Quantcast
Channel: Ashok Dave's Blog
Viewing all articles
Browse latest Browse all 894

'અનુપમા' ('૬૬)

$
0
0
જેની કોઇ ઉપમા આપી ન શકાય તે અનુપમા
- કુછ દિલને કહા, ઐસી ભી બાતેં હોતી હૈ...
યા દિલ કી સુનો દુનિયાવાલોં, યા મુઝકો...
ધીરે ધીરે મચલ, અય દિલે-બેકરાર.....

ફિલ્મ : 'અનુપમા' ('૬૬)
નિર્માતા : એલ.બી. લછમન
સંગીત : હેમંત કુમાર
ગીતો : કૈફી આઝમી
રનિંગ ટાઇમ : ૧૪૮ મિનિટ્સ - ૧૫ રીલ્સ
થીયેટર : મૉડેલ (અમદાવાદ)
કલાકારો : ધર્મેન્દ્ર, શર્મીલા ટાગોર, દેવેન વર્મા, શશીકલા, તરૂણ બૉઝ, સુરેખા, પંડિત, દુર્ગા ખોટે, ડૅવિડ, દુલારી, નયના, અમર અને બ્રહ્મ ભારદ્વાજ.


ગીતો
૧. ભીગી ભીગી હવા, સન સન સનકે જીયા... - આશા ભોંસલે
૨. ધીરે ધીરે મચલ, અય દિલે બેકરાર, કોઇ... - લતા મંગેશકર
૩. કુછ દિલને કહા, ઐસી ભી બાતેં હોતી હૈ... - લતા મંગેશકર
૪. યા દિલ કી સુનો દુનિયાવાલોં, યા મુઝકો... - હેમંતકુમાર
૫. ક્યું મુઝે ઇતની ખુશી દે દે, કિ ઘબરાતા હૈ દિલ... - આશા ભોંસલે

ગાયક-સંગીતકાર હેમંતકુમારની કરિયરના સાતે આસમાન ખુલ્લા મૂકી દેનાર મસ્તમધુરૂં ગીત, 'યા દિલ કી સુનો દુનિયાવાલોં, યા મુઝકો અભી કુછ કહેને દો...'મૂળ તો ગુરૂદત્તની ફિલ્મ 'સાહિબ, બીબી ઔર ગુલામ'માટે તૈયાર થયું હતું, જેના શબ્દો હતા, 'સાહિલ કી તરફ કશ્તિ લે ચલ, તુફાં કે થપેડે સહેના ક્યા...' ('યા દિલ કી સુનો...'ના ઢાળમાં ગુનગુનાવી જુઓ!) પણ ફિલ્મની લંબાઇ વધી જવાને કારણે ગુરૂદત્તે એ કાઢી નાંખ્યું હતું, પણ હેમંત દા ને ખૂબ ગમી ગયેલી આ ધૂન એમના જહેનમાં, દાદાએ પતરાંની ડાબલીમાં પેઢીઓથી જાળવી રાખેલા સાચા મોતીની જેમ જળવાઇ રહી હતી. ફિર ક્યા...? ઋષિકેશ મુકર્જીની ફિલ્મ 'અનુપમા'માં સાંગોપાંગ ઉતરી ગયું. હેમંત દા જીવ્યા ત્યાં સુધી, એમના દરેક સ્ટેજ-પ્રોગ્રામોમાં આ ગીત તો હોય જ! એમાં ય, ફિલ્મ જોતી વખતે આ ગીતનું પિક્ચરાઇઝેશન જુઓ/સાંભળો તો હેમંત દા ના ગળા ઉપર પચાસ પપ્પીઓ કરી દેવાનો આદર આવે.

જેમણે ફિલ્મ જોઇ ન હોય, એ બધા તો એમ જ માનતા હોય કે, હજી બીજા આઠેક હજાર વર્ષો સુધી ચાલે એવું લતા મંગેશકરનું પ્યારૂ-પ્યારૂં ગીત, 'ધીરે ધીરે મચલ, અય દિલે બેકરાર, કોઇ આતા હૈ...'ફિલ્મમાં શર્મિલા ટાગોરે ગાયું હશે. સૉરી.. ના! સુરેખા પંડિત નામની ફિલ્મોમાં જલ્દી આવીને જલ્દી ફેંકાઇ ગયેલી સાઇડી સુરેખા પંડિત ઉપર આ ગીત ગયું હતું. દેખાવમાં આપણી ભાભી લાગે, એવી સુંદર, એટલે કે ફિલ્મની હીરોઇન લાગે એવી નહિ, પણ આપણા જ ઘરમાં હોય એવી ભપકા-બપકા વગરની છતાં મનોહર લાગે, એવી સુરેખા ઋષિ દા ની અન્ય ફિલ્મો 'આનંદ', 'ગુડ્ડી'કે 'આશીર્વાદ'માં દેખાયેલી હીરોઇન સુમિતા સાન્યાલ જેવી નમણી લાગે... (ઉફ... સુમુને અત્યારે ખોટી યાદ કરાવી દીધી, નહિ? પાછા તમે 'આનંદ'ની સુમુની કોમળ સુંદરતાના સંસ્મરણોમાં ખોવાઇ જવાના...! પાછા આવો... આપણે 'અનુપમા'ને પતાવવાની છે!)

