Quantcast
Channel: Ashok Dave's Blog
Viewing all articles
Browse latest Browse all 894

સ્ત્રીની રસોઇની એક વાર તો ટીકા કરી જુઓ

$
0
0
શહેર અમદાવાદ હોય કે રાજકોટ-સુરત, કઇ હોટેલ કે ડાઇનિંગ-હૉલ ખાલી જાય છે ? આમાં ભણેલી-ગણેલી કે સારા ઘરની સ્માર્ટ સ્ત્રીઓની જ વાત નથી. જગતભરની કોઇ પણ સ્ત્રીને તમે એની રસોઇના વખાણ કરો ત્યાં સુધી જ સારા લાગવાના છો. જીવનમાં જસ્ટ... એક વખત એનાથી ફાલતુ રસોઇ થઇ ગઇ હોય ને એ તમે પ્રામાણિકતાપૂર્વક કહી દીધું, પછી જોઇ લેજો ભાયડાના ભડાકા... (સૉરી, આમાં ભડાકા ભાયડાના ન આવે... વાઇફોના ભડાકા આવે ! - પ્રામાણિકતા પૂરી !) પોતાની રસોઇ માટે વાઇફોનો દાવો સાચો હોત, તો દરેક હોટલ આટલી ભરચક રહેત ખરી ?

એમાં તો કોઇ શક નથી કે, આપણી વાઇફો ખૂબ મહેનત કરીને/ઈન્વોલ્વ થઈને/ટીવી પર રસોઇ-શો જોઇજોઇને સુંદર રસોઇ બનાવે છે અને કોકવાર રસોઇ ફિક્કી બની જાય તો એનો વાંક નથી. રોજે રોજ એની રસોઇના કે બહાર જતી વખતે. 'જરા જુઓ તો...હું બરોબર લાગું છું ?'પૂછે, તો આપણે બાકાયદા સાચો અને સારો જવાબ આપીએ છીએ (મોંઢે તો જેટલું કહેવાતું હોય, એટલું જ કહેવાય, ભ'ઈ !)'

પણ એ ય માણસ છે. એનાથીય ભૂલ થઇ જાય ને રસોઇ બરોબર ન બની અથવા તો તૈયાર થયા પછી રોજની સરખામણીમાં દેખાવમાં એ જરા (અથવા પૂરી... જેવા જેના નસીબ...!) ઑર્ડિનરી લાગતી હોય ને સાચું કહી દીધું તો હાલ કેવા થાય છે, એ કોઇએ અમને લખીને જણાવવાની જરૂર નથી... અમે ૩૯-વર્ષથી પરણેલા છીએ....અમને નહિ ખબર હોય ? ઘરે તો જાવા દિયો, કોકના ઘેર જમવા ગયા હોઇએ, ત્યાં ય ઓટલા નીચે ગાય બેઠી હોય, એમ બોલ્યા વગર જે કાંઇ હોય, એ ચાવતા રહેવાનું...એટલું જ નહિ, ચાવતા ચાવતા મોંઢું હસતું રાખીને કહેવાનું ય ખરૂં, 'ભાભી, મૅક્સિકન તો તમારૂં જ હોં... એકદમ ડૅલીશિયસ.'

સાલું, મનમાં અને મોંઢામાં બધું સમજતા હોઇએ કે, સાયકલની ટયુબ ચાવતા હોઇએ. એવું એણે મૅક્સિકન બનાવ્યું છે. પણ પહેલા ઘામાંથી હજી કળ વળી ન હોય ત્યાં, આવતી કાલે સવાર સુધી રાત્રે પથારીમાં પેટ ઊંચું કરી કરીને થાકી જઇએ, એવી જાહેરાત તો મારી નંખાવે એવી હોય, 'બધ્ધું જ ઘેર બનાવ્યું છે...બધ્ધું જ ! બહારનું કાંઇ નથી. હજી બીજું લાવું છું.'

