Quantcast
Channel: Ashok Dave's Blog
Viewing all 894 articles
Browse latest View live

ઍનકાઉન્ટર : 10-01-2016

$
0
0

* પાકિસ્તાન ઘેર આવીને આપણા જવાનોને મારી જાય છે ને સામે આપણે કાંઈ કરી શકતા નથી ?

- આપણા જવાનોય એ લોકોને વધુ ફૂંકી મારે છે... પણ આપણને કશું કહી બતાવવાની ટેવ નહિ ને !
(રાહુલ દવે, રાજકોટ)

* 'એનકાઉન્ટર', 'ફિલ્મ ઈન્ડિયા'અને 'બુધવારની બપોરે' - એ તમારી ત્રણે કોલમોમાંથી તમારી લાડકી કઈ ?
- પોતાની હોય એટલે લાડકી તો બધી હોય, પણ આ ત્રણેમાં 'બુધવારની બપોરે'મારા માટે અઘરી અને સર્વોત્તમ છે.
(વૈશાલી મધુકર શાહ, સુરત)

* મારી ભાવિ પત્ની કરતા મારી સાસુની મને બહુ ચિંતા થાય છે... કારણ કે, ઘરમાં એ ટકતા જ નથી. આખો દિવસ ગામમાં ફર્યા જ કરે છે...
- આમાં તો જે કાંઈ ગૂમાવવાનું છે, એ બાલાસિનોરે ગૂમાવવાનું છે... વળી પત્ની તમે 'ભાવિ'જણાવી છે, પણ સાસુ હાલવાળી છે કે, એ ય 'ભાવિ'છે, તે લખ્યું ન હોવાથી આખું ગામ મૂંઝાયું છે.
(મુદસ્સિર ખાન, બાલાસિનોર)

* જે કૌમો અનામતમાં શામેલ છે, એ લોકો અમને 'અનામત-પ્રથા'માંથી બહાર કરો, એવું પ્રતિ આંદોલન કેમ કરતા નથી ?
- હવે તો ઢોર-જનાવરો ય અનામત માંગે તો મને આશ્ચર્ય નહિ થાય !
(ફાલ્ગુન વૈદ્ય, ઈલિનોય, અમેરિકા)

* સૌથી લાંબો સમય પ્રાઈમ મિનિસ્ટર બની રહેવાનો રેકોર્ડ નરેન્દ્ર મોદી તોડી શકશે?
- કેમ નહિ ? બસ, ચૂંટણીઓ પહેલા એ જે કાંઈ બોલતા હતા, એમાંનું દસ ટકા ય કરી બતાવે, પછી જુઓ ભાયડાના ભડાકા... !
(મયૂર વાળંદ, માધાપર-કચ્છ)

* શું દાઉદ ઈબ્રાહિમ ભારતને ક્યારે ય મળી શકશે ખરો ?
-એમ કહો ને, તમારે પ્રધાનો અને પોલીસોના ખિસ્સા ભરચક કરાવવા છે !
(રાજેન્દ્ર પટેલ, ગઢા-ઈડર)

* તમને નથી લાગતું સ્ત્રીઓને બદલે પુરૂષોએ સાસરે રહેવાનું ચાલુ કરવું જોઈએ ?
- મેં તમારૂં કાંઈ બગાડયું છે ? મારાથી સાસરે જવાય એવું નથી. સાસુ-સસરાનો આખો સેટ 'ઉપર'છે.
(ભરત રાવલીયા, બાંટવા)

* એક જ વર્ષમાં મોદીજી 'અચ્છે દિન'વ્યાપમ કે ૨૫ હજાર ખેડૂતોના ઈચ્છામૃત્યુની અરજીઓ દ્વારા લાવી શક્યા. હવેના ચાર વર્ષમાં શું લાવશે ?
- નવા સપનાં
(રાકેશ ગભવાળા, બાકરોલ)

* હું તમારો ખાસ શિષ્ય બનવા માંગુ છું... આજ્ઞા કરશો ?
- હાલમાં (સોરી, પહેલેથી જ) શિષ્યપ્રથા બંધ છે... કેવળ શિષ્યાઓ માટે જૂજ સીટો બાકી છે.
(સંજય પટેલ, અમદાવાદ)

* લગ્ન અને લિવ-ઈન-રીલેશનશીપ વચ્ચે શું તફાવત છે ?
- મારાથી બીજી સીસ્ટમના પ્રેક્ટિકલ્સ થઈ શક્યા નથી, એટલે જવાબ માટે આ બન્નેના અનુભવીઓનો સંપર્ક સાધવો અને મને જણાવવો.
(દીપક પંડયા, બિલિમોરા)

* જીવિત માં-બાપને હડધૂત કરે અને સ્વર્ગસ્થ પાછળ લૌકિક ક્રિયાઓ કરાવે, એવા સંતાનોને શું કહેશો ?
- તમારી ભાવના સમજી શકું છું પણ જીવિત માં-બાપોની તો લૌકિક ક્રિયાઓ ન કરાવાય ને ?
(મુગ્ધા ઉલ્લાસ વોરા, જૂનાગઢ)

* પતિ-પત્નીઓના જોક્સ આવે છે, એવું વાસ્તવમાં બનતું હશે ખરૂં ?
- મારી પાસે આ ક્ષેત્રનો બહોળો અનુભવ ન હોવાથી હું જવાબ આપી નહિ શકું. એક અનુભવમાં તો માનવી કેટલું પહોંચી શકે ?
(દીપ દુધાશીયા, ભાવનગર)

* ભગવાનને મુઝે દુનિયા મેં ભેજા, માલુમ નહિ ક્યું ભેજા, ઠીક હૈ ભેજા તો ભેજા, લેકીન અશોક દવે જૈસા ભેજા દેકર ક્યું નહિ ભેજા ?
- હશે હવે... ભૂલ ભગવાનની ય થઈ જાય એ તો !
(રોહિન્ટન બોધાનવાલા, મુંબઈ)

* શિશુપાલના ૯૯-ગૂનાહ માફ કરી શકનાર ભગવાન રીઢા રાજકારણીઓના હજારો ગૂનાહો કેમ માફ કરી રહ્યો છે ?
- શિશુપાલનો કેસ લોકપાલમાં શામેલ નહતો માટે.
(જયેશ અંતાણી, ભાવનગર)

* સવાલ પૂછનાર તમને ઉતારી પાડવા કોક બહુ ડાહ્યું થતું હોય તો કેવો પ્રતિભાવ આપો છો ?
- આમ તો હજી સુધી એકે ય બનાવ એવો નથી બન્યો, પણ કોક એવું સ્માર્ટ થવા જતું હોય, તો એવી સ્માર્ટનેસ બતાવવાનો એને ય હક્ક છે ને ?
(પાલખી અગ્નિહોત્રી, વડોદરા)

* આપણી સંસદ પ્રણાલિ... પોતાના પક્ષવાળો ગમે તે ભ્રષ્ટાચાર કરે, એને બચાવવાનો જ ?
- ત્યાં જેટલી જેટલા બધા નસીબદારો હોય છે.
(મધુકર મેહતા, વિસનગર)

* તમે પણ 'રાધે માં'ના ભક્ત છો ?
- હું કેવળ માં અંબાજીનો ભક્ત છું.
(દિશા શાહ, મુંબઈ)

* અનામતનું ભૂત ક્યાં સુધી ધૂણશે ?
- ભૂતો ય અનામત માંગે ત્યાં સુધી.
(રિન્કલ વાસુદેવ સોની, ભરૂચ)

* તમારે જવાબોને બદલે સાચું એનકાઉન્ટર કરવાનું આવે તો કોનું કરો ?
- દેશના તમામ ધર્મોનું... ! બે વર્ષ માટે તમામ ધર્મો ઉપર સખ્ત પ્રતિબંધ... ફક્ત દેશ માટે ભક્તિ કરે, એ પણ ઈશ્વર ભક્તિ જ છે ને ? અનાજપાણી આપણા ધર્મોનો નથી આપતા, દેશ આપે છે.
(નીરજ કણજરીયા, બોટાદ)

* આજકાલ બા કેમ ખીજાતા નથી ?
- આજકાલ એ કામ વાઈફ સંભાળે છે.
(ડાહ્યાભાઈ પરમાર, મુંબઈ)

* તમારી દ્રષ્ટિએ સાંસદોને કેટલો પગાર મળવો જોઈએ ?
- રૂપિયો ય નહિ ! ચૂંટણી વખતે તો બોલતા હોય છે ને કે, 'અમારે તો સેવા કરવી છે.'સેવાનો કોઈ ચાર્જ હોય ?
(અનુપ ખોડિયાર, ઉકાઈ ડેમ)

* કોંગ્રેસ સરકારે આટલા વર્ષ શું કર્યું ?
- માં-દીકરાની અણમોલ ભેટ આપી.
(શૈલ પટેલ, નવસારી)

* તમે આટલા બધા લોકપ્રિય છો... અભિમાન નથી આવી જતું ?
- લોકપ્રિય તો તમે કહો છો... મારા તો ઘરમાં ય કોઈ મારા લેખો વાંચતું નથી.
(ચૌલા જે. પરીખ, વડોદરા)

વો કૌન થા...?

$
0
0

'આ જે તમારે બચવાનું છે', બસ એટલું લખેલી ચિઠ્ઠી અમદાવાદના એરપોર્ટ પર કોક છોકરો મને આપી ગયો, એ પછી હું મુંબઈ એરપોર્ટ ઉતર્યો, ત્યાં સુધી હું કેટલો ફફડતો રહ્યો હોઈશ, એનો અંદાજ એ વાતથી આવી જશે કે, વિમાનની નીચેની સીટમાંથી ય કોક ગોળી છોડીને મને મારી નાંખશે અથવા તો મુંબઈ એરપોર્ટની બહાર નીકળતા જ કોક ટેક્સીવાળો મારી ઉપર ગાડી ચલાવી દેશે, એવા ભયથી હું ગળામાં થૂંક પણ ઉતારી નહતો શકતો. ટેક્સી કરતા ય ફાટતી હતી કે, ખુદ ડ્રાયવર જ કાતિલ નીકળ્યો તો ? 'અશોક દવેનો આવો અંજામ...?'ને એમાં ય, એરપોર્ટ પર મને લેવા તો કોઈ ન આવ્યું પણ મારા નામ સાથેના પ્લે-કાર્ડવાળા માણસે મને બોલાવીને કાનમાં કહ્યું, ''આજે તમારે બચવાનું છે.''આટલું બોલીને કાચી સેકન્ડમાં તો એ ઊડન-છુ થઈ ગયો.

હવે અમદાવાદ ઘેર ફોન કરવામાં વાંધો નહતો. કર્યો, એમાં તો વાઈફે ખૂબ ફફડતા અવાજે કહ્યું, ''અસોક... અસોક, તમે કિયાં છો, ભ'ઈ સા'બ... કોક નખ્ખોદીયાએ મને ફોન કરીને કહ્યું, ''શાહેબને કહેજો મુંબઈમાં શંભાળીને રિયે... આજનો દિ એમને માટે શારો નથી. કોણ છે ઈ પીટિયો ?''

''જો વાઈફ, સાંભળ... તું ગભરાતી નહિ. હું અહીં ગભરાઈ લઉં છું. મને ય આવી ધમકીઓ મળી છે. એ ફોનવાળો બીજું શું કહેતો હતો ?''

''મારા રોયાએ હબડીક કરતો ફોન કાપી નાંયખો... પાછો લેન્ડલાઈન પર કઈરો'તો.....!''

''ઓકે. સાંજની ફ્લાઈટમાં હું પાછો આવું છું, તું બહું ચિંતા ન કરતી...હું...''
''આવામાં ચિંતાયું બવ ને થોડી-થોડી નો હોય, અસોક... ચિંતાયું તો બવ જ થાય. આંઈ તો કાળજાં ચીરાઈ ગીયા છે... અસોક, તમને મરવાની ભલે ચિંતાયું નો થાય, પણ આંઈ બેઠા અમને તો તમારા મરવાની ચિંતાયું તો થાય કે નંઈ ?''જૂના જમાનાના પ્રાયમસના પમ્પ મારતી વખતે જેવા અવાજો નીકળતા, એવા અવાજો વાઈફના ડૂસકામાંથી સંભળાતા હતા.

એરપોર્ટથી સીપી ટેન્ક સુધી ટેક્સીની સફરમાં હું બબ્બે ઘડીએ સામેથી કે પાછળથી આવતા વાહનો જ નહિ, ડ્રાયવરને ય જોઈ લેતો હતો કે એ તો બેઠો છે કે ચાલુ ગાડીએ મને મૂકીને ઠેકી પડયો છે ! એ વખતે કોઈ વાંક-ગૂનાહ વગર હું મારી જાતને 'ભાઈલોગ કા આદમી'સમજી બેઠો હતો અને આવતી-જતી કોઈ પણ ગાડી અચાનક ઊભી રહી જઈને મારા ઉપર ફાયરિંગ કરશે, એવી બીક પેસી ગઈ હતી. આવા વખતે લાઈફમાં પહેલી વાર મને મન થયું કે, આ લેખકીયો બનીને મેં શું કાંદા કાઢ્યા... (ક્ષમા, જૈન વાચકોએ 'કાંદા'ને બદલે 'ટીંડોળા'વાંચવું : ક્ષમા યાચના પૂરી !) એક ફાલતુ લેખકને બદલે આજે હું મહારાષ્ટ્રનો મુખ્યમંત્રી કે ભારતનો છેવટે વડાપ્રધાને ય થયો હોત તો, સાન્તાક્રૂઝ એરપોર્ટથી સીપી ટેન્ક સુધીનો ટ્રાફિક 'દવે સાહેબ'માટે બંધ કરી દેવાયો હોત, મારી આગળ-પાછળ સીક્યોરિટી કારોનો કાફલો હોત અને એ મેઈન રોડની ગલીઓમાં ટ્રાફિક-જામ સાથે ઊભેલા વાહનોવાળા મને આવડી ને આવડી માઁ-બેનની ચોપડાવતા હોત, તો ય મને એ મંજૂર હોય... આ તો એક વાત થાય છે. અહીં તો ટ્રાફિક-જામવાળા રોડ ઉપર મારી આગળ બૃહદ મુંબઈ નગરપાલિકાની કચરો-એંઠવાડ લઈ જતી સખ્ત ગંધ મારતી ટ્રક હતી... એટલી મારી સીક્યોરિટી !

ધેટ્સ ઓકે... સીપી ટેન્ક પહોંચતા સુધીમાં તો મારે 'બચવા જેવો'કોઈ પણ બનાવ બન્યો નહિ. નાહી-ધોઈને હું બહાર નીકળ્યો, ને અચાનક જોયું તો સામેની ફૂટપાથ ઉપર કાળા ગોગલ્સ પહેરેલી કોઈ યુવતી એક્ઝેક્ટ મને જોતી ઊભી હતી. આમ તો, કોઈ યુવતી મને જોતી ઊભી રહી ગઈ હોય, એવું હજી સુધી તો લાઈફમાં બન્યું નથી. એટલે એ મહિલાની બુદ્ધિ-ફુદ્ધિથી માંડીને ટેસ્ટ માટે ય મનમાં સવાલ ઊભો થયો, પણ તો ય સંતોષ તો થયો કે દેખાવમાં સુંદર છે અને જુએ છે મારી સામે ને સામે જ... એક વિનય-વિવેકભર્યા પુરુષ તરીકે મારી ય ફરજ હતી કે, મારે પણ એની સામે જોયે રાખવું જોઈએ. હું રાહુલજીની માફક, 'સ્ત્રીસશક્તિકરણ'નો ઘણો હિમાયતી છું.

પણ એને એમ સતત જોવામાં એ ખબર પણ પડી કે, એ પોતાની હાથમાં રાખેલી ગરમ શોલ પાછળ કંઈક છુપાવી રહી છે... બસ, અહીં આપણી ફાટી... એ રીવોલ્વર જ હોઈ શકે ને, કારણ કે મારા ભાગ્યવિધાતાએ મને અમદાવાદ એરપોર્ટ પર જ સૂચના આપી દીધી હતી કે, 'મારે આજે બચવાનું છે.'

હું સિક્કાનગર તરફ જરા સ્પીડથી ચાલવા માંડયો. હું બાંડો લાગુ તો ભલે લાગુ, એ પરવાહ કર્યા વિના ત્રાંસી આંખે સામેની ફૂટપાથ પર જોઈ લીધું તો મારાથી સમાંતર અંતર રાખીને પેલી ય મને જોતી જોતી ચાલતી હતી. હવે હું ફૂલટાઈમ ગભરાયો. શોલવાળો એનો હાથ એમ ને એમ જ હતો, અર્થાત્, હું એની શૂટિંગ રેન્જમાં તો હતો જ. રોજ ખીજાતી મારી બા મને અત્યારે બહુ માયામમતાથી યાદ આવવા માંડી.

કબાટમાંથી કડક-કડક આર કરેલો સફેદ સાડલો કાઢતી મારી વાઈફ યાદ આવવા માંડી. વહુને તો સફેદ સાડલા કરતા સફેદ પંજાબી વધુ ગમે છે, એટલે એ, એ પહેરીને બેસશે. ખુરશી ઉપર ફુલ અને અગરબત્તી ચઢાવેલા મારા સ્માઈલવાળા ફોટા નીચે સફેદ લેંઘો-ઝભ્ભો પહેરીને, બેસણામાં આવનાર હરએક ડાઘુ સામે હાથ જોડીને મનમાં 'જે શી ક્રસ્ણ'બોલતો મારો પુત્ર દેખાવા માંડયો. એકાદો ડાઘુ એમ બોલતો પણ સંભળાયો કે, ''પપ્પા તો ગયા... બહુ ખોટું થયું... ઈશ્વરને ગમ્યું તે ખરું... ઠીક છે, મારે એમની પાસેથી રૂ. ૮૦૦/- લેવાના બાકી હતા... તેનો મને થોડો ય રંજ નથી... પણ આવો માણસ હવે બીજો નહિ મળે !''.. (મળતો હોય તો ય, આ ઉંમરે મારો છોકરો થોડો બાપ બદલાવી લાવવાનો હતો ?)

તારી ભલી થાય ચમના... તને તો હું અમદાવાદ પાછો આવીને સીધો કરું છું, પણ એમાં ય ફફડાટ થયો કે, એ તો હું હેમખેમ અમદાવાદ પાછો પહોંચી શકીશ ''તો''સાલાને સીધો કરીશ ને ? મારે તો આજે બચવાનું છે ને પેલી હજી પ્રાર્થના-સમાજ સુધી મારી સામે ને સામે જ હતી. એના ઘરમાં કોઈ ભાઈ કે બાપ નહિ હોય ? આજકાલ તો રસ્તા ઉપર એકલા પુરુષને નીકળવું ય કેટલું જોખમી બની ગયું છે.

અચાનક મારી બરોબર બાજુમાં એક ધડાકો થયો. મારાથી માત્ર ચાર જ ફૂટ દૂર ફૂલ-સ્પીડે આવતી એક ગાડી થાંભલા સાથે ટકરાઈ. હું ગભરાઈ એટલો ગયો કે હું બચી ગયો છું ને મને કશું થયું નથી, એનો ય ઈલ્મ રહ્યો નહિ. આવું કંઈ થાય તો મુંબઈમાં બે માણસે ય ઊભું ન રહે, જાણે કે કાંઈ બન્યું જ નથી. મને ખબર પડી કે, હું સલામત છું, એટલે ઊંડો શ્વાસ લઈને સામેની ફૂટપાથ પર જોયું તો પેલી ગાયબ હતી.

વધુ ટેન્શન ન થાય, એટલે તાબડતોબ ટેક્સી પકડીને હું ચર્ની રોડ સ્ટેશને પહોંચી ગયો. ટિકીટ-બિકીટ લઈને લોકલ પકડીને ભીડમાં ઘૂસી ગયો. શ્વાસ ન લેવાય એટલી ભીડમાં મારે દરવાજા પાસે અડધા બહાર લટકતા લટકતા કાંદીવલી જવાનું હતું. ત્યાં અચાનક બીજી એક ઘટના બની ગઈ. મારા જ ડબ્બામાંથી બહાર લટકતો એક માણસ ચાલુ ટ્રેને ફેંકાઈ ગયો. મને આમ તો ખબર ન પડત, પણ ડબ્બામાં કોઈ બે-ચાર જણા બોલ્યા, ''અરે, વો આદમી ગીર ગયા...''. સાંભળ્યું બધાએ પણ મુંબઈગરાઓ પાસે માણસની કિંમત કેટલી છે, એ તાત્કાલિક સમજાઈ ગયું. જાણે કશું કાંઈ બન્યું જ નથી, એમ બધા ઉપરનું હેન્ડલ પકડીને સ્વસ્થ ઊભા હતા. ભયનો માર્યો હું ઘડીભર તો એવું સમજી બેઠો કે, ચાલુ ટ્રેને ફેંકાઈ ગયેલો એ માણસ સ્વયં હું જ છું, અને ભલે એ હું નહતો, છતાં (પેલી ધમકી અને આ બનાવોના) ગભરામણમાં એક તબક્કે બોલવામાં નહિ, વિચારવામાં ય હું તોતડાવા માંડયો હતો. પેલા માણસની ધમકી સાચી તો નહિ પડે ને ? મારા ગયા પછી મારા ફેમિલીનું કોણ ?

ભગવાન શિવની કૃપાથી હું એ જ સાંજની ફ્લાઈટ પકડીને (ફ્લાઈટની ટિકીટના પૈસા ભગવાન શિવે નહિ, મેં ખર્ચ્યા હતા... આ તો એક વાત થાય છે !) હું હેમખેમ અમદાવાદ પાછો આવી ગયો. મને લેવા આવેલી વાઈફને બધાની વચ્ચે હું ભેટી પડયો. મારી આંખોમાં પાણી ભરાઈ ગયા હતા. એની આંખોમાં ય હતા કે, 'ચલો, સફેદ સાડલો કાઢવાનો તો ગયો !'

બીજે દિવસે વહેલી સવારે છ વાગે મારા ઘરનો કોલબેલ વાગ્યો. મારો તો આખી રાત જાગ્યા પછી છેલ્લા વીસ વર્ષથી સુવા જવાનો ટાઈમ જ સવારે છ-સાત વાગ્યાનો છે ને બપોરે ત્રણેક વાગે ઉઠું. એટલે, ફિલ્મોના હીરોલોગ આવા તબક્કે મોંઢા પહોળા કરીને ત્યાં ચપટી વગાડતા બગાસાં ખાતા દરવાજો ખોલવા આવતા હોય છે, એવું આપણા ક્રમમાં નહિ, એટલે મેં સ્વસ્થતાપૂર્વક દરવાજો ખોલ્યો. છ ફૂટ ને બે ઈંચ ઊંચો એક યુવાન પરફેક્ટ ડ્રેસિંગમાં વગર સ્માઈલે કે વગર 'સોરી'કીધે મારી સામે ઊભો હતો. એના મસલ્સ એવા સજ્જડ હતા કે, શેઈક-હેન્ડ કર્યા પછી મને અંદાજ આવ્યો કે, પહેલા આ કોઈ હીરોઈનના બાઉન્સર તરીકે કામ કરતો હશે.

''તમે અશોક દવે છો... અને...''હું અશોક દવે છું કે નહિ, અથવા એનું આ ટાઈમે મારે ત્યાં આવવું મને ગમ્યું છે કે નહિ, એ બધાની ફિકર વગર એણે વાત ચાલુ રાખી, ''કાલે તમને અમદાવાદના એરપોર્ટ પર એક છોકરો કોઈ ચિઠ્ઠી આપી ગયો હતો, જેમાં લખ્યું...''

''ઓઓઓ... ઓ ભ'ઈ, તમે કોકોકો... કોણ છો ? અને આ બધું....''ત્યાં સુધીમાં વાઈફ પણ બગાસાં ખાતી ખાતી આવી ગઈ હતી. વાઈફ લોકોમાં સવારે બગાસાં ખાવાનું બહું હોય !

''સોરી સર... મને ગઈ કાલનો તમારો આખો ઘટનાક્રમ ખબર છે. તમને ચિઠ્ઠી મોકલનાર હું જ હતો. એરપોર્ટ પર તમને મળેલો ડ્રાયવર મારો માણસ હતો અને પેલી યુવતી પણ મેં જ મોકલેલી હતી... એ-''

''હા, તો પછી ચાલુ ટ્રેનમાંથી ફેંકાઈ ગયેલો માણસ અને કારનો એક્સિડેન્ટ...''

''એ બધાની મને ખબર નથી. મુંબઈ માટે એ રોજનું છે, પણ...''

''ઓહ માય ગોડ... તો તમે છો કોણ ? કરવા શું માંગો છો ? મારી પાછળ કેમ પડી...?''

''સર, ક્ષમા કરજો, જીંદગી કેટલી કિંમતી છે અને આપણે એને કેટલી લાઈટલી લઈએ છીએ, પરિવારની ચિંતા કર્યા વગર... એનું તમને જ્ઞાન અપાવવા જ આ ખેલ ખેલ્યો હતો... યાદ કરો, સર-જી તમે કેવા ગભરાઈ ગયા હતા... અને-''

''માય ફૂટ... આમાં તો ભલભલો ગભરાઈ જાય... પણ તમે છો કોણ ?''

''સર-જી, હું લાઈફ ઈન્શ્યોરન્સનું કામ કરું છું અને આપનો વીમો ઉતરાવવા અને ખાસ તો તમને સમજાવવા કે, જીવન કેટલું કિંમતી...''

હું ગાળ તો બહારે ય નથી બોલતો, એવી ઘરમાં બોલ્યો, મોટી ત્રાડ સાથે...

પણ એની પાસે મેં મારો રૂ. ૭૦ લાખનો વીમો ઉતરાવી લીધો.

સિક્સર
- નિર્ભયા બળાત્કાર કેસમાં અસલી ગુન્હેગાર કેવળ ૧૮ વર્ષની નાની ઉંમરનો હતો. (નાબાલિગ - જુવેનાઈલ), માટે છોડી મૂકાયો...
- સાઉદી અરેબિયા કે અખાતી દેશોમાં આવું કાંઈ બન્યું હોત, તો પેલા હલકટને અદાલત સુધી ય ત્યાંની પ્રજા પહોંચવા ન દેત... ત્યાં જ એ રહેંસાઈ ગયો હોત... ! Justice delayed is justice denied !

ઍનકાઉન્ટર : 17-01-2016

$
0
0
* આજનો યુવાવર્ગ ૧૫ ઓગસ્ટ અને ૨૬ જાન્યુઆરીનું મહત્વ કેમ ભૂલતો જાય છે ?
- પહેલા એ બન્ને વચ્ચેનો ભેદ પૂછી જુઓ.

* પત્ની અડધી રાત્રે ઉઠાડીને પૂછે, 'સવારે જમવાનું શું બનાવવું છે ?'તો શું કરવું ?
- તમારૂં ઘરમાં ઉપજતું બહુ લાગે છે ! અમારી તો પડોસણો મને આવું પૂછી જાય છે, બોલો !
(બ્રિજેશ એસ. પારેખ, મુંબઈ)

* સફાઈ-અભિયાન પાછળ કરોડો રૂપિયા ખર્ચ્યા પછી પરિણામ તો શૂન્ય આવ્યું !
- સમજવામાં તમારી કોક ભૂલ થતી લાગે છે. આ સફાઈ-અભિયાન ભાજપમાંથી કચરો સાફ કરવા માટેનું હતું.
(ધવલ સોની, ગોધરા)

* તમે કદી કરી ન શક્યા હો, એવું કોઈ કામ ખરૂં ?
- લાઇફમાં એક વખત ઘરના માળીયા પરથી ભૂસકો મારવો છે, પણ હિમ્મત નથી ચાલતી.
(અજય ધામેલિયા, શામપરા)

* સાધુ મહારાજોના આટઆટલા કરતૂતો બહાર પડવા છતાં, ભક્તોનો અહોભાવ કેમ ઘટતો નથી ?
- ભક્તોને ય થોડું-ઘણું વધેલું-ઘટેલું મળે છે !
(જીતેન્દ્ર કેલા, મોરબી)

* પાટીદારોના અનામત-આંદોલન વિશે તમે શું માનો છો ?
- મળવી જ જોઈએ ! પછી રહ્યા તો બ્રાહ્મણો અને વૈષ્ણવો જ ને ?
(મિલન પિપળીઆ, સુરત)

* હોલ તોતિંગ 'મેગા-સિટી'માં હોય, છતાં કહેવાય 'ટાઉન'હોલ ?
- રજવાડાં તો રહ્યા નહિ... તો હવે કાંઈ જામનગર બદલીને 'અશોકનગર'કરી શકાય છે ?
(પુષ્પેન્દ્ર નાણાવટી, જામનગર)

* સાઉથ ઈન્ડિયન ફિલ્મો અને ગુજરાતી ફિલ્મો વચ્ચે તમારી દ્રષ્ટિએ શું ફરક હોય છે?
- ગુજરાતી ફિલ્મો સાઉથ ઈન્ડિયન ભાષામાં બનાવી શકાતી નથી.
(ઉપેન્દ્ર વાઘેલા, રાજકોટ)

* નિર્મલ બાબા, આસારામ બાપુ, રાધે માં... આ બધાના ભક્તો વિશે બે શબ્દો કહેશો?
- મેરા ભારત મહાન.
(મલખાનસિંહ ચૌહાણ, અમદાવાદ)

* મોદીજીના અખાતી દેશોના પ્રવાસ વિશે કાંઈ કહેશો ?
- મને લઈ કેમ ના ગયા ?
(વીરેન્દ્ર જાની, જામનગર)

* મોદીને વડાપ્રધાનને બદલે વિદેશ પ્રધાન બનાવવાની જરૂરત હતી કે નહિ ?
- દેશ આખાને બનાવવાને બદલે એ વડાપ્રધાન બની રહે, એ વધુ ઈચ્છનીય છે.
(કૃતાર્થ વૈષ્ણવ, રાજકોટ)

* આજના સંદર્ભમાં પ્રેમ એટલે શું ?
- ખર્ચો.
(પ્રતિક અંતાણી, ભાવનગર)

* આદ્યશક્તિ માં અંબા પાસે, વિદ્યા સરસ્વતીજી પાસે, પૈસા લક્ષ્મીજી પાસે, તો પુરૂષો પાસે શું ?
- આ બધું વાપરવાનું.
(વસંતિકા પરીખ, વડોદરા)

* ૬૦-વર્ષની શાંતિ પછી એક વર્ષનો હિસાબ લેવાની ઉતાવળ કેમ ?
- એમને હિસાબ આપવાની ચિંતા નથી, માટે !
(સિદ્ધાર્થ છાયા, અમદાવાદ)

* લિવ-ઈન રીલેશનશીપ અને લગ્ન વચ્ચે શું ફર્ક ?
- કામ પતે ઘર ભેગું થઈ જવાય... લગ્નમાં ન થવાય... બા ખીજાય !
(જુઝેર અબ્બાસ પેઢીવાલા, મુંબઈ)

* હવે તો એવું લાગે છે, કે સરકારી નોકરી એક સપનું બની જશે... !
- સપના જુઓ તો કોઈ ઊંચા કલાસના જુઓ...
(જયદીપ ડી. વાલા, અમરેલી)

* મુંબઈમાં 'બુધવારની બપોરે'ગુરૂવારે આવે છે, પણ 'એનકાઉન્ટર'રવિવારે જ આવે છે, એવું કેમ ?
- પૂર્વમાં સૂરજ વહેલો ઊગે.
(અંકુર મિસ્ત્રી, અજરાઈ-નવસારી)

* અનામત રદ થાય, એવી રાજકારણીઓ પાસેથી આશા રાખી શકાય ?
- એમની પાસેથી જે કાંઈ રાખવું હોય, તે પહેલા આશા, ભાવના અને કૃપાના ઘરવાળાઓને પૂછવું પડે.
(મધુકર મહેતા, વિસનગર) અને (કુમકુમ ઠાકર, ગોધરા)

* ગુજરાતમાં સંખ્યા પોલીસોની વધારે કે ગુન્હેગારોની ?
- એ બધા ય ને ટપી જાય, એટલી સંખ્યા દરેક ધર્મના હરિભક્તોની છે... જે પણ દેશને કોઈ કામમાં આવવાના નથી.
(મહિપાલસિંહ જાડેજા, ગાંધીનગર)

* તમે રાજકારણમાં કેમ ટ્રાય નથી કરતા ?
- હું પોતાની બુદ્ધિથી ચાલી શકું એમ છું.
(હિતેશ પ્રજાપતિ, નિકોલ)

* અનામતને નામે ઓપન-કેટેગરીના તેજસ્વી વિદ્યાર્થીઓને થતો અન્યાય ક્યારે બંધ થશે ?
- અનામત વગર રહી ગયેલા તમામ લોકો એક થશે ત્યારે.
(ઈશાન આર. શેઠ, સુરત)

* મારે નરસિંહ મહેતા બનવું છે... શું કરવું ?
- છાપામાં ટચુકડી જા.ખ. ઉપરાંત સરકારી ગેઝેટમાં નામ-અટક બદલાવવા પડે.
(ચેતન ત્રિવેદી, અમદાવાદ)

* મને પણ તમારી જેમ ફની જવાબો આપતા આવડે છે, પણ તમારા જેવું ફેમસ થતા નથી આવડતું...
- બસ, એનું કોઈ ફની કારણ લખી મોકલો.
(દર્શક આર. પટેલ, આણંદ)

* તમને નથી લાગતું, દેશમાંથી જાતિવાદ નાબૂદ કરવો જોઈએ ?
- હા, પણ એ નાબૂદ કરીને દેશમાં 'અશોકવાદ'કેવી રીતે લાવીશું ?
(પૃથ્વીરાજ કોરડિયા, અમદાવાદ)

* ભારતમાં રહેવા છતાં લોકો વિદેશી ચીજોની તારિફ કરે છે, ભારતની કેમ નહિ ?
- સારી વસ્તુની તારિફ કરવામાં શરમ શેની ?
(સલમાન દહી, ગોધરા)

* તમે 'બુધવારની બપોરે'માં લખેલી 'સોલ્ટી'ની સ્ટોરી તમારી જ હોય, એવું લાગે છે... !
- એમ તો, સોલ્ટી ય આપણી જ !
(અનિરૂદ્ધ ચાવડા, વઢવાણ)

મોરબી હવે રાજકોટને ય હંફાવશે !

