Quantcast
Channel: Ashok Dave's Blog
Viewing all articles
Browse latest Browse all 894

જેન્તી જોખમ... બસ, હવે નથી !

$
0
0
એ વખતે પૂરા શહેરમાં કરફ્યૂ અને પોલીસે બેફામ ગોળીબાર કરીને અનેક નિર્દોષો કે દોષીઓને ઢાળી નાંખ્યા હતા. અમે ઢળાયા નહોતા, પણ દોષીઓ જરૂર હતા. અમે ખાડીયાના એટલે હખણા રહેવું લક્ઝરી ગણાય. સાંજે મોડેલ ટૉકીઝની બાજુમાં આવેલી પરમાર બૂટ હાઉસ તોફાનીઓએ તોડી. ફક્ત તોડી જ નહિ, લૂંટી પણ ખરી, કરફ્યૂ અને ગોળીબારો ફૂલ જોરમાં હોવા છતાં ! અમારા મોટા અને નાના સુથારવાડાને નાકે વગર તોફાને ય ટોળાં જામતા હોય, ત્યાં આ તો તોફાનો અને પોલીસની વાનો સામે ઢેખાળા ફેંકવાનો ઉત્સવ હતો. એટલે આવા શુભ પ્રસંગે તો ટોળાં બમણાં થઇ જતા. અમે સહુ હળીમળીને અમારા ભાગે પડતું આવેલું કૂંવારાપણું દૂર કરવાની વેતરણમાં પોળોને નાકે ઊભા રહેતા, જેથી ખાડીયાની કોઇ નિઃસહાય અબળાનું ભલું કરી શકાય. પણ છોકરીઓ ય ખાડીયાની હતી... બધી અક્કલવાળી નીકળી. આજ સુધીનો રૅકૉર્ડ છે... એકે ય છોકરી ખાડીયાના દેવ આનંદ કે રાજ કપૂરને પરણી નહિ. બહારના પ્રવાસીઓ ખાડીયામાં આવીને માલ સાફ કરી જતા ને અહીં અમે કૂંવારા ઊભા રહેતા.

જેન્તી જોખમ હળવળહળવળ થયે રાખતો. મને કહે, ''અસોકીયા, હેંડ ને, આપણે ય હાથ મારી આઇએ... બધા બૂટ-ચપ્પલ લઇ આવે છે.''નૈતિકતા નહિ, ડરના માર્યા હું ના પાડતો રહ્યો, એમ એની હઠ બમણી થવા માંડી, છતાં હું માનતો નહતો. પણ એક દ્રષ્ય જોઇને જેન્તી ભૂરાયો થઇ ગયો. કાયમ ગંજીમાં ફરતા હોવાને કારણે નામ 'વિઠ્ઠલ ગંજી'પડેલું. બીજા બધા તો બૂટ-ચપ્પલ લઇને આવતા દેખાતા હતા. આ એક વિઠ્ઠલ જ ગંજીની પછવાડે ચપ્પલો લઇને પાછો જતો દેખાયો, એટલે જેન્તીએ કારણ પૂછ્યું. જવાબમાં વિઠ્ઠલે ઐતિહાસિક જવાબ આપ્યો, ''વાઇફ માટે ચપ્પલ લઇ તો આવ્યો'તો, પણ બે જોડી માપમાં નથી આવતી, તે બદલાવવા જઉં છું...!'

હવે જેન્તીથી ન રહેવાયું. ''અસોકીયા, હવે નહિ રહેવાય... લોકો તો સાલા બદલાવવા જાય છે, ને આપણે પહેલી જોડી ય નહિ લાવવાની ? હવે તો ચલ જ !''

