આવતો કયો કાર્યક્રમ સૌથી વધુ ગમે ?
- 'તારક મહેતા કા ઊલટા ચશ્મા.'
(ચાંદની પી. સરડવા, મોરબી)

* પતંગની જાતિ નક્કી કેવી રીતે કરવી ? હિંદીમાં, 'ચલી ચલી રે પતંગ મેરી ચલી રે...'કહેવાય છે ને ગુજરાતીમાં 'કાપયો છે...'કહેવાય છે !
-પતંગ હજાર ટકા પુરૂષ જ છે, કારણ કે એક સ્ત્રી (દોરી) વડે એ જીવે ત્યાં સુધી બંધાયેલો છે.
(બાલેન્દુ વૈદ્ય, વડોદરા)

* જંગલનો રાજા સિંહ તો રાષ્ટ્રીય પ્રાણી વાઘ કેમ ?
- રાજા-મહારાજાઓને એવા લૅબલની જરૂર ન પડે.
(મધુકર માંકડ, જામનગર)

* આત્મહત્યાનો પ્રયાસ હવે ગુન્હો નથી ગણાતો.... તો પછી કેજરીવાલ રાહ શેની જુએ છે ?
- પ્રયાસ હકીકતમાં ફેરવાઇ ન જાય એની.
(મૂકેશ ધકાણ, વસઇ-પાલઘર)

* મનમોહન અને અન્ના હજારે ગયા ક્યાં ?
- ગયા નથી...જાય તો દેશને શાંતિ મળે !
(અર્જુન વાઢેર, લોઢાવા-સોમનાથ)

* લગ્ન પહેલાં 'ગોલ્ડન લાઇફ'કહેવાય, તો લગ્ન પછીની ?
- પછી તો લાઇફ જેવું રહે છે જ ક્યાં ?
(અંકિત પઢીયાર, વડોદરા)

* તમને સવાલો પૂછવા મારે રૂ. ૫,૦૦૦/-નો મોબાઇલ લેવો પડયો... આ 'અમારા વિકાસમાં ફાળો થયો ?'
- તમે એ નથી લખ્યું કે ૫,૦૦૦-માં કેટલા મોબાઇલો લીધા ?
(દિના જયેશ કંસારા, અમદાવાદ)

* આપણે મંગળના ગ્રહ સુધી પહોંચી ગયા, પણ સિટી-બસમાં હૉર્નને બદલે એનું એ જ દેશી ભોંપુ કેમ ?
- આપણું ચાલે તો મંગળના ગ્રહ ઉપરે ય આપણી સિટી-બસ લઇ જઇએ એમ છીએ.
(મહેન્દ્ર જે. પરીખ, મુંબઇ)

* આપણે ત્યાં પકડાયેલ દારૂની બૉટલો ઉપર બુલડૉઝર ફેરવી દેવાય છે, એને બદલે બહાર એટલો વેચીને રોકડી કરી ન લેવાય ?
- અરે...આપણા જેવાને આપે, તો ય 'સારો'નિકાલ કરી આપીએ...સુઉં કિયો છો ?
(નૈષધ અંતાણી, ભૂજ)

* 'ચિત્રલોક'ની તમારી 'ફિલ્મ ઇન્ડિયા'કૉલમમાં નાનામાં નાના કલાકારોની ય ખાનગી માહિતી ક્યાંથી મેળવી શકો છો ?
- જાહેરમાંથી.
(અલ્તાફહુસેન ઠાસરીયા, રાજકોટ)

* તમને અદ્રષ્ય થવાનું વરદાન મળે તો પહેલું કામ કયું કરો ?
- હવે બીજી વાર અદ્રષ્ય ન થવાય.. લગ્ન થયા ત્યારનો મારી પત્ની મને અદ્રષ્ય જ માને છે !
(કૌશિક શાહ, વડોદરા)

* મા-બાપ ઘરડાં થાય પછી લોકો એમને હડધૂત કેમ કરે છે ?
- કારણ કે મા-બાપ થયા પછી જ ઘરડાં થવાય છે.
(અમિત જોશી, વડોદરા)

* બોટાદમાં પ્રવચન કરવા આવવાનું કેમ વિચારતા નથી ?
- વગર બોલાવે તો હું ઉપરવાળાના ઘેરે ય પ્રવચન આપવા જઉં એમ નથી.
(જીતેશ ચૌહાણ, બોટાદ)

* તમે ટીવી ઉપર બહુ હૅન્ડસમ લાગો છો, એનું શું કારણ ?
- હા, પણ રૂબરૂમાં જોયા પછી પૈસા પડી જાય છે ને ?
(પિનલ પાઠક, વડોદરા)

* 'બુદ્ધિ બહેર મારી જવી.'આપને કોઇ અનુભવ ખરો ?
- રોજ થાય છે. ઘર આવી ગયું સમજીને લિફટમાં બેસીને લૅપટોપ શરૂ કરી દઉં છું.
(દીપક આશરા, ગાંધીનગર)

* તમારા મતે ગુજરાતીઓની વિશિષ્ટતા શું છે ?
- ૬૦-૭૦ રૂપિયાની પાણીપૂરી ખાઇ લીધા પછી ય મફતમાં મસાલા પૂરી ન માંગે, ત્યાં સુધી ધરાતો નથી.
(વિજય જોશી, નવાગઢ-જેતપુર)

* સરકારે એસ.ટી.ની બસોમાં ડ્રાયવર-કન્ડક્ટર લૅડીઝને લેવાનું શરૂ કર્યા પાછળનું કારણ ?
- એનું કારણ આગળનું છે.
(ગોવિંદ પટેલ, કોટડા ચકાર-કચ્છ)

* બેસણાંની જા.ખ.માં 'સ્વર્ગસ્થ'લખાય છે. શું એ લોકો સ્વર્ગમાં ગયા પછી અવસાન પામતા હશે ?
-અરે ભ'ઇ...ઘણા તો સ્વર્ગમાં જવાનું કહીને એમના સાસરેથી નીકળે છે... જાહેર ખબરનો ખર્ચો ય માથે પડે છે ! આપણા જેવું નહિ, ''બોલ્યા-પીસ-બોલ્યા''!
(લલિતકુમાર મેહતા, અમદાવાદ)

* હવે તમે ડિમ્પલને છોડીને દીપિકા પદુકોણને મહત્ત્વ આપવા લાગ્યા છો ?
- એક શુધ્ધ ભારતીય પુરૂષ એક સાથે કદી બબ્બે સ્ત્રીઓને પ્રેમ કરતો નથી... વારાફરતી કરે છે !
(હરેશ મોરડીયા, સુરત)

* તમે પછી 'વૉટ્સઍપ'અંગે કાંઇ વિચાર્યું કે નહિ ?
- 'વૉટ્સઍપ'વિચારનારાઓ માટે નથી.
(નિસર્ગ દીક્ષિત, મહુધા)

* રાહુલજી ક્યાં ગયા હશે ?
- ધૂની માંડલીયાનો શે'ર છે :
'ટાંકણાની વાતમાં આવી ગયો,
આમ તો પથ્થર ઘણો સીધો હતો.'

'ઍનકાઉન્ટર' : 15-02-2015

$
0
0
* તમારા મતે, પરણવા માટે છોકરી કેવી પસંદ કરવી જોઇએ ?
- તમારૂં સર્કલ વધારી ન દે, એવી.
(ભરત ગાંભવા, ચાંદીસર- પાલનપુર)

* આપનું નામ જેના ઉપરથી પડયું છે, તે જામનગરનુ 'અશોક સદન'હવે જર્જરિત હાલતમાં આવી ગયું છે. કોઈ ઉપાય ?
- મારે તો હજી વાર છે.
(ભોલાનાથ રિંડાણી, જામનગર)

* કહેવત છે કે, 'સાઠે બુધ્ધિ નાઠે.'તમારૂં શું માનવું છે ?
- ચારેક વર્ષથી મને ય ડાઉટ તો હતો જ...
(કાંતિલાલ વી. ખંડોર, મુંબઇ)

* આજકાલ માનવતા ઓછી થવાનું કારણ શું ?
- બોલો...તો ય હું તમને જવાબ આપું છું ને ?
(અનંત ત્રિવેદી, ગોરડકા-બોટાદ)

* કોઇ કહે, 'અમારા ગામમાં જોવા જેવું કાંઇ નથી,'તો શું સમજવું ?
- એમાં તમારે ક્યાં કાંઇ સમજવાનું છે...જે છે, એ બધું એણે સમજવાનું છે.
(મધુકર માંકડ, જામનગર)

* ભારતના 'સ્વચ્છતા અભિયાન'વિશે શું માનો છો ?
- કોઇ ટીવી-ન્યૂસ ચૅનલવાળો ઓળખિતો હોય તો કહેવડાવજો...જે મનાવવું હોય, એ માની જઇશ.
(હાર્દિક રાજા, ગોંડલ)

* લ્યો ત્યારે....ઊંટ પર બેસવાના ધખારા ન રાખતા હો તો...?
- ઊંટ માટે આવો કોઇ મૅસેજ છે...?
(તૃપ્તિ ઠાકર, અમદાવાદ)

* ઊંટ વિશેના તમારા લેખ પછી કચ્છના ઊંટોની લાગણી દુભાઈ છે....તમને ઊંટ પર બેસતા ન આવડયું, એમાં ઊંટ શું કરે ?
- સદરહુ ઊંટે કોઇ સારા વૈદ્યને બતાવવું જોઇએ.
(બાલેન્દુ વૈદ્ય, વડોદરા)

* આપણે જેને પ્રેમ કરતાં હોઇએ, એના માનપાન આટલા બધા કેમ વધી જાય ?
- આપણે...? મને આમાંથી રદબાતલ ગણવો.
(રામ ઓડેદરા, પોરબંદર)

* સલમાન ખાનની બહેનના લગ્નમાં તમને આમંત્રણ કેમ નહિ ?
- એ લોકોને ય એમ તો થાય ને, કે આટલો મોટો માણસ લગ્નમાં આવશે કે નહિ ? મારા લગ્ન વખતે ય મને આવો ધારી લેવામાં આવ્યો હતો.
(મુગ્ધા ઉલ્લાસ વોરા, જૂનાગઢ)

* કાળા નાણામાં તમારૂં નામ મૂકાય તો કેવું ફીલ કરો ?
- તો પહેલી વાર સમાજમાં મારી આર્થિક આબરૂ વધી જાય.
(ધીમંત ભાવસાર, બડોલી)

* આપના મતે ચૂંટણીમાં ઊભા રહેવા કઇ લાયકાત જરૂરી ગણાય ?
- બસ...એક મફલર લઇ આવો.
(નીતિન ઉપાધ્યાય, ભાવનગર)

* દુઃખદ પ્રસંગોએ મૌન માત્ર બે મિનીટ્સનું જ કેમ રાખવામાં આવે છે ?
- સ્ટેજ પર બેઠેલાઓ બે મિનીટ માટે તો હખણા રહે....!
(વસંત ગઢીયા, રાજકોટ)

* દરેક સપ્તાહે શ્રેષ્ઠ સવાલ પૂછનારને પ્રથમ નંબર અપાય તો ?
- સવાલ છપાય છે, એ જ પૂછનારને ઇનામ છે.
(દિશા ગઢીયા, રાજકોટ)

* તમારી દિનચર્યા શું હોય છે ?
- બતાવવા જેવી નથી....ઘરમાં રોજ ઝગડા થાય.
(જય પટેલ, અમદાવાદ)

* સુહાગરાતને બીજે દિવસે છેતરાઇ ગયાની શંકા જાય તો ?
- બસ....પછી તો માં અંબે માં બચાવે.
(ધર્મેશ પરમાર, સુરેન્દ્રનગર)

* શ્રી નરેન્દ્ર મોદીને સવાલ પૂછવાનો થાય તો તમે શું પૂછો ?
- 'ફરિશ્તે ખુશિયોં કે આયે થે બાંટને ખુશીયાં,
વો સબકે ઘર ગયે, મેરા મકાન ભૂલ ગયે.'
(વૈશાલી ઘાઘડા, રાજકોટ)

* માણસ મહાન ક્યારે બને ?
- બસ. મારી આત્મકથા વાંચી લો.
(રોહિત ડોબરીયા, મંદોરાણા ગીર-તલાલા)

* હનીમૂનનું બીજું કોઇ નામ આપવું હોય તો શું આપું ?
- આવી માથાકૂટમાં પડવાને બદલે સીધે સીધું હનીમૂન પતાવે, ભઇ !
(અશોક પટેલ, ચલાલા-માણસા)

* તમારા ઘરે 'ઍલિયન'આવે તો ?
- તો ઘરવાળા ગોટે ચઢી જાય કે, આમાં બહારથી આવ્યો એ કયો ?
(વિકાસ સોની, વાંઢીયા-ભચાઉ)

* ધીરજના ફળ મીઠાં હોય, તો ખાટાં શેના હોય ?
- એની તમને ખબર ના પડે....તમારા વાઈફને પડે !

* આ દુનિયા આટલી સૅલ્ફિશ કેમ છે ?
- એ તો તમે ચંદ્ર કે મંગળ ઉપર જઇ આવો, પછી સરખી ખબર પડે.
(ડૉ. વ્યોમિકા દેવધરા, વાપી)

* તમે કૉંગ્રેસ તરફી કે ભાજપ તરફી ?
- ભાજપ કે કોઇ તરફી તો નહિ....પણ કોંગ્રેસ તરફી...??? બાપુ....ભાવનગરનું છોકરૂં ય તમારી મશ્કરી કરે, એવા કૉમિક સવાલો ન પૂછો. કહે છે કે, હવે તો સોનિયાબેન પણ 'આપ'માં જોડાઇ જશે !
(મહેન્દ્રસિંહ ગોહિલ, ભાવનગર)

* શિયાળામાં વહેલું ઉઠવું ગમતું નથી....કોઇ ઉપાય ?
- એકાદી વાઇફ વસાવી લો. ભર ઊંઘમાંથી ય ઝબકીને જાગી જશો !
(શૈલેષ પટેલ, મામસા)

* 'બુધવારની બપોરે', 'ફિલ્મ ઇન્ડિયા'અને 'ઍનકાઉન્ટર...'તમારી ત્રણ કૉલમો માટે અમારે આખા મહિનાનું છાપું બંધાવવું પડે છે...કરકસરનો કોઇ ઉપાય ?
- એક બાયનોક્યૂલર વસાવી લો....પડોસીના ઘરમાં સીધું ફોકસ કરો....એ લોકો વાંચતા હોય ત્યારે !
(ચિરાગ વાટલીયા, બાકરોલ- આણંદ)

* ફિલ્મ 'પીકે'માટે હિંદુ સંતોના વિરોધ અંગે તમે શું માનો છો ?
- મેં તો ફિલ્મ જોઇ નથી, પણ હિંદુ ભગવાનોનો આવો ઉપયોગ થાય, કોઇ હિંદુ ક્યારેય વિરોધ કરે છે ? અન્ય કોઇ પણ ધર્મના ભગવાન માટે જરાક અમથું તો કાંઇ બોલી જુઓ. આપણે 'આપણે શું ?-પધ્ધતિ'અપનાવીએ, તો પછી દેશને ઈશ્વર બચાવે.
(નીરવ ધનેશા, આઇઓવા સિટી-અમેરિકા) 

છોકરું એમનું ને રમાડવાનું આપણે?

$
0
0
આથી હું દેશના ગુજરાતી સમાજને જાહેર કરવા માગું છું કે, મારી પાસે સરકારી ક્વૉટા પ્રમાણેના બે તંદુરસ્ત બાળકો અને એમને ત્યાં ય બબ્બે બાળકોનો સેટ પૂરતા પ્રમાણમાં પડેલો છે. અર્થાત્, રમાડવા માટે મારે બહારથી ભાડે કે વેચાતા છોકરાઓ લઈ આવવાની જરૂર નથી. હું તમારા ઘરે કોઈ કામથી આવ્યો હોઉં કે અમસ્તો કૉફી પીવા આવ્યો. હોઉં, ત્યારે મંદિરના પ્રસાદની જેમ મને તમારા છોકરાઓ રમાડવા આપી દેવા નહિ. તમારા બાળકોને રમાડવાના હોઈ ધખારા મને ઉપડતા નથી ને છતાં ય મારી મરજી વિરૂધ્ધ તમારું છોકરું મારા ખોળામાં જબરદસ્તી મૂકી દેવામાં આવશે તો, બાળકની પાછળના ભાગમાં હું ગમે ત્યાં ચીટીયો ભરીશ, જેથી એ મોટું થઈને પરણે ત્યાં સુધી રમવા માટે મારી પાસે ન આવે... (કડક સૂચના પુરી)

ગામ આખું કહે છે, 'બાળકો ભગવાનને પ્યારા.'

કેવી ચલાવે રાખે છે લોકો નવરા બેઠે બેઠા? આજ સુધી એકેય ભગવાનનો ખોળામાં છોકરું રમાડતો ફોટો જોયો? ભગવાનના મંદિરોમાં કોઈ બાળકો રમતા જોયા? બાળકો રમી/વગાડી શકે, એટલા નીચા તો ઘંટો ય લટાકાવવામાં આવતા નથી. યસ, મંદિરની બહાર પગથીયાં નીચે નાગાંપૂગાં ભિખારી બાળકોને ભીખ માંગતા બેશક જોયા છે. આમાં કઈ કમાણી ઉપર ફેંકે રાખો છો કે બાળકો ઈશ્વરને ય પ્યારા હોય છે? બાળકો ઈશ્વરને વહાલાં હોત, તો ભીખ માંગતા હોત?

...ને એમાં ય, હવે મારા જેવા ચારે બાજુથી પરવારી ગયેલા રીટાયર્ડ ડોહાઓને તો લોકો ભાળે છે ત્યાં જ, છોકરું રમાડવા આલી દે છે. ''ચલો ડીકુ... દાદા પાસે રમોઓઓઓ...''તારી ભલી થાય ચમની, હજી દાદો તારી સાથે રમવા માટે ફિટ છે. સાલો બાંકડે બેઠેલો જોયો નથી ખોળામાં ટપાલ-ટિકીટની માફક એમનું છોકરું ચોંટાડયું નથી! નદીમાં નારીયેળ પધરાવતી હોય એમ આપણા ખોળામાં છોકરું પધરાવી એની મૉમ ગાર્ડનમાં 'વૉક'લેવા ચાલી જાય. આપણો વાંધો એનું છોકરું રમાડવાનો નથી... ચૌદે ભુવનનો ગુસ્સો એના વર ઉપર આવે કે, તું તો તારી વાઈફ પાસેથી કંઈક શીખ...! કોક'દિ તું ગાર્ડનમાં વૉક લેવા જતા જતા આને સોંપતો જાય કે, ''યસ ડાર્લિંગ... તું આ પ્રભુદાસભાઈ સાથે બે ઘડી બેસ... હું ૪-૫ આંટા મારીને આવું છું.''તો કોઈ ના ય ન પાડે! સરસ મજ્જાની બ્રાન્ડેડ વ્હાઈટ જર્સી, નીચે ટાઈટ ટ્રાઉઝર્સ અને સ્પૉર્ટસ-શુઝ પહેરેલી એની વાઈફને મૂકતો જાય તો આપણે ય કેટલા રસથી એને ચાંદામામા કે ટારઝનની વાર્તાઓ કહીએ, થૂપ્પા-થૂપ્પી રમીએ... અરે, બીજું કંઈ નહિ ને એને વધુ શિક્ષણ જોઈતું હોય તો અમારા જમાનામાં પ્રેમો કેવી રીતે થતા હતા ને અમે શું શું કરતા હતા, એ સઘળી માહિતીઓ એની વાઈફને ઉત્સાહપૂર્વક આપીએ... પણ એના છ વર્ષના ટેણીયાની ટાંગ કે એને અમારા જમાનામાં પ્રેમો કેવી રીતે થતા હતા, એની દાસ્તાનો એને અડી અડીને બતાવીએ?

કોઇ પંખો ચાલુ કરો !

સુરૂભ'ઈને ત્યાં અરજન્ટ કામે જવાનું થયેલું. સુરૂભ'ઈ એટલે સૂરીયો વળી...! એ કયો મોટો પહાડ તોડી લાવ્યો હશે કે, એના છોકરાની વાઇફને છ-સાત વર્ષ પહેલા વિજ્ઞાાનના નિયમો મુજબ બાબો આવ્યો, એમાં તો કેમ જાણે બીજા બધાને ઘેર બાબા-બેબીઓ નહિ, રીક્ષાઓ અને ટ્રકો આવતી હશે, એવો સુરીયો ખીલી ઊઠેલો. ઘેરે ઘેર ફોન કરીને ખુશખબરો આપ્યા, મીઠાઈઓ વહેંચી ને ફક્ત પોતાનું ઘર જ નહિ, આખી સોસાયટી શણગારી મ્હેલી... કેમ જાણે 'વિના સહકાર, નહિ ઉધ્ધાર'ના ધોરણે સોસાયટીવાળાના સહકારથી બાબો આવ્યો હોય! કહે છે કે, ''ઘણી વાર તો ડૅન્જરસ શંકાનું નિરાકરણ આવી જાય, એમાં ય માણસો આટલા ધોધમાર ખુશ થતા હોય છે.'' (આ વાક્યનો અર્થ બધાને સમજાવાનો નથી, તો વૉટ્સએપો કરી કરીને લોહીઓ પીવા નહિ! ન જ રહેવાતું હોય તો પંખો ચાલુ કરવો.)

