* સ્ત્રીની સલાહ ઊલટી માનવાથી ફાયદો થાય છે... સાચું ?
- મનમોહનને પૂછો.
(રમેશ સુતરીયા - ટ્રોવા, મુંબઇ)
* તમે સાચેજ 'વર્સાચી'નું પર્સ લીધું ?
- ના. ખોટેખોટું લીધું.
(ચંદ્રકાંત બગડીયા, પૂણે- મહારાષ્ટ્ર)
* 'પીકે'ના પોસ્ટર દ્વારા આમિર ખાન શું સંદેશો આપવા માંગે છે ?
- હી હૅઝ નથિંગ ટુ હાઇડ !
(જીતેન્દ્ર કેલા, અમદાવાદ)
* મોદી સ્ટેજ પર આવે ત્યારે શ્રોતાઓ 'મોદી... મોદી...'ની બૂમો કેમ પાડે છે?
- રાહુલબાબા આવે ત્યારે આવી બૂમ પાડવાથી બા ખીજાય માટે.
(સાગર સુરતી, ફૉર્ટ સોનગઢ)
* 'કૉમેડી વિથ કપિલ'માં તમને જોવા છે...
- પુરૂષો સ્ત્રી બને, એ વાતની મને ચીતરી ચઢે છે.
(અનુરાગ મજમુદાર, વડોદરા)
* ફરાળી ભેળ, ફરાળી ઢોંસા, ફરાળી પિત્ઝા... હવે ?
- ફરાળી મગજ... ફરાળી લોહી... ફરાળી હૃદય...
(ડૉ. મનોજ કે. ખત્રી, વડનગર)
* તમારીદ્રષ્ટિએ જીવનની સુખદ સ્થિતિ કઈ ? પરણ્યા પહેલાની કે પછીની ?
- આ સવાલ હું કુંવારો હોઉં, ત્યારે પૂછવો.
(મુસ્તફા દાહોદવાલા, અમદાવાદ)
* મંદિરમાં જઈને ઘંટ કેમ વગાડાય છે ?
- આજુબાજુના ભક્તોને આપણા આવવાની જાણ કરી શકાય.
(મેહુલ ઠાકોર, દેસાઇપુરા- બાયડ)
* કોઇ સુંદર છોકરી તમારો મોબાઇલ નંબર માંગે તો આપો ?
- આપું છું, પણ પછી ફોન એમની મમ્મીઓ કરે છે.
(જયમિન ભટ્ટ, અમદાવાદ)
* તમારા જેવા મોટા ગુજરાતી હાસ્ય લેખકો આજની પેઢીમાં તો જોવા નથી મળતા. તમારા પછી આ વારસો કોણ સંભાળશે ?
- મને ય એ જ ચિંતા છે. ચલો, હું આવતી પેઢી સુધી ખેંચી નાંખુ છું.
(અવનિ શાહ, મુંબઈ)
* પુરૂષની જીંદગીમાં સ્ત્રીનું મહત્ત્વ શું છે ?
- એકાદ-બેની મને ખબર ન હોય.
(માસ્ક પટેલ, અમદાવાદ)
* સ્વિમિંગ કોસ્ય્ચૂમમાં તમને કોણ વધારે ખૂબસુરત લાગી ? અક્ષય કુમારની સાસુ કે અશોક દવેની સાસુ ?
- અમારામાં પરસ્ત્રી માતા સમાન ગણાય છે, પરસાસુ નહિ.
(રેણુ દેવનાણી, અમદાવાદ)
* મારે નામ બદલવાનો વિચાર છે. આપનું કોઇ સૂચન ?
- 'વિપુલ'ને બદલે 'ફળફૂલ ચુડાસમા'કરી નાંખો. નામથી તો મહેંકશો.
(વિપુલ બી. ચુડાસમા, ભાવનગર)
* કોંગ્રેસની હાર માટે રાહુલ ગાંધી જવાબદાર નથી.... !
- રાહુ...!!!! નામ કંઇ સાંભળ્યું હોય એવું લાગે છે. શું આ ભ'ઇ કોઇ બંધ પડેલી મિલના કામદાર છે ?
(ડૉ. ભાલચંદ્ર હાથી, ગાંધીનગર)
* એક કૉલમ 'રવિવારની સાંજે'કેમ રાખી ન શકાય ?
- આ લોકો તો આ કૉલમે ય બંધ કરવાના પ્લાનમાં છે.
(નાદિશાહ ભૂલાણી, મુંબઇ)
* શુધ્ધ પ્રેમની વ્યાખ્યા શું ?