'અનુપમા'આપણી યાદોમાંથી ઝટ કે આવતી કાલે પણ ન પતાવાય એવી સ્વચ્છ અને લાગણીભરી ફિલ્મ હતી. ઋષિ દા ને સિંધી નિર્માતા એલ.બી. લછમન ફાવી ગયા હતા, એટલે આજના કે એ જમાનામાં ય સ્વચ્છ અને સામાજીક ફિલ્મો બનાવવા કોઇ નિર્માતા ખિસ્સામાં હાઠ નાંખે એવો નહોતો, ત્યારે લછમને-ભલે લૉ બજેટની - પોતાની ફિલ્મો ઋષિ દા ને જ બનાવવા આપતા. શરત એટલી કે, એમની ફિલ્મોના નામો 'અન...'થી શરૂ થવા જોઇએ. એટલે, 'અનાડી', 'અનોખી રાત', 'અન્નદાતા'.. અને 'અનુપમા'. પછી એમાંનો 'ન'કાઢી નંખાવ્યો અને દેવ આનંદનું 'અસલી નકલી'બનાવ્યું. ('અનસલી''એનક્લી'સારૂં ન લાગે માટે !) પછી તો 'એ'ય ગયો કામથી ને 'બુઢ્ઢા મિલ ગયા'અને 'મૅમદીદી'. (આપણને 'મૅમ-ફેમ'ની સમજ ન પડે, પણ આપણા દાદાજીના વખતમાં અંગ્રેજોના પ્રભાવ હેઠળ ગોરી સ્ત્રીઓને 'મૅડમ'કહેવાનો દસ્તુર હતો. પછી તો દેસી બૈરાઓ માટે ય 'મૅડમ'કહેવાવા લાગ્યું. 'મૅડમ'નું ય અપભ્રંશ (ગૈર્જાર્ચિૌહ) 'મૅમ'થઇ ગયું. તારી ભલી થાય, ચમના... પહેલા તારી વાઇફનું દેસી નામ બદલ... ગોદાવરી'ને પછી એના સફિક્સ કે પ્રીફિક્સમાં 'મૅડમ'લગાય! 'ગોદુ મૅમ'જરા ય સારૂં લાગે?

એ વખતે રેડિયો જ આપણું સર્વસ્વ હતું અને એ લોકોની મુનસફી મુજબ, એમને જે ગમતા કે કમાવી આપતા ગીતો હોય, એ જ રેડિયો પર વાગે. 'ધીરે ધીરે મચલ...'તો અઠવાડીયામાં પંદર વખત વાગતું હતું, પણ 'કુછ દિલને કહા, ઐસી ભી બાતેં હોતી હૈ...'બધું મીઠડું કમ્પૉઝીશન હતું, એ જવલ્લે જ વાગતું, આપણે ઘરે ન હોઇએ ત્યારે! મને યાદ છે, કૅસેટો નવી નવી નીકળી ત્યારે આ ગીત મેળવવા મેં ૩ થી ચાર ટકા ભારતભ્રમણ કરી નાંખ્યું હતું, મતલબ... અમદાવાદમાં ચાર-પાંચ જણાને પૂછી જોયું હતું. પણ હું ય સાલો નસીબનો બળીયો કેવો નીકળ્યો? મુંબઇ ગયો ત્યારે તારદેવના એક સ્ટુડિયોમાં સ્વયં લતા મંગેશકરને મારાથી ફક્ત અઢી ફૂટ દૂરના અંતરે આ ગીતનું રિહર્સલ કરતા સાંભળવા મળ્યા, ઓળખાણ થઇ ને એમના ઉપરની મારી (એ વખતે ચાલતી) લતા મંગેશકરની લેખમાળા એમણે પણ વાંચી છે, એ વાત સ્વયં એમના મુખે સાંભળ્યા પછી કેવો 'અશોક-અશોક'એટલે કે કેવો 'પાગલ-પાગલ'થઇ ગયો હોઇશ! મને લતાજી પાસે લઇ જનાર હૃદયનાથના પુત્ર આદિત્યએ કહ્યું કે, અમારા પરિવારમાં એક વહુ ગુજરાતી છે, એટલે લતાજીને તમારા લેખો એ વાંચી સંભળાવતી હતી... બોલો, આજકાલ આવી વહુઓ થાય છે ક્યાં...? આ તો એક વાત થાય છે!