$
0
0
મહાન માણસોની એમના જન્મથી જ પસંદગી ઊંચી હોય છે. જન્મવા માટે મેં વિશ્વના સર્વોત્તમ નગર 'જામનગર'ને પસંદ કર્યું. એક જમાનામાં 'સૌરાષ્ટ્રનું પેરિસ'કહેવાતા આ નગરને કારણે... હાલમાં હળવદ, પડધરી કે કૂકરવાડા બાજુના મહાન નગર-વૈજ્ઞાનિકો 'પેરિસ'ને ફ્રાન્સના 'જામનગર'તરીકે ઓળખવા માંડયા છે. પેરિસ અને જામનગરના કેટલાક સૌજન્યશીલ લોકો આનો પૂરો યશ મારા જન્મને આપવા માંગે છે, પણ મને કોઈ સામેથી માન આપે એ ન ગમે... હું ય ગુજરાતી સાહિત્યકારો વચ્ચે ઉછર્યો છું, એટલે જોઇતું હોય ત્યાં માનપાન સામેથી 'પડાવી લેવામાં'મને આનંદ આવે છે.

પણ વતન મારૂં મોરબી. વતનથી મોટો પ્રદેશ તો કોઈ હોતો નથી. ને તો ય કમનસીબે, મારે મોરબી જવાનું માંડ એકાદ-બે વાર થયું છે. ૧૯૫૮-માં કાચી ઉંમરે જોયેલા મોરબીનો ગ્રીન ચોક અને જ્યાં મારૂં થોડું ઘણું વેકેશનીયું બાળપણ ગયું છે, તે 'બક્ષી શેરી'સિવાય કાંઈ યાદ આવતું નહોતું. એકલે હાથે અને એકલે પગે પહેલી વાર બે પૈડાંની સાયકલ ચલાવતા મોરબીમાં શીખ્યો હતો. અફ કોર્સ, ઉપયોગ બન્ને હાથો અને પગોનો કર્યો હતો, પરંતુ મને સાયકલ શીખવાડનાર 'ભાઈજી' (મોટા કાકા) એ કહેવાનું ભૂલી ગયા હતા કે, સાયકલની બ્રેક ક્યાં હોય છે. પરિણામે, ગ્રીન ચોકને અડીને આવતા ઢાળવાળા રસ્તે હું જે ઊપડયો, એ ઊપડયો... સાયકલ રોકવાની આવી ત્યારે કેમ જાણે હું સાયકલ નહિ, દેશ ચલાવવાનો હોય, એવો ગભરાઈ ગયો... કહે છે કે, જે વડિલના બે પગોની વચ્ચે મેં પૂરજોશ સાયકલ ભરાવી દીધી, એ પૂરા ૭૨-કલાક જીવિત રહ્યા હતા.

એ પછી કોઈ એક સંસ્થાએ પ્રવચન આપવા મને મોરબી બોલાવ્યો હતો, ત્યાંના 'કહેવાતા'ટાઉન હોલમાં. જ્યાં મારે સ્ટેજ ઉપરથી નહિ, નીચેથી બોલવાનું હતું. એ લોકોએ પહેલેથી મને કીધું નહોતું કે, મોરબી લેક્ચર દેવા આવો છો, તો અમદાવાદથી ઓડિયન્સ પણ સાથે લેતા આવજો. પરિણામે, મને બોલાવનાર બે (બનતા સુધી ત્રણ) આયોજકો પૈકી મને સાંભળવા બેસનાર આખા હોલમાં એક જ હતા. બાકીના બન્ને વ્યવસ્થામાં રોકાયા હતા. ઓડિયન્સ આવ્યું જ નહોતું, પછી કઈ વ્યવસ્થામાં એ બીઝી હતા, એ તો પછીથી ખબર પડી કે, આમંત્રિત વક્તાને પાછા મોકલવા માટે ટેક્સી મળતી નહોતી, એટલે એ લોકો એસ.ટી.બસ ડેપોમાં ઓળખાણો લગાવવામાં બીઝી હતા. જે ત્રીજા અને આખરી આયોજક મને સાંભળવા આખા હોલમાં એક માત્ર શ્રોતાના રોલમાં બેઠા હતા, એ પ્રોગ્રામની વ્યવસ્થા છેલ્લા બબ્બે મહિનાથી સખત દોડધામ કરતા હોવાને કારણે થાકી ગયા હતા અને બાકીની ઊંઘ ત્યાં જ પૂરી કરી.

પણ ગ્રાહકનો સંતોષ, એ જ મારો મુદ્રાલેખ હોવાથી, મને યાદ છે, મેં પૂરા બે કલાક લેક્ચર આપ્યું હતું. હું બોલતો હોઉં ત્યારે વચમાં કોઈ ઊભું થાય કે બોલે, તે સહેજ પણ પસંદ ન હોવાથી, લાઇફ-ટાઇમનો આ એક માત્ર મોકો મને મોરબીએ આપ્યો હોવાથી, આ વખતે તો હું ઝાલ્યો રહું એમ નહોતો. બોલતો ગયો રે... ! પણ હમણાં દસેક દિવસ પહેલા મોરબી જવાનું થયું, તો હેરત પામી ગયો કે, 'આ તો એક-બે વર્ષમાં રાજકોટને ય પાછળ રાખી દે, એમાંનો આકાર લઈ રહ્યું છે. આજે તો માની ન શકાય એટલી ખૂબસુરત શકલ મોરબીની બદલાઈ ગઈ છે. એક જમાનામાં, નળીયા, ઘડીયા(ળ) અને તળીયા (ટાઇલ્સ)ને કારણે દેશભરમાં મશહૂર થયેલું મોરબી આજે તળીયાના સામ્રાજ્યમાં આખા ભારતમાં નંબર-વનને સ્થાને છે. (આખા વિશ્વમાં ત્રીજું) અહીં જેવો સીરેમિક-ઉદ્યોગ અન્ય ક્યાંય વિકસ્યો નથી. (સીરેમિક એટલે ઘરમાં વપરાતા ટાઇલ્સ કે વોશ-બેસિન જેવા સાધનો બનાવતો ઉદ્યોગ)'

યસ. વોલ-ક્લોક્સ એટલે કે ભીંતની ઘડિયાળોનો ય એક જમાનો હતો મોરબીનો, જે કાળક્રમે ધસ્ત થતો જાય છે. કારણ કદાચ એ હોય કે, આજકાલ ઘડિયાળ બધાની પાસે છે... સમય કોઈની પાસે નથી !

પણ મોરબીને રાજકોટની લગોલગ મૂકવાનું એક મોટું કારણ અહીંના ધાંયધાંય જુવાની ધરાવતા યુવાનો છે. દોઢ કરોડની કારમાં ફરતો યુવાન ૧૦૦૦-કરોડની સીરેમિક ઈન્ડસ્ટ્રીનો માલિક હોય તો પણ, ફેક્ટરીમાં બાર-બાર કલાક કામ કરે, એ તો ઠીક... ફેક્ટરીમાં ફ્યૂઝ ઊડી ગયો હોય કે કોઈ પણ નાની મોટી મશિનરી બગડી ગઈ હોય, ત્યારે એને રીપેર કરવા જાપાન કે કોરિયાથી એન્જીનીયર આવે ત્યાં સુધી રાહ જોવી ન પડે... એ પોતે કારિગરો કરતા ય વધુ જાણકાર હોય... આમે ય, હિંદુ પરંપરામાં કીધેલું છે કે, શિષ્યને કદાપિ ગુરૂ કરતા વધુ બળવાન બનવા ન દેવાય.

એમ તો, મોરબી માટે કટાક્ષમાં કહેવાય છે, કે અહીંની પ્રજાને ધંધા અને પૈસા કમાવવા સિવાય બીજો કોઈ રસ નથી, એટલે મોરબીનો ધાર્યો વિકાસ થઈ રહ્યો નથી. બરોબર રાજકોટ જેવું... કે, અબજોપતિઓની સંખ્યા અને શક્તિને ધોરણે ગણવા જઈએ, તો રાજકોટ અમદાવાદ કરતાં ય ઘણું આગળ નીકળી જાય એમ છે, પણ સૃષ્ટિના અંત સુધી એ અમદાવાદની બરોબરી નહિ કરી શકે.

કારણ સીધું છે. આખું રાજકોટ બપોરે ૧૨ થી ૪ બંધ એટલે બંધ જ. બધા બજારો કે ધંધાઓ આ ટાઇમે બંધ જ. સાંભળ્યું છે કે, રાજકોટમાં જન્મેલું એકે ય બાળક બપોરે ૧૨ થી ૪માં જન્મ્યું નથી. પતિ-પત્ની વચ્ચે બપોરે ૧૨ થી ૪ સુધીનો પ્રેમ આખા વિશ્વમાં બીજે ક્યાંય નથી. ધંધો ગીયો એની... !

પણ એ જ મોરબીમાં યુવાનોનો જે નવો ફાલ ઉતર્યો છે, તે પ્રણામયોગ્ય છે. માત્ર પુસ્તકો ખરીદવાના શોખિન (ખરીદીને પાછો વાંચવાનો ય શોખ ખરો, બોલો !) એક યુવા ઉદ્યોગપતિએ પોતાના ૪-હજાર પુસ્તકો મોરબીની પ્રજા માટે તદ્દન વિના મૂલ્યે મૂકી દીધા. તો એમના અન્ય સાથીઓએ ગાંઠના પૈસા ખર્ચીને મોરબીમાં સાહિત્ય, સંગીત, નાટક કે ફિલ્મી ગીતોના (આપણે ત્યાં રોજ બબ્બે ચચ્ચાર હોય છે, જે મોરબીમાં આખા વર્ષમાં ય નહિ !)નો ય ઉદભવ થાય, એ માટે દર વર્ષે 'મોરબી યુવા જ્ઞાનોત્સવ'લખલૂટ પૈસા ખર્ચીને ગોઠવે છે. એમાં ગુજરાતના પ્રસિદ્ધ વક્તાઓને બોલાવીને મોરબીને સાહિત્યસમૃદ્ધ કરે છે... (એમ તો કોક વાર એ લોકો ય ગોથું ખાઈ જાય, એ તો... મને ય બોલાવ્યો'તો!) અને આ બધાની પાછળ ધ્યેય પણ કેવો પવિત્ર કે, આખા મોરબીમાં એક નાનકડો ય બગીચો નથી, જ્યાં બાળકો રમી શકે કે પરિવારો સાંજ વિતાવી શકે. આ યુવાનોએ હવે મોરબીની શોભા વધારે એવો બગીચો બનાવવાની ઠાની છે અને બનાવીને રહેશે.

શોભા વધારવાની વાત હોય તો મોરબીના રાજમાતા વિજય કૂંવર બા લખલૂટ ખર્ચે ત્યાંનો વિશ્વપ્રસિદ્ધ વાઘમંદિર (ત્યાંની પ્રજા એને 'મણિમંદિર પેલેસ'તરીકે ય ઓળખે છે.) રેનોવેટ કરાવી રહ્યા છે. (અમે રાજામહારાજાઓ એકબીજાને ખાસ ન ઓળખીએ... આ તો એક વાત થાય છે !) મોરબીના મહારાજા સાહેબે એ જમાનામાં ૧૦૦ કી.મી.ની રેલ્વે લાઈન અને પાકા રસ્તાઓ બનાવ્યા હતા... વિકાસની વાતો કર્યા વગર ! પ્રવાસનો શોખ ન પણ હોય, તો એક વખત બે અદ્ભુત સ્થાપત્યો જોવા દરેક વાચકે એક વખત મારૂં મોરબી જોવું જોઈએ... એક તો આ મણિમંદિર પેલેસ અને બીજો, આ રાજઘરાણાનો જ વિશ્વવિખ્યાત 'ઝૂલતો પૂલ.'ભારતમાં બીજો એક માત્ર ઝૂલતો પૂલ ઋષિકેશમાં છે, પણ એના ઝૂલવાનો ખાસ કોઈ અનુભવ થતો નથી, જ્યારે મોરબીના ઝૂલતા પૂલ ઉપર ચાર માણસો જતા હોય, તો ય ઝૂલે છે... અમદાવાદ જેવા શહેરોમાં ચાર માણસો લઈ જતા હોય, તો ઉપર ઠાઠડીમાં બંધાયેલો ય ધ્રૂજતો હોય... કોઈ પંખો ચાલુ કરો !

યસ. આખા ગુજરાતમાં ક્યાંય 'નાટય-મ્યુઝીયમ'નથી, જે અહીં છે. સર લખધીરસિંહજી ઠાકોરના જમાનામાં થતા દેશી નાટકો કે ભવાઈ-રામલીલામાં વપરાતી ચીજવસ્તુઓનું અહીં મ્યુઝીયમ છે. (મારા જામનગરમાં, મરવાનું મન થાય એવું વિશ્વપ્રસિદ્ધ સ્મશાન છે... લો બોલો. આ કાઠીયાવાડીઓને ક્યાંય પહોંચાય ? તારી ભલી થાય ચમના... સ્મશાનને ય શણગાર ?)

મોરબી ત્રણ વખત સ્મશાનભેગું થતું બચીને જાતમેહનતથી (એટલે, સરકારોની મદદ વિના) ફરી પાછું ફીનિક્સ પંખીની માફક બેઠું થયું છે. નહિ તો વિધ્વંસક પૂર હોનારત, '૯૮નું વિરાટ વાવાઝોડું અને ઇ.સ. ૨૦૦૧-નો ભૂકંપ તો મોરબીને ખતમ કરવાની હઠ લઈને જ આવ્યો હતો.

આવું મોરબી મારૂં વતન છે અને જન્મસ્થળ જામનગર છે, એનાથી મોટું ગૌરવ ક્યું હોઈ શકે ? હું ફૂલ-ટાઈમ અસહિષ્ણુ હોઉં, તો ય નહિ !

સિક્સર
- મોરબીના બહુ ફાંકા મારો છો... ત્યાં આજ સુધી એકે ય લેખક પેદા થયો ?
- સોરી, ફાલતુ લેખક જામનગરમાં પેદા થયો છે... અહીં તો વતન માટે અભિમાન લેતો લેખક બેશક પેદા થયો છે.

'ચાર દિવારી' ('૬૧)

$
0
0
ફિલ્મ : 'ચાર દિવારી' ('૬૧)
નિર્માતા-દિગ્દર્શક : કૃષ્ણ ચોપરા
સંગીત : સલિલ ચૌધરી
ગીતકાર : શૈલેન્દ્ર
રનિંગ ટાઇમ : ૧૪-રીલ્સઃ ૧૩૬ મિનિટ્સ
થીયેટર : ખબર નથી.
કલાકારો : શશી કપૂર, નંદા, મનમોહન કૃષ્ણ, લીલા ચીટણીસ, સતીશ વ્યાસ, પરવિન પૌલ, બી.બી.ભલ્લા, હની ઇરાની, બ્રહ્મ ભારદ્વાજ, લક્ષ્મી.




ગીતો
૧. ગોરી બાબુલ કા ઘરવા, અબ હૈ બિદેસવા... લતા મંગેશકર
૨. કૈસે મનાઉં પિયવા, ગુન મેરે એકહૂં નાંહી... મૂકેશ
૩. ઝૂક ઝૂક ઝૂક ઝૂમ ઘટા આઇ રે, મન મોરા... લતા મંગેશકર
૪. અકેલા તુઝે જાને ના દૂંગી, બન કે છૈયા મૈં સંગ... લતા મંગેશકર
૫. નીંદ પરી લોરી ગાયે, માં ઝૂલાયે પાલના.... લતા મંગેશકર
૬. હમકો સમઝ બૈઠી હૈ દુનિયા દીવાના, પર મૈં... મૂકેશ

શશી કપૂર ખૂબ ગમતો હોવાને નાતે વર્ષોથી એમ થયે રાખે કે, હીરો તરીકે એની પહેલી ફિલ્મ કેવી હશે ? નામ તો સાંભળ્યું હતું, 'ચાર દિવારી'નામ ગમ્યું પણ હતું કે, સુંદર ભાવનાત્મક કથાવાળી ફિલ્મ હશે. મારી મેમરી દગો કરી શકે એમ છે, છતાં થોડું થોડું યાદ આવે છે કે, બનતા સુધી આ ફિલ્મ અમદાવાદના રીગલ સિનેમામાં જોઇ હતી.

વાર્તા આવી હતી :
સુનિલ (શશી કપૂર) તદ્દન મામૂલી ઘરમાં વિધવા માં (લીલા ચીટણીસ) એક દીકરી લક્ષ્મી અને બીજો ટેણીયો હની ઇરાની. શશીના લગ્ન બીજા ગામની સુશીલ છોકરી નંદા સાથે થાય છે. બન્ને વચ્ચે ખૂબ પ્રેમ હોવાનું બીજું ય એક કારણ છે, ચાર પુત્રો અને બે પુત્રીના માં-બાપ બનવાનું સપનું ! પણ સ્કૂલ પાસ કરેલી બહેન લક્ષ્મીને કોલેજમાં ભણવા જવું છે, પણ કોલેજની ફી રૂ. ૨૦/- ભરવી પોસાય એમ ન હોવાથી પરિવારના સભ્યો એક પછી એક પોતાના ખર્ચા ઓછા કે બંધ કરવાનો નિર્ણય કરે છે. શશી સિગારેટ છોડે છે. નંદા કામવાળીની છુટ્ટી કરી દઇને બધું કામ જાતે કરવાનું નક્કી કરે છે. કમનસીબે, દિવાળીના ફટાકડાથી ગભરાઇ જઇને નંદા દાદર ઉપરથી ગબડી પડે છે, એમાં એને કસુવાવડ તો થાય છે, પણ ભવિષ્યમાં એ કદી માં નહિ બની શકે, એ પણ શશીને જાણવા મળે છે. નંદા અત્યંત ભલી પત્ની બનીને શશીને બીજા લગ્ન કરી લેવાની વિનંતિ કરે છે.. (સાલું... આજકાલ ક્યાં પડયો છે, પત્નીઓનો આવો સ્ટોક ?) શશી ગુસ્સે થઇને ના પાડે છે. આ બાજુ લક્ષ્મી કોલેજમાં સતીશ વ્યાસના પ્રેમમાં પડીને ઘેરથી મુંબઇ જવાનો પ્લાન બનાવે છે, તો બીજી બાજુ, નાના ટેણીયાના મનમાં ઠસી ગયું હોય છે કે, સાવકી માં ત્રાસ આપનારી હોય છે.... (આપણે તો, સાવકી વાઇફ માટે ય આવું અશુભ-અશુભ ન વિચારીએ... સુઉં કિયો છો ?) ફિલ્મ પૂરી થતા સુધીમાં ઘણી નાટકીય ઘટનાઓને અંતે 'ધી એન્ડ'સુખદ આવે છે.

શશી કપૂરે આ ફિલ્મની ૧૯૬૧માં પ્રવેશ કર્યો પણ... જહે નસીબ... એ પછી '૭૩'-'૭૪'સુધી એની ૩૦-ફિલ્મો આવી જેમાં, (એ દિવસ સુધી કોઇને ન મળ્યું હોય એવું ગૌરવ- હોલીવુડની ૭-૮ ફિલ્મોમાં હીરો બનવાનું) હસિના માન જાયેગીથી માંડીને શર્મિલી કે પ્યાર કા મૌસમ જેવી હિટ ફિલ્મો ય હતી, છતાં એ બધી હિટ ફિલ્મો શશીબાબાને કારણે નહિ, અન્ય કારણોથી હિટ થઇ હતી, એવો પ્રચાર ગણો તો પ્રચાર અને ભ'ઇનું બેડ-લક ગણો તો બેડ-લક. કમનસીબી જુઓ કે, એનો પ્રારંભ જ આવી રોતડી અને કંગાળ ઢબે બનાવાયેલી ફિલ્મ 'ચાર દિવારી'થી થયો. એમાં ય, અફ કોર્સ, ફિલ્મની વાર્તા તો નંદાની આસપાસ ઘૂમતી હતી.. શશીનું વાર્તા પૂરતું મહત્વ કોઇ નહોતું. એ જ વર્ષમાં એની બીજી ફિલ્મ 'ધર્મપુત્ર'પણ આવી. યશ ચોપરાની હોવા છતાં તદ્દન ફ્લોપ અને બોરિંગ. કરૂણા તો એ વાતની હતી કે, ભાઇ ઉપર ફ્લોપ હીરોનું લેબલ લાગી ગયું હતું એટલે, કુમકુમ, સઇદા ખાન કે જબિન જલિલ જેવી સી-ગ્રેડની હીરોઇનો ય એની સાથે કામ કરવા તૈયાર નહોતી. સાધનાએ ફિલ્મ 'પ્રેમપત્ર'સ્વીકારી તો ખરી, પણ બેનનું મોઢું જરી ચઢી ગયું હતું કે, હીરો કોક સારો લાવો ને ! ઠીક છે, બિમલ રોયની એ ફિલ્મ હોવાને કારણે સાધનાએ હા તો પાડી પણ ટિકીટ બારી ઉપર અંજામ એનો એ જ કરૂણ. એક માત્ર નંદા જીવી ત્યાં સુધી શશી કપૂરની નિકટતમ દોસ્ત રહી અને ફિલ્મ ભલે ફ્લોપ જાય, એણે શશી સાથેની કોઇ ફિલ્મ ઠૂકરાવી નહિ... જાણતી હોવા છતાં કે, માર્કેટ એનું પોતાનું બગાડી રહી છે. નંદાએ શશી સાથે આ પહેલી ફિલ્મ પછી, મેંહદી લગી મેરે હાથ, મુહબ્બત ઇસ કો કહેતે હૈ, જબ જબ ફૂલ ખીલે, નીંદ હમારી, ખ્વાબ તુમ્હારે અને રાજા સા'બ જેવી ફ્લોપ ફિલ્મો હિમ્મતથી કરી. જબ જબ ફૂલ ખીલે સુપરહિટ હતી, પણ એ તો ફિલ્મના ગીતો અને નંદાને કારણે હિટ પુરવાર થઇ. શશીની એક ખાસીયત એની આ પહેલી ફિલ્મથી અંત તક ચાલી. આખી ફિલ્મમાં એક વાર સફેદ કપડા પહેરવાની. મને તો એની ચાલ પણ ગમતી.. ખાસ તો, ફિલ્મ 'વક્ત'માં એ પીળું સ્વેટર અને સફેદ પેન્ટ પહેરીને જતો હોય છે ને પાછળથી શર્મીલા ટાગોર ગાડી લઇને આવે છે અને બીજું, ''ઠહેરીયે હોશ મેં આલૂં, તો ચલે જાઇયેગા... ''માં કાળી જર્સીમાં ઘણો સોહામણો લાગે છે.

છેવટે મનમોહન દેસાઇએ શશીને ફિલ્મ 'આ ગલે લગ જા' (શર્મીલા ટાગોર) અને એન.એન.સિપ્પીએ ફિલ્મ 'ચોર મચાયે શોર'આપી. આ બન્ને સુપરહિટ ફિલ્મોએ શશીનું તકદીર રાતોરાત બદલી નાંખ્યું અને પછી તો હિંદી ફિલ્મનગરીના રાબેતા મુજબના નિયમ મુજબ, શશીના દરવાજે નિર્માતાઓની રીતસર લાઇનો લાગવા માંડી. રોજની ૩-૩ ફિલ્મોના એ શૂટિંગ કરવામાં એ એટલો વ્યસ્ત બની ગયો કે એ દિવસોમાં કડકા ચાલતા ભત્રીજા રણધીર કપૂરને સ્ટુડિયો પર લિંબુપાનીની બોટલ લઇને જવું પડતું. હ્યુમરમાં તો કપૂરોને કાંઇ કહેવું પડે એમ નથી. રણધીરે કહ્યું, ''આટલી બધી દોડધામ ફક્ત લિંબુપાની માટે કરવાની હોય તો તમારા દરવાજે લિંબુના શરબતવાળાની લારીઓ ઊભી કરી દઉં.''

નંદાનું નામ તમે અશોક દવે પાસે લો, એટલે એમનું માથું પ્રણામથી ઝૂકી જવાનું. ઓઢેલા માથા ઉપર આ મોટો ચાંદલો નંદાને કેટલો શોભતો હતો ? યાદ છે ને, 'અલ્લાહ તેરો નામ, ઇશ્વર તેરો નામ... !'પ્રણામયોગ્ય તો નૂતને ય એટલી જ હતી, પણ સરખામણી નંદા સાથે કરવાની આવે તો નંદા કેવળ ખૂબસૂરત નહોતી, ઠાંસીઠાંસીને ગ્લેમર ભર્યું હોવા છતાં, એને જોઇને કોઇના મનમાં કદી વિકાર ન આવે ! સુઉં કિયો છો ? અંગત જીવનમાં ય એ પવિત્રતાની મૂર્તિ હતી. સ્વ.મનમોહન દેસાઇ સાથે તો સગાઇ પણ થઇ ચૂકી હતી, પણ દેસાઇએ કોઇ અજ્ઞાાત કારણોસર આપઘાત કર્યો.

શશી અને નંદા વચ્ચે પ્રેમસંબંધ કે ભાઇ-બહેનવાળો રિશ્તો નહોતો, પણ દોસ્તીની અખૂટ સંપત્તિ ધરાવતો સંબંધ હતો. રાજ-નરગીસ, દેવ-સુરૈયા કે દિલીપ-વહીદા જેવી આ બન્નેની જોડી ક્યારેય વખણાઇ નહોતી, છતાં 'જબ જબ ફૂલ ખીલે'વાત આખી ફેરવી નાંખી. પ્રેક્ષકોને આ બન્ને સાથે જોવા ગમવા માંડયા. એ જમાનામાં હીરોઇનો આંખોમાં બહુબહુ તો કાજલ લગાવતી કે આઇ-લાઇનર વાપરતી.. નંદાએ આંખોના છેવાડે ખૂણીયા શરૂ કર્યા અને 'સાધના-કટ'જેવો ટ્રેન્ડ બની ગયો. 'ચાર દિવારી'માં એ ગરીબ ઘરની વહુ બને છે, છતાં ય સૌમ્ય સુંદરતા અને વહાલો લાગે એવા અભિનયને કારણે ફિલ્મ છેક સુધી જોવી ગમે. ફિલ્મ 'ચાર દિવારી'ની વાર્તા વિકસાવાઇ હોત તો સારી બની શકે એમ હતું, પણ ચેહરા ઉપર એક મિનિટમાં ૨૪ હજાર હાવભાવો બદલી શકતો બારમાસી રોતડો મનમોહન કૃષ્ણ-એમાં ય પાછો અહી પાગલ બતાવાયો છે.. આખી સ્ટીલની ચમચી મુઠ્ઠીમાં વાળી દેવાનો ગુસ્સો આવે કે નહિ ? કંઇ બાકી રહી જતું હતું તે, આરબ શેખોના વિરાટ તેલ ભંડારમાં ભરો તો ય નાના પડે, એટલા આંસુઓ છલકાવી ચૂકેલી બારમાસી રોતડી લીલાબાઇ ચીટણીસને ય તઇણ કલાક સુધી જોવાની. ઇન્શ્યોરન્સ- એજન્ટ બનતો બી.બી.ભલ્લા શશી કપૂરનો બચપણનો ચમચો. એની લગભગ બધી ફિલ્મોમાં એ હોય જ. શશીના બીજા દોસ્ત પ્રયાગ્રાજને તમે જોયો ન હોય, પણ એનો અવાજ હજારો વખત સાંભળ્યો છે. શમ્મી કપૂરની ફિલ્મ 'જંગલી'માં 'યાહૂ'ની બૂમ પ્રયાગે પાડી છે... મુહમ્મદ રફીએ નહિ. પોતાની ફિલ્મ 'ઉત્સવ'માં વાસ્તવિકતા લાવવા શશીએ વજન ધરખમ વધાર્યું, એ એને લાઇફ- ટાઇમ નડી ગયું. આજે એ મૃત્યુની રાહ જોતો પથારીવશ છે. અફસોસ સલિલ ચૌધરીના અત્યંત નબળા સંગીતનો થાય. એક મૂકેશના 'કૈસે મનાઉ પિયવા'ને બાદ કરતા એકે ય ગીતમાં દાદાએ મેહનત કરી હોય, એવું લાગતું નથી, એમની ખાસ લતા મંગેશકરના ચાર-ચાર ગીતો હોવા છતાં ! નહિ તો મારા પ્રિય સંગીતકારોમાં સલિલ દા નો નંબર બે થી પાંચમા આવ.. પહેલો કોનો છે, એ તો શંકર-જયકિશને ય જાણે છે ! કોઇકે મને હમણાં જ પૂછ્યું, ''સલિલ દા ના સંગીત પાછળ આટલી ઘેલછા કેમ ?''મેં કીધું ત્રણ કારણથી. એક તો એમના સંગીતનું અસ્પષ્ટપણું (ઉીૈગિહીજજ). સ્થાયી કેવી રીતે શરૂ થઇ ગયું. ઇન્ટરલ્યૂડમાં આ વાજીંત્ર અને ધૂનનો આ પટ્ટો કેમ વાગ્યો અને બીજા અંતરામાં ક્યાં ફેરફારો હશે, એ હું તો શું લતા કે આશા ય સમજી શકતા નહોતા, એટલે જ બન્ને બહેનોના માનિતા-સંગીતકાર રહ્યા હતા. મૂકેશના 'કૈસે મનાઉં પિયવા'સીધું જ શરૂ થઇ જાય છે, કોઇ સૂર આપ્યા વગર !

બીજું, choir ઉપર એમનો કાબુ. (ઓક્સફર્ડ ડીક્શનેરીમાં ઉચ્ચાર 'ક્વેર'થાય છે, બાકી મેકમિલન, અમેરિકન હેરિટેજ કે કોલિન્સમાં ઉચ્ચાર 'ક્વાયર આપ્યો છે.) 'ક્વાયર'અને 'કોરસ'જુદા. કોરસ એટલે સમૂહ ગીત. 'દુઃખભરે દિન બીતે રે ભૈયા..'કે 'મતવાલા જીયા ડોલે પિયા...'માં લતા-રફી-શમશાદ સિવાય પાછળ સમૂહ ગાયકો ગાય છે, એને કોરસ કહે છે, પણ ક્વાયરમાં એટલા ઓછા ગાયકોથી ન ચાલે. બહુધા ૨૦-૨૦ની ત્રણ ટુકડીઓ સંગીતકારે આપેલા સૂર મુજબ, સરગમ (સારેગમપધનિસા)ના આપેલા સૂરથી શરૂઆત કરે છે, પણ ૨૦ની એક ટુકડીએ ખરજનો 'ધ'લીધો, તો બાકીની બન્નેએ મધ્યમ અને તીવ્રતનો 'ધ'લેવો પડે. ક્વાયરમાં ગીતના શબ્દોને સ્થાન નથી. દ્વિજેન મુકર્જીના ફિલ્મ 'માયા'માં કે 'પૂનમ કી રાત'માં અદ્ભૂત ક્વાયર રફીના 'દિલ તડપે તડપાયે...'માં સાંભળવા મળશે. ક્વાયર- ગુ્રપને કન્ડક્ટ કરવું અઘરૂં છે. ૬૦ કે ૭૨ના ગ્રુપમાંથી એક પણ ગાયક ખોટું ગાતો હોય તો ધ્યાન આપવું જ પડે.

અહી તો સંગીત જ ક્યાં, પૂરી ફિલ્મ ઉપર દિગ્દર્શકે ધ્યાન આપ્યું નથી. યાદ અપાવવા જેવો છોકરો તો ખરો, પણ આપણી ગુજરાતી ફિલ્મ 'મેંહદી રંગ લાગ્યો'માં પાંદડું લીલું ને રંગ ગાતો.'કલાકાર સતીશ વ્યાસ અહી શશીની બહેન લક્ષ્મીના દગાબાજ પ્રેમમાં છે. ફિલ્મ 'તૂફાન ઔર દીયા'માં એ નંદાની સાથે હતો. શશી કપૂર અને નંદા માટેનું માન સલામત રાખીને નિવેદન કરી શકાય એમ છે કે, ડીવીડી મંગાવીને આ ફિલ્મ જોશો, તો બહુ પસ્તાશો.