અહીં મારા જેવા ડોહાઓનો પ્રોબ્લેમ શું હોય છે કે, જ્યારે અમે પણ તાજા તાજા ફાધરો બનેલા, ત્યારે નોકરી-ધંધા, ફિલ્મો અને ક્રિકેટના શોખ ઉપરાંત અન્ય ''ઈતર-પ્રવૃત્તિઓને''કારણે ઘરના છોકરાઓને રમાડવા-ઉછેરવામાં બહુ ધ્યાન નહોતું રહેતું. હવે ૬૦-પછી એટલા કોરાધાકોડ થઈ ગયા હોઈએ કે, ઘરના એક ખૂણામાં બેઠા બેઠા ટીવી જોયે રાખવાનું ને સાંજે ગાર્ડનમાં 'ડોહા-મંડળ'માં બેસવા જવાનું. કોઈ કામના તો રહ્યા ન હોઈએ, એટલે વહુ એના છોકરાં રમાડવા આપણને સોંપી જાય ને ''હવે''આપણને બાળકો ગમવા ય માંડયા હોય... કારણ કે, બહાર જે કાંઈ ગમતું હોય, એને રમાડી શકાતું નથી... સુઉં કિયો છો?

એટલે આ સુરીયો ય નવરોધૂપ્પ બેઠો હતો. હરએક વાચક સહમત હશે કે, આજના હરએક નાનાજી-દાદાજીઓએ પોતાના છોકરાઓને નહિ રમાડયા હોય, એટલા છોકરાના છોકરા ઉપર વહાલો વરસાવતા હોઈશું. છતાં સૂરીયાને સાવ આપણા જેવું નહિ કે, આપણને કમ-સે-કમ આપણા છોકરા રમાડવા તો બહુ ગમે. એને એનાવાળા નહિ ગમતા હોય કારણ કે, જેવો ઝાંપો ખખડયો ને હું એના બંગલામાં દાખલ થયો કે,

કમ્પાઉન્ડમાં છુટા મૂકેલા કૂતરાઓને બદલે એના (છોકરાના) છોકરા મારા ઉપર ધસી આવ્યા. (બંધ ઝાંપાની બહાર ઊભા રહીને ઈવન તમે જુઓ તો, તમે ય મારી સાથે એગ્રી થશો કે, રમાડવા જેવા એના કૂતરાઓ હતા, છોકરાઓ નહિ... કૂવામાં હોય તો હવાડામાં આવે ને?)

''રમણ, વસંત, ગોદાવરી... જુઓ બેટા અશોક દાદા આયા છે... એમને અંદર લઈ આવો.''

આ નામો ઉપરથી પહેલા તો એવું લાગે કે, સુરીયો પોતાના છોકરાઓને બોલાવી રહ્યો છે કે, નગરપાલિકાના સફાઈ કામદારોની હાજરી પૂરી રહ્યો છે? આ જમાનામાં આવા નામો ચાલે? જે ડોહાઓના આજે ય આ નામો ચાલ્યા આવે છે, એમણે ય બદલીને રમણનું 'રૅમ્સ', વસંતનું 'વિશુ'અને ગોદાવરીનું 'ગોદુ'કરી નાંખ્યું છે. વિશુ અન્કલ ને ગોદુ આન્ટી બોલવામાં ય સારા લાગે.

સોફા ઉપર હું અને મારી ઉપર આ પબ્લિક ચઢી બેઠી હતી. મકાન ખાલી કરવાનું હોય ત્યારે છેલ્લે છેલ્લે માળીયે રહી ગયેલો જૂના વાસણો ભરેલા કંતાનનો મોટો થેલો બહાર આવે, એમ સુરીયાની તોતિંગ વાઈફ કિચનમાંથી બહાર આવી. એક જમાનામાં એ ભારતીય લશ્કરના રસોડામાં કામ કરતી હશે, નહિ તો બૉડીનો આવા શૅઈપ પકડાય નહિ! સુરીયાનો સુપુત્ર જનુ એની માંના પેટમાંથી નહિ, દિવાળીમાં સેવ પાડવાના સંચામાંથી બહાર નીકળ્યો હશે, એવો શરીરના તમામ અંગો ગૂંચળા વળેલા આકારનો હતો. દર ત્રીજી મિનિટે એ માથા વડે હવામાં બે ઝટકા મારતો હતો. રહ્યું એનું બૈરૂં? પેન્સિલ છોલવાના સંચામાં એક કાણું હોય, એવા આની પાસે બે કાણા નાકમાંથી નીકળતા હતા. આમ ચેહરેમોહરેે હાલ પૂરતા કોઈ ફેરફારો કરાવવા જેવા નહોતા, તો ય દેખાવમાં એ મૂછો વગરના પાકિસ્તાની ક્રિકેટર જાવેદ મીંયાદાદ જેવી દેખાતી હતી. દરેક વાક્ય તે એકએક ઝાટકા સાથે બોલતી હતી. ડ્રોઇંગ-રૂમમાં એ મારી સામેના સોફા ઉપર બેઠી, એ બહુ ખોટું થયું કારણ કે ભ્રમ મારો હતો કે એ જેટલી વખત શ્વાસ લે છે એટલી વખત હું સોફા સાથે એની તરફ ખેંચાઈ જઉં છું. હું મારા ઉતાવળીયા કામ માટે કેવળ બે-ત્રણ મિનિટ માટે આવ્યો હતો ને આ પરિવાર એક પછી એક નવી આઈટમો રજુ કરે જતો હતો.

આઘાત હજી બાકી હતો. રામ જાણે આ બન્ને જણા કયા ખેતરમાં જઈને વાવણી કરી આવતા હશે કે, હજી એનાં અઢી-ત્રણ વર્ષનાં ચોથા છોકરાનું વિમોચન બાકી હતું, જે મારા હસ્તે કરાવવાનું હોય એમ, ''જાઓ ગાયત્રીપ્રસાદ બેટા... અશોક દાદાને હાથી કેમ ચાલે એ બતાવો તોઓઓઓ..!''એવું એની મમ્મીએ કીધું. હું નદીના પટ ઉપર નવું સર્કસ લઈને આવ્યો હોઉઁ અને સારા સારા જાનવરોના ઈન્ટરવ્યૂઝ લેવા આવ્યો હોઉં અને આ પર્ફોર્મન્સ મને બતાવાવમાં આવે, એ સમજી શકાય, પણ ગાયત્રીપ્રસાદ આ લોકોનો ય બાપ નીકળ્યો... આઇ મીન, 'નીકળ્યું'! હાથી તો એની બહેનના લગ્ન કરાવવા ગયો, પણ ગાયત્રીપ્રસાદે આ લોકોને કોઈ રીસ્પૉન્સ જ ન આપ્યો. કબાટમાં ફસાયેલું કોઈ કૂતરું જોતો હોય, એમ એ મારી સામે ટગર ટગર જોવા લાગ્યો. આપણે ય માણસ છીએ ને આપણને ય બીક તો લાગે ને કે, 'વૉટ ઈઝ નૅક્સ્ટ નાઉ?'

આખું ફેમિલી ગાયત્રીપ્રસાદની પાછળ પડી ગયું, 'દાદાને હાથીની ચાલ બતાવો, બેટાઆઆઆ..!'

''સુરૂ ભ'ઈ, ઇફ યૂ ડૉન્ટ માઈન્ડ... તમને વાંધો ન હોય તો હાથીની ચાલ હું બતાવી દઉં? પ્લીઝ, હું અગત્યના કામે આપને ત્યાં આવ્યો છું તો-''

''અરે રાજ્જા, કામો તો થતા રહેશે, પહેલા જુઓ તો ખરા કે અમારો ગાયત્રીપ્રસાદ શું શું કરી શકે છે?''સુરીયાએ સોફો છોડીને ભોંય પર બેસીને પેલાને બન્ને હાથના ઈશારે પોતાની પાસે બોલાવ્યો. ''ઓકે મારા લાલા... હાથીની ચાલ ન બતાવે તો કંઇ નહિ... માલું ડીકલું... એક વાર...''

ત્યાં જ, અત્યાર સુધી માણસ રહેલા એમના અન્ય ત્રણ બાળકોમાંનો રમણ બોલ્યો, ''દાદાજી, આ એ જ અશોક દાદા છે ને... જે તમે કે'તા 'તા કે, અક્કલનો છાંટો ય નથી ને બુધ્ધિ વગરના હાસ્યલેખો લખે છે..?''આ લોકોએ રોકવાની કોશિષ કરી તો ય પેલો બોલતો બોલતો રસોડામાં જતો રહ્યો, ''દાદી, તમે ય કે'તા ને કે, અસોકીયાનું તો એની વાઈફ પાસે ય કંઈ ઉપજતું નથી... હુર્રેહુર્રે... હુર્રેહુર્રે...''

''બસ, દાદુ જવું છે..? ફરી કોક વાર આવો, આ બાજુથી નીકળો તો...!''

સિક્સર:
વાચકોમાંથી કેટલા જાણે છે, 'સાચા શબ્દો?'લખાતું ભલે 'કરાઓકે'લખાય, પણ બોલવામાં સાચો ઉચ્ચાર 'કૅરીઓકી'છે. 'લિંગરી'નહિ, પણ 'લાઈન્જરી', 'મૉમેન્ટો'નહિ, 'મેમેન્ટો' ...અને, 'ઝૅરોક્સ'નહિ, ફોટોકૉપી બોલાય!

ડોહા....હવે તમને હાંઇઠ થયા!

$
0
0
આ પણો કૅસ હવે પતવા આવ્યો છે, એની નિશાનીઓ કઇ કઇ? 

માથાના વાળ ઉતરીને આંખોની ભ્રમર અને કાનમાંથી બહાર નીકળવા માંડે. બખોલમાં અંદર ૮-૧૦ દાંત ગાયબ હોય ને નવા નંખાવ્યા હોય, એ ફાવતા ન હોય! પગના અંગૂઠા અને આંગળાના નખ બૂટ ફાડીને બહાર આવે ત્યાં સુધી કાપવા માટે નીચા વળાતું ન હોય! હજી ઉંમર થઇ નથી, એ બતાવવા માથે વાળ ઉપર કાળી ઝમ્મ જેવી ડાઇઓ એવી લગાવી હોય કે, લિસોટા કપાળની ચામડી સુધી ઉતરી આવ્યા હોય! એમાં ય, હવે બહાર મોંઘી પડે ને ઘેર જાતે ડાઇ કરવામાં થાકી જવાતું હોય, એટલે કાળા ભમ્મર વાળ વચ્ચેની સફેદ પાંથી રિવરફ્રન્ટની જેમ ધનૂષ્યાકારે ફેલાઇ હોય! ગળા ઉપર લબડતી કરચલીઓ છુપાવવા શર્ટનું ઉપલું બટન બંધ રાખવું પડતું હોય અને બધાથી ઉપર.... વાઇફો સાલી આપણી જેમ જ સાઇઠે પહોંચી હોય છતાં ૬૦ની ''લાગતી''ન હોય, એમાં એને લઇને બહાર નીકળવામાં ય જોખમ! સામે આપણાંથી ય કોક વધારે ઘરડું મળે, તો આપણને બતાડીને વાઇફને સીધો સવાલ પૂછે, ''અલી, તારા બાપુને લઇને નીકળી છો...? જરા હંભાળજે... ડોહા ક્યાંક ગોથું-બોથું ખાઇ ન જાય!''

તારી ભલી થાય ચમના... તું એમ ના બોલ્યો કે, ''આ તારો બાબો છે, અલી?'' 

સાલી કમ્પીટીશન બહારવાળા સાથે નહિ, પહેલા તો ઘરવાળી સાથે પતાવવી પડે છે. ૬૦ના થઇએ, એટલે પહેલું લૅબલ 'કાકા'નું ચોંટી જાય, પણ પેલી તો કૂદકો મારીને ખભે બચકું ભરી લે, જો કોઇ એને 'કાકી'કહેવા જાય તો! આપણાથી સાલું... જાહેરમાં જનાવર જેવું વર્તી શકાતું નથી. (યસ, આ બીજો પ્રોબ્લેમ.... કે આપણાથી કૂદકો 'ઉપર'હવામાં નથી મારી શકાતો... નીચે જેટલું ગબડવું હોય એટલું ગબડો, કાકા!) છતાં કોકવાર મન ભરાઇ આવે, ત્યારે વાઇફને પૂછીએ, ''ગોદાવરી, હાંઇઠ થયા... હવે તારા પ્રમાણમાં હું વધારે ઘરડો લાગવા માંડયો છું, નહિ?'' 

''હવે...''? બસ. એનું આટલું પૂછવું કાફી છે. 

ઉંમર થઇ તો જાય છે પણ સ્વીકારવી કે કબૂલવી ગમતી નથી. ફિઝિકલ-ફિટનૅસનો એકે ય ટેસ્ટ પાસ કરી શકો એમ નથી, છતાં હજુ જીન્સ ઉપર જર્સીઓ પહેરવાની! સુંદર સ્ત્રીઓ સામે હવે છાનામાના જોઇ લેવું પડે છે, પણ એ પ્રોજેક્ટમાં એ સ્ત્રી અથવા આજુબાજુનું કોઇ આપણને જોઇ ન જાય, એનું ધ્યાન રાખવું પડે છે. જે ગમતી હોય તે આપણાં પ્રેમોમાં પડવા ન આવે ને જે પડવા આવે, એ સાલી આપણાથી દસ-પંદર વર્ષ મોટી હોય! એને શું ઘેર બેસાડીને, 'રાધેરાધેરાધે'ની ધૂનમાં હિંચકા ખવડાવવાના? ભારોભાર રોમેન્ટિક થઇને આવીઓ સાથે સાંજે ફ્લેટની બાલ્કનીમાં અંધારૂં કરીને, પંડિત રવિશંકરની સિતાર સાંભળતા વ્હિસ્કી પીવા બેસીએ, ત્યારે ડોસી દાંતે છીંકણી ઘસવા બેઠી હોય! મતલબ, એને બક્કીઓ ભરવાના કાર્યક્રમો તો બાકીની આખી જીંદગીમાં કૅન્સલ...?? સાલી બકી ભરીએ છીએ કે એની માંને મલમ ચોપડીએ છીએ, એ જ ખબર ન પડે! સુઉં કિયો છો?

હજી કંઇક બાકી રહી જતું હોય તેમ, ઘરમાં આપણે કોઇને હવે ગમતા ન હોઇએ. છોકરા અને વહુઓ રાહ જોઇને બેઠા હોય કે, ડોહો ઊભો થાય ને બહાર જાય તો આપણો કંઇક પ્રોગ્રામ બનાવીએ. મેં છોકરાઓને ઉછેરવામાં આખી જીંદગી મજૂરીમાં ખર્ચી નાંખી અને મારો હાથ પકડીને ઊભો કરવામાં ય એ લોકોને જોર આવે છે, એવી બધી સહાનુભૂતિવાળી વાતો બકવાસ છે. આપણા જ કર્યા આપણે ભોગવીએ છીએ. તમે તમારા માં-બાપને હડધૂત કરીને રાખ્યા હોય કે કાઢી મૂકીને ઘરડાંના ઘરમાં મોકલ્યા હોય, એ નફ્ફટાઇ છોકરાઓએ નાનપણથી નજર સામે જોઇ હોય, એટલે વારો તમારો આવે, ત્યારે એ લોકો બાપ ઉપર જ ઉતરવાના છે ને? (''ન ઉતરે તો''ચિંતા થાય કે, 'હાળા, છોકરાઓ તો મારા જ છે કે-----?')

બસ. પછી તો ભૂતનું ઠેકાણું આંબલી, એમ રોજ સાંજ પડે એટલે ગાર્ડનમાં પહોંચી જવાનું. જે તનથી થઇ ન શકે, એ ચક્ષુથી કરવાનું. આ પહેલા એક લેખમાં લખી ગયો છું, એ મને મારૂં નિરીક્ષણ ગમ્યું છે, માટે રીપિટ કરૂં છું કે, ગાર્ડનમાં એકલાઅટૂલા બાંકડે સૂનમૂન બેઠેલા બધા ડોહાઓ ઉપર દયા ખાવા જેવી નથી. એમના સમગ્ર બૉડીમાં સૌથી વધુ પાવરફૂલ એમની આંખો હોય છે. કિચનના પ્લૅટફૉર્મ ઉપર ભીનું પોતું પડયું હોય, એમ ગૂંચળું વળીને ડોહા ઉદાસ બેઠા હોય, પણ વીર અર્જુનની માફક એમને એમનું લક્ષ્ય યાદ હોય. ગાર્ડનમાં 'વૉક'લેવા ગોળ ગોળ ચકરડા મારતી વ્હાઇટ સ્પૉર્ટ્સ-શૂઝ, ટાઇટ વ્હાઇટ પૅન્ટ અને ઉપરનું બૉડી સાઉથ ઈન્ડિયામાં બનાવડાવ્યું હોય, એવા આકારો ઊભા કરતી રંગીન જર્સી પહેરેલી કોક પરફૅક્ટ-ફિગરવાળી આવતી દેખાય, એટલે ગૅસ ઉપર કાચો પાપડ શેકવા મૂક્યો હોય ને અગનઝાળ લાગતા જ કાચી સેકંડમાં ગૂંચળું છોડીને કડક-કડક થવા માંડે, એમ ડોહો ટટ્ટાર થઇ જાય. બધી નર્વસનેસ જતી રહે અને ચેહરા ઉપર સવારના સૂરજ જેવું સ્માઇલ આવી જાય. પેલી પસાર થઇ ન જાય ત્યાં સુધી ઊંડા શ્વાસ લઇને પેટ અંદર અને છાતી બહાર! તારી ભલી થાય ચમના.... પેલી ક્યાંક તારી દીકરીની ઓળખિતી નીકળી તો હલવાઇ જઇશ! પણ જેવી એ દેખાતી બંધ થાય, કે ધીમે ધીમે પેલા ઊંડા શ્વાસો છુટવા માંડે (પેલી બાજુમાં બેઠી હોત, તો શ્વાસ કાયમ માટે છુટી જાત!) પેટ પાછું બહાર આવવા માંડે ને બૉડીનું ગૂંચળું પાછું વળવા માંડે. પાછા ડોહા બાંકડાના ખાડામાં સમાઇ જાય.

પેલીને એક રાઉન્ડ પૂરો કરતા મિનિમમ ૧૨-૧૫ મિનિટ તો થવાની... ત્યાં સુધી ઊંડા શ્વાસો લેવા જતા ચઢેલો હાંફ સરભર થાય! આ તો એક વાત થાય છે.

હવે ધારણાઓ ઉપર ચઢી જઇએ ને માની લઇએ કે, પેલી (''સાઉથ ઈન્ડિયન ટચવાળી''.... આ તો જસ્ટ, તમને યાદ અપાવવા પૂરતું!) ખરેખર ડોહાના પ્રેમમાં પડી જાય તો?

''એમ કાંઇ બાપાનું રાજ ચાલે છે...? અમે નથી બેઠા...??''એવો ગુસ્સો ન કરતા! આ તો એક વાત થાય છે. પહેલો સવાલ એ ઊભો થાય કે, પેલી હા પાડે અને પ્રેમો શરૂ થઇ જાય તો ડોહા એને લઇ ક્યાં જાય? વૉટ્સઍપોમાં શું શું લખે/મોકલે? હોટલમાં શું મંગાવે? ''કાકા, તમારા માટે વડા-પાઉં ને તમારી દીકરી માટે...?''પ્રેમોમાં તો કૅડબરીઓ અડધી-અડધી તોડીને (બાઇટ લઇને) ખાવાની હોય છે, અથવા સૉફ્ટ-ડ્રિન્ક્સ એક બૉટલમાં બે ભૂંગળીઓ (સ્ટ્રૉ) નાંખીને ધીમેધીમે પીવાની હોય, એમાં આને તો ખિસ્સામાંથી પહેલા બે ટીકડીઓ કાઢવી પડે... ''માઝા''માં અડધી-અડધી થાય, દવાની ટીકડીઓમાં નહિ! વાત થોડી આગળ વધી ને કાકા પેલીનો હાથ પોતાના હાથમાં લેવા જાય, પછી ખબર પડે કે, ક્યારનો ખુરશીનો હાથો પંપાળ પંપાળ કરૂં છું.... વાંચવાના ચશ્મા ઘેર રહી ગયા'તા!

બીજું બધું તો આપણે ય ચલાવી લઇએ, પણ પેલી યન્ગ છે એટલે ચાન્સીસ પૂરા કે ડોહા સાથે ફૉર્મ ભર્યા પછી સારી કંપનીનો કોઇ નવો ઈસ્યૂ બહાર પડતો હોય, ને પેલી બીજામાં લપેટાઇ જાય તો કાકાને પરિમલ ગાર્ડનને બદલે કાંકરીયાના બાંકડે જવાનો વખત આવે....કે, પાછા આવવું નહિ! મોટી ઉંમરે નાની સ્ત્રી સાથે પ્રેમમાં પડવામાં સૌથી ખતરનાક વિચારો એ આવે કે, એની ઉંમરનો કોક જુવાનીયો મળી ગયો હતો... બધા ગાર્ડનમાં કાંઇ ખાલી બાંકડા નથી હોતા!

ત્રીજાવાળું તો તમે ય ન ચલાવી લો કે, કાલ ઉઠીને ડોસી આવો કોઇ બાંકડો ભરી આવી ને કાકાને ખબર પડે તો એ જ બાંકડા નીચે કબર ખોદીને ત્યાં તખ્તી મૂકાવવી પડે, ''અહીં સૂતો છે, ભ્રગુકુમાર, ઉંમર બોઉંતેર, નિવાસી કૂકરવાડા... જે બેવફાઇના આઘાતમાં દેવ થઇ ગયો!''