બહુ ફફડતે હૈયે અમે બન્ને મંઝિલની રાહે નીકળી પડયા. કવિ નર્મદે પણ કહ્યું હતું, ''તારી જો હાક સુણી કોઇ ના આવે તો એકલો જાને રે, હોઓઓઓ, એકલો જાને રે...!'' (દવે સાહેબ, આવું નર્મદે નહિ, રવીન્દ્રનાથ ટાગોરે કીધું હતું. જો કે, મેં માર્ક કર્યું છે કે, સમાજમાં ભૂલો ઊભી કરનારાઓ કરતા ભૂલો કાઢનારાઓની સંખ્યા મોટી છે. જેવા જેના લખ્ખણ !) અમે બન્ને ટાગોરની સલાહ માનવાને બદલે સાથે ચાલી નીકળ્યા. બાલા હનુમાન પહોંચીને ચારે બાજુ જોઇ લીધું. સુમસાન અંધારા અને નીરવ શાંતિ વચ્ચે પોલીસનો ખૌફ રાખવાની જરૂર નહોતી. આ બાજુ પતાસાની પોળે અને આ બાજુ ખાડીયા ચાર રસ્તે ભાવિ ઍન્જીનીયરોએ તારની વાડ પોલીસ-વાનને રોકવા બાંધી રાખી હતી. 'સબ સલામત'ભાળીને અમે 'પરમાર'માં ઘુસ્યા. અમારા સિવાય કોઇ નહોતું. અનેક લોકો અમારા પહેલા (હાથ નહિ), પગ સાફ કરી ગયા હતા.

અહીં મને આવા ડરની વચ્ચે ય હસવું એ આવ્યું કે, બુટ-ચપ્પલવાળાની દુકાનોમાં પેલી ઊંચી સીડી હોય છે, એના ઉપર ચઢીને જેન્તી ખોખાં તપાસતો હતો. સામાન્ય રીતે, ધરમની ગાયના દાંત ગણવાના ન હોય, પણ જેન્તી ચૉઇસનો માણસ. વાઇફને શું ગમે છે, એની એને ખબર અને એ જ ચીજવસ્તુ ઘેર લાવવાનો આગ્રહ રાખે. એક વાઇફની ચૉઇસમાં ગોથું ખાઇ ગયો હતો. મેં કીધું ય ખરૂં, ''માસ્તર, (અમે બધા જેન્તીને 'માસ્તર'કહેતા.) અત્યારે જે હાથમાં આવે એ લઇને હેંડવા માંડવાનું હોય...ચોઇસો જોવાની ન હોય !''ભયનો માર્યો હું કંઇ લઇ ન શક્યો, પણ ત્યાં જ પોલીસ-વાનની સાયરન સંભળાઇ. બન્નેના પાટલૂન ભીનાં થઇ જાય એવું કાચી સેકન્ડમાં ફફડયા અને ભાગ્યા. પણ આ બાજુ ખાડીયા ચાર રસ્તે અને પેલી બાજુ પતાસા પોળે ભરચક પોલીસ-વાનો આવી ગઇ. ભાગવું ક્યાં ? ક્યાંય કશી સૂઝ ન પડી, એટલે બરોબર સામે આવેલા જાનીવાડામાં અમે બન્ને ભાગ્યા. ખાડીયાની મોટા ભાગની પોળોની જેમ આ પોળની બીજી બાજુથી બહાર નીકળાય એવું નહોતું, એટલે મરવાનું નિશ્ચિત હતું. મરવાનું ન હોય, તો લાઇફમાં ન ખાધા હોય, એવા પોલીસના ડંડા બેશુમાર માત્રામાં ખાવાના નક્કી હતા. ગભરાઇને અમે બન્ને પોળના સૌથી છેલ્લા મકાનના અંધારા ઓટલે ચઢીને ઊભા રહી ગયા. બહાર પોલીસોની ગાળો અને ડંડા પછાડવાના બિહામણા અવાજો આવે. હું છ-સાત હપ્તે બોલી શક્યો, ''માસ્તર... પોલીસ આઇ ગઇ છે.. હવે મરવાના છીએ.''જેમના ઓટલે ઊભા હતા, એ મકાનના માલિક કોઇ માજી હતા. એ બધું અંદર અમારી વાત સાંભળે. દયાથી પ્રેરાઈને એમણે હળવેકથી દરવાજો ખોલીને છપછપ અવાજે કહ્યું, ''બેટા, અંદર આવતા રહો. સારા ઘરના લાગો છો.''

એ વખતે અમને તાબડતોબ યાદ આવ્યું કે, આપણે તો સારા ઘરના છીએ, એટલે મેં માજીને કહ્યું, ''બા, અમે તો શ્રી. બાલા હનુમાનજીના પવિત્ર દર્શને આવ્યા હતા... ને પોલીસ આઇ ગઇ...''

માજીએ કહ્યું, ''હા ભ'ઇ... આજકાલ સારા માણસોનો તો જમાનો જ નથી. એક તરફ તમારા જેવા સજ્જનો છે ને ત્યાં કોક હરામીઓએ બૂટ-ચપ્પલની દુકાન તોડી ને લૂંટી છે... પછી તો પોલીસ ડંડા મારે જ ને ? તમે ત્યારે ગભરાયા વગર શાંતિથી ઉપર જતા રહો.''

અહીં જેન્તીને લોચો પડયો. અંધારામાં ઉપરના માળે જતા એને સદ્બુદ્ધિ સૂઝી ને શર્ટની પાછળથી ચોરેલી ચપ્પલો કાઢીને દાદરાના પગથીયાં વચ્ચે મૂકી દીધી. સવારે માજી આ, 'સારા ઘરના'છોકરાઓ વિશે શું વિચારશે, એ વિચાર્યા વગર અમે મકાનને ધાબે પહોંચી ગયા.

તમને ખાડીયાની જ્યૉગ્રાફી ખબર હોય તો આજે ય આખું ખાડીયા એક મોટા રો-હાઉસીસ જેવું છે. મકાનો જ નહિ, તમામ પોળો પણ એકબીજાથી જોડાયેલી. પતંગના શોખને કારણે છાપરાં કૂદવામાં અમારા સહુની માસ્ટરી હોય. કોઇ ન માને. પણ બાલા હનુમાનના જાનીવાડાના મકાનથી કૂદતાં કૂદતાં અમે ઠેઠ મોટા સુથારવાડાના શંભુ નિવાસ કાચી મિનિટોમાં પહોંચી ગયા. સહુ ચિંતાથી અમારી રાહ જોતા હતા. બધાને ડર કે, અમને પોલીસે ઝાલ્યા લાગે છે. અમને 'ગ્યારહ મૂલ્કોં કી પુલીસ'નહિ, પણ અમદાવાદની પુલિસ જ ઢુંઢતી હતી. પણ મિત્રો, સાચને શું કદી આંચ આવે ? (જવાબ : કદી ન આવે. જવાબ પૂરો)

જેન્તી જોખમના જોખમીપણાની શરૂઆત પણ અજીબોગરીબ તબક્કાથી થઇ હતી. હું સાયકલના પૅડલ મારતો મારતો કાંકરીયાથી આવું ને સિટી મિલ કમ્પાઉન્ડ પાસે મારી નજર શિરીષ પર પડી. હું તો મારી 'ફેરારી'માં લિફટ આપતો હોઉં, એમ ઑફર કરી, ''શિરીયા, બેસી જા.''એણે ચાલવાનું ચાલુ રાખીને કહ્યું, ''ના અસોકીયા... ડબલ-સવારીમાં પોલીસ પકડે.''

અહીં મેં જીવનનો એ રાહ અપનાવ્યો હતો કે, સાયકલ પર કોઇ પણ ગૂન્હા માટે પકડાઉં, તો પૂરા કૉન્ફિડન્સથી નામ સાચું લખાવીને સરનામું ખોટું લખાવવાનું. જેથી પકડવા આવે ત્યારે પોલીસ ગોટે ચઢે. મેં માસ્તરને સમજાવ્યા કે, ''ચિંતા નહિ કરવાની. નામ સાચું લખાવવાનું ને ઍડ્રેસ મારી બાજુનું. અશોક દવે, ૧૦૭૨, બાબુભાઇ મિસ્ત્રીનું મકાન, શામસંગાની પોળ, સારંગપુર, અમદાવાદ.''આટલું કૉન્ફિડૅન્સ અને ઝડપથી બોલી જવાનું. તારો ઘર નં. ૧૦૭૩. કોઇ નામ નહિ લે.''એ સાયકલની પાછળ બેસી ગયો ને બરોબર ખાડીયા ચાર રસ્તે પોલીસે અમને પકડયા. માસ્તરને દૂર ઊભા રાખીને પોલીસે પહેલા મને બોલાવ્યો. હું પોપટની માફક બધું બોલી ગયો. મને પૂછ્યું ય ખરૂં, 'પેલાનું નામ-સરનામું શું છે ?'મેં નામ સાચું આપીને કહ્યું, ''બસ સાહેબ..મારી બાજુનું જ મકાન...૧૦૭૩.''

મને દૂર ઊભો રાખીને પોલીસે માસ્તરને બોલાવ્યો. મારૂં નામ તો એણે સાચું કહ્યું, પણ એનું સરનામું સાચું બોલી ગયો. ''શંભુ નિવાસ, નાનો સુથારવાડો, ખાડીયા.''પોલીસની ભ્રમરો તંગ. એણે માસ્તરને જ પૂછ્યું, ''પેલો તો કહે છે, તું શામસંગાની પોળમાં રહે છે....?''

''સાહેબ, એ તો જુઠ્ઠો છે. મને ય શીખવાડતો'તો કે, પોલીસને ઉલ્લુ બનાવવા આપણે સરનામું ખોટું લખવાનું.''

પોલીસે એને જવા દીધો ને, મને ઠેઠ સવાર સુધી ચૉકીમાં બેસાડી રાખ્યો.

આવા અનેક કિસ્સાઓથી એનું નામ જેન્તી જોખમ પડયું, પણ એને ઓળખનારૂં આખું ખાડીયા સહમત કે, એના જેવો ભલો અને ગાંઠના ગોપીચંદનો કરીને દોસ્તોના કામમાં આવે એવો બીજો દોસ્ત નહિ મળે. અમેરિકાના ન્યુ જર્સીના ફલોરેન્સમાં એના મધર સાથે એકલો રહે. ત્યાં વડીલોના સૅન્ટરો ચાલે, એમાં એની વિશિષ્ટ સેવાઓ હોય. પોતાને મળતી વિના મૂલ્ય ભેટો કે રોકડ પણ એ અન્ય જરૂરતમંદ વડીલોને આપી દે. ઍલિસબ્રીજના દાળીયા બિલ્ડિંગમાં પણ એ રહે, એટલે વી.એસ. હૉસ્પિટલ તદ્દન નજીક. ખાડીયાનું કોઇપણ દાખલ થયું હોય તો શિરીષ ઘેરથી ટીફિન અને બે ટાઇમ ચા-નાસ્તો લઇ જાય..માત્ર દોસ્તો માટે નહિ...માણસ ખાડીયાનું હોવું જોઇએ. હૉસ્પિટલમાં રાત રોકાવું, એને માટે સ્વાભાવિક થઇ પડયું હતું. અમે સમજાવીએ કે, ''તારી પાસે રાત રોકાવીને સાલાઓ ઘેર મસ્તીથી સુઇ જાય છે. માસ્તર, તારે જરૂરત હશે તો એમાંનો એકે ય ખબર કાઢવા ય નહિ આવે.''તો જવાબ મળે, ''અસોકીયા, આપણે આપણી ફરજ નહિ ચૂકવાની. હું મરૂં ને આજુબાજુ પાંચ હજારનું પબ્લિક હોય તો ય મને બચાવી શકવાનું છે ?''

અને અમેરિકાના એના ઘરમાં એ હાર્ટ-ફૅઇલથી દેવ થઇ ગયો, ત્યારે સાચ્ચે જ, એની આજુબાજુ કોઇ નહોતું. એકલો જ ગયો...''તારી જો હાક સુણી કોઇ ના આવે તો એકલો જાને રે...''

સિક્સર

જેન્તી જોખમનું એક વાક્ય હંમેશા યાદ રહેશે, ''એવા દોસ્તો ઉપર ભરોસો નહિ કરતો, અસોકીયા....જેના ઘેર પુસ્તકનાં કબાટ કરતાં ટીવી મોટું હોય !''

Viewing all articles
Browse latest Browse all 894

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>