ઍનકાઉન્ટર : 24-01-2016

$
0
0
દેશની સરહદો પર જે થઈ રહ્યું છેતે એમની અવળચંડાઇ છે કે આપણી ભલમનસાઇ ?
– નપુંસકાઇ.
(નયન બ્રહ્મભટ્ટવડોદરા)

આપણે અંગ્રેજોની ગુલામીમાંથી તો આઝાદ થયાપણ નહેરૂ પરિવારની ગુલામીમાંથી ક્યારે આઝાદ થશું?
– હાલ પૂરતાં તો એ લોકો આઝાદ થઇ ગયા છે.
(સંદીપ એચ. પટ્ટણીરાજકોટ)

શ્રેષ્ડ સવાલ પૂછનારને ઇનામ કેમ નહિ?
– ‘ગુજરાત સમાચારમાં નામ છપાયએ માટે મોટા ચમરબંધીઓ વલખાં મારતા હોય. તમને તો એમનાથી ય મોટું ઇનામ મળ્યું છે.
(ધ્વનિલ શાહરાજકોટ)

વાઇફને ખુશ રાખવા શું કરવું જોઇએ?
– રોજ જાતે નહાવું જોઇએ.
(જેજે ભોલામોરડીયા – ગીર સોમનાથ)

* ઝેરની એક્સપાયરી ડૅટ’ જતી રહ્યા પછી એ અસર કરે ખરૂં ? ?
– એ જોવા માટે ચાદૂધમાં નાંખીને ન પીવાય. .
(અશરફ ગોધરાવાલાઇખર)

તમારા મતે ભારતની સૌથી સારી અને ખરાબ ઘટના કઇ ?
– ઘણા લોકો એના જવાબમાં મારો જન્મ ગણાવે છે.
(કોશાલ છાપીયાજામનગર)

સ્માર્ટ સિટી’ એટલે શું ?
– જ્યાંના લોકો ડફોળ ના હોય એ !
(હાર્દિક ભટ્ટદાહોદ)

* કાયમ મીસ કોલ કરનારા લોકોને તમારી શું સલાહ છે ?
– સલાહ એમને ન અપાયતમને અપાય. સામા તમે ય મીસ કોલ ઠોકો .
(જીતેન્દ્ર કેલામોરબી)

તમારા હિસાબે ભવિષ્યમાં ભારતની વસ્તી કેટલી હશે?
– હિસાબ રાખનારાઓ વસ્તી ન વધારી શકે.
(કિશન મોરણીયાદહીસર)

જે ઝનૂનથી લોકો ન્યાતજાત માટે નીકળી પડે છેએ ઝનૂનથી દેશ માટે ક્યારે નીકળશે?
– લોકો તો ટ્રાફિકજામમાં ય ઝનૂનો વાપરી કાઢતાં હોય છે.
(દિલીપ રૂગવાણીધોળા જંક્શન)

મારે સુરતનો ડોન’ બનવું છે... શું કરવું ?
– એમ પૂછીને થવાય નહિ ડોન’ .
(સાગર ગોસ્વામીસુરત)

તમે મુખ્યમંત્રી હોત તો ?
– અત્યારે હું નથીત્યારે આવું પૂછો છો ને ?.
(હરપાલસિંહ વાલાકોડિનાર)

પ્રાઇમ મિનિસ્ટર મોદી માટે તમારો અભિપ્રાય ?
– બસ. પાકિસ્તાનને એની જ ભાષામાં જવાબ આપવો જોઇએએટલું બસ... એમને યાદ આવે !
(હર્ષ શાહખંભાત)

શુક્રવારની સાંજશનિવારની સુપ્રભાત કે રવિવારની રાત નામ રાખો તો પંખો ચાલુ રાખવો નહિ પડે. બુધવારની બપોરે અમેરિકામાં મંગળવારની રાત હોય છે.
– હું ઓબુ (ઓબામા સાથે) વાત કરી જોઇશ.
(જ્યોતિ બી. દેસાઇટેક્સાસઅમેરિકા)

કવિઓ અને શાયરો પોતાના અસલી નામ બદલી કેમ નાંખે છે ?
– એમને પોતાના નામનો મોહ હોતો નથી. ઉપનામનો હોય છે.
(અફરોઝ મીરાણીમહુવા)

તમે ગયા જન્મમાં બિરબલ તો નહોતા ને ?
– થોડું થોડું યાદ આવે છે. હું શહેનશાહ અક્બર હતો.
(દ્રષ્ટિ ઢેબરજામનગર)

ડૉ. મનમોહનસિંઘે આટલા કોઠાકબાડા કર્યા છતાં એમને કેમ ઉઘાડા પાડવાની કાર્યવાહી કેમ થતી નથી ?
– રાજકારણમાં એવા વેરઝેર ન હોય...!.હું તારૂં સાચવી લઉં છું... વખત આવે તું મારૂં સાચવી લેજે .
(અજીત દોશીહિમ્મતનગર)

તમારા મતે તમે જોયેલી આજ સુધીની સર્વોત્તમ ફિલ્મ કઇ ?
– ‘મુગલઆઝમ
(પ્રતિક અંતાણીભાવનગર)

તમારી રેન્જ મધુબાલાથી મુમતાઝ સુધીની છે. સુંઉં કિયો છો ?
– બસ... છેલ્લા નામમાં લોચા માર્યો !
(બી. એસ. વૈદ્યવડોદરા)

લગ્ન પછી ઘણી સ્ત્રીઓ પોતાના નામની સાથે બબ્બે અટકો કેમ રાખતી હોય છે ?
– ... તો ય ભૂલી જાય છે કેઆમાંથી ફાધરવાળી કઇ ને ગોરધનવાળી કઇ ?.
(મધુકર માંકડજામનગર)

તમારા પત્ની તમને અશોક’ ને બદલે અસોક’ નામે બોલાવે છેછતાં ચલાવી કેમ લો છો ?
– લગ્ન પછી બધુ ચલાવી લેવાનું’ આખું પેકેજ ચલાવી લેવું પડતું હોય છે !... કોઇ પંખો ચાલુ કરો.
(મહેન્દ્ર પરીખદહીસર)

આપણે જીવવા માટે કામ કરીએ છીએ કે કામ કરવા માટે જીવીએ છીએ ?
– ગયા મહિનાનો પગાર થયો નથી લાગતો !
(વાહિદ સૈયદધંધુકા)

અમારા સંસદ સભ્ય પરેશ રાવળનું સરનામું મુંબઇથી અમદાવાદ – પૂર્વમાં ફેરવવા શું કરવું જોઇએ ?
– કોઇ સારૂં મકાન જોઇને એક વખત બાનું’ આપી આવો... પછી આગળ વધીએ .
(મુકેશ પડસાળાઅમદાવાદ)

આજકાલ પરવિણ ચડ્ડી ક્યાં છે ?
– ચડ્ડીમાં .
(પ્રશાંત એમ. મહેતાસિહોર)

આજે તો હીરોલોગ જ કોમેડી કરવા લાગ્યા છેએમાં કોમેડિયનોનું અસ્તિત્વ જ મટી ગયું ને ?
– ઓહ... તો તમે મને હીરો માનો છો.
(મિલન પરમારગાંધીનગર)

'ચોર બાઝાર'

$
0
0
ફિલ્મ : 'ચોર બાઝાર'
નિર્માતા : ઓલ ઈન્ડિયા પિક્ચર્સ
દિગ્દર્શક : પ્રેમનારાયણ અરોરા
સંગીત : સરદાર મલિક
ગીતકાર : શકીલ બદાયૂની
રનિંગ ટાઈમ :૧૪-રીલ્સ
કલાકારો : શમ્મી કપૂર, સુમિત્રાદેવી, ચિત્રા, ઓમપ્રકાશ, રામ અવતાર, જગદિશ કંવલ, શશીકલા, અમર, કક્કુ.




ગીતો
૧, ચલતા રહે યે કારવાં, ઉમે્ર રવાં કા કારવાં લતા મંગેશકર
૨, યે દુનિયા કે મેલે, મગર હમ અકેલે શમશાદ બેગમ
૩, તારોં કી પાલકી મેં આઈ જવાની શમશાદ-કોરસ
૪, તેરે દર પે આયા હૂં ફરિયાદ લેકર તલત મેહમૂદ
૫, હુઈ યે હમ સે નાદાની તેરી મેહફીલ મેં આ બૈઠે લતા મંગેશકર
૬, દર દર કી ઠોકરેં હૈં, કોઈ નહિ સહારા લતા મંગેશકર
ગીત નં. ૪ '૫૩માં બનેલી ફિલ્મ 'લયલા-મજનૂ'માં પણ હતું.

આ પહેલો પેરેગ્રાફ તો લતા મંગેશકરના ફૂલ-ટાઈમ ચાહકોએ જ વાંચવા જેવો છે. બાકીના બધા બીજા ફકરાથી શરૂ કરે, તો એમને કાંઈ ગૂમાવવાનું નથી. હું આજ સુધી ગૂમાવતો રહ્યો હતો, સરદાર મલિકના સ્વરાંકનમાં શકીલ બદાયૂનીએ લખેલા, 'હુઈ યે હમ સે નાદાની તેરી મેહફીલ મેં આ બૈઠે!'એ લતાના ગીતને બસ, એકલા આ જ ગીત માટે મને ખબર હતી કે, બાકીની ફિલ્મમાં શમ્મી કપૂર સિવાય કાંઈ કમાવાનું નથી, તો ય મેં આ ફિલ્મ એટલા આ ગીત માટે જોઈ. ઘરમાં ઓડિયો ઉપર તો વર્ષોથી પડી હતી, પણ ફિલ્મમાં આ ગીત કેવું ઉતર્યું હશે, એની ઉત્કંઠા પરીકથાની રાજકુમારીની જેમ વધે જતી હતી. એમ તો તલત મેહમુદનું 'તેરે દર પે આયા હૂં ફરિયાદ લેકર...'ગમતું તો હતું, પણ લતાના આ ગીતની સામે તો લતાના જ બીજા દસેક ગીત માંડ ઊભા રહી શકે...! (લતાના દરેક ગીત માટે હું આમ જ કહેતો હોઉં છું...આ તો એક વાત થાય છે. આજના સંગીતકાર અનુ મલિકના પિતા સરદાર મલિક એ દિવસે શું ખાઈને... સોરી, શું 'પીને'બેઠા હશે કે, આવી મધુર તરજ એમના દિમાગમાંથી નીકળી ! શકીલભાઈ પણ વાચકો જાણે છે તેમ સાહિર પછીના મારા માટે શ્રેષ્ઠ ગીતકાર હતા. એમણે શબ્દો લખ્યા છે, એ તો સહેજ જુઓ, ''ખબર ક્યા થી ગુલિસ્તાને મુહબ્બત મેં ભી ખતરે હૈં, જહાં ગીરતી હૈ બીજલી હમ ઉસી ડાલી પે જા બૈઠે...''વાચકોને મારૂં આટલું વાંચીને થોડો મધુરો સળવળાટ થયો હોય તો ઓડિયો કે વિડીયો પર તાબડતોબ આ ગીત સાંભળો... સળવળાટ ઘણો વધી જશે. આમાં તમારા પોતાના ગુલિસ્તાનમાં ખતરો-બતરો હોય તો ય ધીરજ ધરીને આ ગીત સાંભળો... નૌશાદઅલીના શબ્દોમાં કહીએ તો, લોકો એમને એમ લતાને માં સરસ્વતિ નથી કહેતા !

દયા આવી જાય આવા નમૂનેદાર ગીતના સર્જક સંગીતકાર સરદાર મલિક જેવા દિગ્ગજ સંગીતકારો ઉપર કે, દિગ્ગજ ખરા, પણ મોટા નહિ ! પણ તો ફિલ્મોમાં બેનમૂન સંગીત આપવા છતાં ચાલ્યા કેમ નહિ ? ઈકબાલ કુરેશી, ખય્યામ, સુધીર ફડકે, શ્રીનાથ ત્રિપાઠી, એસ. મોહિંદર, સ્નેહલ ભાટકર, વસંત દેસાઈ, સજ્જાદ હુસેન (તો સમજ્યા કે, એનો તોછડો સ્વભાવ એને નડયો), રામ ગાંગુલી, એન. દત્તા, જમાલ સેન, બુલો સી. રાની, હંસરાજ બેહલ, શ્યામ સુંદર (એનું ય સજ્જાદ જેવું હતું... માં-બેનની ગાળો ઈવન લતા મંગેશકરને ય દઈ દેતો એમાં છેવટે પત્તું કપાઈ ગયું.) અને આમ જોવા જઈએ તો બદનસીબીની આ વાત ઠેઠ રોશન સુધી પહોંચે છે.

સરદાર મુહમ્મદ મલિક મૂળ તો ફિલ્મોમાં ડાન્સર તરીકે આવ્યા હતા. ભરત નાટયમ, મણિપુરી અને કથ્થકના નિપુણ નૃત્યકાર, જેમણે રેખા-નવિન નિશ્ચલની 'સાવન ભાદો'જેવી અનેક ફિલ્મો બનાવી હતી, તે નિર્માતા-દિગ્દર્શક મોહન સેહગલ સાથે ફિલ્મ '૪૦-કરોડ'માં એમણે ડાન્સ પણ કર્યો હતો.

યસ, ભારતપ્રેમીઓને ગમી જાય એવી વાત એ પણ છે કે, ધી ગ્રેટ શાયર ફૈઝ એહમદ 'ફૈઝ'ના આ ચેલા સરદાર મલિક પણ ગુરૂની માફક ખુલ્લેઆમ કહેતા કે, હું દરેક ધર્મોને સરખા ગણું છું. કારણ કે, જેને મળો, એ પોતાના ધર્મને જ સર્વોત્તમ કહેવાનો છે. એમાં ને એમાં લાખો હિંદુ-મુસલમાનો માર્યા ગયા. સરદાર મલિકે તો ઉઘાડેછોગ એમ પણ કબુલ્યું છે કે, એ કદી નમાઝ પઢતા નથી. 'મારા માટે માણસ માણસને ચાહે, પછી પોતાના માં-બાપને, પછી પોતાના દેશને અને 'જરૂર પડે તો'પોતાની ન્યાત-જાતને પ્રેમ કરવો જોઈએ.'

ફિલ્મ 'સારંગા'ના આ સંગીતકારે માંડ ૨૯-૩૦ ફિલ્મોમાં સંગીત આપ્યું છે. ચોંકાવનારો એક જવાબ તો એમણે પણ આપ્યો હતો કે, તમારા ગયા પછી લોકો તમને કઈ દ્રષ્ટિએ યાદ કરે, એવું ઈચ્છો છો ? તો મોટા ભાગના પોતાના સર્જનો કે સિદ્ધિઓ માટે જવાબ આપે, ત્યારે સરદાર મલિકે કીધું હતું, ''ફક્ત માનવતાવાદી તરીકે... જેને માટે સહુ એક સમાન છે.''

સરદાર મલિકની એક ફિલ્મના ગીતો વધુ જામ્યા, 'સારંગા'ના. પણ રફી-સુમનનું, 'તેરે હમ ઓ સનન, તુ કહાં મૈં કહાં...'ફિલ્મ બચપન, 'ચંદા કે દેસ મેં રહેતી એક રાની'અને 'બહારોં સે પૂછો, મેરે પ્યાર કો તુમ' (સુમન-મૂકેશ) (મૂકેશ-ફિલ્મ 'મેરા ઘર મેરે બચ્ચે'), 'મુઝે તુમસે મુહબ્બત હૈ, મગર મૈં કહે નહિ સકતા..., ફિલ્મ 'બચપન'આ ગીત સલમાન ખાનના પિતા અને સલિમ-જાવેદવાળા સલિમ-જે આ ફિલ્મનો હીરો હતા, એમની ઉપર ફિલ્માયું હતું. આ ફિલ્મના સંગીતકાર સરદાર મલિક હસરત જયપુરીના બનેવી હતા.

ફિલ્માંકન બાબતે સાવ નવોસવો હોવા છતાં શમ્મી કપૂર નસીબદાર નીકળ્યો. એની જ ફિલ્મ 'લયલા-મજનૂ'માં સરદાર મલિકની સાથે ગુલામ મુહમ્મદ-બન્નેનું સહિયારું સંગીત હતું. કમનસીબે એમાંથી તલતે ગાયેલું અને સરદારે બનાવેલું 'તેરે દર પે આયા હૂં, ફરિયાદ લેકર...'ફિલ્મમાંથી કાઢી નાંખવામાં આવ્યું અને એ જ શમ્મી, એ જ સરદાર અને એ જ તલતનો મેળ બેસી જતો હોવાથી એ પછી તરત આવેલી આપણી આજની ફિલ્મ 'ચોર બાઝાર'માં એ મૂકવામાં આવ્યું.

ઓહ, શમ્મી કપૂર...! જેણે 'જંગલી'વાળો શમ્મી જોયો હશે, એના માનવામાં નહિ આવે કે, 'ચોરબાઝાર'નો શમ્મી સુદ્રઢ અને ફ આકારનું સ્નાયુબદ્ધ શરીર ધરાવતો હતો. શરૂશરૂમાં તો એ નિર્માતાઓની હઠને કારણે મૂછો ય રાખતો, જેથી પ્રેક્ષકોને એમાં રાજ કપૂરની છાંટ દેખાય. આમાં તો રાજ ઉપરાંત ઠેકઠેકાણે શશી કપૂરનો ય અણસાર આપે છે, પણ ત્રણે ભાઈઓની ખૂબી એ કે, ત્રણેએ કદી કોઈની તો જાવા દિયો... એકબીજાની નકલે ય નથી કરી. જેવા હતા, ઓરિજીનલ હતા. આ ફિલ્મ '૫૪માં ઉતરી હતી. અર્થાત્ શમ્મી માંડ ૨૩-વર્ષનો હતો. હજી એકાદ વર્ષ પહેલા તો એ ફિલ્મોમાં આવ્યો હતો. એ વખતે હિંદી ફિલ્મોના વિખ્યાત કલાકારો, દિલીપકુમાર, રાજ કપૂર, નરગીસ, પ્રાણ અને બેગમ પારા જેવા કલાકારો સિલોન (આજનું શ્રીલંકા) સામે ફિલ્મ કલાકારોની ક્રિકેટ મેચ રમવા ગયા, જેમાં સૌથી નાનો શમ્મી પણ હતો. ક્રિકેટ તો બાજુએ રહ્યું, શમ્મી ત્યાંની કોઈ ક્લબમાં કેબરે-ડાન્સ જોવા ગયો અને એક ઈજિપ્શિયન ડાન્સરના પાગલ પ્રેમમાં પડી ગયો. બાકીની ટીમ તો ઈન્ડિયા પાછી આવી ગઈ, પણ ભાઈ રોકાઈ ગયા. પેલી સાથે દોસ્તી થઈ ને શમ્મીએ સીધું પ્રપોઝ કરી દીધું, ''મારે તારી સાથે લગ્ન કરવા છે.''પેલી ચોંકી. હજી તો એ ય ૧૭ વર્ષની જ હતી, છતાં ય પૂરી મેચ્યોરિટીથી કીધું, ''જોઈશું.''

શમ્મી ઈન્ડિયા પાછો આવ્યો ને થોડા દિવસમાં પોતાના દેશ ઈજિપ્ત (કેરો) જતા એ અને એની માં મુંબઈ ઉતર્યા. શમ્મીને જાણ કરી હતી, એટલે શમ્મીએ માં-દીકરીને મુંબઈની તાજ મહલ હોટલમાં ઉતાર્યા. એટલું જ નહિ, રાજ કપૂરની ફિલ્મનો પ્રીમિયર શો જોવા એ બન્નેને પોતાના ફેમિલી (જેમાં શમ્મીના ય દાદા, લાલા બસેશરનાથ પણ હતા)ને લઈ ગયો ને ત્યાં જ એલાન કરી દીધું કે, ''આ કપૂર ખાનદાનની 'બહુ'બનવાની છે.''પણ પેલીએ શમ્મીને ખૂણામાં બોલાવીને કહ્યું, ''શામી, હજી આપણે બન્ને ઉંમરમાં બહુ નાના છીએ.''ઉતાવળ શું કામ ? એક કામ કરીએ. પાંચ વર્ષનો સમય લઈએ, ત્યાં સુધી તું મને ચાહતો હોઈશ અને હું પણ તને ચાહતી હોઈશ, તો લગ્ન કરીશું.''શમ્મી સહમત થયો. શમ્મીના જ શબ્દોમાં કહીએ તો પેલીની વાત સાચી પડી. પાંચ વર્ષમાં તો મેં અહીં (ગીતા બાલી સાથે) અને એણે ત્યાં લગ્ન કરી લીધા. પછી જીવનના અંત સુધી શમ્મીને એની ભાળ મળી નહિ કે મેળવી પણ નહિ.

ભાળ મેળવવાનું કામ શમ્મીને આ ફિલ્મ 'ચોર બાઝાર'માં સોંપવામાં આવ્યું હતું, ફિલ્મની હીરોઈન સુમિત્રાદેવીના ચોરાયેલા અતિ કિમતી મોતી શોધી લાવવાનું ! કારણ કે, ફિલ્મમાં એ પોતે ચોર અને સુમિત્રા મહારાણી છે. ૧૯૨૩-માં જન્મેલી આ બેંગોલી ટાયગ્રેસ સુંદર વાઘણને પણ શરમાવે એવી સુંદર હતી. મૂળ નામ નીલિમા ચેટર્જી, પણ ન્યુ થીયેટર્સમાં અરજી કરીને સામે ચાલીને હીરોઈન બનવા ગઈ, ત્યાં દેવકી બોઝે એનું નવું નામ સુમિત્રાદેવી પાડયું. તમે એને રાજ કપૂરની ફિલ્મ 'જાગતે રહો'માં જોઈ છે. ફિલ્મના ટાઈટલમાં પહેલું અને મોટું નામ સુમિત્રાદેવીનું મૂકવામાં આવ્યું છે, પણ હીરોઈન ચિત્રાને બનાવવામાં આવી છે. એક સમયે મુંબઈના લેમિંગ્ટન રોડ ઉપર રહેતી (આઈ મીન, રોડ ઉપરના કોઈ મકાનમાં) ચિત્રા પૈસાપાત્ર મુસલમાન પરિવારની હતી અને સાચું નામ 'અફસર બાનુ'હતું. ચિત્રાનું નામ આપણે લોકો સ્કૂલમાં હતા ત્યારે ('૬૦-ના દાયકામાં) 'ઝીમ્બો'અને 'ટારઝન'જેવી ફિલ્મોમાં બહુ સાંભળેલું. ચિત્રા- આઝાદની જોડી મશહુર હતી. બિમલ રોયની 'દો બીઘા જમીન'માં ય એ હતી. એની સૌથી પહેલી ફિલ્મ 'માન'હતી (જોકે, એ પહેલા ફિલ્મ 'દાના પાની'માં ય એ આવી ગઈ હતી.) આ 'માન' (હીરો અજીત) માટે ફરી એક વાર લતા મંગેશકરના મારા જેવા પ્રેમીઓને આ લેખના પહેલા પેરેગ્રાફમાંથી પાછા અહીં ખેંચી લાવવા પડશે. અનિલ બિશ્વાસ એટ હિઝ બેસ્ટ-ના ધોરણે, લતાના 'ગૂઝરા હુઆ ઉલ્ફત કા ઝમાના, યાદ કર કે રોયેંગે,''મેરે પ્યાર મેં તુઝે ક્યા મિલા, મેરે દેવતા મુઝે ભૂલ જા'અને મૂકેશના 'રેર''દમભર કા થા દૌર ખુશી કા, જિસકો મુકદ્દર લૂટ ગયા'ઉપરાંત એક વિચિત્ર વાત, લતાના 'અલ્લાહ ભી હૈ મલ્લાહ ભી હૈ, કશ્તિ હૈ કે ડૂબી જાતી હૈ.'

આ ગીતની ઈન્ટરેસ્ટિંગ સ્ટોરી એવી છે કે, ફિલ્મ 'અનારકલી'નામની બે ફિલ્મો બની રહી હતી. એકના સંગીતકાર અનિલ બિશ્વાસ હતા અને બીજાના સી. રામચંદ્ર. અનિલ દા ના કમનસીબે, એમનાવાળી 'અનારકલી'પૂરી જ ન થઈ ને બીજી બાજુ પેલી હિટ ગઈ - ખાસ તો સંગીત અને લતા મંગેશકરના 'યે ઝીંદગી ઉસી કી હૈ...'ને કારણે. આ તો ફિલ્મની વાર્તા જેવું થયું કે, રાજઘરાણામાં જન્મેલી બે રાજકુંવરીઓમાંથી એક મહેલમાં ઉછરે ને બીજી ભિખારણને ઘેર. અહીં એવું જ થયું. જે ગીત ભીંતમાં જીવતી ચણાવવાની શેહજાદી અનારકલી માટે બન્યું હતું, એ અનિલ દાએ એ પછીની પોતાની ફિલ્મ 'માન'માં વાપરવું પડયું અને તે પણ શેહજાદીના કંઠે નહિ, ભિખારણના કંઠે... 'તકદીર કહાં લે જાયેગી માલૂમ નહિ...'એ શંકર-જયકિશનના ગીતના શબ્દો જ યાદ કરવાના !

પણ આ ફિલ્મ 'ચોર બાઝાર'માં યાદ કરવા કે યાદ રાખવા જેવું કાંઈ બન્યું જ નહિ. આમ વિલનને ''બે વાર ઉઠ...ઉઠ...''કહીને લલકારતો શમ્મી કપૂર અહીં લેવા-દેવા વગરની તલવારબાજી કરવા મંડી પડયો છે, એમાં ફાઈટ-ડાયરેક્ટરમાં ઠેકાણાં નહિ, એટલે શમ્મી ચૂનાનો કૂચડો મારી દિવાલ ધોળે છે કે તલવાર-તલવાર રમે છે, તે સમજવું કઠિન છે. ઓમપ્રકાશ કેમ આટલું બધું સફળતાપૂર્વક આટલા વર્ષો ચાલ્યો, એનું રહસ્ય જોવું હોય તો આહીં કચરાછાપ ફિલ્મમાં ય એનો અભિનય નોંધમાં લેવો પડે એવો છે. શમ્મીની તો હજી શરૂઆત હતી, એટલે આપણા જેવાને ય ખબર પડે કે, 'ભ'ઈને એક્ટિંગ-બેક્ટિંગ આવડતી નથી.'

વાર્તામાં કાંઈ ભલીવાર ન હોય ત્યારે એના અંશો લખવામાં ય મને આખા શરીરે વલૂર ઉપડે છે. અરેબિયન નાઈટ્સ જેવી શાહજાદા-શેહજાદીની પ્રેમકથા જેવી આ ફિલ્મમાં એ જ કાવાદાવા ગાદીના વારસના, એ જ રાજકુમાર ગરીબ ચોરના ઘેર ઉછરે ને એ જ શેહજાદી પાછી એના પ્રેમમાં પડે. સિપાહીઓ સાથે થોડીઘણી તલવારબાજી, દરમ્યાનમાં બીજી એક ચોટ્ટી (ચિત્રા)ના કયા વાંકે આ ફિલ્મમાં એને રોલ આપવામાં આવ્યો છે, તે રામ જાણે. યસ. કારણ મળ્યું, છેલ્લે છેલ્લે ફિલ્મના હીરો સાથે પૈણાવવા માટે !

ફિલ્મના ફાલતુ દિગ્દર્શક પ્રેમનારાયણ અરોરા વાસ્તવિક જીવનમાં ય ફાલતુ માણસ હતો. આપણે અગાઉ લખી ચૂક્યા છીએ તેમ, આપણી લાડકી ડાન્સર હેલનનો આ બુઢ્ઢો રીયલ-લાઈફ પ્રેમી હતો અને હેલને કમાયેલા બધા પૈસા ચાંઉ તો કરી ગયો, પણ હેલને એક સમયના ઉન્માદમાં લખેલા ૪૦૦-પ્રેમપત્રો વડે આ પી.એન. અરોરા હેલનને બ્લેક-મેઈલ કરે રાખતો હતો.

ફિલ્મના ટાઈટલ્સમાં શશીકલાનું નામ આવે છે, પણ આખી ફિલ્મમાં એ શોધી જડતી નથી. ફિલ્મ 'તીસરી મંઝિલ'ની ટ્રેન-સીક્વન્સીમાં શમ્મી કપૂર જે જાડીયાને હસાવી હસાવીને લોટપોટ કરી નાંખે છે, એ રામઅવતારને ઠીક ઠીક કહી શકાય એવો રોલ મળ્યો છે. કક્કુ ઓળખાય પણ નહિ, એટલી ક્ષણો માટે આવે છે. અમર અનેક ફિલ્મોમાં વિલન હતો. જગદિશ કંવલ નાનકડા રોલમાં છે, એ ડાયરેક્ટરની મોટી મેહરબાની.

ઍનકાઉન્ટર : 31-01-2016

$
0
0
* શું તમારે શ્રી. નરેન્દ્ર મોદી સાથે ફોન-સંપર્ક થાય છે ?
- હું અમેરિકા જઉં, ત્યારે ત્યાં થાય છે.
(પ્રશાંત જે. દવે, જામનગર)

* હવે તો બુઢ્ઢાઓ ય જર્સી પહેરવા માંડયા છે ને કાંઈ... !
- બુઢ્ઢાઓમાંથી બહાર આવીને, તમારા માપસરનીઓ શું પહેરે છે, તે તપાસ કરો, તો કાંઈ વળે !
(કૃતાર્થ આઈ. વૈષ્ણવ, રાજકોટ)

* છુટાછેડા માટેના આવશ્યક પરિબળો... ?
- મારા પ્રિય યુવા કવિ ભાવેશ ભટ્ટનો શૅ'ર છે :
'ના ભલમનસાઈ કામ આવી, ના ચાલાકી,
સમાધાનનો કોઈ રસ્તો રહ્યો ન બાકી.
છુટાછેડા તો હું હમણાં આપી દઉં પણ,
તારી યાદો માંગે છે ખાધાખોરાકી !'

* લોકો બીજાઓને તકલીફ પડે, એમ ગાડી પાર્ક કરે છે. કોઈ ઉપાય ?
- ડ્રાયવર-સાઇડની વિન્ડો ઉપર એક કાર્ડ લખી ભરાવી દો, 'પથ્થર મફતમાં મળે છે ને તમારી ગાડીનો કાચ પાંચ હજારમાં ! જોઈએ, નૅક્સ્ટ ટાઇમ કોણ જીતે છે !'
(હર્ષદ પટેલ, અમદાવાદ)

* ગાંધીજીની સમાધિનું નામ 'રાજઘાટ'છે, તો ડૉ. અબ્દુલ કલામની સમાધિનું નામ શું હોઈ શકે ?
- 'મિસાઇલ-ઘાટ.'
(નીલ ઓડેદરા, પોરબંદર)

* મારે તમને મળવું છે...
- 'મળ્યા પછી શું કરવું છે ?'
(ચેતન ત્રિવેદી, અમદાવાદ) અને (આબિદ જુઝારા, ગોધરા)

* મંદિરમાં ડ્રેસ-કૉડના તમે કેટલા હિમાયતી ?
- હા. કંઈક તો પહેરીને જ જવું જોઈએ.
(જયેશ અંતાણી, ભાવનગર)

* બૉસ, સંગીતનો શોખ ખરો ?
- યસ, હું કૉલબેલ બહુ મસ્ત વગાડું છું.
(પ્રતિક અંતાણી, ભાવનગર)

* દુનિયામાં અશોક દવે એક જ 'ઍનકાઉન્ટર-સ્પેશિયાલિસ્ટ'છે, જે પિસ્તોલને બદલે પૅન, પત્ની અને પંખો વાપરે છે...સુઉં કિયો છો ?
- આમાંથી ફક્ત પત્ની જ પોતાની... બાકી બધું પારકાનું !
(દીપક એસ. માછી, વડોદરા)

* કોઇની આખરી ઘડીઓ ગણાતી '૧૦૮'ઍમ્બ્યુલન્સને માર્ગ કરી આપવાને બદલે, લોકો પોતાની રીતે જ ગાડી ચલાવે જાય છે... કોઈ ઉપાય ?
- ભારતમાં સૌથી પવિત્ર કોઈ કામ થતું હોય, તો તે '૧૦૮'વાળા કરી રહ્યા છે. ઈશ્વર કરે, કોઇને કદી એની જરૂર ન પડે.
(દીપક પટેલ, અમદાવાદ)

* ટ્રાફિક-સિગ્નલ પર રૅડ-લાઇટ હોવા છતાં લોકો હૉર્ન કેમ વગાડે છે ?
- એ તો આગળની કારમાં 'જોવા જેવું'કોઈ બેઠું હોય તો !
(દીપક સોલંકી, નિકોલ)

* જન્માષ્ટમીને દિવસે જુગાર રમવો, ક્યા શાસ્ત્રમાં લખ્યું છે ?
- '૫૨-પાનાંની ગીતા'નામના શાસ્ત્રમાં.
(ધીમંત ભાવસાર, બડોલી-ઈડર)

* ગર્લ-ફ્રૅન્ડને મનાવવાનો કોઈ સીધો ઉપાય ખરો ?
- આવું પાછું તમે એક નિર્દોષ પરિણિતને પૂછો છો... જેણે લાઇફમાં કદી પરિણિત ગર્લ-ફ્રૅન્ડ રાખી નથી.
(મિહિર ગજેરા, સુરત)

* પૅટ્રોલનો ભાવવધારો હવે ક્યારે આવશે ?
- એનો આધાર તમારે પેટ્રોલ શું બાળવા જોઇએ છે, એના ઉપર છે... લોહી બાળવા કે ગાડી બાળવા ?
(કોમલઅલી કાનાણી, ભાવનગર)

* કોંગ્રેસ હજી સુધરી નહિ... કેમ ?
- જોકર ન હોય, એવું કમ-સે-કમ એક પાત્ર તો આખા પક્ષમાં હોવું જોઇએ ને ?
(પાર્થ દેલવાડીયા, સુરત)

* લોકમેળામાં ચાલતી રાઇડ્સ વિશે શું માનો છો ?
- નોકરી તો ત્યાં ય નથી મળતી.
(મહાવીરસિંહ ઝાલા, રાજકોટ)

* હાલમાં બહુ ચર્ચિત 'રાધે માં'ને મળવા તમે જશો ખરા ?
- હું ઘેર રોજ બસ્સો-બસ્સોવાર ઘઉંની ગુણી ઉંચકીને ઘરમાં ફરવાની પ્રૅક્ટીસ કરૂં છું.
(નિખિલ રાજ્યગુરૂ, ભાવનગર)

* તમારા મતે કરકસર એટલે શું ?
- 'કરકસર'માં કેટલા બધા કાના-માત્રની બચત થઇ છે !
(ભરત ગાંભવા, ચંડીસર-બીકે)

* નિરર્થક માંગણીઓને બદલે આતંકવાદીઓ સામે લડવા દેશના લોકો એક કેમ થતા નથી ?
- પોતપોતાના ધર્મો માટે બધા એક થાય છે જ...'જ્ઞાતિ-એકતા ઝીંદાબાદ.'
(દીપ્તી ચેતન દવે, અમદાવાદ)

* હું કવિ બનવા માંગું છું.
- મને તમારા ગામ ચાવંડની પ્રજા ઉપર વિશ્વાસ છે. એ ગમે તેવો જૂલમ સહન કરી લેશે.
(ચિરાગ ભટ્ટ, ચાવંડ-લાઠી)

* તમને બબિતાજી ગમે ?
- જેઠાલાલ સાથે મારા અંગત સંબંધો બહુ સારા છે.
(અભિ ભીમાણી, વાપી)

* અશોક દવેની પસંદ આમાંથી કઇ ? અમિતાભ, રફી, મોદી કે શંકર-જયકિશન ?
- 'અશોક દવે'પછી આ બધા નામો આવે.
(તાહેરઅલી માંડવીવાલા, સુરત)

* અભિષેક બચ્ચન, સૈફઅલી ખાન અને તુષાર કપૂરના ત્રાસમાંથી ક્યારે છુટાશે ?
- અભિ અને સૈફ સારા ઍક્ટરો છે... સારો રોલ મળે એટલે પુરવાર થશે... બાકી તુષાર કપૂર....? કૂવામાં હોત તો હવાડામાં આવત ને ?

