(ચેતવણી : પ્રસ્તુત લેખના શીર્ષકમાં 'મકાન'ને બદલે 'ઘર'શબ્દ લખાઈ ગયો છે, એ છેકી નાંકીને 'મકાન'વાંચવું... ઘર મોટું બનાવવાના તો કોઈ ઉપાય અમારી પાસે નથી ને એમાં સંતતિ નિયમનનો જાણેઅજાણે ભંગ થઈ જવાનો ખૌફ રહે છે. અહીં ચૂના, ઈંટો, સીમૅન્ટ વડે બનેલું ઘર ભાંગ્યા-ફોડયા વિના મોટું કરી આપવાનો ઉપાય બતાવવામાં આવ્યો છે. ચેતવણી પુરી.)
બજારમાં મારવાડી ડૂંગળીનો કોથળો પાથરીને બેઠો હોય, એમ ઘરમાં જીવનભર હું આળસ પાથરીને બેઠો રહ્યો છું. કામ કરવાની વાત તો દૂરની છે, પણ કોઇને કામ સોંપવાની પણ એટલી આળસ ચઢે કે, આજે ૬૩-વર્ષનો થયો છું ને આળસો ન કરી હોત તો આજે લહેરથી ૮૫-૮૭ ની ઉંમરે પહોંચી ગયો હોત ! કૅલેન્ડર કદી આળસ કરતું નથી....(વાત સમજાય એવી નથી, એ હું જાણું છું....મને ય નથી સમજાણી !)
મારા આવા સ્વભાવને પરિણામે ચાલવા જવાની કે ઘેર બેઠા કસરતો કરવાની વાત તો દૂરની રહી...નકરી આળસને કારણે મારા બદલે બે ઘડી ચાલી આવવા કે કસરતો કરવાનું કામે ય કોઇને સોંપી શકતો નથી. એમાં આળસ ચઢી જાય છે. આ જ કારણે, આજે મારા નામે મિનિમમ ૭૦-૭૫ પુસ્તકો બહાર પડયા હોવા જોઇતા હતા, એને બદલે ત્રીસે ય માંડ થયા છે.
હવે એક સામટાં ત્રણ-ચાર આવી રહ્યા છે, ત્યારે મને ઓળખનારાઓ પૂછે છે, 'કોણે લખી આપેલાં...?'
બહાર મારી છાપ ગમે તે હોય, પણ હું એક સામાન્ય ત્રણ બેડરૂમના ફ્લૅટમાં રહું છું. ત્રણ બેડરૂમનો ફ્લૅટ નાનો ન કહેવાય, પણ ઘરમાં સાત જણની વસ્તી એટલે સવાર-સાંજ હાલતા ચાલતા એકબીજાને ભટકાતા હોઇએ. મારા ઘરમાં સહુના મગજ કરતા પગ વધુ મજબુત છે, કારણ કે, દર ત્રીજી મિનિટે કોઈ ને કોઈ જગ્યાએ લાત વાગી જતી હોય, એટલો સામાન તો જમીન પર પડયો હોય. કપાળ ઉપર ઢીમડાં હવે તો ભીંતમાં વગર અથડાયે પડી જાય છે, કારણ કે ઘરના કોઈ પણ પ્રવાસન સ્થળે જવું હોય તો, અનેક સામાનો ઠેકીઠેકીને જવું પડે છે, એમાં અમારા બાપનું કપાળ અને એની માની ભીંત એકબીજાને અથડાઇને અમને મોટી ઈજાઓથી બચાવી લે છે. મોટી ઈજાઓ માટે તો અમારા ઑર્થૉપૅડિક ડૉક્ટરે ખાસ અમારા માટે માસિક કૂપનો કાઢી આપી છે. ત્રણ ફ્રૅક્ચરે એક ફ્રૅક્ચર ફ્રી !
ગમે કે ન ગમે, આબરૂ જાય કે રહે, મારે કામ તો કરવું જ પડે છે... મહાવિદ્વાન ડાકુ ગબ્બરસિંઘે કહ્યું જ છે, 'જબ તક પૈર ચલેગા, તબ તક સાંસ ચલેગી...!'
લોકો મને ચાલવાની સલાહ આપે છે પણ, કોઈ મહારાજાધિરાજ પોતાના મહેલમાં લટાર મારવા નીકળ્યા હોય, એવી લટારો હું રાત્રે અડધી ઊંઘમાં ઊભા થઇને મારી પથારીમાં ય મારી શકતો નથી. છેલ્લા ૩૯-વર્ષથી એક વિરાટ ભેખડ પથારીમાં જડેલી છે.
ઈન ફૅક્ટ, જે ઘરમાં ૫-૭ વર્ષના બે કે તેથી વધુ બાળકો હોય, ત્યાં બધું અસ્તવ્યસ્ત તો રહેવાનું જ. ઘરઘાટીઓ મળે નહિ....ને હું તો કેટલું પહોંચી વળું ? નાના બે બાળકોને કારણે, હોવો જોઇએ એના કરતા વધારે આલતુ-ફાલતુ સામાન રોજ ઠેબે ચઢતો હોય.