ઓ માં....બહારથી અમારા માટે વીસ રૂપીયાની પાણી-પુરી મંગાવી લીધી હોત તો ય તારી મૅક્સિકન-બાને ય પગે લાગી આવત. પણ તારા આ મૅક્સિકનના બદલામાં ભૈયો એના ખભે લટકાવેલો લાલ ઘમચો ય ના આલે, ત્યાં પાણી-પુરી તો બહુ દૂરની વાત છે. આપણી સામે બેઠેલા એના ગોરધનનું ચાવતું મોઢું જોઇએ ને હોઠના ખૂણા ઉપર નાનકડું પાસ્તું ચોંટયું હોય, તો આપણને જલન થાય કે, કમ-સે-કમ એટલું તો એને ઓછું ખાવું પડશે ! રોડ બનાવવાના ડામરનો વઘાર કર્યો હોય, એવી એમની દાલ-મખની સાહેબ... પી/ચાવી/ઓગાળી/રેડી કે ખાઇ તો જુઓ, આખી નગરપાલિકા બચી જાય, જો શહેરના રસ્તા આની દાલ-મખનીથી બનાવ્યા હોય તો !

મરવાનું તો ત્યારે થાય જ્યારે શ્રીકૃષ્ણ હાથમાં સુદર્શન ચક્ર લઇને કંસનો વધ કરવા આવ્યા હોય, એટલી ત્વરાથી પૂછ્યાગાછ્યા વગર પાલક-પનીરનો રગડો પેલી આપણા બાઉલમાં ઢોળી નાંખે, 'લેજો...લેજો.. લેવાનું જ છે... તમે તો હજી કાંઇ લીધું જ નથી !'

... કાંઇ લીધું જ નથી ?? ઓ બેન ચંપા, તારૂં પાલક-પનીર ખાતી વખતે ત્રણ વખત હાથમાંનો કોળીયો સીધો કપાળને અડી ગયો ને હજી તું કહે છે, 'કાંઇ લીધું જ નથી ?'ખૂન્નસ તો એ જોઇને ચઢે કે, આપણા તો ચારે બાજુથી પેટો ય વધ્યા હોય ને એના ગોરધનના પેટમાં ખાડો દેખાતો હોય ! એ તો પછી બહુ વિચારોએ ચઢી જઇએ ત્યારે રાઝ ખુલે કે, 'આ મરવાનો થયો છે... એને તો રોજ આણે બનાવેલું ચાયનીઝ, મૅક્સિકન, હંગેરીયન કે ઉત્તરસંડા સ્પેશિયલ જ ખાવાનું ને ? ...નહિ તો આજકાલ પેટમાં ખાડા કેટલાને હોય છે ?

આપણા બધાનો સરખો પ્રોબ્લેમ આવું જમ્યા પછી એમના વખાણો કરવામાં થાય છે. પહેલા એનો ગોરધન મચડી નાંખે.

'દાદુ, જમ્યા ને બરોબર...? બધું બરોબર હતું ?'તારી ભલી થાય ચમના... આને તું 'જમવાનું'કહેતો હોય, તો તું મારઝૂડ કોને કહેતો હોઇશ ? અમે તો એટલું સમજ્યા હતા કે, જમતી વખતે બાઇટ મ્હોમાં લઇને દાંત વડે ચાવી જવાનો હશે... એક હાથ વડે દાઢી નીચેથી ધક્કો નહિ મારવાનો હોય !

'તમે તો કાંઇ લીધું જ નહિ... અશોકભાઇ, તમારા ઘર જેવું તો નહિ બન્યું હોય...!'

અડધી ઊંઘમાં વહેલી સવારે બ્રશ ઉપર ટુથપૅસ્ટને બદલે બર્નોલ ચોપડાઇ ગયું હોય, એવું આપણું મોંઢુ થઇ જાય એનો આ સવાલ સાંભળીને ! અરે ગોદાવરી, મારી વાઇફે એક વખત આવી રસોઇ કરી હોત તો કસમ ખુદા કી... (સૉરી, ખુદાની કસમો તો ફિલ્મોવાળા ખાતા હોય...). કસમ તારા ગોરધનની કે, એક જ વાર એણે મારા ઘરમાં આવી રસોઇ બનાવી હોત, તો (કંઇક કરી નાંખવા માટે, ગુસ્સા કે ઝનૂન માટે અહીં કઇ સીમિલી આપું...? જલ્દી યાદ નથી આવતું...!) ઓકે, મારી વાઇફે જીવનમાં એક જ વાર આવી રસોઇ બનાવી હોત તો... મૂંગે મોંઢે ચુપચાપ ખાઇ લેત.. ('ઔર તુમ કર ભી ક્યા સકતે હો સલિમ...?') પણ તારા ગોરધનને એવું કહેવા ન આવીએ કે, 'તમારા ઘર જેવી રસોઇ તો નહિ બની હોય, નહિ ?'જેવી હોય એવી, વાઇફે બનાવી છે ને.. જમી... આઇ મીન, ગળચી જવાની ! હમ મર્દો કે લિયે ઓર કોઇ ચારા ભી હૈ, ક્યા ? (ચારા એટલે ઘાસચારામાં આવે છે એ !)