પણ દમદાર ગીત તો લખાયું હતું, 'યા દિલ કી સુનો દુનિયાવાલો...'કૈફી આઝમી પેલા ઇશ્ક-મુહબ્બત કે પ્યાર-ઉલ્ફતમાં આખી જીંદગી ખેંચી કાઢનાર મજરૂહો, હસરતો કે મહેંદી અલીખાનો જેવા મીટરીયા શાયર નહોતા. બહુ જવલ્લે લખતા અને લખતા ત્યારે ભાવકો ઉપર એમના શબ્દોની કોઇ અસર થતી, ''ક્યા દર્દ કિસી કા લેગા કોઇ, ઈતના તો કિસી મેં દર્દ નહિ, બહેતે હુએ આંસુ ઔર બહે, અબ ઐસી તસલ્લી રહેને દો...''કૈફી પણ સાહિરની માફક મારા મનગમતા શાયર હતા. (સાચું નામ : સૈયદ અખ્તર હુસેન રિઝવી) 'વક્ત ને કિયા, ક્યા હંસિ સિતમ, તુમ રહે ન તુમ, હમ રહે ન હમ...'કે 'આરઝુ જૂર્મ વફા જુર્મ, તમન્ના હૈ ગૂનાહ, યે વો દુનિયા હૈ જહાં પ્યાર નહિ હો સકતા, કૈસે બાઝાર કા દસ્તૂર તુમ્હેં સમઝાઉં, બીક ગયા જો વો ખરીદાર નહિ હો સકતા...' ....આ કૈફી હતા! આમ તો હેમંત કુમારને કૈફી ખૂબ ગમતા, એટલે 'અનુપમા'માં બન્ને સાથે કામ કરતા કમ્ફર્ટેબલ હતા. બન્નેએ સાથે વધારે કામ કેમ ન કર્યું. નો આઇડાયા ! 'માંગા હુઆ તુમ કુછ દે ન સકે, અબ તુમને દિયા વો, સહેને દો..'

પણ અહીં હેમંત દા ની ય મર્યાદા છતી થઇ છે. સૉફ્ટ ધૂનો સુધી વાત બરોબર છે કે, કોઇ સંગીતકાર એમનો સાની નહિ, પણ જ્યાં પાર્ટી-પિકનીકના ગીતો કમ્પૉઝ કરવાના આવે, ત્યાં કાકા માર ખાઇ જતા. અહીં જ જુઓ. માંડમાંડ આશા ભોંસલેને બે ગીતો ગાવાના આવ્યા, એ પાર્ટી-પિકનીકના નીકળ્યા ને તદ્દન ફાલતુ ધૂનો બની. 'ભીગીભીગી હવા, સન સન સનકે જીયા'કે 'ક્યું મુઝે ઇતની ખુશી દે દે કે, ઘબરાતા હૈ દિલ...?'હેમંત દા ય ગુરૂ તો પાછા કલ્યાણજી આણંદજીના ને? એટલે આવા સો-કૉલ્ડ વૅસ્ટર્ન ગીતો બનાવવામાં ક્યાંક ગીટાર, ઍકૉર્ડિયન ને બૉંગો-કૉંગો પછાડી દીધા, એટલે આજની મજૂરી પૂરી...? ભારતના ૧૨૫ કરોડ ને એક ચાહકો એમને એમ શંકર-જયકિશનને સર્વોત્તમ નથી કહેતા... (આ વધારાનો એક એટલે આપણા 'દવે સાહેબ...'!) એ સૉફટ ગીતો ય એ જ મૅલડીમાં બનાવી શકતા, જેમ પાર્ટી-પિકનિકના ગીતો બનાવવાના હોય! એક જ જૉનરમાં એમની વાર્તા પૂરી થઇ જતી નહોતી.