ઍરલિફટથી વધુ સારી ફિલ્મ હોઇ શકે ? અફ કૉર્સ, નૉટ !

$
0
0
લાઇફમાં પહેલી વાર કોઇ સિનેમા જોતા પ્રેક્ષકોને ભારતનો તિરંગો પરદા ઉપર દેખાય, ત્યારે પ્રણામ કે સલામ કરતા જોયા, અક્ષય કુમારની ફિલ્મ 'ઍરલિફટ'માં. એ હજી યાદ છે કે, અમારા વખતમાં ફિલ્મ પૂરી થાય ત્યારે રાષ્ટ્રગીત દર્શાવાય, જેની ઉઘાડેછોગ અવહેલના થતી જોઇ, એ બંધ કરવામાં આવ્યું. આજે પણ આપણો તિરંગો કે રાષ્ટ્રગીત બહુબહુ તો આપણી ક્રિકેટ ટીમ પરદેશમાં મૅચ શરૂ થતા પહેલા જોવા મળે છે...બાકી તો એ બન્નેને શોધવા પડે. મોટા ભાગના ભારતીયોને તિરંગામાં ઉપર કેસરી આવે કે નીચે, અથવા તો અશોકચક્રમાં કેટલા આંકા છે, અથવા તો ૨૬ જાન્યુઆરી અને ૧૫મી ઑગસ્ટ વચ્ચે શું ફર્ક, એ ગૂગલમાં જોઇને કહેવું પડે.

અને....આપણા દેશનો જ ગૌરવવંતો વર્લ્ડ-રૅકૉર્ડ અને આપણને જ ખબર નહિ ! સદ્દામ હુસેનવાળા યુધ્ધ વખતે કુવૈતમાં રહેતા અને ફસાયેલા આપણા ૧ લાખ ૭૦ હજાર ભારતીયોને 'ઍર ઇન્ડિયા'એ સતત ૫૯-દિવસ અને ૪૮૮-ફલાઇટ્સ દ્વારા સલામતીથી દેશમાં પાછા લાવી આપ્યા, જે એક વિશ્વવિક્રમ છે. આવી અભિમાન લેવા જેવી ઘટના અને મીડિયાવાળાઓએ રાજકારણ, ખૂન, આતંકવાદ, બળાત્કાર અને કૌભાંડો (ને એની પાછી ગૂ્રપ-ચર્ચાઓ !)ના સમાચાર આપે રાખ્યા, પણ ઍરલિફટવાળા સમાચાર દેશમાં કેટલાને પહોંચ્યા ? ઍટ લીસ્ટ, હું નહોતો જાણતો.

બેશક વાંક મીડિયાનો છે, ત્યારે જમીન પર લાંબા થઇ જઇને ફિલ્મ 'ઍરલિફટ'ના તમામ બનાવનારાઓને પ્રણામ કરવા પડે કે, આવા ગૌરવવંતા સમાચાર એણે આખા વિશ્વને આવી સુંદર ફિલ્મ બનાવીને આપ્યા. હીરો માટેની આપણી સમજ હજી સુધી અમિતાભ બચ્ચન કે સચિન તેન્ડુલકરથી આગળ વધી નથી, ત્યારે આ ફિલ્મ ખુમારીપૂર્વક અસલી જીંદગીના હીરો સની મૅથ્યૂઝની સત્યઘટના સુધી આપણને લઇ જઇ, દેશદાઝ શું છે, એની સમજ આપે છે.

મને હજી એકાદ-બે વીક પહેલા 'ઍનકાઉન્ટર'માં કોઇએ પૂછ્યું હતું, મેં આજ સુધી જોયેલી સર્વોત્તમ ફિલ્મ કઇ ? અને મેં જવાબ આપ્યો હતો, 'મુગલ-એ-આઝમ.'પણ એ એકાદ-બે અઠવાડીયામાં જ મારી આખી સોચ બદલાઇ ગઇ. હવે તો એટલે સુધી કહીશ કે, આજ સુધીની જ નહિ, આવનારી મારી બાકી જીંદગીમાં ય 'ઍરલિફટ'થી વધુ સારી કોઇ ફિલ્મ જોવાની ઇચ્છા નથી. રાષ્ટ્રઝનૂન પેદા કરવાનું એકે ય કામ દેશના તમામ ધર્મોના સાધુમહાત્માઓએ કરી બતાવ્યું નથી. (એમની પોતાની આવક જાય...!) એ આ ફિલ્મે કરી બતાવ્યું છે. પાકિસ્તાન રોજ આપણા દેશમાં ઘુસીને રાબેતા મુજબ તમાચા મારી જાય છે ને આપણી મોદી સરકાર હજી 'રાધે-રાધે'કરે રાખે છે ત્યારે, 'પાકિસ્તાનને એની જ ભાષામાં જવાબ આપીશું'ની ગુલબાંગો છીછરા રાજકારણથી વિશેષ લાગતી નથી, રાજકારણને નામે નપુંસકપણાનો લૂલો બચાવ લાગે છે. અમને કમસેકમ ઝનૂન ચઢે, એવું એક વાક્ય તો બોલો. દુશ્મનો સામે રાષ્ટ્રભક્તિ બતાવવાને બદલે હલકટ રાજકારણ રમતી કૉંગ્રેસ ઉપરથી માન ઉતરી જાય છે. કોંગ્રેસ પણ એટલી જ ધિક્કારને પાત્ર છે કે, દેશની ચારો તરફ આતંકવાદીઓ હાથમાં સળગતો દારૂગોળો લઈને ઊભા છે, ત્યારે તમારી જાત બતાવવાને બદલે દેશભક્તિની તો કોઇ વાત કરો !

અને એટલે જ, આ ફિલ્મ જોયા પછી એ ભાન પડે છે કે, આપણા દેશને જ નહિ, આપણી જાતને બચાવવા આ નિર્માલ્ય રાજકારણીઓ ઉપર સહેજ પણ ભરોસો મૂકાય એમ નથી. જાતને કે દેશને બચાવવા હોય, તો આપણે જ દેશભક્તિ બતાવવી પડશે. હવે એ દિવસો દૂર નથી કે પાકિસ્તાન આપણા ગુજરાતમાંય ઘુસીને મારી જશે. કમ-સે-કમ બે વર્ષ માટે ધર્મ કે ભગવાનને બાજુ પર મૂકી દેશદાઝ ચઢાવીશું તો જ બચી શકીશું. આવી નમાલી રાજનીતિના દેશમાં, આપણા ભારત દેશ માટે ગર્વ મેહસૂસ કરાવતી આ એક જ ફિલ્મ આવી, જેને જોયા પછી એક ઇન્ડિયન હોવાનું અભિમાન ચઢે છે.

આપણે ત્યાં કરમુક્તિ ગુજરાતી ફિલ્મો પૂરતી રહી ગઇ છે, ત્યારે 'ઍરલિફટ'તો જોવા જનાર દરેક ભારતીયનું ય રાષ્ટ્રીય સન્માન થવું જોઇએ, એવી ફીલિંગ્સ તમને પોતાના માટેય થાય. 'ઍરલિફટ'કોઇ ફિલ્મ નથી....દેશદાઝની આગ ઓકતી તંદુરસ્ત વિચારધારા છે. એક કવિતા છે-સૉરી, કવિતાય નાનકડો શબ્દ કહેવાય....'ઍરલિફટ'ભારતના રાષ્ટ્રગીત જેટલું સન્માન્નીય ગૌરવ છે. ફિલ્મનો હીરો કોઇ અક્ષય કુમાર નથી, ફિલ્મ પોતે જ હીરો છે.

એકલા અક્ષય કુમાર કે ફિલ્મના દિગ્દર્શક રાજા મૅનન જ નહિ, 'ઍરલિફટ'સાથે સંકળાયેલા હરકોઇને ભેટી પડવાનું નહિ, પ્રણામ કરવાનું મન થાય. (ભેટી પડવાની છૂટ આપીએ, એટલે ફિલ્મની અત્યંત ખૂબસુરત હીરોઇન નિમ્રત કૌરને ભેટી પડવાનો આદેશ થયો લાગે છે, એમ સમજીને ઘણા તો અત્યારે જ આ છાપું પડતું મૂકીને થીયેટર તરફ ધસી જશે....ભલે જતા...એક વાર ફિલ્મ જોઇ લેશે, તો નિમ્રત કૌરને ભેટવાને બદલે ભારત માતા સરીખી ગણીને એના ય ચરણસ્પર્ષ કરી આવીને ઘેર પાછા આવશે. ખાસ કરીને ફિલ્મના એક દ્રષ્યમાં નિમ્રત ફિલ્મના કાયમી ફરિયાદી રહેતા એક પાત્ર જ્યૉર્જ કુટ્ટી (પ્રકાશ બેલાવડી-જેણે વળી એક અદભુત ફિલ્મ 'તલવાર'માં ફિલ્મનો સર્વોત્તમ રોલ કર્યો હતો)ને ખખડાવી નાંખે છે, ત્યારે આ છોકરી ઉપર ગર્વ થવાનો ફૉર્સ આવી જાય છે.

સદ્દામ હુસેનના આતંકી ઇરાકે કુવૈત પર હૂમલો કરી અને કબ્જે કરી લીધું, એમાં ત્યાં કાયમી રહેતા ૧-લાખ ૭૦-હજાર ભારતીયોના જાન ત્યાંના કુવૈતીઓ જેટલા જ ખતરામાં હતા. ને તો ય પોતાને ભારતીય નહિ, 'કુવૈતી'ગણાવવામાં ગૌરવ લેતા પોણા બે લાખ ભારતીયોએ સાબિત પણ કરી દીધું હતું કે, જે દેશનું ખાઇએ છીએ, તેને દગો નથી કરતા. કૂતરો ય એને ટુકડો નાંખનાર ઉપર કદી કરડતો નથી. પણ સદ્દામ હુસેને કુવૈત કબ્જે કર્યું, ત્યારે એ ભારતીયોને રીયલાઇઝ થયું કે, અહીં આપણે એક નિર્વાસિતથી વિશેષ કાંઇ નથી.....ભારતીય તરીકે એકજૂટ રહીશું, તો ઘેર સલામત પાછા જઇ શકીશું, એવો એહસાસ (આ ફિલ્મ સત્યઘટના ઉપર આધારિત છે) કુવૈતના મૂળ ભારતીય શક્તિશાળી અબજોપતિ બિઝનૅસમૅન સની મૅથ્યૂઝને થાય છે અને સાચા અર્થમાં સની મૅથ્યૂઝ અજાણતામાં જ ત્યાંના ભારતીયોનો મસીહા બની જાય છે ને છેલ્લામાં છેલ્લો ભારતીય ભારત પાછો ન પહોંચે ત્યાં સુધી પોતે કુવૈત રોકાઇ રહે છે.

અક્ષય કુમારે કેવું પ્રણામયોગ્ય કામ આ ફિલ્મમાં કર્યું છે ! એની ફિલ્મ 'બૅબી,''હૉલી ડે', 'સ્પૅશિયલ ૨૬'કે 'ગબ્બર'પણ આવી જ રાષ્ટ્રભાવના ઉપસાવે એવી ફિલ્મો હતી, પણ 'ઍરલિફટ'તો ફિલ્મ જ નથી, એક રાષ્ટ્રગાન છે જે તમને ભારતીય હોવાનું માત્ર ભાન જ નહિ, ગૌરવ પણ અપાવે છે.

બહુ ઓછાના ધ્યાન પર એ વાત ગઇ હશે કે, અક્ષય કુમાર (મૂળ નામ, રાજીવ હરિઓમ ભાટીયા) આજથી ૨૪-વર્ષ પહેલા રાખી ગુલઝાર સાથેની ફિલ્મ 'સૌગન્ધ'માં હીરો તરીકે આવ્યો હતો અને આજે ૪૮-વર્ષની ઉંમરે ય શરીરથી પરફૅક્શન સાથે ફિટ છે. એક એક ફ્રૅમમાં આપણે એનાથી અંજાતા રહીએ, એવી પર્સનાલિટી છે. આમિર ખાન કે શાહરૂખ ખાનોએ અસહિષ્ણુતાનું છીછરૂં રાજકારણ રમી પોતાની રાષ્ટ્રીયતા (!) બતાવી દીધી ને પછી 'ધંધો'જાળવી લેવા ભૂલ સુધારી. એ બન્નેની ફિલ્મો જોવા ભારતપ્રેમીઓ જતા નથી, એ જ બતાવે છે કે, આપણે સહિષ્ણુ જરૂર છીએ, મૂર્ખ નહિ. એ બન્નેની સામે સલમાન ખાન (ફિલ્મ 'બજરંગી ભાઈજાન') અને અક્ષય કુમાર જેવાઓને દેશ માટે સંપૂર્ણ ગર્વ છે.

'ઍરલિફટ'ના દિગ્દર્શક રાજા કૃષ્ણ મૅનને આ ફિલ્મ બનાવવા પાછળ કેવી જાત ધસી નાંખી છે, કેવા અસરકારક સંવાદો લખાયા છે ને ક્યાંય 'ફિલ્મી'ન લાગે, એવી વાસ્તવિક રજુઆતને કારણે ફિલ્મ રીલિઝ થવાના પહેલા ચાર જ દિવસમાં રૂ. ૫૦-કરોડ મેળવી લીધા હતા. હજી એ રૂ. ૫૦૦-કરોડની ફિલ્મ બને તો એટલું સમજજો કે, આ રૂપિયા ભારતીયોએ કોઇ ફિલ્મને નહિ, દેશને પાછા આપ્યા છે. ગુસ્સાથી તમે થીયેટરની સીટો ફાડી નાંખો, એવું ઊંધુ કામ આ જ ફિલ્મના ઇન્ટરવલમાં બતાવાતા ફિલ્મ 'મસ્તીજાદે'ના ફાલતુ અને નીચ કક્ષાની કૉમેડી બતાવતા ટ્રેલરે કર્યું છે. હજી તો ઇન્ટરવલ સુધી જોયેલી 'ઍરલિફટ'ના જૂસ્સામાંથી બહાર ન આવ્યા હોઇએ, ત્યાં આવી હલકી ફિલ્મનું ટ્રેલર જોવું પડે એટલે ત્યાં જ બેઠા બેઠા એ ફિલ્મનું નામ બદલીને 'હરામજાદે'કરી દેવાનું મન થાય. ક્યારેક જગતમાં આજ સુધી જોયેલી સર્વોત્તમ સુંદર સ્ત્રીને જોઇ લીધાની બીજી જ પળે કોઇ માળીયા-ભોંયરાનો કાટમાળ જોવો પડે, એવી દશા પ્રેક્ષકોની થાય છે. જેમ 'મુગલ-એ-આઝમ'બીજી નહિ બને, એમ 'ઍરલિફટ'પણ કદીય નહિ બને.

સિક્સર
'અગર પરછાઇયાં કદ સે ઔર બાતેં ઔકાત સે બડી હોને લગે, તો સમઝ લીજિયે, સૂરજ ડૂબને હી વાલા હૈ.'

'સીમા' ('૫૫)

$
0
0
ફિલ્મ : 'સીમા' ('૫૫)
નિર્માતા : અમીયા ચક્રવર્તી
સંગીત : શંકર-જયકિશન
ગીતકારો : શૈલેન્દ્ર-હસરત
રનિંગ ટાઇમ : ૧૫-રીલ્સ : ૨ કલાક ૨૫ મિનિટ્સ
કલાકારો : નૂતન, બલરાજ સાહની, શુભા ખોટે, સુંદર, સુરેન્દ્ર, પ્રતિમા દેવી, શિવરાજ, કૃષ્ણકાંત, સુરેન્દર, પરવિન પૉલ, સીમા શાહ, જગદિશ રાજ, મુમતાઝ અલી, જી.બી.સિંઘ અને સી.એસ.દૂબે.


ગીતો
૧. સૂનો છોટી સી ગુડીયા કી લમ્બી કહાની... લતા મંગેશકર
૨. યે દુનિયા હૈ.. હમે ભી દે દો સહારા... મુહમ્મદ રફી- કોરસ
૩. તૂ પ્યાર કા સાગર હૈ, તેરી એક બૂંદ કે પ્યાસે.. મન્ના ડે- કોરસ
૪. બાત બાત મેં રૂઠો ના, અપને આપ કો લૂટો ના... લતા મંગેશકર
૫. કહાં જા રહા હૈ, તૂ અય જાનેવાલે, અંધેરા હૈ.. મુહમ્મદ રફી
૬. મનમોહના બડે ઝૂઠે, હાર કે હાર નહિ માને... લતા મંગેશકર

આ કોલમ શરૂ કર્યા પછી આજે પહેલી વાર એવું બની રહ્યું છે કે, ફિલ્મ 'સીમા'માં નૂતન-બલરાજ સાહનીનો અભિનય, શંકર-જયકિશનનું સંગીત અને અમીયા ચક્રવર્તીનું બિમલ રોયની કક્ષાનું દિગ્દર્શન જોયા પછી, હું મારી જાતને આ મહાન લોકો માટે એક અક્ષરે ય લખવા માટે કાબિલ માનતો નથી. પ્રશંસા કરવા માટે ય પાત્રતા જોઇએ, એ સાચું હોય તો આવી અદ્ભૂત ફિલ્મનું મૂલ્યાંકન કરવા માટે હું બહુ નાનો પડું. ખાસ તો, નૂતનનો અભિનય જોયા પછી એવા સપના આવવા માંડયા છે કે, આવતા જન્મે મારી સગી મા ઉપરાંત બીજી વધારાની એક મા તરીકે ભગવાન મને નૂતન જ આપે. બલરાજ સાહનીના ચરણસ્પર્શ કરવા ઝૂકવું જ પડે, એવો એમનો પવિત્ર ચહેરો અને એમની અન્ય કોઇ પણ ફિલ્મ કરતાં 'સીમા'માં એમણે કલાના ચોસઠે ચોસઠ દરવાજા ખોલી નાંખ્યા હતા.

અને તમને હક્ક છે, તમારી દ્રષ્ટિએ હિંદી ફિલ્મોની આજ સુધીની સર્વોત્તમ અભિનેત્રી કોણ છે, એ બેધડક કહી દેવાનો, પણ આ ફિલ્મ'સીમા'માં નૂતનનો અભિનય જોયા પછી તમારી પાસે કોઇ વિકલ્પ જ રહી જતો નથી, એ સ્વીકાર્યા સિવાય કે, બીજી બધીઓ બેશક નંબર વન... પણ એ નંબર-વનથી ય કોઇને ઊંચું સ્થાન આપવું હોય તો નામ નૂતનનું જ બાકાયદા લેવું પડે. આ છોકરીએ ફિલ્મની પ્રત્યેક ફ્રેમમાં જે હાવભાવ આપ્યા છે, એ પણ કોઇ હીરોઇનને લઘુતાગ્રંથિ આપવા માટે સક્ષમ છે. ચોરીનો આક્ષેપ, કાકા-કાકી (શિવરાજ અને પરવિલ પૉલ)એને ઘરની બહાર કાઢી મૂકે છે. ત્યારે અથવા તો 'હમેં ભી દે દો સહારા...'એ ભિક્ષુક ગીત દરમ્યાન પેલા ભિખારીઓ માટે ફેંકાયેલો રૂપિયાનો સિક્કો રગડતો- ગગડતો નિરાધાર બેઠેલી નૂતન પાસે આવે છે. ઘરમાંથી કાઢી મૂકાયા પછી ભૂખ તો ઠીક, તરસ પણ છુપાવી શકાઇ નથી ને એમાં ય એ સિક્કો શોધતા ભિખારીના છોકરાની નજર ચૂકાવીને,પોતાના પગ પાસે પડેલા એ સિક્કાને પગની નીચે ચોરી છૂપી દાબી દેતા પહેલા, આવી ચોરી કરવી કે નહિ, નહિ કરૂં તો ખાઇશ શું ? ચોરીના ઇલ્ઝામને કારણે ક્યાંય કામ મળતું નથી. એમાં આ બીજી વખત પકડાઇશ તો શું, એ તમામ નૂતન સિવાય, હું નથી માનતો અન્ય કોઇ એક્ટ્રેસ આટલી સાહજીકતાથી લાવી શકી હોત ! એ ઘડીએ રફીના કંઠે શબ્દો ગવાતા હોય છે, 'સતાયે ભૂખ તો ઇમાન ડગમાતા હૈ...'મૂળ સંસ્કાર જાય નહિ, એ મુજબ લાચારીમાં એ સિક્કો પગ નીચે દબાવી દીધો તો હતો, પણ એ ભિખારી (મુમતાઝ અલી)ને પાછો ય આપી દે છે... ભૂખ કરતા ઇમાનદારી કેટલા ઊંચા શિખરો ચઢી ગઇ !

અરે, નૂતનને આ ફિલ્મમાં 'મનમોહના બડે ઝૂઠે...'ગીતમાં ફક્ત લિપ-સીન્ચિંગ (હોઠ ફફડાવવાના) જ હતા. છતાં આજ સુધીની કોઇ પણ હિંદી ફિલ્મના શાસ્ત્રીય રાગ ઉપર આધારિત કોઇ પણ ગીત કરતા સર્વશ્રેષ્ઠ સાબિત થઇ ચૂકેલું આ ગીત ગાતી વખતે લતાના ગળાની નસો કેવી ફૂલતી હશે, એવી નસો ફિલ્મી પરદા પર ફૂલાવવા નૂતન આ ગીતના રીહર્સલોમાં અચૂક જતી અને તાજ્જૂબી ત્યાં થાય કે ફક્ત લિપ-સીન્ચિંગમાં પણ પરદા ઉપર નૂતને એવી નસો ફૂલાવી બતાવી છે, એનો સીધો અર્થ એ થયો કે, નૂતન પણ આવું અઘરૂં ગીત ગાવા માટે સમર્થ હતી, ફક્ત અટકથી જ સમર્થ નહોતી. અને આ મહાન બંગાળી બાબુ અમીયા ચક્રવર્તીએ ઉતારેલી ફિલ્મોના નામો તો વાંચો, 'કઠપૂતલી', પતિતા', 'સીમા', 'દેખ કબીરા રોયા'અને 'દાગ'અને બીજી ય થોડીઘણી ! પણ આટલી જ ફિલ્મોના નામો એટલે લખ્યા કે, આમાંની તમામ ફિલ્મો 'સીમા'ની કક્ષાની હતી. એક 'દેખ કબીરા...'ને બાદ કરતા અમીયાએ માત્ર શંકર-જયકિશનને ય પોતાની કરિયર સોંપી દીધી હતી અને છાપું નજીક લઇને એ ફિલ્મોના નામો ફરી વાંચી જુઓ, આ બન્ને સંગીતકારોએ કેવી જાત નિચોવી દીધી.

હતી...! અને તો ય, હું પૂરતી જવાબદારી સાથે કહું છું કે, હિંદી ફિલ્મોમાં એક પણ શાસ્ત્રીય ગીત 'મનમોહના બડે જૂઠે' (રાગઃ જયજયવંતી)થી વધુ સારૂ બન્યું નથી. એ તો આપણી આખી પેઢી નસીબદાર કે, જે સદીમાં લતા જન્મી હતી, એમાં જ આપણે પેદા થયા, નહિ તો આ ગીતની જેમ આવી કઠિન તાનો બીજી કઇ ગાયિકા (કે ઇવન, ગાયક) મારી શકવાનો હતો ? એક મન્ના ડેનું 'તૂ પ્યાર કા સાગર હૈ 'સાંભળતી વખતે હું રડયો ન હોઉં, એવું હજી સુધી તો બન્યું નથી. એ જ સ્પર્શનું મુહમ્મદ રફીનું 'કહાં જા રહા હૈ, તૂ અય જાનેવાલે...'સાંભળ્યા પછી મન હજી માનતું નથી કે, આવો મહાન ગાયક ગૂજરી પણ જઇ શકે ? આપણા એના માટેના પ્રેમ-ઇબાદતનો કોઇ વિચાર જ નહિ કરવાનો ? અમિતાભ બચ્ચનને ફિલ્મ 'કૂલી'વખતે મોટો અકસ્માત થયો અને એ સાજો થયા પછી અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ પર ફિલ્મ સ્ટાર્સની ક્રિકેટ મેચમાં ભાગ લેવા નૂતન આવી હતી. સ્પોર્ટસ ક્લબમાં મેં એના દીકરા મોહનીશ બહેલને રીક્વેસ્ટ કરી કે, 'મારે મમ્મીનો ઇન્ટરવ્યૂ લેવો છે. રૂમની બહાર બોલાવી શકશો ?'તો એ વિવેકી છોકરાએ ખૂશ થઇને સામી મને રીક્વેસ્ટ કરીને કહ્યું, ''આપ.. પ્લીઝ, થોડી દેર રૂકીયે... મેં મમ્મા કો બુલા લાતા હૂં.''વાચકો માનશે નહિ,પણ નૂતન તરત આવી અને એવા સૌજન્યથી મારી સામે ઊભી રહી, જેમ સ્કૂલના પ્રિન્સિપાલની સામે છઠ્ઠા ધોરણની વિદ્યાર્થિની ઊભી હોય. અદબ વાળી મોંઢું નીચું રાખીને ધીમેથી બોલી, 'જી... પૂછીયે'હું અનેક ફિલ્મ કલાકારોને આવી રીતે રૂબરૂ મળ્યો છું, પણ આવો સાહજીક વિનય અન્ય કોઇની પાસે જોયો નથી.

લતા તો પોતે બનાવેલી ફિલ્મ હોય, એટલી હદે છવાઇ ગઇ હતી ને તો ય સઘળી કમાલ શંકર-જયકિશનની જ. રાગ ભૈરવી પર બનેલા 'સુનો છોટી સી ગુડીયા કી લમ્બી કહાની'માં એમણે ઉસ્તાદ અલીઅકબરખાનના સરોદવાદનનો ઉપયોગ કર્યો છે. મુહમ્મદ રફીના બહુ ઓછા જાણિતા થયેલા 'હમે ભી દે દો સહારા કે બેસહારે હૈ'ગીત કોમેડિયન મેહમુદના પિતા મુમતાઝ અલી ઉપર ફિલ્માયું છે. શૈલેન્દ્રના શબ્દો કેવા હલાવી નાંખે એવા લખાયા છે, 'તૂ પ્યાર કા સાગર હૈ, તેરી એક બુંદ કે પ્યાસે હમ...'પરમેશ્વર તો પ્રેમનો સાગર છે ને આપણી અપેક્ષા એમાંથી એક ટીપું પામવાની જ છે અને તું એ ય નહિ આપે, તો અમે જઇશું ક્યાં ?... 'ખુશી કે ચાર ઝોંકે ગર ઇધર સે ભી ગૂઝર જાયેં !

ફિલ્મની વાર્તા કંઇક આવી છે :

મા-બાપનું છત્ર ગુમાવી ચૂકેલ અનાથ ગૌરી (નૂતન) એના દૂરના ગરીબ કાકા- કાકીના જુલમો સિતમ સહી સહીને પણ ઘરની ગુલામડીની માફક કામ કરે જાય ને અપમાનો સહન કરે જાય. ઉપરાંત કમાવી લાવવાનું ફરજિયાત હોવાથી, જે ઘરમાં એ કામવાળી તરીકે નોકરી કરતી હોય છે, ત્યાંનો બીજો નોકર હલકટ બાંકેલાલ (સી. એસ. દુબે) નૂતનને એ જ ઘરમાં ચોરીના ઇલ્જામમાં ફસાવી દે છે. નૂતનને પોલીસ પકડીને લઈ જતા, એની મરજી વગર અનાથાશ્રમમાં જવું પડે છે, જેના સંચાલક બલરાજ સાહની અત્યંત સજ્જન હોવા છતાં, બાંકેલાલની બદમાશીઓથી વિફરેલી વાઘણ બનેલી નૂતન બદલો લેવા ઝનૂને ચડે છે, પણ બલરાજ અને આશ્રમની દીદી (પ્રતિમા દેવી) અને કોમેડિયન સુંદર એને બહાર જવા ન દેતા, એક રાત્રે તે શુભા ખોટેની મદદ લઈ ભાગી જાય છે અને બાંકેલાલને ફટકારી આવે છે. બલરાજની સજ્જનતા એને સ્પર્શી જાય છે. ફિલ્મના અંતે બંને પ્રેમવિવાહના બંધનોમાં બંધાય છે.

શુભા ખોટે ભારતની તાજી તાજી સાયકલ ચેમ્પિયન બની હતી. અમીયા ચક્રવર્તીએ આ ફિલ્મથી તેની આપણને ઓળખાણ કરાવી હતી. આ તેની પહેલી ફિલ્મ હતી. અમીયા ચક્રવર્તીએ શુભાની આ સાયકલ-સ્કીલ દર્શકોને બતાવવા જ એક પ્રસંગ ઉભો કર્યો છે, ચોર (જી. બી. સિંઘ)નો સાયકલ ઉપર પીછો કરવાનો. અલબત્ત તેના કારણે પ્રેક્ષકોને એક ફાયદો એ જરૂર થાય છે કે, આખી ફિલ્મમાં પહેલીવાર કેમેરા મુંબઈના અંધેરીના મોડર્ન સ્ટુડિયોઝની બહાર (આઉટડૉર) લઈ જવાયો છે. શુભાના પિતા નંદુ ખોટે મરાઠી નાટયજગતના પીઢ અભિનેતા અને કાકી દુર્ગા ખોટે મૂંગી ફિલ્મોના જમાનાના એક્ટ્રેસ. શુભાનો ભાઈ વિજુ એટલે ફિલ્મ 'શોલે'નો 'કાલીયા'. ગીરગાંવની સેન્ટ ટેરેઝા કન્વૅન્ટમાં ભણેલી શુભાએ મુંબઈની વિલ્સન કૉલેજમાં ઇંગ્લિશ સાહિત્ય સાથે ગ્રેજ્યુએટ થઈ છે. 'દીદી, ખાના ખાઓ ના...'કહેતો નાનો છોકરો મોટો થઇને ફિલ્મ 'વાપસ' (એક તેરા સાથ હમ કો દો જહાં સે પ્યારા હૈ)માં હીરો બનીને, કોઈ ૫- ૭ ફાલતુ ફિલ્મો કરીને હોલવાઈ ગયો હતો. આપણા સુરતના ગૌરવ સમા હિન્દી ફિલ્મોના પીઢ કલાકાર શ્રી. કૃષ્ણકાંત ભૂખણવાલા અહીં કૅમિયો રોલમાં છે, જે અનાથાશ્રમમાં પોતાની પત્નીને મારવા આવે છે. આજે એ ૯૩ વર્ષની ઉંમરે સુરતમાં જ રહે છે. બ્લેક એન્ડ વ્હાઇટના જમાનાથી '૭૦ના દશક સુધી મોટા ભાગની દરેક ફિલ્મોમાં તબલા વગાડતો ટાલીયો કલાકાર સુરેન્દર છે, જે અહીં ફિલ્મના પ્રથમ દ્રષ્યમાં બારમાસી રોતડ-ક્લબના સભ્યશ્રી શિવરાજ સાથે દેખાય છે. કૉમેડિયન સુંદરે એની લાઇફનો શ્રેષ્ઠ કિરદાર કર્યો છે. નોર્મલી, સુંદરને તદ્દન ફાલતુ સાઇડી- કૉમિકના રોલ મળતો હોય છે. અહીં તો તેને અર્થપૂર્ણ રોલ મળ્યો છે, જેમ સી. એસ. દૂબેને મુખ્ય વિલનના રોલ ભાગ્યે જ મળ્યા છે અને અહીં તો એની પહેલી જ ફિલ્મમાં ધૃણાસ્પદ ખલનાયકનું એનું પાત્ર મજબૂત રીતે ભજવ્યું છે. મોટા ભાગની ફિલ્મોમાં ભડવાનો રોલ ભજવતો સી. એસ. દુબે એક્ટર તરીકે ઘણો સારો હતો. એનો એક તકિયા કલામ સંવાદ 'ઢક્કન ખોલ કે'બહુ ફેમસ થયો હતો. યાદ હોય તો મનોજકુમારની ફિલ્મ 'રોટી કપડા ઔર મકાન'માં ઘઉંનો લોટ ભરેલા ગોદામમાં મૌસમી ચેટર્જી ઉપર બળાત્કાર કરે છે. અલબત્ત, વ્યક્તિગત રીતે, એ સારો માણસ હતો. માત્ર ભાષણો આપીને નહિ, સાચા અર્થમાં એ ગરીબ વિદ્યાર્થીઓના ભણતર માટે ફંડ એકઠું કરીને સંસ્થા ચલાવતો. આઝાદીની લડતમાં એ જેલ જઈ આવ્યો હતો. રેડિયો વિવિધ ભારતી ઉપર રાત્રે નવ કે સવા નવ વાગે વર્ષોથી આવતા 'હવા મહલ'માં એણે ખૂબ નામના મેળવી. (બાય ધ વે, આ ચંદ્રશેખર 'દૂબે'અને 'દવે'એક જ અટક છે. દૂબેનું ગુજરાતમાં અપભ્રંશ થઈને દવે થયું હતું. એમ તો અમારી અસલી અટક 'દ્વિવેદી', પણ અંગ્રેજોને એટલું અઘરું બોલતા ન ફાવે એટલે અપભ્રંશ (distortion) કરીને 'દૂબે'અને પછી 'દવે'કરી નાખ્યું.. ને તો ય હું અમેરિકા ગયો ત્યાં બધા ધોળિયાઓ મને 'ડૅવ'કહીને બોલાવતા... આ જમાનામાં તો સાલી અટકો ય રાખવા જેવી નથી !) એક મોટો ડાઘ અમીયાએ અજાણતામાં રાખી દીધો છે. બધો દારોમદાર નૂતન પર રાખવાને કારણે બલરાજનું પાત્રાલેખન અત્યંત નબળું બન્યું છે કે, આટલો કરોડપતિ હોવા છતાં ફાટલા-તૂટલા કોટ-પાટલૂનમાં અનાથામશ્રમ કેમ ચલાવે ? એ લંગડાતો કેમ હોય છે ? આખી ફિલ્મમાં એના વ્યક્તિત્વમાં વેદના દર્શાવવાનો મતલબ શું ? આ તો એક વ્યક્તિ અને અદાકાર તરીકે આ મહાન માણસ પરદા પર જ્યારે આવે છે, ત્યારે છવાઈ જાય છે. ફિલ્મમાં નૂતન કામવાળીનો કિરદાર કરે છે અને એની શેઠાણીઓ એની શેઠાણીઓ એને મારવાની હદ સુધી તતડાવતી હોય છે, એ વાત આજની કામવાળીઓ સાથે બંધ બેસતી નથી. હા, કામવાળી આપણી વાઇફોને તતડાવતી હોય, એ દ્રષ્યો તો રોજના છે...!