....ને આટલું બધું લખ્યા પછી ય, જમાનાભરના કાકા-કાકીઓને અપીલ કરૂં છું કે, લાંબુ અને તંદુરસ્ત જીવવું હોય તો જીવનમાંથી રોમાન્સ કાઢી ન મૂકશો. શરીર જ નહિ, મનને પણ દુરસ્ત રાખવા માટે છેલ્લા શ્વાસ સુધી સુંદરતા ગમવી જ જોઇએ. ઈચ્છો તો ય, તમારૂં ચરીત્ર બગાડી શકવાના નથી. રક્તપીત્તીયા સામે કોઇ મુગ્ધ થઇને જોતું નથી. મન તો સુંદર દ્રશ્યો જોવાથી જ ભરાય છે. સુંદરતા આમે ય માર્કેટમાં ઓછી પડે છે. તમે નહિ જુઓ તો બીજા જોશે. અને આ ઉંમરે હજી બે ઘડી રાજી થાય બિચારા... તમે થાઓ છો તેમ! ઉંમર એની.... હમણાં કહું ત્યાં ગઇ, તમે ત્યારે લહેર કરો. મુસ્કુરાઇને જીવો. હજી જીન્સ ઉપર જર્સીઓ પહેરવાની!... બાંકડે મસ્તીથી બેસવાનું.... હઓ!

યાદ રાખો. જગતની સર્વોત્તમ ચીજો 'ચીજ'નથી હોતી! ધી ગ્રેડ બૉક્સર મુહમ્મદ અલીએ કહ્યું છે, ''અત્યારે ૫૦ વર્ષની ઉંમરે જે ''જે માણસ ૨૦ વર્ષનો હોય, એમ જગત જુએ છે, એણે જીવનના મૂલ્યવાન ૩૦ વર્ષો વેડફી નાંખ્યા છે.'' (આમાં કંઇ સમજ પડી? મને નથી પડી, માટે પૂછું છું!) 

સિક્સર: 
જે ખરેખર 'ફિક્સ'થઇ ગયેલી મૅચ છે, એ કોઇ પૂછતું નથી... વિરાટ કોહલી-અનુષ્કાની મૅચ!

લડકી પસંદ હૈ

$
0
0
પ્રેમોમાં તો 'સરસ્વતિચંદ્ર'ના જમાનામાંય પડાતું. ઓછી આવડતવાળાઓ પ્રેમોમાં નહિ, તો પ્રેમમાં પડતા. એ સમય હતો શુધ્ધ ચરીત્ર જાળવી રાખવાનો અને એવા ચરીત્રનો પ્રભાવ પાડવાનો. છોકરીઓના નામો કાંઈ આજના જેવા, 'મિશ્ટી', 'કલ્કી', કે 'મૅઝી'જેવા નહોતા. એ વખતની બધી છોકરીઓના નામની પાછળ 'તારા', 'સુંદરી', 'કાન્તા', 'લક્ષ્મી'કે 'બાળા'જેવા સફિક્સ લાગતા, જેમ કે નયનતારા, કુમુદસુંદરી, મધુકાન્તા કે વીરબાળાઓ બહુ ફૅશનેબલ નામો કહેવાતા. પાછળ બોચીથી શરૂ કરીને આગળ ઠેઠ કપાળ સુધી ખેંચી ખેંચીને પાંથી પાડીને ખચાખચ તેલવાળા બે ચોટલા રાખનારી છોકરીઓ, ''બઉ ફેસ્સન મારે છે...''એમ કહેવાતું.

યુવાન છોકરાઓ પ્રેમમાં સફળ થઈ ચૂક્યા હોય તો ય, સફેદ સુતરાઉ ખમીસ (શર્ટ)ની નીચે ધોતીયું પહેરતા. પ્રેમમાં એમનો આદર્શ 'સરસ્વતિચંદ્ર'હતો. કોણી વાળીને હાથમાં 'અભિજ્ઞાન શાકુંતલમ'જેવું પુસ્તક પકડીને સ્ટુડિયોમાં ફોટો પડાવી આવવાનો. એ જ ફોટો પરિવારના ગોર મહારાજ પાસે રહેતો, જે ઘેરઘેર ફરીને કન્યા શોધવા એના માં-બાપને બતાવે.

પણ પ્રેમમાં પડવું આજનું જેવું ઈઝી નહોતું. મનમાં વસી ગઈ હોય, એને યાદ કરતો હોય, એમ જમણા હાથની પહેલી આંગળી જમણાં લમણે અડાડેલી રાખીને સ્ટુડિયોની છત પાસેની અભેરાઈ તરફ જોવાનું, જેથી સનમને જોતો હોય એવો ભાવ મુખ પર પ્રગટ થાય. ફોટો ડૅવલપ થઈને આવે અને પેલીને મોકલાવીએ ત્યારે ખબર પડતી કે, સનમ કરતા અભેરાઈના ફોટા સારા આવે છે. પછી તો આવી ટેવ સાહિત્યકારોમાં ય પડી. જૂના કોઈ લેખક-કવિના ફોટા જોશો તો લમણે આંગળી અડાડયા પછી જ ફોટો પડાવ્યો હશે. શક્ય છે, સમાજને એવો સંદેશો આપવાનો હોય કે, મને બધું લમણામાંથી સૂઝે છે.

પણ એ જમાનામાં પ્રેમમાં ય ભાગ્યે જ પડાતું. પડાય તો બોલાતું નહોતું ને બોલાય તો કોઈ સાંભળતું નહોતું. પછી તો જે સુધાલક્ષ્મી હાથમાં આવ્યા, એમની સાથે પરણી જવાનું. 'પરણી જવાનું'પણ છીછરા શબ્દો કહેવાતા... 'પ્રભુતામાં પગલાં પાડયા'કહેવાતા... તારી ભલી થાય ચમના... પહેલા બહારથી પગ ધોઈને ઘરમાં આય... ઘર આખામાં છાણ-છાણવાળા પગલાં પાડી ચૂક્યો છું, તે!

પણ નસીબનો દાઝેલો હોય ને કોઈ રમાગૌરી હાથ લાગી ગઈ ને બે ય પ્રેમમાં પડયા પછી જુઓ મઝા! ગામડાં તો જાવા દિયો, ઈવન શહેરોની વાત કરીએ તો અમદાવાદ શહેર જ ભદ્રકાળીના કિલ્લે પૂરું થઈ જતું, એટલે છાનુંમાનું ક્યાંય મળવાની તો વાત જ ભૂલી જવાની! બારેમાસ-નહિ આપી શકાયેલા પ્રેમપત્રોથી જ કામ ચલાવવાનું. યાદ તો ચોવીસે કલાક આવે, એટલે ઘરની બારીમાંથી આકાશ તરફ ઊંચે જોતા જોતા અદબ વાળીને મૂંગા ઊભા રહેવાનું, એમાં પેલી યાદ આવી ગઈ કહેવાય. ''તેરે મુંહ મેં કૅડબરી હૈ, ઇસ લિયે તો મુઝે 'વરી'હૈ''જેવા આજના જેવા શેરો-શાયરા ટંકાતા નહોતા. એમાં તો બા ય ખીજાય. એ વખતે તો, એના બાપને ય મગજમાં ન ઉતરે એવી કાવ્યકણિકાઓ સનમની યાદમાં મનમાં બોલે રાખવાની, ''અવનિની અગમ્ય ગગનમણિકા, વ્યોમના પાર્થિવ નિરભ્ર નયનો...!''તારી બીજી વાર ભલી થાય ચમના, આમાં અમે જ કાંઈ સમજ્યા નથી તો રમાગૌરી તો તઇણ ચોપડી પાસ છે! કંઈક મગજમાં ઉતરે એવું લખ. મધુરજની એટલે કે લગ્નની પહેલી રાત્રે એનો ઘુંઘટ ઊંચો કરતા ખબરદાર જો આવું કાંઈ પેલીને સંભળાવ્યું છે તો...! આમાં પેલીને એટલી જ સમજ પડશે કે, લગ્નવિધિ દરમ્યાન ગોરમહારાજ કોઈ શ્લોક બોલવાનું ભૂલી ગયા લાગે છે, તે આ પૂરો કરે છે. આમાં ચાલુ હનીમૂને તારું માન વધ્યું કે ગોરમહારાજનું?

પણ માની લો કે, સમાજની ઐસીતૈસી કરીને બન્ને જણા કેમ્પના હનુમાન બાજુ કોક ઝાડની નીચે મળ્યા, તો વાતાવરણનો સાહિત્યિક જ - એટલે કે, સરસ્વતિચંદ્ર-બ્રાન્ડનું જ રહેવાનું. ત્યાં એ લોકો અડધી અડધી કૅડબરીઓ ના ખાય. ત્યાં તો ઘેરથી રૂમાલમાં વીંટાળીને પેલો ગુલાબનું ફૂલ સાચવી સાચવીને લઈ ગયો હોય, એ પેલીના ચીકણા તેલવાળા અંબોડામાં ખોસવાનું. અને શબ્દો એટલે કે, પ્રેમની અભિવ્યક્તિ પણ કેવી રીતે? આમાં સીધેસીધું ઝાડ નીચે બેસી જવાનું ન હોય. બે પગ સહેજ પહોળા કરીને, હાથોની અદબ વાળીને પચાસેક ગ્રામ રિસાયેલા મોંઢે બોલવાનું, ''કેમ સ્વપ્નોમાં આવીને સતાવ્યા કરો છો, ભ્રગુલક્ષ્મી...?''તો જવાબમાં ભગુડી ય છણકો ના કરે કે, ''સ્વપ્નામાં નહિ તો કહેતા હો તો તમારા રસોડા કે માળીયામાં આવીને સતાવું, પ્રેમશંકર...?''

આ પછીના તબક્કાઓમાં આપણે કરતા હતા, એવું કશું ના આવે. બન્નેની બાઓ ખીજાય. પ્રેમનો ઉન્માદ વધે, એમ પેલાની કાવ્યપંક્તિઓ વધે ને ભગુડીનું શરમાવાનું વધે... કેમ જાણે કવિતાના એકેય શબ્દની ખબર પડતી હોય! અડવા-બડવાની તો વાત જ જાવા દિયો. ભૂલેચૂકે ય ભ્રગુલક્ષ્મીના હાથને અડી જવાયું, એમાં તો બબ્બે કીલો શરમના શેરડાં પડી જાય ને છેલ્લા છસ્સો વર્ષોથી બોલાતી વાત બોલાઈ જાય, ''જાઓ ને... શરમાતા ય નથી? પિતાશ્રી જોઈ જશે તો?''અરે ડોબી, પ્રેમશંકર તારા પિતાશ્રીને નહિ, તને અડવા આવ્યો છે. ખોટી ડાયલીની સુઉં થાસ..?

'વૉટ્સઍપો'તો જાવા દિયો, એ વખતે પ્રેમપત્રો ય ભાગ્યે લખી શકાતા. લખાય એટલા અપાતા નહિ, અપાય એટલા વંચાતા નહિ, વંચાય એટલા સમજાતા નહિ અને સમજાય એ બધા પિતાશ્રીના હાથમાં જતા. (આમાં તો પાછો, પિતાશ્રી ય એમનો જ ને? ભાવિ જમાઈરાજને ધોકે ચઢાવવાને બદલે પત્રમાંથી વ્યાકરણની ભૂલો કાઢવા બેસે... તારા બાપની ય ભલી થાય ચમની... પેલો ઘરની સામે ઝાડ નીચે ઊભો ઊભો ક્યારનો ય અરીસા વડે ઘરમાં તડકો ફેકે રાખે છે, એમાં ધ્યાન આપવાને બદલે તું ય પિતાશ્રીને સમજાવવા હાલી નીકળી છો, ''બાપુજી, 'પ્રિયા'માં તો હ્રસ્વ-ઈ જ આવે... દીર્ઘ-ઈ નહિ! પ્રેમશંકરે બરોબર લખ્યું છે!''હવે તો તું વહેલી તકે પહેલી ગાડીમાં પ્રેમશંકરના ઘેર ઉપડી જજે, પણ આવા વ્યાકરણીયા બાપના ઘેર ન રહીશ...! કોઇ પંખો ચાલુ કરો.

આજના સમજુ છોકરાઓ સીસીડી-માં બિલ પેલી પાસે ચૂકવાવે છે. (આપણે તો કેટલે ઠેકાણે ચૂકવવા...? આ તો એક વાત થાય છે!) ત્યારે પ્રેમશંકરના જમાનામાં હોટલો તો હતી નહિ, એટલે ઝાડ નીચે બેઠા બેઠા, દૂરથી જતા ચનાજોર ગરમવાળાને કાવ્યાત્મક સાદ દઈને બોલાવવાનો. અહીં ભ્રગુલક્ષ્મી ઉપર પ્રભાવ પાડવાનો હોવાથી પૈસાની રકઝક કરવાને બદલે મૂળ ભગુડી ઉપર અને ભગુડી માટે લખાયેલી કવિતા ચનાજોર ગરમવાળાને સંભળાવવાની. પેલો ખભે લાલ ઘમચો નાંખીને ઊભડક પગે બેઠો હોય, એને એટલી જ આશા હોય કે, સેઠની કવ્વાલી સાંભળીશું તો બે ડબલી ચણા વધારે લેશે. પ્રેમલો ઘેર ગયા પછી રાત પડવાની રાહો જુએ. સાંજે તો ઘરમાં બધા હોય ને વાતો થતી હોય, એમાં ભ્રગુલક્ષ્મીને શેં યાદ કરાય? આખી રાત પડખા બદલી બદલીને ગાદલાંમાં ખાડા પાડી દીધા હોય. બારી ઉઘાડીને ચંદ્ર સામે જોઈ આવે. પેલી બાજુ ભગુડી તારા જોતી હોય કારણ કે ચંદ્ર તો પ્રેમશંકર છે, એટલે અડધી રાતલડીએ તારાઓને કામે વળગાડે, ''હે નભના ચમકતા તારાઓ, તમે આંઈ ના આંઈ ઉભા રે'વાને બદલે રાજપુત શેરીમાં મકાન નં.૩ ઉપર જઈ આવો. મારા સાજણનું સરનામું પૂછશો તો અડધી નીંદરમાં સૂતેલું કૂતરું ય બતાવશે, પણ જોજો ખરા... ને કે'જો, ''આંઇ પણ નીંદરૂં નથ્થી આવતી. બપોરે ભૈયાજીના દેખતા મારા વાળની લટું ખેંચવાની શી જરૂર હતી, સાજણ?''

આવું-આઇ મીન, ઝાડની નીચે બે-ચાર વાર મળવામાં તો અડધા ગામને ખબર પડી ગઈ હોય. એ જમાનામાં તો બાપ દીકરીના બરડા ય ભાંગી નાંખતા. પ્રેમશંકરના પિતા ય ધાગાધાગા થઇને દીકરાના પરાક્રમો ઉપર ઉધરસો ખાધે રાખતા હોય. ભારે ગુસ્સે થયેલા બાએ રસોડામાં દાળ-શાકમાં કપડાં ધોવાનો પાવડર નાંખી દીધો હોય.. એ બધું બે-ત્રણ મહિના ચાલે ને છેવટે બેમાંથી એક પાર્ટી બુધ્ધિશાળી નીકળે અને લગન લેવાનું નક્કી થાય, ત્યારે માંડ કેસ ઊંચો મૂકાય.

એ પછી અમારો જમાનો પ્રેમોમાં પડવાનો આવ્યો. 'સાજણ'ને બદલે 'ડાર્લિંગ'આવી. ''મારા રૂદીયાની રાણી ચંપા'ને બદલે પ્રમીલા, જ્યોતિ, મીના અને પ્રજ્ઞાઓ આવી. પાનકોર નાકેથી લીધેલી સવા ત્રણ રૂપીયાની અત્તરની શીશીનું ટપકું આંગળી ઉપર અડાડીને લવ-લૅટર ઉપર ઘસવાનું આવ્યું. જાતે આપવા જઈએ તો માર પડે, એટલે આવા સાહસના કામો ધૂળજીના હાથમાં પચાસ પૈસા પકડાવીને થવા માંડયા, એમાં તો અનેક કિસ્સામાં અમારા બદલે ધૂળજીઓના પ્રેમોમાં પેલીઓ પડી જતી. આવા ધૂળજીઓ પાછા આપણને 'સૉરીઓ''કહેવાય ન આવે. હવે તો કોઈ પંખો ચાલુ કરો...!

અમારા જમાનામાં, સહુ પ્રેમીઓમાં થોડી હિમ્મત અને થોડી બુધ્ધિ વધી હતી. પ્રમાણમાં અમારા લોકોનું કામ સરળ હતું. શાકભાજીના સમયે પોળને નાકે ઊભા રહેવાનું, દૂરથી પેલી આવતી હોય, ત્યારથી દૂરબીન સૅટ કરી લેવાનું અને એ પસાર થઈને દેખાતી બંધ ન થાય ત્યાં સુધી મૂકી આવવાની... (કેવળ નજરથી મૂકી આવવાની... નહિ તો 'મૂકનારાઓ'પોળે પોળે પચાસ ઊભા હોય.) રોજની બસ્સો જોવાની, એમાંથી એકાદી તો આપણને પાસ કરે, એ માટે મોટા અંબાજીની પાંચ પૂનમ ભરવાની બાધાઓ રાખવાની. ત્યાં અંબાજીમાં પાછા આપણા ને આપણા બાધાવાળાઓ ભટકાય! સુઉં કિયો છો? ''તારે કોની બાધા છે? ગીરિયાની છોકરી સ્મિતાડીની?''પેલો જવાબે ય આપે, ''ના. મને તો પૂજાડી ''છોડે''એની બાધા મૂકવા આયો છું.''

ચક્ષુ-વિવાહો માટે તો સાંજે ઊભા રહેવાનું હોય પણ બપોરે નવરાશના સમયે એ તપાસ પણ કરી લેવાની કે, એના ખડતલ ભાઈઓ આપણને ફટકારે એવા તો નથી ને? સબ સલામત લાગે, તો જ ઊભા રહેવાનું, સળંગ આઠેક દિવસ એ ન દેખાય તો સમજી લેવાનું કે બાજુની પોળનો કોક મોરલો કળા કરી ગયો છે. કમ-સે-કમ, અમારા ખાડીયાની તમામ છોકરીઓ ધારવા કરતાં વધારે બુધ્ધિશાળી નીકળી અને ખાડીયાના એકે ય છોકરા સાથે પરણી નહિ. ભલે આમ તો, બધા છોકરા બચી ગયા કહેવાય, કારણ કે વર્ષોના વરસ ઘરમાં દારૂગોળો કોણ ભરી રાખે? આ તો એક વાત થાય છે!

પણ તો ય, અમારા વખતમાં જમાનો (એટલે કે અમે) થોડો આગળ વધ્યો હતો. શહેર મોટું થવાથી તેમજ હોટલો-ઉદ્યોગનો બહુગામી વિકાસ થવાથી અમારા પ્રેમો બગીચામાંથી બહાર નીકળીને હોટલોમાં ઘુસ્યા હતા. હોટલ એટલે રેસ્ટોરાં. પચાસ પૈસાની વેઇટરને ટીપ આપવાથી બીજી વાર, ''ઓર ક્યા લાઉં, સા'બ...?''પૂછવા ન આવે. બે-પાંચ વર્ષ 'લવ'ચાલે, એ પછી બેમાંથી એકને ક્યાંક સારું મળી ગયું હોય...!

...અને આજે?

આજે કામ સાવ સરળ થઈ ગયું છે. 'વૉટ્સએપ'માં 'આઈ લવ યૂ'નો ગ્રૂપમાં એક જ મેસેજ મોકલી દો... મિનિમમ ૨૫-જવાબો આવશે, ''આઈ ટુ...!''

સિક્સર

આપણે કેટલા બધા પૈસાદાર થઈ ગયા છીએ? મોંઘી હોટેલોમાં રૂ. ૩૦૦-૪૦૦ ની એક પંજાબી સબ્જી સાથે ત્રણ-ચાર હજારનું બિલ તો બહુ ફાલતુ લાગે છે! ભણેલા ગમે તેટલા હોઈએ, બિલમાં 'આ મોટો'સર્વિસ-ટૅક્સ લગાડયો હોય, છતાં વેઇટરને તો સો-બસ્સોની ટીપ આપવાની જ! એ સર્વિસ-ટૅક્સમાં જ ટીપ આવી ગઈ હોવા છતાં જાણતું કોઈ નથી... બસ, આપણી સાથે આવેલાઓ ઉપર પ્રભાવ પાડવાનો કેટલો ઈગો સંતોષાય છે!