સ્ત્રીઓ તૈયાર થવામાં ય અપેક્ષા તો રાખે જ છે કે, આપણે એને જોઇએ, ધારી ધારીને જોઇએ, ટગરટગર જોઇએ. જગતની એક પણ વાઇફ એના ગોરધન સાથે પણ બહાર જતી વખતે એના ગોરૂને કેવી લાગતી હશે, એવું તો સપનામાં ય વિચારતી કે ઇચ્છતી નથી... બીજીઓને કેવી લાગીશ અને બીજીઓ કરતા કેવી લાગીશ, એના ઉમંગ અને જુસ્સામાં હોય છે. એને ગૅરન્ટી પણ હોય છે કે, ગોરૂને પૂછીશ એટલે જવાબ ધાર્યો જ આવવાનો છે, 'બહુ સ્માર્ટ અને રૉમૅન્ટિક લાગે છે, ડાર્લિંગ...!' (એક સ્પષ્ટતાઃ લગ્નના પહેલા અઠવાડીયે જે ગોરધનોમાં સાચું કહેવાની હિમ્મતો આવી ગઇ, એ બધા આજે બહાર પણ લહેર કરે છે....કોઇ પંખો ચાલુ કરો !)

યસ, આપણે તો એક લેખ પણ લખ્યો હતો કે, એક તો કલર કાળો ને કપડાં બધા કાળા જ પહેરવાના. તમારા સર્કલમાં યાદ કરી જુઓ. જેનો રંગ મુળથી જ બુટ-ચપ્પલના રંગ જેવો હોય, એ બધા કે બધીઓને કપડાં તો કાળા જ પહેરવા ગમે. બહેન મારી... ઘરમાં બારી-બારણાં, છત, ફલૉર અને ગાદલાં-પથારી-ઓશિકાં ય કાળા રાખવા...? તો અમે તારે ઘેર આવીએ તો કમ-સે-કમ તું અમને જડે તો નહિ ! કહે છે કે, કોઇ ફિલ્મમાં બેન રેખાએ કાળો ડ્રેસ પહેર્યો હતો, ત્યારથી આ બધીઓ ઊપડી છે !

પણ હે પુરૂષો, આ લેખ કેવળ તમારા માટે લખ્યો છે કે, પેલી મુદ્દાની વાત ભૂલતા નહિ. ગૅરેજમાં બેસીને ય ખવાય એવી રસોઇ તમારી વાઇફે બનાવી હોય કે ઘરની બહાર નીકળતી વખતે, એને જોનારાઓ બધા મરવાના થયા છે, એવી બીક લાગે એવી તૈયાર થઇ હોય તો પણ... તો પણ... તો પણ, અત્યંત સૌજન્યપૂર્વક એના વખાણ કરજો... એક નાનકડી ય ભુલ કાઢવા ગયા, તો એ ન ભૂલશો કે હિંદુ શાસ્ત્રો પ્રમાણે એકની એક વાઇફ સાત સાત જન્મો સુધી જમા કરાવે રાખવી પડે છે. 

સિક્સર
- રોજેરોજના ટ્રાફિક-જામો ઉકેલવા કેમ એકે ય પોલીસ દેખાતી નથી ?
- સૉરી, એમનું કામ રોડના કૉર્નર પર છુપાઇને ઊભા રહી, બૅલ્ટ પહેર્યા વગરના ગાડીવાળાઓને પકડવાનું છે.

Viewing all articles
Browse latest Browse all 894

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>