આવી મનોહર ફિલ્મ હજી ન જોઈ હોય તો પૂરા પરિવાર સાથે જોવી જ.

ઍનકાઉન્ટર : 07-02-2016

$
0
0
*'ઇન્ડિયા'ને બદલે 'ભારત'બોલાવવું જોઇએ કે નહિ ?
- ના. બ્રાહ્મણ કે જૈનને બદલે ''ભારતીય''બોલાવવું જોઇએ.
(ડૉ. ધવલ કથિરીયા, આણંદ)

* 'ગોરધન'શબ્દ પૂરા શબ્દકોષમાંથી ન મળ્યો.
- ગોરધનને શબ્દકોષમાં નહિ...રસોડામાં શોધવાનો હોય !
(મહેન્દ્ર પરીખ, મુંબઈ)

* ભગવાન બે શાપિત આત્માઓને પતિ-પત્ની કેમ બનાવે છે ?
- જગતના તમામ યુધ્ધો શાંતિ સ્થાપવા માટે થાય છે.
(કૃતાર્થ વૈષ્ણવ, રાજકોટ)

* ભૂદેવોને અનામતની જરૂર ખરી કે નહિ ?
- હવે આ શબ્દની પણ સૂગ ચઢે છે. (હવે પછી અનામત વિશે સવાલો કોઇ ન પૂછશો.)
(હિમાંશુ શુક્લ, અમદાવાદ)

* ધર્મ અને જાતિના નામ પર થતી લડાઇઓથી દેશની મિલ્કતને કેટલું નુકસાન થાય છે....!
- તો પછી અમારી લડાઇઓ કરવાની હૉબી વાપરવી ક્યાં ?
(દેવાંગ કબુતરવાલા, સુરત)

* તમે હૅર-ડાઇ કરો છો ખરા ?
- ના. કેટલાક લોકો જન્મથી જ હૅન્ડસમ હોય છે.
(જયેશ અંતાણી, ભાવનગર)

* મોદી પાકિસ્તાન સામે લાલ આંખ ક્યારે કરશે ?
- કન્ઝક્ટિવાયટીસ થશે ત્યારે.
(દિવ્યા સાણંદીયા, સુરત)

* 'એક બિહારી, સો ને ભારી...'તો એક ગુજરાતી ?
- પાણી-પુરી ખઇ લે, પછી ખબર પડે !
(બકુલ એચ. વૈદ્ય, રાજકોટ)

* સાત દિવસ નૅટ બંધ હતું, ત્યારે તમે શું કર્યું ?
- પોતાની બુધ્ધિથી કામ કર્યું.
(દીપક સોલંકી, નિકોલ)

* ૪૫-૫૦ ની ઉંમર સુધી સુંદર શર્ટ-જીન્સ પહેરનારાઓ એ પછી લેંઘા-કફની ઉપર કેમ આવી જાય છે ?
- લોકલાજને ખાતર એટલું તો પહેરવું પડે !
(અફરોઝબેન મીરાણી, મહુવા)

* બપ્પી લાહિરી મહાચોર હોય તો ફિલ્મ 'ઍતબાર'નો ઓરિજીનલ ખજાનો કોનો ?
- આવું એના સંતાનો વિશે પૂછો, તો તપાસે ય કરાવીએ...બાકી તો, 'સારા જહાં હમારા...'
(વિક્રાંત એચ. દળવી, વડોદરા)

* નવી પડોસણ દૂધનું મેળવણ માંગીને સંબંધ શરૂ કરે તો ?
- તમારે ધ્યાન દૂધમાં રાખવાનું... દહીમાં નહિ !
(મધુકર માંકડ, રાજકોટ)

* આપને કાનુડાની જેમ મટકીઓ ફોડતા આવડે છે ?
- એ પછી તો અમારા જમાનામાં મટકીને બદલે પિત્તળના ઘડા આવી ગયા... આજ સુધી માંજમાંજ કરૂં છું.
(નૂતનકુમાર ભટ્ટ, સુરત)

* મૂર્ખાની નિશાની એ કે, પોતાને બુદ્ધિશાળી માને... મોટા ભાગના નાગરો પોતાને બુધ્ધિશાળી માને છે. તમે સુઉં કિયો છો ?
- નાગરો પોતાને બુદ્ધિશાળી માને છે, પણ બીજાનો ય એટલો આદર કરે છે. મારી મનગમતી કૌમ છે.
(ફાલ્ગુન વૈદ્ય, ઈલિનૉય-અમેરિકા)

* આજકાલ ફૅસબૂક પર બનતા સંબંધો વિશે તમે શું માનો છો ?
- મને એટલી ખબર છે કે, હું ફૅસબૂક, ટ્વિટર, બ્લૉગ કે વૉટ્સઍપ કદી ય વાપરતો નથી...
(હરેકૃષ્ણ સાધુ, સુરત)

* અશોકજી, તમે કેટલું ભણ્યા છો ?
- મને ડર હતો જ કે, ક્યારેક તો ભાંડો ફૂટશે જ...!
(સચિન ભટ્ટ, કોસંબા)

* ...વજન વધારવા શું કરવું જોઈએ ?
- પૈસા ટૅબલની નીચેથી સરકાવવા.
(નિમોશ કાલરીયા, અમદાવાદ)

* તમે કોઇ છોકરીને પ્રેમ કરતા હો, પણ એ આપણને કરે છે કે નહિ, એની ખબર કેમ પડે ?
- આમાં તમે વચ્ચે ક્યાંથી ઘુસી આવ્યા ?
(રજનીકાંત કે. જોશી, સરઢવ)

* પત્ની અને ત્રાસવાદી વચ્ચે શું ફરક ?
- ત્રાસવાદીને બચ્ચીઓ ના ભરાય....!
(વિજય સંઘવી, મુંબઇ)

* ક્રિકેટમાં ફક્ત ૧૧-ખેલાડીઓ જ કેમ હોય છે ?
- ભારત આમ ને આમ હારતું રહ્યું, તો જોનારા ય એટલા જ હશે.
(કુશ કાલરીયા, સિધ્ધપુર)

* મારે એક છોકરી સાથે લગ્ન કરવા છે, પણ છોકરીની ઉંમર નાની પડે છે, તો શું કરવું?
- જોઇ જુઓ...એની મમ્મીની ઉંમરની કોક કૂંવારી ફિટ બેસતી હોય તો.
(નૅલ્સન પરમાર, નવચેતન)

* 'મેરા ભારત મહાન.'તો એ મહાન થશે કે નહિ ?
- સારે જહાં સે અચ્છા, હિંદુસ્તાં હમારા...'
(દર્શન સોંડાગર, સુરત)

* શું તમે તમારા લગ્ન પછી ક્યારે ય હસ્યા છો ?
- રૂલાઓગે ક્યા....?
(મહમદ તકી દાતારી, ભાવનગર)

* શું યુવાશક્તિ સારા કામો માટે વપરાઇ રહી છે ?
- 'વૉટ્સઍપ'ને તમે સારૂં કામ નથી ગણતા ?
(અભિજીત પાલેકર, દમણ)

* શું લોકનેતા બનવા માટે લોકોની નજીક રહેવું જરૂરી છે ?
- ચૂંટણી પહેલા બેશક જરૂરી છે. હવે તમે ક્યાંય કિરણ બેદીનું નામે ય સાંભળો છો?
(મિહિર બી. ત્રિવેદી, અમદાવાદ)

અય જીંદગી...

$
0
0
જીંદગી વિશે હું શું માનું છું, એવી ફાલતુ વાતો હું કરવાનો નથી... તમે શું માનો છો, એની વાતો કરવી છે. હું જે માનું છું, એ મારા ઘરમાં ય કોઈ માનતું નથી (આમ તો રામ કસમ... તમારી ય એ જ હાલત છે !) અને ઘરમાં બધા ચોક્કસપણે માની ગયા છે કે, ''બુઢ્ઢા સઠીયા ગયા હૈ...!''

હાથમાં માઇક કે કલમ મળી, એટલે જે ટેસ્ટનો ઘાણ ઉતારવો હોય, એ મુજબનો માલ અમારા લેખકો- કવિઓ ઉતારે છે. 'જીંદગી એટલે કાગળની હોડી... ઝંઝાવાતી દરિયામાં પલળી પલળીને અશક્ત બની જાય ત્યાં સુધી ઝીંક ઝીલીને તરતી રહે છે...એના જેવી બીજી સેંકડો હોડીઓ એકબીજીને અફળાતી આગળ વધતી જાય છે... જેનું પેટ્રોલ ખલાસ થઈ જાય, એ જીંદગી બસ.. પૂરી થઈ જાય છે....!'

તારી ભલી થાય ચમના. આમાં દરિયો ને હોડકું ક્યાંથી આવ્યા ? કાલ ઉઠીને તું તો એમે ય કહીશ કે, 'જીંદગી બગલનો એક વાળ છે... જેને આપણા ક્રૂર હાથો અને નાપાક પડખા ભેગા મળીને રહેંસતા રહે છે. (પાછું સમજાવે, હાથો એટલે સમય અને સંજોગો અને પડખાં એટલે આ મનખો દેહ ! આપણી જીંદગી આ બન્નેની વચ્ચે ભીંસાતી રહે છે.. એને બહાર નીકળવું છે, પણ નીકળી શકતી નથી...'

તારી બીજી વાર ભલી થાય ચમના... તારે એને બહાર કાઢવી હોય તો એક ઝટકે પેલો વાળ ખેંચી જો, એટલે ખબર પડે કે, જીંદગી જ્યાં છે ત્યાં જ ઠીક છે... બહાર કાઢો એટલે સીધા ઉપર !

અમારા સાહિત્યકારોનું કેવું છે... કે બસ, એવું જ છે ! શબ્દો એમને મળ્યા છે એટલે જેની સાથે ચોકઠું બેસે એમ હોય, એની સાથે સરખામણી કરીને આપણને ઇમ્પ્રેસ કરી શકે. આમાં ખૂબ કામમાં આવે છે, ગુજરાતી વ્યાકરણનો 'સજીવારોપણ અલંકાર'. કોઈ પણ નિર્જીવ પદાર્થને મનુષ્ય કે જીવજંતુદેહ આપી દો... બાત જમ જાયેગી. દા.ત. 'વૉટ્સઍપ'મેસેજો તો અનાથ બાળકો જેવા છે. એમ મેસેજના ફાધર- મધર કોણ છે.. વો કોઈ નહિ જાનતા... બિચારાઓને કોઈ પોતાની પાસે રાખવા તૈયાર નથી, બીજાને પધરાવી દે, છતાં દાતાશ્રીમાં નામ એનું રોશન થાય કે, 'આવો મસ્ત વૉટ્સએપ આપણા સંજયે મોકલ્યો હતો.'હર બચ્ચે કા બાપ કોન હૈ, વો સિર્ફ ઉસકી માં હી બતા સકતી હૈ, એમ આવો વૉટ્સએપ મોકલનાર અસલી કયો મોરલો કળા કરી ગયો છે, એ કોઈ જાણતું નથી... એની માંને...! (સૉરી, આમાં તો માંઓ ય ન જાણતી હોય !)

આ અલંકારથી લખનારને ફાયદો એ થાય છે કે, વાચકો ઇમ્પ્રેસ એકદમ થઈ જાય. ગુલઝાર બે આંખોને જોડકી બહેનો કહે, એ ચાલી બહુ એટલે પછી જ્યાં ને ત્યાં એ 'જુડવા'શબ્દ વાપરતા રહે છે. હવે તો આપણે ય કહી શકીએ કે, 'પગમાં પહેરવાની આપણી ચંપલો જુડવા બહેનો છે..' (તાળીઓ) લોકો ઇમ્પ્રેસ થવાના જ છે. અમારા એક લેખક લખતા, 'એના ટેરવામાંથી ટહૂકા ફૂટયા ને... ને સૂરનું સરોવર ઊભરાણું.'

હું ઇમ્પ્રેસ થઈ ગયો, 'વાહ... આંગળીના ટેરવામાંથી મોરના ટહૂકા ફૂટે ?'જસ્ટ... સેમ્પલ ખાતર મેં મારા ડાબા હાથની આંગળીનું એક ટેરવું નજીકથી તપાસ્યું, કે આમાંથી કાંઈ ફૂટે-બૂટે એવું છે કે નહિ ! દસેદસ ટેરવા ખખડાવી જોયા. એવું તો કાંઈ ન દેખાણું પણ નખમાં થોડો મેલ ભરાયેલો દેખાયો. વધુ તપાસ નિરર્થક હતી કારણ કે, પેલામાં સૂરનું સરોવર ભરાય તો મારા નખના મેલમાંથી સાલું શું શું ભરાય ? કોઈ મને પોતાની બાજુમાં જમવા ય ન બેસવા દે.

હવે તો હું ય કહી શકું ને કે, સાહિત્ય એ શબ્દની રમત સિવાય બીજું કાંઈ નથી. સહુ પોતપોતાની આઇપીએલ-ટીમોમાંથી રમે રાખે છે. શબ્દ-ફિક્સિંગ પણ એમાં જ થાય છે. કોઈ લેખકનું કોઈ પુસ્તક ખૂબ્બજ ગમ્યું, ત્યાં વાત પતી જાય છે. એણે જ લખેલું બીજું ભંગારના પેટનું ય હોઈ શકે. (વાહ અશોક દવે વાહ... કેવો સોલ્લિડ અલંકાર લઈ આવ્યા છો... 'ભંગારના પેટનો !') આમાં લેખકની કમાલ સમજાઇ ખરી ? : (જવાબ - સમજાઇ... ભંગારના પેટની કમાલ સમજાણી ! જવાબ પૂરો) અમારા કાઠિયાવાડમાં આવા અલંકારો શેરીને નાકે નાકે કે પાનના ગલ્લે ગલ્લે સ્યવંભૂ ફરતા હોય છે. ''આ જોયો નંઇ આપણો જાડેજો... ? ઠેરીવાળી સોડાની બોટલની ઘોડે બરોબરનો હલવાણો છે.'' (ગુજરાતી અનુવાદ : 'ઘોડે'એટલે 'જેમ'... 'માફક'...! સૌરાષ્ટ્રમાં લખોટીવાળી સોડાની બોટલો મળે. એ લખોટી આપણે બહારે ય ન કાઢી શકીએ કે, બોટલની નીચે ય ઉતરી ન શકે. અર્થાત્, જાડેજો બાટલની લખોટીની જેમ બરોબરનો ફસાયો છે. બહુ વર્ષો પહેલાં આ કૉલમમાં લખાયું હતું કે, 'કાઠીયાવાડી રસ્તે મળે ને છૂટો પડે પછી ખબર પડે કે, 'ઇ આપણને સુઉં કઈ ગીયો ?'વાતવાતમાં કહી દે, 'જુઓ ભા'આય... ગામમાં તમારા હાટું જી કાંઈ વાતું થાતી હોય... બાકી આપણને તમારા માટે માટે માન છે !' (હાટું એટલે 'માટે')

એમ કહેવાય છે કે, વાત-વ્યવહારમાં તમે કેવી ભાષા બોલો છો એના ઉપરથી તમારા કલ્ચરનો ખ્યાલ આવી જાય. ઇવન, તમે કઈ જ્ઞાતિના છો, એનો ય સંદેશો તમારી બોલી અને ભાષા આપી દે છે. પણ સામાન્ય વ્યવહારોમાં ય શુદ્ધ ઉચ્ચારો સાથે કાળજીપૂર્વક ચોક્કસ શબ્દ ઉપર ભાર મૂકીને બોલનારા મને બહુ બોર કરે છે. સાહિત્યકારો કે સ્કૂલમાં ભાષા ભણાવતા શિક્ષકો વધુ પડતી શુદ્ધતા ઉમેરવામાં આપણને અકળાવી મારે છે. દરેક વિષયમાં સાહિત્યિક દ્રષ્ટાંત આપવું આપણને જરૂરી ન લાગતું હોય, પણ એમનું તો જીવન જ આ છે.

''સર-જી, આપ ચા લેશો કે કોફી ?''

''કોણ હું... ? ઓહ, હું કૉફી લઈશ. જીવનના મધ્યાહ્ને કોફી એક સખીસરીખી સાબિત થાય છે... ખાસ ગરમ હોય નહિ અને મદકમદક સુવાસ દેતી રહે... ને ક્યાંય નડે નહિ !''

તારી ભલી થાય ચમના, તું આખી વાતનો જવાબ એક શબ્દમાં આપી શક્યો હોત, પણ -

- પણ આવાઓ માટેનો ઉપાય આપણા મહાન જગતગુરૂ અશોકાનંદજીએ શોધ્યો છે કે, આવાઓ પાસે તમારું નોનસૅન્સ હોવું બહુ ફાયદેમંદ રહે છે. એની સાથે સીધી વાત જ નહિ કરવાની.

- હા સર-જી.. કૉફી એટલે સાલી એની બૉનને...બસ, કૉફી જ ! તમને ખબર છે, લોખંડના કપમાં કૉફો પીઓ તો કોફો વધુ લોખંડી લાગે !

- કોફો....? હું કાંઇ સમજ્યો નહિં !

- કોફો નહિ કૉફૉ. ઉચ્ચાર કૉઓ-ફો કરવાનો. કૉફો એટલે, યૂ નો... કૉફીનો ગોરઘન... આઇ મીન હસબન્ડ !

- પણ ચા- કૉફીમાં પતિ- પત્ની ક્યાંથી આવે ?

- આવે સર-જી, આવે જો કૉફી તમારી સખીસરખી સાબિત થતી હોય તો અમે તો સીધી વાઇફો જ બનાવીએ ને ?

- ક્ષમ્ય.. પરંતુ, કૉફીનો કપ લોખંડનો શાને કાજે ?

- લીલા ઘાસવાળી ચામડી ઉપર બેઠેલા તકલોભી કબાટો અને હૅરડ્રાયરોને વશ કરવા કૃષ્ણની સૅક્સોફોન વધુ માદક લાગે.... સૉરી, તમે વધુ પૂછો એ પહેલા કહી દઉં, કૃષ્ણ વાંસળી તો વૃંદાવન- દ્વારકાના દિવસોમાં વગાડતા'તા... ને એમાં ય -

- બસ મિત્ર. હું સઘળું સમજી ગયો.

- શું સમજ્યા ?

- ઝાલર...!

સિક્સર
ખૂબ ઝડપથી યુવાન બની ગયેલા કવિ શ્રી.ભાવિન ગોપાણીનો આ શૅ'ર દેશની હાલની સ્થિતિને અડે છે ?

એક માણસ ક્યાંય ઘરડો ના થયો, વાળ ધોળા, કાંસકો રંગીન છે,
કોઈ સો નંબર કરો ડાયલ, બાંકડા પર એકલું ટીફિન છે.

'સિંગાપુર' ('૬૦)

$
0
0
ફિલ્મ : 'સિંગાપુર' ('૬૦)
નિર્માતાઃ એફ.સી. મેહરા
દિગ્દર્શકઃ શક્તિ સામંત
સંગીતઃ શંકર-જયકિશન
ગીતકારોઃ શૈલેન્દ્ર-હસરત
રનિંગ ટાઇમઃ૧૬-રીલ્સઃ ૧૩૫-મિનિટ્સ
કલાકારોઃ શમ્મી કપૂર, પદ્મિની, શશીકલા, મારિયા મીનાડો (મલેશિયન અભિનેત્રી), કે.એન. સિંઘ, મદન પુરી, હેલન, આગા, રાજન કપૂર, ગૌતમ મુકર્જી, લિલિયન, રતન ગૌરાંગ, અવતારસિંઘ, ભગવાન, મોહન વડોદીયા અને દ્વારકા દિવેચા.


ગીતો
૧ યે શહર બડા અલબેલા, હર તરફ હસિનોં કા મેલા.... મૂકેશ-કોરસ
૨ આને લગા જીને કા મઝા....... લતા મંગેશકર
૩. જીવન મેં એક બાર આના સિંગાપુર..... લતા-કોરસ
૪. હટ જાઓ, દીવાને આયે, મસ્તી લેકર...... લતા-રફી
૫. તુમ લાખ છુપાના ચાહોગે પર પ્યાર છુપાના..... લતા-રફી
૬. હો રાસા સાયંગ રે રાસા સાયંગ સાયંગ રે.... લતા-રફી
૭. ધોખા ખાયેગી ન યારોં કી નઝર.... મુહમ્મદ રફી
૮. અરે તુ કહાં ખો ગયા બાલમ મતવાલા....... લતા મંગેશકર

શમ્મી કપૂરની ફિલ્મો ગમાડવાની પહેલી શર્ત એ કે, શમ્મી તમને ગમતો હોવો જોઇએ. કારણ કે, ફિલ્મો તો એ જમાનાની ઑલમોસ્ટ બધી ફાલતુ આવતી (ને આજે ય કઇ વળી લીમડાના ઝાડ ઉપર ચઢીને બ્યુગલો ફૂંકવા જેવી આવે છે ? શમ્મી કપૂર-મને યાદ છે, આપણા જમાનામાં બહુ બધાનો કાંઇ લાડકો નહતો-ઉછળકૂદ માટે એને બદનામ કરવામાં આવતો. એ વખતે પ્રજાને રાજ-દિલીપ-દેવ કે રાજેન્દ્ર કુમાર ગમતા. શશી કપૂરે ય ખરો. અશોક કુમાર ધી ગ્રેટેસ્ટ ઍક્ટર ખરો, પણ એ કોઇ હીરો-મટીરિયલ નહિ, એટલે ચાહકો-બાહકો ના મળે. બાકીનો જે ઘાણ ઉતર્યો હતો, તે પ્રદીપ કુમાર, મનોજ કુમાર, વિશ્વજીત, ભા.ભૂ. એટલે કે ભારત ભૂષણોનો...એ બધા આખે આખા કોઇને ગમ્યા હોય એવું ન બને....હપ્તે હપ્તે ગમતા હોય કે, કોઇ મનપસંદ ફિલ્મમાં વળી પ્રદીપ કુમારે ય ગમી જાય, પણ આ આખા ઘાણનો કોઇ સાગમટે લેવાલ ન નીકળે. પેલા ત્રણ ગ્રેટને પાછળ મૂકીને કોઇને સૌથી વધુ વિશ્વજીત ગમ્યો હોય, એવો ચાહક હજી સુધી તો જોયો નથી. આ બધા હપ્તે-હપ્તે ગમે એવા, જ્યારે શમ્મી કપૂરને સુશિક્ષિત ઘરોના દર્શકોએ સહેજ પણ ન સ્વીકાર્યો.... પણ એક વખત શમ્મીનો જમાનો પૂરો થયો અને બીજા નવાઓ આવવા માંડયા, તેમાં પ્રેક્ષકોને પછીથી ખબર પડી કે, આ બધા કચ્ચરધાણ કરતા તો શમ્મી લાખો દરજ્જે સારો હતો. આ બધા ય ક્યાંક ને ક્યાંક નકલ તો શમ્મીની જ કરતા. શમ્મીનું મૂલ્ય એના નિવૃત્ત થયા પછી સમજાયું. આજે પણ ઉછળકૂદ તો ઉછળકૂદ, ટીવી પર શમ્મીનું કોઇ ગીત આવતું હોય તો બીજા બધા કરતા એને જોવો વધારે લોકોને ગમે છે.

ઉછળકૂદના મૂલ્યાંકનોમાં શમ્મી એક અભિનેતા તરીકે કોઇનાથી ય ઉતરતો તો નહતો. બલ્કે....ઍટ ટાઇમ્સ, તદ્દન ફાલતુ ફિલ્મોમાં ય એની ઍક્ટિંગ માટે કડવા બે બોલ તમે બોલી ન શકો. 'ઉજાલા'થી વધુ ફાલતુ ફિલ્મો ય બની છે, ને એમાં ય શમ્મીએ એક ઍક્ટર તરીકે એ કેટલો સ્વાભાવિક હતો, તે અભિનય શીખેલા ન હો, તો ય ખબર પડે ! દાખલો મળે તો સાહજીકતાથી સમજાઇ જશે. શમ્મી રાજ કપૂર કરતા ૮-૯ વર્ષ નાનો અને શશી કપૂર કરતા ૭ વર્ષ મોટો હતો. એની જન્મ તા. ૨૧ ઑક્ટોબર, ૧૯૩૧ : મૃત્યુ તા. ૧૪ ઑગસ્ટ, ૨૦૧૧ હતી) જરા હિસાબ માંડી જુઓ, એમના પિતા પૃથ્વીરાજ સળંગ કેટલા વર્ષ 'કાર્યરત'હતા...!

અદાયગીની વાત નીકળે ત્યારે શમ્મીનું મૂલ્ય સમજાય. આપણા સહુના ખૂબ ગમતીલા ગીત 'મન રે તૂ કાહે ન ધીર ધરે...' (રફી-રોશન-સાહિર-ફિલ્મ 'ચિત્રલેખા')ને ફિલ્મના પરદા પર પ્રદીપ કુમાર આખા શરીરમાં ફક્ત હોઠ ફફડાવીને ઍક્ટિંગ કરે છે, શરીરના અન્ય સ્નાયુઓનો ઉપયોગ જ નહિ, ત્યારે શમ્મી કપૂરનું આ જૉનરનું કોઇ ગંભીર ગીત યૂ-ટયૂબ ઉપરે ય જોઇ જુઓ, 'જિંદગી ક્યા હૈ, ગમ કા દરિયા હૈ, ન જીના યહાઁ બસ મેં, ન મરના યહાં બસ મેં, અજબ દુનિયા હૈ' (ફિલ્મ 'પ્યાર કિયા તો ડરના ક્યા ?'સંગીત : રવિ) કે પછી ભરપુર ઉછળકૂદ સાથેનું 'તારીફ કરૂં ક્યા ઉસકી....'યાદ કરો...વાર્તા પૂરી. ગીતની અદાયગી કોઇ નાની વાત નથી. આ ફિલ્મ 'સિંગાપુર'ની વાર્તા ક્યારે પૂરી થાય, એની રાહો જોવામાં ઍક્ઝૅક્ટ ૧૩૫-મિનિટ્સ ખર્ચાઇ જાય છે. પદ્મિનીને રાજ કપૂરની ઘર બહારની પણ પ્રેમિકા ઉપરાંત 'જીસ દેશ મેં ગંગા બહેતી હૈ'માં એનું માદક રૂપ આપણે જોઇ લીધું હતું...બીજું કરી ય શું શકીએ ! રાજ કપૂરની એક સમયની 'ઑફિશિયલ પ્રેમિકા'રાજના નાના ભાઈ સાથે (ફિલ્મ પૂરતી) ઇશ્કબાજી કરે છે. લગ્ન અને લફરાં પછી નિવૃત્ત થઈને અમેરિકાના ન્યુ જર્સીમાં એના ડૉક્ટર પતિ ડૉ. રામચંદ્રન સાથે સૅટલ થવા ઉપરાંત અમેરિકાની સૌથી મોટી ભરત નાટયમની સ્કૂલ 'પદ્મિની સ્કૂલ ઑફ ફાઇન આટર્સ'ન્યુ જર્સીમાં જ શરૂ કરી હતી. સાઉથની આ 'બક્સમ બ્યુટી'નો અવાજ ઘેરો અને થોડો પૌરૂષત્વસભર હતો. અહીં અફ કૉર્સ, એના કરતા દેખાવમાં પ્રેક્ષકોનું મોટું ધ્યાન તો શશીકલા ઉપર ગોઠવાયેલું રહે છે, જે રાબેતા મુજબ ફિલ્મની હીરોઇન કરતા વધુ ખૂબસુરત લાગે છે. શશીકલાના પ્રેમી બનતા ગૌતમ મુકર્જીને બુઢ્ઢો થયા પછી અનેક ફિલ્મોમાં ચરિત્ર-અભિનેતા તરીકે જોયો હોય. એમ તો, થોડીવાર માટે આ ફિલ્મના કૅમેરામૅન દ્વારકા દિવેચા પણ આવે છે. આ એ જ દિવેચા હતા, જે સુરૈયાના મરિન લાઇન્સ સ્થિત 'કૃષ્ણ મહલ'ની અગાસી ઉપર રાત્રે દેવ આનંદ-સુરૈયાની 'ખૂફીયા'મુલાકાતો ગોઠવી આપતા....કોઇ પણ ઍકસ્ટ્રા-ચાર્જ લીધા વગર. વચમાં આગા આવીને આપણને હસાવવાના વલખા મારે જાય છે. એક તબક્કે તો બન્ને કૉમેડિયનો આગા અને મેહમુદ એકબીજાના વેવાઇ પણ થતા....આઇ મીન, આજ સુધી થાય છે. ફિલ્મમાં સિંગાપુરની કોઇ સામાન્ય ઍક્ટ્રૅસ મારીયા મીનાડોને લઇ આવ્યા છે. એના ઉપલા હોઠની સરખામણીમાં નીચલો આગળ આવતો હોવાથી દર્શકોને એમાંથી કાંઇ કમાવવા જેવું લાગતું નથી.

મદન પુરી એના ઘેરા અવાજ અને મોંગોલિયન-ચેહરાને કારણે આવી સિંગાપુર-ચાઇનાવાળી તો બધી ફિલ્મોમાં હોય જ. હૅલન તો જન્મે પણ બર્મીઝ હતી અને મૂળ નેપાળનો બટકો રતન ગૌરાંગ પણ મોંગોલિયન ચેહરો ધરાવતો હોવાને કારણે આવી ફિલ્મોમાં આ ત્રણ તો હોય જ. એક બીજો, કેશવ રાણા પણ મૂળ નેપાળી, જે દેવ આનંદની ફિલ્મોમાં (જ્વૅલ થીફ) જોવા મળતો. આ ફિલ્મમાં એ નથી. મદન પુરી અનેકગણો સારો વિલન અને ચાલ્યો પણ ખૂબ. મદન પુરીએ એની ૫૦-વર્ષની ફિલ્મ કારકિર્દીમાં ૪૩૦-ફિલ્મોમાં ખૂનો-બળાત્કારો કર્યા છે, પણ એ વખતે ફિલ્મોમાં હજી અસહિષ્ણુતા આવી નહોતી, એટલે મદનલાલ પુરી અમર ગાયક કે.એલ. સાયગલ ના સગા કાકાનો દીકરો થતો એની ખબર બહુ ઓછાને હશે. સાયગલ સાહેબ જ મદનને ફિલ્મોમાં લઇ આવ્યા હતા. મદન પુરી પણ માટુંગાના કિંગ-સર્કલ ઉપર બહુ જાણીતી 'પંજાબી-ગલી'માં રહેતો હતો. આગળ લખ્યું તેમ, આ ગલીમાં જ સાયગલ, પૃથ્વીરાજ અને કે.એન. સિંઘ પણ રહેતા હોવાથી આટલો ઍરિયો મશહૂર થયો હતો. ૧૯૪૬-માં ફિલ્મ 'અહિંસા'માં પહેલી વખત જોવા મળ્યો હતો, એવું વિકીપીડિયામાં લખે છે, તે સદંતર ખોટું છે. મદન પુરીને તો ગુજરાતના હળવદના આપણા બા'મણભ'ઈ દલસુખ પંચોલી ફિલ્મ 'ખજાનચી'માં લઇ આવ્યા હતા. શમશાદ બેગમના કંઠે ગુલામ હૈદરે કમ્પૉઝ કરેલા, 'સાવન કે નઝારે હૈ, આહા હાહા હાહા'એ સાયકલ-ગીતમાં ફિલ્મના હીરો એસ.ડી. નારંગની સાથે સાથે સાયકલ ચલાવતો મદન પુરી સ્પષ્ટ ઓળખી શકાય છે.

પણ અસલી મોરલો તો આપણો ખૂંખાર ખલનાયક કે.એન. સિંઘ જ ! ગમે તેમ કહો, પણ એ જોવો ગમતો હતો-એનો ચેહરો નહિ, એની અદભુત પર્સનાલિટીને ! આંખો ઉપર એની ભ્રમરો કદાપિ 'હખણી'રહી નથી, છતાં એ હીરોઇનોને તો પછી, પહેલા આપણને ડરાવી દેતો. પૃથ્વીરાજ કપૂરને રોજ મળતા આ દોસ્ત માટુંગાના કિંગ સર્કલ ઉપર રહેતા. એ બન્ને નવરા પડે, એટલે કુંદનલાલ સાયગલ સાહેબને ત્યાં જાય.... ''અમે મરી જઇશું, પણ કદી ગાઈશું નહિ,'એવી સાંત્વના આપવા જતા હોવા જોઇએ. 'આરાધના'અને 'અમર'જેવી ફિલ્મો ઉતારનાર દિગ્દર્શક શક્તિ સામંત '૫૦-ના દશકમાં આવી ક્રાઇમ ફિલ્મો બનાવતા. એમની બધી ફિલ્મોના ગુંડાઓનો યુનિફૉર્મ એક જ હોય. આડા પટ્ટાવાળી જરસી, ગળે રૂમાલ બાંધેલો, હાથમાં ચાકુ, ખભા ઉપર જૅકૅટ, કાળા ગૉગલ્સ.....અર્થાત, દિગ્દર્શકો પ્રેક્ષકોને એટલા બેવકૂફ સમજતા હતા કે, નૉર્મલ કપડાંમાં વિલનોને બતાવીશું તો પ્રેક્ષકોને હીરો અને વિલન વચ્ચેના તફાવતની ખબર નહિ પડે. અલબત્ત, પ્રદીપ કુમાર, શેખર, સુરેશ કે એ કૅટેગરીના અન્ય હીરો માટે આ લાગૂ પડતી વાતે ય હતી. શક્તિ સામંતનું ફાલતુ ફિલ્મો બનાવવાનું ઝનૂન '૬૯-સુધી બરકરાર રહ્યું હતું, જે વર્ષમાં તેમણે રાજેશ ખન્નાને લઈને 'આરાધના'બનાવી. ફિલ્મ સુપરડૂપર હિટ થઇ, એટલે કટિ પતંગ બનાવી. એ તો એથી ય વધુ ચાલી. પછી એમણે સીરિયસ લવસ્ટોરી 'અમર પ્રેમ'પણ ખન્નાને લઇને બનાવી.... બહુ જામી. બસ, એ પછી એમણે ખન્નો સદી ગયો અને આવનારી મોટા ભાગની ફિલ્મોમાં ખન્નો જ હોય, છતાં એમણે પોતાના લાડકા હીરો શમ્મી કપૂરને છોડી ન દીધો. 'જાને-અન્જાને'અને 'પગલા કહીં કા'માં શક્તિ દા એ શમ્મીને જ લીધો. એ વખતે તો શમ્મીના વળતા પાણી શરૂ થઇ ગયા હતા. બસ, એકલો ખન્નો જ ચાલ્યો...જ્યાં સુધી ધ ગ્રેટ મિસ્ટર બચ્ચન આવ્યા !

શક્તિ દા એ ફિલ્મનો કૅમેરા પહેલી વાર સિંગાપુર લઇ જઇને ભારતીય પ્રેક્ષકોને આંજી તો નાંખ્યા, પણ નવાઇ બે-અઢી વાતોની લાગે કે, '૬૦-ના'દશકની શરૂઆતમાં રંગીન ફિલ્મો શરૂ તો થઇ ગઇ હતી અને નિર્માતા એફ.સી. મેહરાને શમ્મી કપૂરે અનેક ફિલ્મોમાં લાખો રૂપિયા કમાવી આપ્યા હતા, છતાં આ ફિલ્મને રંગીન કેમ ન બનાવાઇ, જ્યારે પરદેશના દ્રશ્યો કૅમેરાને મળવાના હતા. સિનેમેટોગ્રાફર દ્વારકા દિવેચાએ કીધું કેમ નહિ હોય કે, કૅમેરા વિદેશની ધરતી પર ફરી રહ્યો છે તો બહારી દ્રશ્યોનું શૂટિંગ દિવસના ભાગમાં થવું જોઇએ, જેથી સ્પષ્ટ દ્રશ્યો મળે, ત્યારે અહીં તો મૂકેશ પાસે શમ્મીના પ્લૅબૅકમાં શંકર-જયકિશને 'ઉજાલા'ની જેમ ફરી એક વાર ગવડાવ્યું - 'યે શહર બડા અલબેલા, હર તરફ હસિનોં કા મેલા....'એ ગીતનું શૂટિંગ મલેશિયાની નાઇટ-લાઇફનું છે.

શંકર-જયકિશને કમાલો તો રાબેતા મુજબની કરી છે, પણ સામાન્ય સંગીતપ્રેમીઓ સુધી આ ફિલ્મનું એકે ય ગીત ન પહોંચ્યું. આપણે ચાહક હોઇએ, એટલે આપણને તો બધા ગીતો માણવા ગમે-જેમ કે, મલેશિયન ભાષાના એક-બે શબ્દો ઉઠાવીને લતા-રફીના કંઠે, 'હો રાસા સાયાંગ પ્યાર કા હી નામ રાસા સાયાંગ રે'પણ ત્યાંના લોકસંગીત પર આધારિત છે. મજાની વાત એ ખરી કે, 'સિંગાપુર'ના તમામ ગીતોમાં શંકર-જયકિશને એમના ફૅવરિટ વાદ્ય ઍકૉર્ડિયનનો ખૂબસુરત ઉપયોગ કર્યો છે, ખાસ કરીને ઑબ્લિગેટોમાં, એમના કાયમી ઍકૉર્ડિયન-પ્લેયર હતા, ગુડ્ડી સિરવાઈ.

ઘણા પૂછે છે, '૪૬-થી '૬૬ સુધીના બે દસકાઓ હિંદી ફિલ્મસંગીતના આજ સુધીના સર્વોત્તમ કેમ રહ્યા ? સમજો ને, ઑલમોસ્ટ ૮૦-ટકા ફિલ્મોના ૮૦-ટકા ગીતો આજ સુધી આપણા જહેનમાં ગૂંજતા રહ્યા. એ પછી અને એ પહેલા વિરાટ કદના બેસૂરા ભોપાળા શરૂ થયા. લતા, રફી, મૂકેશ, આશા, કિશોર, સુમન, તલત, ગીતા તેમ જ શંકર-જયકિશનથી માંડીને નૌશાદ જેવા સંગીતકારો શું પેલા બે દશકોને પહેલા કે પછી નહોતા ? ફ્રૅન્કલી કહું તો લતા-રફીને બાદ કરતા બાકીના ગાયકો પહેલા ય હતા અને આજે ય છે. આજના સંગીતકારો એક ઇંચે ય કમ નથી. (બધાની વાત નથી થતી !) આજની શ્રેયા ઘોષાલ કે અરિજીતસિંહ જેવા ગાયકો આપણા જમાનાથી કમ નથી....તો પછી, કેમ એકે ય ગીત, એકાદ-બે મહિનાથી વધારે લોકપ્રિય રહેતું નથી ? બહુ નકશીકામો કર્યા પછી, અંગત રીતે હું એ તારણ પર પહોંચ્યો છું કે, '૪૬-થી '૬૬ના એ બે દાયકાઓ કુદરતી રીતે જ મહાન સંગીતના પુરસ્કર્તા બન્યા. એમાં કમાલ ગાયકો કે સંગીતકારોની નહોતી...નહિ તો '૪૬ પહેલા અને '૬૬-પછી ય આ તમામ સંગીતકારો અને ગાયકો મૌજૂદ હતા..કેમ પેલી મધુરી કમાલ કોઇ કરી શક્યું નહિ ? આજે ય, એ જ લૅવલના ગાયકો-સંગીતકારો છે જ ને તો ય ક્યાં એક પણ ગીત પેલા બે દશકો જેવું બને છે ? માટે, મને લાગે છે કે, કમાલ કુદરતી દ્રષ્ટિએ એ ૨૦-વર્ષોની જ આવી ગઇ. જેણે જેણે મેહનત કરી, એ બધા ગાયકો-સંગીતકારો છવાઇ ગયા...અને આજે ગમે તેટલી મેહનત કરે, તો એકે ય છવાતો નથી. હિસાબ સાફ છે...કારણ કોઇ જાણી ન શકે, છતાં ય એ બન્ને દાયકાઓમાં ૯૦-ટકા ફાલતુ ફિલ્મો બનવા છતાં, સંગીત એની ચરમસીમાએ શ્રેષ્ઠ હતું.

ફિલ્મની વાર્તા કોઇ ગ્રેટ હોવાની અપેક્ષા તો તમે ય ન રાખી હોય, છતાં એના અંશો જોઇ લઇએ : સિંગાપુરમાં આવેલી પોતાની રબ્બર-ઍસ્ટેટને વેચી નાંખવા શ્યામ (શમ્મી કપૂર) તેના દોસ્ત રમેશ (ગૌતમ મુકર્જી)ને મોકલે છે. રમેશ ત્યાં શશીકલાના પ્રેમમાં પડી જાય છે. શશીકલાની બહેન પદ્મિની શમ્મીના પ્રેમમાં પડી જાય છે, એટલે ક્યાંય કોઇ મનદુઃખ ન થાય. એમના કાકા શિવદાસ (કે.એન.સિંઘ) શમ્મીની ઍસ્ટેટનો ગુપ્ત ખજાનાનો નકશો ચોરીને ભાગે છે, શશીકલા અને શમ્મી બન્ને પીછો કરે છે ત્યાં જંગલમાં જ સિંઘ કિંગ રહેતો નથી અને ચાન્ગ (મદન પુરી)ના ગુંડાઓ એને શૂટ કરી નાંખે છે. છેલ્લી ઝપાઝપી પહેલા સિંઘના ખૂનનો ઇલ્ઝામ શમ્મી ઉપર આવે છે, પણ ચાચા (કૉમેડિયન આગા) બધું સમુંસુતરૂં પાર પાડી દઇ, આપણો અને શમ્મીનો જાન છોડાવે છે.

ઍનકાઉન્ટર : 14-02-2016

$
0
0
* જો તમારી ઉંમર કાયમ માટે અહી જ અટકી જાય તો ?
- 'કાયમ રહી જો જાય તો, પયગમ્બરી મળે, 
દિલમાં જે એક દર્દ કોઇ વાર હોય છે.' (મરીઝ)
(ઋત્વિક ભટ્ટ, મુંબઇ)

* તમારા મતે બોલિવૂડનો આજનો બેસ્ટ એક્ટર કોણ છે ?
- સવાલ જ પેદા થતો નથી... એક માત્ર અક્ષય કુમાર. તમે ય ફિલ્મ 'ઍરલિફ્ટ'જોઇ લો એટલે પેદા થઉ-થઉ કરતો આ સવાલ અટકી જશે.
(મુશ્તકિમ ઘડિયાળી, ભરૂચ)

* પતિ ઘણી બધી સ્ત્રીઓ સાથે ફરે, તો શું કરવું ?
- ઘણા બધા પુરુષો મરી ગયા છે, શું ?
(જ્યોતિ રાણા, વડોદરા)

* મારો એક મિત્ર સલાહ માંગે છે કે, એની વાઇફના બર્થ-ડે પર ગિફ્ટ શું આપવી ?
- એનો આધાર હાલમાં એ બન્નેને કેટલા બાળકો છે, એની ઉપર છે.
(મયંક બી. ભટ્ટ, આણંદ)

* 'અશોકના સત્યના પ્રયોગો'ક્યારે બહાર આવશે ?
- જગતમાં ગાંધીજી સિવાય કોઇને સત્ય વિશે બોલવાનો અધિકાર નથી.
(જીતેન્દ્ર કેલા, મોરબી)

* નેતાઓ વગર દેશ ચાલે કે નહિ ?
- એ તપાસી જોવાનો સાલો.. એક ચાન્સ મળતો નથી.
(કલ્પેશ કારંગીયા, બામણાસા- કેશોદ)

* ઘડપણમાં માથાના વાળ સફેદ ન થાય, એનો કોઇ ઉપાય બતાવશો ?
- ઘડપણ આવે, પછી કહું.
(ખ્યાતિ ધરોડ, મુંબઇ)

* વધતી મોંઘવારીમાં કોઇ ઇનામ મળવાની યોજના કરો ને !
- દેશ માટે કંઇક કરી બતાવો, એ ઇનામ જ છે.
(ભગવાનદાસ મકવાણા, મુંબઇ)

* નવાઝુદ્દીન સિદ્દીકી અને ઇરફાન ખાન માટે શું અભિપ્રાય છે ?
- અત્યારના લોટમાં આ બન્ને સર્વોત્તમ કલાકારો છે.
(રાકેશ વારીયા, સુરત)

* 'આ બૈલ, મુઝે માર...'નું કોઇ ઉદાહરણ ?
- ''મારી મમ્મી થોડા દહાડા રહેવા આવે ?''એવું વાઇફ પૂછે અને તમે હા પાડો.
(જયેશ અંતાણી, ભાવનગર)

* યાદશક્તિ વધારવાનો કોઇ ચોક્કસ ઉપાય ખરો ?
- ચારે બાજુથી ઉધાર લેવાનું ચાલુ કરો.. જુઓ, તમારા લેણદારોની યાદશક્તિ કેટલી સોલ્લિડ વધે છે.
(શશીકાંત દેસાલે, વડોદરા)

* મારી પાસે કાતર છે. એમાંથી તમે કેટલી સૉય બનાવી શકો ?
- તમે કોઇ પરફૅક્ટ વાળંદને પકડો... મને તો ટેભા મારતા ય નથી આવડતું.
(રોહિત દરજી, હિમ્મતનગર)

* રિવરફ્રન્ટ પર પાર્કિંગ- પ્લોટ ઓહિયા થઇ ગયો.. કોઇ આંદોલન ?
- 'કહાં તક નામ ગીનવાયેં, સભી ને હમકો લુટા હૈ...'
(ચિરાગ સુવેરા, નારણપુર- અરાવલિ)

* સંતાનો અને મા-બાપ વચ્ચે આજકાલ અંતર કેમ વધી રહ્યું છે ?
- તમે તમારા મા-બાપને સારી રીતે રાખ્યા હશે, તો એ તમારા સંતાનોએ જોયું હશે... એ લોકો ય તમને પૂરતા પ્રેમ-આદરથી રાખશે... જે દીકરાઓ મા-બાપને હડધૂત કરે, એમને ય હડધૂત થવાના દિવસો બહુ દૂર નથી. સ્વર્ગ-નર્ક બધુ અહી જ છે, ઉપર કાંઇ નથી.
(પ્રતિક અંતાણી, ભાવનગર)

* સ્કૂલમાં તમે બ્રિલિયન્ટ હતા કે સીધાસાદા ?
- હું તો બસ... એક સીધોસાદો બ્રિલિયન્ટ હતો.
(ધીમંત ભાવસાર, બડોલી- ઇડર)

* રાધે મા એ ફેશનેબલ કપડાં માટે કહ્યું કે, 'ભક્તોએ આપ્યા છે, માટે પહેરૂં છું.'
-કોક્વાર ભક્તો કશું ન આપે, એવી પ્રાર્થના કરો.
(દીપક પટેલ, અમદાવાદ)

* પૈસો, પત્ની, મોબાઇલ અને દોસ્ત... તમારી પસંદગી પ્રમાણે ક્રમમાં ગોઠવશો?
-પૈસો.. બસ, પછી કાંઇ નહિ ! એ જ કાયમ તમારી સાથે રહે છે, પેલા ત્રણ કાયમ નહિ.
(દીપક આશરા, ગાંધીનગર)

* એક હિન્દી ન્યુસ-ચેનલમાં નેતાજી સુભાષચન્દ્ર બોઝ માટે લખેલી લાઇનમાં સ્પેલિંગની ભૂલ હતી..
-આ વાત મને કહેવાને બદલે એ ચેનલને કહો, જેથી બીજીવાર આવી ભૂલ ન કરે.
(દીપ્તિ ચેતન દવે, અમદાવાદ)

* સરકાર કૉમન મેનને હજી કેટલું લૂટશે ?
-'લૂંટવું'આપણા દેશમાં બહુ કોમન છે.
(મોહિત મર્થક, રાજકોટ)

* તમને મંગળના ગ્રહ પર રહેવા મળે, તો જાઓ ખરો ?
-બે રૂમ રસોડાનું ભાડું કેટલું છે, એ જોઇ લેવું પડે.
(મિતુલ પ્રજાપતિ, અરોડા-ઇડર)

* ઘેર બનાવેલી પાણી-પૂરી અને બહાર ભૈયાઓની પાણી-પુરી વચ્ચે ફરક ખરો ?
-ઘેર પાણીપુરીના ચટાકેદાર પાણીમાં સાલો જલદ એસિડ નથી નાંખી શકાતો.
(અજય ધામેલીયા, શામપરા, ભાવનગર)

* તમે ૨૦ વર્ષની ઉંમરે કેટલી દેવી- મિત્રો રાખતા ?
-૨૦ની ઉંમરે હું ૬૦ની ઉંમરવાળી દેવી-મિત્રો ઘણી રાખતો... કંઇક શીખો મારામાંથી, યુવાન !
(આશિષ પાનસેરીયા, નેસડી- સાવરકુંડલા)

* લાગવગ વધુ ફાયદાકારી કે ઇમાનદારી ?
-ઇમાનદારી એટલે શું વળી ? નામ જ આજે સાંભળ્યું. એ શું કોઇ છોકરીનું નામ છે ?
(જયપાલ ગોહિલ, લવરાડા-સિહોર)

* તમારા વાઇફનું નામ શું છે ?
-'રામપ્યારી'
(કિશન મોરડીયા, ઊગામેરી- ગઢડા)

* તમને મળવા માટે મેં ફ્લાઇટ બૂક કરાવી હતી પણ એ પ્લેન જ કેન્સલ થયું..
-ઓહ... મારા નાનપણથી પ્રિય ઊંઝામાં એરપોર્ટ આવી ગયું ?
(આભા પંચાલ, ઊંઝા)

* આજકાલ બા કેમ ખીજાતા નથી ?
-કોકનો એવો સ્વભાવ... ! આપણે તો કેટલું ખીજવી શકીએ !
(હિતેશ પરમાર, મુંબઇ)

* આ વર્ષે તમારી ૧૬મી બર્થ ડેટ ૨૯ ફેબ્રુઆરીએ આવશે. મોરારજી દેસાઇની જેમ... તમારા વચ્ચે કોઇ ફર્ક ખરો...?
-એમને જે પીણું ફાવતું હતું, એ મને ફાવતું નથી... જે પીણું મને ફાવે છે, એની રાજ્ય સરકારે બંધી ફરમાવી છે. 
(ગૌતમ વ્યાસ, અમદાવાદ)

ઍન્જીઓગ્રાફી

$
0
0
હું ૧૦૦-ટકા જીવિત છું, એનો એક માત્ર પુરાવો ધબકતું હૃદય છે. છાતી ઉપર હાથ દબાવું ત્યારે અંદરથી કોક દરવાજો ખખડાવતું હોય, એવા ધબકારા જણાય છે. કોકને બહાર આવવું હોય, એવું આપણને લાગે. આવું મગજ ઉપર હાથ દબાવવાથી થતું નથી, એટલે મને પહેલો ડાઉટ મગજ બંધ પડી જવાનો થયો. જો કે, મગજ માથામાં જમણી તરફ હોય કે ડાબી, એની બહુ ખબર નથી. મેં તો મીનાકુમારીની માફક બન્ને હથેળીઓ બન્ને લમણાં ઉપર દબાવી જોઇ, તો ય કોઇ નક્કર અવાજ આવ્યો નહિ, એટલે ડાઉટ મગજ કામ કરતું નહિં હોય, એવો પડયો. અલબત્ત, મારા લેખો વાંચનારા ઘણાએ કીધું કે, ''....તો ય, આટલા વર્ષોથી તમે લખી રહ્યા છો, એ ચમત્કાર જ કહેવાય !''

અને એક સુંદર સવારે, એ જ હૃદય નાના બાળકની જેમ ખફા થઈ ગયું. ધબકવાનું તો બંધ ન કર્યું પણ, ''હવે બધું હૃદયથી કામ લેશો તો આખી ફૅક્ટરી બંધ કરી દઇશ,''એવી ધમકી આપવા અંદર પડયા પડયા એણે તોફાનો શરૂ કરી દીધા. ઘરમાં બધા અને બહારના દોસ્તો ઉપરથી ઠપકો આપવા માંડયા, ''દાદુ, તમે બધા કામો હૃદયથી કરો છો....એનો વપરાશ વધી ગયો છે, એટલે એ ય થાકે ને ?''

એટલે મને વિશ્વાસ બેઠો કે, આ ધોરણે તો મને મગજની કોઇ બિમારી નહિ થાય....એકે ય કામમાં મગજ વાપર્યું હોય, તો તકલીફ ! એ તો વળી સારૂં છે કે, હું એક સામાન્ય કક્ષાનો લેખક છું, એટલે મગજ વાપર્યા વગર ફક્ત હૃદયથી બધું લખાઈ જાય છે....ગુજરાતી સાહિત્યવાળાઓને થોડા વખતથી એક નવો શબ્દ મળ્યો છે, તો વાપર વાપર કરે છે, ''હૃદયસ્થ.''પણ મારા કૅસમાં કોઇ ''મગજસ્થ''શબ્દ વાપરે, એવી શક્યતા દેખાતી નથી.

પણ હવે મારૂં હૃદય ખબર નહિ, મહીં પડયું પડયું કોઇ ખરાબ સંગતે ચઢી ગયું હશે. લીવર દારૂડીયું છે. ફેફસાં બરફના પહાડો ઉપર વહેતા ધૂમ્મસ જેવા છે (લોકો એને ધૂમ્મસ નહિ, સિગારેટનો ધૂમાડો કહે છે !) ગોલબ્લૅડર બહુ ડાહ્યું થતું'તું, એટલે પહેલેથી કઢાવી નાંખ્યું હતું અને બન્ને કીડનીઓ સારા ઘરની હોવાથી પરફૅક્ટ કામ આપે છે, એ જોઇને ઘણાએ ઑફર મોકલી હતી, ''બોલો, કેટલામાં કાઢવાની છે ?''

મતલબ, યે તો એક દિન હોના હી થા ! મારા જેવા અનેક લોકો છે, જેમને હૃદયરોગ આવે ત્યારે સમાજને ખબર પડે છે કે, આને તો હૃદય હતું ! મને પોતાને ય, હૃદય આડું ફાટયા પછી વિશ્વાસ બેઠો કે, ''એમ તો હું દિલવાળો માણસ છું.''

''કોઇ હૂમલો-બૂમલો આયો કે નહિ....?''એક સંબંધીએ મારા ખભે હાથ પછાડીને પૂછ્યું. ''બે સુધી ધ્યાન રાખવાનું હોય છે...ત્રીજામાં ધ્યાન રાખવાનો મોકો મળતો નથી....!''

મેં એમને સમજાવ્યા કે, હજી હું હૂમલાના સ્ટેજે પહોંચ્યો નથી...આળસ ! મૂળભૂત રીતે હું મારામારી કે હુલ્લડોનો માણસ જ નહિ. હજી મને એકે ય ઍટેક આવ્યો નથી, એ સાંભળીને એમને થોડી નિરાશા થઇ. આવે તો એમને ગમે, એવું ય સાવ નહોતું, પણ પહેલો આવ્યા પછી શું કરવાનું, બીજા વખતે કયા ડૉક્ટર પાસે તો નહિ જ જવાનું, ને ત્રીજો આપણા હાથમાં કેમ નથી હોતો, એ બધી ડીટૅઇલ્સ એ મને આપવા માંગતા હતા, પણ મને હજી એકે ય આવ્યો ન હોવાથી એમનું હૃદય બહાર-બહારથી ઘવાયું.

''તમે ઍન્જીઓગ્રાફી કરાવી લો.''મારા ફૅમિલી-ડૉક્ટરે સલાહ આપી. ''અહીંથી નીકળ્યા છો, તો દાઢી કરાવી લો,''એવું ઓળખીતો સલૂનવાળો કહે, એટલી આસાનીથી ડૉક્ટરે મને ઑફર મૂકી હતી.

''સર...મેં એકે ય વાર કરાવી નથી....મને એવી હૉબી જ નથી. વળી-''

''અરે ભ'ઇ, આ કોઇ બાબરી ઉતરાવવા જેવી સહેલી વાત નથી. ઍન્જીઓગ્રાફી એટલે તમારૂં હૃદય ઠીક કામ કરે છે કે નહિ, તે ચૅક કરાવવાની વાત છે.'

અમારે બા'મણભ'ઇઓને તો દિવાળી ટાણે ઘરમાં સાફસૂફી કરાવવાની આવે, એ ય સાલી મોંઘી પડતી હોય, ત્યાં આ કંઇ નવું લાયા, ઍન્જીઓગ્રાફી !

''દાદુ, આમાં કાંઇ થતું નથી. જરા ય ગભરાશો નહિ !''એકાદ વાર કરાવી ચૂકેલાઓ મને સમજાવવા આવ્યા. ''....કાંઇ...થતું નથી ? તો પછી...આટલો બધો ખર્ચો શું કામ કરવો ?''

''અરે ભ'ઇ, કાંઇ થતું નથી, એટલે ઍન્જીઓગ્રાફી કરાવતી વખતે કાંઇ થતું નથી. કોક નળીમાં લોહી ગંઠાઇ ગયું હોય, તો ખબર પડે. એવું હોય તો એ લોકો સ્ટૅન્ટ મૂકશે અને -'

''સ્ટૅન્ટ ? નસમાં ??....તો તો બહુ દુઃખે ને ?''મેં ગભરાઈને પૂછ્યું.

''અરે, તમને ખબરે ય નહિ પડે કે ઑપરેશન થઇ ગયું છે...''

''ખબરે ય નહિ પડે ? ખબર જ ના પડવાની હોય તો તો ખોટા પૈસા પડી ના જાય ?''

''ઉફ...ઓહ...આ માણસથી તો-અરે, કોઇ પંખો ચાલુ કરો, ભ'ઇ !''

મેં જીવનમાં કદી કોઇને ખબર ન પડે, એવું કામ કર્યું નથી અને અહીં તો ડૉક્ટરો જ આવા-ખબર ન પડે-એવા ધંધામાં પડયા હોવાનું મને ન ગમ્યું. એ તો પછી ખબર પડી કે, આમાં તો આપણને ખબર ન પડે, એ સારૂં કહેવાય. હું આમ મરદ ખરો, પણ દવાખાનામાં બીજા કોઇને ઇન્જેકશન આપતા હોય, એ હું જોઇ શકતો નથી. એવો મારો ઈર્ષાળુ સ્વભાવ નહિ કે, ''તમે (ઇન્જેકશન) લઇ ગયા ને અમે રહી ગયા''પણ, એ ઇન્જૅકશન મને અપાતું હોય એવો ફફડી જઉં છું. ઘણી વાર તો ડૉક્ટર મને ઇન્જૅકશન આપવા

આવ્યા હોય, તો મોટું મન રાખીને વિનમ્રતાથી કહી દઉં છું, ''મને નહિ....આ બાજુમાં બેઠા છે, એ ભ'ઇને આલી દો....મેં તો લાઇફમાં બહુ ઇન્જૅકશનો જોઇ નાંખ્યા.'

''જુઓ દાદુ, મોટે ભાગે તો કશું નહિ નીકળે...પણ ન કરે નારાયણ ને એકાદી ગાંઠ નીકળી, તો એ લોકો ઍન્જીઓપ્લાસ્ટી કરીને ગાંઠ કાઢી નાંખે છે.''

''પણ મારા મનમાં તો કોઇના માટે ગાંઠ નથી રાખતો. જે ઉકેલતા ન આવડે, એવું કશું વાળવાનું જ નહિ.''

''મનમાં નહિ રાખતા હો....આ તો હૃદયમાં છે. એટલે તમને ઝીણકો ઝીણકો દુઃખાવો છાતીમાં રહે છે ને ?''વાત તો સાચી હતી. ઉધરસ ખાતી વખતે છાતીમાં થોડું દુઃખે, એને આ લોકો પાપની નિશાની ગણે છે. એનો અર્થ એવો ય થયો કે, ઇશ્વરે તમને ચેતવણી આપી દીધી છે. એ ધારત તો વગર ચેતવણીએ ગૅટ-પાસ મોકલી આપ્યો હોત, પણ બહુ ઓછા લોકોને એ આવા-બબ્બે તત્તણ ઍટેકોવાળા-ચાન્સ આપે છે. આમાં, પહેલો હજી ન આવ્યો હોવાથી, એની રાહ જોવાની હોતી નથી કે ખોટું ય લગાડાય નહિ,

''બાજુવાળાને તો બબ્બે આઈ ગયા...ને અહીં હાવ નવરા બેઠી છીએ.''આમાં તો 'દિલ'મોટું રાખવું પડે.

ને તો ય, ઍન્જીયોગ્રાફી કરાવવાની તો છે જ, એટલે મેં'કુ...વસીયત-બસીયતનામું કરતા જઇએ. મારા તો અક્ષરે ય બહુ સારા આવે છે. પણ એમાં તો ઘરના છોકરા બગડયા. 'ડૅડ...(પહેલી વાર મને ઉચ્ચાર 'ડેડ'સંભળાયો) ખોટી ઉતાવળો ના કરો...આપણા ફૅમિલી-વકીલ અમેરિકા ગયા છે...ઠેઠ માર્ચમાં આવશે....અત્યારે તમારે વિલ-બિલનો વિચાર જ ના કરવાનો હોય !''

વાઇફ બહુ બગડી, ''અસોક...આ સુઉં માંઈડુ છે...? તમે ગામ આખામાં ઢોલ પિટી આઇવા છો, એમાં ઇ લોકો મારા લોહીડાં પીએ છે, 'ભા'આયને ક્યારે લઈ જવાના છે ?''

એ ભોળુંડાઓ મને 'હૉસ્પિટલ'ક્યારે લઇ જવાના છે, એવું પૂછતા હતા ને આ અમથેઅમથી ઉત્સાહમાં આવતી હતી....આ તો એક વાત થાય છે !

સિક્સર
- અમારા નારણપુરા ચાર રસ્તા ઉપર રોજ એકાદો ઍક્સિડૅન્ટ થાય છે...ટ્રાફિક સિગ્નલ ક્યારે આવશે ?
- કોઇ મોટાને મરવા દો....!
- ઓહ...તો તો તમે જ આવી જાઓ ને!

'આદમી ઔર ઇન્સાન' (૬૯)

$
0
0
ફિલ્મ : 'આદમી ઔર ઇન્સાન' (૬૯)
નિર્માતા : બી.આર.ચોપરા
દિગ્દર્શક : યશ ચોપરા
સંગીત : રવિ
ગીતકાર : સાહિર લુધિયાનવી
રનિંગ ટાઇમ : ૧૮-રીલ્સ : ૧૬૮-મિનિટ્સ
થીયેટર : રીલિફ (અમદાવાદ)
કલાકારો : ધર્મેન્દ્ર, સાયરા બાનુ, ફીરોઝ ખાન, મુમતાઝ, જહૉની વૉકર, મદન પુરી, મનમોહનકૃષ્ણ, અચલા સચદેવ, કામિની કૌશલ, રૂપેશ કુમાર, અજીત, સુરેખા, ઇફ્તિખાર, નર્મદા શંકર, નાના પળશીકર, અનવર હુસેન, મુબારક મર્ચન્ટ, ગજાનન જાગીરદાર, કરણ દીવાન, કુલજીત, રવિકાંત, રંધાવા, પૂનમ સિન્હા (કોમલ), જગદિશ રાજ, સુરેખા, કેશવ રાણા, મૂલચંદ અને અજીત.

ગીતો
૧. જીંદગી ઇત્તેફાક હૈ, કલ ભી ઈત્તેફાક થી..... આશા ભોંસલે
૨. જાગેગા ઇન્સાન જમાના દેખેગા.... મહેન્દ્ર કપૂર-કોરસ
૩. ઇજાઝત હો તો પૂછે આપ સે, કે મિલકર.... આશા-મહેન્દ્ર
૪. જીંદગી કે રંગ કઇ રે સાથી રે... આશા ભોંસલે
૫. ઇતની જલ્દી ન કરો, રાત કા દિલ તૂટ..... આશા ભોંસલે
૬. ઓ નીલે પર્બતોં કી ધારા, આઇ ઢૂંઢનેકિનારા.... આશા-મહેન્દ્ર
૭. જીંદગી ઇત્તેફાક હૈ, કલ ભી ઇત્તેફાક થી..... આશા-મહેન્દ્ર
૮ બિના સિફારીશ મિલે નૌકરી, બિના રિશ્વત.... મુહમ્મદ રફી
૯ દિલ કરતા, ઓ યારા દિલદારા.... મહેન્દ્ર-બલવીર-જોગિન્દર

બલદેવ રાજ ચોપરા ઉપર એમની સુંદર ફિલ્મો, ગુમરાહ, સાધના, વક્ત, હમરાઝ, ધૂન્દ, ઇત્તેફાક, ઈન્સાફ કા તરાઝૂ અને આજ કી આવાઝ માટે આદર થાય, એ જ ચોપરાએ ઘટીયા ફિલ્મો બનાવવામાં ય મોટું નામ કાઢ્યું હતું. એનો વન-ઑફ-ધ-મોટો દાખલો જ આ ફિલ્મ 'આદમી ઔર ઈન્સાન'છે. ફિલ્મનગરીની આ એક જ નિર્માણસંસ્થા છે, જેનું સ્ટોરી-ડીપાર્ટમૅન્ટ અલગ હતું, છતાં આ ફિલ્મની વાર્તા જોઇને ખૂન્નસ ચઢે છે કે, 'શું સમજતા હશે આ લોકો આપણને ?'મોટી સ્ટારકાસ્ટ લીધી, એટલે પ્રેક્ષકો બેવકૂફ બનશે ? નહોતા બન્યા...એમની જ દાસ્તાન (દિલીપ-શર્મીલા), ઝમીર, (અમિતાભ-સાયરા-શમ્મી) કે ધર્મપુત્ર જેવી કંગાળ ફિલ્મોને પ્રેક્ષકોએ હડધૂત કરીને કાઢી મૂકી હતી.