'અનુપમા'એટલે જેની ઉપમા આપી ન શકાય એવી સ્ત્રી. ફિલ્મના રોલ પ્રમાણે શર્મીલા ટાગોર પરફૅક્ટ બંધ બેસતી હતી. દારા સિંઘના નાના ભાઇ જેવો લાગતો ધર્મેન્દ્ર આ ફિલ્મનો હીરો બન્યો, ત્યારે નજીકના યારદોસ્તોએ ઋષિ દા ને કીધું ય હતું કે, 'અચ્છા અચ્છા... હવે તો તમે માસ્ટર ચંદગીરામને (દારાસિંઘ પછી કુશ્તીમાં ભારત ચૅમ્પિયન બનેલો પહેલવાર) લઇને ય ફિલ્મ બનાવાશો ને ?''હવે યાદ કરો. ધર્મેન્દ્રએ જ્યારે જ્યારે બિમલ રૉય (બંદિની) કે ઋષિ દા ની ફિલ્મોમાં કામ કર્યું છે, ત્યારે એ ધર્મેન્દ્ર નહિ, કોઇ ઍક્ટર હોય એવું લાગતું હતું હતું. ધરમ ગમે તેમ તો ય બિમલ રૉયનો લાડકો હતો (ફિલ્મ બંદિની). અર્થાત, એક વાત તય થઇ જવા દો, કે હીરો લોગ કુચ્છ નહિ હોતે... ડાયરેકટર એની પાસેથી કેવું કામ કઢાવી શકે છે, એ જુઓ તો ફિલ્મ 'શોલે'માં અમિતાભ બચ્ચનનો રોલ ભારત ભૂષણ અને ધરમનો રોલ પ્રદીપકુમાર પણ કરી શક્યા હોત! સુઉં કિયો છો? (અશોક દવે, કોઇ સિમિલી તો જરા સારી આપો !)

આપણે કેવા ભાગ્યવાન છીએ કે, જે જમાનામાં બિમલ રૉય, મેહબૂબ ખાન, કે.આસીફ કે ઋષિકેશ મુકર્જી ફિલ્મો બનાવતા હતા, ત્યારે ફિલ્મો જોવા માટે આપણે સક્રીય હતા. બિમલ રૉય તો ઋષિ દા ના ગુરૂ પણ થાય, એટલે આ ફિલ્મ એમણે ગુરૂજીને અર્પણ કરી છે. લેખક હોવાનો ધોધમાર માર ત્યારે પડે કે, કોઇ ફિલ્મ જોવાનો હિમાલય સરીખો આનંદ વ્યક્ત કરવો હોય ત્યારે રેતીની ઢગલી જેવા વખાણો નીકળે ! આ ફિલ્મ 'અનુપમા'જોતી વખતે જ હું એટલી હદે લાગણીભીનો થઇ ગયો હતો કે, જાણતો હતો કે, મને ગમી છે, કક્ષાનો રીવ્યૂ નહિ લખી શકું ! આ માણસે જે ફિલ્મો આપી છે, તેમાં આપણા ફૂલ જેવી પ્રશંસાના વળતરમાં એણે આપણને આખો બગીચો આપી દીધો છે. લેખક તરીકેની માનમર્યાદા ભૂલીને પણ લખી દેવાનું મન થાય છે કે, શિક્ષિત અને સારા ઘરના હો, તો આ ફિલ્મની ડીવીડી તાબડતોબ મંગાવીને જોજો. ફિલ્મ જોતી વખતે કેવો મનોહર આનંદ આવે કે, હર્ષના આંસુ ફક્ત હર્ષ વખતે આવે એ જરૂરી નથી... કોઇની પ્રશંસા કરવામાં કાચા પડીએ ત્યારે ય આવે ! ઋષિ દા ની ફિલ્મોમાં એક એક પાત્રનું ચરીત્ર, વર્તન, બોલચાલ... એ બધેબધું આપણા જ પરિવારોનું હોય. ક્યાંય હીરોબીરોગીરી ન હોય. એક દિગ્દર્શક તરીકે દેવ આનંદ આમાં જ માર ખાઇ ગયો કે, એ દિગ્દર્શન કરવા બેસે, એટલે એની ફિલ્મના તમામ પાત્રો પાસે એની જ સ્ટાઇલની ઍક્ટિંગ કરાવે.