એનકાઉન્ટર : 03-05-2015

$
0
0
૧. કેજરીવાલની હાજરીમાં ખેડૂત લટક્યો, છતાં ભાષણ ચાલુ રહ્યું... !
- ધ્યાનથી જોવા જશો તો એ ખેડુત નથી લટક્યો... ભાજપ, કોંગ્રેસ અને 'આપ'... ત્રણે ય લટકેલા દેખાશે. સાબિત એટલું જ થાય છે કે, એકે ય રાજકારણી પર વિશ્વાસ મૂકાય એમ નથી.
(સીમા ધ્રૂવ, અમદાવાદ)

૨. તમે શિયાળામાં પંખો ચાલુ કરવાનું કદી કહેતા નથી... સ્માર્ટ છો !
- ધૅટ્સ ફાઈન... હવે ઉનાળો છે... કરો પંખો ચાલુ !
(નિશાંત પટેલ, અમદાવાદ)

૩. સ્વચ્છતા અભિયાનમાં તમે શું ફાળો આપ્યો ?
- ઓયહોય... વક્ત ગયા, બાત ગઈ... ભૂલી જાઓ સ્વચ્છતા-બચ્છતા ! હવે તો પાડવો હોય, એટલો કચરો પાડો... કોઈ નામ નહિ લે !
(અર્થવ ભાવસાર, બડોલી-ઈડર)

૪. આપે મિનિમમ રૂ. ૧૦૦ કરોડનો વીમો તો ઉતરાવ્યો જ હશે ને ?
- એટલું તો હું પ્રીમિયમ ભરું છું !
(જીતેન્દ્ર કેલા, મોરબી)

૫. તમારી કોલમમાં પોતાનું નામ છપાવીને મોટા ભાગના વાચકો રાજી થાય છે... તમને કેવું થાય છે ?
- એમ ને એમ નામ નથી છપાતું... સવાલ પણ તગડો હોવો જોઈએ. (આમાં તમે તો ના પાડવાના નહિ !)
(આસિફ પટેલ, ભાવનગર)

૬. કોંગ્રેસ પ્રિયંકાને આગળ લાવે, તો મોદીનું શું થાય ?
- કોંગ્રેસના આગળ-પાછળ-ઉપર-નીચે-જવા સાથે મોદી સાહેબને શું સંબંધ ? બેબી તો શું, હવે કોંગ્રેસને ય કોઈ પૂછતું નથી.
(વસિમ પઠાણ, વલ્લભીપુર)

૭. લક્ષ્મી ખર્ચી નાંખવા માટે છે કે પૂજવા માટે ?
- ઘરમાં કેટલા રોકડા પડયા છે, એ તપાસીને જાતે નક્કી કરો.
(શાંતિલાલ ઠક્કર, નવસારી)

૮. હવે... ડિમ્પલ કાપડિયાની ઉંમર દેખાવા માંડી છે... નહિ ?
- એમાં પૂજ્ય શ્રી જસુભાઈનું કાંઈ જાય છે ?
(અહર્નિશ જસુભાઈ પરીખ, અમદાવાદ)

૯. 'બુધવારની બપોરે'માં ક્યારેક ક્યારેક 'સિક્સર'ગાયબ થઈ જવાનું કારણ ?
- ખુદ 'બુધવારની બપોરે'ગાયબ ન થઈ જાય, ત્યાં સુધી ચિંતા નથી.
(ફઝલ સબિરભાઈ વહોરા, આણંદ)

૧૦. મારે અમિતાભ બચ્ચનને મળવું છે. શું કરું ?
- મળો.
(રાજેન્દ્ર ચૌહાણ, અમદાવાદ)

૧૧. જવાબોની જેમ સ્ટેજ પર તમે પ્રવચનો પણ ટૂંકાં કરવા છતાં, હસવું બન્નેમાં તાગડધિન્ના આવે છે... કઈ ગોળી ખાઓ છો ?
- જીરાગોળી.
(સુહાની મલય શાહ, અમદાવાદ)

૧૨. ઈન્ડિયાને અમેરિકા જેવું સ્ટેટસ ક્યારે મળશે ?
- અમેરિકાને તમારે બગાડવું શું કામ છે ?
(જયેશ કે. સુથાર, પાલનપુર)

૧૩. તમારું મનપસંદ સ્થળ કયું ?
- મારી ઓફિસના કેશિયરની ઓફિસ.
(સાહિલ જાદવ, અમદાવાદ)

૧૪. તમને નોબેલ પ્રાઇઝ સાહિત્યનું આપવા આમંત્રિત કર્યા હોય ને પ્રાઇઝ અર્થશાસ્ત્રનું પકડાવી દે તો ?
- ગિફ્ટમાં તો મને દિવેલ મળે તો ય પી જઉં એવો છું.
(સિધ્ધાર્થ છાયા, અમદાવાદ)

૧૫. દેશ માટે ઓબામાય ખિજાય એ મહત્ત્વનું કે બા ખિજાય એ ?
- ઓબામા એના ઘરમાં ખિજાય કે દેશમાં... કોઈ ગણકારતું નથી. આપણી બાઓ ખીજાય તો આપણે ડૂબી મરવું પડે !
(ફાલ્ગુન શેઠ, રાજકોટ)

૧૬. ગયા જનમમાં તો તમે બિરબલ જ હશો ને ?
- સૉરી... બિરબલ મારાં નવ રત્નોમાંનો એક હતો.
(વર્ષ જે. સુથાર, ભુજ-કચ્છ)

૧૭. જો હું 'અશોક દવે'હોત તો ?
- ખોટી લાલચો ના આપોને, ભ'ઈ !
(દેવેન વાઘેલા, ખડીયા-જૂનાગઢ)

૧૮. અમદાવાદની 'કંજૂસ'શહેરની છાપ ભૂંસાઈ કે હજી એવી જ છે ?
- અમદાવાદના જમીનના પ્લોટ કરતાં ય, આ 'ગુજરાત સમાચાર'ની મોંઘા ભાવની આટલી જગ્યા તમારા માટે વાપરી નાંખી... એને શું કહેવાય ?
(મિતેશ જે. શાહ, સુરત)

૧૯. ફિલ્મોવાળા પોલીસની છબી બગાડે છે, એવું મોદી સાહેબે કીધું, તમે સુઉં કિયો છો ?
- અત્યારે તો મોદી સાહેબની પોતાની છબી સુધારવાના દિવસો ચાલી રહ્યા છે.
(નિલેશ વૈષ્ણવ, કોડિનાર)

૨૦. દેશના વડાપ્રધાન તમે હો તો, દેશનો વિકાસ કેવી રીતે કરો ?
- પરદેશોમાં ફરી ફરીને.
(પ્રયાગ એ. પરીખ, વડોદરા)

૨૧. છાપાની એડ.માં તમારો સરસ ફોટો જોયો. બાકી તો તમે બુઢ્ઢા છો, એવો ખોટો પ્રચાર કરીને અમને મૂર્ખ કેમ બનાવો છો ?
- ૬૩ વર્ષનો માણસ બુઢ્ઢો નહિ તો શું બાબો કહેવાય ?
(મહાનંદા કા. પરીખ, અમદાવાદ)

૨૨. આ કાળઝાળ ગરમીથી બચવા શું કરવું ?
- સામાજિક મર્યાદાઓ ધ્યાનમાં રાખીને જેટલાં કપડાં કાઢીને ઘરની બહાર નીકળાય, એમ નીકળવું. શ્રેષ્ઠ યુનિફોર્મ ચડ્ડી અને બનીયન !
(વિપ્લવ જી. શાહ, અમદાવાદ)

૨૩. સમાજ ઉપર મોબાઈલના પ્રભાવ વિશે શું માનો છો ?
- હવે પછીનાં બાળકો માતાના પેટમાંથી પોતાના કાને મોબાઈલ દબાવીને જ બહાર નીકળશે.
(ચેતના ગૌરવ મહેતા, સુરત)

૨૪. વાંદરામાંથી માણસ બન્યા, પણ બાકી રહેલા વાંદરા માણસ ક્યારે બનશે ?
- વાંદરે કો વાંદરા હી રહેને દો, કોઈ નામ ન દો... !
(સુજલ પરીખ, અમદાવાદ)

૨૫. પરદેશોમાં હરવા-ફરવાને બદલે મોદીજી આતંકવાદ સામે દેશને બચાવવાનું કેમ કરતા નથી ?
- એવું કાંઈ નથી. એ ક્યારેક ક્યારેક આપણા દેશમાં આવે છે પણ ખરા... !
(દીપ્તિ ચેતન દવે, અમદાવાદ)

૨૬. તમે ફેસબુક પર છો ?
- ના... ''ખાલી''પાસબુક ઉપર જ છું.
(હેમેન્દ્ર પટેલ, નવાઘરા-ઠાસરા)

વૉટ્સઍપીયાઓ...

$
0
0
આથી હું અશોક ચંદુભાઇ દવે જાહેરમાં ભારતવાસીઓને વિનંતિ કરૂં છું કે, મને કોઇપણ પ્રકારના 'વૉટ્સઍપ'મોકલવા નહિ. મોકલશો તો હું કદી વાંચતો નથી. 

હું ય જાણું છું કે, મફતમાં મોકલાય છે, એટલે તમે મને મૅસેજો મોકલો છો. મૅસેજ મોકલવાના પૈસા લાગતા હોત અથવા મૅસેજને બદલે છેવટે ઇડલી-ઢોંસા, પૅન્ટનું કાપડ, આઇસ્ક્રીમોના ફૅમિલી-પૅકેટો કે બિયરની એકએક બૉટલ મોકલવાની હોત, તો કોઇ મોકલે એવા નથી. આ તો એમના ઉપર કોઇએ એંઠવાડો ફેંક્યો, એ આપણા ઉપર ફેંકે. એમનું પોતાનું તો કશું હોય નહિ, પણ જે કાંઇ કચરો પોતાની પાસે પડયો હોય, તે બીજાના ઘરમાં સીધી રીતે ન ઠલવાય, એટલે 'વૉટ્સઍપ'સસ્તુ નહિ... મફતમાં પડે ! 

આ લેખ છપાયા પછી મને ય ખબર પડશે કે, મને રોજ 'વૉટ્સએપ'મોકલનારા 'બુધવારની બપોરે'વાંચે છે કે એમનું વાંચન 'વૉટ્સઍપો'પૂરતું જ મર્યાદિત છે ? 

હમણાં એક જૈન મુનિએ સભામાં ઉઘાડેછોગ કીધું હતું, ''આ મોબાઇલ જ બધા વિનાશનું મૂળ છે.''એમનો ઇશારો કદાચ મોબાઇલના તમામ પાસાઓ ઉપર નહતો.... આવી બેવકૂફીઓ ઉપર હતો. એમણે પડકારરૂપી ભાષામાં એવું પણ કીધું કે, તમારા બધાના મોબાઇલો મને આપી દો... ''આપશો''? ના... કોઇ નહિ આપે. કારણ કે, મોબાઇલ વિનાનું જીવન શક્ય નથી લાગતું. હું મુનિશ્રી સાથે સહમત છું. 'વૉટ્સઍપ'માં ગંદા જૉક્સ અને સેક્સી-વીડિયોની મોકલા- મોકલી દેશને બગાડી રહ્યા છે. એવા ઇશારા સાથે એમણે આક્રોશ વ્યક્ત કર્યો હતો. 

કબ્બુલ કે, માણસ સંસ્કારી હોય તો જ્ઞાન અને વિડીયો- ન્યૂઝ પણ મોકલે. જેમ કે, કોઇકના મોબાઇલ પર મને એક અર્થપૂર્ણ મૅસેજ વાંચવા મળ્યો કે, જેની પાસે ઍ.સી. ગાડી છે, એમણે ગાડીમાં બેસતા જ એ.સી. ચાલુ કરી દેવું નહિ જોઇએ. બે મિનિટ જવા દીધા પછી ચાલુ કરી શકાય. કારણ કે, બંધ કારની સીટો, ડૅશબોર્ડ કે એ.સી.ની જાળીમાંપણ બૅન્ઝીન નામનો ટૉક્સિક કૅન્સર સર્જક કચરો હોય છે. ઍરપોર્ટ પર આપણા સામાનની રાહ જોઇને કન્વેયર- બૅલ્ટ પાસે ઊભેલા મુસાફરોને ખબર નથી કે, કેવી બેરહેમી અને પથ્થરબાજીની માફક આપણો સામાન એ લોકો લગૅજ-ટ્રોલીમાંથી ખેંચી કાઢીને બૅલ્ટ ઉપર ફેંકતા હોય છે. આવી બધી માહિતીજન્ય વિડીયો-ક્લિપ્સ પણ 'વૉટ્સઍપ'માંથી જોવા- જાણવા મળે છે. ક્યારેક તો અપ્રતિમ દેશભક્તિને લગતા ઝનૂનો પણ પ્રગટ થાય છે, જે વાંચવા ખૂબ ગમે છે તો ક્યારેક, બેનમૂન શાયરીઓ કે પેટ પકડીને હસાવે એવા જોક્સ પણ મોકલાય છે, પણ એમાં બધા મોકલનારાઓમાં પસંદગીની આવડત હોતી નથી. જે ઢગલો આવ્યો, એ પૂરેપૂરો બીજા ઉપર ઠોકી દેવાનો. પ્રોબ્લેમ એ થાય છે કે, એક મૅસેજ ખોલવા માટે કેટલી રાહો જોવી પડે છે ? બહુ ઉત્સાહથી ખોલેલા મૅસેજમાં લખ્યું હોય, ''જયશ્રી કૃષ્ણ''.... તારી ભલી થાય ચમના. ભર બપોરે તું શેનો મને ધાર્મિક મૅસેજો મોકલે છે ? ને તો ય, લાલચો વધતી જાય છે ને એક પછી એક ૧૦-૧૫ મૅસેજો ખોલતા અને વાંચતા તૂટી જવાય છે ને હાથમાં (એટલે કે) મગજમાં ઘંટડી ય આવતી નથી. ક્રિએટીવ માણસો પાસે બીજા કામો ય હોય છે, એટલે આવી ફાલતુગીરીમાં એ લોકો પડતા નથી. મારા પુત્રએ કહ્યું હતું કે, સ્વમાની લોકો માથું ઊંચુ રાખીને જીવે છે... 'વૉટ્સઍપ'વાળા બધાઓના માથા ઝૂકેલા હોય છે. નવરો પડયો નથી ને સલૂનમાં વાળ કપાવવા બેઠો હોય એમ મૂન્ડી નીચી કરીને મંડી જ પડતો હોય છે, 'વૉટ્સઍપ'જોવા કે મોકલવા ! અત્યારે જે કોઇને જૂઓ, મૂન્ડી નીચી કરીને મંડયો હોય છે. આપણને નવાઇ લાગે કે, એની બા ય ખીજાતી નહિ હોય ?

નહિ તો સૅન્સિબલ મૅસેજ કે સમાચારો માટે 'વૉટ્સઍપ'થી વધુ સારી શોધ હાલ પૂરતી તો આખી દુનિયામાં બીજી કોઇ થઇ નથી. ગ્રૂપ-મૅસેજ તો કેવી અદ્ભૂત ચીજ છે ? માત્ર પૈસા જ નહિ, અઢળક સમય પણ કેટલો બચાવી શકે ? એના બદલે, ઢંગધડા વગરના ફોટા, વિડીયો કે જૉક્સ મોકલીને પોતાનો કેટલો કિંમતી સમય બગાડે છે ? આપણો નહિ, કારણ કે, મારા જેવા તો 'વૉટ્સઍપ'ખોલતા જ નથી... સિવાય કે, કોઇ પર્સનલ મૅસેજ હોય. આવા ''ફક્ત અંગત મૅસેજ''ની મેં હા પાડી, એમાં તો એક નવોદિત કવિએ પોતાની રચનાઓ ઢેખાળાની માફક મારા ઉપર ફેંકવા માંડી ને પાછો મારો ઓપિનિયન માંગે...! તારી ભલી થાય ચમના...મને, 'મેં એક બિલાડી પાળી છે, તે રંગે બહુ રૂપાળી છે....'એ સ્કૂલવાળી કવિતા ય હજી આજે આખી આવડતી નથી ને તુ મંડયો છું, ''કૂંપળની આકાશી નિરભ્રતામાં તિતિક્ષારૂપ ધારણ કર્યું છે વૃક્ષે...''ને આવી તો સાલી રોજની ૧૫-૨૦ ગાળો... આઇ મીન, કવિતાઓ મને મોકલે. કાગળ પર લખીને મોકલી હોત તો કાગળના ડૂચા હું ચાવી જાત, પણ ૨૦-૨૫ હજારના મોબાઇલ ચાવવા કેવી રીતે ?

યસ. 'વૉટ્સઍપ'ની એક ખૂબી હું પકડી જ ન શક્યો કે, એમાં આપણે તો મગજ દોડાવવાનું હોતું જ નથી. બીજાએ દોડાવેલા મગજો ઉપર આપણી રોજીરોટી ચાલે છે. વાંચનારો ય પાછો મોકલનારને આવો મસ્ત મેસેજ મોકલવા બદલ થૅન્કસ કહે અથવા તો 'વાહવાહ'કરીને મોકલનારના વખાણો કરે. અફ કૉર્સ, એ ય, ફક્ત 'વૉટ્સઍપ'માં જ...! જોઇ લીધા પછી ચાની લારીએ કે ક્લબના કાર્ડ-રૂમમાં કોઇ પેલા મોકલનારના વખાણ કરતું નથી કે, ''વૉટ્સઍપ''તો બૉસ...ત્રિવેદીના જ ! એવી મસ્ત-મસ્ત લાવે છે ને ?''કારણ કે, એ ય જાણતો હોય છે કે, આ બધો ઉઠાવેલો માલ છે... બાકી ત્રિવેદીને શું ઘંટડી ખબર પડે છે ઉર્દું શેરો- શાયરીની ? યસ. ત્રિવેદીવાળો એ જ માલ એ પાછો ઠક્કરને મોકલે. ત્યાં ઠક્કર રાજી થાય ત્રિવેદી ઉપર...! બાય ગૉડ, વૉટ્સઍપીયાઓ તો પોતે નવી ગાળે ય બનાવી શકતા નથી, એમાં ય સદીઓથી જે ૨૭-૨૮ ગાળો ચાલી આવે છે એ જ ચાલુ રાખવાની. મોબાઇલ ફોન નવો નવો શોધાયો ત્યારે નવાઇઓ નહિ, સીધા આંચકાઓ લાગતા હતા કે, ક્યાંય વાયર-બાયર નથી ને જ્યાં લઇ જવો હોય ત્યાં લઇ જઇ શકાય, એ માટે તો સાયન્સને સલામ કરવી પડે. બસ. પછી એમાં કૅમેરા અને 'વૉટ્સઍપ'આવ્યા, ત્યારથી બધા મંડયા છે. અમારા જમાનામાં એક ફોટો પડાવવો હોય તો ગાંધી રોડની કોઠારી પોળને નાકે પરીખ સ્ટુડિયોમાં જઇને એક રૂપિયામાં એક કોપી પડાવતા, જેની ડિલિવરી ચાર દિવસે મળે... અને એ ય બ્લૅક-ઍન્ડ-વ્હાઇટ. હવે તો મોબાઇલ લેનારો/રી પહેલા કૅમેરા કેટલા મૅગા-પિક્સેલનો છે, એ જુએ છે. ત્યાંનો ત્યાંથી જ કોકને 'વૉટ્સઍપ'ઉપર નવા મોબાઇલનો ફોટો મોકલી જુએ. સામેથી જવાબ હા-માં આવે, એટલે લઇને મોબાઇલ-શોપની ભીંતોથી માંડીને બહાર નીકળીને ટ્રાફિકના ફોટા પાડવા માંડે. કપાળ ઉપર વળી બે- ચાર લટો લબડાવીને સૅલ્ફીના ૪-૫ ફોટા ખેંચી કાઢે ને જીવો બાળો, ''મોબાઇલ સારો છે, પણ ફોટા સારા નથી આવતા...''અરે વાંદરા, દુનિયાભરના કૅમેરાઓમાં જેવું મોઢું હોય, એવા જ ફોટા આવે. તું જનમથી જ ટાંપાટૈડો હોય તો સૅલ્ફો પાડે કે બીજા પાસે પડાવે... ફેરફાર તો ઉપરવાળો ય કાંઇ કરી શકવાનો નથી. મોબાઇલ હાથમાં આવ્યા પછી ગૉડ નૉવ્ઝ વ્હાય... પણ લોકો જ્યાં ને ત્યાં ફોટા ખેંચવા મંડી જ પડે છે અને મંડી પડયા પછી બીજું મંડી પડવાનું હોય છે...'વૉટ્સઍપ'પર એ ફોટા મોકલવાનું ! ને પછી સામેવાળો ય એમ કાંઇ છોડે ?? સાલાએ એની બાના ય ફોટા પાડયા હોય એ બધા આપણી ઉપર મોકલે... કેમ જાણે એની બાનું બીજે ક્યાંક સારૂં ગોતવાનું હોય ! એક વાત ખરી કે, પોતે કેવો હેન્ડસમ કે બ્યુટીફૂલ છે, એ બતાવવા હવે તો ઇવન ડોહાઓ ય 'પ્રોફાઇલ- પિક્ચર'માં હીરો-હીરોઇન સ્ટાઇલના ફોટા મૂકે છે, તો ઘણા રાઝ ખુલ્લો પડી ન જાય એટલા માટે શ્રીનાથજી બાવા કે અંબાજી માતાનો ફોટો મૂકે છે.

થૅન્ક મી... આ લેખ મેં તમને 'વૉટ્સઍપ'પર મોકલાવ્યો નથી ! 

સિક્સર 

- દરેક પત્ની 'અર્નબ ગોસ્વામી'હોય છે... આપણને બોલવા જ ન દે ! 

'ઠાકુર જર્નૈલસિંઘ' ('૬૬)

$
0
0
સૈયા સે વાદા થા, નાઝુક ઘડી થી...
હમ તેરે બિન જી ના સકેંગે સનમ...
હેલન હીરોઇન ને દારાસિંઘ હીરો

ફિલ્મ : 'ઠાકુર જર્નૈલસિંઘ' ('૬૬)
નિર્માતા : રતન- મોહન
દિગ્દર્શક : મુહમ્મદ હુસેન
સંગીત : ગણેશ
રનિંગ ટાઇમ : ૧૯- રીલ્સ
થીયેટર : અશોક (અમદાવાદ)
કલાકારો : દારાસિંઘ, હેલન, શેખ મુખ્તાર, ઇંદિરા બિલ્લી, ઇંદિરા બંસલ, જયંત, કમલ મેહરા, મદનપુરી, રત્નમાલા, ટુનટુન, રાની, મધુમતિ, સુંદર, શ્યામ કુમાર, શેખર પુરોહિત અને બેલા બોઝ



ગીતો
૧. સૈંયા સે વાદા થા નાજુક ઘડી થી, બનઠન કે યૂં : લતા મંગેશકર
૨. દિલ મિલા કે મિલો, પાસ આ કે મિલો, મુદ્દતો સેં : આશા ભોંસલે
૩. કાહે છેડે મોહે કાહે છેડે બાલાપન મેં સજના : ઉષા - લતા
૪. આઇ નૈનોં મેં કજરા ડાલ કે, જીસે ડર હો વો રખ્ખે : આશા ભોંસલે
૫. હમ તેરે બિન જી ન સકેંગે સનમ, દિલ કી યે આવાઝ : આશા ભોંસલે
૬. જામ સે પીના બુરા હૈ યે નજર સે માંગો, યે મય ઇશ્ક : લતા મંગેશકર
ગીત નં. ૧, ૩, ૫ અસદ ભોપાલી, ૨. ઇન્દિવર, ૪ અને ૬ ફારૂક કૈસર

દારાસિંઘનો તો આખા દેશના ફિલ્મ રસિયાઓએ આભાર માનવો જોઈએ કે, '૬૦ના દશકમાં એના આવવાથી ફિલ્મોમાં મર્દાનગી દેખાવા માંડી, સ્નાયુબદ્ધ શરીર જોવા મળ્યું, નહિ તો ત્યાં સુધીના દેવ આનંદો કે દિલીપકુમારોની મારામારીના દ્રષ્યો એક મજાકથી વિશેષ કંઈ નહોતા. દારા કુશ્તીનો વર્લ્ડ- ચેમ્પિયન બન્યા પછી હિંદી ફિલ્મોમાં 'કિંગકૌંગ'થી હીરો તરીકે આવ્યો અને દેશના દર્શકોને હાઆઆઆ...શ થઈ કે, પરદા ઉપર જે મારામારીઓ જોવા મળે છે, એ દારા કરે તો બરોબર છે. મને યાદ છે કે, '૬૨ની સાલમાં ફિલ્મ 'કિંગકૌંગ'આવી, ત્યારે અમારા ખાડિયામાંથી વિશ્વ વિજેતા દારાસિંઘ અને અન્ય પહેલવાનોનું 'રીક્ષા'માં સરઘસ નીકળ્યું હતું. એ પછી તો એ મશહૂર થઈ ગયો ને કોક ગુજરાતી ફિલ્મના શુટિંગ માટે અમદાવાદ આવ્યો હતો, ત્યારે મેં લીધેલા ઇન્ટરવ્યૂ દરમ્યાન દારાસિંઘ સાથે પંજો લડાવતો મારો ફોટો આજે ય મેં સાચવી રાખ્યો છે... (એ પંજા યુદ્ધમાં કોણ જીત્યું હતું, તે સૌજન્ય ખાતર મારાથી કહેવાય એવું નથી...આખિર... દારા કી ભી કોઈ ઇજ્જત હૈ...!)

ફિલ્મોમાં આવ્યો ત્યારે તો એ પંજાબનો અસલી ગામડીયો જ હતો. મસલ્સ ફુલાવવા ઉપરાંત બીજા કામો આવડતા નહોતા, એમાં ડાયલોગ્સ બોલવાનું તો પૉસિબલ જ નહોતું, એટલે આજની ફિલ્મ 'ઠાકુર જર્નૈલસિંઘ'ની જેમ એની શરુઆતની તમામ ફિલ્મોમાં એનો અવાજ 'ડબ'કરવામાં આવતો.

સ્વાભાવિક છે કે, આજની કે દારાસિંઘની હીરો તરીકેની કોઈ પણ ફિલ્મના ઠેકાણા ન હોય. આજે તો આપણી ઉપર હસવું આવે કે, 'આપણને આવી ફિલ્મો ય ગમતી હતી ?'પણ એની ફિલ્મો તો આવે એટલી બધી જોતાં. ઉંમરના પ્રમાણમાં આપણને એ વખતે પ્રેમલા- પ્રેમલીની ફિલ્મો જોઈને વહેલો કંટાળો આવી જતો, ત્યારે દારાસિંઘે આવીને થિયેટરમાં બેઠા બેઠા આપણને સ્ફૂર્તિ આપી. 'ઠાકુર જર્નૈલસિંઘ'આમ તો દારાની અન્ય ફિલ્મો જેવી જ બકવાસ હતી, છતાં પણ આ ફિલ્મના બે ગીતો મૂલ્કમશહૂર થઈ ગયા હતા. એક 'સૈંયા સે વાદા થા નાઝુક ઘડી થી'અને બીજું 'હમ તેરે બિન જી ના સકેંગે સનમ.'સંગીતકાર 'ગણેશ'નું નામ અજાણ્યું લાગશે અને ફિલ્મનું પૂરું સંગીત ય લક્ષ્મીકાંત પ્યારેલાલે બનાવ્યું હોય એવું લાગે તો તમે સાવ ખોટા નથી. આ સંગીતકાર ગણેશ પ્યારેલાલનો નાનો ભાઈ. લક્ષ્મી-પ્યારેની જૂની ફિલ્મોના ટાઇટલ યાદ હોય તો આસિસ્ટન્ટ્સ તરીકે શશીકાંત- ગોરખ નામો વંચાતા, એમાંનો શશી લક્ષ્મીકાંતનો ભાઈ અને ગોરખ પ્યારેલાલનો ભાઈ. આ ગણેશ તે પ્યારેલાલનો બીજો ભાઈ.

અમજદખાનના પિતા જયંત (ઝકરીયા ખાન), ઠાકુર સા'બ (અમર)નો વાઘના પંજામાંથી છોડાવીને જીવ બચાવે છે એનો બદલો અમર જયંતના પુત્રને મારી નાખીને આપે છે. છંછેડાયેલો જયંત અમરના પુત્રનું અપહરણ કરીને એને ડાકુ જર્નૈલસિંઘ બનાવે છે. પોલીસ- સુપ્રિન્ટેન્ડેન્ટ મદન પુરીની છોકરી હેલન સાથે દારાસિંઘને પ્રેમ થઈ જાય છે, પણ અમરનો બીજો પુત્ર શેખ મુખ્તાર પોલીસ ઇન્સ્પેક્ટર દારાસિંઘને પકડવા આમાદા હોય છે. એ પછી ફાલતુ દોડધામો અને બંદૂકબાજી પછી માંડ ફિલ્મનો અંત આવે છે. વચમાં વધારાના વિલન તરીકે શ્યામકુમારને ય સહન કરવાનો. આ શ્યામકુમારને તમે દેવ આનંદ સાથે ફિલ્મ 'જ્હોની મેરા નામ'માં 'સોના ભી જાયેગા ઔર પૈસા ભી જાયેગા'વાળી ફાઇટમાં જોયો છે. આ એ જ શ્યામકુમાર જેણે સુરૈયા સાથે 'તૂ મેરા ચાંદ મેં તેરી ચાંદની હોઓઓઓ'ગાયું છે. ફિલ્મનો હીરો શ્યામ જુદો. બંને શ્યામો મુસલમાન હતા. આપણો 'જાની'રાજકુમાર ફિલ્મ 'મેરે હુઝુર'માં પૂછે છે, 'લખનૌ મેં ઐસી કોન ફિરદૌસ હૈ, જીસે હમ નહિ જાનતે.'એ ફિરદૌસ એટલે ઇંદિરા બિલ્લી. નશીલી આંખો સાથે એ સાચ્ચે જ ઘણી સેક્સી લાગતી હતી,પણ 'ફિર વો હી દિલ લાયા હૂં'માં રાજેન્દ્રનાથની માં બનતી ઇંદિરા બંસલ જુદી. એ બંને અહીં મા- દીકરીના રોલમાં છે.

હેલન જેવી પરફેક્ટ ડાન્સર તો હિંદી ફિલ્મોમાં બીજી કોઈ આવી નથી. એવું વૈજયંતિમાલાએ કીધું છે, તો સામે છેડે આ સન્માન હેલન વૈજુને આપે છે. હેલન રિચર્ડસન (૨૧ નવેમ્બર, ૧૯૩૮) ઇન્ડિયન નહોતી. બર્મીઝ મા અને ઇંગ્લીશ પિતાનું સંતાન હતી. બહુ ઓછાને ખબર હશે કે, '૫૧-માં બનેલી ફિલ્મ 'શબિસ્તાન'હેલનની પહેલી ફિલ્મ તો હતી જ, પણ રાજ કપુરની ફિલ્મ 'આવારા'ના 'ઘર આયા મેરા પરદેસી...'નૃત્ય ગીતના કોરસમાં પણ એ હતી. આટલી સુંદર હોવા છતાં એ ભાગ્યે જ હીરોઇન બની શકી. જેમાં બની એ બધી આવી દારાસિંઘની ફિલ્મોમાં. હેલને ભાગ્યે જ કોઈ ફિલ્મમાં પોતાના અસલી વાળ બતાવ્યા છે. બાકી તો દરેક દ્રષ્યમાં એ વિદેશી વિગ પહેરેલી જોવા મળી છે. કેબરે ડાન્સ વખતે માથે અને કમરમાં એ રંગબિરંગી પીંછા પહેરતી. હેલને પોતે કીધા મુજબ, એ જ્યારે વિદેશોના પ્રવાસે જતી, ત્યારે બીજું કાંઈ લાવે કે ન લાવે...પીંછા બેશક લાવતી.

હેલનની તોલે આવે એવી બીજી ડાન્સર હતી મધુમતિ, જે પારસી છે. વાત રીપિટ થાય છે, પણ સંદર્ભને હિસાબે યાદ કરાવું છું કે, ફિલ્મ'ગુમરાહ'માં માલા સિન્હાને એની મરવા પડેલી મોટી બહેને માંગેલા વચન મુજબ, પ્રેમી સુનિલ દત્તને છોડીને મોટી બહેન નિરૂપા રૉયના પતિ અશોક કુમાર સાથે લગ્ન કરવા પડે છે, એ આખી સ્ટોરી વાસ્તવમાં કામિની કૌશલની છે, જેને પણ પ્રેમી દિલીપકુમારને છોડીને સ્વર્ગસ્થ બહેનને આપેલા વચન પ્રમાણે બનેવી સાથે પરણવું પડયું હતું. એવું જ ડાન્સર મધુમતિને થયું હતું. એ એને ડાન્સ શીખવનાર ગુરુ મનોહર દીપક (જે હુઝુરેવાલા, જો ઇજાઝત... ગીતમાં ત્રીજો ડાન્સર હોય છે અને ફિલ્મ 'ફર્ઝ'માં જીતેન્દ્ર એના માથામાં વીજળીનો કરંટ આપે છે, એ મનોહર દીપક સાથે પરણી છે. મનોહરની મરતી પત્નીએ શિષ્યા પાસે વચન માંગી લીધુ કે ગુરુદક્ષિણા તરીકે મારા ગયા પછી તું મારા પતિ સાથે પરણી જજે.)

ફિલ્મની ત્રીજી ડાન્સર બેલા બૉઝનો જન્મ તા. ૧૮ એપ્રિલ, ૧૯૪૧- કોલાકાતામાં થયો હતો. હજી એકે ય ફિલ્મમાં એ આવી નહોતી ને સ્ટુડિયોના ચક્કર લગાવતી, ત્યારે પોતાની ઊંચાઈ (સૉરી, લંબાઈ)ને કારણે જે ડાન્સ- માસ્ટર બદ્રીપ્રસાદે બેલા બોઝને, ''આ તો તાડ જેવી લાંબી છે''કહીને ગ્રુપ ડાન્સરોમાંથી કાઢી મૂકી હતી, એ જ બદ્રી માસ્ટરે આ ફિલ્મ 'ઠાકુર જર્નૈલસિંઘ'નો સર્વોત્તમ ડાન્સ 'સૈયા સે વાદા થા નાઝુક ઘડી થી, બનઠન કે યૂં, મૈં તો છત પે ખડી થી કે બિછુઆને ડંખ મારા હાયહાયહાય રામ...'બેલા ઉપર ફિલ્માયો હતો. ફિલ્મ મુઘલ-એ-આઝમની ડાન્સ ડાયરેક્ટર કે. આસિફની પત્ની સિતારાદેવીએ 'મોહે પનઘટ પે નંદલાલ છેડ ગયો રે...'ગીતની, 'કંકરી મોહે મારી, ગગરીયા ફોર ડારી...'વખતે બધી ડાન્સરો નીચે ઝૂકે છે, એમાં ઝૂકવા છતા બેલા લાંબી લાગતી હતી, એ જોઈને સિતારા બહુ ભડકી હતી. જોવાની લઝ્ઝત એ છે કે, રાજ કપૂરની ફિલ્મ 'મૈં નશે મેં હૂં'ના 'મુઝ કો યારો માફ કરના, મૈં નશે મેં હૂં...'ગીત વખતે સ્ટુડિયોમાં બધી એક્સ્ટ્રા ડાન્સરોને બોલાવી રાખી હતી, એ વખતે માત્ર હાઇટને કારણે ફિલ્મના દિગ્દર્શક નરેશ સેહગલે બેલા બોઝને ગૂ્રપમાંથી બહાર બોલાવી લીધી, પણ આ વખતે કાઢી મૂકવા માટે નહિ...

રાજ કપૂર સાથે મેઇન- ડાન્સર તરીકે અને તે પછીનું સોલો ગીત, 'યે ન થી હમારી કિસ્મત કે વિસાલે યાર હોતા'બેલા ઉપર ફિલ્માયું. તમને યાદ હોય તો ફિલ્મ 'શોલે'સાથે ટેકનિકલ સરખામણી કરવા જઈએ તો ધાર્મિક ફિલ્મ 'જય સંતોષી મા'એ 'શોલે'કરતા વધુ કમાણી કરી હતી. એ ફિલ્મના બંગાળી હીરો આશિષકુમારની બેલા જબરદસ્ત ફેન હતી ને આશિષની બધી બંગાળી ફિલ્મો જોતી. એક દિવસ અચાનક જ માલા સિન્હાના ઘરે બેલા બોઝનો ભેટો આશિષ સાથે થઈ ગયો ને એ જ વર્ષે બન્ને પરણી ગયા.

બેલા બોઝને તમે આમાંથી એકાદી ફિલ્મ કે ગીતમાં જોઈ હશે, 'ઓ દિલવાલો સાઝે દિલ પે ઝૂમ લો ગા લો, લલ્લલલ્લા' (ફિલ્મ : લૂટેરા), 'નદી કા કિનારા હો પાની આવારા હો...' (સી.આઇ.ડી.- ૯૦૯), 'રૂઠે સૈયાં હમારે સૈયાં, ક્યું રૂઠે' (ફિલ્મ 'દેવર'), 'હૈ નઝર કા ઇશારા સંભલ જાઈએ' (ફિલ્મ : 'અનીતા') ઉપરાંત એક એક્ટ્રેસ તરીકે ચિત્રલેખા, પ્રોફેસર, ચંદા ઔર બીજલી કે 'જીને કી રાહ'માં એ જીતેન્દ્રની ઓરમાન બહેન બને છે.

જૂના જમાનાની હીરોઇનો શકીલા, ઝેબ રહેમાન, અમિતા અને અઝરા બેલા બોઝની આજે પણ ખાસ દોસ્ત છે અને અવારનવાર મળતા રહે છે.

એક માનવામાં ન આવે એવી વાત છે. બેલા બોઝનો કોલકાતામાં અત્યંત સાધન સંપન્ન પરિવાર હતો, એ જમાનામાં બેન્કો ખાનગી હતી. જે બેન્કે દેવાળુ ફૂંક્યું એમાં બોઝ ફેમિલીની તમામ સંપત્તિ ફૂંકાઈ ગઈ ને આ લોકો સીધા રોડ ઉપર આવી ગયા. એ વખતે બેલા બોઝના પિતા બહાર ચાલવા ગયા ને કોઈ વાહને ટક્કર મારી એમાં સડક ઉપર જ ગુજરી ગયા, ઘરવાળાઓને ભારે શોધખોળ બાદ બે દિવસ પછી હોસ્પિટલમાંથી શબ મળ્યું. ગૂજરી ગયા ત્યારે બેલાના પિતાની ઉંમર ૩૬- વર્ષની હતી. વિધિનો ખેલ જુઓ. બેલા બોઝનો નાનો ભાઈ પણ એ જ રીતે બરોબર ૩૬- વર્ષની ઉંમરે એ જ પ્રકારના રોડ એક્સિડૅન્ટમાં માર્યો ગયો.

સરપ્રાઇઝ પાર્ટી

$
0
0
સરપ્રાઇઝ પાર્ટીના નામ માત્રથી મારૂં હસવાનું નહિ, ખડખડાટ હસવાનું ચાલુ થઇ જાય છે. આજકાલ બહુ ચાલી છે આ, ''સરપ્રાઇઝ પાર્ટીઓ!''આખી જીંદગી ડોહા-ડોહીને ઉલ્લુ બનાવ્યા પછી કાંઇ બાકી રહી જતું હોય એમ છોકરા, વહુ, દીકરી અને જમાઇઓ ડોહા-ડોહીના લગ્નની ૨૫ કે ૫૦-મી વર્ષગાંઠે પાર્ટી આપવાનું નક્કી કર્યું હોય અને એ ય ''સરપ્રાઇઝ પાર્ટી!''લોહીઓ આપણા પીએ કે, 'અન્કલ, પપ્પા-મમ્મીને તો ખબર જ નથી...એ બન્નેને તો રીકુ અને જતિન એવું કહીને લઇ જવાના છે કે, 'બોપલમાં સીતુમાસી પડી ગયા છે ને તમને બહુ યાદ કરે છે, એટલે ત્યાં જઇ આવીએ.''બસ, અન્કલ, તમે ને આન્ટી ખાસ આવજો. કોઇને કહેતા નહિ...ફક્ત ઘરઘરનાઓને જ કીધું છે. અમે લોકોએ ડૅડી-મમ્મી માટે સરપ્રાઇઝ પાર્ટી ગોઠવી છે.''

તારી ભલી થાય ચમના...સરપ્રાઇઝ પાર્ટી તો ત્યારે આપી કહેવાય, જ્યારે બોપલથી બારોબાર આવીને મમ્મી સીધો અને મધુરો ધડાકો કરે, ''રીકુ...જતુ...પિન્ટુ...જલ્દી આવો...એક ખુશખબર આપું...? 'મૈં માં બનનેવાલી હું...ઔર યે તુમ્હારે પાપા...ફિર સે પાપા બનનેવાલે હૈં...!''સદરહૂ વિષય અન્વયે સિધ્ધપુર, ટોક્યો, કોંગોના જંગલો તેમ જ જામનગર બાજુ, બહુ મોટી ઉંમરે પિતા બનેલા સાહસિકોનું માનવું છે કે, ડોહા-ડોહી ૫૦-૫૫ની આસપાસના હોય તો વૈજ્ઞાાનિક રીતે ખાસ કોઇ વાંધો આવતો નથી...જે કોઇ વાધો આવવાનો હોય, તે ઘરવાળાઓને આવે છે... સુઇં કિયો છો ? બા ઘેર આવીને છોકરાઓ પાસે ભારે ઉમંગથી આવી મસ્તમનોહર જાહેરાત કરે, 'એને'સરપ્રાઇઝ-પાર્ટી કહેવાય.'

આ તો કેમ જાણે ક્યો મોટો સસ્પૅન્સ રખાવવાનો હોય, એમ આપણને પહેલેથી હોટલના અંધારા રૂમમાં બેસાડી રાખીને 'ભોળા'ડોહા-ડોહી દાખલ થાય, કે તરત જ 'હોઓઓઓ....'ની બૂમો સાથે ફૂગ્ગા ફોડવાના, સિસોટીઓ મારવાની, ભેટાભેટી કરવાની ને લેવા-દેવા વગરનું હસે રાખવાનું. ડોહા-ડોહી પાછો વળતો હૂમલો કરે, ''અમને તો ખબર જ નહિ ! આ રીકુ અને જતુ અમને બોપલ લઇ ગયા...ત્યાં....''ઓહ માય ગૉડ....આમાં સરપ્રાઇઝ ક્યાં આવ્યું ?

''મોમ-પાપાએ એમના મૅરેજના ૫૦-વર્ષ પૂરા કર્યા એના માનમાં અમે સરપ્રાઇઝ પાર્ટી રાખી છે.''બૅબી, પહેલા ડોહાને તો પૂછ કે, એને માટે આ સરપ્રાઇઝ છે કે ''શૉક''છે. એનું મન જાણે છે, એક જમાનામાં કેવી સારી સારી પાર્ટીઓ છોડીને તારી બામાં એ માસુમ ભરાઇ ગયેલો ને કેવા ઝટકે ઝટકે આની સાથે ૫૦-પૂરા કર્યા છે! અરે, એમના લગ્ન વખતે અમે ય હાજર હતા ને બરોબર યાદ છે કે, હસ્તમેળાપ વખતે ચોરીમાં બેસતા જ, ભઠ્ઠીમાં તપેલા ગરમ તાવડા ઉપર બેસી ગયો હોય, એમ તારી 'મૉમ'ને જોઇને ઊભો થઇ ગયો હતો ! હિંદુ રીતરિવાજોમાં વરરાજાને એટલા માટે જ કોટ, સાફો, નવા ડંખે એવા શૂઝ અને હારતોરા પહેરાવી રાખવામાં આવે છે કે, છેલ્લી ઘડીએ એનું છટકે તો દોડીને ભાગી જઇ ન શકે. આમ તો ડોહાને પરણીને તારી બા ય ખાસ કાંઇ કમાઇ નહોતી, છતાં પાપાને ખાનગીમાં ટૅરેસ ઉપર લઇ જઇને પૂછ તો ખરી, એમને માટે આ સરપ્રાઇઝ પાર્ટી છે કે ''શૉકિગ-પાર્ટી ?''આખું ગામ તારા ડોહાને આજ સુધી 'મર્દ'કહે છે, એ તમને ૪-૫ છોકરાઓને જનમ અપાવ્યો, એ માટે નહિ...આ ડોસી સાથે ૫૦-ખેંચી કેવી રીતે કાઢ્યા, એના આઘાતમાં કહે છે...બઉ ડાયલીની નો થા...!