'અસોક....હવે ઘરમાં બઉ શંકડાસું (સંકડાશ) પડવા માંઇંડી છે. આપણે નવો ફ્લૅટ તો લઈ સકીએ એમ નથી, પણ આ જી છે, એને જ મોટો બનાવવો હોય તો ઘરમાંથી જૂનો અને ભંગાર સામાન કાઇઢવા માંડીએ...ઇ વગર----'
'સીધી રીતે કહી દેને, મને કાઢવો છે...!'
'ખોટી લાલચું નો દિયો... તમને કાઇઢવાની જવાબદારીયું મારી નથ્થી.....ઉપરવાળાની છે.'
'યુ મીન, ઉપરવાળો ઠક્કર....? વાઇફ, મુઝે તુમ સે યે ઉમ્મીદ નહિ થી...!'આટલું કહીને નજીકની ભીંતે મારો હાથ અડાડીને નીચું જોઇને માથું ટેકવ્યું.
'સુઉં તમે ય તી...? અરેબાપા, હું---'
'સંબંધ ન બદલ, સંબંધ ના બદલ.... હું તારો---!'
એનું સૂચન અફ કૉર્સ, સાચું હતું....આઈ મીન, મને કાઢવાનું નહિ- કોઈ કામમાં નહિ આવતો ફાલતુ સામાન ઘરમાંથી કાઢી નાખવાની વાત હતી. નૉર્મલી, સ્માર્ટ વાઇફો ઘરમાં તો જ નવી ચીજ ખરીદી લાવે છે, જો બદલામાં જૂની એ જ ચીજ ફેંકી દેવાની હોય. અમારા ઘરમાં તો મારા સસુરજી અને એમની બંને વાઇફોના ફોટા ય હજી લટકે છે. આપણને કોઈ ઇર્ષા ન થાય, પણ આવા સંજોગોમાં કમસેકમ સ્વ. સસુરજીનો ફોટો તો કાઢી નાંખવો જોઈએ ને ? જે મારા ફાધર કરી ન શક્યા, એ સસુરજી કરતા ગયા, છતાં ય આપણને એવી કોઈ જલન-બલન નહિ !
આપણામાં ઘણાની આદત હોય છે, જૂનું કશું કાઢવાનું જ નહિ.
'ભ'ઇ...કોઈ ચીજ કાઢી ન નાંખવી...રાખી મૂકી હશે તો કોઈ 'દિ કામમાં આવશે.'આપણામાંથી મોટા ભાગનાઓ મિડલ-ક્લાસવાળા છીએ એટલે જુનું ફાલતું વેચીને ય બે પૈસા મળતા હોય, એ લાલચમાં કોઈ ચીજ એમને એમ ફેંકી દેતા જીવ ચાલતો નથી. ફ્રીજ કેવું ખખડધજ થઈ ગયું હોય, પણ કોઈ સારો ઘરાક આવે તો સસ્તામાં આપી દેવું છે, એવી લાલચમાં કાં તો આ જાય નહિ ત્યાં સુધી બીજું ફ્રીજ ન આવે ને કાં તો જૂનું ફ્રીજ બુટ-ચપ્પલ મૂકવાના કામમાં લઈ લેવાનું. તારી ભલી થાય ચમના, આવું ફ્રીજ તો ઘરની કામવાળીને મફતમાં ય ન અપાય.....બિચારી રીપૅર કરાવવામાં લાંબી થઈ જાય. મારા એક દોસ્તને ત્યાં વર્ષો પહેલા કૂતરો પાળ્યો હતો. એ તો ગૂજરી ગયો, પણ દરેક ઘરની જેમ કૂતરાનો એક અલાયદો રૂમ હોય છે. એ લોકો નવો કૂતરો તો ન લાવ્યા, પણ પછી એ રૂમ ફાધર-મધરને રહેવા આપી દીધો. ગળે બાંધવાના પટ્ટા અને સાંકળ (ફાધરને નહિ, કૂતરાને ગળે બાંધવાના) હજી પડયા છે. કમનસીબે, આ બંને ચીજો એવી છે કે, માણસથી ન વપરાય. પટ્ટો કમરે બાંધવાના કે સાંકળ કપડાં સૂકવવાના કામમાં ય ન આવે...સુઉં કિયો છો ?