ફિલ્મની વાર્તા અતિ સામાન્ય હતી :
ધર્મેન્દ્રને ફીરોઝ ખાને સગા ભાઈ જેવી મદદ કરી ભણાવ્યો અને ઇંગ્લેન્ડ મોકલ્યો, એટલું જ નહિ, ડૅમ બનાવવાના પોતાના જંગી પ્રોજૅક્ટનો ઇન-ચાર્જ પણ બનાવ્યો. ફીરોઝના ભાઈ રવિની સગાઈ ધર્મેન્દ્રની બહેન (પૂનમ સિન્હા) સાથે થઇ છે. પણ ધર્મેન્દ્રને ખબર પડે છે કે, ફીરોઝનો આ જંગી પૈસો બેઈમાની અને ભ્રષ્ટાચારથી બનેલો છે, એટલે એ આઘો ખસી જાય છે. ફીરોઝ આ બેવફાઇનો એવો અર્થ કાઢે છે કે, સાયરા બાનૂને ધરમે ઉશ્કેરી છે અને પોતાનાથી છીનવી લીધી છે અને ધરમ સાયરાને છોડી દે, એવી અપેક્ષા રાખે છે. ફીરોઝે પોતાની ઉપર કરેલા ઉપકારોના બદલામાં, ફીરોઝ માટે ધરમ સાયરાને પણ છોડી દેવા તૈયાર છે, પણ ફીરોઝના બેઇમાનીથી છલોછલ ધંધાને સપૉર્ટ કરવા એ હરગીઝ તૈયાર નથી. પોતાના પ્રેમ અને સિધ્ધાંતમાંથી કોનું બલિદાન દેવું, એ મૂંઝવણો પછી ફિલ્મનો અંત આવે છે.

ફિલ્મ આવી હોય, એમાં સંગીત પણ એવું જ થર્ડ-કલાસ હોય ને ? રવિએ પોતાનું નામ ડૂબાડવા ઘણી જહેમત ઉઠાવી હશે. એક ગીત તો મીઠડું બનાવવું હતું ? એમાં ય, ફિલ્મ ચોપરાની હોય, એટલે અમથાય લતા-રફી તો હોય નહિ ! રફી પાસે ય એક ગીત બહુ નબળું ગવડાવ્યું છે. લતા સાથે ચોપરાને પહેલેથી બારમો ચંદ્ર હોવાથી મોટા ભાગની ફિલ્મોમાં આશા ભોંસલે હોય. લતા-રફી સાથે બગડયું હોવાથી '૫૬ સુધીની ફિલ્મોમાં લતા હતી.... રફીને તો રવિએ મનાવ્યા હતા, ફિલ્મ 'વક્ત'નું એક ગીત ગાવા પૂરતા બાકી મહેન્દ્ર કપૂરથી ચલાવવું પડયું, એમાં ગુમરાહ, વક્ત અને હમરાઝને બાદ કરતા ભાગ્યે જ કોઈ શકરવાર નીકળ્યો.

શકરવાર એકલો ફીરોઝ ખાનનો નીકળ્યો હતો. ફીરોઝ ખાનને આ ફિલ્મના 'બેસ્ટ સપૉર્ટિંગ રોલ'નો ફિલ્મફૅર ઍવૉર્ડ મળ્યો હતો. યોગાનુયોગ આ રોલ મૂળ તો ચોપરા-છાવણીના લાકડા 'જાની'રાજકુમારને ઑફર થયો હતો, પણ ધંધામાં 'જાની'કોઇ શેહશરમ રાખે એવો નહતો. સાઈડી રોલમાં કશું કમાવવાનું નથી, એ ગણત્રી સાથે રાજકુમારે રોલ સ્વીકાર્યો નહતો. ખરી હકીકત એ હતી કે, ફિલ્મની શરૂઆતમાં જ રાજકુમારને ધર્મેન્દ્રના ગળામાં ફૂલમાળા પહેરાવવાની હતી, જે 'જાની'ને પસંદ નહોતું. હજી વધારે સાચું કારણ એ પણ હતું કે, ફિલ્મની વાર્તા મુજબ, ધર્મેન્દ્રએ રાજકુમારને થપ્પડ મારવાની હતી. પોતાનાથી ઘણો જુનિયર ધર્મો રાજને લાફો મારી જાય, એ તો એ ક્યાંથી ચલાવી લે....? ફિર ક્યા ? રોલ ફિરોઝને આપવો પડયો.

પણ રાજકુમાર અને ફીરોઝ ખાન-બન્નેની કુંડળીઓ તપાસો તો એ સિંગલ હીરો તરીકે ભાગ્યે જ ચાલ્યા છે. બન્નેએ આખરે તો હીરોઇનથી હાથ જ ધોવાના આવ્યા છે.

ફિલ્મમાં ઠેકાણાં હોય કે ન હોય, બે ચીજો ગમે એવી છે. એક તો, ધરમ પાજી અને ફીરોઝ ખૂબ હૅન્ડસમ લાગે છે. બેમાંથી વધુ સુંદર કપડાં કોણે પહેર્યા છે, તેની શરતો લાગી શકે. ફીરોઝની પર્સનાલિટી ડૅશિંગ હતી. એ ચાલ્યો કેમ નહિ, એના કારણમાં એને જ જવાબદાર ઠરાવવો પડે. શરૂઆતમાં હોમી વાડીયાની સ્ટન્ટ ફિલ્મોમાં હીરો તરીકે આવ્યો, પણ એના ચેહરામાં ક્યાંક ખલનાયકી તત્વ પડયું હોવું જોઇએ, એટલે જ એની સોશિયલ ફિલ્મો તપાસો તો અડધી ફિલ્મે તો વિલન બની ગયો હોય !

સિમી ગ્રેવાલની સાથે 'ટારઝન ગોઝ ટુ ઇન્ડિયા'(૬૨) નામની ઇંગ્લિશ ફિલ્મમાં કામ કરી ચૂકેલ ફીરોઝ (૨૫ સપ્ટૅમ્બર, ૧૯૩૯ : મૃત્યુ ૨૭ ઍપ્રિલ, ૨૦૦૯) ભલે કદી ટૉપ હીરો બની ન શક્યો, પણ સ્ટાયલિશ હતો. એના ચાહકો બહુ ન હોય, છતાં સહુને એ જોવો ગમતો. એના નાના ભાઈ અકબર ખાનની ફિલ્મ 'તાજમહલ'ને પાકિસ્તાનમાં દર્શાવવા માટે એ ત્યાં ગયો, ત્યારે પ્રૅસિડૅન્ટ મુશર્રફે એનું ભારત વિરોધી ઘણું અપમાન કર્યું હતું, ત્યારે છંછેડાયેલા ફીરોઝે અક્ષરસઃ આ શબ્દોમાં પાકિસ્તાનને ઉઘાડું પાડયું હતું.

''મને એક ભારતીય હોવાનું અભિમાન છે. ભારત એક બિનસાંપ્રદાયિક દેશ છે. પાકિસ્તાન કરતા ભારતના મુસ્લિમોએ વધુ પ્રગતિ કરી છે. પાકિસ્તાન ઇસ્લામના નામ ઉપર બનેલો દેશ છે, પણ જુઓ....અહીં મુસલમાનો જ મુસલમાનને કાપી રહ્યા છે.''મુશર્રફે ફીરોઝને કાયમ માટે પાકિસ્તાનનો વિસા રદ કરી નાંખ્યો હતો. અફઘાનિસ્તાનના મૂળ ધરાવતો ફીરોઝ ખાન અફઘાની પઠાણ હતો, પણ ક્રિકેટર શાહિદ આફ્રિદીએ આપણા ગુજરાતના ટેસ્ટ ક્રિકેટર ઈરફાન ખાન (યુસુફ ખાનના ભાઈ) માટે કેવા ઘટીયા શબ્દો વાપર્યા હતા ? ''અરે વો (ઈરફાન) કાયકા પઠાણ..? વો અસલી પઠાણ થોડા હૈ...? અસલી પઠાણ હમ હૈ....''

ભાગ્યે જ કોઈ હિંદી ફિલ્મમાં કોઇ હીરો બરફ ઉપર સ્કીઇંગ જાતે કરતો જોવા મળ્યો છે. અહીં ફીરોજ શીખેલો હોય, એવી સાહજીકતાથી સ્કીઇંગ કરતો દેખાયો છે. સ્વાભાવિક છે, સ્કીઇંગ દેખાય છે એટલું સહેલું નથી હોતું-હાડકાં-પાંસળાં છોલાઈ જાય એવી અઘરી ગૅઇમ છે.

સાયરા બાનુ (૨૩ ઑગસ્ટ, ૧૯૪૪)ના પિતા મીયાં એહસાન-ઊલ-હક્ક એક જમાનામાં 'ફૂલ' (હિંદી) અને 'વાદા' (પાકિસ્તાનમાં) જેવી ફિલ્મો બનાવી ચૂક્યા હતા. એની મમ્મી નસિમ બાનુ ખુદ એક જમાનાની બ્યુટી-ક્વિન કહેવાતી. એની માં (છમીયા બાઇ-ઘરનું નામ શમશાદ બેગમ....(ગાયિકા જુદી). સાયરા ભણી-ગણી લંડનમાં અને પોતાની ૨૨-વર્ષની ઉંમરે એ વખતે ૪૪-વર્ષના દિલીપ કુમાર સાથે પરણી હતી અને આજ સુધી આદર્શ પત્ની બની રહી. લગ્ન પહેલા અને પછી બે તોફાની બનાવો બનવા છતાં. પહેલા બનાવમાં, એ પરિણિત રાજેન્દ્ર કુમારના ધગધગતા પ્રેમમાં હતી અને બન્ને લગ્ન કરી લે, એવા સળગતા સવાલો ઊભા થયા હતા. પણ નસિમ બાનુએ દિલીપ કુમારને મનાવીને-ખાસ તો એ મુદ્દા ઉપર કે આપણી એક મુસ્લિમ છોકરી હિંદુ પાસે જઇ રહી છે અને તે ય પરિણિત. દિલીપે બાજી સંભાળી લેવા સાયરા સાથે પોતાના લગ્ન જ કરી આપ્યા. બીજો બનાવ વધુ ખતરનાક હતો. એ બન્નેના સુખી લગ્નજીવન છતાં, અસ્મા નામની એક સ્ત્રીના પ્રેમમાં દિલીપ ભરાયો હતો અને નૅશનલ-ન્યુઝમાં પણ મોટો ઉહાપોહ થયો હતો (ઈવન, પાકિસ્તાની અખબારોમાં પણ !) પણ સાયરાનો પ્રેમ જીતી ગયો અને દિલીપે અસ્માને રીક્ષામાં બેસાડી દીધી. આજે ૭૧-વર્ષની સાયરા ૯૩-વર્ષના દિલીપ કુમારને એક આદર્શ પત્નીની જેમ સેવા કરી રહી છે.

આમાં એક આડવાતે ય અનાયાસ મૂકાઈ જાય એવી છે. ફિલ્મમાં સાયરા અને કામિની કૌશલ સાથે દેખાય છે. રાજકારણની જેમ ફિલ્મનગરીમાં પણ કોઇ કાયદમી દોસ્ત કે દુશ્મન હોતા નથી. ગામ આખું જાણે છે કે, એક જમાનામાં દિલીપ-કામિની ગળાડૂબ પ્રેમમાં હતાં. કોઇ ફિલ્મમાં દિલીપની આ હીરોઇન કામિનીનું નામ 'ફૂલવા'હતું, તે દિલીપને એટલું ગમી ગયું હતું કે, વખત એવો આવ્યો કે એને કામિની છોડવી પડી, પણ 'ફૂલવા'કદી ન છોડી... તે આટલે સુધી કે, આજતક દિલીપ ઘરમાં ય સાયરા બાનુને 'ફૂલવા'કહીને બોલાવે છે. સાયરાને બધી જાણ હોવા છતાં, આ ફિલ્મમાં બન્ને સાથે કામ કરી રહ્યાં છે. ધર્મેન્દ્રનો એક શોખ પછી તો પ્રોફેશનલ-ડીમાન્ડ બની ગયો હતો કે, દરેક ફિલ્મમાં એને એક વખત તો જીપ લઇને જતો દરેક ફિલ્મમાં બતાવવો પડે. ગીત વખતે જેમ રાજેન્દ્ર કુમારના હાથ સખણા નહોતા રહેતા, એમ ધરમ ગીત ગાતી વખતે ડાબો પગ તો આપણી જેમ જ મૂકે, પણ રામ જાણે ક્યા કારણથી જમણો પગ સાઇડમાં ગોળ ચક્કર મારીને આગળ ચલાવે....આપણને એક પગે ખોડ લાગે એવો ! અહીં ચોપરાએ એમની ફિલ્મ 'હમરાઝ'માં રાજકુમાર અને વિમી પાસે 'નીલે ગગન કે તલે, ધરતી કા પ્યાર પલે'ની જેમ સાયરા-ધરમ પાસે ય ગીતના એક એક મીસરા વખતે જુદા જુદા કપડાં પહેરાવ્યા છે. અલબત્ત, ગીત વખતના ઝાડપાન, પહાડો, ઝરણાઓ એના એ જ રાખ્યા છે. એમને બદલે આ બન્નેની આજુબાજુમાં ટ્રક, રીક્ષાઓ, ઘરડાં ઘરો કે મ્યુનિ. શાળા નં. ૭ વગેરે વગેરે નથી રખાવ્યા....! ધરમ એ વખતની ફિલ્મોના સંદર્ભમાં બેશક 'માચો'એટલે કે સ્નાયુબદ્ધ હી-મૅન લાગે છે, પણ આજના જમાનાના અક્ષય કુમાર, અજય દેવગણ કે સલમાન ખાનની જેમ 'સિક્સ-પૅક બૉડી'વાળો નથી... થોડી ટમી બહાર નીકળેલી એની ય દેખાય છે, છતાં હૅન્ડસમ તો બેશક લાગે છે. 'જીંદગી ઇત્તેફાક હૈ'ના આશા-મહેન્દ્રના યુગલ ગીતમાં ધર્મેન્દ્ર પિયાનો વગાડવા બેસે છે. એમાં, એની આંગળીઓ અન્ય ફિલ્મોના હીરોની જેમ, લૉજમાં મહારાજ રોટલી વણવા બેઠા હોય, એવી ફેરવે છે.

એક જમાનામાં ચોપરાની ફિલ્મોમાં ગીતો વાર્તાને આગળ વધારનારા હતા. પછીની ફિલ્મોમાં કોઇ જગ્યાએ ગીતની જરૂરત ન લાગે-માત્ર વાર્તા કાપનારા બનવા લાગ્યા. એમાં ય આ ફિલ્મના તો ૯-માંથી એકે ય ગીતને ફિલ્મ સાથે કોઇ લેવાદેવા જ નથી. બધા ય કાપી નાંખો તો ય ફિલ્મ એની એ જ રહે છે. આમ તો ચોપરાની ફિલ્મોમાં વધુ છવાઇ જનારા સંગીતકાર રવિએ ઉતારાય એટલી વેઠ અહીં ઉતારી હોય તો એનો વાંકે ય નથી. ચોપરા પૂરી ફિલ્મનું મહેનતાણું મજૂરીથી ય ઓછું આપતા. અંગત રીતે મેં રવિને પૂછ્યું હતું કે, ''તો પછી આવી ફિલ્મો સ્વીકારો છો શું કામ ?''તો એમણે પ્રોફેશનલ પણ સાચો જવાબ આપ્યો હતો કે, ચોપરાનો કૅમ્પ વિરાટ હતો અને એમની લગભગ દરેક ફિલ્મ સુપરહિટ જતી, જેથી મારૂં સંગીત પણ એવું જ વેચાતું.

ફિલ્મમાં નવા બનતા ડૅમના બાહરી દ્રષ્યો મનોહર લાગે છે. બ્લૅક-ઍન્ડ-વ્હાઈટ ફિલ્મોમાંથી દેશ હજી તાજો જ છુટો થયો હતો અને જે નિર્માતાઓ હવે ઇસ્ટમૅન કલરની ફિલ્મો બનાવવા માંડયા હતા, એમાંના બહુ ઓછાને રંગીન કૅમેરાનો સમુચિત ઉપયોગ કરતા આવડતો હતો, ત્યારે બી.આર. ચોપરાના ત્રીજા ભાઈ ધરમ ચોપરાએ તો બી.આર.ની બધી ફિલ્મોમાં કૅમૅરા અદભુત ફેરવ્યો છે. ચીઝના પૅકની માફક ફૂલતી જતી આજની હીરોઇન સોનાક્ષી સિન્હાની 'મૉમ'પૂનમ સિન્હા એક જમાનામાં હીરોઇન તરીકે 'કોમલ'નામ રાખતી. 'બરખા રાની, જરા જમકે બરસો'એ મૂકેશનું ગીત એના માટે ગવાયું હતું. શત્રુધ્ન સિન્હાને પરણેલી આ સિંધી હીરોઇનને લગ્ન પહેલા જ શત્રુધ્નના રીના રૉય સાથે બેફામ લફરાંની ખબર તો હતી, પણ આવી ખબર હોય ત્યારે સ્ત્રીઓ 'પછીથી'વરજીને સુધારી લઇશું, એમ માનીને ઝૂકાવે છે, પણ પેલી બાજુ રીના રૉય ફરી ગઇ અને પૂનમને પડેલી ખબરનો લગ્નજીવનમાં કોઇ વાંધો ન આવ્યો.

આ ફિલ્મમાં ધર્મેન્દ્રને જહૉની વૉકરની સાથે સફરજનના સૂંડલાની લાંચ આપવા આવેલો રવિકાંત દેવ આનંદની લગભગ બધી ફિલ્મોમાં હોય. પોલીસ-ઇન્સ્પૅક્ટરનો એકનો એક રોલ અનેક ફિલ્મોમાં કરીને 'ગીનેસ બૂક ઑફ રૅકૉર્ડ્સ'માં ચમકી ચૂકેલો જગદિશ રાજ હીરોઇન અનિતા રાજનો પિતા થાય, પણ અહીં દારૂડીયા મજૂરની ભૂમિકામાં જોઇને ક્ષણ પૂરતી વાસ્તવિકતા લાગે કે, મજૂર અને પોલીસ-બન્નેના જન્માક્ષરો શરાબ સાથે ઘણા મૅચ થાય !

ડૅમ બનવાની સાઇટ ઉપર તે ચિક્કાર પી ને આવે છે અને બીજા ઉઘાડા મજદૂરના પેટ ઉપર થપ્પો મારે છે, એ મજૂર ફિલ્મોનો જાણીતો કલાકાર મૂલચંદ. ધર્મેન્દ્રની સૂચના પછી જગદિશ રાજને નોકરીમાંથી કાઢી મૂકનાર મુકાદમ કેશવ રાણા છે. જ્હૉની વૉકર મીઠાઇ લેવા જાય છે, એ દુકાનદાર રામવતાર છે. ધરમ પાસે મનમોહનકૃષ્ણ ''જરૂરી''કાગઝાત લાવવા માટે સીક્ટોરિટીના જે ઑફિસર શેરિસંઘને મોકલે છે, તે કલાકાર ઉમા દત્ત છે. એના બદલે 'મોના-ડાર્લિંગ'વાળો વિલન અજીત શેર સિંઘ બનીને જાય છે.

ઍનકાઉન્ટર : 21-02-2016

$
0
0
* આજકાલ બા કેમ ખીજાતા નથી ?
- કોકનો એવો સ્વભાવ... ! આપણે તો કેટલું ખીજવી શકીએ !
(હિતેશ પરમાર, મુંબઇ)

* આ વર્ષે તમારી ૧૬મી બર્થ ડેટ ૨૯ ફેબ્રુઆરીએ આવશે. મોરારજી દેસાઇની જેમ... તમારા વચ્ચે કોઇ ફર્ક ખરો...?
- એમને જે પીણું ફાવતું હતું, એ મને ફાવતું નથી... જે પીણું મને ફાવે છે, એની રાજ્ય સરકારે બંધી ફરમાવી છે. 
(ગૌતમ વ્યાસ, અમદાવાદ)

* ધાર્મિક સ્થાનો પર વધતી જતી ભીડનું કારણ શું ? વધી રહેલી ભક્તિ કે પાપ ?
- નવરા નખ્ખોદ વાળે...
(પ્રતિક અંતાણી, ભાવનગર)

* પિયર જવાની ધમકીનો વાઇફ અમલ કેમ નહિ કરતી હોય ?
- એનો ટેસ્ટ ઊંચો હોવો જોઈએ.
(જયેશ અંતાણી, ભાવનગર)

* ડિમ્પલજીના મીણબત્તીના બિઝનેસમાં તમારો ભાગ કેટલો ?
- હું ગમે તેમ તો ય સ્માર્ટ પતંગીયું છું... એમ કાંઈ ભડકે બળવા ન જવાય !
(દિલીપ શાહ, અમદાવાદ)

* નાના ભૂલકાઓના દફતરનું વજન ઘટાડવાનો કોઈ ઉપાય નથી ?
- શિક્ષણ વિભાગ અને શાળાના સંચાલકોનું તમે નુકસાન કરાવવા માંગો છો ?
(રૂપેશ સોની, વડોદરા)

* 'ઇન્તેઝાર'ની આપની વ્યાખ્યા શું?
- મા અને પત્નીના ઇન્તઝાર વચ્ચે ફર્ક મેહસૂસ કરો, એમાં બધું આવી જાય.
(દિપક આશરા, ગાંધીનગર)

* રામાયણ અને મહાભારત- બન્નેમાં 'મામા'ને જ કેમ ચીતરવામાં આવ્યા છે ?
- બંનેમાં મામીઓ ગાયબ છે
(અફરોઝબેન મીરાણી, મહુવા)

* નવા નવા પ્રેમમાં પડેલા તમને મળે છે ખરા ?
- હું ક્યાં આર.ટી.ઓ. છું કે નવો પ્રેમ પાસ કરાવવા મારી પાસે વિધિઓ કરાવવી પડે !
(ભરત ડી. સાંખલા, ડિસા)

* અખબારમાં સમાચાર હતા કે, 'બિલ્ડરોને ત્યાં રેડ'અને બાજુમાં સમાચાર હતા, 'પાદરામાં લૂંટારા ત્રાટક્યા...'
- એમ ? બિલ્ડરો જેટલું લૂંટારાઓ લૂંટી શકે...?
(ગીરીશ માલીવાડ, વડોદરા)

*સવાલ મારો એ છે, કે ઉત્તર ક્યાં છે ?
- સવાલ મારો ય એ છ કે, સવાલ ક્યાં છે ?
(ચિરાગ પંચાલ, શ્યામનગર)

* હવે નરેન્દ્ર મોદી પણ અગાઉના વડાપ્રધાનોની જેમ પ્રજાને છેતરી રહ્યા હોય, એવું નથી લાગતું ?
- મોદી શું હતા... અને શું બની ગયા ? ઓહ...!
(સોનુ શર્મા, રાજકોટ)

* ઘરની પત્ની લક્ષ્મી, તો ગર્લફ્રેન્ડ... ?
- બોલ મારી અમ્બે...
(અજય વ્યાસ, બિલખા)

* મહિલાઓ માટેની હેલ્પ લાઇન 'અભયમ', તો પુરુષો માટે... ?
- ડિક્કો ડમ્મ...!
(હરેશ લાલવાણી, વણાકબોરી)

* તમે લેખક જ કેમ બન્યા ?
- આટલા ક્વોલિફિકેશન્સમાં પ્રાઇમ મિનિસ્ટર બનાય એવું નહોતું.
(જીજ્ઞા ઘેવરીયા, મુંબઈ)

* જીંદગીની ઘડીના સેકન્ડ કાંટાને રોકવાનો કોઈ ઉપાય ખરો ?
- મેડિકલનું કામ કરતા કોઈ સારા ઘડિયાળીને બતાવો !
(મિહિર ગજેરા, સુરત)

* સુખી થવા મેં ચાર વાર લગ્ન કર્યા, પણ હવે લાગે છે કે, પહેલી વારમાં જ સુખી હતો
- એ ચારે ચાર કેવા સુખી થઈ ગઈ...!
(રાજેશ જે. શાહ, મુંબઈ)

* ભલા માણસ... કોઈને દારૂ પીવાની સલાહ અપાય ?
- હવે તમને ય લાલચ થવા માંડી ને ?
(તૃપ્તિ ઠાકર, અમદાવાદ)

* તમે યારદોસ્તોનું ય એન્કાઉન્ટર કરો છો ?
- હું ય કોઈનો યારદોસ્ત છું.
(તેજસ નાયક, લાડોલ)

* ટીવીમાં ટેલેન્ટને નામે નાના બાળકોને ડાન્સ કે સિંગર્સ શૉમા મોકલવું કેટલું યોગ્ય ?
- હા તે વળી રોજેરોજ બાજુવાળાને ઘેર છોકરાઓને થોડા મોકલાય છે ?
(મયૂરી ત્રિવેદી, અમદાવાદ)

* સંબંધોનો ભાર ક્યારે લાગે ?
- સાસુને ઉપાડીને રેલ્વેમાં ઉપરના બર્થ ઉપર ચઢાવવાની હોય ત્યારે.
(ચંદ્રકાંત ભાયાણી, ભાવનગર)

* ગુજરાતમાં સૌથી વધુ વંચાતા હાસ્યલેખક તરીકે કેવી લાગણી અનુભવો છો ?
- ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન
(જીતેન્દ્ર કેલા, મોરબી)

* મોદીના 'અચ્છે દિન'પહેલા આવશે કે મારા સવાલનો જવાબ ?
- જવાબ 'અચ્છો'લાગ્યો ?
(જયેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ, પાદરા)

* શ્રાદ્ધ ચાલુ થયા પછી કાગડાઓ શું વિચારતા હશે ?
- આ વખતે ય, કોના ધાબે પાવડરના દૂધની ખીર છાંટશે ?

* જવાબોની જેમ, તમારા સવાલો પણ અસરકારક પૂછી શકો ખરા ?
- વિશ્વનો કોઈ પણ પરિણીત પુરુષ કેવળ જવાબો આપતા શીખ્યો હોય છેે સવાલો પૂછતા નહિ !
(વિજય ભટ્ટ, લીમડા હનુભાણા)

* તમારા મતે શ્રેષ્ઠ દિગ્દર્શક કોણ ? વિજય આનંદ કે રાજ કપૂર ?
- વિજય આનંદ... પોતાની ભાણીને એવી દિગ્દર્શિત કરી કે, એ પત્ની બની ગઈ.
(પ્રકાશ શાહ, દીવ)

હું 'બાઇ'પાસ કરાવવા જઉં છું !

$
0
0
''શું, દાદુની બાયપાસ સર્જરી પતી ગઈ ?....ઘેર આઈ ગયા..?? અરે ભ'ઇ, આમાં તો ઘણા ઘેર પાછા જ આવતા નથી. બહુ સાચવવું પડતું હોય છે...'' 

આ લખું છું, ત્યાં સુધી બાયપાસ કરાવવા ગયો નથી, પણ બે-ચાર દિવસમાં જવાનું છે, એ જાણીને સ્વાભાવિક છે, મને ઓળખતાઓ ફોન ઉપર ફોન કરે, ઘરે આવે અને ખાસ તો સૂચનો કરતા રહે. એ લોકો પોતે ૪૦-૫૦ બાયપાસ સર્જરીઓ કરાવી આવ્યા હોય, એટલા હક્કથી સૂચનો કરે. ''જુઓ દાદુ, ગભરાવાનું નહિ. હવે તો ડૉક્ટરો બહુ કાબિલ હોય છે. સોમાંથી માંડ ૨૦-૨૫ કૅસો ફૅઇલ જાય છે... હિમ્મત રાખવાની !''તો બીજો સીધો ૩૦-૪૦ નારીયેળો લઇને આવ્યો હોય. એક એક નારીયેળ મારૂં ઑપરેશન કરનારા ડોક્ટરના પગ પાસે પછાડવાનું હોય, એવું હું સમજી ન બેસું, એટલે ઘટસ્ફોટ કરે, ''ભાભીને કહેજો, રોજ એક નારીયેળ માતાજીને વધારી આવે. આપણે શ્રદ્ધા રાખવાની.''બીજા એક મહિલા બહુ ચિંતામાં હતા, ''હાયહાય...અશોકભ'ઇ જેવો તો માણસ નહિ થાય. એ તો કાયમ બીજાને હસાવે છે...એમને વળી આ ક્યાંથી વળગ્યું ? જુઓ દાદુ...જરા ય હિમ્મત ન હારતા.....બાયપાસમાં તો ઘણા પાછા આવી જાય છે.''

મુખ્ય પાર્ટી હું છું, પણ આવું સાંભળીને મારા જામનગરમાં સોપો પડી ગયો, ''અસ્સોકભા'યને આવું વરી સુઉં સૂઇઝું ? આ ઉંમરે 'બાઇ'પાસ કરાવવા હાલી નીકર્યા છે ? ઘરમાં કેવી સુશીલ વાઇફ છે, છતાં બીજી બાઇ પાસ કરાવવાના ડોડળીયા શેના ઉઇપડયા છે ?''

મારા હૃદયની ત્રણે ત્રણ નળીઓ બ્લૉક થઇ ગઇ છે, ૭૦-ટકા, ૮૦-ટકા અને ૯૦-ટકા ! મતલબ, હૃદયમાં સ્ટૅન્ટ મૂકાવવાના સ્ટેજથી હું ઘણો આગળ નીકળી ગયો છું. ભણવા સિવાયના તમામ ક્ષેત્રોમાં હું હંમેશા નંબર-વન રહ્યો છું (જેમાંના એક નંબરના સાક્ષી તો તમે ય છો.) બાયપાસ માઉન્ટ ઍવરેસ્ટના શિખર જેવું છે. બાયપાસથી કોઇ ઉપરનો તબક્કો હોતો નથી. કાં ઉપર જવાનું ને કાં નીચે આવવાનું ! અડધું-અડધું કામ પતાવવાનું મારા સ્વભાવમાં નથી.

મને ઓળખનારાઓ પાસે ય અડધું-પડધું જ જ્ઞાન હતું કે, ''ભ'ઇના મગજ સુધી પૂરતું લોહી પહોંચતું નથી-જે એમના લેખો વાંચીને ય સમજાય છે.''

પણ હવે તો હૃદય સુધી ય સડસડાટ લોહી પહોંચવાને બદલે દરેક ટ્રાફિક સિગ્નલે અટકી પડે છે. એ સિગ્નલો મ્યુનિ.બસોને બહુ નડે નહિ, એટલા માટે મ્યુનિસિપાલિટીએ અમદાવાદમાં બી.આર.ટી.એસ.ની વ્યવસ્થા કરી છે એવા છે, જેથી મુખ્ય માર્ગને બદલે બી.આર.ટી.એસ.ના બાયપાસથી નીકળી જવાય.

આપણું ય એવું જ નીકળ્યું. હૃદયની નસોમાં અચાનક ઘણા ટ્રાફિક-સિગ્નલો ઊભા થઈ ગયા અને મારી બસને આગળ સલામત જવા નહિ દે, એટલે ડૉક્ટરો એને બી.આર.ટી.એસ.ને બદલે 'બાયપાસ'કહે છે. તૂટલી-ફૂટલી નસની બાજુમાં એના જેવી જ બીજી નસ મૂકાવી દેવાય છે, જેમાંથી લોહી રાજકુંવરીની માફક બેરોકટોક ફરતું રહે. એ વાત જુદી છે કે, આખા શહેરમાં બી.આર.ટી.એસ. બાંધવાના ખર્ચા કરતા આ બાયપાસનો ખર્ચો મને વધુ ખોખરો કરી નાંખે એવો છે.

જે આપણો સબ્જૅક્ટ નથી ને જેના વિશે થોડી ય જાણકારી નથી, એ બધાની કૉમન-સલાહો બાય-પાસ સર્જરી કરતા વધારે મોંઘી પડે છે. આ રોગ વિશે કે બાયપાસ સર્જરી વિશે જેણે જેટલું સાંભળ્યું હોય, એ બધું મારી ઉપર ઓકવા આવી જાય છે.

''તમારે.....? તમારે આટલી નાની ઉંમરે બાયપાસ કરાવવાની આવી ? નાની ઉંમરમાં તો બાયપાસ બહુ ખરાબ ! અમારા ફુઆને ૫૬-મે વર્ષે બાયપાસ કરાવવી પડી....ઇશ્વરને ગમ્યું તે ખરૂં. આયુષ્ય પૂરૂં થઈ ગયું. પણ તમે એક કામ કરો. ઑપરેશન પહેલા એક વાર પગે ચાલતા અંબાજીના દર્શનની બાધા રાખી લો....માતાજી બધું સારૂં કરશે.''