ઋષિ દા ની ફિલ્મોમાં કેમેરામેન જયવંત પઠારે, સાઉન્ડ ઇસ્સાભાઇ સુરતવાલા અને રસોડામાં એક મહારાજ આવે જ ! બ્લૅક-ઍન્ડ-વ્હાઇટ ફોટોગ્રાફી આટલી મનોરમ્ય હોય, એ તો આ ફિલ્મ જયવંતના લૅન્સથી જુઓ ત્યારે ખ્યાલ આવે. આપણા બધાનું ગમતું ગીત, 'કુછ દિલ ને કહા, ઐસી ભી બાતે હોતી હૈ...'ના ચિત્રાંકનમાં મહાબળેશ્વરના આઉટડોર લોકેશન્સ રંગીન ફિલ્મોમાં ય આવા સુંદર જોવા નહિ મળે. આપણા મનગમતા બહુ ઓછા ગીતો ફિલ્મના પરદા ઉપર જોવા ગમે. રેડિયોની મસ્તી અલગ હતી. ફ્રેન્કલી કહું, તો શર્મિલા મને ક્યારેય ગમી નથી, પણ કમાલ ઋષિ દા ની છે કે, આ ફિલ્મમાં શર્મીલા જેટલી પરફૅક્ટ અન્ય કોઇ હીરોઇન જ ન લાગે. ધર્મેન્દ્રને હીરોમાંથી 'એક્ટર'બનાવનાર જ ઋષિ દા. પણ આ લખતા લખતા ચાલુ ટીવીએ સમાચાર સાંભળ્યા કે ખૂબ સન્માન્નીય કૉમેડિયન દેવેન વર્માનું અવસાન થયું છે. આ મૂળ ગુજરાતી કલાકારે ઋષિકેશ મુકર્જીની ફિલ્મોમાં શોભે એવી અર્થસભર કૉમેડી કરી છે. શશીકલાને પણ એની છાપથી તદ્દન વિપરીત રોલ અહી મળ્યો છે. એ તો ચોપરાની 'ગુમરાહ'જોઇ હોય તો યાદ આવે કે, કેટલા મારકણાં રૂપની માલકીન શશીકલા હતી. પણ એ રૂપ જ એને છેતરી ગયું. ફિલ્મોથી કંટાળીને રીતસરનો સન્યાસ લેવા શશીકલા જંગલ- જંગલ ને બાવે- બાવે ભટકી... બધાની નજર અને ઇરાદો એના રૂપથી જ અટકતો હતો, એમાં કંટાળીને એ મુંબઇ પાછી આવી ગઇ. ટ્રેડિશનલી તો આ લેખમાળાના બધા લેખોમાં ફિલ્મની વાર્તાના અંશો જણાવવામાં આવે છે, જેથી જોયેલી છતાં ભૂલાયેલી ફિલ્મોનો ઍટ લીસ્ટ અર્ક તો યાદ આવે ! પણ અહી ફિલ્મ વિશે એટલું પૅપરે ય ફોડી નાંખવાની જીગર નથી ચાલતી... તમારો રસભંગ ન થાય માટે ! ભલે '૬૬ની સાલમાં અમદાવાદની મોડેલ ટૉકીઝમાં જોઇ લીધી હોય.. હવે ફરી જુઓ. હુ જેમ 'અશોક-અશોક'થઇ ગયો હતો, એમ તમે પણ 'ઘનશ્યામ- ઘનશ્યામ'કે 'કલગી-કલગી'થઇ જશો... આઇ મીન, 'પાગલ-પાગલ'થઇ જશો. હા. એટલું કહી દેવામાં બહુ વાંધો નથી કે ફિલ્મમાં હીરોનું નામ 'અશોક'હોય છે ને લેખક હોય છે ને કડકો હોય છે. (આટલામાં તો દસ હજાર લેખકોની વાત કહી દીધી કહેવાય !) પણ ગળે ન ઉતરે એવી વાત એ છે કે, આ ફિલ્મના લેખક અશોકને પ્રેમ કરવા માટે ઉમા (શર્મિલા) મળે છે, જ્યારે ગુજરાતના કોઇ લેખકને વાંચીને કોઇ ઉમા કે ફૂમા એના પ્રેમમાં પડતી નથી. બધી અક્કલવાળી હોય છે કે, આ લખલખ કરશે તો નોકરો કરવા ક્યારે જશે ? ફાઇવ-સ્ટાર હોટલ તો દૂરની વાત છે.. રાત સુધી રાહ જોવડાવીને માણેક ચૉક સુધી લાંબી કરીને બસ્સો ગ્રામ વણેલા ગાંઠીયા ખવડાવી દેશે ને, પછી કહેશે, 'મધુ... હવે કહે, મારી આંખોમાં તને શું દેખાય છે ?'મધુડી રીક્ષા કરીને ઘેર આવતી રહે કે નહિ ?

(સીડી સૌજન્ય : હરેશ જોશી- વડોદરા)

(ઇન્કાર, બારહ બજે, દો ઉસ્તાદ, કોરા કાગજ, પ્યાર કિયે જા, બાબુલ કોઇ વાચક પાસે આ ફિલ્મોના લેખની કોપી હોય તો મને ગુજરાત સમાચાર ખાનપુર, અમદાવાદના સરનામે મોકલવા વિનંતી. (અ.દ.))

Viewing all articles
Browse latest Browse all 894

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>