આમે ય, તમે આજ સુધી જે કોઇ સરપ્રાઇઝ પાર્ટી કે મૅરેજ ઍનિવર્સરીઓમાં ગયા હો, ત્યાં ખ્યાલ તો આવ્યો હશે કે, ૨૫ કે ૫૦-પૂરા કરનારી કાકી છૂટા વાળ, પંજાબી સલવાર-કમીઝ, ફ્રૅન્ચ પરફ્યૂમ, નૅકલૅસ પંપાળવાનો, હાઇહિલ્સ સૅન્ડલ્સ, ચીઝના લોંદા ચોંડયા હોય એટલા જથ્થામાં લગાડેલી લિપસ્ટીક અને આખા નારણપુરાની મહિલાઓને પૂરો પડે, એટલો મૅક-અપ આવડી આ એકલી કરીને આવી છે. એકએક-બબ્બે શબ્દો ઇંગ્લિશમાં તો બોલવાના જ ! 'જે શી ક્રસ્ણ'ને બદલે ''ઓ હાય''કહીને, જે મળે એને 'હગ' (ઇંગ્લિશ-સ્ટાઇલનું આલિંગન) કરવાનું...તારા ડોહા સિવાય ! એની દસમાંથી આઠ વાતોમાં, ''અમે ફલાઇટમાં યુરોપ ગયા'તા, ત્યાં ઠંડીઓ બહુ પડે !''અરે ચંપા, તું યુરોપ ફલાઇટમાં ગઇ'તી તે બીજા બધા લૉડિંગ-રીક્ષાની પાછળ લટકી લટકીને જાય છે ? યુરોપમાં ઠંડીઓ બહુ પડે છે તો તારા ધ્રાંગધ્રામાં બીજા માળેથી ઍંઠવાડો પડે છે ? પાર્ટી ચાલુ થઇ નથી ને કાકી ખૂણેખૂણો ફરી વળી નથી ! હજી ડિનર ટૅબલ ઉપર ફૂડ જ મૂકાયું ન હોય ને પૂછવા માંડશે, ''ઍક્યૂજ મી...કંઇ જોઇતું-કરતું હોય તો કહેજો હોં....આ ય તમારૂં ઘર જ છે.''દિલની ધડકનો આપણી વધી જાય કે, આ લોકોને જમવાનું રોજ આટલું બધું વધતું હશે ?

બીજી બાજુ, જેને માટે આ સરપ્રાઇઝ પાર્ટી છે એ ડોહો કિચનના પ્લૅટફૉર્મ ઉપર તેલ ઢોળાયું હોય, એવો ઢોળાઇને ખૂણાના સોફામાં બેઠો હોય. છોકરાઓએ આવી ગરમીમાં એને બ્રાન્ડેડ બ્લૅઝર (કોટ) સવારનું પહેરાવી રાખ્યું હોય, એમાંથી બહાર કેવી રીતે નીકળવું, એના ફાંફા મારતો દેખાશે. કોટ કાકાનો ન હોય, એના મોટા પેટવાળા છોકરાનો પહેરાવી દીધો હોય એટલે આવા પતલા બૉડીમાં કોટ પહેરેલો નહિ, ઢાંક્યો હોય એવું લાગે. એને કોઇ બોલાવતું ય ન હોય ને ન બોલાવે એમાં જ બધા બચી જતા હોય. જરાક અમથી તક મળે તો કાકો, ''...સન '૪૩-ની વાત છે. ત્યારે હું મુંબઇમાં ફાયરબ્રિગેડમાં કામ કરતો...''ત્યાંથી શરૂઆત કરે ને '૪૭-માં વાપી આવ્યો, ત્યાં સુધીમાં તો આપણે આવી ત્રણ પાર્ટીઓમાં જઇ આવીએ. ઇ.સ. ૨૦૧૫ની સાલ સુધી કાકો અમદાવાદ પાછો તો હજી ય આવ્યો નથી. વચલા વર્ષોમાં અનેક શહીદ થઇ ગયા.

બુધ્ધિશાળી યુવાન પુરૂષો કદાપિ ડોહાઓ પાસે લાંબુ બેસતા નથી....

આવી સરપ્રાઇઝ પાર્ટીઓમાં પ્રત્યેક ડોહો હેબતાઇ ગયેલો દેખાય છે. આનંદ-ઉલ્લાસ તો માય ફૂટ...સાઉથ આફ્રિકાના જંગલોમાં જંગલી હબસીઓએ ઝાડમાં આને મુશ્કેટાટ બાંધ્યો હોય, નીચે હળગતા બાર્બેક્યૂમાં એને પધરાવવાનો હોય ને હાથ-પગના ઉલાળા મારતા હબસીઓ કિકિયારીઓ કરતા ગીતો ગાતા હોય, એ જોઇને એની જે હાલત થાય, એવી હાલત સરપ્રાઇઝ પાર્ટીમાં ડોહાની થાય છે. કેમ જાણે એ કોઇ મોટી કરામત કરી લાવ્યો હોય એમ બધા મીણબત્તીના ભડકા પાસે ડામરના રંગની કૅક ઉપર ૫૦-નો આંકડો લખાવીને બન્ને હાથે તાળીઓ પાડીને ઇંગ્લિશમાં 'હૅપી મૅરેજ-ઍનિ. ટુ યૂઉઉઉ...'ગાવા માંડે છે, એમાં ડોહાની હેડકીઓ ય ગીતમાં ગણાઇ જાય ! તમે સમજ્યા હો, 'કાકા તાલ આપે છે...!' 

સરપ્રાઇઝ પાર્ટીઓમાં પાછું આપણાથી કાંઇ સરપ્રાઇઝ ન અપાય. એમની સરપ્રાઇઝ પાર્ટીની સામે આપણાથી સરપ્રાઇઝ ગીફટ તરીકે સુંદર મજાના ચળકતા જાંબલી રૅપરવાળા બૉક્સની મહીં જીવતો દેડકો લઇને ના જવાય. બા ખીજાય. સરપ્રાઇઝ આપવા આપણાથી ડોહાએ મોકલેલા છેલ્લા 'વૉટ્સઍપો'પાર્ટીમાં વહેંચી ન દેવાય. સરપ્રાઇઝ આપવા ડોસીના કાનમાં મોટેથી ''કૂકડે કૂક''ના બોલાય...બીજા કાનમાંથી કૂકડો નહિ, સીધો કાન જ નીચે આવે ! વચમાં આપણો દાંત ભરાઈ ન જાય, એનું ધ્યાન રાખવાનું.

કારણ કાયદેસર છે. આખી જીંદગીમાં ડોહા જે કાંઇ બોલ્યા હોય, એ બધું કાકીએ આમ જ કાનમાંથી બહાર કાઢી નાંખ્યું હોય. આપણે તો રોજ જોતા હોઇએ ને ? બહાર નીકળે ત્યારે સાયકલની પાછળ દોરીથી બાંધેલું કાગળીયું લટકતું લટકતું આવતું હોય, એમ કાકો પાછળ આવતો હોય. એમણે તો ફક્ત બિલ ચૂકવતી વખતે, ''કેટલા ?''બસ, એટલું જ બોલવાનું. પણ, એ વડિલો બેશક નસીબવાન છે, જેમના પુત્ર-પુત્રી ને દીકરી-જમાઇઓ આવી સરપ્રાઇઝ પાર્ટી રાખીને એ બન્નેને એક દિવસ તો ભરપુર આનંદનો આપે છે. બાકી આ ઉંમરે 'સર'કે 'પ્રાઇઝ'...કાંઇ બચ્યા હોતા નથી, ને ૭૦-ટકા 'સુ'પુત્રો પાસે ઘરમાં બે ઘડી પપ્પા-મમ્મી સાથે વાત કરવાનો ય ટાઇમ કાઢતા નથી, એ રોજની 'શૉકિંગ-પાર્ટી'કરતા વર્ષની આવી એક 'સરપ્રાઇઝ-પાર્ટી'બેશક ઉત્તમ છે.

સિક્સર
નેપાળમાં રાહુલ ગાંધીએ પોતાના મોબાઇલમાં જોઇ જોઇને વિઝિટર્સ-બૂકમાં શ્રધ્ધાંજલિ લખી, એની વિડીયો-ક્લિપ 'વૉટ્સઍપ'માં ઘેરઘેર ફરી રહી છે...

હવે તમારે આલીયા ભટ્ટ અને રાહુલ વચ્ચે કોઇ સગપણ છે કે નહિ, તે ચૅક કરવું પડશે !

અછુત કન્યા ('૩૬)

$
0
0
ફિલ્મ : અછુત કન્યા ('૩૬)
નિર્માતા : હિંમાશુ રાય
દિગ્દર્શક : ફ્રાન્ઝ ઓસ્ટીન
સંગીત : સરસ્વતિદેવી
ગીતકાર : જમુના કશ્યપ 'નાતવા'
રનિંગ ટાઈમ : ૧૫ રીલ્સ
થીયેટર : (અમદાવાદ)
કલાકારો : દેવિકા રાણી, અશોક કુમાર, પી.એફ.પીઠાવાલા, કામતાપ્રસાદ, કિશોરીલાલ, કુસુમ કુમારી, મનોરમા, પ્રમીલા, ચંદ્રપ્રભા, સુનિતાદેવી અને મુમતાઝ અલી.




ગીતો
૧. હરિ બસે સકલ સંસારા, જલ થલ મેં... પુરૂષ સ્વર
૨. ધીરે બહો નદીયા, ધીરે બહો... કુસુમકુમારી એન્ડ પાર્ટી
૩. ખેત કી મૂલી, બાગ કો આમ... દેવિકારાણી-અશોકકુમાર
૪. મૈં બન કે ચીડિયા બન કે સંગ સંગ ડોલું રે... દેવિકારાણી-અશોક કુમાર
૫. કિત ગયે હો ખેવનહાર, નૈયા ડૂબતી જાય.. સરસ્વતી દેવી
૬. ઉડી હવા મેં જાતી હૈ, ગાતી ચીડીયા યે રાગ... દેવિકારાણી
૭. કિસે કરતા મુરખ પ્યાર પ્યાર પ્યાર... અશોક કુમાર
૮. પીર પીર ક્યા કરતા રે, તેરી પીર ન જાને કોય... અશોક કુમાર
૯. ચૂડી મૈં લાયા અનમોલ રે, લે લો ચૂડીયાં... મુમતાઝ અલી-સુનિતા દેવી

ઓહ... માની નથી શકાતું કે, આજથી ૭૮ વર્ષ પહેલા બનેલી બ્લૅક ઍન્ડ વ્હાઇટ ફિલ્મ આટલી સુંદર ને આટલી મનોહર હશે ! ૧૯૩૬ એટલે તો સ્વયં મારા સ્વ. પિતાશ્રી પણ ૧૪ વર્ષની ઉંમરના હતા પણ મારા ૧૪ વર્ષના થયા પછી એમણે કીધેલી બધી વાતો યાદ છે કે, અશોક કુમાર અને દેવિકા રાણીની ફિલ્મ 'અછૂત કન્યા'એમણે કિશોરાવસ્થામાં ય કેટલી બધી વાર જોઈ હશે, તે યાદ નથી. મને નવાઈ ને તમને આંચકો લાગે એવી વાત એ છે કે, આ આપણી 'ફિલ્મ ઇન્ડિયા'કોલમની વર્ષો પહેલા શરૂઆત થઇ ત્યારે જ 'અછૂત કન્યા'વિશે લખ્યું જ હતું, તો પછી એકની એક ફિલ્મ આજે બીજી વાર કેમ ?

'દાદામોની'ઉર્ફે અશોક કુમાર પ્રત્યેના મારા આદરને વ્યક્ત કરવા ઉપરાંત જૂનો લેખ કઢાવીને મેં વાંચ્યો ત્યારે ખબર પડી કે, મૂળ ફિલ્મ વિશે જરૂરી વાતો એમાં સમાવિષ્ટ થઇ નહોતી. (પૂરતી પ્રશંસા પણ નહોતી થઇ !) એટલે આજે બાકી રહી ગયેલું ઘણું બધું પહેલી વાર... !

ધી ગ્રેટ ન્યુ થીયેટર્સ... એન્ડ ધી ગ્રેટ બોમ્બે ટૉકીઝ... ! કેવા પ્રણામયોગ્ય નામો ? ૭૮ વર્ષો પહેલાનો ભારતીય સમાજ જોવા મળે, એ જ મોટી વાત કહેવાય. એ સમયનું સંગીત, ફિલ્મ-વ્યવસ્થા, પ્રજામાનસ અને સંસ્કારો કેવા ઊંચા દરજ્જાના હતા, તે આજે તો કેવળ કહાની બનીને રહી જાય. ફિલ્મના નિર્દેષક ફ્રાન્ઝ ઑસ્ટીન જન્મે ધોળીયો જર્મન હોવા છતાં હિમાંશુ રાય સ્થાપિત બોમ્બે ટૉકીઝનો એ પ્રાણ હતો. પૂરા પ્રમાણભાન સાથે કહી શકું છું કે, એ જમાનાની સામાન્ય ટેકનોલોજી છતાં ઉત્તમ દરજ્જાની ફિલ્મ ઉપરાંત દિગ્દર્શન માટે આજની કોઈ પણ સ્વચ્છ અને સુંદર ફિલ્મ સાથે બેશક સરખામણી કરી શકાય ને છતાં ય ફ્રાન્ઝનો હાથ ઊંચો રહે. પણ આ ફિલ્મના વિષય બાબતે કેટલીક ચર્ચા કરવી છે. છુઆછૂતના એ જમાનામાં આવી ફિલ્મ વિશે વિચારવું ય પાપ ગણાતું, ત્યારે હિમાંશુ રાયે હલચલ મચાવી દીધી હતી, ફિલ્મનો આ વિષય પસંદ કરીને ! બ્રાહ્મણ અને હરિજન, એમ બે વર્ગોમાં વહેંચાયેલા સમાજમાં હરિજનોને અડવું પણ પાપ ગણાતું. માત્ર બ્રાહ્મણો જ નહિ, સમાજના તમામ સવર્ણો એમાં આવી જતા. મહાત્મા ગાંધીએ અસ્પૃષ્યતા દૂર કરવા જાત ઘસી નાંખી. આજે આટલા દસકાઓ પછી એમ કહી શકાય કે, દેશમાં આવી છુઆછૂત નામની રહી ગઈ છે, ને જ્યાં છે, એ વર્ગને માફ કરી શકાય એમ નથી.

હરિજનોના પક્ષે તો આ ફિલ્મે ડરવા જેવું કાંઈ નહોતું, કારણ અસ્પૃષ્યતા અંગે ગાંધી-વિચારોનું જ આ એક પ્રમોશન હતું, પણ હિમાંશુ રાયની હિમ્મત સવર્ણોના ખૌફ સામે હતી. પાડ ઈશ્વરનો કે તત્સમયના હિંદુ સવર્ણો પણ આ ફિલ્મના વિષય સાથે સહમત થયા. આજે પણ અનેક ઑફિસોમાં મહેતા અને મકવાણાને એક થાળીમાં બેસીને જમતા જોયા છે, એનો આનંદ થાય છે. અશોક કુમાર પોતે જ રૂઢિચુસ્ત બ્રાહ્મણ પરિવારના હતા, તે એટલે સુધી કે છૂઆછુત તો બાજુ પર રહી, ફિલ્મોમાં કામ કરવું પણ પાપ ગણાતું, દેવિકા રાણી ય ઉચ્ચ વર્ગનું ફરજંદ હતા... 'ચૌધરી કી બેટી...' (કવિવર રવિન્દ્રનાથ ટાગોરના પરિવાર સાથે સગપણમાં એમનું સીધું જોડાણ હતું.)

ફિલ્મની વાર્તા સરળતાથી ૧૫ રિલ્સમાં વહે જાય છે. પ્રતાપ (અશોક કુમાર) અને કસ્તૂરી (દેવિકા રાણી) નાનપણથી સાથે ઉછરેલા છે. યુવાનવયે બન્ને પ્રેમમાં પડે છે, પણ પ્રતાપ બ્રાહ્મણ અને કસ્તુરી શુદ્ર હોવાથી બન્નેના માતા-પિતા એ બન્નેના લગ્નો પોતપોતાની જાતમાં કરાવી દે છે. સ્વાભાવિક છે, પહેલો પ્રેમ ભૂલાતો નથી, એમાં બન્નેના સ્પાઉઝ (પતિ અથવા પત્ની)આ સહન કરી શક્તા નથી. છેવટે કસ્તૂરી પ્રાણની આહૂતિ આપીને ફિલ્મનો કરૂણ અંત લાવે છે.

કબુલ કે, પોતાની થોડી ય ઇચ્છા વગર ઍક્સીડૅન્ટલી અને પરાણે ફિલ્મોમાં હીરો બનેલો અશોકકુમાર એક્ટિંગનો 'અ'ય જાણતો નહતો અને પ્રારંભની તો ઑલમોસ્ટ બધી ફિલ્મોમાં ઘણો નબળો ઍક્ટર પૂરવાર થયો હતો. પતલા અવાજને કારણે ક્યારેક તો સ્ત્રૈણ્ય પણ લાગે. બસ, એ સાચો હીરો બૉમ્બે ટૉકીઝની જ ફિલ્મ 'કિસ્મત'પછી થયો અને એવો થયો કે, આજ દિન સુધી (નૉટ ઇવન મિસ્ટર બચ્ચન... સૉરી) એનાથી બઢીયા એક્ટર કોઈ બીજો થયો નથી.

ફિલ્મ જોતા એ સમયનું ભારત જોવું વહાલું લાગે છે. ગામડાઓમાં જ નહિ, શહેરોમાં ય ગૃહિણીઓ લાકડાનું સાંબેલું, ખાંડણીયું કે અનાજ દળવાની પથ્થરની ઘંટી વાપરતી. અશોક કુમારના લગ્નની જાન નીકળે છે, એ ડોલી કહારો ઉઠાવે છે. પાછળ બળદગાડામાં સાજનમાજન અને કાવડ ઉચકનારાઓ પાસે સિધું-સામાન હોય. બૅન્ડવાજાંવાળાઓ ન કહેવાય. એક પિપુડીવાળો અને બીજો આડેધડ ઠોકમઠોક કરતો ઢોલી હોય. બન્નેના સુર-તાલનો કોઈ મેળ ન હોય. હસવું તો આવશે, પણ મેહમાન ઘેર આવે, તો ગોળનું શરબત 'મોટી વાત'કહેવાતી. અર્થાત્, ગોળનો ગાંગડો પાણી ભરેલા પિત્તળના પ્યાલામાં હલાવીને આપી દેવાનું. પાણીમાં ફક્ત ખાંડ હલાવીને પિરસાયેલું શરબત તો મોંઘુ પડતું અને ફક્ત અમીરોના ઘેર જ મળે. સંગીત પણ કેવું મીઠડું છતાં સરળ ! એ યુગના સંગીતની ખાસ વાત હતી એની સરળતા. કોઈ પણ સંગીતકાર ધૂન એવી જ બનાવે, જે દેશનો આમ આદમી પણ ગાઈ શકે. આ ફિલ્મનું કોઈ પણ ગીત સાંભળો. ('અશોક કુમાર ગાઈ શક્તો હોય, તો આપણે તો સારું ગાઈએ છીએ...!'એવી મજાક કરો, તો ય ખોટા ન પડો !) વાદ્યો દેસી અને ઓછા. તબલાં આજના જેવા નહોતા. કોઈ પૂંઠું વગાડતું હોય એવું લાગે. ગીતનો પ્રારંભ થાય તેની સાથે જ વૉયલિન એ જ રાગ અને ઢાળમાં છેક સુધી વાગતી રહે. ઑબ્લિગેટો નહિ, ગાયકીને જ સંગીત ફૉલો કરતું રહે. મોટા ભાગે તો ઈન્ટરલ્યૂડમાં સ્થાયીની જ ધૂન વાગે.