''ક્યાં કરાવવાના છો ?''બાયપાસને બદલે હું માથે મૂંડન કરાવવાનો હોઉં અને હૅરકટિંગ સલૂનવાળા સાથે એમને સગાસરીખો સંબંધ થતો હોય, એટલી અધિકૃતતાથી બીજા એક ખબરકાઢુએ પૂછ્યું. મેં જવાબ આપ્યો, ''આમાં તો કોઇ હૉસ્પિટલમાં જ કરાવવાનું હોય છે...કોઇ લૉન્ડ્રી કે ટાયર-પંક્ચરવાળાને ત્યાં ઉપડી ન જવાય.''

''ભ'ઇ, જ્યાં કરાવવું હોય ત્યાં કરાવો....પછી કાંઇ થાય તો આપણું નામ નહિ લેવાનું !'

''કંઇ થઇ જાય તો....?''મૃત્યુ કરતા મૃત્યુનો ખૌફ માણસને વધારે મારી નાંખે છે. યારદોસ્તો જે સગાંસંબંધીઓ કહેતા હતા કે, ''ભલે ઍન્જીઓગ્રાફી કરાવો....તમારો તો ફૂલગુલાબી સ્વભાવ અને હરદમ પૉઝિટીવ-થિન્કિંગની સોચ છે. તમે સાંગોપાંગ બહાર નીકળી જવાના !''

ન નીકળાયું. એ એમનો પ્રેમ હતો. ઍન્જીયોગ્રાફીએ વાત બહાર પાડી દીધી....મારા હૃદયની બધી નળીઓ બ્લૉક છે. જેમને જેમને ત્યાં લગ્ન આવતા હતા તે મારા કરતા વધારે ફફડી ગયા, ''ડોહાને આખી જીંદગી નનેકડી છીંકુ ય નો આયવી....આપણા લગ્ન ટાણે જ ખોંખારા ખાવા માંઇંડો છે...આપણે એના ઘરમાં લગ્નપ્રસંગે નાનકડી ઉધરસું ય ખાધી'તી...? આ તો એક વાત થાય છે !'

તેમ છતાં ય, સોમવાર દાખલ થતા પહેલા જાહેરજનતાજોગ એક પરિપત્ર 'દવે ખાનદાને'બહાર પાડી દીધો છે-ખબર કાઢુઓ માટે !

(૧) ફલાવરના બૂકેને બદલે ફ્રૅન્ચ-પરફ્યૂમની બૉટલો લેતા જવી.

(૨) હોસ્પિટલમાં દાખલ થયા પછી રૂમ નં. ઉપરાંત દર્દીનું ડાચું બરોબર તપાસીને એના દેહ પર ફૂલો (આઇમીન, 'બૂકે') પધરાવવાના પૂરતી તપાસ કર્યા પછી દર્દીના પગ પાસે (પગ ઉપર નહિ!) નારીયેળ ફોડવું- પલંગ પર લાંબોથઇને પડેલો જીવતો દેહ મારો છે કે, બીજાનો તે તપાસ કર્યા પછી જ ''જે સી ક્રસ્ણ''બોલવું.

(૩) હાલમાં અશોક દવે પાસેથી જે કાંઇ ઉધાર વસૂલવાનું બાકી હોય, તે બધું એ હયાત હોય ત્યાં સુધી પાછું માંગી ન લેવું.

(૪) ફલાવર-બૂકે તો નહિ જ લઇ જવાના. એને બદલે, લૅપટૉપ, પર''નું ટીવી કે ગોવા-મહાબળેશ્વરની ફલાઇટની બે ટિકીટો ચાર-દિવસ માટે કરાવવી. (હાલમાં મૌસમ ઍનઆરઆઇની છલકી રહી છે, તો પરદેશથી મારી ખબર કાઢવા આવનારા સુજ્ઞા મિત્રોએ મિનરલ-વૉટરની બૉટલો લેતા આવવી. તમે એટલા ડૉબા ય નથી કે, મિનરલ-વૉટરની બૉટલ કોને કહેવાય !)

(૫) તમે ખબર પૂછવા કે કાઢવા આવ્યા હો ત્યારે, ન કરે નારાયણ ને મારી તબિયત વધુ બગડી કે હું ઉપરાઉપરી હૅડકી ખાતો ઝડપાઉં તો, ''ચલો, હજી કલાક ખેંચી કાઢીએ...બીજો ધક્કો નહિ''એવા મનસૂબાઓ લઇને આવવું નહિ ! બેસણાંમાં, 'ચલો નૅક્સ્ટ ટાઇમ આવીશું'વાળી ગોઠવણ કરીને ઘેર જતા રહેવાની ગોઠવણ થઇ શકતી નથી. એમાં તો છેલ્લા લાકડાં સુધી હાજર રહેવું પડે છે. અહીં તો તમે મલ્ટિ-પ્લૅક્સમાં મૂવી જોઇને પાછા આવી જાઓ, ત્યાં સુધી તો હું વન-પીસ બેઠો જ હોઇશ...પછી તો પરમાત્માની કૃપા !

(૬) મને જે રૂમમાં દાખલ કર્યો હોય, એની બહાર ટોળે વળીને, ''આમ તો દાદુ....ધાર્મિકવિચારોવાળા બહુ, નહિ ?''અથવા તો, ''આમ અશોક દવે માણસ સારો પણ એક વખત આપણા ઘેરથી છાપું વાંચવા લઈ ગયા હોય પછી એ એમના રસોડાંમાં તેલના ડબ્બાને ચોંટાડેલું જ પાછું આવે...સુઉં કિયો છો ?''એવી સત્યકથાઓ કહેવા નહિ માડવાની !

(૭) ''કંઇ જ કામકાજ હોય તો કહેવડાજો''ની ઑફર તદ્દન ફ્રીમાં મોકલનારાની ખાસ જરૂર છે, પૈસા માટે નહિ...અમારા બા-બાપુજીના રોજ કપડાં-ટુવાલ અને રસોડાં-બસોડાં સાફ કરી આપે તો એમનો આભાર.

અને છેલ્લે દુનિયાની 'સિક્સરો'નો બાપ : ''દાદુ.... બચી જાઓ ને ઘેર પાછા આવો તો, એકાદવાર ચા-પાણી પીવા આપણે ત્યાં આવજો.''

સિક્સર
-શહીદવીર સ્વ.હનમાન્નઅપ્પાને શ્રદ્ધાંજલિ આપવા સોનિયા-મોદીનો સૂર એક જ કેવી રીતે નીકળ્યો ?
- હજી બન્ને એમ જ માને છે કે, હનમાનઅપ્પા પાકિસ્તાનનો હતો.

'નગીના' (૫૧)

$
0
0
ફિલ્મ : 'નગીના' (૫૧)
નિર્માતા :દલસુખ પંચોલી
દિગ્દર્શક:રવીન્દ્ર દવે
સંગીત : શંકર-જયકિશન
ગીતકારો : શૈલેન્દ્ર- હસરત
રનિંગ ટાઇમ: ૧૫ રીલ્સ
કલાકારો : નૂતન, નાસીર ખાન, બિપીન ગુપ્તા, ગોપ, શામલાલ, મોહના, હીરાલાલ, ગોલ્ડસ્ટીન.






ગીતો
૧. તૂને હાય, મેરે જખમ-એ-જીગર કો છુ લિયા... લતા મંગેશકર
૨. યાદ આઇ હૈ, બેકસી છાયી હૈ.... લતા મંગેશકર
૩. કૈસી ખુશી કી હૈ રાત, બલમ મેરે સાથ... લતા મંગેશકર
૪. રોઉં મૈં સાગર કે કિનારે, સાગર હંસિ ઉડાયે... સી.એચ.આત્મા
૫. તુમકો અપની જીંદગી કા આસરા સમઝે... સી.એચ.આત્મા
૬. એક સિતારા હૈ આકાશ મેં... સી.એચ. આત્મા
૭. માય ડિયર માય ડિયર... ઓ મમ્મી નહિ... શમશાદ- રફી
૮. હમસે કરો પ્યાર કરો જી, હૅલ્લો... લતા-રફી- કોરસ
ગીત નં.૧,૨,૪ અને ૬ શૈલેન્દ્ર-૩ અને ૫ હસરત-બાકીનાની માહિતી નથી.

હીરોઇનના સ્વાંગમાં નૂતનની આ પહેલી ફિલ્મની એક સનસનાટી વાંચવા જેવી છે.

હીરોઇન હોવા છતાં નૂતનની ઉંમર કેવળ ૧૫ વર્ષની અને આ ફિલ્મ 'કેવળ પુખ્ત વયનાઓ માટે'હોવાથી ફિલ્મના પ્રીમિયરમાં ય નૂતનને ડોરકિપરે પ્રવેશ ન આપ્યો અને બાકાયદા ફિલ્મ જોવા ન મળી. છાતીમાં તીર તો એ સાંભળીને ખૂંચી જાય છે કે, આ ભારત દેશમાં એ જમાનામાં શું આવા ફરજપરસ્ત ડૉરકીપરો હશે ? નહિ તો, મોતીલાલ કે શોભના સમર્થ તો પેલાના ખિસ્સામાં રૂપિયાની નોટ સરકાવવા માટે સમર્થ હતા ! ફેમિલી-ફ્રૅન્ડ તરીકે સિનેમાઘરમાં શમ્મી કપૂરને ય સાથે લઇ જવામાં આવ્યો હતો, પણ નૂતનને થીયેટરમાં જવા ન મળ્યું. ફિલ્મ કોઇ સેક્સી દ્રષ્યોને કારણે 'એડલ્ટ'નહોતી જાહેર થઇ, પણ ૧૯૫૧-ના સરકારી ધોરણો મુજબ, ફિલ્મ હોરરથી ભરપૂર હોવાથી પુખ્ત વયનાઓનું સર્ટિફિકેટ લઇ આવી હતી.

આમ તો કાયદેસરની એની પહેલી ફિલ્મ એની મમ્મી અને ફિલ્મ 'રામરાજ્ય'ની હીરોઇન શોભના સમર્થે ઉતારેલી 'હમારી બેટી'હતી. કહેવાય તો ટાઇટલ રોલ, પણ ફિલ્મની હીરોઇન શોભના પોતે અને શોભનાના અંગત જીવનનો ય હીરો મોતીલાલ. નૂતન માટે જે હીરોએ ફિલ્મ 'તુઝે ક્યા સુનાઉ મૈં દિલરૂબા, તેરે સામને મેરા હાલ હૈ...'ગાયું હતું, તે હીરો શેખર આ 'હમારી બેટી'માં ય તેનો ટ્રેડિશનલ હીરો હોય છે. નૂતન (જન્મ તા.૪ જૂન, ૧૯૩૬ : મૃત્યુ : ૨૧ ફેબુ્રઆરી, ૧૯૯૧) આ ફિલ્મમાં નૂતનની નાની બહેન તનૂજાને પણ બાળકલાકારનો રોલ મળ્યો હતો. થોડો મનમાં ખટકો લાગે કે, આમ સ્નેહલ ભાટકરે થોડી ફિલ્મોમાં ય ઉત્તમ ગીતો આપ્યા છે અને 'હમારી બેટી'માં ય લતા, મૂકેશ, ગીતા દત્ત અને રાજકુમારી જેવા ગાયકો હોવા છતાં એકે ય ગીત પ્રજા સુધી પહોંચાડી શકાય નહિ. એ તો મુકેશના ડાયહાર્ડ ચાહકો હોય એમને બહુ બહુ તો 'મુહબ્બત ભી જૂઠી, જમાના ભી જૂઠા...'સાંભળ્યું હોય ! શોભનાનો હેતુ નૂતનને સિન્ગિન્ગ- હીરોઇન બનાવવાનો હોવાથી આ ફિલ્મમાં પણ એક સોલો, 'તુઝે કૈસા દુલ્હા ભાયે રી, બાંકી દુલ્હનીયા'ગવડાવ્યું હતું. એ પછી ય વાત કાંઇ જામી નહિ, એટલે શોભનાએ નૂતનને લૉન્ચ કરવા બીજી ફિલ્મ 'છબિલી'બનાવી, જેના ગીતો આજે ય ગમે છે. હેમંત- નૂતનનું ડયૂએટ 'લહેરોં પે લહર, ઉલ્ફત હૈ જવા...'

એ વાત જુદી છે કે, નૂતનને બાકીની જીંદગીમાં સગી મા સાથે અદાલતમાં જીવનભર ઝગડવાનું જ આવ્યું.

તનૂજા દુશ્મન પાર્ટીમાં !

હીરો દિલીપ કુમારનો સગો ભાઇ નાસીર ખાન હતો. એ અને એની હિરોઇન પત્ની બેગમ પારાને ખટકો એ જ વાતનો હતો કે, ખુદ દિલીપ કુમારે નાસીરને આગળ આવવા ન દીધો, હૅન્ડસમ અને ખૂબ ટેલેન્ટેડ તો નાસીરે ય એટલો જ હતો- ખાસ કરીને લોખંડના ગરમ સળીયા જેવો ઘટ્ટ અવાજ અને સુંદર દેખાવમાં એ દિલીપથી કમ નહતો. દિલીપમાં ય રાજ કપૂર અને દેવ આનંદની જેમ 'વ્યક્તિત્વ-ગ્રંથી'ભારોભાર હતી. એટલે જ, દિલીપે કદી નૂતન કે ગીતા બાલી સાથે કામ ન કર્યું. અભિનયની બુલંદીઓમાં તો એ બન્ને ભલભલા 'ઍક્ટર'ને ખાઇ જાય એવી હતી. કાંઇ તકદીરે ય આડું ઉતર્યું હશે તે, એક વિચિત્ર રોગ થવાને કારણે નાસીર ખાનના શરીર પરના તમામ વાળ કાયમ માટે જડમૂળથી ઉખડી ગયા. (પરિણામે, ફિલ્મ 'ગંગા- જમુના'માં એને માત્ર માથે વિગ નથી પહેરવી પડી, પણ આંખોની ભ્રમરો પણ ચીતરાવવી પડી હતી.) બહુ વર્ષો પછી નાસીર ફિલ્મ 'યાદોં કી બારાત'અને વહિદા-સુનિલની બેનમૂન ફિલ્મ 'જીંદગી-જીંદગી'માં જોવા મળ્યો હતો. એની હિરોઇન પત્ની બેગમ પારા એના જમાનાની સાચા અર્થમાં 'સેક્સ-સીમ્બોલ'હતી. એના વન-પીસ રંગીન ફોટા ફિલ્મી- મેગેઝીનોમાં ભરપૂર છપાતા. એ બન્નેનો દીકરો અય્યુબ ખાન અત્યારે ફાલતું ટીવી-સીરીયલોમાં કામ કરે છે. 'દિલ ચાહતા હૈ'માં એ આમિર ખાનના હાથનો મુક્કો ખાય છે. પૈસેટકે બર્બાદ થઇ ગયા પછી પણ નાસીરે હિમ્મત કરીને પોતાની ભાભી સાયરા બાનુ અને સંજય ખાનને લઇને ફિલ્મ 'ઝીદ'બનાવી, પણ અધવચ્ચે જ નાસીરનું અવસાન થઇ જતા ફિલ્મ પૂરી ન થઇ, પણ બનાવનારા પૂરા થઇ ગયા.

૧૯૨૮માં બનેલી મૂંગી ફિલ્મ 'ડૉટર્સ ઓફ ટુડે'માં પહેલી વાર ચમકનાર ખલનાયક હીરાલાલે ૧૪૩- ફિલ્મોમાં ખૂન- બળાત્કારો કર્યા છે. ઘણો સારો એક્ટર, પણ ઍ-ગ્રેડનો વિલન કદી બની ન શક્યો. એના મૉડેલ પુત્ર ઇન્દર ઠાકૂરનું વિમાન અકસ્માતમાં મૃત્યુ થયું હતું. ફિલ્મની આ તો સેકન્ડ હીરોઇન મોહના છે, પણ આખી ફિલ્મમાં મોહના કઇ, એ શોધતા રહેવું પડે. આમ પ્રેમાળ પિતાના કિરદારો થોકબંધ કરનાર અભિનેતા બિપીન ગુપ્તા અહી મુખ્ય વિલનમાં છે. લૉરેન-હાર્ડીવાળા હાર્ડીની નકલ ઉતારવા માટે ફિલ્મોમાં આવેલા કહેવાતા કૉમેડિયન ગોપ અને દીક્ષિતની એક જમાનામાં જોડી હતી. ગોપ કમલાણીએ પહેલી અને છેલ્લી ભૂલ પોતાની નિર્માણ કરેલી ફિલ્મો બનાવવાની કરી, એમાં દેવાળું ફૂંકાઇ જતા, આઘાતથી મૃત્યુ પામ્યો. કોઇ ફિલ્મ અત્યંત ઘટીયા હોય, એનો બહુ વાંધો ન લઇએ કેમ કે, એ વખતની તો ઑલમોસ્ટ બધી જ ફિલ્મો આવી જ ફાલતું હતી પણ આ કોલમના વાચકોએ મારા ઉપર કૃપા કરીને પરમેશ્વરને પ્રાર્થના કરવી જોઇએ કે, એક આટલી કોલમમાં લખવા માટે અશોક દવેને કેટલો ત્રાસ વેઠવો પડે છે ? (એટલો તો જો કે, આ કોલમ વાંચતા તમે ય વેઠતા હશો... આ તો એક વાત થાય છે !) અહી 'નગીના'માં તો કોઇ મ્હોં- માથું જ ન મળે. એટલે, ફિલ્મની વાર્તાના અંશો લખવા એ જઘન્ય પાપ ગણાશે, છતાં કેટલાક મરવાના થયા હોય, તો હું બચાવી ન શકું, એટલે બે-ત્રણ લાઇનમાં અંશો પતાવી દેવા પડે. ડૉ.શ્રીનાથ (નાસીર ખાન) એના પિતા (શ્યામલાલ- ફિલ્મ 'પ્યાર કિયે જા'માં મેહમુદનો સસરો બને છે, તે) ઉપર એક સ્ત્રીની હત્યાનો આરોપ છે અને એ ત્યારના ગૂમ છે. જીવે છે કે નહિ, તેની ય શ્રીનાથને જાણ નથી. પિતાને નિર્દોષ સાબિત કરવા શ્રીનાથ એક બિહામણી હવેલીમાં દાખલ થાય છે, જ્યાં એને અડધી રાત્રે અગાસી ઉપર ચઢીને, લતા મંગેશકરના અવાજમાં 'તૂને હાય મેરે જખ્મે જીગર કો છુ લિયા...'ગાવાના ચહડકા ઉપડયા હોય છે. એ પણ એને બીવડાવવામાં ઉસ્તાદ છે. એ હવેલીનો માલિક બિપીન ગુપ્તા અને તેનો ગુંગો પણ ખતરનાક નોકર શ્રીનાથ ઉપર હુમલો કરે છે, કારણ કે મરનાર સ્ત્રી બિપીનભ'ઇના 'ઘેરથી'હતી અને તેની કિંમતી વીંટીનો અતિ મૂલ્યવાન હીરો (નગીના) શોધવાના એ બધા ધમપછાડા કરે છે. છેવટે પ્રેક્ષકોના સદનસીબે, ફિલ્મનો એક વાર અંત પણ આવે છે.

પણ ચર્ચા કરવા જેવી કોઇ ચીજ આ ફિલ્મે આપી હોય તો શંકર- જયકિશનનું ઍઝ-યૂઝવલ... મધુરૂં સંગીત. એક ગૂન્હો માફ કરીએ તો, ફિલ્મનું બૅકગ્રાઉન્ડ- મ્યુઝિ ભાઇશ્રી જયકિશને વધુ કાંઇ મહેનત કરવાને બદલે પ્રોકોફિયૅવની ફિલ્મ 'પીટર ઍન્ડ વૂલ્ફ'ની સીધી ઉઠાંતરી જ કરી છે, પણ બાકીનું ઘણું બધું ઓરિજીનલ હતું, જેમ કે લતા મંગેશકરનું 'તૂને હાય મેરે જખ્મે- જીગર કો છુ લિયા..'તો '૬૦ના દાયકામાં પણ અમદાવાદના ફિલ્મી- સંગીતના સ્ટેઝ પ્રોગ્રામોમાં નિયમિત ગવાતું. પણ કોણ જાણે ક્યાંથી શંકર- જયકિશનને... ફૉર એ ચેઇન્જ, કુંદનલાલ સાયગલના અવાજની હૂબહૂ નકલ કરી શકતા સિંધી ગાયક ચૈનાની હશમતરાય આત્મા એટલે કે, સી.એચ.આત્માને લઇ આવ્યા ને કેવું મધુરૂં કામ એમના ત્રણ ગીતોમાં લીધું છે. 'રોઉં મૈં સાગર કે કિનારે, સાગર હંસિ ઉડાયે...'તો આજતક લોકજીભે છે. આત્માનો કંઠ સંભળાવનાર પહેલા સંગીતકાર તો આપણા ઓપી નૈયર હતા, જેણે વિશ્વપ્રસિદ્ધ નોન- ફિલ્મી ગીત 'પ્રીતમ આન મિલો'ગવડાવ્યું. લોકો એને સાયગલ જ માની બેઠા. પણ આપણી જનરેશનમાં આત્મા પ્રસિદ્ધ થયા વ્હી.શાંતારામની ફિલ્મ 'ગીત ગાયા પથ્થરો ને'માં 'મંડવે તલે ગરીબ કે, દો ફૂલ ખીલ રહે હૈ'થી ! ''મૈં ઘી કા દિયા જલાઉં રે ઘર આઓ''જેવા નોન ફિલ્મી ગીતો ય જાણિતા થયા. સાયગલને ગુરૂ માનતા હોવાથી પોતાનું મૃત્યુ પણ સાયગલ જેવું જ હોવું જોઇએ, એમ કદાચ માની બેસીને આત્માએ પણ અઢળક દારૂં ઢીંચવા માંડયો અને ગુરૂ પાસે પહોંચી ગયા.

બધાએ ન સાંભળ્યા હોય. એમના નાના ભાઇ ચંદ્રુ આત્માએ પણ એવો જ કંઠ બનાવી સાયગલ- બ્રાન્ડના ગીતો ગાવા માંડયા, પણ આપણા દેશમાં બધું ચાલે, નકલ ન ચાલે, એ ધોરણે ચંદ્રુના ચંદ્ર કદી ખીલ્યો નહિ.

એમ તો લતાના 'યાદ આઇ હૈ, બેકસી છાયી હૈ...'જેવા બીજા ગીતો ય 'નગીના'માં હતા, પણ એ કલૅકટર્સ-સોન્ગ્સમાં આવે.

ગુજરાતી તરીકે કે પાકિસ્તાનના લાહોરમાં મોટું નામ કમાયેલા આપણા હળવદના બ્રાહ્મણ દલસુખ પંચોલીએ આમ પાછી કોઇ નોંધપાત્ર ફિલ્મો બનાવી નહોતી, જેને તમે ક્લાસિકમાં મૂકી શકો. યસ, ફિલ્મ 'આસમાન'થી ઓપી નૈયર, 'ખજાનચી'- 'ખાનદાન'થી નૂરજહાં અને પ્રાણ, ઉપરાંત રમોલા, સ્મૃતિ બિશ્વાસ, કોમેડિયન ઓમપ્રકાશ કે સંગીતકાર ગુલામ હૈદરને ફિલ્મોમાં લાવનાર આ પંચોલી હતા.

યસ. બહુ અભિમાન લેવા જેવું નામ તો નહિ, પણ પંચોલીના ભાણેજ (!) રવિન્દ્ર દવેએ ૧૯૭૧ની સાલમાં ઉપેન્દ્ર ત્રિવેદીને લઇને એ સમયે ઠપ્પ થઇ ગયેલા ગુજરાતી ચિત્રજગતને ફાળીયા- પાળીયાની અઢળક ફિલ્મો આપવાનો દૌર શરૂ કરાવ્યો, એ પહેલાં હિંદી ફિલ્મો 'સટ્ટા બાઝાર', રાજેશ ખન્ના-બબિતાની 'રાઝ', રાજ કપૂર- સાધનાની 'દુલ્હા-દુલ્હન'અને 'પોસ્ટબોક્સ નં.૯૯૯'જેવી અનેક ફિલ્મોનું દિગ્દર્શન કર્યું હતું. આજની આ ફિલ્મ 'નગીના'પણ તેમની જ. એ વાત જૂદી છે કે, દવે સાહેબ કદી સારી ફિલ્મ બનાવી શક્યા નહોતા- બધી એ જમાનામાં ચાલે, એવી બી-ગ્રેડની જ.

ક્યારેક લલચાઇ જવાય ફિલ્મના નામથી. લતાના 'તૂને હાય મેરે જખ્મી જીગર કો છુ લિયા'જેવા ગીતથી આકર્ષાઇને, 'ઓહ, નગીના કેવી ફિલ્મ હશે !'એવી બેતાબી ફિલ્મ જોયા પછી આપણને મારી મારીને ખોખરા કરી નાંખે છે. જોતી વખતે એટલા બધા સવાલો, આઘાતો અને ગાળો ઊભા થાય કે, 'બનાવનારમાં તો નહોતી.. જોનારે ય શું લેવા આવી ફિલ્મ જોઇ હશે ?'એવા પશ્ચાતાપોનો કોઇ ઉકેલ નથી.

ઍનકાઉન્ટર : 28-02-2016

$
0
0
* ગં.સ્વ. ડિમ્પલબેન રાજેશકુમાર કાપડીયાની હવે ઉંમર દેખાવા માંડી છે. તમને ?
- તમારી ઉંમર સુંદર સ્ત્રીઓની બાઓને જોયા કરે એટલી નાની તો નથી લાગતી !
(પંકજ દવે, વડોદરા)

* ચાર્ટર્ડ ઍકાઉન્ટન્ટના વ્યવસાય વિશે શું માનો છો ?
- કાંઇ નહિ. એમને બોલાવવા પડે, એટલું હજી કમાતો નથી.
(જે.કે. શાહ, બોટાદ)

* અમારા જેતપુરના સાડી-ડ્રેસ બહુ પ્રખ્યાત છે. કદી આવ્યા છો ?
- તે હશે..... પણ સાડી અને ડ્રેસમાં હું બહુ સારો ન લાગું.
(મૌલિક ભટ્ટ, જેતપુર-જૂનાગઢ)

* હૉલીવૂડની સ્ટન્ટ ફિલ્મો જેવા રીયલ સ્ટન્ટ જોવા આપણે બૉલીવૂડની 'ડી-ડે'કે 'ફૅન્ટમ'જેવી ફિલ્મો જોવી પડે છે.
- લાખ પ્રયત્નો કરવા છતાં હજી સુધી હૉલીવૂડનો કોઈ નિર્માતા આપણી એકે ય ફાળીયા-બ્રાન્ડ ગુજરાતી ફિલ્મ બનાવી શક્યો નથી.... હિંદીની નકલ કરતા તો સદીઓ નીકળી જશે !
(અનિરૂદ્ધ ચાવડા, વઢવાણ)

* સુખી જીવવાની રીત બતાવશો ?
- રોજ પેટ સાફ આવવું જોઇએ.
(કૌશિક કુમાર, કુવાસણા-મેહસાણા)

* જેટલી ખુશી ફૅસબૂક્સના લાઇક્સ વાંચીને નથી મળતી, એટલી 'ઍનકાઉન્ટર'માં અમારો જવાબ વાંચીને થાય છે... પંખો ચાલુ કરૂં ?
- તમારૂં વાંચન ઘણું ઊંચું કહેવાય ! અમદાવાદ કરતાં જૂનાગઢ ઘણો ઊંચો છે.
(કૃષ્ણા ઠાકર, જૂનાગઢ)

* કૉલેજમાં તમે કાયમ LLB હતા... 'ધી લૉર્ડ ઑફ ધ લાસ્ટ બૅન્ચ.'સાચું ?
- આ માહિતી ગુપ્ત રાખવાની હતી કે, હું કૉલેજ સુધી તો ભણ્યો છું...ને તમે-દોસ્ત દોસ્ત ના રહા.....
(ઈરવિન ક્રિશ્ચિયન, અમદાવાદ)

* તમે રીલાયન્સ જેવી નોકરી કેમ છોડી ?
- પાપી પેટને ખાતર.
(બ્રીજેશ દરજી, અમદાવાદ)

* છાપાંઓમાં આવતી તાંત્રિક અને મેલી વિદ્યાની જાહેરખબરો અંગે કેમ અવાજ ઊઠતો નથી ?
- ખોટાં તો ખોટાં.... સ્વયં પ્રજાએ આવા બે-ચાર જણાને જાહેરમાં ધીબેડી નાંખવા જોઇએ, જેથી બાકીના સીધા થાય !
(કૃષ્ણા ઠાકર, જૂનાગઢ)

* સ્વ. ઇન્દિરા ગાંધીનો જન્મદિવસ અને સરદાર પટેલની મૃત્યુતિથિ એક જ દિવસે આવતી હોવા છતાં ફક્ત ઇંદિરાજીને જ વધુ યાદ કેમ કરાય છે ?
- અને એમાં ય આ લોકો, '.... પટેલ તો અમારા જ'એવો પાગલ પ્રચાર કરીને સરદાર પટેલ જેવી આંતરરાષ્ટ્રીય પ્રતિભાને વામણી બનાવી રહ્યા છે.
(કાંતિલાલ માકડીયા, રાજકોટ)

* આધુનિક નવરાત્રીએ પારંપરિક નવરાત્રીનો છેદ ઉડાડી દીધો હોય, એવું નથી લાગતું ?
- દરેક ગરબામાં દાંડીયાને બદલે ફરજીયાત હાથમાં રાયફલો પકડાવો.... 'જયઅંબે'ને બદલે 'જયભારત'બોલાવો..... બધા છેદો ઊડી જશે !
(મુગ્ધા ઉલ્લાસ વોરા, જૂનાગઢ)

* ફિલ્મ 'બૉબી'માં ડિમ્પલને જોઇને લોકોનો ઉત્સાહ ઉભરતો, એવો આજે સની લિયોનીને જોઇને કેમ નથી આવતો ?
- તમારા સહિત હરએક સજ્જન ડિમ્પલને પોતાની સગી બહેન જેવી માને છે...
(મધુકર માંકડ, જામનગર)

* 'લગ્ન પછી તમે બહુ બદલાઇ ગયા છો !'એવું પત્ની અવારનવાર કહે તો શું સમજવું?
- હિમ્મત હોય તો એક વાર બદલાઇને બતાવો-હાથમાં ખણખણતો ચીપિયો પછાડી, 'અલખ નિરંજન'કરતો કૉલબૅલ વગાડો ને ધાક મારો, ''હા બોલ, હું ખરેખર બદલાઇ ગયો છું.... તારો વિચાર બદલાયો હોય તો બોલ !''
(દીપક આશરા, ગાંધીનગર)

* શું થવા બેઠું છે ? ગુજરાતનું અને દેશનું ?
- સૉરી, તમારા સવાલનો જવાબ ફ્રાન્સ, યા જાપાન કે ચાયનાથી મંગાવ્યો છે... આવી જશે તો સ્કૉટલૅન્ડથી જણાવીશું.
(શૈલેષ યાદવ, મજરા-પ્રાંતિજ)

* પાકિસ્તાન સામે યુદ્ધ છેડી દેવાનો સમય પાકી ગયો નથી ?
- ઓહ...તમે તો ભારતે યુધ્ધ છેડવું જોઇએ, એવું સૂચન કરતા લાગો છો. સૉરી, હું બ્રાહ્મણ છું, તમે સોની. બાકીના બધા દલિતો, મુસલમાનો, જૈનો, વૈષ્ણવો, પટેલો છે, લોહાણાઓ છે. દેશ ગયો ભાડમાં... પહેલા એ નક્કી થઇ જવા દો કે, અમારા બધામાંથી સૌથી ઊંચું કોણ ? જેમને અનામતો નથી મળી, એ પહેલા મળી જવા દો....
(દર્શન સોની, અમદાવાદ)

* મહેન્દ્રસિંહ ધોનીની કૅપ્ટનશીપ છોડાવવા ઘણા લોકો પાછળ કેમ પડી ગયા છે ?
- એ લોકો કોઇ પણ સબ્જૅક્ટમાં ધોનીથી આગળ નીકળી શકે એમ નથી, માટે !
(નિશીલ પટેલ, વડોદરા)

* તમને લાડવા ભાવે કે નહિ ?
- તોડતી વખતે હથોડી વળી જવી ન જોઇએ, એવા હોય તો ભાવે.
(તરૂલતા આર. ભટ્ટ, જૂનાગઢ)

* તમારા વાઇફ તમારા લેખો વાંચીને હસે છે ખરાં ?
- એ તો મારૂં વસીયતનામું વાંચીને ય હસી નહોતી.
(ઉપેન્દ્ર વાઘેલા, રાજકોટ)

* પાળેલા કૂતરાઓનું પેટ ખાલી કરાવવા ઘણા લોકો બીજાના ઘરનાં આંગણાં બગાડે છે...શું કરવું ?
-''કૂતરાઓ ભલે અહીં પતાવતા..... તમે ઘરે જઈને કરો,''એવું ચોખ્ખું કહી દેવાનું.
(દીપ્તિ રાવલ, અમદાવાદ)

* મારે મીડિયા સાથે કામ કરીને સમાજ માટે સારાં કામો કરવા છે. ક્યાં જોડાવું ?
- ઓહ... હું તો સમજ્યો, તમે કોઇ સારુ કામ કરવાનું પૂછો છો !
(સરફરાઝ ચવાણ, ગઢડા)

* સ્ટીવ જૉબ્સની જેમ તમારા ય કોઇ ગુરૂ ખરા ?
- ગુરુ બનાવનારાઓ સ્ટીવ જૉબ્સ કે અશોક દવે બની શકતા નથી.
(અલમીન વસાયા, કાસા-પાલઘર)
Viewing all 894 articles
Browse latest View live


<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>