- મેં વ્યાખ્યાઓ શોધવામાં ટાઇમ નહોતો બગાડયો.
(ડી. વી. પરમાર, સંખેડા)
* નારી એટલે શક્તિ ને પુરૂષ એટલે સહનશક્તિ. તમે સહમત ખરા ?
- સહેજ પણ નહિ. પુરૂષ એટલે શક્તિ અને પુરૂષ એટલે જ સહનશક્તિ.
(ડૉ. રોહિત વેકરીયા, વલ્લભ વિદ્યાનગર)
* 'કીક'જેવી ફિલ્મો રૂ. ૨૦૦-કરોડની કમાણી કરે, એમાં પ્રેક્ષકોનું લૅવલ ક્યાં આવ્યું ?
- એ લેવલને 'કીક'વાગી કહેવાય !
(જયેશ અંતાણી, ભાવનગર)
* પ્રેમ ન સમજી શકાય એવી વાત છે, પણ બધાના માથે લગ્નનું ભૂત કેમ સવાર હોય છે ?
- ચૂડેલ મેળવવા.
(ધ્રુવ પંચાસરા, વીરમગામ)
* તમને આટલા બધા જવાબો આવડે છે, તો 'કૌન બનેગા મહાકરોડપતિ'માં કેમ નથી જતા ?
- ત્યાં તો બુધ્ધિવાળા જવાબો આપવા પડે છે.
(પારૂલ સુનિલ ગઢીયા, રાજકોટ)
* સ્ત્રીઓ માથામાં તેલ તો પોતાના ઘરનું નાંખે છે, એમાં તમને શું વાંધો છે ?
- એવું ચીંકણું માથું જોવું અમારે પડે છે, એમને પોતાને નહિ.
(કાંતિલાલ ખંડોર, મુંબઇ)
* સ્ત્રીને કેવી રીતે મનાવાય ?
- એટલા બધા ખરાબ દહાડા આવી ગયા છે ?
(ભાવિક રાઠોડ-પલાડી- વિસનગર)
* કહે છે કે ઘડપણ ભૂંડું હોય છે. તમે સુઉં કિયો છો ?
- આવે પછી કહું.
(જીયા પટેલ, ભાવનગર)
* પરદેશમાં ક્રિકેટરોને પત્ની/પ્રેમિકાને સાથે લઈ જવા ઉપર પ્રતિબંધ મૂકવો જોઈએ. સુઉં કિયો છો ?
- ભ'ઇ, લઇ જવા દો ને... ત્યાં બીજી પાંચને પત્ની બનાવે, એના કરતાં સાથે થર્ડ-અમ્પાયર સારો.. આઇ મીન, સારી !
(પરેશ અંતાણી, રાજકોટ)
* પહેલા એવું કહેવાતું કે, 'ધોતીયાં ઢીલા થઇ ગયા...'હવે જીન્સના જમાનામાં શું કહેવું ?
- ધોતીયાં હજી ઢીલાં નથી થયા... જીન્સ કરતાં ધોતીયું મોંઘું આવે છે.
(ચિત્તરંજન વરીયા, ગાંધીનગર)
* તમને કદી નૅગેટીવ આનંદ આવે છે ખરો ?
- હા, સ્પૅનની બુલ-ફાઇટમાં જ્યારે બુલ બુલફાઇટરને શિંગડા વડે રહેંસી નાંખે છે, ત્યારે હું રાજી થઇ જઉં છું. બુલના શરીરમાં ખૂંપેલો એક એક ભાલો મને વાગ્યો હોય, એવું દુઃખ થાય છે.
(પરીંદા મનોહર પરીખ, વડોદરા)
* અંગત જીવનમાં તમારી હ્યૂમર બધા સમજી શકે છે ખરા ?
- હા. એક દોસ્તના ડૉક્ટર-પત્ની મારા માટે કૉફી બનાવી લાવ્યા. મેં કીધું, 'સૉરી, મને ડાબી બાજુ નાકાવાળો કપ જ ફાવે છે.'મૂંઝાઇ ગયા. ઠેઠ બીજે દિવસે ફોન આવ્યો કે, 'મજ્જાક કરતા'તા ને ? હું આખો દિવસ ઘરમાં ડાબી બાજુ નાકાવાળો કપ શોધતી રહી... એ તો તમારા ભાઇએ કીધું કે, 'દાદુ, મજાક કરે છે...'બસ ને ...?
(પૂર્વી ક્ષિતિજ શાહ, અમદાવાદ)