હજી એ સમયની ફિલ્મોના ટાઈટલ્સમાં ગાયકો કે ગીતકારોના નામ લખવાની શરૂઆત થઇ નહોતી. ફિલ્મની રૅકડર્સ બહાર પડે એમાં ય નહિ. ઈવન '૪૯ની સાલમાં બનેલી અશોક કુમારની પોતાની ફિલ્મ 'મહલ'માં આજ સુધી મશહૂર રહેલા ગીતોમાં લતા મંગેશકર કે રાજકુમારીના નામો ૭૮ િૅસ ની રૅકોર્ડ પર નહોતા લખાતા. ફિલ્મમાં હીરોઈન મધુબાલાનું નામ 'કામિની'હતું, એટલે આ ગીતની ગાયિકા તરીકે લતા મંગેશકર નહિ, 'કામિની'લખાયું. મુકેશના સદાબહાર અને મશહૂર થયેલા સર્વપ્રથમ ગીત, 'દિલ જલતા હૈ તો જલને દે...' (ફિલ્મ 'પહેલી નઝર' ('૪૫)માં ફિલ્મના પરદા ઉપર મુસ્તાક નામના કોઈ કલાકારે ગાયું હોવાથી રેકર્ડ ઉપર ગાયકનું નામ 'મુસ્તાક'છપાયું હતું. હીરોઇન મુનવ્વર સુલતાના માટે આ ગીત ગવાયું હતું. બહુ બધાને નવાઈ લાગશે પણ લતા, આશા, રફી, કિશોર, તલત, મન્ના ડે, હેમંત કે ગીતા રૉય... એ બધા કરતા મુકેશ સીનિયર. આમાંના મોટા ભાગના '૪૫/'૪૬ની સાલ કે તે પછી આવ્યા. એક માત્ર શમશાદ બેગમ એનાથી સીનિયર. માસ્ટર ગુલામ હૈદરે શમશાદ પાસે '૪૧-માં બનેલી ફિલ્મ 'ખજાનચી'માં જ પહેલું ગીત ગવડાવ્યું, 'સાવન કે નઝારે હૈ, આહા હા હાહાહા...'પણ એ પહેલા નામની ક્રેડિટ વગર શમશાદ બે-પાંચ ફિલ્મોમાં ગાઈ ચૂકી હતી. શમશાદ બેગમના પતિ ગણપતલાલ બટ્ટો ૧૯૫૫-માં ગુજરી ગયા ને એમની લાડકી દીકરી 'ઉષા'એ ભારતીય લશ્કરના હિંદુ ઓફિસર મિસ્ટર રાત્રા સાથે લગ્ન કર્યા. ફિલ્મ 'પાકીઝા'માં લતા મંગેશકરે ગાયેલા 'ઇન્હી લોગોં ને લે લીના, દુપટ્ટા મેરા...'શબ્દસઃ અને બેઠું ૧૯૪૧માં રૂપ કે. શોરીની ફિલ્મ 'હિમ્મત'માં પંડિત ગોવિંદ રામના સંગીત નિર્દેશનમાં ગાયું હતું, જે અઝીઝ કાશ્મિરીએ લખ્યું હતું. બે વર્ષ પછી ૧૯૪૩માં આ જ સંગીતકારે આ જ ગીત એ જમાનાના વિલન કોમેડિયન યાકુબ પાસે પરદા ઉપર સૅમી-સ્ત્રીનો વેષ પહેરાવીને ગવડાવ્યું હતું. હીરોઇન સિતારાદેવી હતા ને હીરો યાકુબ. પ્લૅબેક કોનું હતું, એની તો ખબર નથી, પણ 'પાકીઝા'ની બદૌલત, આખરે ફિલ્મના ઓરિજીનલ ગીતકાર તરીકે નામ કમાયા મજરૂહ સુલતાનપુરી, ગાયિકા લતા મંગેશકર અને સંગીતકાર ગુલામ મુહમ્મદ. ઈવન, આજની આપણી ફિલ્મ 'અછૂત કન્યા'ના સંગીતકાર સરસ્વતિદેવીએ અશોક કુમાર પાસે જ ફિલ્મ 'જીવન નૈયા'માં 'કોઈ હમદમ ન રહા, કોઈ સહારા ન રહા...'ગવડાવ્યું હતું, જે કિશોર કુમારે પોતાની ફિલ્મ 'ઝૂમરૂ'માં પોતાના નામે જ કોઈને ય ક્રેડિટ આપ્યા વિના ઠપકાવી દીધું હતું. આ મૂળ પારસી અને ભારતની સર્વપ્રથમ મહિલા સંગીતકારા સરસ્વતિદેવીએ કદી ગણગણાટ પણ કર્યો નથી. આમે ય, પારસીઓ અન્યાય સહેવામાં કે બધું ચલાવી લેવામાં સૌથી મોખરે છે. એકાદ અપવાદ હોય તો ખબર નથી, પણ ભારતનો કોઈ પારસી કોઇની સાથે ઝગડયો હોય એવું સાંભળ્યું તો નથી. જો કે,ખૂર્શિદ મિનોચૅરહોમજી નામની પારસણે ફિલ્મોમાં સંગીત આપવાનું હજી તો નક્કી જ કર્યું હતું, એમાં તો મુંબઇના પારસીઓ ભભૂકી ઉઠયા હતા અને એક તબક્કે તો એનું ઘર જલાવવાની ય ધમકી મળી હતી, એટલે ન છૂટકે ખુર્શિદે પોતાનું ફિલ્મી નામ 'સરસ્વતિદેવી'રાખ્યું.

ફિલ્મ 'અછૂત કન્યા'માં એક ગીત ચૂડીયાં લે લો... માટે પરદા ઉપર મુમતાઝઅલી નૃત્ય કરવા આવે છે. કોમેડીયન મેહમુદના આ પિતા બોમ્બે ટોકીઝની ઑલમોસ્ટ બધી ફિલ્મોના ડાન્સ-ડાયરેકટર હતા. લગભગ '૬૦ના દાયકા સુધીની ફિલ્મોમાં તો મેં પી.એફ. પીઠાવાલાને ય અનેક ફિલ્મોમાં જોયા છે, જે થોડે ઘણે અંશે નર્મદાશંકર જેવા લાગે. (નર્મદાશંકર એટલે ફિલ્મ 'ગાઇડ'માં દેવ આનંદ જે બે હિંદુ પંડિતોની મજાક ઉડાવે છે, તેમાંનો એક - પણ પેલો જાડીયો પંડિત નહિ.)

આટલા વર્ષો પહેલા આટલી સુંદર ફિલ્મ બની હતી, તે બૉમ્બે ટૉકીઝ માટે કોઈ અપવાદ નહતી. એ લોકોની લગભગ બધી ફિલ્મો આવી જ સુંદર હતી.

એ વાત જૂદી છે કે, હિમાંશુ રાયના અવસાન પછી આ સ્ટુડિયોમાંથી છુટા પડીને અશોક કુમાર, એમના બનવી શશધર મુકર્જી, જ્ઞાન મુકર્જી કે સાવક વાચ્છાએ પોતાનો અલગ સ્ટુડિયો ફિલ્મીસ્તાન બનાવ્યો ને ફિલ્મીસ્તાને પણ અઢળક સફળ ફિલ્મો આપી.

'ઍનકાઉન્ટર' : 17-05-2015

$
0
0

૧.તમારા સૌથી મોટા ચાહક કોણ છે?
-હજી તો નાનો ય કોઈ મળ્યો નથી!
(આશિષ બારલીયા, રાજકોટ)

૨.વારંવાર 'પંખો ચાલુ કરવાનું'કહો છો. એને માટે શું તમે અલગ માણસ રાખ્યો છે?
-આજકાલ માણસો મળે છે ક્યાં? કચરા-પોતાંના અલગ... ફક્ત પાંખો ચાલુ કરવાના'પાંચ હજાર લે છે, બોલો!
(ડૉ. નૃપેશ ગુપ્તા, સુરત)

૩.પ્રેમિકા આપણને છોડીને બીજે જતી રહે તો શું કરવું જોઈએ?
-શ્રી હનુમાનજીના મંદિરમાં પાંચ રૂપિયાનું તેલ ચઢાવવું જોઈએ... એ ય એકલા જ હતા ને? કોઈ શું તોડી ગયું?
(અંકિત આર. વાઘ, સુરત)

૪.જિંદગીનો સાચો આનંદ ક્યાં અને ક્યારે મળે?
-મને તો આવો આનંદ, હું ભાવનગર આવું ત્યારે મળે છે.
(ચાંદની શાહ, 'લાલી' - ભાવનગર)

૫.સર, હું તમારો ગ્રેટ ફેન છું. મારો સવાલ છે, યોગ્યતા પ્રમાણે આ લોકોના આઈ-ક્યૂ મુજબ નામ ગોઠવી આપો. : કપિલ શર્મા, બિરબલ, અશોક દવે અને આઈ.એસ. જોહર
-તમે તો તમારો જવાબ આપી દીધો છે... હવે બીજાઓમાં ક્યાં ટાઈમ બગાડીએ?
(એચ.એમ. મોદી, ગાંધીનગર)

૬.'ઍનકાઉન્ટર'છેલ્લે પાને જ છેલ્લું કેમ આવે છે?
-સર્કસમાં સિંહની એન્ટ્રી સૌથી છેલ્લે થાય છે.
(મનિષ ભરખંડા, સાવરકુંડલા)

૭.તમારી મનપસંદ ફિલ્મ કઈ?
-મારા લગ્નની વિડિયો ફિલ્મ... જોઈને અમે બહુ હસીએ છીએ!
(સુનિલ બારડ, કોડિનાર)

૮.રાષ્ટ્રીય તહેવાર એટલે માત્ર રજા, આવી માનસિકતા કેમ?
-ધર્મો. ૧૫ ઑગસ્ટ અને ૨૬ જાન્યુઆરી વચ્ચે શું ફરક, એની ખબર પડે તો આગળ વધાય!
(જયેશ અંતાણી, ભાવનગર)

૯.તમે મારા સવાલનો જવાબ કેમ આપતા નથી?
-કારણ કે, જવાબ સિવાય બીજું કાંઈ આપી શકાય એમ નથી.
(સુધીર ભાયાણી, સુરત)

૧૦.પ્રેમના બદલામાં જાકારો. શું કરવું?
-આપણે ખાતું ખુલ્લું રાખવું.
(હિરેન કછેલા, જેતપુર-રાજકોટ)

૧૧.કોંગ્રેસ તો જ મજબુત બને, જો બે જણાં કોંગ્રેસ છોડે... સોનિયા અને રાહુલ.
-હા, પણ તો પછી કોંગ્રેસમાં રહ્યું ય કોણ?
(મધુકર મેહતા, વિસનગર)

૧૨.તમે ગુજરાતના છો?
-સ્વભાવનો રાજસ્થાની છું, ખર્ચામાં મહારાષ્ટ્રીયન, બૉડીમાં પંજાબી અને અક્કલમાં ગુજરાતી... ધી બેસ્ટ, યુ નો!
(દર્શિલ એમ. શાહ, સુરત)

૧૩.આપણે ખેલકૂદમાં આટલા બધા પાછળ કેમ છીએ?
-શેમાં આગળ છીએ?
(ગૌતમ જોશી, સુરત)



૧૪.વરરાજાની જાન આવે ત્યારે ફટાકડા કેમ ફોડવામાં આવે છે?
-માથું તો પછી ફોડવાનું જ છે ને?
(અર્થવ ભાવસાર, બડોલી-ઈડર)



૧૫.મારે લગ્ન કરવાં છે, પણ ઘરે કોઈ માનતું નથી. તમે સમજાવો ને!
-એ લોકોને ફરીથી લગ્ન માટે સમજાવવાની તો મારીય હિમ્મત ક્યાંથી ચાલે?
(જતિન સુરેલીયા, રાજકોટ)

૧૬.તમે તમારાથી વધુ મોટો 'બોર'કોને માનો છો?
-નવજોતસિંઘ સિધ્ધુને.
(આજ્ઞા સુ. પટેલ, જામનગર)

૧૭.અન્ના હજારે વિશે શું માનો છો?
-એમાના ઉપર કોઈ ઓપિનિયન આપવો પડે, એટલી પાવરફૂલ શખ્સીયત એ નથી.
(પિયુષ ગજેરા, નાગવદર-ઉપલેટા)

૧૮.હું તમારી શુક્રવારની 'ફિલ્મ ઈન્ડિયા'પ્રારંભથી અને રસથી વાંચું છું. ઈંગ્લિશમાં ફિલ્મસ્ટાર્સની બાયોગ્રાફીઓ હોય કે, ફિલ્મી-મૅગેઝીનોમાં જે તે સ્ટાર્સ પરના લેખો. તમારા સિવાય કોઈ હિંમત કરતું નથી, જ્યાં એ લોકો નબળા પડયા હોય ત્યાં ઉઘાડેછોગ નબળા કહી દેવાની... બધા વખાણો જ કરતા હોય છે!
-તમારું નિરીક્ષણ ગમ્યું. પ્રાણ, દિલીપ કુમાર, લતા મંગેશકર, મધુબાલા કે કિશોર કુમારની બાયોગ્રાફીઓ વાંચી છે, પણ સાચું લખવાની કોઈ હિમ્મત કરતું નથી... સિવાય ફિલ્મ-પત્રકારત્વના પિતામહ, શ્રી રાજુ ભારતન.
(કિશોરી પદલકર, મુંબઈ)

૧૯.પત્ની અને પ્રેમિકા સાથે નીકળ્યાવાળી તમારી સીરિઝમાં મારે પૂછવું છે કે, પ્રેમિકા સાથે નીકળ્યા હોઈએ ને સામે પત્ની આવી જાય તો?
-ભોગ તમારા..!
(સુરેશ પ્રજાપતિ, અમદાવાદ)

૨૦.નરેન્દ્ર મોદી અને ઓબામા વચ્ચે શું તફાવત?
-ઓબામા કાંઈ મોદી જેટલું ઈન્ડિયા આવતા નથી!
(કેયૂર જગાણી, ધોરાજી)

૨૧.તમારામાં અને મારામાં શું ફરક છે?
-સવાલ અને જવાબ જેટલો.
(વિનોદ બારૈયા, અમદાવાદ)

૨૨.અમેરિકાના પ્રેસિડૅન્ટ તમે બનો તો ત્યાં કયા ફેરફારો થાય?
-બસ. આજ સુધી ફક્ત ભારતમાં જ બ્રાહ્મણો વડાપ્રધાન બનતા હતા... હવે ત્યાં ય!
(મૌલિક જોશી, અમદાવાદ)

૨૩.જે છોકરીને પ્રેમ કરતા હોઈએ, એ બીજાના પ્રેમમાં પડયા પછી ય આપણને કહે કે, 'હું તને જ પ્રેમ કરું છું', તો શું સમજવું?
-તમારો સ્ટૉક મજબૂત રાખો.
(ડી.કે. પટરીયા, ભાવનગર)

૨૪.ઓબામાના પત્ની મિશેલ સાડી પહેરે છે તો કેવા લાગે?
-એ ઓબામાએ જોવાનો વિષય છે, મારાથી તો એ તરફ જોવાય પણ નહિ!
(અબ્દુલ હાફીઝ વોરા, આણંદ)

૨૫.ડાયરા જેવા કાર્યક્રમોમાં શ્રોતાઓ ચલણી નોટોનો વરસાદ વરસાવે છે, એમાં લક્ષ્મીનું અપમાન નથી?
-ઓ ભ'ઈ... આવા શ્રોતાઓ કયા ગામમાં મળશે, એ તો જરા કહો. હું મફતમાં કાર્યક્રમ આપીશ.
(ડી. યોગેશ, ગાંધીધામ-કચ્છ)

૨૬.તમને તમારાં પત્ની બીજા લગ્ન કરવાની છૂટ આપે તો શું કરો?
-આમાં તો છૂટ આપવા માટે કોઈની બી પત્ની ચાલે... આપણે મન મોટું રાખવાનું!
(અક્ષિતા કે. પરમાર, અમદાવાદ)

મુહમ્મદ રફીને 'ભારતરત્ન'

$
0
0
આમ પત્રકારત્વના નિયમ મુજબ, આ લેખના શીર્ષકમાં 'ભારતરત્ન'લખ્યું છે, એમાં પેલા બે ('') અવતરણ ચિહ્નો ન લખાય, લેખના મથાળામાં વગર અવતરણે ઉતરવું પડે. પણ એટલું બધું સાચવવા જઇએ તો મુહમ્મદ રફીને 'ભારતરત્ન'શબ્દોય ખોટા પડે એમ છે. આ માણસ ભારત-પાકિસ્તાન જ નહિ, દુનિયાભરની સરહદો પાર કરીને ઠેઠ મારા હૃદય સુધી પહોંચી ગયો છે.

મુહમ્મદ રફી સાહેબને 'ભારતરત્ન'આપવાથી શાન-ઓ-શૌકત ઍવૉર્ડની વધવાની છે.... એમને માટે તો હિંદી-ઉર્દુ સમજનારા દુનિયાભરના સંગીતપ્રેમીઓ વર્ષો પહેલાનો જગતભરનો સર્વોત્તમ ઍવૉર્ડ ''વિશ્વ-નાગરિક''નો આપી દીધો છે. ભારતમાં જ (ભાગલા પહેલાના પાકિસ્તાનમાં) એ જનમ્યા ને આપણે ત્યાં જિંદગી ગૂજારી, એટલે બેમાંથી એકેય દેશવાળા ''રફી અમારા''એવો દાવો ન કરી શકે... ને એમ જ હોય તો ઠેઠ વેસ્ટ ઈન્ડીઝ ટાપુઓમાં આવેલાં ટચુકડા દેશ સુરિનામમાં તો રફી સા'બે ગાયેલું, 'સુહાની રાત ઢલ ચૂકી, ના જાને તુમ કબ આઓગી..'રાષ્ટ્રગીતની કક્ષાએ ગવાય છે- રોજ! 'સાહેબ'તો જગતભરના રત્ન હતા... 'જગતરત્ન.'

રફીના જ લાડકા નામે ઓળખાતા રફી સાહેબ આજે ''નથી'', એવું નહિ કહેવાય, રફી ''છે'', એવું ઍટ લીસ્ટ હું ને તમે જીવીએ છીએ ત્યાં સુધી તો કહેવું જ પડશે. ભગવાન શ્રીકૃષ્ણની જેમ રફી પણ કોઇના કંઠમાં, કોઇની આંખોમાં, કોઇના લિબાસમાં, કોઇના વિશાળ કપાળમાં, કોઇના આંસુઓમાં, કોઇના પગના થરકાટમાં, કોઇના તાલ આપતા હાથોમાં કે બાળક જેવા કોઇના નિર્દોષ સ્માઇલમાં રફી હરદમ રહેવાના છે. એ દ્રષ્ટિએ મુહમ્મદ રફી ભારતના રાષ્ટ્રગીત જેવા છે, 'જનગણમન અધિનાયક...'

ઈન ફૅક્ટ, હું ને તમે સમજણા થયા, ત્યારથી રફીના ગીતો દોસ્તોની ટોળકીની માફક આપણી સાથે આજ સુધી રહ્યા છે. માણસના સ્વરૂપના તો અનેક દોસ્તો તો પોતાના યા આપણા વાંકે આપણને છોડીને ચાલ્યા ગયા છે, પણ રફીનું જે કોઇ પહેલું ગીત બાળપણમાં સાંભળ્યું હતું, તે આજ સુધી આપણી સાથે હૃદયપૂર્વક કહો કે કંઠપૂર્વક રહ્યું છે. બહુ સારૂં તો એ થયું કે, મને કે તમને જ નહિ, કોઇને મુહમ્મદ રફી સાહેબ જેવું ગાતા આવડયું નહિ, માટે એમના કંઠનું મૂલ્ય સમજીએ છીએ. સાયન્સ આગળ તો બહુ વધ્યું છે. કોઇની કિડની, કોઇની આંખો કે કોઇના વાળ લઇ શકાય છે, અવાજ નહિ... ને? મુહમ્મદ રફી જેવું ગાવા માટે તો ખુદ મુહમ્મદ રફી બનવું પડે... ઉપરવાળોય કંઠની ફોટો-કૉપીઓ કાઢી આપતો નથી.

કોઇ પણ હિંદુ ગાયક કરતા મુહમ્મદ રફીએ ઈશ્વરના ભજનો વધુ મોટી સંખ્યામાં ગાયા છે. ફિલ્મોમાં ગાતા કોઇપણ ગાયક કરતા મુહમ્મદ રફીએ ભારત માટેની દેશભક્તિના ગીતો બહુ મોટી સંખ્યામાં ગાયા છે. ચીન જ નહિ, પાકિસ્તાન સામેના યુધ્ધ વખતે પણ મુહમ્મદ રફી નામના આ ઓલીયાએ ભારતના જવાનોને શૂરાતન ચઢાવે, એવા જલદ દેશભક્તિના ગીતો ગાયા છે. આ જઘન્ય ગૂનાહની સજા રૂપે પાકિસ્તાન સરકારે એમને જીવનભર પાકિસ્તાનમાં આવવા ઉપર પ્રતિબંધ મૂક્યો. 'મન તડપત હરિદર્શન કો આજ...'ભજને છપ્પનની છાતીવાળાઓનેય હર્ષના આંસુ સાથે રોવડાવ્યા છે. રફી જેવા મહામાનવ માટે એક 'ભારતરત્ન'જેવો ઍવૉર્ડ અપાવવા માટે પણ દેશભરના કરોડો ચાહકોએ તા. ૨૩મી મે, ૨૦૧૫ના રોજ નવી દિલ્હીના જંતર મંતર ખાતે સવારે ૧૦ વાગે ભેગા થઇને સરકારે વિનંતી ''કરવી પડે'', એ માન્ય નથી. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી પણ આ દિવસે ઘણી મોટી હસ્તીઓ ઉપસ્થિત રહેવાની છે. આપણા માંગીએ અને એ આપે, એમાં ઈજ્જત રફી સાહેબની વધે છે ને એમની ઘટે છે. સામે ચાલીને સાહેબને 'મરણોત્તર''ભારતરત્ન'આપવો જોઇએ. તમે પણ ઈચ્છતા હો કે, મુહમ્મદ રફીને 'ભારતરત્ન'મળવો જોઇએ, તો જાતે પહોંચી જવું જોઇએ, દિલ્હી!