એક સુંદર રવિવારની સવારે અમે ફૅમિલી-ગૅટટુગેધર રાખ્યું. જૂનીપુરાણી ફાલતુ ચીજો ફેંકી દેવાની યાદી બનાવવા માટે. એ શરત પણ રાખી કે, આવું ઘણું બધું કાઢી નાંખ્યા પછી છ મહિના સુધી ઘરમાં કોઈ ચીજ નવી નહિ લાવવાની અને લાવો, તો જૂની તાબડતોબ ફેંકી દેવાની. સેકન્ડમાં કોઈને વેચી મારવાની લાલચ નહિ રાખવાની. હવે રદબાતલ થઈ ચૂકેલા જૂના મોબાઇલો, પૅજરો, તૂટેલા રીમોટ-કન્ટ્રોલો, લાંબા લાંબા દોરડાંવાળા ચાર્જરો, દવા, પરફયૂમ કે શૅમ્પૂની વર્ષો પહેલા ખાલી થઈ ચૂકેલી શીશીઓ, ફિલ્મ 'સરસ્વતિચંદ્ર'ના જમાનાની જૂની બૅગો અને બિસ્ત રાં... ઓહ, પહેલો ગૂન્હેગાર તો હું જ ઠર્યો. મારા એકલાના મિનિમમ ત્રણ સો શર્ટ્સ અને ૬૦-૬૫ પાટલૂનો નીકળ્યા. પાટલૂનોનો સ્વભાવ હોય છે કે, સમય જતા આપણા પેટોનો ઘેરાવો વધતો જાય, એમ કબાટમાં પડયા પડયા એ લોકો ન વધે. આવા શર્ટ-પૅન્ટ્સમાંથી ભાગ્યે જ કોઈ ૨૦-૨૫ હું બહાર પહેરી જઈ શકું. એવા સારા હતા. પુસ્તકો તો હું મારા લખેલા ય વાંચતો નથી, પણ કરમકૂંડાળે લેખક બન્યા, એટલે દર ત્રીજે દિવસે કોઈને કોઈ પોતે લખેલા પુસ્તકો આપી જાય, એટલે એના તો અમે પલંગો બનાવેલા...ચાર પાયાને બદલે દરેક પાયે પુસ્તકની થપ્પી મૂકી દેવાની. ઘરે કોઈ આવે તો મારા સાહિત્યપ્રેમ માટે એને માન થાય. અમારે તો વચ્ચે સુવાના પાટીયા જ મૂકવાના, એને બદલે આજ સુધી જાહેર સમારંભોમાં મને ઓઢાડવામાં આવેલી કોઈ ૨૫૦-૩૦૦ ગરમ શૉલ પાથરી દીધી... જગતના મોંઘામાં મોંઘા ગાદલાં ઉપર સુવાનો અમને ફખ્ર છે. (એક આડવાત : સાલું, લેખક થયા, તો કયો ગૂન્હો કર્યો કે, સમારંભોમાં આયોજકો વાંકા વળીને અમને ગરમ શૉલ જ ઓઢાડે છે. મેં સૂચન કર્યું જ છે કે, 'હવે શૉલને બદલે અમને લૅપટોપ ઓઢાડો, ફ્રીજ ઓઢાડો... બહુ મોંઘામાં પડવું ન હોય તો, કોઈ બ્રાન્ડેડ બ્લૅઝર કે શર્ટો ઓઢાડો...!'
પણ એ લોકોની મુશ્કેલી સમજી શકું છું. શર્ટ કે બ્લૅઝર પહેરાવવું પડે, જ્યારે શૉલ તો ડૅડ-બૉડી ઉપર કપડું ઢાંકવાનું હોય, એટલી સરળતાથી ચીફ ગૅસ્ટના ખભે ઓઢાડી દેવાય... હિસાબ પૂરો, ભૂલચૂક લેવીદેવી.
વાઇફે ફરી એક વાર સૂચન કર્યું, 'અસોક...એવું તો ન કરાય કે, ઘરમાં જી કાંઈ પઈડું હોય, ઈ બધું પહેલા બા'ર નાખી દંઈ...ને પછી જી જોયતું હોય, ઈ પાછું લેતા આવીએ...? ઘર આખું ખાલીખમ્મ થઈ જાય, પછી ઑટોમૅટિકલી ખબર પઇડશે કે, આમાંનું આપણે સુઉં રાખવું છે ને સુઉં કાઢી નાંખવું છે....!'
અમે એમ જ કર્યું. માંડ ઘરમાં એની એ જ કોઈ દસ-બાર ચીજો પાછી આવી... બધું નવેસરથી વસાવવાનો ખર્ચો - પ્લસ - રંગરોગાન વગેરે ઉમેરતા તદ્દન નવો ફ્લૅટ તો આજે ય એક-સવા કરોડમાં ન મળી જાય...? અમે એનાથી ય વધુ ખર્ચી ચૂક્યા છીએ.... જય અંબે.
સિક્સર
- હોટેલવાળાની ફરજ છે, ચોખ્ખું પાણી આપવાની...છતાં વૅઇટર પૂછે, 'સા'બ... રૅગ્યુલર પાની લાઉં કે મિનરલ વૉટર...?'
- આખા ગુજરાતમાં એક પણ ગ્રાહક ખંખોરીને પૂછતો નથી કે, ચોખ્ખું પાણી આપવાની હોટલ માટે ફરજીયાત છે... મિનરલ વૉટર શું કામ ?'પણ મેહમનોને ઈમ્પ્રેસ કરવા અને પોતાને ઉલ્લુ બનાવવા વટથી કહેશે, 'ઓહ નો...મારે મિનરલ સિવાય નહિ ચાલે !' ....સ્ટુપિડો હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે !