'શું અશોક દવે તમારા ઊંટ પર બેઠા હતા ?'
એક વીક પહેલાની 'બુધ.બપોરે'માં માંડવી-કચ્છના ઊંટ પર બેસવાની મારી દુર્ઘટના વિશે આ કૉલમમાં લખવામાં આવ્યું હતું. તે પછી કેટલાક ટીવી પત્રકારોએ સદરહુ ઊંટના માલિક મગનજીનો ઈન્ટરવ્યૂ લીધો હતો. ઊંટવાળો 'બુધ.બપોરે'નહોતો વાંચતો, એટલું ભણેલો તો હતો. સવાલ સાંભળીને બીડી બાજુ પર નાંખતા અકળાયેલા મોંઢે એણે સામો સવાલ પૂછયો, 'અચ્છા... મારા ઊંટની બદનામી ઠેઠ અમદાવાદ સુધી થઇ ગઇ છે ? કોણ હતો એ માણસ....??'
મગનજીને ઊંટ અને માણસ વચ્ચેના તફાવતની ખબર હોવી જોઇએ, એટલે મારા માટે આટલો આદરપાત્ર શબ્દ વાપર્યો. આમ મને રૂબરૂ જોયા પછી ઘણાને એ તફાવતનો ઝટ ખ્યાલ નથી પણ આવતો. એટલી કૃપા કે હજી સુધી કોઇ ઊંટને જોઇને, 'આ પેલી 'બુધવારની બપોરે'આ જનાવર લખે છે !'એવું કોઇ બોલ્યું તો નથી.
'શું એ વાત સાચી કે, ઊંટ પર બેઠા પછી અશોક દવે હખણા નહોતા રહ્યા. એમાં ઊંટ છિન્નભિન્ન થઇને ભાગ્યું અને દવેને ગબડાવી દીધા હતા...?'એક મહિલા-પત્રકારે સ્માઇલ સાથે મગનજીને પૂછ્યું.
'ના. ખોટું નહિ બોલું. એ ભ'ઇએ ઊંટને કોઇ અડપલું નહોતું કર્યું, પણ ખબર નહિ કેમ... એમના બેઠા પછી મારા ઊંટના હાવભાવ બદલાવા માંડયા. ઊંટે મારી સામે આજ સુધી ડોળાં કાઢવાની હિમ્મત નથી કરી, એ દિવસે ગુસ્સામાં એ ઊંધું ફરીને મારી ઉપર પાછળથી ચરક્યું.... 'ચરક્યું'એટલે સમજો છો ને ?'
'તમને લાત મારી... ?'
'એ ઊંટ છે... ગધેડું નહિ ! પૉસિબલ છે, એ ભ'ઇ મારા ઊંટને એવા લાગ્યા હશે.'
'અમારે ત્યાં તો ઘણાને એવા લાગે છે. પણ....!' (મને કચ્છી આવડતી ન હોવાથી, મગનજીના સંવાદોમાં કચ્છી-ટચ આપ્યો નથી. આ ઊંટવાળો એક વારનો 'કચ્છી-ટચ'લાઇફ-ટાઇમ માટે યાદ રહી ગયો છે.)
'મગનજીભાઇ... શું એ દિવસની ઘટનાનું આપ કેમેરા સામે વર્ણન કરી શકો ?.... અને કૅમેરામાં જોઇને બોલતી વખતે તમારો એક હાથ ઊંટની ડોક પર મૂકેલો રાખજો.... ઊંટના ફોટા સારા આવે !'
'ઊંટને મારી બાજુમાં ઊભું રાખવાનું શું કારણ ?'મગનજીએ ઊંટની ડોક ઉપર વાત્સલ્યસભર હાથ ફેરવતા પૂછ્યું.
'અરે ભ'ઇ, જે માણસ ૪૦-વર્ષોથી આખા ગુજરાતને હેરાન કરે છે...હવે કોઇ એનો ય બાપ નીકળ્યો છે...એ જોવાથી દર્શકો ય રાજી થશે. અમારો ટીઆરપી વધી જશે.'
'તે એમાં તો એવું થયેલું કે, સવારથી કોઇ ઘરાક મળતું નહોતું. મારૂં ઊંટ આ માંડવીના દરિયા કિનારે નવરૂં બેઠું હતું. ત્યાં આ ભ'ઇ આવ્યા ને ચાર્જ પૂછ્યો, મેં, 'હશે કોઇ ગરીબ બ્રાહ્મણ-ફામ્મણ', એમ સમજીને પચાસ રૂપીયા કીધા... આપણને એમ કે બોણીમાં કોણ કોઇ ભા'મણને પાછો કાઢે...? એમાં તો એ કોઇ મોટા વેપારી હોય એવી સૌદાબાજીથી બોલ્યા, 'પચ્ચા રૂપિયા...??? ઓ...., મારે ઊંટ ખરીદવું નથી... એના ઉપર બેસવું જ છે...!'
બસ, આ સાંભળીને મારૂં ઊંટ ભડક્યું. એ આમ કદી ઉશ્કેરાતું નથી. રાશિ મુજબ, એના પહેલા સ્થાનમાં મંગળ પડયો છે, એટલે મગજ તો તેજ રહેવાનું ! બસ. જેવા એ ભ'ઇ એની ઉપર બેઠા કે મારા ઊંટે લાંબો ઓડકાર ખાધો, ત્યાં જ મને ખ્યાલ આવી ગયો કે, ઉપર બેઠો છે એ મરવાનો થયો છે.'
'યૂ મીન... નૉર્મલ કૉર્સમાં ઊંટલોકો આવા ઘચરકા આઈ મીન, ઑડકારો નથી ખાતા ?'
'મારૂં ઊંટ તો 'વન્સ ઇન ઍ લાઇફટાઇમ'જ આવો ઘચરકો ખાય છે. એમાં....'
'ઓહ વાઉ.. તમે ઇંગ્લિશ પણ બોલો છો ?'
'મને ક્યાંથી આવડે ? આ તો પેલા લેખક, વાતવાતમાં મારા ઊંટના બરડા ઉપર હાથ ફેરવી ફેરવીને બધાને કહેતા હતા, કે આ હું 'વન્સ ઇન ઍ લાઇફટાઇમ...'પહેલી વાર જ કોઇ ઊંટનો બરડો પંપાળી રહ્યો છું.'એમાં પૉસિબલ છે ઊંટ કાંઇ જુદું સમજ્યું હોય ને જરી રૉમૅન્ટિક થઇ ગયું હોય... એટલે એમને લઇને ભાગ્યું હોય ! એ પોતે પેલું કહેતા હોય છે ને...
આ તો એક વાત થાય છે ! એ તો પાછા આવા ઠંડા દરિયા કિનારે ય કોઇને પંખો ચાલુ કરવાનું કહેતા'તા...'
'પણ.. ઊંટ એમને લઇને ભાગ્યું ક્યાં...?'ટીવીવાળાએ મગનજીનો ક્લૉઝ-અપ બતાવીને પૂછ્યું.
'એ તો ખબર નથી, પણ લેખક પાછા આવ્યા ત્યારે લોહીલુહાણ હતા..'
'... અને ઊંટ ?'
'એ બેભાન થઇ ગયું હતું....'
આ ઘટનાએ દેશભરની ટીવી ચૅનલોને જાગૃત કરી દીધી. 'ક્રાઇમ્સ-નાઉ'ના કરૂણબ ગોસ્વામી, નારાજદીપ હરડેસાંઈ કે ગરજત શર્મા જેવા ટીવી-ઍન્કરોએ મારી ઘટનાને રાષ્ટ્રવ્યાપી સમસ્યા ગણીને પોતપોતાની ચૅનલો ઉપર 'ટૉક-શો'રાખ્યા. આમાં માલધારી યુવા સંગઠન કે 'ઢોર ત્રાસ અંકુશ નિવારણ'ના પ્રમુખો આવે, એ તો સમજ્યા પણ આજકાલની ટીવી-ફૅશન મુજબ, ટીવી પરની તમામ ચૅનલોમાં એક વિશ્વ હિંદુ પરિષદ, એક મુસ્લિમ નેતા, એક દલિત નેતા, એક કૉંગ્રેસી અને એક રીટાયર્ડ જજનો સમાવેશ કરવો જરૂરી છે. બધાએ શરત એટલી પાળવાની કે કોઈએ કોઇને બોલવા નહિ દેવાનો. એક પણ ચૅનલના એક પણ ઍન્કરની એ હેસીયત નથી કે, એકબીજા સામે ઘુરકીયા ને બકવાસ કરતા મૅમ્બરોને રોકી શકે.
કરૂણબ ગોસ્વામી : એક તરફ દેશની સરહદો સળગી રહી છે, ત્યારે કચ્છ જેવા સૅન્સિટીવ વિસ્તારમાં એક લેખકે લેવા-દેવા વગરનું એક ઊંટ છંછેડયું છે. શું આ મુદ્દો માનવાધિકારની રક્ષાનો છે ?
માલધારી નેતા : 'ઊંટાધિકાર'ની રક્ષાનો છે અને---
કરૂણબ : તમે વચમાં નહિ બોલો. આ ચૅનલનો માલિક હું છું. સમજ પડી ? હાં, તો તમે શું કહેતા'તા ?
મા.ને. : હું તો હજી----
કરૂણબ : તમે ઊંટ છો ? ઊંટ હો તો વચ્ચે બોલો. હું કૉંગ્રેસના---
મા.ને. : તમે તો મને બોલવાનું કીધું ? અને... શું હું આપણા વિદ્વાન ભાજપી નેતાશ્રીને પૂછી શકું કે, ઊંટોના મામલામાં કૉંગ્રેસીઓને આ પ્રોગ્રામમાં શું કામ ભાડે રાખ્યા છે...?
કૉંગ્રેસી : અહીં સ્ત્રી-સશક્તિકરણનું અપમાન થઇ રહ્યું છે...
કરૂણબ : મિસ્ટર કૉંગ્રેસી, ઊંટોની વાતમાં સ્ત્રીઓની વાત વચમાં ક્યાં આવી ?
ભાજપ : બંનેની સમસ્યા અને લક્ષણ સરખા છે...
કૉંગ્રેસ : પહેલા તમારી ઊંટડીને જુઓ......માફી માંગવી પડી ને ?
વિહિપ : તમારી ઊંટડીને તો કોઇ જોવા ય માંગતું નથી...
કરૂણબ : હું મુસ્લિમ નેતા ગફૂરભાઈને પૂછીશ કે, અશોક દવેના ઊંટ ઉપર બેસવાથી ઊંટના ઢેકાને કોઇ નુકસાન થયું હતું કે કેમ ?
મુ. નેતા : જનાબ... શું અશોક દવે સા'બને ઊંટોની સમકક્ષ અધિકારો આપવા ન જોઈએ ?
દલિત નેતા : મારે એ જાણવું છે કે, સદરહૂ આરોપી અશોક દવેએ દલિતોના ઉધ્ધાર માટે કોઇ કામ કર્યું છે ?
કરૂણબ : અત્યારે આપણે ઊંટ પર થયેલા અત્યાચારની ચર્ચા કરવાની છે... ઊંટ જેવા લક્ષણો ધરાવતા .....આઇ મીન, 'અન્યનું તો એક વાંકુ, એમના અઢાર છે'વાળા કોઇ શખ્સની નહિ.
કૉંગ્રેસી : ઊંટ ભાગ્યું એમાં મને ભાજપનો હાથ લાગે છે.
ભાજપ : 'કરૂણબ... કરૂણબ... પહેલા કૉંગ્રેસને એ તો પૂછો કે, તમારી પાર્ટીમાં ઊંટો તો ઠીક, વફાદાર કૂતરાઓ ય નહોતા, એમાં કૉંગ્રેસ બધી ચૂંટણીઓ હાર્યું...!
કરૂણબ : સૉરી જૅન્ટલમૅન..... ધ ટાઇમ ઈઝ ઑવર....ઊંટે આપણા લેખકશ્રી અશોક દવેની માફી માંગી લીધી છે...
દલિત નેતા : એકલી માફીથી શું વળે...? ઊંટ રાજીનામું આપે...
કરૂણબ : બાય ધ વે...મેં ઊંટો તો જીંદગીભર જોયા છે.... પણ આ 'અશોક દવે'કોણ છે ?
સિક્સર
- આ ગઇ ૧૪મી નવેમ્બરે દર વર્ષની જેમ 'બાલ-દિન'કેમ ન ઉજવાયો ?
- સૉરી....રાહુલજી બહાર હતા !