લતા મંગેશકર મારી જ નહિ, મારા જેવા કરોડો લતાપ્રેમીઓની મા સમાન છે. એને 'ભારતરત્ન'થી પણ જો કોઇ ઊંચો ઍવૉર્ડ હોત, તો અપાવો જ જોઇએ, એવું હું માનું છું, પણ મુહમ્મદ રફી પણ ઈક્વલ-એટલા જ હકદાર છે, 'ભારતરત્ન'માટે. સંગીતના જાણકારો એમ કહે છે કે, હિંદી ફિલ્મોમાં પરફેક્ટ પ્લે-બૅક ગાયકો ફક્ત બે જ... એક આશા ભોંસલે અને બીજા મુહમ્મદ રફી. કારણ સીધું છે. અન્ય કોઇ પણ બ્રાન્ડના ગીતો અન્ય જે કોઇ ગાયકે ગાયા હશે, એ જૉનરના તમામ ગીતો આ બન્ને ગાયકોએ ગાયા છે, પણ આ બન્નેએ જે જે કક્ષાના ગીતો ગાયા છે, તે અન્ય કોઇએ નથી ગાયા. દાખલા તરીકે, 'તારીફ કરૂં ક્યા ઉસકી, જીસને તુમ્હે બનાયા...'તમે હેમંત, મૂકેશ કે તલત પાસેથી સાંભળવાનું વિચારી પણ ન શકો. અવાજની અનેક પ્રકારની હરકતો જે આશાએ કરી છે, એવી એક પણ લતા પાસે સાંભળવા ન મળે. આશાએ ગાયેલું, 'આજ કી રાત, કોઇ આને કો હૈ રે બાબા...'લતા ગાય પણ નહિ, પણ લતાએ જે કોઇ જૉનરમાં ગાયું છે, એ બધા જૉનરો આશા માટે કંઠવગા છે. અર્થાત, સ્વયં આશા ભોંસલે પણ 'ભારતરત્ન'માટેની હક્કદાર છે.

એવું તો કોઇ બેવકૂફ જ માને કે, રફી કે લતા બેસ્ટ અને બીજા બધા... ઠીક મારા ભ'ઇ...! ફિલ્મી પ્લેબૅકમાં કિશોર, તલત કે હેમંત... કોઇ પણ મુહમ્મદ રફીથી ઉતરતા નથી, પણ જ્યાં 'ભારતરત્ન'ની વાત આવે છે, ત્યાં 'પ્રદાન'ની દ્રષ્ટિએ મુહમ્મદ રફી આ સમ્માન માટે સૌથી મોખરે છે.
ઇશ્વરે કરે... સૉરી, એકલો ઇશ્વર નહિ, ભારત સરકાર કરે કે, આ વખતે મરહૂમ મુહમ્મદ રફી સાહેબને 'ભારતરત્ન'થી નવાજીને આ મહામૂલા એવૉર્ડનું ગૌરવ વધે.

રફીના જે કોઇ ચાહક છે, એ સહુએ ૨૩ મે ના રોજ દિલ્હીમાં લાખોની સંખ્યામાં એકઠા થઇને આ એવોર્ડ મળે, એ માટેની શાંત રેલીમાં જોડાવું જોઇએ.

Article 0

$
0
0
ફિલ્મ - 'શિકસ્ત' ('૫૩)
નિર્માતા - દિગ્દર્શક - રમેશ સેહગલ
સંગીત - શંકર-જયકિશન
ગીતકારો - શૈલેન્દ્ર-હસરત
રનિંગ ટાઇમ - ૧૫-રીલ્સ
થીયેટર - (અમદાવાદ)
કલાકારો - દિલીપ કુમાર, નલિની જયવંત, કે.એન.સિંઘ, ઓમપ્રકાશ, લીલા મીશ્રા, શ્યામલાલ, દુર્ગા ખોટે, હેમાવતી.


ગીતો
૧ જબ જબ ફૂલ ખીલે, તુઝે યાદ કિયા હમનેં..... લતા-તલત
૨ તુફાં મેં ઘિરી હૈ મેરી તકદીર કી રાહેં.... તલત મેહમુદ
૩ કારે બદરા તૂ ન જા, બૈરી બિદેસીયા ન જા. લતા મંગેશકર
૪ ચમકે બિજુરીયા...મન જા રે બલમ પરદેસીયા.. આશા-કોરસ
૫ સપનોં કી સુહાની દુનિયા કો, આંખોં સે બસાના તલત મેહમુદ
૬ હમ કઠપૂતલે હૈં, હમ તો હૈ ખેલ ખિલૌને હેમંત કુમાર
૭ નઇ ઝીંદગી સે પ્યાર કર કે દેખ લતા-રફી
૮ રાત જાગ કે નીકાલું, તેરે ઇન્તેઝાર મેં લતા મંગેશકર
૯ નઇ ઝીંદગી સે પ્યાર કર કે દેખ.... લતા મંગેશકર
૧૦ બુઝ ગયે આશા કે દિયે, બદલે રંગ જહાન કે લતા મંગેશકર
ગીત નં. ૨ અને ૮ હસરત જયપુરીના- બાકી બધા શૈલેન્દ્રના

દિલીપ કુમાર કેવો સોહામણો અને પ્રભાવશાળી ઍક્ટર હતો ! અન્ય કોઇ હીરોની સરખામણીમાં બે વાતે એ નોખો તરી આવતો હતો કે, એક તો, પરદા ઉપર એની હાજરી જ કાફી હતી. એ કાંઇ ન બોલે, તો ય અન્ય પાત્રો ઝાંખા પડી જાય, એવો 'ઑરા'એનો હતો અને બીજું મીઠાશ અને ભાવવાહી અવાજ. એ ગદ્યમાં બોલતો હોય તો ય પદ્ય લાગે... અને 'મદ્ય'માં બોલતો હોય તો હારે હારે આપણે ય પીધો હોય, એવી અસર ઊભી કરી શકતો. આમ તો, 'બ્લૅક-ઍન્ડ-વ્હાઇટ ફિલ્મોના જમાનાની ઑલમોસ્ટ તમામ ફિલ્મોમાં એણે કરૂણ અને નિષ્ફળ પ્રેમી તરીકેના જ રોલ વધારે કર્યા, એમાં અંગત જીવન પર એવી ખરાબ અસર પડી ગઇ કે, ફિલ્મ બહારની દુનિયામાં એ થનગનાટ અને તોફાની કિસ્મનો માણસ હતો છતાં, ફિલ્મોમાં આવા રોલ કરવાને કારણે એના મન ઉપર પણ દુઃખી અસરો પડવા માંડી અને સાચા અર્થમાં સેકાયટ્રીસ્ટને બતાવવું પડયું, જેમણે સલાહ આપી થોડી ઘણી કૉમેડી ફિલ્મો કરવાની અને એટલે ફિલ્મ 'આઝાદ'અને 'આન'જેવી ફિલ્મો સ્વીકારી.'

એક ઍક્ટર તરીકે આ ફિલ્મ 'શિકસ્ત'માં તેને બહુ ઊંચું માન નહિ આપી શકાય. અફ કૉર્સ, જે રોલ એને સોંપવામાં આવ્યો હતો, એ તો એની પાસેથી રખાયેલી અપેક્ષા મુજબનો સિધ્ધહસ્ત જ હતો, પણ ફિલ્મના પહેલા દ્રષ્યથી એના સ્વભાવ, બોલચાલ, સંવાદ કે અન્ય કોઇ હરકતો કરવાની આવતી નથી. બસ, દરેક દ્રષ્યે ઢીલા પડતા જવાનું છે. એમાં દોષ એની એક્ટિંગનો દાઢી શકાય એમ નથી, એની પસંદગીનો કાઢ શકાય કે, બધી ફિલ્મોમાં આવા મડદાલ રોલ શું કામ સ્વીકાર્યા ? કમ્માલ છે કે, આવી ઍક્ટિંગ એને લગભગ બધી ફિલ્મોમાં કરવાની આવી. પછી, 'કોહિનૂર', 'આન'કે 'ગંગા જમુના'માં એણે પૂરૂં શહૂર બતાવ્યું.

બીજી બાજુ, હીરોઇન નલિની જયવંત માટે લાઇફનો કદાચ સર્વોત્તમ રોલ અહીં હતો...ઍન્ટી-હીરોઇનનો. આમ તો, એના રોલમાં ય વૅરિએશન્સ બે જ છે, રૂઆબદાર જમીનદાર અને ભગ્ન પ્રેમી-વિધવા. આખી ફિલ્મના એકે ય દ્રષ્યમાં કોઇ જરાક અમથું ય હસ્યું નથી, છતાં સુંદર વહે જતી વાર્તાને કારણે ફિલ્મ ક્યાંય બૉરિંગ લાગતી નથી.

બહુ ઓછાને ખબર હશે કે, ૧૮મી ફેબુ્રઆરી, ૧૯૨૬-ના રોજ એક શિક્ષિત મહારાષ્ટ્રીય પરિવારમાં જન્મેલી નલિનીએ ફિલ્મોમાં પ્રવેશ તો '૪૦-ના દાયકામાં કર્યો હતો. નૂતનની માં શોભના સમર્થ અને નલિની સગા કાકા-કાકાની દીકરીઓ થાય, એ ધોરણે નૂતન બાળકી હતી, ત્યારે એની ચોથી બર્થ-ડે પાર્ટીમાં નલિનીને આપણા ગુજરાતી યુવાન દિગ્દર્શક વીરેન્દ્ર દેસાઇ એની સામે જોતા જ મોહી પડયો. પોતાની બે ફિલ્મો 'રાધિકા'અને 'નિર્દોષ'માં હીરોઇન બનાવી દીધી. 'જહૉની મેરા નામ'માં હેમા માલિનીની માં બનતી 'મૃદુલા'આ ફિલ્મની સેકન્ડ હીરોઇન હતી. (યોગાનુયોગ, આ મૃદુલા દિલીપ કુમારની પણ સૌથી પહેલી ફિલ્મ 'જ્વારાભાટા'ની હીરોઇન હતી.) પણ ખૂબસુરત વાત તો એ છે કે, ગાયક મૂકેશે ફિલ્મી શરૂઆત ગાયક નહિ, હીરો તરીકે આ ફિલ્મ 'નિર્દોષ'થી કરી હતી. અશોક ઘોષના સંગીતમાં મૂકેશે જે બે-ત્રણ ગીતો ગાયા હતા, તેમાંનું 'દિલ હી બુઝા હુઆ તો ફસલ-એ-બહાર ક્યા...'જાણિતું થયું હતું. મુકેશે ગાયેલું આ પહેલું ગીત હતું.

દિલીપ કુમારની સાથે ચરીત્ર અભિનેતા ઓમ પ્રકાશ...જરા નવાઈભર્યું લાગે એમ છે. છેલ્લે બન્ને સાથે ફિલ્મ 'આઝાદ'માં આવ્યા હતા. ઓમને વાંધો એ પડયો કે, દિલીપ કોમવાદી માનસ ધરાવે છે. હિંદુ દેવી-દેવતાઓ સામે એ કદી પ્રણામ કરતો નથી. ઝૂકતો નથી. એણે દિલીપ સાથે કામ કરવાનું બંધ કરી દીધું, પણ દાયકાઓ પછી નિર્માતાઓ મુશિર-રિયાઝની ફિલ્મ 'ગોપી'માં સાયરા-દિલીપની સાથે ઓમનું હોવું નિહાયત જરૂરી હતું. દિલીપ સમાધાન કરવા તૈયાર હતો. શર્ત ઓમે મૂકી કે, ફિલ્મમાં દિલીપ હિંદુ ભગવાનને પ્રણામ કરતો દર્શાવાય, એ જ મારૂં સમાધાન...ને આખરે એમ જ થયું.

આ ફિલ્મમાં ઓમપ્રકાશ એક સામાન્ય વિલન છે. ચૅમ્બુરમાં અશોક કુમારની બરોબર બાજુનો બંગલો, છતાં ય આ બન્ને વડિલો વચ્ચે જીવનભર બોલવાના વ્યવહારો રહ્યા નહોતા. થોડે દૂર આવેલા આર.કે. સ્ટુડિયોના સર્વેસર્વા રાજ કપૂર સાથે પણ અશોક કુમારને દહીંનું મેળવણ માંગવા જેટલા ય સંબંધો નહોતા. ઍક્ટિંગના જોરે દાદામોની ભલભલા હીરોને ખાઇ જાય એમ હતા, એ ધોરણે સ્વાભાવિક છે, મોટા ભાગના હીરો એમનાથી દૂર ભાગે.

એક નહોતી ભાગતી નલિની જયવંત, જેણે તો એક તબક્કે પોતાના 'આધાર-કાર્ડ'માં ય અશોક કુમારનું નામ ઉમેરવાના સપના જોયા હતા. બન્ને ગળાડૂબ પ્રેમમાં હતા. ફિલ્મો જ નહિ, દેશભરમાં કોઇથી આ વાત અજાણી નહોતી.

અલબત્ત, વીરેન્દ્ર દેસાઇ સાથે લગ્ન કરી લીધાના એકાદ વર્ષમાં જ એને ખબર પડી કે, વીરૂ નલુને મારઝૂડ કરવામાં સેહવાગ જેવો હતો. છુટાછેડા લેવાઇ ગયા ને દેવ આનંદ અને ગુજરાતી હીરોઇન તરલા મેહતા (દીના પાઠકની નાની બહેન) સાથે આવેલી ફિલ્મ 'એક કે બાદ એક'માં આ પ્રભુ દયાલ સાઈડમાં હતો. નલુ એની સાથે પરણી ગઇ. એ ય કાંઇ ઝાઝું ન ચાલ્યું. ને છેલ્લે છેલ્લે અમિતાભ બચ્ચનની એક ફિલ્મ'નાસ્તિક'માં 'માં'નો રોલ કરીને નલિનીએ અલવિદા કરી દીધી. બીજી અનેક હીરોઇનોની જેમ નલિની જયવંત પણ બેહાલી જ નહિ, ભિખારણ જેવી અવસ્થામાં ગૂજરી ગઇ ત્યારે એને સ્મશાને મૂકી આવવા કોઇ નવરૂં નહોતું.

કે.એન. સિંઘ એના જૉનરનો શ્રેષ્ઠ વિલન હતો. એને જોતા વ્હેંત કોઇને વહાલ ઉપજી આવે, એવું તો કદાચ એના જન્મસમયે ય નહિ થયું હોય. સાયગલ અને પૃથ્વીરાજ કપૂરના આ ખાસ દોસ્ત મુંબઇના કિંગ સર્કલ ખાતે પૃથ્વીરાજની બાજુમાં રહેતા. આ ફિલ્મમાં ય એ કાળાકામો જ કરે છે.

ફિલ્મમાં ગરીબ ખેડૂત મંગલૂ, જેની કિશોરી દીકરી નલિનીના ઘેર કામ કરતા ગૂજરી જાય છે, તે ચરીત્ર અભિનેતા શ્યામલાલને તમે શશી કપૂર-કિશોર-મેહમુદની કૉમેડી ફિલ્મ 'પ્યાર કિયે જા'માં મેહમુદના સસુરજી તરીકે જોયો છે. બહુ ખાસ ચાલ્યો નહિ.

ફિલ્મના સંગીતમાંથી થોડો મૂડ ઉતરી જાય એવું કામ શંકર-જયકિશને કર્યું છે. દોષ ફિલ્મની વાર્તાનો હશે, પણ ફિલ્મના દસે ય ગીતો ઉપડયા નહિ. આ તો મારા જેવા શંકર-જયકિશન પાછળ પાગલ ચાહકોને 'લતા-તલતનું 'જબ જબ ફૂલ ખીલે, તુઝે યાદ કિયા હમનેં..., લતાનું 'કારે બદરા તૂ ન જા...'અને તલતનું 'સપનોં કી સુહાની દુનિયા કો...'આજે ય કંઠસ્થ હોય. બાકીના ગીતો શંકર-જયકિશનના જ ન લાગે, એવા નબળાં નીકળ્યા. તલતના આ 'સપનોં કી સુહાની...'માં એક ખૂબી એ છે કે, તલતની પૂરી કરિયરનું આ એક જ ગીત એવું છે, જેની શરૂઆત એણે આલાપથી કરી છે. એમ તો શોધતા શોધતા આલાપવાળા બીજા-બે-ત્રણ ગીતો મળી આવ્યા, પણ કોઇ જાણિતા ન થયા.

કોઇને નવાઇ લાગી શકે કે, સંગીત-જયકિશનનું હોવા છતાં હસરત જયપુરીના બે જ ગીતો કેમ ? બાકીના બધા શૈલેન્દ્રના ! એક કારણ સાચું પડે એવું એ છે કે, ફિલ્મ 'આવારા'પછી તરત જ શંકર અને જયકિશન વચ્ચે ઝગડા શરૂ થઇ ગયા હતા. બન્ને છુટા પડી જવાના હતા, પણ રાજ કપૂરની દરમ્યાનગીરીથી મામલો થાળે પડયો. હસરતના ગીતોની ધૂન જયકિશન બનાવતો હોવાથી-તેમ જ પ્રભુત્વ શંકરનું વધુ રહેતું હોવાથી જયકિશન અને હસરતના બે જ ગીતો આ ફિલ્મમાં આવ્યા હોઇ શકે.

નવાઇ તો બીજી ય લાગી શકે એમ છે કે, શંકર-જયકિશનની ફિલ્મોમાં હેમંત કુમાર ભાગ્યે જ હોય. 'રૂલા કર ચલ દિયે એક દિન, હંસિ બનકાર જો આયે થે'કે 'આ નીલે ગગન તલે, પ્યાર હમ કરે'જેવા બે-ચાર ગીતો માંડ હશે.

વાર્તા આજે ય નવી લાગે, એવી ભાવવાહી હતી.

ડૉ. રામસિંઘ (દિલીપ કુમાર) સાત વર્ષ પછી પોતાને ગામ જમીન વેચીની પાછા શહેર જવા માટે આવે છે. એને તાત્કાલિક જાણ થાય છે કે, ગામનો જમીનદાર (કે.એન.સિંઘ) અને તેની બહેન સુષ્મા (નલિની જયવંત) ભોળા ગામલોકો ઉપર જુલ્મોસિતમ કરીને પૈસો હડપ કરી જવા માંગે છે.

સુષ્મા એક જમાનામાં તેની પ્રેમિકા હતી, પણ આ સાત વર્ષના ગાળામાં તે બે કામો એક સાથે પતાવે છે-લગ્ન કરવાનું અને વિધવા થવાનું. પહેલા કરતા બીજા કામમાં એનો હાથ વધુ સારો બેસી ન જાય, એ માટે દિલીપ કુમાર પણ એનો પૂર્વ પ્રેમી હોવા છતાં એને પ્રેમના ભાવથી જોતો નથી, પણ મહીં મહીં ઇચ્છા ખરી એ તો! એ સુષ્માની નજીક જવાનું કારણ એ લઇ આવે છે કે, સુષ ગ્રામજનો ઉપર અત્યાચારો કરે છે, એ આનાથી જોવાતું નથી, એટલે એ પોલીસ-સ્ટેશનમાં જવાને બદલે સુષ પાસે જા-જા કરે છે અને આવડી આ, એને આઘો જ રાખે છે. આમ તો ભ'ઇ, ગામ આખામાં બકી ચૂક્યા હતા કે, હું તો મારી જમીન વેચીને પાછો જતો રહીશ, પણ એ પંજાબનો ખેડૂત ન હોવાથી ઝાડ પર લટકીને ભરી સભામાં આત્મહત્યા કરતો નથી. ગામમાં પ્લેગ ફાટી નીકળતા, ડૉક્ટર રામસિંઘ સુષ્માના પુત્રને બચાવે છે, એમાં બન્ને વચ્ચેનો પ્રણય ફરી જાગૃત થાય છે. (ગુજરાતના ડૉક્ટરો....આ વાતમાં તમારી અનુકૂળતા મુજબ રસ લો.) અલબત્ત, ગાંવવાલોં હવનમાં હાડકાં નાંખે છે, એમાં આ બન્નેનો માંડમાંડ શરૂ-શરૂ થતો પ્રેમ 'ડીલીટ'મોડ પર આવી જાય છે. દિલીપને શહેર જતો પાછો રોકવા માટે સુષ ગ્રામ્યજનો ઉપર વધુ અત્યાચાર કરે છે ને પેલાને આ જ જોઇતું હતું. એ રોકાઇ જાય છે. પણ પ્રેમી પંખીડાઓને રોકવા જમીનદાર એ બન્ને વચ્ચેના પ્રેમની આગ ભડકાવીને દિલીપ સામે કૅસ કરે છે. હજી આવી બીજી એકાદ-બે લમણાઝીંક પછી ફિલ્મના અંતે પંખીડાઓ પિંજરામાં સહર્ષ પૂરાઇ જાય છે.

વાર્તા વજાહત મિર્ઝાની હતી. યસ. કંઇક અફ કૉર્સ નવું હતું. નલિની જયવંત પાસે ઘણો બોલ્ડ રોલ કરાવ્યો છે નિર્માતા-દિગ્દર્શક રમેશ સેહગલે. નૉર્મલી, આવો ઍન્ટી-હીરોઇનનો રોલ ભાગ્યે જ અન્ય કોઇ હીરોઇન સ્વીકારે. મિર્ઝાએ ફિલ્મના સંવાદો ભલે સાહિત્યિક નહિ, તો ય ઘણા અસરકારક લખ્યા છે, એકે ય સંવાદ લાંબો કે અર્થ વગરનો નહિ.

દિલીપકુમારના ચાહકો અંજાઇ જાય, એવો બખૂબી બેહતરીન અભિનય જોવા માટે આ ફિલ્મ જોવી.
Viewing all 894 articles
Browse latest View live


<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>